મૃત્યુ મરી ગયું રે લોલ ! – મીરા ભટ્ટ

[‘જીવનસંધ્યાનું સ્વાગત’ પુસ્તકમાંથી પ્રકરણ નંબર-10 ટૂંકાવીને અહીં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તકની 1,00,000 થી વધુ નકલો વેચાઈ ચૂકી છે અને તેને ‘ગુજરાત સાહિત્ય પરિષદ’ નો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. રીડગુજરાતીને આ પુસ્તિકા ભેટ આપવા માટે આદરણીય લેખિકા મીરાબેન ભટ્ટનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 265 2432497 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

એક વાર મને પૂછવામાં આવ્યું કે તમારા જીવનમાં કોઈ અદ્દભુત પ્રેરણા આપી ગયો હોય તેવો ચિરસ્મરણીય પ્રસંગ કયો ? ત્યારે તરત જ મેં જવાબ આપ્યો કે, ‘મૃત્યુની એક ઘટનાએ મને જીવનની એક મહામૂલી પ્રેરણા આપી છે. મૃત્યુ પણ જીવનના મહાપ્રાણ જગાડી શકે છે એ તથ્યની પ્રતીતિ મને વિનોબાજીના અંતિમ પ્રાણોત્સર્ગ વખતે થઈ. સામાન્યત: મૃત્યુ એ ભયનો વિષય, નાછૂટકે સ્વીકારવું પડે તેવું જીવનનું કડવું સત્ય, અપ્રિય તો ખરું જ, અશુભ પણ કહેવાય. આવી બધી મૃત્યુવિષયક માનસિકતા સર્વત્ર જોવા મળે. પણ પોતાના જીવનના અંતિમ શ્વાસને ખુદ પોતાના હસ્તે સાક્ષાત મૃત્યુદેવના હાથોમાં અર્પિત કરતા વિનોબાના મહાપ્રયાણપર્વને જોયું ત્યારથી મૃત્યુ એક નવો આયામ બનીને જીવનમાં ડોકિયું કરતું રહ્યું છે.

કોઈ સ્વીકારે, ન સ્વીકારે પરંતુ અંતિમ અવસ્થામાં ચિત્તના કોઈક અગમ્ય ખૂણે સતત એક આહટ-એક પગરવ માણસને સંભળાયા કરે છે. શેનો છે આ પગરવ ? કહેવાની જરૂર નથી. સૌ કોઈને જાણ છે કે વૃદ્ધાવસ્થામાં જીવન અને મૃત્યુ શ્વાસ અને ઉચ્છવાસ બનીને સાથોસાથ જીવે છે. માણસને ધબકારે ધબકારે મોતના ભણકારા સંભળાય છે. જાણી-સમજી લીધું કે મૃત્યુ એ અટળ ચીજ છે, છતાંય અપરિચિત ઘટના હોવાને લીધે માણસ એના નામ માત્રથી જ થરથર કાંપી ઊઠે છે. હકીકતમાં તો, જીવનમાં સમજણ પાંગરે ત્યારથી જ મૃત્યુ નામની આવી મહત્વની ઘટનાને સાંગોપાંગ સમજી લઈ એના અંગેની ભીતિને જોજનો દૂર ધકેલી દેવી જોઈએ.

મૃત્યુ અપરિચિત છે કેવળ એટલા કારણસર એનો ડર લાગે છે તેવું નથી; એમ તો જીવનમાં આપણે કેટલાય અજાણ્યા ક્ષેત્રમાં દાખલ થતાં જ હોઈએ છીએ ને ? અરે, જે વ્યક્તિની સાથે જન્મભરની લગ્નગાંઠે જોડાઈએ છીએ, તેને પણ આપણે ક્યાં જાણતાં હતાં ? છતાંય, મૃત્યુની અપરિચિતતાનો જે બિહામણો ડર છે તે સાવ જુદો જ છે. આવો ડર લાગવાનું કારણ આપણા કાને સતત પડનારી લોકોક્તિઓ છે. મૃત્યુને ‘જમડો’ કહી એવું ભયંકર દ્રશ્ય ખડું કરી દેવામાં આવે છે. જાણે રાક્ષસ પોતાના નખાળા પંજા પહોળા કરીને આપણને ભરખી ખાવા તત્પર ઊભો હોય, મૃત્યુને જીવનનો દુશ્મન માની લેવામાં આવ્યું છે, એને પરિણામે એ ‘અશુભ’ શબ્દની યાદીમાં દાખલ થઈ ગયું છે. માનવચિત્તમાં ઘર ઘાલી ગયેલા આ ડરને દૂર કરવો હોય તો સૌથી પહેલું કામ આપણે આ કરવું પડશે કે મૃત્યુના સમાચાર આપતા પત્રોમાંથી ‘અશુભ’ શબ્દને વિદાય આપવી પડશે. આપણે તો મૃત્યુના શબ્દમાત્રથી એવાં ડરીએ છીએ કે કોઈ મૃત્યુનું નામ બોલે તો પણ તે ગાળ, અપશુકનિયાળ ઉદગાર અથવા તો શાપ મનાય. થોડા વખત અગાઉ, એક સ્નેહીજનના અવસાનના સમાચાર આપતો પત્ર ડાયરીમાં પડી રહેલો. તે જોઈ એક સ્વજન કહે : ‘મૃત્યુનો પત્ર રાખી ન મુકાય. એને તરત ફાડી નાખવો જોઈએ.’ કારણ કે એ અશુભ છે અને અશુભનો સંઘરો ન હોય !

મૃત્યુને આવું અશુભ માનવા પાછળનાં કારણો પણ આપણે તપાસી લઈએ. મૃત્યુની ઘટનાનો બેઉ પક્ષે વિચાર કરી લેવો ઘટે. એક તો મરનાર પક્ષે અને બીજો મરનારનાં સ્વજનો પક્ષે. બંને માટે મૃત્યુ એ હૃદય-વિદારક ઘટના છે. શા માટે ? સૌથી પહેલું કારણ તો એ કે મૃત્યુ, આ બંનેને છૂટાં પાડી દે છે. મૃત્યુને લીધે તેમની વચ્ચે વિયોગની એક દુર્લંઘ્ય ખીણ ખડી થાય છે, જેને પાર કરીને પુનર્મિલનની કોઈ આશા જડતી નથી. સ્વજનોનો આવો ચિરવિરહ એ સાચે જ દુ:ખનો વિષય હોઈ શકે. મૃત્યુના વિચારો સાથે પ્રતિક્ષણ સળગાવનારી આ અસહ્ય પીડા છે. આ પીડામાંથી કેમ છૂટવું ? જીવનમાં કેટલાંક સત્યોને સ્વીકારવાં જ પડે છે. પછી એ સત્યોને આપણે કડવાં માનીએ કે મીઠાં. સૃષ્ટિના ચક્રમાં જેમ રાત અને દિવસ અભિન્નપણે જોડાયેલાં છે, એ જ રીતે સુખ અને દુ:ખ, વિરહ અને મિલન અભિન્નપણે જોડાયેલાં છે. ભગવાને ગીતામાં આવાં દ્વંદ્વ ગણાવ્યાં છે, જે એક જ સિક્કાની બે બાજુની જેમ હારોહાર ચાલે છે. કોઈ વ્યક્તિ સાથેના સંયોગનું સુખ ભોગવવાની ઈચ્છા જાગે તો એની હારોહાર જ એના વિરહની પીડા વેઠવાની તૈયારી મને કરવી જ રહી. મન જ્યાં સુખ વાંછે, ત્યાં એને દુ:ખ વેઠવું જ રહ્યું. એટલે તો બધાં દ્વંદ્વોને પાર કરી જવાનું દિવ્ય ઔષધ ભગવાને બતાવ્યું કે મન આ બધી ઈચ્છાઓને જ પાર કરી જાય. એટલે જ્યાં સંયોગ છે, ત્યાં વિયોગ છે જ. વિરહ વગરનું મિલન સંભવતું જ નથી. આ તથ્યને માથે ચઢાવવું જ રહ્યું અને વિયોગ માટે મનને તૈયાર કરવું રહ્યું.

મરનાર વ્યક્તિને મૃત્યુનો ડર લાગે છે, એનું બીજું એક કારણ છે – અજાણ્યા ક્ષેત્રમાં પ્રવેશ. આ ડરને દૂર કરવાનો એક અમોધ ઉપાય ભગવાને ગીતામાં બતાવ્યો છે. તેમણે કહ્યું છે – ‘नहि कल्याणकृत कश्चित दुर्गति तात गच्छतिं ।’ કલ્યાણકર્મો કરનાર કદી દુર્ગતિને પામતો નથી. ભગવાને કેટલો મોટો સધિયારો આપી દીધો છે ! સત્કર્મો કરો એટલે આગળ મૂકવાના એક એક ડગલામાં સુગતિ જ સુગતિ છે; દુર્ગતિનો કોઈ પ્રશ્ન જ ન ઊઠે. મૃત્યુ પછી દુર્ગતિની સંભાવના તો ત્યારે જ રહે કે જ્યાં કોઈ કડવાં બી આપણે વાવ્યાં હોય ! એટલે આ ડરને પણ નિર્મૂળ કરવા માટે પુરુષાર્થને અવકાશ છે. હા, એટલી વાત સાવ સાચી કે આખા જીવન દરમ્યાન દુષ્કર્મોની પરંપરા સર્જી હોય, તો એનાં ફળ સહન કરવા માટે તૈયાર રહેવું જ પડે. કર્મ કરીએ અને એના પરિણામથી દૂર ભાગીએ શક્ય જ ના બને. આ વાત જો સમજાઈ જાય તો માણસ પાપકર્મોથી દૂર ભાગશે. એનો અંતરાત્મા એક સતત જાગતો ચોકીદાર બની જશે, ડગલે ને પગલે એ ટોકતો રહેશે, વારતો રહેશે. પરંતુ આ તો સમજણ આવ્યા પછીની વાત. એ અગાઉ દુષ્કર્મો થઈ ગયાં હોય તેનું શું ? પાપનાં ફળ તો ભોગવવાં જ પડે ! છતાંય પરમકૃપાળુ પરમાત્માએ એક દરવાજો ખુલ્લો રાખ્યો છે, જ્યાં પાપ ધોવાઈ શકે છે. પાપને ધોવા માટેનું પુનિત ઝરણું – પસ્તાવો તો છે જ. તદુપરાંત પાપમોચિની શક્તિ નામસ્મરણમાં પડેલી છે. જેવી રીતે અદાલતના ચુકાદા મુજબ ફાંસીની સજા પામેલા ગુનેગારને જો રાષ્ટ્રપતિની દયા પ્રાપ્ત થઈ જાય તો એ ફાંસીની સજામાંથી છુટકારો મેળવી શકે. એવી રીતે જીવનનાં દુષ્કર્મો કે પાપનાં ફળમાંથી છુટકારો આપનારી એકમાત્ર શક્તિ છે ઈશ્વરકૃપા. કેવળ પ્રભુ સજામાં ઘટાડો કે છુટકારો કરી શકે. સૌથી પહેલાં તો આ સમજણ કે મેં જે કર્યું તે ખોટું હતું, પાપ હતું, દુષ્કર્મ હતું. જે ક્ષણે આપણને સાચેસાચ અંતરની ઊંડી સમજથી પાકું થઈ જાય કે જે કાંઈ કર્યું તે બરાબર નહોતું, તો એ ક્ષણે જ આપણે એ પાપ પુનરાવર્તનમાંથી બચી જઈએ છીએ. આપણને અંતરથી સાચેસાચ જે ખોટું લાગે તે કામ કદીય ફરીથી આપણા હાથે ન થાય. સાચા દિલના પશ્ચાતાપમાં પાપીનું સંતમાં પરિવર્તન કરવાની તાકાત છે. અંગ્રેજીમાં કહેવાયું છે કે – every sinner has his future and every saint a past. આનો અર્થ એ જ છે કે પ્રત્યેક પુણ્યશાળીને કોઈક કાળો ભૂતકાળ છે અને પ્રત્યેક પાપીને માટે કોઈક ને કોઈ ઊજળો ભવિષ્યકાળ છે. પ્રત્યેક પાપી સંત બની શકે છે, જો એ પશ્ચાતાપનું અગ્નિસ્નાન સ્વીકારે તો.

હવે માની લો કે મૃત્યુ જ ન હોય તો ? જગન્નિયંતાએ જો મૃત્યુ નામની ઘટના ન કરી હોત તો કલ્પના કરો એ જગતની જેમાં જીવજંતુઓથી માંડીને પશુપંખી અને માણસોના ખખડધજ થઈ ગયેલાં ભૂતિયાં ખંડેરો જ ચોમેર આમ તેમ ભટકતાં-અથડાતાં હોત ! મૃત્યુના બિહામણા ડર કરતાંય વધારે ભયાનક, વધારે બિભત્સ દશ્ય નજર સામે ખડું થઈ જાય છે. જનમ અને મૃત્યુ એ તો જીવનના ચૈતન્યને હરિયાળું લીલુંછમ રાખે છે. એને કારણે જીવનમાં ઉત્કટતા છે, સાહસ છે, ઝંખના છે. પૃથ્વી પરની જિંદગાની એ ચાર દિવસનું ચાંદરણું છે, એટલે જ મધમીઠી લાગે છે ! આયુષ્ય જો ચિરંજીવી હોત તો જગત આખું જુદી રીતે જીવતું હોત, જે જીવવા જેવું હોત કે કેમ તે યક્ષપ્રશ્ન છે.

એટલે મૃત્યુ પોતે અશુભ નથી જ નથી. એ તો સૃષ્ટિકર્તાની શુભ અને કલ્યાણકારી યોજના છે. તેણે ‘નામ તેનો નાશ’ પ્રયોજ્યો છે. વાસ્તવમાં સદંતર નાશ તો કોઈ ચીજનો થતો જ નથી – સૃષ્ટિમાં રૂપાંતર થાય છે. મૃત્યુમાં પણ જીવનનો સર્વનાશ થોડો જ થાય છે ? દેહમાં જીવન રૂપાંતરિત થાય છે. વાસનાઓ બધી નિ:શેષ થઈ ગઈ હોય અને દેહ લેવા માટેની નિમિત્ત એવી એક પણ ઈચ્છા બાકી રહી ગઈ ના હોય તોએ કદી લોપ પામતું જ નથી. જીવન એક અખંડ વહી આવતું ઝરણું છે, એ જ્યારે પરમસાગરમાં જઈ નિ:શેષ ભળી જાય છે ત્યાર પછી એ પોતે દરિયો થઈને વહેશે. એટલે ‘મૃત્યુ’ સર્વનાશી, સર્વભક્ષી રાક્ષસ નથી. એ તો રૂપાંતરકારી મધુર ઘટના છે, જેની કૃપાને લીધે આપણે જર્જર દેહને સ્થાને નવોનક્કોર દેહ પ્રાપ્ત કરી શકીએ છીએ. થીગડથાગડ દીધેલાં, જીર્ણશીર્ણ ફાટી ગયેલાં કપડાંનો એવો તો શો મોહ કે એને તજી દેવાની ઘટનાને આપણે અશુભની યાદીમાં ધકેલી દઈએ ?

જે મૃત્યુ રોગી માણસને અસાધ્ય એવા રોગની પીડામાંથી મુક્ત કરે છે, જે જર્જર શરીરથી સામાન્ય દેહકૃત્યો પણ થઈ શકતાં નથી, તેનામાંથી છુટકારો આપી નવો શક્તિથી ભરપૂર અને થનગનતો દેહ આપવા બંધાય છે, જે મૃત્યુ તમારા આ જીવનના સંબંધોને સાચા પ્રેમ અને સેવાની કસોટી પર ચઢાવી સોનાને સોનું સિદ્ધ કરી આપવા માટેની એક ઊજળી તક આપે છે, તે પરમ હિતકારી, પરમ પ્રિય સખાસ્વરૂપ મૃત્યુને આપણે અશુભ કહીશું કે પરમ મંગળ, પરમ કલ્યાણસ્વરૂપ શુભ ઘટના ? મૃત્યુ શુભ છે, મંગળકારી છે અને આપણો પરમહિતૈષી છે એવી શ્રદ્ધા સાથે આપણા આ પરમ મિત્રની આપણે પ્રેમપૂર્વક વાટ જોઈએ, એની પ્રતીક્ષા એ આપણા જીવનની રોમાંચકારી, મધુર ક્ષણો બનવી જોઈએ. એનો ઈંતજાર આપણા હૃદયને મધુર સંગીતથી ભરી દે તેમ થવું જોઈએ અને જ્યારે એ સાક્ષાત હાજર થઈ જાય ત્યારે એ પોતાના બે હાથ આપણને લેવા લંબાવે તે પહેલાં આપણે બે હાથ એને આલિંગવા આગળ ઘસી જાય એવી હોડ થવી જોઈએ.

આનો અર્થ એ પણ નથી કે વૃદ્ધાવસ્થા એટલે કેવળ મોતની વાટ જોતાં બેસી રહેવાની અવસ્થા ! મૃત્યુને સપ્રેમ આવકારવા તૈયાર હોવું એનો અર્થ એ નથી કે કેવળ મૃત્યુની પ્રતીક્ષા એ જ જીવન બની જાય ! ચાહ ન મૃત્યુની હોય, ન જીવનની. ચાહ તો પ્રભુ જે પેરે રાખે, તે પેરે પ્રેમપૂર્વક રહેવાની હોય ! એ આયુષ્યના દોરને ટૂંકાવવા માંગે છે તો તે પણ મંજૂર ! આખરે જન્મ અને મરણ એ તો પરમેશ્વરનાં ખાતાં છે, એનો પોર્ટફોલિયો છે. એમાં આપણી ઈચ્છાને વચ્ચે આડે ધરી ડખલ પહોંચાડવાનો કોઈ અધિકાર આપણને નથી. જન્મ-મરણની ક્ષણ એણે પોતાના કાબૂમાં રાખી છે, તો એ વાતને આપણે વધાવી લેવી જોઈએ કે ભલે બાપલિયા, તું ઈચ્છે ત્યારે મૃત્યુદેવતાને મોકલેજે. ત્યાં સુધી જીવનદેવતાની મારી આરાધના ચાલુ જ છે !

‘મૃત્યુની ક્ષણ અટળ છે’ – આ નિષ્કર્મ પણ આપણી ઘણી દ્વિધા શંકા-કુશંકા નિવારી શકે છે. આપણું કોઈ સ્વજન મૃત્યુ પામે તો આપણા મનમાં અવઢવ રહી જાય છે કે દર્દીને અમેરિકા લઈ ગયા હોત તો કદાચ બચાવી શક્યો હોત. આપણે માનવો મૃત્યુનો પ્રકાર કદાચ બદલાવી શકીએ પરંતુ ‘પાંચમની છઠ્ઠ’ કરવાની તાકાત માનવમાં નથી, એટલે એવા અફસોસથી ચિત્તને ઘેરાવા જ ના દેવું કે ‘આમ કર્યું હોત તો તેમ થાત’ વગેરે વગેરે. આપણા હાથમાં કેવળ સેવાચાકરી અને ઈલાજસારવાર છે અને હૈયું ભરીભરીને સહાનુભૂતિ અને પ્રેમ છે. બસ, એ પ્રેમનો અનુભવ જનારને લેવા દઈએ. એનું મૃત્યુ એને અને આપણને બેઉને સંજીવનીદીક્ષા આપશે. એવી સંજીવનીવિદ્યા કે જન્મ-મરણને પેલે પાર વસતી અમરતાને કાંઠે પહોંચાડી શકશે. પ્રેમમાં આ શક્તિ છે. એ પ્રેમને જ ઉપાસીએ !

મૃત્યુ એ આપણી જીવનયાત્રાનો એક એવો ઉંબરો છે, જ્યાંથી આપણે પ્રભુને દેશ પહોંચી શકીએ. આપણે તો શાળામાં ભણતા હતા ત્યારથી ગાતાં આવ્યાં છીએ કે ‘મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા.’ અમૃતત્વને પામવાનો રસ્તો મહામૃત્યુ. આ મહામૃત્યુ એટલે શું ? મૃત્યુનું પણ મૃત્યુ એનું નામ મહામૃત્યુ. આવું મહામૃત્યુ સિદ્ધ કરવાનો રસ્તો જ્ઞાનદેવ મહારાજ બતાવે છે :

‘જીવવાનું દેહ સોંપીને સ્વસ્થ રહેવાથી
મરણ પરભારું મરી જ જાય છે.
વસ્તુત: સ્વરૂપને
જન્મેય નથી અને મરણેય નથી
સમુદ્રના બુંદબુંદને સમુદ્રથી અલગ કલ્પી લીધું
તો તે ક્ષણમાં જ સુકાઈ જવાનું છે,
પણ એને સમુદ્રથી અળગું ન પાડતાં
તે સમુદ્રમય જ છે એમ માન્યું
તો તે કદીયે સુકાવાનું નથી.’

ઈશ્વરને ચરણે જીવભાવનું સમર્પણ કરવું એટલું એક જ મરણ બસ જ્ઞાનદેવ જાણે છે. આ જ વાત અખો એની આખી વાણીમાં કહે છે :

‘મરતાં પહેલાં જાને મરી,
અણહાલ્યું જળ રહે નીતરી.’

શું જ્ઞાનેશ્વર કે અખો, શું નચિકેતા કે શ્રી અરવિંદ અથવા તો વિનોબાનો અંતિમ પ્રાણોત્સર્ગનો મહાપ્રયોગ… આ બધા એક જ વાત કહે છે કે મૃત્યુને જીતવું હોય તો શરીરભાવથી ઉપર ઊઠો. નચિકેતાને એના શરીરમાં લાવવા માટે યમદેવે કેટકેટલાં પ્રલોભનો આપ્યાં ? ગાડી, ઘોડા, ધન-દોલત, રાજપાટ, સ્વર્ગની અપ્સરાઓ – પણ નચિકેતાએ તો મૃત્યુનું રહસ્ય જ વાંછ્યું અને આત્મભાવમાં એ સ્થિર રહ્યો. ‘મરતાં પહેલાં મરવું’ એટલે મૃત્યુનું રોજ-રોજ રિહર્સલ કરવું. સતત સેવન કરવું. મૃત્યુ એટલે અ-શરીરમાં વસવું. સતત અ-શરીરમાં, આત્મભાવમાં રહેવાની ટેવ પડશે તો ‘વિમૃત્યુ’ થવાય છે. કઠોપનિષદ કહે છે : ‘अथ मर्तोडमृतो भवात । मृत्युमुखात्प्रेमुच्यते । आनन्त्याय कल्पते ।’ આ રીતે મર્ત્ય અમર્ત્ય બને છે. મૃત્યુ-મુખમાંથી છૂટે છે અને અનંતતાને પામે છે.

રોકશો મા, ટોકશો મા કોઈ મારા મોતને,
ભેટવા આવ્યો છું. એને ટાળવા આવ્યો નથી.

આપણે પણ આવા મહામરણને ભેટીએ.

[કુલ પાન : 77. કિંમત રૂ : 30. પ્રાપ્તિસ્થાન : મીરાબેન ભટ્ટ, 73, રાજસ્તંભ સોસાયટી, પોલોગ્રાઉન્ડ સામે, વડોદરા-01. ફોન : +91 265 2432497 (હિન્દી તેમજ ગુજરાતી એમ બંને ભાષામાં પ્રાપ્ય છે.) ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બાલમૂર્તિ – સં. જયંતભાઈ શુકલ
પ્રશ્નોત્તરી – આચાર્ય વિજય રત્નસુંદરસૂરિશ્વરજી Next »   

8 પ્રતિભાવો : મૃત્યુ મરી ગયું રે લોલ ! – મીરા ભટ્ટ

 1. dr sudhakar hathi says:

  મ્રુત્યુ એ પરમ શાન્તી નો અનુભવ

 2. જોગીદાસ, સાઉદી અરેબિયા says:

  આ લેખને હું ગીતાજીના ૧૫મા અધ્ધ્યાયના ૭ અને ૮ મા શ્લોક ( જીવ પાંચ ઇન્દ્રિયો અને મનનો અધીષ્ઠાતા થઇ દેહ ભોગવે છે અને વાયુ જેમ સુગંધને સાથે લઇ જાય છે તેમ જીવ જ્યારે એકદેહમાંથી બીજા દેહમાં જાય છે ત્યારે મનઃસ્થિતી સાથે લઇ જાય છે.) પરનું સુંદર વિશ્લેષણ કહીશ. મીરાંબેનને પ્રણામ.

 3. મીરાબહેનનો હંમેશની માફક સુંદર લેખ.

  મૃત્યુની પણ મોજ હોઈ શકે તે વીશે પુસ્તિકા વાંચવા નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.

  http://bhajanamrutwani.files.wordpress.com/2009/07/mrutyu_ni_moj.pdf

 4. nayan panchal says:

  જીવન જેટલો જ રસપ્રદ વિષય મૃત્યુ છે.

  બોર્ડમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી આખુ વર્ષ નિયમીત અભ્યાસ કરે તો પરીક્ષા સમયે અને આવનાર પરિણામથી સહેજ પણ ડરતો નથી. એ જ રીતે જો આપણે આખુ જીવન સાત્વિક રીતે, કોઈને દુઃખ પહોંચાડ્યા વગર, નિઃસ્વાર્થ ભાવનાથી જીવીએ તો યમરાજા પણ નાચતા નાચતા આપણને લેવા આવશે, ચિત્રગુપ્ત સ્વર્ગના પ્રેસિડેન્શિયલ સ્યુટમાં ઉતારો આપશે.

  થોડીક આડવાત (મૃગેશભાઈ ક્ષમા કરશો)
  હાલમાં હું life after deathના પુસ્તકોના રવાડે ચઢી ગયો છુ. બધામાં કોમન વાત એ જ છે કે માનવજીવન એ આપણે શાળાએ જઈએ તેવુ છે. તમારી આત્માએ ઉત્તરોઉત્તર ઉપર જવાનુ હોય છે અને અંતે પરમાત્મા સાથે એકરૂપ થઈ જવાનુ છે.
  માનવજીવનમાં તમે એ કામ ઘણી ઝડપથી કરી શકો છો. તે દુનિયામાં ૭ લેવલ્સ છે, મનુષ્ય જીવન ૪થા લેવલ પર છે. જો તમે ખરાબ કામ કરશો તો અધોગતિ થશે (નર્કમાં જશો) અને સારા કામ કરશો તો ઉર્ધ્વગતિ થશે(સ્વર્ગમાં જશો). જો તમને શ્રધ્ધા હોય તો ખૂબ જ રસપ્રદ વિષય છે. તમને જીવનમાં પ્રિયજનો માટે જે અસલામતીની લાગણીઓ છે તે પણ કદાચ દૂર થઈ જશે.

  Rules of the spirit world – Khourshed Bhavnagari (Real story)

  By Brian Weiss:
  Many Lives, Many Masters ; Only Love is Real ; Same Soul, Many Bodies અને અન્ય.

 5. मोत एक कविता है और मेरा कवितासे वादा है…
  કે એવો જ કોઈ સંવાદ મને ‘આનંદ’ ચિત્રપટનો યાદ આવે છે.

  ઓશોએ પણ આદેશ આપ્યો હતો કે મારા મોતનો માતમ ન મનાવતા જલસો મનાવજો…આનંદથી સહુ નાચજો…કૂદજો અને ખુશી મનાવજો..

  રોકશો મા, ટોકશો મા કોઈ મારા મોતને,
  ભેટવા આવ્યો છું. એને ટાળવા આવ્યો નથી.

  એને ટાળી શકાય??

  ન મોતને ટાળી શકાય,ન પાછું વાળી શકાય..
  આવે પાસે તો ય ન તો એને ભાળી શકાય.

  આપણું જિવન એ એક રહસ્યકથા જેવું છે. અને એની રહસ્યની પરાકાષ્ટા છે આપણું મોત..

  પણ ક્યારેક પ્રભુનો મિસ કોલ અચાનક આવી જાય છે
  દબાતે પગલે મોત આવે ને ડિસકનેક્ટ થઈ જવાય છે.

  એક ડિસકનેક્ટ થવાની પ્રક્રિયા છે આ મોત!……. અને મોત પછી આપણું શુ થાય છે એ એક રહસ્ય જ છે. મોત આપણી અંદર જીવતું હોય છે.

  મોત એક પ્રવાસ છે. અનંત યાત્રા… આપણે સહુ પ્રવાસી છીએ… ચાલો, પળે પળ આપણે એ પ્રવાસની તૈયારી રાખીયે… અને જિવનને માણીએ….

  • Akash Shah says:

   ઘણુ જ સરસ નતવરભાઇ
   તમારા વીચારો અન ચિંતન ઘણુ જ ગહન છે. પણ મોત માટે કેમ કોઈ તૈયાર નથી રહેતું?

 6. govind shah says:

  Very thought provoking- Mrutyu nisshit che tene manglmay banavie.

 7. nilamhdoshi says:

  ખુબ સરસ લેખ…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.