પ્રવાસના ઉત્તરાર્ધે – ગિરીશ ગણાત્રા

[‘હલચલ’ સામાયિકમાંથી સાભાર.]

રેલવેના રિઝર્વેશન કાઉન્ટર પાસે લાઈનમાં ઊભી રહેલી બીનાનો નંબર આવ્યો કે એણે ફોર્મ ધરી દીધું. કાઉન્ટરની પાછળ કોમ્પ્યૂટર પર બુકીંગ કરતી રશ્મિ નામ વાંચતા જ ચમકી અને કાઉન્ટર પાસે જઈ બોલી, ‘અરે બીના તું ? દિલ્હી જાય છે ?’
‘હા, ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટમાં અરજી કરેલી તે એનો ઈન્ટરવ્યૂ કોલ આવ્યો છે.’
‘ઘેર આવીને કહી ગઈ હોત તો ? અહીં ધક્કો ખાવાની શી જરૂર હતી ? અને લાઈનમાં શા માટે ઊભી રહી ? અંદર આવી ગઈ હોત તો ?’
‘તમારા આ કોમ્પ્યુટરરાઈઝડ રિઝર્વેશનને કારણે કોઈએ મને અંદર આવવા ન દીધી… આજે સવારે જ ટપાલમાં ઈન્ટરવ્યૂ કોલ આવ્યો. પપ્પાએ મને ફોન કરી ઑફિસમાં જણાવ્યું એટલે રિસેસ ટાઈમમાં રિઝર્વેશન કરાવવા દોડી આવી. ટપાલ પણ કેટલી મોડી મળી ? દિલ્હીથી અહીં આવતા એણે પૂરા આઠ દિવસ લીધા… રશ્મિ, એક સ્લીપીંગ બર્થ મળશે ને ?’

બીના ટિકિટ લઈને ગઈ એટલે એની સાથે કામ કરતી મંજુએ કહ્યું :
‘રશ્મિ, તું કહેતી હતી તે આ જ છોકરી ને ?’
‘હા, એના બોયફ્રેન્ડને તું જાણે છે ! તે દિવસે તું કાઉન્ટર પર હતી ત્યારે બેડ-રોલ માટે તારી સાથે ઝઘડો કરેલો એ જ છોકરો.’
‘સારો છે. બંનેનું જોડું જામે એવું છે.’
‘છે સ્તો. પણ બબ્બે વર્ષની મિત્રતા અને રોમાન્સ પછી કોણ જાણે બંને વચ્ચે એવી શી અંટસ પડી ગઈ છે કે હવે એકબીજાને ઓળખતા હોય એવો ઔપચારિક વ્યવહાર જ રાખે છે. પેલું ગુટુર..ગૂં…ગુટર…ગૂં… હવે નથી થતું.’
‘એક કામ કર રશ્મિ’ મંજૂએ સૂચન કર્યું, ‘બંનેનું બુકિંગ સાથે કરી નાખ. સામસામી બર્થ આપ. દિલ્હી સુધીમાં તો બંને ફરી પાછા એક થઈ જશે.’
‘પણ છોકરાને એ જ દિવસે પ્રવાસ કરવાનો થાય, અને એ પણ દિલ્હી સુધી; એ રિઝર્વેશન કરાવવા આવે તો શક્ય બને ને ?’
‘આ બીના ક્યાં રહે છે ?’
‘મારી જ સોસાયટીમાં. અમારી સોસાયટી તો એક નગર જેવી છે. એ એક છેડા પર અને હું બીજા છેડા પર.’
‘અને છોકરો ?’
‘એ પણ અમારી સોસાયટીમાં જ રહે છે.’
‘અચ્છા ?’

‘હા, એમના પ્રેમ-પ્રકરણની વાત સોસાયટીના ઘણાખરાને ખબર છે. પહેલાં તો બીના ઑફિસે જવા નીકળે કે સોસાયટીના દરવાજે આ છોકરો, એટલે કે દીપક, સ્કૂટર લઈને રાહ જોતો ઊભો જ હોય. એ બીનાને એની ઑફિસ આગળ ઉતારી પોતાની ઑફિસે જાય. બંનેની ઑફિસનાં ટેલિફોન-બીલ વધી ગયાં હોય તો એમના કારણે હશે…..’
‘તું એક કામ કર રશ્મિ. રેલવે નહીં તો બસ. તારી સોસાયટીના સભ્યોનો બે-ત્રણ દિવસનો એક ટૂર-પ્રોગ્રામ બનાવ. એ ટૂરમાં બંનેને સાથે સાથેની સીટ આપ અને પછી જો ખેલ.’
‘ગુડ આઈડિયા. એ બે જણાં કહે ન કહે, પણ કોઈકે તો પહેલ કરવી જ પડશે.’

રશ્મિ બોલકણી અને હસમુખી હતી. રેલવેમાં બુકીંગ પર બેસતી હોવાથી સોસાયટીના ઘણા માણસો પર ઉપકાર કરેલો. સોસાયટીનાં દસ-બાર કુટુંબો પાસે વાત વહેતી કરતાં પહેલાં એણે બીના અને દીપકને અલગઅલગ મળી વાત કરી ટૂરની તારીખ નક્કી કરી લીધી. એ પછી થોડા કુટુંબોને તૈયાર કરી સૌરાષ્ટ્રની ટૂરનું આયોજન શરૂ કરી દીધું. સોમનાથ, ગિરનાર, વીરપુર, પોરબંદરથી માંડીને દ્વારકા સુધીની ચાર દિવસની ટૂર માટેના આયોજક પણ એણે નક્કી કરી લીધા. બધાના આગોતરા પૈસા આવી ગયા હોવાથી બધા આવનારા હતા. આગામી ચાર દિવસની ટૂરની તૈયારીમાં સૌ લાગી ગયા. આવનારામાં માત્ર ચાર કે પાંચ જ વ્યક્તિઓ છડેછડા હતી. એ સિવાય સૌની સાથે એમનું કુટુંબ હતું. એ બધાને લક્ષ્યમાં રાખી રશ્મિએ બસમાં બેસવાની બેઠકો ફાળવી દીધી. બેઠકો ફાળવતી વખતે એણે દીપક-બીનાને પાસેપાસેની સીટ આપી.

રશ્મિએ જ્યારે ઑફિસમાં ચાર દિવસની રજા મૂકી ત્યારે મંજુએ પૂછ્યું પણ ખરું –
‘રશ્મિ, તારે માટે કોઈ છોકરો શોધવા-જોવા જવાનું છે કે શું ?’
‘આપણે માટે તો બ્રહ્માજીએ છોકરો ઘડી જ રાખ્યો છે. માત્ર એના સરનામાની ખબર નથી. એ તો મળી રહેશે પણ જેના સરનામાંઓ પાસે છે એ એકબીજાને આપવા માટેની રજા લીધી છે.’
‘તારી વાતનું મથાળું બરાબર બાંધ.’
‘ઈન્ટરવ્યૂ માટે પેલી દિલ્હી જવાવાળી છોકરી નહીં ? એનાં સાંધવા એક ટૂરનું આયોજન કર્યું છે. તારો આઈડિયા અને મારી એકશન.’
‘ત્યારે પરોપકાર કરવા રજા લીધી છે, એમ ને ?’
‘એમ ગણ તો એમ. ગોરમાને પાંચે આંગળિયે પૂજીએ તો સારો વર મળે એમ કહેવાય છે. અત્યારે તો બે આંગળીની પૂજા આરંભી છે.’

રાત્રે આઠ વાગે બધા પ્રવાસે ઊપડવાના હતા. સાંજે સૌને ઘેર જઈને રશ્મિએ બધાને બસની ફાળવાયેલી સીટના નંબરો આપી દીધા. સાંજે સાત વાગે એક સરસ મજાની લકઝરી બસ કંપાઉન્ડમાં આવી ઊભી કે બધા પોતાનાં બેગ-થેલાઓ લઈ બિલ્ડીંગની નીચે ઊતરવા લાગ્યા. બસની સીટની ઉપર, ડીકીમાં કે સીટ નીચે સામાન મૂકી બધા સીટ પર ગોઠવાવા લાગ્યા. દીપક અને બીના પણ આવી લાગ્યાં. ‘તમે પણ આવો છો ?’ જેવાં ઔપચારિકતાભર્યા વાક્યોની આપ-લે કરી જ્યારે એ બસમાં બેઠાં ત્યારે જ ખબર પડી કે બંનેની સીટ બાજુબાજુમાં જ છે !

શિયાળો પૂરો થયા પછીનો સમય, રાત્રિ-પ્રવાસની આહલાદક ફૂલગુલાબી ઠંડી અને મોડી રાત્રે આંખનાં પોપચાં પર બાઝતા ઊંઘના પોપડાએ ક્યારે બીનાનું માથું દીપકના ખભા પર ઢાળી દીધું અને ક્યારે દીપકનો હાથ બીનાના માથા પર મૂકાઈ ગયો એની બંનેમાંથી કોઈને ખબર ન રહી. દૂર બેઠીબેઠી રશ્મિ બસના ઝાંખા પ્રકાશમાં બંનેને નિહાળી રહી હતી. આ સમગ્ર ટૂરનું સંચાલન તો એક બીજા જ ભાઈ સંભાળી રહ્યા હતા પણ ટૂર ઊભી કરનાર રશ્મિ હોવાથી સૌ પોતાની મુશ્કેલીઓ રશ્મિને જ કહેતા. રશ્મિને ડર હતો કે દીપક અથવા બીના એની પાસે આવીને સીટ બદલવાની વાત કરે તો શું કરવું પણ એવું કશું જ બન્યું નહીં. વહેલી સવારે બસ એક હોટેલ પાસે આવીને ઊભી રહી ત્યારે દીપક અને બીના એક જ ટેબલ પર બેસી ગરમાગરમ ફાફડા-જલેબીને ન્યાય આપી રહ્યાં હતાં. ચાર દિવસના મોકળાશભર્યા આ પ્રવાસે બંનેમાં ગંઠાયેલી ગેરસમજણોને છૂટ્ટી પાડી દીધી. હેમખેમ પ્રવાસ પતી ગયો.

ઘેર પાછા ફર્યા પછી એક સવારે રશ્મિ પોતાના મોપેડ પર ડ્યુટી પર જવા નીકળી ત્યારે દરવાજે દીપક સ્કૂટર લઈને ઊભો હતો. એણે મોપેડ રોકી પૂછ્યું :
‘દીપકભાઈ, કોની, બીનાની રાહ જુઓ છો ?’
દીપક કંઈ બોલ્યો નહીં. પણ એનાં મોં પરના ભાવ ચાડી ખાતા હતા કે એ બીનાની જ રાહ જોઈ રહ્યો હતો. બીના આવવાની તૈયારીમાં છે એવું વિચારી રશ્મિએ દીપક જોડે પ્રવાસની વાતો છેડી. જેવી બીના આવી કે એ દીપકના સ્કૂટર પાસે જ ઊભી રહી. રશ્મિએ જતાંજતાં હસીને માર્મિક ટકોર કરી : ‘હનીમૂન માટે જવાનું હોય ત્યારે રેલવેસ્ટેશન પર આવી રિઝર્વેશનની કતારમાં ન ઊભા રહેતાં. મારે ઘરે આવી ફોર્મ ભરી દેજો. ટિકિટોની વ્યવસ્થા થઈ જશે……’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાત્સલ્યના હસ્તાક્ષર – રીના મહેતા
સોનામાં સુગંધ – અવંતિકા ગુણવંત Next »   

11 પ્રતિભાવો : પ્રવાસના ઉત્તરાર્ધે – ગિરીશ ગણાત્રા

 1. trupti says:

  આગળ પણ આ વાર્તા વાચેલિ છે છતા પણ આજે વાચવા ની મઝા આવી.

 2. nayan panchal says:

  પ્રથમ વાર મને ગિરિશભાઈની કોઈ વાર્તામાં મજા ન આવી, સોરી.

  નયન

 3. Ami says:

  સરસ વાત…

 4. bina b joshi says:

  It’s looklike a real story. ILIKE IT VERY MUCH.

 5. Akash says:

  સરસ વાર્તા.

 6. Parthiv Desai says:

  સરસ વાર્તા આપણે બસમા સાથે બેથા હોઇએ એવિ અનુભુતિ થઇ.
  રસ્મિ જેવા ગણા હિતેચચ્હુ આ જગત મા આજે પન જોવા મલે છે.

 7. Veena Dave, USA says:

  રેલ્વેની બુકિગ ઓફિસમા કામ કરતી રશ્મિએ બસમા બેઠકો ફાળવી?????
  (બસની બેઠ્કો પાસે આવે એમ રશ્મિએ બુકિગ કરાવ્યુ).
  સારી વારતા.

 8. Nishva Mehta says:

  સુંદર રચના..આ દુનિયામાં માણસ માત્ર પ્રવાસીની જેમ પસાર થઈ જાય છે. પરંતુ એમાં કોઈક માણસ જ રશ્મિ જેવા હોય છે અને આવા યાત્રીઓના જ પગલાની છાપ ઊઠે છે, અમીટ રહે છે. ……..સંબંન્ધ ,પ્રેમ, વિશ્વાસ અને સમજદારીની સમજ
  જોવા મલે છે આ વાર્તા માં………….

 9. Jinal Patel says:

  બહુ જલ્દી પતી ગઈ વાર્તા .

 10. Ashish Dave says:

  Girishbhai is a very good story teller but some how this was not among his best stories…

  Ashish Dave
  Sunnyvale, California

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.