- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

ચાલો દાદાજીના દેશમાં – બાબુભાઈ સોલંકી ‘રાકેશ’

[મહાન માણસોના જીવનની ઘટનાઓ તેમજ જીવન-પ્રસંગો સમાજ માટે અવશ્ય પ્રેરણાદાયી હોય છે પરંતુ સામાન્ય માણસના જીવનમાં જ્યારે તે આચરવાનો પ્રસંગ આવે ત્યારે એ કદાચ દલીલ કરી શકે કે ‘એ તો સંત હતા… મહાન હતા… વિરલ આદમી હતા…’ પણ જો મારી-તમારી આસપાસ ફરતા આમઆદમીના જીવનમાંથી ત્યાગ, પ્રેમ, પરોપકાર, સેવા, સત્ય, નિષ્ઠા વગેરે સદગુણો અને તેના આચરણ પ્રસંગો જાણવા મળે તો એ અનુકરણીય અને પ્રતીતિકર બની રહે. એવા જ આમઆદમીના જીવનના પ્રેરણાદાયી પ્રસંગોનો (સત્યઘટનાઓનો) સંચય એટલે ‘સારપના સાથિયા’. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ગુર્જર પ્રકાશનનો ખૂબ ખૂબ આભાર. પુસ્તકપ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

‘હાં રે દોસ્ત…!
ચાલો દાદાજીના દેશમાં,
મધુર મધુર પવન વાય….
નદી ગીતો કંઈ ગાય…..’

બચપણમાં ગોખેલું, જૂની વાચનમાળાના ગીતનું મનમાં ગુંજન ચાલતું હતું…. ત્યાં… પાછળથી મોગરાની માદક સુગંધને લઈને પવનની એક લહેર આવી…. મને સ્પર્શીને આગળ ચાલી… પોતાની સાથે એ મારા મનને સ્મરણયાત્રાએ લઈ ચાલી… શરીર તો મારું હીંચકે ઝૂલતું રહ્યું પણ મન અમદાવાદથી સાઠ કિલોમીટર દૂર, સાબરતટે વસેલા, ખોબા જેવડા ઓરાણ ગામે પહોંચી ગયું. ઓરાણ મારું વહાલું વતન… મારા શૈશવની લીલાભૂમિ.

મને કર્કવૃત યાદ છે. કારણ…? મારું ઓરાણ બરાબર કર્કવૃતની રેખા પર આવેલું છે. પંદર ખોરડાના વાણિયાવાસમાં અમારું ઘર. મોટા ભાગની વસતી વિધવા વાણિયણોની. ઓતરાતે દ્વારે અમારું ઘર. બહારની માંડવી (પરસાળ)થી માંડીને ઘરના ઓરડા સુધી બધે લીંપણ. માંડવીમાં માટી થોપીને બનાવેલી બે ફૂટ ઊંચી પૅલ્લી (ઓટલી) એ જ બહારની બેઠક. ઘરમાં માત્ર બે જ પથરા – એક નહાવાનો અને બીજો નદીથી લાવેલો ચટણી વાટવાનો. દાદા-પુરુષોત્તમ (ભોલાભાઈ) – મુંબઈ બનેવીના છત્રીના કારખાનામાં હિસાબનીશ. આઠ-દસ મહિને ઘરે આવે. બે-ચાર મહિના રહે. સગાં-સંબંધીઓને મળવા જાય કે સૌને ઘરે તેડાવે. દીકરી આવે…. ભાણેજિયાં આવે…. ઘરના માળામાં કલબલ થાય. એ સમયે ગામડામાં ગાડા ને ઘોડા સિવાય કાંઈ વાહન નહિ. વાણિયા ઉઘરાણી માટે ઘોડા રાખે. અમારા ઘરની પાસે જ ઘોડાર (તબેલો). અમે ઘોડાના પગ, પૂંછડી, ગરદનના વાળ અને એના મોટા મોટા ડોળા જોયા કરીએ. મને અને ભાણિયાઓને દાદા ઘોડે બેસાડી મહોલ્લામાં ફેરવે… આમ કુંવારે અમારો વરઘોડો ફર્યા કરે.

દાદા પાછા મુંબઈ જાય એટલે નાથીમા એકલાં પડે. ગામના ઘરાકોનાં ફાટેલાં કપડાં સાંધવાના, થીગડાં મારવાના અને ગાભાની ગોદડીઓ બનાવવાના કામમાં ગૂંથાઈ જાય. આમ કામકાજમાં… સોય-દોરામાં દિવસ અને મહિનાઓ ક્યાંય પસાર થઈ જાય. આ કામના બદલામાં એ સમયે ઘરાકો દાણા – મોટે ભાગે બાજરી – આપે. ખેતરમાં અનાજની કાપણી થઈ ગયા પછી વધેલા ઘાસના પૂળા આપે. દાણા ખાવા થાય, શાકભાજી લેવા થાય અને પૂળા રોટલા કરવા બળતણ થાય.

એક દિવસ માંડવીમાં બેઠોબેઠો હું ભમરડાને આર નાંખતો હતો, એવે વખતે ગામની એક ખેડૂત બાઈ આવી. સાડલાને થીગડું મારવાનું હતું. ગામને પેલે છેડેથી આવેલી એટલે નાથીમાએ ચાલુ કામ પડતું મૂકી એનો સાડલો હાથમાં લીધો. ગાભામાંથી એવા રંગના કપડાનો કકડો કાઢ્યો. સોયમાં દોરો પરોવી સીવવા બેઠાં. પેલી સ્ત્રીએ પૂછ્યું – ‘નાથીમા….! તમે ગામના સાલ્લા સાંધો છો, થીગડાં મારો છો, પણ અમે કોઈ દિ’ તમારા સાલ્લા પર એકેય થીગડું જોયું નથી. કેમ એમ….? તમારો સાલ્લોય ફાટતો તો હશે જ ને…..!’
‘હા બૂન….! સાલ્લો કંઈ અમરપટો લઈને આયો છે…! એય ફાટે તો ખરો જ ને….! પણ.. હું એવો સાલ્લો હરિજનબાઈ કે શાકવાળીને આલી દઉં. બાપડી પહેરે ને યાદ કરે. આપણ બીજું શું દયાદાન કરવાનાં હતાં…! જો હું ફાટલો સાલ્લો પહેરું તો લોક કહે – ‘ધણી મુંબઈમાં કમાય છે ને દીકરો અમદાવાદ કમાય છે તોય ફાટેલા સાલ્લા પહેરવા પડે છે.’ મારા ધણીનું ને દીકરાનું બેયનું નામ વગોવાય.’ પેલી સ્ત્રી નાથીમાના ચહેરા સામે તાકી રહી…. દાદાજીના ગુજરી ગયા પછી પિતાજી અને બાના આગ્રહ છતાં નાથીમા અમદાવાદ ન જ આવ્યાં. ઓરાણના ખોરડામાં એકલાં જ રહ્યાં. સોય-દોરો એમનો સદાનો સાથી.

ઉનાળાનું વેકેશન પડે એટલે મને ઓરાણ યાદ આવે, નદી યાદ આવે, ગામગોઠિયા યાદ આવે, નાથીમા યાદ આવે. બા-બાપુ સાથે ઓરાણ જવાનું થાય. ધંધાને કારણે બા-બાપુ બહુ રોકાઈ શકે નહિ પણ મને નાથીમા રોકે, આગ્રહ કરીને રાખે. ‘રજા પૂરી થયે તેડવા આવજો’ એમ કહી બા-બાપુને વિદાય કરે. વેકેશન એટલે ઉનાળાની ઋતુ. પોપટિયો વાઘરી નદીના ભાઠામાં ટેટી વાવે, બટાકા ને ભાજી વાવે. પોપટિયો છાપરી બાંધીને નદીના બેટમાં જ પડ્યો રહે. શકર ટેટી ને શાકભાજીનો ટોપલો લઈ ગામમાં વેચવા નીકળે. ઓરાણ માટે લોકો કહેતા – ‘ઓરાણની ટેટી ને બેટી બેય મીઠી.’ (એનાં બીયાં પણ ભરેલાં ને મીઠાં હોય.) શકર ટેટી, શાકભાજી વગેરે લઈને વેચવા આવે ત્યારે મા કોઠીમાંથી સૂંડલી ભરીને બાજરી લાવે. ત્રાજવાના એક પલ્લામાં બાજરી ને બીજા પલ્લામાં શાક. એમ વિનિમય દ્વારા ખરીદ-વેચાણ ચાલે. હજી રૂપિયાનું ચલણ વધ્યું ન હતું. એટલે લોકો ગામડામાં કહેતા પણ ખરા – ‘રૂપિયો તો ભાઈ ગાડાના પૈડા જેવડો છે.’ આજે રૂપિયાના પૈડાવાળી ગાડી પર જ બધો વહેવાર ને વેપાર ચાલે છે. રૂપિયા દ્વારા રૂપિયો કમાવાના લૂંટણિયા ધંધા પણ ચાલે છે.

નાથીમા મારે માટે રોજ ટેટી અચૂક લે. બીજા ગ્રાહકોએ ટેટી કપાવીને અડધી કે ચીરી-બે ચીરી લીધી હોય તેનાં બીયાં ટોપલામાં હોય તે પણ શકરી મારે માટે આપી દે. છાણાં અને પૂળાની સાંઠીઓ એ જ બળતણ. માટીના ચૂલા પર આ બળતણથી રોટલા થાય. બાપુ અમદાવાદથી સાથે ચોખા લેતા આવ્યા હોય તેનો મારા પૂરતો ભાત થાય. કેરીનો રસ કાઢ્યા પછી ગોટલા છાશમાં ધોઈ, માટીની હાંડલીમાં ફજેતો થાય. રેસાવાળા ગોટલા એમાં તરતા હોય. જમતી વખતે ભાખરી જેવી જાડી રોટલી સાથે ફજેતાના કટોરામાં બોળીબોળીને ગોટલો ચૂસવાની મઝા પડે. ગામડામાં દાળ-ભાતમાં કોઈ સમજે નહિ. વાણિયાના ઘર સિવાય ક્યાંય દાળ બને નહિ. વલોણાની મોળી માખણિયા છાસ મફત મળે એટલે કઢી, બાજરીનો રોટલો કે ખીચડી એ જ રોજિંદુ રસોડું. ભજિયાં તો તહેવારે જ થાય.

ચૂલામાં છાણાની રાખ હોય એમાં પેલાં બીયાંને મા રગદોળે, પછી તડકે સુકાવા મૂકે. આમ કાલનાં બીયાં આજે ને આજનાં બીયાં કાલે, એમ બીયાં સુકાઈને ફોલવા લાયક થઈ ગયાં હોય. મારી સામે બેસી મા મને શહેરની ને ઘરની વાતો પૂછતાં જાય ને દાંતમાં દબાવી બીયાં ફોલતાં જાય. એવી કુશળતાથી ફોલે કે બીયું આખું ને આખું નીકળે. એ બધાં ફોલેલાં બીયાં પિત્તળની રકાબીમાં પાથરી, એના પર બૂરુ ખાંડ ભભરાવે, પછી એના પર ભેંસનું દાણાદાર ઘી ગરમ કરીને રેડે અને ખોળામાં બેસાડી ખવડાવે. ‘ખાઓ દીકરા… ખાઓ… અમારે તો આ જ મેવા ને મીઠાઈ…! આંય ગામડામાં બીજું શું મલવાનું…..!’ કહેતાં જાય ને પીઠે હાથ ફેરવતાં જાય. બીયાંમાં મીઠાશ હતી એના કરતાં પીઠ પર ફરતા હાથમાં વધુ મીઠાશ હતી. એકથી પેટ ધરાતું, બીજાથી હૈયું…..!

અમારા ઘરથી પચાસ કદમ દૂર વાંઘું (જમીન ખોદાઈને પડેલો લાંબો ઊંડો ખાડો અથવા કોતર). વાંઘાની ધારે ઊભા રહીને નજર કરો તો પાંચસો મીટર નીચે સાબરનાં નીર વહ્યાં જાય. ચોમાસામાં ઉપરવાસના ભારે વરસાદથી નદીમાં પૂર આવે. નદી ચારે કાંઠે ધમકારા કરતી, અમળાતી વહેતી હોય…. એના વહેણમાં સાપ તણાતા હોય…. કિનારે પહોંચી જવાય તો સાપ ભેખડોમાં ભરાઈ જાય. ભૂખ્યા થાય એટલે દેડકાં પકડે ને ઊંદરને ખાવા ઘરમાં પેસી જાય. કોઈના ઘરમાં સાપ ભરાયો હોય તો નાથીમાને બોલાવવા આવે. નાથીમા સાડલાના પાલવમાં સાપને લપેટીને વાંઘામાં પાછો નાંખી આવે. તોફાની જુવાનિયા સાપને મારવા જતા હોય તો રોકે…ટોકે…. ‘રહેવા દો બેટા…! આય ભગવાનનો બનાયેલો જીવ છે. લખ-ચોરાસીના ફેરામાં કોક વાર આપણેય સાપ બનવું પડશે.’

એક રાતે અમારા ઘરમાંથી ડક…ડક….ડક… અવાજ સંભળાયો. નાથીમા સમજી ગયાં, અજગર ઘરમાં પેઠો છે. અમને છોકરાંઓને કાંઈ કહ્યું નહિ, બહાર જ ખાટલામાં સુવાડ્યાં. સવાર થઈ એટલે બે ચાર વાણિયાને બોલાવ્યા પણ…. અજગરનું નામ સાંભળતાં જ એમની ધોતી ઢીલી થઈ ગઈ. એટલામાં પોપટિયો વાઘરી બકરીને ખોળતો-ખોળતો ઘર આગળ દેખાયો. નાથીમાએ એને બોલાવ્યો. ઘર ખોલ્યું…. અજગર માટલીને વીંટાઈને ટગર…ટગર… જોયા કરે. એની લબકારા મારતી જીભ અને અંગારા જેવી આંખો જોઈ અમે તો ગભરાઈ ગયાં. સહેજ પણ ગભરાયા વગર નાથીમા અંદરના ઓરડામાં ગયાં. મોટી પવાલી ખાલી કરી. છાજલી પરથી પિત્તળની કથરોટ ઉતારી. પવાલી માટલી પાસે ઊભી કરી વાઘરીને કહ્યું : ‘પોપટ…! આને ખેંચીને પવાલીમાં નાંખ.’ વાઘરી ગભરાયો, ‘ના મા…! મૂઢું તમે ઝાલો, મું પૂંછડું પકડું. આપણે બે જણ થઈ ઈને પવાલીમાં નાંખીયે…’ નાથીમાએ સાડલાનો પાલવ અજગરના મોં પર નાંખ્યો…. ઝડપ દઈને મોં પકડી લીધું. બે હાથે મોં પકડી માટલી પરથી એના આંટા ઉકેલવા માંડ્યાં. વાઘરીને કહ્યું : ‘લ્યા પૂંછડીથી પવાલીમાં નાંખ…!’ વાઘરીએ પૂંછડીનો ભાગ પવાલીમાં નાંખ્યો. નાથીમા બોલ્યાં – ‘હવે પેલી કથરોટ તિયાર રાખજે. હું જેવું આનું મૂઢું નાંખું એવો તું કથરોટ ઢાંકી દેજે….’

નાથીમાએ પાલવ છોડ્યો…. અજગર જેવો પવાલીમાં પડ્યો કે તરત વાઘરીએ કથરોટ ઢાંકી દીધી. ઉપર દાળ ભરડવાની નાની ઘંટી મૂકી દીધી. અજગરે અંદર ફૂંફાડા તો બહુ માર્યા, પણ… એક તો અંદર અંધારું અને ચોમેર પવાલીની લીસી દીવાલ. માથું કથરોડ પર ભટકાય પણ ઉપર ઘંટીનું વજન એટલે કથરોટ ખસે નહિ ને બહાર નીકળાય નહિ. ઘરની બહાર તો આખો મહોલ્લો ભેગો થયેલો, જાણે મદારીનો ખેલ ન હોય…! ટોળામાંથી દયાશંકર પુરાણી બોલ્યા – ‘કનૈયાએ કાળીનાગ નાથ્યો ઈમ નાથીમાએ અજગર નાથ્યો.’ જુવાનિયાઓ સામે જોઈ મગનકાકા બોલ્યા : ‘અલ્યા… વિધારતાએ હાત (સાત) પુરુષ મારીને આ બાઈ ઘડી છે. તમારી મૂછો મુંડાવી નાંખો. કોઈની જિગર ના ચાલી અજગર પકડવાની….! ફટ ભૂંડા…!’ જુવાનિયા નીચું જોઈ રહ્યાં. નાથીમા બોલ્યાં : ‘ચાર જણ પવાલી ઉપડાવો તો આપણ આંને વાંઘાની ધાર પર લઈ જઈએ.’

લોકો એકબીજાની સામે જોવા લાગ્યા. નાથીમાએ નજર કરી. અબદુલાને બોલાવ્યો. પોપટ અને અબદુલાએ પવાલી ઉપાડી પણ… વજન ખાસ્સું હતું. એક તો અજગર વજનદાર, પવાલી અને કથરોટ પણ વજનદાર, વળી કથરોટ પર પથ્થરની ઘંટીનું વજન…! અંદરથી અજગર માથું ઊંચું કરી કથરોટ ખસેડવા મથતો હતો પણ… ઘંટીનું વજન હતું એથી એની કારી ફાવતી ન હતી. એક હાથ ઘંટી પર ને બીજો પવાલી પર એમ કરી ઘસડતા… ઘસડતા… વાંઘા તરફ ચાલ્યા. આખું ટોળું થોડે દૂર પાછળ-પાછળ ધીમા પગલે ચાલતું હતું. ખાટલામાં પડ્યા-પડ્યા વાલાડોસાએ પૂછ્યું :
‘અલ્યા હું (શું) સ ?’
‘અજગરભાઈનો વરઘોડો….’ એક જણ બોલ્યો.
ભયના માહોલમાં પણ બધા હસી પડ્યા.
વાંઘાની ધારે પહોંચી ધીરેથી નાથીમાએ ઘંટી ઉપાડી લીધી. પવાલી આડી કરી જ્યાં કથરોટ ખેંચી ત્યાં તો રઘવાયો થયેલો અજગર ફૂંફાડા મારતો ઊછળ્યો. જેવો ઊછળ્યો એવો પડ્યો સીધો વાંઘામાં. ગડથોલાં ખાતો-ખાતો જઈ પડ્યો નદીના ઊંડા ધરામાં.
‘હાશ….’ કરી લોક પાછું વળ્યું.
પોપટિયો ને અબદુલો ડોક ઊંચી કરી, એકબીજા સામે જોઈ મલકાઈ રહ્યા.

[કુલ પાન : 182. કિંમત રૂ. 120. પ્રાપ્તિસ્થાન : હર્ષ પ્રકાશન. 403, ઓમદર્શન ફલેટ્સ. 7, મહાવીર સોસાયટી, મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે. પાલડી. અમદાવાદ – 380 007.]