પરમ સમીપે – કુન્દનિકા કાપડીઆ

[સાહિત્યરસિક મિત્રોને આમ તો ‘પરમ સમીપે’ પુસ્તકનો પરિચય આપવાની જરૂર ન પડે. વિવિધ દેશોની અનેક પ્રકારની ભાષાઓ અને ત્યાં જન્મેલા મહાપુરુષોની 101 જેટલી સુંદર પ્રાર્થનાઓનું સંપાદન કરીને કુન્દનિકાબેને ગુજરાતી સાહિત્યને એક અમૂલ્ય પુસ્તકની ભેટ આપી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર +91 2632 267245 પર સંપર્ક કરી શકો છો. 15થીયે વધુ આવૃત્તિઓ ધરાવનાર આ પુસ્તક મેળવવા માટેની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1]
વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયામ
હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્ન:
સ્મૃત્યાં શિરસ્તવ નિવાસ જગત્પ્રણામે
દષ્ટિ સતાં દર્શનેડસ્તુ ભવત્તનૂનામ (ભાગવત)

હે પ્રભુ, અમારી વાણી તારા ગુણોનું સ્તવન કરો, અમારા કાન તારી કથાઓનું શ્રવણ કરો, અમારા હાથ તારાં સેવાકર્મ કરો, અમારું મન તારાં ચરણોના ચિંતનમાં રહો, અમારું શિર તારા નિવાસ-સ્થાનરૂપ જગતને પ્રણામ કરવામાં રહો, અમારી દષ્ટિ તારી મૂર્તિરૂપ સંતોનાં દર્શનમાં રહો.

[2]
હે પ્રભુ,
હું નરકના ડરથી તારી પૂજા કરતી હોઉં
તો તું મને એ નરકની આગમાં સળગાવી દે;
અને સ્વર્ગના લોભથી જો તારી સેવા કરતી હોઉં
તો એ સ્વર્ગનું દ્વાર મારે માટે બંધ કરી દે;
પણ હું જો તારી પ્રાપ્તિ માટે જ
તારી ભક્તિ કરતી હોઉં
તો તું મને તારા અપાર સુંદર સ્વરૂપથી
વંચિત ન રાખીશ. (સંત રાબિયા)

[3]
પ્રત્યેક દિવસ, પ્રત્યેક પળ
એક નવા સમર્પણ માટેની
એક પૂર્ણ સમર્પણ માટેની તકરૂપ બની રહેવાં જોઈએ.

પણ એ સમર્પણમાં ઉત્સાહનો અતિરેક ન હોય,
ધાંધલ ન હોય, ક્રિયાની અતિશયતા ન હોય,
કાર્યનો આભાસ ભરેલો ન હોય.
એ એક ગહન અને શાંત સમર્પણ હશે.
એ સમર્પણે બહારથી દેખાવાની જરૂર નથી. એ તો
પ્રત્યેક ક્રિયાની અંદર પ્રવેશ કરી જશે અને તેને
પલટી નાખશે. અમારા મને એકલ અને શાંતિમય
બનીને સદાયે તારી અંદર જ નિવાસ કરવો જોઈએ.

અને એ વિશુદ્ધ શિખર પરથી તેણે જગતની
વાસ્તવિકતાઓનું બરાબર ચોક્કસ દર્શન
મેળવી લેવું જોઈએ, જગતના અસ્થિર અને
ચંચલ આભાસોની પાછળ આવેલી એકમાત્ર
અને શાશ્વત વાસ્તવિકતાને જોઈ લેવી જોઈએ.

પ્રભુ, મારું હૃદય વિશુદ્ધ બનીને કષ્ટ અને વ્યથામાંથી
મુક્ત બન્યું છે. પ્રત્યેક ચીજમાં એ તને નિહાળે છે.
અમારે માટે ભલે હવે કાંઈ પણ બાહ્ય કર્મ હો;
ભાવિમાં અમારે કોઈ પણ પરિસ્થિતિમાં મુકાવાનું હો,
પણ હું જાણું છું કે તું જ માત્ર એક તત્વ હસ્તીમાં છે,
તારા અક્ષર શાશ્વત સ્વરૂપે
તું જ એક માત્ર સત્ય વસ્તુ છે
અને તારી અંદર અમારો વાસ છે.

આખીયે પૃથ્વી પર શાંતિ હજો. (શ્રીમાતાજી, અરવિંદ આશ્રમ)

[4]
મારી નાની-મોટી નિર્બળતા જોઈ
હું હતાશ નહિ બનું,
અને બીજાઓ કરતાં ચડિયાતી શક્તિ જોઈ
ગર્વ નહિ કરું;
પણ મારી નિર્બળતાને દૂર કરવા
પ્રયત્ન કરીશ; અને
શક્તિને પચાવી જવાની શક્તિ મેળવીશ.

સુખના દિવસોમાં મારી પોતાની જ આસપાસ
સ્વાર્થની દીવાલ નહિ ચણું
અને દુ:ખના દિવસોમાં
વિશાળ હરિયાળાં મેદાનોને યાદ રાખીશ.

જગત મને જે કાંઈ આપે
તે કૃતજ્ઞભાવે ગ્રહણ કરીશ
અને સાંજ ઢળતાં મારી જાતને પૂછીશ :
આજે તેં કોઈને
આનંદનો કણ આપ્યો છે કે નહિ ?

મારી આજુબાજુ ભયાનક હત્યાકાંડ
ખેલાઈ રહ્યો હોય ત્યારે પણ,
એક ઊઘડતા ફૂલને
જોવાનું હું ચૂકીશ નહીં.

મારું સઘળું છે – માની, જીવનને સ્વીકારીશ :
મારું કંઈ જ નથી – માની,
મૃત્યુ માટે તૈયાર રહીશ. (મકરન્દ દવે)

[5]
પરમપિતા,
તને પ્રણામ કરીને હું આજના દિવસમાં પ્રવેશ કરું છું.
મારું મન ચંચળ છે, અને
મારાં સાંસારિક કામોની જાળ અટપટી છે
આ જાળમાં સાંગોપાંગ ફસાઈ જવાથી મને બચાવજે.

નકામી વસ્તુઓની ઈચ્છા કરવામાંથી
તુચ્છ બાબતોમાં શક્તિ ને સમય વેડફવામાંથી
અર્થહીન પ્રાપ્તિ પાછળ દોટ મૂકવામાંથી
મહેનત કર્યા વિના ધન મેળવવાની લાલસામાંથી મને બચાવજે.

કોઈ જોતું નથી – એ કારણે પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવાની દુર્બળતામાંથી
પૈસા કે સ્થાનના જોરે કોઈની અસહાયતાનો લાભ લેવાની કઠોરતામાંથી
જેમાં સહેલાઈથી સરી પડાય તેવાં અયોગ્ય કૃત્યોના રસ્તે
પહેલું પગલું ભરવામાંથી મને બચાવજે.

હું જે કરી શકું તેમ નથી, તે કરવા ઈચ્છતો નથી તેમ કહેવાના દંભમાંથી
જેમાં હું ઊણો ઊતરતો હોઉં તે ધોરણોની બીજા પાસે અપેક્ષા રાખવામાંથી
બીજામાં જેને હું તિરસ્કારું તે જ દોષો મારામાં હોય ત્યારે એ માટે બહાનાં કાઢવામાંથી
બીજાના દોષ પહોળી આંખે જોવામાંથી અને મારી ભૂલો પ્રત્યે
આંખો બંધ કરી દેવામાંથી મને બચાવજે.

કાંઈ અવળું બને કે મુશ્કેલી આવી પડે
ત્યારે બીજા પર એની જવાબદારી ઢોળી દેવામાંથી
ચડિયાતા લોકો સમક્ષ ઝાંખપ અનુભવવામાંથી
અને નીચેના લોકો આગળ મોટાઈ હાંકવામાંથી મને બચાવજે.

નાના લોકોને તે નાના છે તે કારણે જ અવગણવામાંથી
જેઓ મારા પર આધારિત છે, તેમના પર વર્ચસ્વ ચલાવવાની ઈચ્છામાંથી
પોતા પ્રત્યે ઉદાર ને બીજા પ્રત્યે કડક દષ્ટિબિંદુના બેવડા ધોરણમાંથી
પ્રિયજનો કેટલું કરે છે તેની જાણ વિના
અને હું કેટલું માગું છું તેના ભાન વિના
તેમની સાથેના સંબંધમાં જડ અને સ્થગિત રહેવામાંથી મને બચાવજે.

જેમાં હૃદયનો ભાવ નથી તેવા ઠાલા શબ્દો બોલવામાંથી
અને નજર સામે કોઈને અન્યાય થતો હોય ત્યારે
ચુપ રહેવામાંથી, મને બચાવજે.

ન ગમે કે ન સમજાય તેવી બાબતને ઝટ દઈને
બાજુ પર હડસેલી દેવાની ઉતાવળમાંથી મને બચાવજે
ક્ષુદ્ર સંતોષ અને મૂર્ખ અસંતોષથી મને બચાવજે.

હે પરમાત્મા,
મારી જ વાત સાચી એવી જીદમાંથી મને બચાવજે
હું બધું જ જાણું છું એવા અહંકારમાંથી મને બચાવજે.
કામકાજનો એક આનંદ છે, સફળતાનો એક નશો છે
રોજનાં સામાન્ય નાનાં કામોમાં જાતને ભુલાવી દેતી એક વિસ્મૃતિ છે
આ આનંદ, આ નશો, આ વિસ્મૃતિમાંથી મને બચાવજે.

સવારે કામ પર જઈ સાંજે ક્ષેમકુશળ પાછો ફરું ત્યારે,
તારો આભાર માની
આ બધાંમાંથી જાતને ખંખેરી
બધી કટુતા, ઈર્ષ્યા, રંજ, ચિંતામાંથી જાતને અળગી કરીને
તારી શાંત પ્રેમાળ ગોદમાં પોઢી જાઉં
ને બીજી સવારે નવું તાજું મન લઈને ઊઠું તેવું કરજે.

[6]
અમારી પાસે સોનુંરૂપું ને ઝવેરાત હોય
અમારો રથ સફળતાને માર્ગે રોજેરોજ આગળ જતો હોય
તેનો અર્થ એમ કરવો કે તારી અમારા પર કૃપા છે,
તે કાંઈ પૂરતું નથી.

સંસારના વ્યવહારમાં રહીને જો
મન સ્વચ્છ સરળ નિષ્કપટ રહે તો તે પણ તારી કૃપા છે.
કઠિનાઈઓમાં હૃદય આર્દ્ર રહે તે પણ તારી કૃપા છે.
નિ:સ્વાર્થપણે કોઈ સત્કૃત્ય કરવાની તક મળે, તે પણ તારી કૃપા છે.
મનમાં ઊંચા વિચારો ઊગે
મૂંગા પ્રાણીઓ અને મૂક વનસ્પતિ-સૃષ્ટિ માટે
હૃદયમાં સહજ કરુણાભાવ, પ્રેમભાવ રહે તે તારી કૃપા છે.

રસ્તે જતાં કોઈના તરફથી માયાળુ સ્મિત મળે
ખભા પર એક મૃદુ આશ્વાસનભર્યો સ્પર્શ મળે
અમારી વાતને ધ્યાનથી, સમજણથી સાંભળતા કર્ણ મળે
અમને ઉદાર વિશ્વાસુ સૂક્ષ્મદષ્ટિવાળું મન મળે તે પણ તારી કૃપા છે.

શાંત ચિત્તે અમે તારી પ્રાર્થના કરીએ ત્યારે
અમારા હૃદયનાં નાનાં નાનાં શલ્યો, ભાર ને ચિંતા
તું ઊંચકી લે છે, એ તારી કેવડી મોટી કૃપા છે, પરમ પિતા !

[કુલ પાન : 160. કિંમત રૂ. 90. (આવૃત્તિ : 1999 પ્રમાણે) પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર. 202, પેલીકન હાઉસ, નટરાજ ટોકીઝ સામે, આશ્રમ રોડ. અમદાવાદ-380 009. ફોન : +91 79 26589671 , +91 79 26583787. ઈ-મેઈલ : info@navbharatonline.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બ્રાયન ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા
સંગીત વિશેષ – સં વિજય રોહિત Next »   

11 પ્રતિભાવો : પરમ સમીપે – કુન્દનિકા કાપડીઆ

 1. nayan panchal says:

  કેટલી સુંદર પ્રાર્થનાઓ. દિવસ સુધરી ગયો.

  પણ મને સમજ નથી પડતી કે પ્રાર્થના કરવાની જરૂર ખરી ?? પ્રભુ તો વગર કહ્યે પણ બધુ જાણે જ છે…
  પ્રાર્થના કરવાથી જાણે ઇશ્વર સાથે સંવાદ થતો હોય તેવુ લાગે છે ખરું.

  આજે ૨૬ નવેમ્બરના કાળા દિવસે આટલો સુંદર લેખ આપવા બદલ મૃગેશભાઈનો આભાર,
  નયન

  • dhiraj says:

   નયનભૈ

   પ્રાર્થના ભગવાન ને સંભળાવવા માટે નહિ પણ આપણી લાગણીઓ ના સંતોષ માટે હોય છે.

 2. ખુબ જ સુંદર.

  આ પુસ્તકમાં સૌથી વધુ ગમે તેવી જો પ્રાર્થાનાઓ હોય તો એક ડો. રે પોતાના દરદી માટે કરેલી અને બીજી એક નવજીવન શરુ કરી રહેલા દંપતિની પ્રાર્થાના છે.

  પુસ્તક ખુબ જ સુંદર છે, વાંચવા અને વંચાવવા લાયક.

 3. Sneha says:

  ખુબ જ સરસ મને જરુરત ન સમયે શાન્તિ નો અનુભવ થયો અને ઘના વ્યક્તિઓ પ્રત્યે રાખેલિ દુર્ભવના દુર થઈ.
  આભાર.

 4. જય પટેલ says:

  ભાવમય પ્રાર્થનાઓ.

  સાંઈ મકરંદ દવેની પ્રાર્થના વધુ ગમી.
  સુખના દિવસોમાં મારી પોતાની જ આસપાસ
  સ્વાર્થની દિવાલ નહિ ચણું

  સ્વાર્થનું નિઃસ્વાર્થ ભાવે વિસર્જન કરતી કલ્પના.

 5. Veena Dave, USA says:

  સરસ.
  આખીયે પ્રુથ્વી પર શાંતિ હજો.

 6. Chintan says:

  ખુબ જ મસ્ત.
  મનના ઘણા બધા પ્રશ્નોના ઉત્તર આપતુ પુસ્તક.

  આભાર.

 7. Sanjay Pardava says:

  ખુબ જ મસ્ત
  પ્રાર્થના
  છે.

 8. Harish S. Joshi says:

  વર્શો પુર્વે મારા એક સાલિ સાહિબા દ્વારા આ પુસ્તક ભેત સ્વરુપે મલેલ્.વાન્ચન બાદ હ્રુદય રોગ મા થિ બહાર આવ્યો ને
  કુન્ન્દનિકા બેન ને આભાર વ્યક્ત કર્તો પત્ર પાથ્વેલ્,જેનો પ્રતુતર પન મલેલ્.લોકો ને વાન્ચ્વા આપ્તો હતો તેમા કોઇક ભઐ
  પોતાનિ ગ્રુહ પુસ્તકાલય મા વસાવિ લિધુ,હવે અહિ ઓસ્ત્રેલિયા મા પ્રાપ્ય નથિ.ભારત જવાનુ થતા વસાવિશ્.પ્રત્યેક ગુજરાતિ
  ઘર મા, વાન્ચ્વા,વન્ચાવ્વા અને વસાવ વા જેવુ પુસ્તક ચ્હે.પ્રાર્થના બધિજ સુન્દર અને મહાન્વા જેવિ જે ઇશવર ના પરમ સમિપે લ્ઇ જાયે ચ્હે.કુન્દનિકા બેન આ પુસ્તક નિ રચના બાદ નિશ્ચિત રુપે સાધુવાદ ને પાત્ર બન્યા.ગર્વુ ગુજરાતિ સાહિત્ય્
  આવિ ક્રુતિઓ થિ વધુ સમ્પન્ન થાયે જે સ્વાભાવિક ચ્હે.

 9. પ્રાર્થના ઓ પર phd કરવુ હોય તો આ પુસ્તક દ્વારા થઇ શકાય, કોઇ વ્યક્તિ સંસાર માં રહી ને પણ આ પુસ્તક માં થી થોડું પણ મેળવી/સમજી ને જો જીવન જીવે એ વ્યક્તિ નુ જીવન અને કુંદનિકા બહેનજી નો આ પ્રયાસ સફળ છે, આદરણીય શાહબુદ્દિન રાઠોડ સાહેબ ના આચાર્ય પદે અભ્યાસ મેળવતા મેળવતા એમની અત્યંત નજીક રહી ને “પરમ સમીપે” સમજવા ની બુદ્ધિ મળી.
  જ્યારે પણ કોઈ આદરણીય વ્યક્તિ ને કાંઇ ભેટ આપવાની તક સાંપડે છે ત્યારે મારી મુંઝવણ નો એકમાત્ર ઉપાય છે – પરમ સમીપે.
  કુંદનિકા બહેન શ્રી ને ધન્યવાદ આપી શકવાની તો ઉંચાઈ કેળવવી તો મારા માટે મુશ્કેલ છે, પ્રણામ જરુર પાઠવી શકાય.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.