- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

મોટા જ્યારે હતા નાના – યશવંત મહેતા

[ બાળકો-કિશોરોને સદવાંચનમાં ઉપયોગી એવા સંક્ષિપ્ત જીવનચરિત્રોના પુસ્તક ‘મોટા જ્યારે હતા નાના’ (આવૃત્તિ : 1998) માંથી સાભાર.]

[1] રવીન્દ્રનાથ ઠાકુર

બંગાળનો એક નાનકડો છોકરો. એનું નામ રવીન્દ્ર.
સાત ભાઈઓમાં એ સૌથી નાનો. છ મોટા ભાઈઓ. આ છોકરાનો જન્મ ઈ.સ. 1861ની છઠ્ઠી મેના દિવસે થયો. નાનપણથી મોટા ભાઈઓને નિશાળે જતાં જુએ. ભાઈઓ સરસ નવાં કપડાં અને ચોપડીઓ લઈને ભણવા જાય. નાનેરા ભાઈને પણ એમની સાથે જવાનું મન થાય. ભણતરમાં તો કેવીય મજા હશે, એની કલ્પના એ કર્યા કરે. આથી એણે તો બાપા પાસે હઠ પકડી : મને જલદી નિશાળે મોકલો. બાપા કહે કે ભાઈ ! તું હજી નાનો છે. તને નિશાળે જવાને વાર છે. પણ રવીન્દ્ર એકનો બે ન થયો, એટલે બાપાએ નમતું જોખ્યું, રવીન્દ્રને નિશાળે બેસાડ્યો.

પણ નિશાળે ગયા પછી થોડા જ દિવસોમાં તો રવીન્દ્ર ત્રાસી ગયો. નિશાળ એને જેલ જેવી લાગવા માંડી. ત્યાં તો વખતસર જવું પડે. શિસ્તથી બેસવું પડે. બોલવાનીય છૂટ નહિ. અને જરાક ભૂલ થઈ જાય તો સજા પણ આકરી થાય. કોઈ વાર તો માસ્તર અંગૂઠા પકડાવે, કોઈ વાર હથેળીમાં આંકણી મારે, કોઈ વાર પાટલી ઉપર ઊભા કરીને બે હાથ લાંબા કરાવે. પછી એ હાથ ઉપર બીજા છોકરાઓની ઢગલોએક સ્લેટોની થપ્પી કરાવે ! રવીન્દ્રને થોડા વખતમાં તો નિશાળનો ને ભણતરનો મોહ ઊતરી ગયો. એણે નિશાળે જવાના અખાડા કરવા માંડ્યા.

એક વાર તો એણે વિચાર્યું કે શરદી લાગે અને તાવ આવે તો હું નિશાળે જવામાંથી બચી જાઉં. આથી પોતે નજીકની નદીએ ગયા. કેટલીય વાર સુધી જૂતાં અને મોજાં સહિત જ પગ નદીમાં બોળી રાખ્યા. પછી એવાં જ લદબદ જૂતાં પહેરીને આખો દિવસ ફર્યા. પણ દુર્ભાગ્યે તાવ એમને આવ્યો જ નહિ ! નિશાળે જવું જ પડ્યું. રવીન્દ્રના પિતાનું નામ દેવેન્દ્રનાથ. એ બંગાળના મોટા જમીનદાર હતા. ખૂબ ધનવાન હતા. ઠાકોર એટલે કે ‘પ્રિન્સ’ કહેવાતા. પોતે ધનવાન હતા એટલે છોકરાઓને ભણાવવા પાછળ ખર્ચ પણ ખૂબ કરતા. ઘેર પણ શિક્ષકોની ફોજ ટ્યુશન આપવા આવતી. બિચારા રવીન્દ્રને લાગતું કે ભોગ લાગ્યા મારા કે મેં ભણતરની હા પાડી ! એનું મન ભણતરમાં બહુ લાગતું નહિ. એ તો વર્ગમાં બેઠો બેઠો પણ આકાશના ને પંખીઓના ને ઊડવાના વિચારો કર્યા કરતો. કલ્પનાશીલ એવો કે સાવ ગાંડો જ લાગે ! એક વાર તો પોતાના ઓરડામાં એક ખૂણે થોડી માટી નાખીને એમાં સીતાફળનું બી વાવ્યું. એને રોજ પાણી પાય. રોજ એની પાસે બેસી રહે; અને વિચાર્યા કરે કે હવે થોડા જ વખતમાં આમાંથી ઝાડ ઊગશે, સીતાફળ બેસશે, અને બંદા બેઠા બેઠા સીતાફળ ખાશે ! એક વખત શિક્ષકે કહ્યું કે આકાશ એટલું ઊંચું છે કે ગમે તેટલી નિસરણીઓ મૂકવા છતાં એને આંબી ન શકાય. રવીન્દ્રે ટપ કરતી કલ્પના કરી, ‘અરે હોય સાહેબ ! એ તો તમારી પાસે પૂરતી નિસરણીઓ નહિ હોય. બાકી આકાશને અડવું એમાં તે શી મોટી વાત છે ?’

પહેલાંના જમાનામાં ધનવાનોના ઘરની વાતો બધી અજબ હતી. ત્યાં સમૃદ્ધિ તો ઘણી વસતી, પરંતુ સ્વતંત્રતાનું નામનિશાન નહિ. અને આવી પરતંત્રતા એકલાં દાસદાસીઓને જ નહિ, કુટુંબના સભ્યોને પણ લાગુ પડતી. દેવેન્દ્રનાથના મહેલ જેવા મકાનમાં અને વિશાળ બગીચામાં રવીન્દ્ર ફાવે ત્યાં ફરી શકતો નહિ ! એને માથે અનેક બંધન હતાં. અમુક ઓરડામાં તો એનાથી પેસાય જ નહિ. નોકરને સાથે લીધા વગર બગીચામાં જવાય નહિ. માબાપનાં તો દર્શન પણ દુર્લભ. નોકરોને આશરે મોટા થવાનું. અને નોકર કાંઈ બધા સરખા હોય છે ? એક નોકર ગજબનો રખડેલ હતો. રવીન્દ્ર એને ભારરૂપ લાગતો. આથી એ ઘણી વાર રવીન્દ્રને એક ઓરડામાં બેસાડીને આસપાસ ખડીથી એક કૂંડાળું કરતો. પછી કહેતો, ‘જો રવીન્દ્ર ! આ કૂંડાળું ઓળંગીશ નહિ. જો તું મારી આણ નહિ માને તો તારું વહાલામાં વહાલું માણસ ફાટી પડશે.’ બિચારો રવીન્દ્ર ! આ કૂંડાળું ઓળંગવાની હિંમત એ કરી શકતો નહિ. કૂંડાળામાં બેઠાં બેઠાં જ એ બારીમાંથી બહાર જોયા કરતો. ત્યાં ઊડતાં પંખી, પવનમાં લહેરાતાં વૃક્ષ, સૂરજનાં કિરણોમાં ચમકતું તળાવ, જતાં આવતાં માનવી જોઈ રહેતો. એને આઝાદ બનીને હરવા-ફરવાનું બહુ મન થતું. પણ એ કરે શું ?

રવીન્દ્રની આ ઝંખના અને આ કલ્પનાશીલતા થોડા જ વખતમાં એક નવા પ્રવાહમાં વહેવા લાગી : એમણે પોતાની બધી ઝંખના અને કુદરતનો બધો પ્રેમ કવિતાના રૂપમાં લખવા માંડ્યાં. ફક્ત આઠ વરસની ઉંમરે એમણે પહેલી કવિતા રચી ! પછી તો કવિતા રચવાનો ભારે છંદ લાગી ગયો. પોતે એક ભૂરા પૂઠાની નોટબુક મેળવી. એકાદ વરસમાં તો એ આખી નોટબુક કવિતાઓથી ભરાઈ ગઈ ! એ સોળ વર્ષનો હતો ત્યારે એના એક મોટા ભાઈએ ‘ભારતી’ નામે છાપું શરૂ કર્યું. રવીન્દ્રને આ છાપામાં કાવ્યો, લેખો, નિબંધો વગેરે જે ઈચ્છે તે લખવા માટે મોકળું મેદાન મળી ગયું. એણે ઢગલાબંધ લખાણ કરવા માંડ્યું. પરંતુ એ બધું લખાણ જથ્થાબંધ હોવા છતાં ખૂબ સરસ અને નવીન હતું. સોળ વર્ષની ઉંમરે એણે લખેલાં ઘણાં કાવ્યો તો આજે જગતનાં સર્વોત્તમ કાવ્યોમાં ગણતરી પામ્યાં છે. એને આમ પુષ્કળ સાહિત્ય લખતો જોઈને સૌએ માન્યું કે છોકરો કવિ બનશે. પરંતુ બાપાની ઈચ્છા તેને બૅરિસ્ટર બનાવવાની હતી. રવીન્દ્રના બધા મોટા ભાઈઓ પણ ઘણું ભણીને મોટા મોટા હોદ્દા પર આવેલા. એના એક મોટા ભાઈ સત્યેન્દ્રનાથ ભારતના પહેલા સર્વોચ્ચ નાગરિક અધિકારી (આઈ. સી.એસ.) હતા. આથી બાપાએ રવીન્દ્રને વિલાયતી વકીલ બનાવવા માટે ઈંગ્લેન્ડ મોકલ્યો.

રવીન્દ્ર એક વરસ વિલાયતમાં રહ્યો. પણ ત્યાં તેણે વકીલાત કરતાં તો સાહિત્ય અને સંગીતનો વધુ અભ્યાસ કર્યો. બાર મહિના પછી એ દેશની મુલાકાતે આવ્યો ત્યારે રસ્તામાં ‘ભગ્નહૃદય’ નામે લાંબું કાવ્ય લખતો રહ્યો. વિલાયતથી પાછા આવ્યા બાદ એણે પરદેશમાં અને દેશમાં શીખેલા સંગીતના સૂરોની મિલાવટ કરીને ‘વાલ્મીકિપ્રતિભા’ નામનું સંગીતનાટક લખ્યું. આ નાટક એણે પોતાના કુટુંબના જ સભ્યોની મદદથી કુટુંબીઓ આગળ ભજવી બતાવ્યું. એ નાટક ખૂબ જ સફળ રહ્યું. પરંતુ એમના પિતાએ ફરીથી આગ્રહ કર્યો કે આ નાટક અને કવિતા છોડ, વિલાયત જઈને બૅરિસ્ટર બની આવ. રવીન્દ્ર અઢાર વર્ષની ઉંમરે વિલાયત જવા તૈયાર થયો. એની સ્ટીમર મદ્રાસથી ઊપડવાની હતી. પોતે ગાડી મારફત મદ્રાસ પહોંચ્યો. પરંતુ ત્યાં એકાએક બીમાર પડી ગયો. પાછો આવ્યો અને સંપૂર્ણપણે કાવ્ય-નાટકની સેવામાં લાગી ગયો. તમે કદાચ આ રવીન્દ્રને ઓળખી ગયા હશો. હા, આ રવીન્દ્ર એ જ આપણા દેશ કવિવર રવીન્દ્રનાથ ઠાકુર.

મોટા થઈને એમણે ‘ગીતાંજલિ’ જેવાં ઘણાં કાવ્યો લખ્યાં, ‘ઘરે બાહિરે’ જેવી ઘણી નવલકથાઓ લખી, ‘શાંતિનિકેતન’ નામની યુનિવર્સિટી શરૂ કરી. એમનાં કાવ્યો માટે માત્ર ભારતમાં જ નહિ, એશિયા ખંડમાં સૌથી પહેલું નોબેલ પારિતોષિક ઈ.સ. 1912માં એમને અપાયું. ઈ.સ. 1941માં 80 વરસની ઉંમરે એમનું અવસાન થયું ત્યાં સુધીમાં આધુનિક ભારતના સૌથી મહાન કવિ તરીકેની તેમની નામના થઈ ચૂકી હતી.
.

[2] ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર

બિચારો બાળપણથી જ દૂબળો હતો.
દરિદ્ર પણ હતો અને વળી બાપની છત્રછાયાથી દૂર હતો. પરંતુ મોટો બનીને એ બંગાળનો જ નહિ, આખા દેશનો મહાપંડિત ગણાયો. કેટલાક લોકો વિદ્વાન હોય છે, કેટલાક વિદ્યાના ભંડાર જેવા હોય છે, આ તો વિદ્યાનો મોટો દરિયો હોય એવો જ્ઞાની હતો. એટલે જ ઈતિહાસમાં એનું નામ ‘વિદ્યાસાગર’ તરીકે જાણીતું બન્યું છે.

તમે સમજી ગયા હશો કે આપણે અહીં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની વાત માંડી છે. તમે ઈશ્વરચંદ્ર વિષે થોડુંક તો જાણતાં જ હશો. ગઈ સદીના એ મહાન વિચારક, કેળવણીકાર, સમાજસુધારક અને દેશસેવક હતા. પણ એમના બચપણની બહુ થોડી વાતો તમે જાણતા હશો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનો જન્મ બંગાળમાં વીરસિંહ નામના ગામમાં ઈ.સ. 1820ની 26મી સપ્ટેમબરે થયો હતો. તેમના પિતાનું નામ ઠાકુરદાસ અને માતાનું નામ ભગવતીદેવી હતું. ઠાકુરદાસના પિતા નાનપણમાં જ ઘર છોડી ગયેલા. તેથી ઠાકુરદાસને બહુ નાની ઉંમરે કમાણી કરવા માટે કલકત્તા જવું પડ્યું, જ્યાં એમણે માસિક બે રૂપિયા પગારથી નોકરી શરૂ કરી હતી ! ઠાકુરદાસ ખૂબ દયાળુ હતા. ગામડે પોતાની માતા અને નાનાં ભાંડુઓને તેઓ પૂરો પગાર મોકલી આપતા. કલકત્તામાં પોતે ઘણી વાર ભૂખ્યા રહેતા !

તેઓ મહેનતુ પણ ખૂબ હતા. એથી પગાર ધીરે ધીરે વધતો ગયો અને આઠ રૂપિયા સુધી પહોંચ્યો. આ જ દિવસોમાં ઘર છોડીને નાસી ગયેલા તેમના પિતા પણ પાછા આવ્યા. તેમણે પુત્રનાં લગ્ન કરાવી આપ્યાં. ઠાકુરદાસનાં પત્ની ભગવતીદેવી પણ સદગુણોની ખાણ સમાં હતાં. એ પણ ખૂબ દયાળુ અને પરગજુ હતા. ગરીબોને જોઈને એમની આંખ ભીની થઈ જતી. કોઈ માણસને ભૂખ્યો તો જોઈ જ ન શકે. આવાં સદગુણી અને લાગણીશીલ માતાપિતાને ઘેર જન્મેલા ઈશ્વરચંદ્રમાં માતાપિતાના સંસ્કાર ઊતરે એમાં શી નવાઈ ! અનેક સદગુણોની સાથે ઈશ્વરચંદ્રમાં એક વિશેષ ગુણ ઊતર્યો હતો. એ હતી એમની બુદ્ધિ. એમના બાળપણનું વર્ણન લખનારાઓએ જણાવ્યું છે કે ઈશ્વરનું માથું એના શરીર કરતાં ઘણું મોટું હતું ! દેહ તો સુકલકડી હતો. એને કારણે માથું હતું એના કરતાંય વધુ મોટું લાગતું. જાણે નાનકડી લાકડીની ઘોડી ઉપર ગોઠવવામાં આવેલો પૃથ્વીનો ગોળો !

અત્યંત બુદ્ધિશાળી લોકો નાનપણમાં જરા વિચિત્ર લાગે એવું વર્તન કરતાં હોય છે. એ ક્યારેક હસી પડે અને ક્યારેક ઉદાસ થઈ જાય અને મોટેરાંઓને એમના હસવા કે રડવાના કારણનીય ખબર ન પડે. એ લોકોની મોટી ખોપરીના કારખાનામાં કેવાં કેવાં ચક્કરો ઘૂમે છે એનીય કોઈને સમજ ન પડે ! ઈશ્વર કેટલાંક કામ તો તદ્દન વિચિત્ર કરતો. એ ઘણી વાર પાડોશીઓને બારણે જઈને માટી ફેંકી આવે. પોતાનાં ધોયેલાં કપડાં હાથે કરીને ધૂળમાં રગદોળે. બોલે ત્યારે જીભ થોથવાય. પણ એ પાંચ વરસની ઉંમરે નિશાળે બેઠો ત્યારે એની બુદ્ધિ જોઈને શિક્ષકો આભા જ બની ગયા. ઈશ્વરને કોઈ પણ વિદ્યા બે વખત શીખવવાની જરૂર પડતી નહિ. એક વાર જે સાંભળે કે વાંચે તે એને પૂરેપૂરું યાદ રહી જાય. નવું નવું જાણવા માગે. આમ, એની ખોપરી તો મજબૂત હતી. પરંતુ શરીર ક્યાં મજબૂત હતું ? એક જ વરસના ભણતરમાં શરીર તો એવું નંખાઈ ગયું કે બીજું એક આખું વરસ માંદો રહ્યો ! પણ પછી તાજો થઈને તરત નિશાળે ગયો. ત્રણ વરસમાં તો એણે વીરસિંહ ગામમાં ભણવા જેવું જે કાંઈ હતું તે ભણી વાળ્યું. એની ઉંમર એ વેળા નવ વરસની હતી.

ઈ.સ. 1829માં એના દાદાનું અવસાન થયું. પિતાની ઉત્તરક્રિયા માટે ઠાકુરદાસ કલકત્તાથી વીરસિંહ આવ્યા ત્યારે જ એમને ખબર પડી કે નાનકડો ઈશ્વર તો અક્કલની ખાણ છે. એમણે પુત્રને કલકત્તા લઈ જઈને ભણાવવાનું નક્કી કર્યું. સાચો વિદ્યાર્થી કોને કહેવાય અને એનું કૂતુહલ કેવું હોવું જોઈએ તે બતાવતો એક પ્રસંગ એ જ વખતે બન્યો. પિતા-પુત્ર કલકત્તા જઈ રહ્યા હતા. રસ્તામાં રસ્તાની બંને બાજુએ ઊભા કરેલા પથ્થરો ઉપર કશાંક લખાણ હતાં. આવા બેચાર પથ્થર આવી ગયા કે તરત ઈશ્વરના મનમાં ચટપટી થઈ : આ શાના પથ્થર હશે ? એણે તરત જ પિતાને આ પ્રશ્ન પૂછ્યો. પિતાએ સમજાવ્યું કે હવે કલકત્તા કેટલું દૂર છે, એ દેખાડવા માટે આવા પથ્થરો ઊભા કરવામાં આવ્યા છે. એમને અંગ્રેજીમાં માઈલસ્ટોન કહે છે. ઉપર લખેલા અક્ષરમાં ‘કલકત્તા’ લખેલું છે અને આંકડા માઈલના છે. આ પછી ઠાકુરદાસે ઈશ્વરને એકથી નવ અને શૂન્ય સુધીના અંગ્રેજી આંકડા લખી આપ્યા. આ એક જ વારમાં ઈશ્વરને અંગ્રેજી આંકડા આવડી ગયા. આપણે નાના ગામમાં રહેતા હોઈએ કે મોટા શહેરમાં, આવા માઈલસ્ટોન, જુદાં જુદાં બોર્ડ, ભીંતપત્રો, જાહેરખબરો ઘણું ઘણું આપણી નજર સામે આવે છે. શું આપણને એમના વિશે જાણવાનું કુતૂહલ થાય છે ખરું ? જો તમને એવું કુતૂહલ થતું હોય તો સમજી લેજો કે તમારે માટે જ્ઞાનના દરવાજા ઊઘડી ગયા છે !

આમ ઈશ્વરચંદ્ર કલકત્તા પહોંચ્યા. ત્યાં જઈને એમણે જોયું કે પિતાની સ્થિતિ બહુ સારી નહોતી. આઠ-દસ રૂપિયાના પગારમાં તેઓ પોતાનું અને કુટુંબનું ભરણપોષણ કરતા. તેઓ કલકત્તાના એક ગરીબ વિસ્તારમાં ફક્ત એક નાની કોટડી ભાડે રાખીને રહેતા. એ લોકો ઈશ્વરચંદ્ર કરતાં નાના એક ભાઈને સાથે લાવેલા. ત્રણે જણે આ કોટડીમાં રહેવા માંડ્યું. પોતે અહીં આવી ગયો હોવાથી ઈશ્વરે ઘરનું કામકાજ પોતાને શિરે ઉઠાવી લીધું. એ વહેલી સવારમાં ઊઠતો. સ્નાન વગેરે પતાવીને પોતાનો પાઠ કરતો. પછી બજારે જઈ શાકભાજી લઈ આવતો. પોતે રસોઈ બનાવતો. પિતાને અને નાના ભાઈને જમાડીને જાતે જમતો. વાસણ પણ પોતે જ માંજી નાખતો. એ પછી જ નિશાળે જતો. નિશાળેથી આવીને વળી સાંજની રસોઈ કરતો, વાસણ માંજતો, ઘરની સફાઈ કરતો અને ભાઈ તથા પિતાને ઊંઘાડીને પછી મોડી રાત સુધી અભ્યાસ કરતો. બધાં જ ઘરકામ કરવા છતાં પોતાના અભ્યાસમાં એ કદી પણ કચાશ આવવા દેતો નહિ. રાંધતાં ને નહાતાં ને વાસણ માંજતાં ને રસ્તે જતાં એ હંમેશાં પોતાના ભણતરને જ યાદ કર્યા કરતો. પરિણામ એ આવ્યું કે એ હંમેશાં વર્ગમાં પહેલો રહેવા લાગ્યો. શિક્ષકોને પ્રિય થઈ પડ્યો, અને એ જમાનામાં તો અજાયબ કહેવાય એવી માસિક પાંચ રૂપિયાની શિષ્યવૃત્તિ મેળવવા લાગ્યો !

ઈશ્વર વિદ્યાર્થી હતો ત્યારે જ એનામાં માતાપિતાના દયાના ગુણ ખીલી ઊઠ્યા હતા. એ પોતાની શિષ્યવૃત્તિનો પોતે તો ભાગ્યે જ ઉપયોગ કરતો. ઘણીખરી રકમ ઘરમાં આપી દેતો. થોડાક પૈસાથી પોતાના ગરીબ વિદ્યાર્થી મિત્રોને મદદ કરતો. ઈશ્વરચંદ્રનો આ દયાનો ગુણ જીવનભર જેવો ને તેવો જ રહ્યો હતો, અને એને વિષેની અનેક પ્રસંગકથાઓ આજે પણ આપણને વાંચવા મળે છે. આ બાજુ ભણતર તો એણે રૉકેટની ઝડપે પતાવવા માંડ્યું હતું. એ વખતે બંગાળમાં ભણતરની પ્રથા જુદી જ હતી. એમાં વ્યાકરણશ્રેણી, પછી સાહિત્યશ્રેણી, પછી અલંકારશ્રેણી…. એવી રીતનાં ધોરણ હતાં. ઈશ્વરે અગિયાર વરસની ઉંમરમાં તો વ્યાકરણશ્રેણીનો તમામ અભ્યાસ પતાવી દીધો અને એ સાહિત્યશ્રેણીને બારણે જઈને ઊભો રહ્યો. એ વખતે આટલી ઉંમરે સાહિત્યશ્રેણી સુધી કોઈ જ પહોંચતું નહોતું, આથી સાહિત્યશ્રેણીના શિક્ષકોએ તેને દાખલ કરવાની ના પાડી દીધી ! આખરે એના વ્યાકરણશ્રેણીના શિક્ષકોની ભલામણથી અને એની બુદ્ધિશક્તિ વિષે સંતોષ થવાથી એ શિક્ષકોએ તેને સાહિત્યશ્રેણીમાં દાખલ કર્યો. ઈશ્વરે આ શ્રેણી ચાર જ વરસમાં પસાર કરી. એ પછીની અલંકારશ્રેણી એટલે તો મહાપંડિતો જ પામી શકે એવા જ્ઞાનની શ્રેણી. છતાં ઈશ્વરે પંદર વરસની ઉંમરે એનો અભ્યાસ આદર્યો. અભ્યાસક્રમ અઘરો હતો. એના ગ્રંથો માથાફોડ હતા. ઈશ્વરને ઘણી મહેનત કરવી પડી. એનું દૂબળું શરીર વળી માદું પડી ગયું. આખરે 21 વરસની ઉંમરે એમણે આ અભ્યાસ પણ સફળતાપૂર્વક પૂરો કર્યો. એમણે આટલાં વરસોમાં વ્યાકરણ, કાવ્ય, અલંકાર, ન્યાય (તર્કશાસ્ત્ર), વેદાન્ત, જ્યોતિષ અને ધર્મ એટલાં શાસ્ત્રોમાં એ જમાનામાં મળતું તમામ જ્ઞાન હાંસલ કર્યું હતું. આપણે ત્યાં હમણાં જે શિક્ષણપદ્ધતિ ચાલે છે એ મુજબ જોઈએ તો એમણે સાત વિષયમાં પી.એચ.ડી. પદવી મેળવવા પૂરતો અભ્યાસ કર્યો હતો. એમને આ અભ્યાસ બદલ મળેલી પદવીનું નામ ‘વિદ્યાસાગર’ હતું. એ પછી એમને કશું ભણવાનું બાકી નહોતું. એમણે ભણાવવાનું કામ શરૂ કર્યું. પચાસ રૂપિયાના પગારથી શિક્ષક બન્યા.

ઈશ્વરચંદ્રે જીવનભર વિદ્યાની લગની જાળવી રાખી. ઉપરાંત દેશમાં ભણતરના વિકાસ માટે, સ્ત્રીઓના કલ્યાણ માટે અને વહેમોનું નિકંદન કાઢવા માટે પણ જીવનભર મહેનત કરી. એ સદીના ભારતીય મહાપુરુષોમાં એમનું નામ અમર બની ગયું છે.