હાસ્યથી રુદન સુધી – નિર્મિશ ઠાકર

[નિર્મિશભાઈના ‘હાસ્યથી રુદન સુધી’ પુસ્તકમાંની કેટલીક કૃતિઓ આપણે અગાઉ માણી હતી. આજે માણીએ વધુ બે કૃતિઓ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે નિર્મિશભાઈનો (સુરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nirmish1960@yahoo.com અથવા આ નંબર પર +91 9427504245 સંપર્ક કરી શકો છો.]

[1] અજમો અજમાવો

‘નિમ્મેસ ભૈ, હું કરટા છો ?’ અચાનક મારા કાનમાં ગનપટ હુરટી બોલ્યો, એટલે ભડકી જવાને કારણે પાણીનો પ્યાલો મારા હાથમાં રહી ગયો અને ઉધરસ ચડી જતાં, મોંમાં નાખેલો અજમો સૂસવાટા સાથે વાતાવરણમાં પ્રસરી ગયો…..
‘ગણપતભાઈ, હું અજમો ફાકી રહેલો ! પણ તમે….’ મેં ખોં ખોં કરતાં જણાવ્યું.
‘પેલ્લાં ટમારી ઉઢરસને કંટ્રોલ કરો….! અજમો ખાવાની હું જરૂર પડી ?’ એણે પૂછ્યું.
‘ઉધરસ થઈ છે, એટલે.’ મેં કહ્યું.
‘આજકાલ હું લખો છ ?’ એણે વાત બદલી.
‘અજમા વિષે લેખ લખું છું……’ અજમાનું બીજું પડીકું ખોલતાં મેં કહ્યું, ‘પ્રેમિલાભાભી શું કરે છે ?’
‘ઝઘડા, બીજું હું ? એ બૌ ફાટી ગઈ છ !’
‘તો અજમો વાપરો…..’ મેં કહ્યું.
‘આ અજમાનું હું ચક્કર છે ? પ્રેમિલા ટો અજમાને અડે બી નીં !’ એ બોલ્યો.
‘અજમો તમારે ફાકવાનો, એથી તમારી સહનશક્તિ વધશે !’ મેં ચોખવટ કરી.
‘પન ટમે અજમા પાછર કેમ પઈડા છો ?’ એ કંટાળ્યો.
‘ગણપતભાઈ, હમણાં એક અજમાપ્રેમી બહેન સાથે મુલાકાત થયેલી. એમનું નામ છે અજમાબહેન અજમેરી ! આજકાલ હું એમના પ્રભાવમાં છું.’ મેં કહ્યું.
‘પન બઢી વાટમાં અજમો કાંઠી આવે ? મારું ટો મગજ ભમી ગીયું !’ એણે લમણે હાથ દીધા.
‘તો…. અજમો ફાકી લો, તરત ઠીક થઈ જશે !’ મેં એની સામે પડીકું ધર્યું અને એ ઊઠીને ચાલતો થઈ ગયો !

પ્રિય વાચક મિત્રો, અજમો (મારી જેમ) સર્વગુણસંપન્ન હોય છે, એવું અજમાબહેન અજમેરીનું માનવું છે. અજમાબહેન લેખક નથી. એટલે એ પોતાની વાત વાચકોને બરાબર સમજાવી શકતા નથી. આથી એ બીડું મેં ઝડપ્યું છે. તમે કદાચ જાણતાં હશો કે અજમો દરેક રસોડામાં હોય છે. (આજકાલ હું યે રસોડું સંભાળું છું. એટલે મને તો એની ખબર છે !) અજમો પાચનકર્તા, ભૂખવર્ધક, પિત્તદોષ નિવારક, હૃદય માટે હિતકર, વીર્યવર્ધક, બળપ્રદ અને સ્વાસ્થ્યવર્ધક હોય છે. એવું અજમાબહેન અજમેરી કહે છે, એટલે એ ખોટું હોય જ નહીં. અજમો કેટકેટલા રોગોને નિવારે છે. તમને ખબર છે ?

શરદી-સળેખમ : શરદી તો પ્રેમ જેવો રોગ છે. એકને થાય એટલે બીજાને એનો ચેપ લાગે અને જોતજોતામાં ફેલાય ! પણ ‘આઈ લવ યુ’ કહેવાથી શરદી મટતી નથી. શરદીને લીધે માથાનો દુખાવો થાય, તો અજમાની પોટલીને ગરમ કરી સૂંઘવાથી નાક રેલવેના ફાટકની જેમ ખૂલી જાય છે અને માથાનો દુખાવો ગાયબ થઈ જાય છે, જાણે કે…. કે.લાલનો જાદુ ! અલબત્ત, પ્રેમરોગમાં અજમો લેવાથી કાંઈ ફરક પડતો નથી, તેની વાચકો નોંધ લે.

વીંછીનું ઝેર : વીંછી કરડે તો અજમાને પાણીમાં વાટીને લગાડવો, શું સમજ્યા ? અરે ભૈ, અજમો વીંછીને નહીં લગાડવાનો યાર ! એમ કરશો તો એ બીજો ડંખ મારશે, ભલા માણસ ! વીંછી તમને જ્યાં કરડ્યો હોય, એ ભાગ પર અજમો લગાડજો, ઓકે ?

ઉદરશૂળ : ખોરાકનો અપચો થઈ જાય અને પેટમાં દુખે તો ત્રણ ગ્રામ અજમો, કાળા મરી અને એક ગ્રામ સિંધવલૂણ, એ ત્રણેને વાટીને ગરમપાણી સાથે પી જજો ! કવિઓએ આમાં રસ ના લેવો. ઘરમાં ખોરાક જ ના હોય, તો ઉદરશૂળ ક્યાંથી થાય ? વળી કવિતાનો પુરસ્કાર એટલોયે નથી હોતો કે ત્રણ ગ્રામ અજમો ખરીદી શકાય !

પ્રસૂતાનો મંદાગ્નિ : અજમો, સૂંઠ અને ગોળનું મિશ્રણ લેવાથી પ્રસૂતા સ્ત્રીની પાચનક્રિયા વેગીલી બને છે. જો એમ ના બને તો જવાબદાર પુરુષને ફટકારવો ! સ્ત્રી વગર વાંકે ક્યાં સુધી અજમા ફાકે ?

હાલતા દાંત : પત્નીના હાથની તલસાંકળી ખાનાર હિંમતબાજ શોખીનોએ આ ઉપાધિ વહોર્યા પછી… અજમો, મરી, એલચીનાં ફોતરા અને જાયફળનું દંતમંજન હળવે હાથે કરવું. જોર કરશો તો દાંત પડી જશે !

શરીર ઠંડુ પડી જવું : ‘મહદ અંશે પતિઓને જ આ વ્યાધિ થાય છે. પત્ની હરખાય એ પહેલાં જ અજમાને પાણી સાથે લેવાથી એના ઓરતાં પૂરાં નહીં થાય અને તમે સ્વસ્થ થઈ જશો.

સંધિવા : સરકારી નોકરી કરતાં આખા હાડકાનાં માણસોને આ રોગ થતો હોય છે. એવું થાય ત્યારે તેલમાં અજમો નાંખી ગરમ કરો અને સંધિવા પર લગાડો.

બહુમૂત્ર-દોષ : વારંવાર બાથરૂમ કરવા જવું પડે, ત્યારે અજમો અને કાળા તલ ભેગા કરી સેવન કરવું. ખાસ તો નોકરીના ઈન્ટરવ્યૂ વખતે આ વ્યાધિ ઉપડે છે ! અમારો એક મિત્ર એવા સમયે અજમાનું સેવન કરવામાં વ્યસ્ત હતો અને બીજા એક ઉમેદવારને નોકરી મળી ગયેલી ! ટૂંકમાં, ઉપચારમાં પણ વિવેક બુદ્ધિ વાપરવી.

કર્ણપીડા : કવિ સંમેલનમાં શ્રોતા તરીકે ગયા પછી જો આ રોગ ઉપડે, તો નવશેકું અજમાનું તેલ પોતાના કાનમાં ટપકાવવું.

‘તમારા લેખો અમને પચતાં નથી !’ એવી કાયમ ફરિયાદ કરતાં અમારા સંપાદકશ્રીને આ લેખ સાથે હું અજમાનું પડીકું પણ મોકલવાનો છું, અસ્તુ.
.

[2] નોકરીની અરજી, ખુલ્લા હૃદયે !

મહેરબાન સાહેબશ્રી,
મઝામાં છો ને ?
હું મઝામાં નથી.
સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા પછી ચારેક વર્ષથી રાજસ્થાનના રણમાં પાણી શોધીએ, એમ નોકરી માટે આથડું છું. (પણ કોણ જાણે કેમ, મારું મોઢું જોતાં જ નોકરીની ના પડી જાય છે !) આપ તો વિશાળ હૃદયવાળા છો…. (સાંભળ્યું છે કે આપનું હાર્ટ પહોળું થઈ ગયું છે !) એટલે ધારું છું કે આ વિશિષ્ટ પ્રકારની અરજી વાંચ્યા પછી આપ મને કમ સે કમ…. કલાર્કની નોકરી તો આપશો જ, એવી મારી શ્રદ્ધા છે. આ સાથે મારાં લગભગ સાચાં સર્ટિફિકેટની નકલો બીડી છે.

મને જાણવા મળ્યું છે કે આપ ‘કામ’ના માણસ છો અને ‘કામ’ને જ મહત્વ આપો છો. (એટલે તો કોઈ યુવતી આપની ઑફિસમાં ટકતી નથી !) હું પણ કામગરો માણસ છું અને આપના ચીંધેલ માર્ગે જવા કટિબદ્ધ છું. આપના કામનું ભારણ હું ઉતારીશ ! (આપની પી.એ. ને પણ મારી ખાસ યાદ આપશો !) જાણું છું કે આપનો સ્વભાવ ગુલાબી છે, એટલે આ સાથે થોડાં ગુલાબ પણ મોકલ્યાં છે. (એમાંથી એકાદું ગુલાબ આપની સ્ટેનોગ્રાફરને આપશો તોયે મને ગમશે !) મારો સ્વભાવ કદાચ ખુશામતિયો લાગશે, પણ મને ખુલ્લા હૃદયે કહેવા દો કે ખુશામત તો ખુદાનેય પ્યારી હોય છે. જો મને નોકરી મળશે અને હું આપનો ખુશામતિયો બની શકીશ, તો એનું મને ગૌરવ હશે. બધી ઓફિસોમાં હોય છે, તેમ આપની ઓફિસનો સ્ટાફ પણ માથાભારે હશે જ. ને એમ હોય તો ટાંટિયાખેંચ માટે મારા જેવા માણસની જરૂર પણ આપને હશે જ. આપને જાણીને આનંદ થશે કે કબડ્ડી મારો પ્રિય શોખ છે. હું કબડ્ડીનો ઉત્તમ ખેલાડી છું. હું ઑફિસનાં કાર્યોમાં પણ એની ઝલક આપતો રહીશ. આપના પક્ષે મારા જેવા ખેલાડીનું હોવું આમ તો આવશ્યક જ ગણાય ને ! (હું આપનો ‘હનુમાન’ બનવા ઉત્સુક છું !)

ગયે વર્ષે આપનું નામ છાપે ચડ્યું, ત્યારથી હું આપને ઓળખું છું. એમાં આપના માટે ‘કૌભાંડી’ શબ્દ વપરાયેલો, તે મને નહોતું ગમ્યું. વ્યવહારની બાબતને માટે ‘કૌભાંડ’ શબ્દ પણ ન વપરાય. દરિયામાંથી ચમચી પાણી લેવા માટે કોઈને પૂછવાની જરૂર જ ન હોય. વળી ચમચી પાણી લેવાથી દરિયો કાંઈ ખાલી નથી થઈ જતો. ‘લાંચ’ શબ્દ તો ન જ વપરાવો જોઈએ. મંદિરમાં ગયેલ માણસ ‘પ્રસાદ’ની આશા તો રાખે જ, એમાં કાંઈ ખોટું નથી. ઈન્દિરા ગાંધીના શબ્દોમાં કહીએ તો…. લેવડદેવડમાં થતી સામાન્ય ‘ઈરેગ્યુલારિટીઝ’ તો બધે જ હોય છે. છાપાંઓની કાગારોળથી અસ્વસ્થ થઈ આપ રજા પર ઊતરી ગયેલા, એવા પણ સમાચાર હતા. ખેર, મીડિયાને તો હોટ ન્યૂઝ જોઈએ જ, એથી ગભરાવું નહીં. આ પ્રકારના સમાચારો દૂધના ઉભરા જેવા હોય છે. નવું કૌભાંડ ઝડપાતાં જ પાછલું કૌભાંડ બધાં ભૂલવા લાગે છે.

આ બધું ભાભી તો સમજી શકે છે, પણ આપનાં બાળકોની મને ચિંતા રહે છે. બાળકોનાં કુમળાં માનસ પર એવી અસર પડે કે પપ્પા હવે ‘કમાવા’ નહીં પણ ‘લૂંટવા’ જાય છે ! જો કે આ બધાથી બાળક અત્યારથી જ ઘડાવા લાગે, તો ખોટું નહીં. કદાચ આ બધી આડવાત લાગે, પણ જો ઊંડું વિચારશો તો લાગશે કે આ અરજી લખનાર કેવી સરસ કોઠાસૂઝ ધરાવે છે ! હું એ પણ જાણું છું કે માત્ર સાચાંખોટાં સર્ટિફિકેટથી નોકરી મળતી નથી, ઓળખાણ પણ જોઈએ છે. આપના કેટલાક ઓળખીતાઓ મને પણ ઓળખે છે, એના રેફરન્સ આપું ? આપની સોળ વર્ષની દીકરી મુસલમાન છોકરાને ભગાડી ગયેલી (જો કે છાપામાં અવળું છપાયેલું !) એનો કોર્ટ કેસ તો હજી ચાલતો હશે ! તમારા વકીલ વિઠ્ઠલભાઈ વ્યાસ મારા પપ્પાના ખાસ મિત્ર થાય ! મારા પપ્પાને એક કૌભાંડમાં ખોટી રીતે સંડોવવામાં આવેલા, ત્યારે વિઠ્ઠલભાઈ એ જ એમને નિર્દોષ છોડાવેલા. વિઠ્ઠલભાઈમાં વિઠ્ઠલતા અદ્દભુત છે, એ તો તમે જાણો છો ! જેના પર આપનો ડોળો રહે છે (એમ કહેવાય છે) તે આપની સાળી રીટા મારા કાકાના સાળાના સાઢુભાઈના દીકરા દીનકર સાથે ભણેલી. આ રીતે જુઓ તો હું ઘરનો માણસ ગણાઉં ! એટલે તમારે તો મને ‘કાલથી આવી જાવ !’ એટલું જ કહેવાનું રહે ! અરજીને અંતે ફરી એટલું અવશ્ય કહીશ કે હું દિલ દઈને (‘કોને ?’ એવું ના પૂછતા) કામ કરીશ, પણ એ માટે મને એક તક અવશ્ય આપશો. (તમારે ત્યાં નોકરી મેળવવા માટેના જે ભાવ ચાલે છે, તે મને મંજૂર છે, એટલે વધુ કાંઈ લખતો નથી.) આપની છત્રછાયામાં મારી કેરિયર ઘડાય, તો એ મારા માટે ખૂબ ગૌરવરૂપ જ ગણાશે.

એ જ સદા આપનો વિશ્વાસુ….
-અરવિંદ અર્ધ્વ્યુ

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવન : એક ખેલ – અનુ. કુન્દનિકા કાપડીઆ
વાત તો વિચારોની છે – જયવતી કાજી Next »   

8 પ્રતિભાવો : હાસ્યથી રુદન સુધી – નિર્મિશ ઠાકર

 1. Hardik says:

  Very good article..નિમૈસભાઈ..
  It seems you gave your own version of Gajodhar aka Ganpat Hurti 🙂
  Thoroughly enjoyed reading.

 2. dhiraj says:

  readgujarati પર આવા શબ્દો શોભતા નથી.. હાસ્ય ઉપજાવવાની રીતો ઘણી છે. જ્યોતિન્દ્ર દવે, વિનોદ ભટ્ટ, રતિલાલ બોરીસાગર વગેરે લેખકો હુન્ન્રર સારી રીતે જાણે છે.

  બાકી લેખ સારો છે.

  (૧) શરીર ઠંડુ પડી જવું : ‘મહદ અંશે પતિઓને જ આ વ્યાધિ થાય છે. પત્ની હરખાય એ પહેલાં જ અજમાને પાણી સાથે લેવાથી એના ઓરતાં પૂરાં નહીં થાય અને તમે સ્વસ્થ થઈ જશો.
  (૨) મને જાણવા મળ્યું છે કે આપ ‘કામ’ના માણસ છો અને ‘કામ’ને જ મહત્વ આપો છો. (એટલે તો કોઈ યુવતી આપની ઑફિસમાં ટકતી નથી !) હું પણ કામગરો માણસ છું અને આપના ચીંધેલ માર્ગે જવા કટિબદ્ધ છું. આપના કામનું ભારણ હું ઉતારીશ ! (આપની પી.એ. ને પણ મારી ખાસ યાદ આપશો !) જાણું છું કે આપનો સ્વભાવ ગુલાબી છે, એટલે આ સાથે થોડાં ગુલાબ પણ મોકલ્યાં છે. (એમાંથી એકાદું ગુલાબ આપની સ્ટેનોગ્રાફરને આપશો તોયે મને ગમશે !)

 3. “અજમો…..” માં કટાક્ષ સારા અજમાવ્યા છે !
  અરજી જરા નબળી ખરી.

 4. amol says:

  અજમો ફાકવાની મઝા આવી ગઈ…….

  આભાર….
  અમોલ….

 5. નિર્દોષ હાસ્ય પિરસવું કઠિન છે. અઘરૂં છે. હાસ્ય ઉપજાવવા ક્યારેક સ્થુળ તો ક્યારેક ભારે વ્યંગનો સહારો લેવો પડે.

  નિર્મિશભાઈને અભિનંદન કે એઓ હાસ્ય પિરસે ત્યારે હસવા વિના ન રહેવાય.

  અજમો ખરેખર ઉપયોગી છે. મારી પત્ની જો એનું ચાલે તો ચામાં પણ અજમો નાંખે(!!)
  પણ નિર્મિશભાઈ તો હાસ્યમાં અજમાનો વઘાર કર્યો. વાહ…!! એ પણ પાછા ગનપટ હુરટી સાથે.

  …..નિર્મિશભાઈકો પનઘટ પર ગનપટ છેડ ગયો રે….

  અને આવી નોકરીની અરજી થાય તો જરૂર નોકરી મળી જ સમજવી! અહિં બેકારી વધી રહી છે ત્યારે આવી અરજીનો નમુનો મળ્યો એટલે રાજી થયો!!!

  થોડું અલગ રીતે હસવું હોય તો મારા નામ પર ક્લિક કરવા કૃપા કરશો. મજા આવશે.

 6. Veena Dave, USA says:

  હાસ્ય સાથે વ્યંગ. સરસ.

 7. nayan panchal says:

  નિર્મિશભાઈ,

  ગનપટ હુરટિ સાથે હોય ટો હસવાની ફુલ ગેરંટિ, બાકી બહુ ભઠિયો ની મલે. તમુને વિનંટિ કે ટારકભાઈના ટપુડાની જેમ ટમારી અને હુરટીની જુગલબંધી જમાવો, કોને ખબર તમારા લેખોની પન સિરિયલ ચાલુ થઈ જાય, બસ વાટ પૂરી!

  નયન

 8. Vaibhavkumar Makwana says:

  very good artical નિમૈસભાઈ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.