વાત્સલ્યના હસ્તાક્ષર – રીના મહેતા

[‘ખરી પડે છે પીંછું’ પુસ્તકમાંથી સાભાર – પુનઃપ્રકાશિત. ]

એક દિવસ ઘરે કોઈ વડીલનો પત્ર આવ્યો. આમ તો એમના ઔપચારિક લખાણમાં રસ પડે એવું કંઈ નહોતું. છેવટેની થોડી બચેલી જગ્યામાં એમણે ‘રીના ને યાદ, ભૂલકાંને રમાડજો’ એવું લખ્યું હતું. પરંતુ ઓછી જગ્યા અને ઉપરનીચે લખાણને કારણે એક પળ મારી આંખને ‘રીનાને રમાડજો’ એવું વંચાયું. પહેલા તો રમૂજ થઈ. પરંતુ વળતી પળે ધીમે રહીને મારી આંખમાં ભીનાશનું વાદળ ઊમટ્યું. ભૂરી શાહીથી ધ્રૂજતા હાથે લખાયેલા, એક સરખા લખાણવાળા અનેક પત્ર એ ભીના વાદળની આરપારથી મારી નજરમાં સમાઈ ગયા.

દર વીસ-પચ્ચીસ દહાડે કે મહિને ધ્રૂજતા હસ્તાક્ષરવાળો એક પત્ર અચૂક આવતો. હું થોડું-થોડું વાંચતા શીખી ત્યારથી એ પત્ર અવશ્ય વાંચતી. શરૂઆતમાં ‘રા.રા. શ્રી ફલાણા-ઢીંકણા’ લખેલું હોય તે વાંચી બાને પૂછતી – ‘રા. રા.’ એટલે શું ? પછી હોય ‘કપડવંજથી ગૌરીશંકર ગટોરભાઈ ત્રિવેદીના જય સ્વામીનારાયણ’ પછી બધાંના ખબર-અંતર, સમાચાર હોય અને છેવટે સૌથી છેલ્લી ‘રીનાને રમાડજો’ – એવા બે શબ્દ અચૂક હોય જ હોય.

ઘરમાં હું સૌથી નાની એટલે મારું નામ નાની પડી ગયેલું, વળી, મોટો અને મોટી પણ ખરાં જ. હું ખૂબ નાની હોઈશ – કદાચ જન્મી ત્યારથી જ બાપુ આમ મને રમાડવાનું લખતા હશે. હું વાંચતાં શીખી ત્યારે કંઈ ઝાઝી રમાડવા જેવી તો ન જ હોઉં. પણ દૂર રહ્યે રહ્યે બાપુના મનમાં હું હજી નાની જ હતી. પછી તો આઠ દસ કે બાર વર્ષની થઈ તોય ‘રમાડજો’ વાળું લખાણ ચાલુ રહેતાં, જ્યારે પત્ર આવે ત્યારે મોટો અને મોટી મને ‘રીનાને રમાડજો, રીનાને રમાડજો’ કહી ખાલી ખાલી ચીઢવી રમાડવા જેવું કરતાં. મને શરમ લાગતી, હસવું આવતું અને ગમતું પણ ખરું. પછી તો પત્રના અક્ષર વધુ ને વધુ ધ્રૂજતા બનતાં બનતાં, સરળતાથી વંચાય નહિ એવા થતા ગયા. અક્ષરોની વધતી જતી ધ્રુજારી બાપુના હાથમાં કંપવાના રોગના વધેલા પ્રમાણને દર્શાવતી ગઈ. પહેલાં એ માઈલોના માઈલો ચાલતા, તે હવે ચાલવા ઉપર પણ કંટ્રોલ નહોતો રહેતો. દૂર રહી રહીને, અમારા સર્વની ચિંતા કરી કરીને જેના થકી સેંકડો પત્ર લખ્યા હતા તે હાથ મોઢામાં કોળિયોય માંડ ભરી શકતો, પછી કલમ તો ક્યાંથી કાગળમાં માંડી શકે ? છેવટે પાછળથી તેઓ કોઈ અન્ય પાસે પત્ર લખાવતાં, પણ ત્યાર પછી મને ‘રીનાને રમાડજો’ જેવાં, એમના બે હાથોમાં નાની થઈ ઊછળતી હોઉં એવા વાત્સલયથી ભર્યાંભર્યાં શબ્દ વાંચવા મળ્યા નહિ.

એમના કંપાતા હાથ પરત્વે મને બાળસહજ કુતૂહલ થતું. પછી એ કંપ ધીમે ધીમે એમના આખા શરીરમાં વ્યાપતો ગયો. એ વાત કરે તોય ઝટ સંભળાય નહીં. હાથમાં કોળિયો ઝાલ્યો હોય અને મોઢા આગળ આવે કે હાથ એકદમ ધ્રૂજવા લાગે. મોં અને કોળિયા વચ્ચેનું એક આંગળી જેટલું અંતર પણ એમનાથી ઓળંગાય નહીં. પછી દાદી એમને મદદ કરતા, પાછળથી ક્યારેક એમનો કંપતો હાથ મને મારા હાથ વડે ઝાલીને સ્થિર કરી દેવાની તીવ્ર ઈચ્છા થતી. પણ તેઓ જ્યારે એમના પ્રેમભર્યા ધ્રૂજતા હાથે મારા કુમળા-સુંવાળા હાથને પકડતા ત્યારે મારો હાથ પણ ધ્રૂજવા માંડતો ! થોડી મોટી થયા પછી હું પણ બા ભેગો એમને પત્ર લખતી. વૅકેશનમાં જઈને જોઉં તો કાચના કબાટના એક ખાનામાં અમારા પત્રો ! એ ફરીથી વાંચવાની મજા પડતી. મેં લખેલું લખાણ મને કોઈ બીજાએ લખ્યું હોય એવું લાગતું. અમારાં વર્ષોજૂનાં દીવાળીકાર્ડ પણ એ કબાટના કાચ પાછળ ગોઠવ્યા કરતા. મોટા થયા પછી હું પૂછતી, ‘આ શું આટલું બધું જૂનું-જૂનું રાખ્યા કરો છો ?’ જવાબમાં એ ઘોઘરું હસતાં કંઈક અસ્પષ્ટ શબ્દો ઉચ્ચારતાં. પત્રો ગમે ત્યાંથી મળી આવતાં. તેલની શીશીના ઓઘરાળાવાળા કાચના એ કબાટમાંથી, ભાગ્યે જ ઊઘડતાં કાળા બારણાવાળા બીજા કબાટોમાંથી, અંદરના ખંડનાં કપડાં વગેરે સામાનવાળા કબાટમાંથી, પીપડાઓ ઉપર મુકાયેલાં જર્મન-પિત્તળનાં ખાલી બેડાઓમાંથી, લાકડાના મોટામસ પટારામાંથી, પથારી નીચેથી….

આજે થાય છે કે પત્ર લખવો એ એક સામાન્ય બાબત છે પણ અમને પત્ર લખવો એ એમને માટે કેવી તો મહત્વની વાત હશે ? જીવનનો, જીવનના સંચારનો એક માત્ર તંતુ આ પત્રો થકી જોડી રાખતા. અમારા પત્રો મળતાં, અમારા કુશળ-સમાચાર મેળવતાં તેઓ કેટલો આનંદ પામતા હશે ! પછીથી, જ્યારે પત્ર ન લખી શકાતો અને એ બીજા પાસે લખાવવાનું, એમને કેવું આકરું લાગતું હશે ! પહેલાં અમે બધાં સાથે રજાઓમાં ત્યાં જતાં. પાછળથી એ શક્ય ન હતું. એકવાર હું અને બા એકલાં ગયેલાં. ત્યાંની મારી બધી બહેનપણીઓ પણ બીજે ચાલી ગયેલી. ઘર રીપેર કરાવાનું કામ ચાલતું હતું. બાની હાજરી વિના તે શક્ય પણ નહોતું. સાવ એકલાં મને ગમે નહિ. દર વૅકેશનમાં માણેલી મજા યાદ આવ્યા કરે તેથી અંદર-અંદર મૂંઝાઉં. છેવટે એકવાર અચાનક રડવા લાગી.
બા-દાદી-બાપુ મને પૂછવા લાગ્યા કે કેમ રડે છે. રડતાં-રડતાં મેં કહ્યું : ‘સુરત જવું છે….’
બાપુનો ચહેરો એકદમ ઓઝપાઈ ગયો. કદાચ, એમનો કંપતો – મારા માથે ફરતો હાથ અટકી ગયો. એ બોલ્યા : ‘કેમ નથી ગમતું ?’ હું જવાબ આપી ન શકી. ‘ઘરનું કામ ચાલે છે એ પૂરું થાય એટલે જજો’ એ બોલ્યા. મેં અજાણપણે એમને કોઈક દુ:ખ પહોંચાડ્યું હોવાનો આછો-પાતળો ખ્યાલ મારા મનમાં ઊપસી આવ્યો.

મને ખૂબ ગમતું સ્થળ બાળકમાંથી મોટા થઈ જવાની દોટમાં મનથી આઘું જતું રહ્યું હશે. બાપુને તે જ ક્ષણે મારા મોટા થઈ જવાની વાત સમજાઈ હશે. મારા નાના હોવાનો અમારા બંનેનો સહિયારો ભ્રમ તૂટી ગયો હશે. ‘રીનાને રમાડજો’ શબ્દ હવે તેઓ ધ્રૂજતે હાથે લખી શકે એમ નહોતા અને લખે તોય મને ઉકેલાઈ શકે એમ નહોતા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રાર્થના – સં. દેવેન્દ્ર એલ. ત્રિવેદી
પ્રવાસના ઉત્તરાર્ધે – ગિરીશ ગણાત્રા Next »   

14 પ્રતિભાવો : વાત્સલ્યના હસ્તાક્ષર – રીના મહેતા

 1. Neal says:

  મજા ના આવી. dunno something is missing…… રા.રા. – રાજમાન રાજેશવરી….

 2. gopal parekh says:

  રીનાને રમાડજો એ શબ્દો જ ઘણૂઁ બધુઁ કહી જાય છે, હૃદયસ્પર્શી વાત.

 3. ખુબ સુંદર.

  ક્યારેક મોટા થવામાં આપણું નિખાલતાભર્યું જીવન બંધાઇ જાય છે. મા-બાપ માટે તેમનું મોટું બાળક પણ નાનુ જ રહે છે.

  નાના હોઇએ ત્યારે મોટા થવાનું મન થાય, પછી એક દિવસ ફરી આપણને નાના થવાની ઇચ્છા થઇ આવે.

 4. nayan panchal says:

  રીનાબેન,

  માત્ર બે શબ્દો “રીનાને રમાડજો” પર લખાયેલો લેખ તમારી સર્જનક્ષમતાની સાબિતી પૂરી પાડે છે. રીડગુજરાતીના ડાઉનલોડ વિભાગમાં મૂકેલ તમારુ પુસ્તક વાંચ્યુ છે અને વારંવાર વાંચવા ગમે એવુ છે.

  મારા પપ્પાના મામાને જ્યારે મળવાનુ થતુ ત્યારે તેમનો મારા પ્રત્યેનો વ્હાલ જોઈને ઘણુ આશ્ચર્ય થતુ, મને તો ૩-૪ વર્ષની ઉંમરનુ કશુ યાદ નહિ. તેઓ બધી વાતો કર્યા કરે અને હું બાઘાનુ જેમ ફાંફા માર્યા કરું. આજે જ્યારે હું મારા ભાણિયાઓને કે ટેણિયાઓને તેમના બાળપણની વાતો કરુ છું ત્યારે તેમની પણ આવી જ હાલત હોય છે. ‘રીનાને રમાડજો’ શબ્દ હવે તેઓ ધ્રૂજતે હાથે લખી શકે એમ નહોતા અને લખે તોય મને ઉકેલાઈ શકે એમ નહોતા; આ પણ જીવનનો જ એક ભાગ છે.

  આભાર,
  નયન

  • Bhupendra says:

   Shri Nayanbhai

   su tame mane “DIKRI VAHAL NO DARIO” ane “DIKRI ETLE DIKRI” kyathi vanchi sakay athava to download kari sakay te janavso. pls. tame mane janavso to tamaro khub khub aabhar.

   maru email ID che i_u822@yahoo.com

   Regards,

   Bhupendra

 5. Jagat Dave says:

  મારા બા અને દાદા યાદ આવી ગયાં……..તેમના હસ્તાક્ષર જાણે હવામાં લખાઈ ને ઓગળી ગયા………તેમનાં કરચલી વાળા હાથ અને તેનાં સ્પર્શમાં થી ઝંકૃત થતી સાચી લાગણી………!!!!!!!!!! ને ઘણું બધું.

  લેખિકા ધન્યવાદ ને પાત્ર.

  • Chirag Patel says:

   You are so correct Jagat Daveji, I miss grandmaa too… (From my dad side). She was my Hero, my idol. What ever I am today, is becuase of her – She is the only one if not major part of my life who inspire me to do things and do it best! She is the one who tought me how to play Cricket and to tribute her I played for my school and under 16 in Vadodra – scored 122 Not Out – My only Circket game which she couldn’t come to see becuase she was in hospital recovering from surgery! She wrote a nice letter and I still have it (Framed) in my room – and every now and then I feel blue – I read that letter and lifts me up – I really feel that my Grandma is lifting my face and telling me “…It’s going to be alright son. Just do what I have tought you and you will be just fine!” She is well gone from this world yet, I can still feel her touch, her kisses, her hugs – and mostly her bitting me up when I did something really bad!!!!

 6. Chintan says:

  “પત્રલેખન” એ એક આગવી કળા છે. આજના આ સુપરફાસ્ટ યુગમાં ક્યારેક સમય લઈ ને પણ પત્રલેખનમા જે મજા લઈ શકાય છે અની વાત જ કઈ અલગ છે. હાથથી લખાયેલા શબ્દોમા જે હૈયા સુથી પહોંચવાની ક્ષમતા છે એ વાત માનવી પડે એમ છે.

  ખુબ સરસ લેખ.

  આભાર.

 7. Veena Dave, USA says:

  સરસ લેખ્.
  મારા પપ્પા યાદ આવી ગયા. તેમના ખુબ સરસ અને મરોડદાર અક્ષરોવાળા પત્રો સાચવી રાખ્યા છે. મોટી ઉમ્મરે કમ્પવા ને કારણે મારા પપ્પા લખી શકતા નહિ. ઘડપણની કડવી વાસ્તવિકતા.

 8. Chirag Patel says:

  Its same that in today’s technologycally advanced day and age, we (almost all of us) have lost the art of writting. Now days we just type and print it out – Now days its just mahcine writting – no feelings – no soul – no touch – no nothing – bunch of words printed out….

  Thank you,
  Chirag Patel

 9. Ashish Dave says:

  Hearttouching… as always Reenabehn…

  Ashish Dave
  Sunnyvale, California

 10. Kinchit says:

  Really goog story…

 11. tejas says:

  ગુજરાત મિત્ર બાદ ઘણા વખતે રિના મહેતા નિ કલમ નો આસ્વાદ થયો. શાયદ એમણે શરુઆત કરિ હશે લેખન નિ ત્યારથિ
  એમનિ કલમ મા હમ્મેશ એક પોતિકાપણુ લાગ્યુ છે.
  તેમનિ લિખાવટ જાણે આપણિ જોદે સમ્વાદ રચતા હોય એવુ લાગે છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.