સંગીત વિશેષ – સં વિજય રોહિત

[વડોદરાથી પ્રકાશિત થતા ‘ફીલિંગ્સ’ સામાયિક (તંત્રી : અતુલ શાહ) દ્વારા ચાલુવર્ષે અનોખો દીપોત્સવી વિશેષાંક પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ અંકનો વિષય છે : ‘સંગીત વિશેષ’. સંગીત આકાશના ઝળહળતા ગુજરાતી તારલાઓની વિસ્તૃત વિગત, વાર્તાલાપ, ગઝલો, કાવ્યો અને ગીતોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આજે તેમાંથી માણીએ કેટલાક સુપ્રસિદ્ધ સંગીતકારોનો ટૂંકો પરિચય. આ વિશેષાંકની મેળવવા માટે આપ સંપાદકશ્રી વિજયભાઈનો આ નંબર પર +91 9909502536 અથવા આ સરનામે vijaycrohit@gmail.com સંપર્ક કરી શકો છો.]

[1] દિલીપ ધોળકિયા

દિલીપ ધોળકિયા એટલે એવો ઝળહળતો તારલો કે જે ગુજરાતી સંગીતાકાશમાં સદાય ચમકતો જ રહેશે. ગુજરાતી ગીત-સંગીતમાં એમનું યોગદાન અનન્ય છે. ગુજરાતીમાં તેમના ઘણા સ્વરાંકનો છે, ઘણા ગીતો ગાયા છે છતાં ‘તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી’ એ ગીતના ગાયક તરીકે ઘણી નામના મેળવી છે. એમના જ શબ્દોમાં કહીએ તો દસ હજાર પરફોરમન્સમાં 15,000 વાર આ ગીત ગાયું હશે. એ સિવાય ‘એક રજકણ’ પણ એમનું ખૂબ સરસ કોમ્પોઝિશન છે, જે લતાજીએ ગાયું છે. ગુજરાતી ફિલ્મ ‘સત્યવાન-સાવિત્રી’ના લતા-રફીએ ગાયેલાં તેમના ગીતો યાદગાર બની રહ્યા. આ ઉપરાંત તેમણે ‘મેના ગુર્જરી’, ‘ડાકુરાણી ગંગા’ અને ‘જાલમસંગ જાડેજા’ જેવી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. જાલમસંગ જાડેજાનું ભૂપિન્દરે ગાયેલું ગીત ‘એકલા જ આવ્યા માનવા….’ ઘણું લોકપ્રિય થયું છે. હિન્દી ફિલ્મ સંગીત ક્ષેત્રે ચિત્રગુપ્ત અને એસ.એન. ત્રિપાઠીના સહાયક તરીકે એમણે ખૂબ કામ કર્યું છે. સુગમ સંગીત ક્ષેત્રે ફિલ્મ સંગીતના પ્રમાણમાં કદાચ થોડું ઓછું કામ કર્યું હશે, પણ જેટલું કર્યું છે તેની સાદર નોંધ લેવી જ પડે. જૂનાગઢમાં જન્મેલા દિલીપ ધોળકિયા આમ તો નાગર કુટુંબના પરંતુ તેમનું કુટુંબ સ્વામીનારાયણ સંપ્રદાયનું સત્સંગી કુટુંબ. તેમના દાદા કે જેઓ મંદિરમાં કીર્તનો સરસ ગાતા એટલે એમનો પ્રભાવ પણ દિલીપભાઈ પર ખરો.

1942માં મુંબઈ આવ્યા પછી સંગીતની કારકિર્દી મુંબઈમાં શરૂ થઈ. અવિનાશ વ્યાસના સહાયક રમેશ દેસાઈ અને આશિત દેસાઈના કાકા અને વાયોલિનવાદક બિપિન દેસાઈ સાથે એમની ઓળખાણ થઈ. તેમણે દિલીપભાઈનો અવાજ સારો હોઈ પદ્ધતિસરની તાલીમ લેવાની સલાહ આપી એટલે એમણે પાંડુરંગ આંબેકર પાસે શીખવાનું ચાલુ કર્યું. દરમિયાન, ગુજરાતના શિવકુમાર શુકલના ગુરુભાઈ પાસે તાલીમ લીધા બાદ સાંતાક્રૂઝ મ્યુઝિક સર્કલના શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો ખાસ સાંભળતા. શરૂઆતના સંઘર્ષ બાદ ફિલ્મ લાઈનમાં કામ મળ્યું. ‘પ્રાઈવેટ સેક્રેટરી’ સહિત કેટલીય હિન્દી ફિલ્મોમાં તેમના ગીતો લોકપ્રિય નિવડ્યા હતા. જેમ કે, જા રે બેઈમાન, જા જા રે ચંદા, ઓ સાંવરે. લતા મંગેશકરની લંડનના આલ્બર્ટ હોલમાં ગવાયેલા ફિલ્મી ગીતોની એલ.પી.માં દિલીપભાઈએ સ્વરબદ્ધ કરેલું એક માત્ર ગુજરાતી ગીત લેવાયું હતું : ‘રૂપલ મઢી છે સારી રાત…’

બેસ્ટ ઑફ દિલીપ ધોળકિયા :
[ક] તારી આંખનો અફીણી
[ખ] એકલા રે આવ્યા મનવા
[ગ] એક રજકણ
[ઘ] ના ના નહીં આવું
[ચ] હરિના છઈએ

[2] ક્ષેમુ દીવેટીયા

ક્ષેમુ દીવેટીયા એટલે ઑલ ઈન્ડિયા રેડિયોના માન્ય ગાયક-સ્વરકાર, સુગમ સંગીત સંમેલનોમાં સંચાલક, સંગીત નૃત્ય નાટિકાઓ, સંગીત રૂપકો અને નાટ્યસંગીતના સંગીત નિર્દેશક. ગુજરાત રાજ્ય ગુજરાતી ચલચિત્ર કરમુક્તિ સમિતિ તેમજ ગુજરાત રાજ્ય સંગીત, નૃત્ય, નાટ્ય અકાદમીના ભૂતપૂર્વ સભ્ય તથા ‘સંગીતસુધા’ નામની ગુજરાતના 35 કવિઓના ગીતો 26 જુદા જુદા કલાકારોના કંઠે ગવાયેલા સુગમ સંગીતના ગીતો, ગરબા, ગઝલ અને ભજનની અનોખી દસ કેસેટ્સના સેટના પ્રસ્તુતકર્તા. ક્ષેમુકાકા એટલે ગુજરાત રાજ્ય ‘ગૌરવ પુરસ્કાર’ના અધિષ્ઠાતા અને ગુજરાતી ફિલ્મ ‘કાશીનો દીકરો’ના શ્રેષ્ઠ સંગીતકાર. ક્ષેમુભાઈએ નાનપણમાં જયસુખલાલ ભોજક પાસે સંગીતની તાલીમ લીધી. ત્યાર બાદ હમીદ હુસેનખાં અને વી. આર. આઠવલે પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી. સ્વરરચનાની શરૂઆત આકાશવાણી અને નાટ્યસંસ્થા ‘રંગમંડળ’ને લીધે શરૂ કરી. 1951માં એ વખતના મધુર ગાયિકા સુધા લાખિયા સાથે લગ્ન કર્યા અને ત્યાર પછી સંગીતયાત્રાના અનેક મુકામો સર કર્યા. 1959માં અમદાવાદમાં રેડિયોની શરૂઆત થઈ ત્યારે એમને ગાવાની તક મળી હતી. જો કે સુગમ સંગીતની સફર ‘શ્રુતિવૃંદ’માં જોડાયા પછી વધુ વિસ્તરી. નોંધનીય છે કે ‘કેવા રે મળેલા મનના મેળ….’ તેમનું ખૂબ સરસ સ્વરાંકન છે. આ ગીત સૌથી પહેલાં 1950ની સાલમાં રેડિયો પર તેમણે અને તેમનાં પત્ની સુધાબહેને ગાયું હતું. ત્યારબાદ પ્રસિદ્ધ નાટ્યકર્મી પ્રવીણ જોશીએ એને ‘સપ્તપદી’ નાટકમાં લીધું. પછી ‘શ્રવણમાધુરી’ની એલ.પી.માં ગવાયું. ને છેલ્લે ગુજરાતી ચલચિત્ર ‘કાશીનો દીકરો’માં લેવાયું. ‘સપ્તપદી’થી એ વધારે લોકપ્રિય બન્યું હતું. ‘ચિત્રાંગદા’નું સંગીત પણ તેમણે જ આપ્યું હતું.

તે વખતના અગ્રગણ્ય નાટ્ય દિગ્દર્શકોથી લઈને આજના સુરેશ રાજડા સુધીના દિગ્દર્શકોના નાટકોમાં તેમણે સ્વરનિયોજન કર્યું છે. આઈએનટીના ઘણા નાટકોમાં સંગીત આપ્યું છે. થોડાં સમય અગાઉ તેમણે ‘લિખિતંગ રાધા’ શીર્ષક હેઠળ તુષાર શુકલના ગીતો કમ્પોઝ કર્યા હતા. તેઓ કહે છે કે ‘લોકોને ગમે એવું જ સંગીત આપવા જઈએ તો ગાડી આડે પાટે ચડી જાય. સંગીતનો મૂળ હેતુ માર્યો જાય. સુંદર સ્વરાંકન રચવા માટેના અનેક અભિગમોમાંનો એ એક હોઈ શકે. જનરૂચિ એ રીતે કેળવવી જોઈએ કે કવિતાનું ધોરણ ઊંચું હોય. ઢાળ બને એટલા સરળ બનાવવા જોઈએ. ગાનાર તૈયાર હોવો જોઈએ. લોકોને ગમે એવું આપવા માટે આજે એક જુદી જ સ્કૂલ ઊભી થઈ છે. રમતિયાળ કૃતિઓ હોય છે. પરંતુ એ બધું સભારંજનમાં ચાલે, દસ્તાવેજીકરણ કરવામાં ન સારું લાગે. ગીતને તમે રોમેન્ટિક બનાવી શકો, હિલેરિયસ બનાવી શકો પણ કાવ્યાત્મકતા, કાવ્યતત્વ નીચું ન ઊતરવું જોઈએ.’

બેસ્ટ ઑફ ક્ષેમુ દીવેટિયા :
[ક] રાધાનું નામ તમે
[ખ] ઝીણા ઝીણા રે આંકેથી
[ગ] ચાલ સખી પાંદડીમાં
[ઘ] આજ મેં તો
[ચ] દાન કે વરદાન

[3] રાસબિહારી-વિભા દેસાઈ

એ વર્ષ હતું 1960નું. દેશભરમાં કવિવર રવીન્દ્રનાથ ટાગોરની જન્મશતાબ્દી ઉજવાઈ રહી હતી. સુરતમાં તેનું આયોજન થયું હતું. તેના એક કેન્દ્રબિન્દુરૂપ હતા સંગીતમાર્તંડ પંડિત ઓમકારનાથ ઠાકુર. આયોજનમાં સંગીત હતું જ. ત્યારે રાસબિહારી દેસાઈને પહેલીવાર લોકોએ જોયા અને સાંભળ્યા હતા. તેમણે પંડિતજીની હાજરી અને કડક પરીક્ષક કાન હેઠળ એવું સરસ ગાયું કે પંડિતજી જેવા દુરારાધ્ય સંગીતસમ્રાટ પણ રાસભાઈને સાંભળીને બોલી ઉઠ્યા, આ યુવાન સ્વર સમજ્યો છે. ઓમકારનાથજીનું આટલું પ્રમાણપત્ર પણ અમૂલ્ય અને દુર્લભ જ લેખાય. રાસભાઈ તેને પાત્ર હતા જ. વર્ષો વીતી ગયા આ વાતને છતાં આજે પણ તેઓ ગુજરાતના પ્રથમ પંક્તિના સુગમસંગીત ગાયક અને સ્વરકાર બની શિરમોર સ્થાને પ્રતિષ્ઠિત છે. ધંધાદારી વલણને જેમણે પોતાની નજીક પણ નથી ફરકવા દીધું તેવા રાસબિહારીભાઈનો અષાઢી કંઠ એ તેમની સહુથી મોટી મિરાત છે. બીજું બધું જ હોય પણ સૂરીલો કંઠ જ ન હોય તો બધું નિરર્થક જ છે.

રાસભાઈની વિશિષ્ટતા એ છે કે ગાવા માટે મોટે ભાગે તેઓ ઉચ્ચ સાહિત્યિક સ્તરની રચનાઓ જ પસંદ કરે છે. તેમની કૃતિ પસંદગીની કક્ષા હંમેશાં ઊંચી હોય છે. સસ્તાં સમાધાનો તેઓ કદી કરતાં જ નથી. જુદા જુદા સંગીતકારોના અનેક સુંદર કમ્પોઝિશનો રાસભાઈએ સ્થાપેલા શ્રુતિ વૃંદમાં સાંભળ્યા હોવાનું ઘણાં ગુજરાતીઓને યાદ હશે જ. ગુજરાતના અગ્રગણ્ય અને સત્વશીલ કલાકાર રાસબિહારી દેસાઈ અને તેમનું શ્રુતિ વૃંદ એ ગુજરાતી સુગમ સંગીતનું એક મહત્વનું પ્રકરણ ગણી શકાય. રાસબિહારી દેસાઈની રગેરગમાં સંગીત. જો કે નાગર પરિવારના હોવાથી જન્મજાત સંગીતવારસો મળેલો જ હતો. કોઈ ઔપચારિક સંગીત તાલીમ મળી નહીં પણ આંતરિક ઊંડી લગનને લીધે, ખંતપૂર્વક રિયાઝ, શ્રવણ અને વાંચન દ્વારા સ્વાશ્રયથી સંગીત સાધના કરી જે આજેય ચાલુ છે. તેમના પત્ની વિભા દેસાઈ પણ સુગમસંગીત ગાયક. દેશ વિદેશમાં અનેક કાર્યક્રમો આપવા ઉપરાંત આ બેલડીએ માંડવાની જૂઈ, શ્રવણમાધુરી, કાશીનો દીકરો, ને તમે યાદ આવ્યાં તથા બીલીપત્ર જેવી અનેક કેસેટ્સ, સીડીઝ બહાર પાડી છે. રાસભાઈએ ભારતીય સંગીત-ગુજરાતી સુગમ સંગીત વિષયો પર વ્યાખ્યાનો આપ્યાં છે, લેખો લખ્યાં છે, કાર્યશિબિરો કરી છે અને પરિસંવાદોનું આયોજન પણ કર્યું છે.

બૅસ્ટ ઑફ રાસબિહારીભાઈ અને વિભા દેસાઈ :
[ક] માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો
[ખ] પાસપાસે તો ય કેટલાં જોજન દૂરનો આપણો વાસ
[ગ] દિલમાં કોઈની યાદનાં પગલાં રહી ગયાં.
[ઘ] પરથમ પ્રભુજી સાથે પ્રીત ન કીધી
[ચ] તારું આકાશ એક હિંડોળાને ખાટ

[4] ગૌરાંગ વ્યાસ

‘1975માં દિગંત ઓઝા અને નિરંજન મહેતા ‘લાખો કુલાણી’ ફિલ્મ બનાવી રહ્યા હતા. તેઓ ભઈ (અવિનાશ વ્યાસ) પાસે આવ્યા. ફિલ્મની કથા સંભળાવી, બીજી આડીઅવળી વાતો કરી અને છેલ્લે કહ્યું કે આ ફિલ્મમાં સંગીતકાર અવિનાશ વ્યાસ નથી. ભઈએ જરાક આશ્ચર્ય અને અકળામણ સાથે પૂછ્યું : ‘તો પછી મારી પાસે કેમ આવ્યા ?’ તો એમણે કહ્યું કે આ ફિલ્મમાં સંગીતકાર તમે નહીં પણ ગૌરાંગ વ્યાસ છે. પોતાના દીકરાને પહેલી સ્વતંત્ર ફિલ્મ મળે તે કોને ન ગમે ? જોકે ભઈએ કહ્યું કે સંગીતકાર ભલે ગૌરાંગ હોય, પણ ગીતો હું જ લખીશ… પહેલ વહેલીવાર મને આ ફિલ્મનું કામ મળ્યું અને અવિનાશ વ્યાસ જેવા ગીતકાર પણ મળી ગયા. આનાથી મોટું સદભાગ્ય કયું હોઈ શકે ?’ પ્રસિદ્ધ સંગીતકાર ગૌરાંગ વ્યાસના આ શબ્દો છે.

ગુજરાતના ઘેર ઘેર પોતાના ગીતો ગૂંજતા કરનાર પદ્મશ્રી સંગીતકાર-ગીતકાર પિતાના સંતાન તરીકેનું ગૌરવ પ્રાપ્ત કરવું એ કંઈ નાની સિદ્ધિ નથી. પરંતુ ગૌરાંગભાઈએ આ ગૌરવને પિતાના નામ પૂરતું જ મર્યાદિત રાખવાને બદલે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે એ એનાથીય મોટી સિદ્ધિ છે. ‘1971માં ‘જેસલ તોરલ’ ફિલ્મ આવી ત્યારે ભઈએ મને કહ્યું કે આ ફિલ્મમાં તું મને આસિસ્ટ કરે તો સારું. અને એ ફિલ્મથી ભઈના સહાયક સંગીતકાર તરીકે મેં કામ કરવાનું શરૂ કર્યું. પછી તો ગુજરાતી ફિલ્મોનો સિલસિલો જે ચાલ્યો અને લગભગ 135 ફિલ્મોમાં મેં સંગીત આપ્યું….’ ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી સુગમસંગીત આ બંને ક્ષેત્રે પ્રદાન હોય એવા આ કદાચ એકમાત્ર સંગીતકાર જ હશે. ગૌરાંગભાઈએ અંદાજે 700 જેટલા ફિલ્મીગીતો કમ્પોઝ કર્યા છે અને એટલા જ ગૈરફિલ્મી ગુજરાતી ગીતો એટલે કે સુગમ સંગીતનાં ગીતો સ્વરબદ્ધ કર્યા છે. લતા મંગેશકર, આશા ભોંસલે, કિશોરકુમાર, મન્નાડે, મુકેશ, મહેન્દ્ર કપૂર અને જગજિતસિંહ જેવા શ્રેષ્ઠ બિનગુજરાતી કલાકારો પાસે ગુજરાતી ગીતો ગવડાવવાનો યશ પણ અવિનાશભાઈ પછી ગૌરાંગભાઈને જાય છે. તેમણે કેટલીય ટી.વી. સિરિયલોમાં પણ સંગીત પીરસ્યું છે. અત્યાર સુધીમાં 23 ગુજરાતી ફિલ્મોમાં તેમને શ્રેષ્ઠ સંગીત નિર્દેશકના એવોર્ડઝ મળી ચૂક્યા છે, તો 1994-95માં સંગીત નાટ્ય અકાદમી તરફથી ગૌરવ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. તેઓ વાતચીતમાં કહે છે કે, ‘એક સમય એવો હતો કે મારી પાસે ભઈ કરતાં પણ વધારે ફિલ્મો હતી, એટલે કોઈકે કીધું કે અવિનાશભાઈ તમારો દીકરો તો તમારાથી પણ આગળ વધી ગયો છે. ત્યારે ભઈએ કીધું કે પુત્રના હાથે પરાજય થાય એનાથી વિશેષ આનંદની ઘટના શું હોઈ શકે ? હું માનું છું મારા પિતાના આ શબ્દો મારે માટે સૌથી શ્રેષ્ઠ એવોર્ડ છે.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પરમ સમીપે – કુન્દનિકા કાપડીઆ
ઉત્તમ ભાવના, ઉત્તમ કાર્ય – શૈલી પરીખ Next »   

15 પ્રતિભાવો : સંગીત વિશેષ – સં વિજય રોહિત

 1. nayan panchal says:

  સરસ માહિતીપ્રદ લેખ બદલ આભાર.

  ગુજરાતી સંગીતના ચાહકો માટે આ વિશેષાંક સંગ્રહ કરવા લાયક છે.

  આભાર,
  નયન

 2. ખુબ સુંદર

  સંગીતપ્રેમીઓ માટે દિવાળી બોનસ.

 3. trupti says:

  ગુજરાતી સુગમ સગિત ની તોલે કોઈ ન આવે. મને આજે પણ હિન્દી કરતા ગુજરાતી ગીતો સાભળવા વધારે ગમે છે. હવે ગુજરાતી ફિલ્મો તો મુબઈ મા જોવા મળતી નથી, પણ ગુજરાતી નાટકો જોવા ગમે. મારા નાના ભાગવાડી મા નાટકો જોવા જતા અને મારી મમ્મી ના કહેવા મુજબ તે આખી રાત ચાલતા, એના ગીતો મારા નાના ગ્રામો ફોન ની રેક્ડ પર સાભળ તા અને તેમનુ કામ કરતા કરતા ગણ ગણ તા. જે મિઠાસ એ ગીતો મા હતી તે આજ કાલ ના ધમાલીયા સગીત મા નથી. મને પ્રુસ્ટિય માર્ગીય સમપ્રદાય મા ગવાતા ભજનો સાભળવા તથા ગણ ગણવા આજે પણ ગમે.

  ખરેખર ખુબજ સુદર અને માહિતી વાળો લેખ આપવા બદલ મ્રુગેસ ભાઈ નો ખુબજ આભાર્.

 4. dhir says:

  ‘ફીલિંગ્સ’ ની website માં વાંચ્યુ હતુ

  વધારે માહિતી માટે click કરો

  http://www.feelingsmultimedia.com

  • trupti says:

   Dhirbhai,

   Thanks for sharing the useful link. Came to know about many more singers/composers/lyrists.

   I had an opportunity to hear Sachin Limaye, when our Navsari Lad Mandal had organized the Sangeet Snadhya and we had invited him along with his troop. His voice and expression is very good. He is a good composer too. He has composed many Shreenathji’s bhajan, but one of my favorite is ” હવેલી ચણાવી દઉ”. Being non-Gujarati and non-vaishavaite what he signs with the expression, which is worth watching. Like Sachin Limaye, it is pleasure hearing Soli Dastur too.

   • Ashish Dave says:

    Sachinbhai is too good. I know him since his first time appearance in Saregamapa… Last year he was here for his Art of Living concert and that was mind blowing. His brother Nitin (rishi nityapragya) is also a very good singer and composer. You may find him at following links:

    http://video.google.com/

    Ashish Dave
    Sunnyvale, California

    • trupti says:

     Ashishbhai,
     Thanks for sharing the link and the information. Even Schinbhai’s wife is a singer, but frankly speaking, she did not appeal to me much. But his troop is too good. I do not recollect the name but I think, Shriman Dongreje is too good who is part of his troop.

     • Ashish Dave says:

      Dear Truptibehn,

      He was here without his troop and he was accompanied by our local artists. My wife is also Vaishnav and her whole family loves Shrinathji bhajans.

      Ashish Dave
      Sunnyvale, California

 5. SHAILEE PARIKH says:

  NICE WORK DONE BY EDITOR

 6. સંગીતમય લેખ ,રસપ્રદ વાતો જાણવા મળી. આભર મ્રૂગેસભાઈ.
  ગુજરાતી સુગમ સંગીત માણવા જેવું છે.
  માડી તારું કંકુ ખર્યુ ને સૂરજ ઊગ્યો……….આ પ્રકાર ના અનેક ગુજરાતી ગીતો આજે પણ આનંદ આપે છે.
  કીર્તિદા

 7. જય પટેલ says:

  ગુજરાતી ફિલ્મ-સુગમ સંગીતના સર્જકો વિષે સુંદર માહિતી આપતો લેખ.

  ક્ષેમુ દિવેટિયાનું કાશીનો દિકરો ફિલ્મનું ગીત….મારી આંખે કંકુના સૂરજ ઉગ્યા
  સાંભળી ભાગ્યે જ કોઈ ગુજરાતી હશે જેની આંખો ભીની ના થઈ હોય..!!
  આ રચના કવિશ્રી રાવજી પટેલની અમર કૃતિ છે.

  શ્રવણ માધુરીની એલ.પી. રૂ. ૬૦માં ખરીદી હતી. શ્રેષ્ઠ ગુજરાતી આલ્બમ છે.
  રેડિયો ગ્રામમાં સાંભળવાનો જે અનેરો આનંદ હતો તે આજે બૉઝમાં પણ નથી આવતો..!!!

 8. Jayesh parekh says:

  Vijay bhai. Nice work
  @jayesh parekh

 9. nayan panchal says:

  આ સાઈટ તો લગભગ બધાને ખબર જ હશે, છતા જો કોઈને ખબર ન હોય તો

  http://www.tahuko.com

  લેખમાં આપેલ દરેક ગીત અને અન્ય ઘણા બધા મળી રહેશે.

  નયન

 10. Veena Dave, USA says:

  સરસ માહિતી. આભાર.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.