- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

વાત્સલ્યના હસ્તાક્ષર – રીના મહેતા

[‘ખરી પડે છે પીંછું’ પુસ્તકમાંથી સાભાર – પુનઃપ્રકાશિત. ]

એક દિવસ ઘરે કોઈ વડીલનો પત્ર આવ્યો. આમ તો એમના ઔપચારિક લખાણમાં રસ પડે એવું કંઈ નહોતું. છેવટેની થોડી બચેલી જગ્યામાં એમણે ‘રીના ને યાદ, ભૂલકાંને રમાડજો’ એવું લખ્યું હતું. પરંતુ ઓછી જગ્યા અને ઉપરનીચે લખાણને કારણે એક પળ મારી આંખને ‘રીનાને રમાડજો’ એવું વંચાયું. પહેલા તો રમૂજ થઈ. પરંતુ વળતી પળે ધીમે રહીને મારી આંખમાં ભીનાશનું વાદળ ઊમટ્યું. ભૂરી શાહીથી ધ્રૂજતા હાથે લખાયેલા, એક સરખા લખાણવાળા અનેક પત્ર એ ભીના વાદળની આરપારથી મારી નજરમાં સમાઈ ગયા.

દર વીસ-પચ્ચીસ દહાડે કે મહિને ધ્રૂજતા હસ્તાક્ષરવાળો એક પત્ર અચૂક આવતો. હું થોડું-થોડું વાંચતા શીખી ત્યારથી એ પત્ર અવશ્ય વાંચતી. શરૂઆતમાં ‘રા.રા. શ્રી ફલાણા-ઢીંકણા’ લખેલું હોય તે વાંચી બાને પૂછતી – ‘રા. રા.’ એટલે શું ? પછી હોય ‘કપડવંજથી ગૌરીશંકર ગટોરભાઈ ત્રિવેદીના જય સ્વામીનારાયણ’ પછી બધાંના ખબર-અંતર, સમાચાર હોય અને છેવટે સૌથી છેલ્લી ‘રીનાને રમાડજો’ – એવા બે શબ્દ અચૂક હોય જ હોય.

ઘરમાં હું સૌથી નાની એટલે મારું નામ નાની પડી ગયેલું, વળી, મોટો અને મોટી પણ ખરાં જ. હું ખૂબ નાની હોઈશ – કદાચ જન્મી ત્યારથી જ બાપુ આમ મને રમાડવાનું લખતા હશે. હું વાંચતાં શીખી ત્યારે કંઈ ઝાઝી રમાડવા જેવી તો ન જ હોઉં. પણ દૂર રહ્યે રહ્યે બાપુના મનમાં હું હજી નાની જ હતી. પછી તો આઠ દસ કે બાર વર્ષની થઈ તોય ‘રમાડજો’ વાળું લખાણ ચાલુ રહેતાં, જ્યારે પત્ર આવે ત્યારે મોટો અને મોટી મને ‘રીનાને રમાડજો, રીનાને રમાડજો’ કહી ખાલી ખાલી ચીઢવી રમાડવા જેવું કરતાં. મને શરમ લાગતી, હસવું આવતું અને ગમતું પણ ખરું. પછી તો પત્રના અક્ષર વધુ ને વધુ ધ્રૂજતા બનતાં બનતાં, સરળતાથી વંચાય નહિ એવા થતા ગયા. અક્ષરોની વધતી જતી ધ્રુજારી બાપુના હાથમાં કંપવાના રોગના વધેલા પ્રમાણને દર્શાવતી ગઈ. પહેલાં એ માઈલોના માઈલો ચાલતા, તે હવે ચાલવા ઉપર પણ કંટ્રોલ નહોતો રહેતો. દૂર રહી રહીને, અમારા સર્વની ચિંતા કરી કરીને જેના થકી સેંકડો પત્ર લખ્યા હતા તે હાથ મોઢામાં કોળિયોય માંડ ભરી શકતો, પછી કલમ તો ક્યાંથી કાગળમાં માંડી શકે ? છેવટે પાછળથી તેઓ કોઈ અન્ય પાસે પત્ર લખાવતાં, પણ ત્યાર પછી મને ‘રીનાને રમાડજો’ જેવાં, એમના બે હાથોમાં નાની થઈ ઊછળતી હોઉં એવા વાત્સલયથી ભર્યાંભર્યાં શબ્દ વાંચવા મળ્યા નહિ.

એમના કંપાતા હાથ પરત્વે મને બાળસહજ કુતૂહલ થતું. પછી એ કંપ ધીમે ધીમે એમના આખા શરીરમાં વ્યાપતો ગયો. એ વાત કરે તોય ઝટ સંભળાય નહીં. હાથમાં કોળિયો ઝાલ્યો હોય અને મોઢા આગળ આવે કે હાથ એકદમ ધ્રૂજવા લાગે. મોં અને કોળિયા વચ્ચેનું એક આંગળી જેટલું અંતર પણ એમનાથી ઓળંગાય નહીં. પછી દાદી એમને મદદ કરતા, પાછળથી ક્યારેક એમનો કંપતો હાથ મને મારા હાથ વડે ઝાલીને સ્થિર કરી દેવાની તીવ્ર ઈચ્છા થતી. પણ તેઓ જ્યારે એમના પ્રેમભર્યા ધ્રૂજતા હાથે મારા કુમળા-સુંવાળા હાથને પકડતા ત્યારે મારો હાથ પણ ધ્રૂજવા માંડતો ! થોડી મોટી થયા પછી હું પણ બા ભેગો એમને પત્ર લખતી. વૅકેશનમાં જઈને જોઉં તો કાચના કબાટના એક ખાનામાં અમારા પત્રો ! એ ફરીથી વાંચવાની મજા પડતી. મેં લખેલું લખાણ મને કોઈ બીજાએ લખ્યું હોય એવું લાગતું. અમારાં વર્ષોજૂનાં દીવાળીકાર્ડ પણ એ કબાટના કાચ પાછળ ગોઠવ્યા કરતા. મોટા થયા પછી હું પૂછતી, ‘આ શું આટલું બધું જૂનું-જૂનું રાખ્યા કરો છો ?’ જવાબમાં એ ઘોઘરું હસતાં કંઈક અસ્પષ્ટ શબ્દો ઉચ્ચારતાં. પત્રો ગમે ત્યાંથી મળી આવતાં. તેલની શીશીના ઓઘરાળાવાળા કાચના એ કબાટમાંથી, ભાગ્યે જ ઊઘડતાં કાળા બારણાવાળા બીજા કબાટોમાંથી, અંદરના ખંડનાં કપડાં વગેરે સામાનવાળા કબાટમાંથી, પીપડાઓ ઉપર મુકાયેલાં જર્મન-પિત્તળનાં ખાલી બેડાઓમાંથી, લાકડાના મોટામસ પટારામાંથી, પથારી નીચેથી….

આજે થાય છે કે પત્ર લખવો એ એક સામાન્ય બાબત છે પણ અમને પત્ર લખવો એ એમને માટે કેવી તો મહત્વની વાત હશે ? જીવનનો, જીવનના સંચારનો એક માત્ર તંતુ આ પત્રો થકી જોડી રાખતા. અમારા પત્રો મળતાં, અમારા કુશળ-સમાચાર મેળવતાં તેઓ કેટલો આનંદ પામતા હશે ! પછીથી, જ્યારે પત્ર ન લખી શકાતો અને એ બીજા પાસે લખાવવાનું, એમને કેવું આકરું લાગતું હશે ! પહેલાં અમે બધાં સાથે રજાઓમાં ત્યાં જતાં. પાછળથી એ શક્ય ન હતું. એકવાર હું અને બા એકલાં ગયેલાં. ત્યાંની મારી બધી બહેનપણીઓ પણ બીજે ચાલી ગયેલી. ઘર રીપેર કરાવાનું કામ ચાલતું હતું. બાની હાજરી વિના તે શક્ય પણ નહોતું. સાવ એકલાં મને ગમે નહિ. દર વૅકેશનમાં માણેલી મજા યાદ આવ્યા કરે તેથી અંદર-અંદર મૂંઝાઉં. છેવટે એકવાર અચાનક રડવા લાગી.
બા-દાદી-બાપુ મને પૂછવા લાગ્યા કે કેમ રડે છે. રડતાં-રડતાં મેં કહ્યું : ‘સુરત જવું છે….’
બાપુનો ચહેરો એકદમ ઓઝપાઈ ગયો. કદાચ, એમનો કંપતો – મારા માથે ફરતો હાથ અટકી ગયો. એ બોલ્યા : ‘કેમ નથી ગમતું ?’ હું જવાબ આપી ન શકી. ‘ઘરનું કામ ચાલે છે એ પૂરું થાય એટલે જજો’ એ બોલ્યા. મેં અજાણપણે એમને કોઈક દુ:ખ પહોંચાડ્યું હોવાનો આછો-પાતળો ખ્યાલ મારા મનમાં ઊપસી આવ્યો.

મને ખૂબ ગમતું સ્થળ બાળકમાંથી મોટા થઈ જવાની દોટમાં મનથી આઘું જતું રહ્યું હશે. બાપુને તે જ ક્ષણે મારા મોટા થઈ જવાની વાત સમજાઈ હશે. મારા નાના હોવાનો અમારા બંનેનો સહિયારો ભ્રમ તૂટી ગયો હશે. ‘રીનાને રમાડજો’ શબ્દ હવે તેઓ ધ્રૂજતે હાથે લખી શકે એમ નહોતા અને લખે તોય મને ઉકેલાઈ શકે એમ નહોતા.