મધપુડો – સંકલિત

[1] બાણશૈયા – મૃગેશ શાહ

મહાભારતનો એક પ્રસંગ છે જેમાં પિતામહ ભીષ્મ બાણશૈયા પર પોઢ્યાં છે. અનેક બાણોથી એમનું શરીર છેદાયેલું છે. લોહીની ધારાઓ વહી રહી છે. પોતાના પ્રાણને તેઓ ઉત્તરાયણ સુધી ટકાવીને સ્થિર મનથી ભગવાન વાસુદેવનું સ્મરણ કરી રહ્યા છે. તેમના નિર્વાણનો સમય નજીક આવતાં કૃષ્ણ સખા યુધિષ્ઠિરને લઈને તેમને મળવા જાય છે. એ સમયે શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને ભીષ્મ પાસેથી જીવનનો બોધ મેળવવા સંકેત કરે છે. મહાભારતમાં એ સમી સાંજ અને રાત્રીના થયેલા વાર્તાલાપોનું ખૂબ સુંદર વર્ણન આપ્યું છે. ધર્મ અને રાજનીતિથી લઈને અનેક બાબતો પર વિસ્તારપૂર્વકનું ચિંતન એમાં સમાયેલું છે. યુધિષ્ઠિરના પ્રશ્નોનો જવાબ દાદા ભીષ્મે સચોટ અને સ્પષ્ટ રીતે આપ્યો છે.

જ્યારે જીવનની અંતિમ અવસ્થાએ પહોંચેલા કોઈ બિમાર વયોવૃદ્ધ વ્યક્તિની હૉસ્પિટલમાં ખબર કાઢવા જવાનું થાય ત્યારે મને આ મહાભારતનો પ્રસંગ યાદ આવે છે. માણસને આખા જીવન દરમ્યાન કેટકેટલાય બાણ વાગાતા હોય છે. ઘણીવાર તો એ બાણ પોતાના સગાંઓએ જ મારેલા હોય છે ! હોસ્પિટલના બિછાને જ્યારે માણસને આ બધી વાતોનું સ્મરણ થાય છે ત્યારે એ તેના માટે બાણશૈયા જ બની રહે છે. એવા વ્યક્તિની ખબર કાઢવા જવાનો આપણે ત્યાં રિવાજ છે. હકીકતે દર્દીને આશ્વાસન આપવા ઉપરાંત ત્યાં જવાનો ઉદ્દેશ આપણા માટે જીવનનો બોધ મેળવવાનો પણ હોય છે કારણ કે દરેક વ્યક્તિને આખરે કોઈક દિવસ એ બાણશૈયા પર સૂવું પડે છે. ભલે આઈ.સી.યુ. રૂમમાં ધર્મ અને રાજનીતિના વાર્તાલાપ ન થતાં હોય પણ ત્યાંનું વાતાવરણ આપણને એક પણ શબ્દ વિના જીવનનું સત્ય એટલી સચોટ રીતે સમજાવી દે છે કે માણસ આપોઆપ ઘડાઈ જાય છે. હોસ્પિટલના બિછાને સૂતેલો દરેક વ્યક્તિ ભીષ્મ સમો ભાસે છે.

[2] ઘર – રણજિતસિંહ ચૌહાણ

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે યુવાસર્જક શ્રી રણજિતભાઈનો (ક્રોસવર્ડ, વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9979358799]

દુકાનમાં આજે નાના બાળકોની વાતચીત સાંભળીને તુરંત લખવા બેસી ગયો. તેઓની વાતચીતમાં જે મીઠાશ હતી તે કદાચ ‘ડેરીમિલ્ક ચોકલેટ’માં પણ નહીં હોય. એ બંને બાળકો ‘ચોકલેટ અહીંયા ખાવી કે ઘરે ?’ એમ નક્કી કરતાં હતાં. અંતે તેઓએ એવો નિર્ણય કર્યો કે ચોકલેટ તો ઘરે જ ખાશું કારણ કે ઘરે ખાઈએ તો વધારે મજા આવે ! તેમની આ વાત મને ગમી. મને લાગ્યું કે કે.જીમાં ભણતા બાળકો ઘરનું મહત્વ સમજી ગયાં પરંતુ આપણે કદાચ હજી સમજી શક્યાં નથી. ભગવાન કરે કે આ બાળકોના માનસ પર ઘરનું મહત્વ આજીવન છવાયેલું રહે.

કહેવાય છે ને કે ધરતીનો છેડો ઘર ! કેટલું સચોટ છે ! દુનિયાના કોઈપણ ખૂણામાં ઘર-પરિવાર વગર આપણે દસેક દિવસ ખેંચીએ. પણ પછી તો કિશોરકુમારનું ગીત યાદ આવી જાય કે ‘તેરી ઔર ડોર ખીંચે…’ અનેક કવિઓ અને લેખકોએ ઘરનું મહત્વ પોતાની કૃતિઓમાં કંડારેલું છે. ઘર વગર આપણે હંમેશા અધુરા જ છીએ. સંતોષનો ઓડકાર તો ઘરમાં જ આવે, પછી ભલે ને તાજ હોટલમાં બે દિવસ રહ્યાં હોય ! ઘરમાં વાર-તહેવારે જ્યારે રંગ-રોગાન કરવામાં આવે ત્યારે જૂનો રંગ ઉખેડવામાં આવતો હોય છે. એવા પ્રસંગે આપણા મુખ પર ક્યારેક વિષાદ છવાઈ જાય છે. કારણ કે એ રંગ સાથે કેટલીયે જૂની યાદો પણ ઉખડતી હોય છે. એ સ્મૃતિઓને સ્મરતાં હૃદય ભારે થઈ જાય છે. ઘરનો એ જૂનો ઓરડો કે જ્યાં આપણે કક્કો ઘૂંટતા શીખ્યા હતા અને એ જ ઓરડામાં મેડિકલની પરીક્ષાની તૈયારી પણ કરતા હતાં – આ બધું જ આપણા માનસ પર હંમેશા છવાયેલું રહે છે. આપણે ઘડીક તેને યાદ કરી લઈએ છીએ. સમય જેમ જેમ આગળ જાય તેમ તેમ બધું જ ભૂલાતું જાય છે પણ ઘર કદીય ભૂલાતું નથી.

[3] નાનપ વગરનું કામ, અમે એકબીજાના હજામ – કેતન ડી. શુકલ

(રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલ આંબરડી ગામની ‘જીવનશાળા’ સ્કૂલની આ વાત છે.) પાંચાળની ધરતી એટલે મહેનત વગર તો કંઈ આપે નહીં. પાણી અને ખેતીના અનેક પ્રશ્નો વચ્ચે નબળા ઘરના છોકરાઓ અહીં ભણે એટલે એમનો રૂપિયો તો પરસેવાની કમાણી. એને કેમ બચાવવો ? એટલે પહેલી વાત આવે સાદાઈ અને સ્વાવલંબન. વિચારતા વિચારતા થયું કે વાળ કપાવવાના આપણે રૂપિયા શું કામ આપીએ ? આટલું બધું કામ આપણે જાતે કરી શકતા હોઈએ તો વળી આ શું કામ ન થાય ? અને શરૂ થયું અમારું ‘વાળ કાપવાનું સ્વાવલંબન’ આંદોલન.

અમારી જીવનશાળાના છાત્રાલયમાં હજારેક છોકરાઓ રહે છે. ઉત્તર બુનિયાદી શાળા એટલે બે કલાક શ્રમકાર્ય કરે અને ગૃહકામ પણ હોય જ. વાળ કાપવા દર શનિવારે હજામ આવે અને વાળ કાપવાના 10-15 રૂપિયા પ્રત્યેક વિદ્યાર્થી પાસેથી લે. વાળ કાપવાનું કામ તો જરા અઘરું લાગતું હતું. એક દિવસ મારા દસ વર્ષના દીકરા ઓમ ને સમજાવી પ્રયોગ શરૂ કર્યો. શરૂઆતની તકલીફ પછી તો શિખાતું હોય તેવું લાગ્યું અને આમ પ્રયોગ શરૂ થયો. સૌ પ્રથમ વિદ્યાર્થીઓએ સહકારી રીતે સ્વેચ્છાએ પૈસા એકઠા કર્યા અને 300 રૂપિયાના વાળ કાપવાના તમામ સાધન ખરીદ્યા. સૌ પ્રથમ ધોરણ-12નો વિદ્યાર્થી વાળ કપાવવા તૈયાર થયો અને પછી મારો વારો આવ્યો. આમ વાળ કાપવા-કપાવવાની શરૂઆત થઈ. એક માસમાં તો 200 વિદ્યાર્થીઓએ વાળ કપાવ્યા. 25 જેટલા છોકરાઓ વાળ કાપવાના નિષ્ણાત થઈ ગયા. જેમાં ધોરણ 8-9ના વિદ્યાર્થીઓને તો એટલી ફાવટ આવી ગઈ કે છોકરાઓ હજામ કરતા તો શાળાના વિદ્યાર્થીઓ પાસે વાળ કપાવવાનું પસંદ કરવા લાગ્યા. પછી તો બાજુની સીમ શાળામાં પણ વાળ કાપવા ગયો અને ત્યાંના ઉત્સાહી શિક્ષક ભાવેશભાઈને પણ વાળ કાપતાં શિખવ્યું એમણે પણ વાળ કાપવાનો એક સેટ ખરીદી શાળામાં બાળકોના વાળ કાપવાનું ચાલુ કર્યું.

આમ વાળ કાપવા-કપાવવા જેવી સાદી કંટાળાજનક વાત અહીં તો જાણે ઉત્સવ બની ગઈ. બે છોકરાઓના વાળ કપાતા હોય અને પાંચ દસ છોકરાઓ તેનું નિરીક્ષણ કરતા હોય. વાળ કેટલા ટૂંકા કરવા, કેમ કટ આપવી, કોઈ ફુવારો છાંટે તો કોઈ સફાઈ કરે, કોઈ અરીસો લઈને ઊભો રહે, કોઈ અસ્ત્રાની બ્લેડ બદલે. બધું જ ખૂબ ઉત્સાહપૂર્વક. કોઈ ફરજીયાતપણું નહીં, કોઈ કંટાળો નહીં. અને કોઈ નાનપ નહીં. ત્યારે વિચાર આવી જાય કે કદાચ આને જ ખરું શિક્ષણ કહેવાતું હશે. આવી ફેશનેબલ દુનિયામાં અમારા છોકરાઓએ હિંમતનું કામ કરી દેખાડ્યું છે ને ! (‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર.)

[4] બદલો – ગિજુભાઈ

શિક્ષકને પોતાના કામમાંથી કયો બદલો મળવો જોઈએ ? તેનો પગાર તો એટલો બધો ટૂંકો છે કે એ કાંઈ તેના સુંદર અને પવિત્ર કાર્યનો બદલો નથી. એટલું જ નહિ પણ તેની અને તેના કામની હાંસી છે. તેનું સમાજમાં સ્થાન તો એટલું બધું સામાન્ય છે કે તે કાંઈ તેના જીવંત કામનો બદલો નથી એટલું જ નહિ પણ તે જાણે છે કે તેને એક પ્રકારની અન્યાયભરી શિક્ષા છે. શિક્ષકને બદલો કોણ આપે ? કેવો બદલો આપે ? ખરી રીતે તેનું સાચું અને સારું કામ કોઈ પણ બદલાથી મૂલવી શકાય તેમ નથી. એ કામ બદલાથી પર છે. સમાજ કે વ્યક્તિ તેનો બદલો આપી શકે જ નહિ. ધન કે પદવીથી તેનો બદલો વાળી શકે નહિ. અને તેથી જ શિક્ષકે એવા બદલાની આશા રાખી પોતાની જાતને નાહક દુર્બળ કરવી નહિ. એવા બદલા પાછળ તેણે પડવું પણ નહિ. એવા બદલાની મિથ્યા આશામાં પડી પોતાનું તેજ અને તત્વ ગુમાવવું નહિ.

કેમ કે, જો શિક્ષક અનુભવે તો તેને પોતાના કામનો એક એવો અમૂલ્ય અનુભવ મળે છે કે જે કદી પણ ધન કે સત્તાથી ખરીદી શકાય નહિ. આ અનુભવ તે તેના વિદ્યાર્થીઓના સાચા પ્રેમનો છે. ચાર દીવાલ વચ્ચે બેસી નિષ્ઠાપૂર્વક કામ કરનાર દરેક શિક્ષકનો નગદ અનુભવ હશે કે બાળકોના પ્રેમની અખંડ ધારા તેમના પર વરસે છે. તેઓ બાળકોનો પ્રેમ નજરોનજર જોઈ શકે છે. શિક્ષકનું જરા માથું દુ:ખે છે તો તે બાળકો વીલાં બને છે. શિક્ષક તેનાથી દૂર જાય છે કે ગામ જાય છે ત્યારે બાળકો તેનો તીવ્ર વિયોગ અનુભવે છે. શિક્ષકને જરાક નારાજ ભાળે છે તો બાળકોને કંઈનું કંઈ થઈ જાય છે. બાળકનાં માબાપ શિક્ષક વિશે જરા પણ પડતું કે ઘસાતું બોલે છે તો બાળકો હીજરાય છે, રડે છે ને ઘણી વાર જેમ તેમ સંભળાવી પણ દે છે. નિષ્ઠાપૂર્વક કામ કરનાર શિક્ષકને આ બદલો મળે છે. આ બદલો એટલે બાળકનો અઢળક પ્રેમ, નિર્વ્યાજ પ્રેમ. અવિચ્છિન્ન પ્રેમ. જે શિક્ષક પોતાના કામથી આવો પ્રેમ મેળવી શકે છે તેને ઘડીભર પગારની અને સમાજની પદવીની શી પડી છે ? અને જો આવા શિક્ષકો વધવા લાગે તો નિશાળોનું બધું કામ બાળકો અને શિક્ષકોના પ્રેમથી રંગાયેલું રહે. શિક્ષકની જીવનશક્તિ બાળકો ઉપર રેડાયા કરે અને બાળકો તેમાં નહાતાં-નહાતાં ખીલવા લાગે, તો જરૂર સમાજ આપોઆપ શિક્ષકને ઉચ્ચ-આદર્શ પદવીએ બેસાડશે અને તેનાં સુખ-દુ:ખની ચિંતા રાખશે.

પણ શિક્ષકોને તો પ્રેમ પાથર્યા પહેલાં બદલો જોઈએ છે ! કર્તવ્ય કર્યા વિના સમાજમાં સ્થાન જોઈએ છે ! જો એમ જ હોય તો તેમને પેલાં બાળકોના પ્રેમનું સ્વપ્ન ક્યાંથી આવે ? અને એવું સ્વપ્ન પણ ન આવે ત્યાં સુધી સાચો બદલો કેવી રીતે પ્રાપ્ત થાય ? (‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.)

[5] સેવાધર્મ – સીતારામ પુરુષોત્તમ પટવર્ધન

હું આખું વિશ્વ છું, મર્યાદિત છું તેમ વ્યાપક પણ છું. મૂળે હું એક ગગનવિહારી પંખી છું. સેવા એટલે મારો અલ્પમાંથી વિશાળ, બિંદુમાંથી સિંધુ, પિંડમાંથી બ્રહ્માંડ થવાનો પ્રયત્ન છે. સેવા એટલે આત્મવિસ્તાર અને આત્મવિસ્તારની અંતિમમર્યાદા પરમાત્મા છે. સ્વેચ્છાએ કે અનિચ્છાએ માણસની બધી પ્રવૃત્તિઓ, વિદ્યાઓ, કળાઓ, સુધારણાઓ, સંશોધનો કે યુદ્ધો આ મૂળ સ્વરૂપની પ્રાપ્તિ માટેના જુદી જુદી જાતના પ્રયત્નો જ છે. આદર્શ સેવા એટલે જગતની અથવા ભૂતમાત્રની સ્વેચ્છાથી જ્ઞાનપૂર્વક અને આત્મભાવનાથી કરેલી સેવા.

હું આખા જગતનો ઋણી છું. પૂર્વજોના તેમજ સમકાલીનોના શ્રમનાં મધુર ફળ હું ચાખી રહ્યો છું. આ દેવું ચૂકવવાનો પ્રયત્ન કરવો, આ વારસામાં થોડો ઘણો પણ ઉમેરો કરીને પોતાની પછી આવનારા લોકો વાસ્તે વધારે સારી દુનિયા મૂકી જવા માટે પોતાની બધી શક્તિથી પ્રયત્ન કરવો એ મારું પરમકર્તવ્ય છે. (‘સેવાધર્મ’ પુસ્તકમાંથી સાભાર.)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઉત્તમ ભાવના, ઉત્તમ કાર્ય – શૈલી પરીખ
માબાપને લાગણી ભરેલી વિનંતી – ભરત એસ. ભૂપતાણી Next »   

14 પ્રતિભાવો : મધપુડો – સંકલિત

 1. nayan panchal says:

  મીઠુ મીઠુ મધ વહેંચવા બદલ આભાર, મૃગેશભાઈ.

  “ત્યાંનું વાતાવરણ આપણને એક પણ શબ્દ વિના જીવનનું સત્ય એટલી સચોટ રીતે સમજાવી દે છે કે માણસ આપોઆપ ઘડાઈ જાય છે. હોસ્પિટલના બિછાને સૂતેલો દરેક વ્યક્તિ ભીષ્મ સમો ભાસે છે.” પરંતુ હોસ્પિટલની બહાર નીકળ્યા પછી પાછા આપણે કૌરવ બની જઈએ છીએ !!!

  સંતોષનો ઓડકાર તો ઘરમાં જ આવે, પછી ભલે ને તાજ હોટલમાં બે દિવસ રહ્યાં હોય !

  કેતનભાઈએ ખરી કેળવણીની વાત કરી. આજકાલના શિક્ષકો તો એવા હોય છે કે વિદ્યાર્થીઓ તેમની માંદગી માટે પ્રાર્થના કરે, જેથી ફ્રી તાસ મળે.

  હું આખા જગતનો ઋણી છું. અને મારા કાર્યો દ્વારા તેનુ ઋણ ઉતારવુ મારી ફરજ છે.

  આભાર,
  નયન

 2. GOPAL says:

  બહુ જ સુઁદર

 3. જય પટેલ says:

  મનનીય સંકલન

  સૌથી ઉત્તમ…..બાણસૈયા.
  માણસના આખા જીવન દરમ્યાન કેટકેટલાય બાણ વાગતા હોય છે.
  ઘણીવાર તો એ બાણ પોતાના સગાઓએ જ મારેલા હોય છે….જીવનનું સચોટ ઑબ્ઝર્વેશન..!!

  વક્ર દ્રષ્ટિ.
  હોસ્પિટલ અને સ્મશાન માણસને માણસ બનાવે છે.

 4. Veena Dave, USA says:

  મીઠો મધપુડો.

 5. trupti says:

  હુ તો કોઈ દીવસ સ્મશાને ગઈ નથી પણ સાભળ્યુ છે કે, મરેલા માણસ ની કોઈ આમાન્યા ત્યાએ રહેતી નથી. એક બાજુ ચીતા સળગત હોઈ અને બીજિ બાજુ શેર માર્કેટ અને ધધા ની વાતો થતી હોય અને હાસ્ય ની છોળો ઉડતી હોય
  નયન ભાઈ જોડે સમત છુ કે, આજ ના વિધ્યર્થી ઓ ને શિક્ષકો ની પડી નથી અને તેઓ તેમના બીમાર થવા ની રાહ જ જોતા હોય છે.
  ચારે કણિકા ઓ ખુબજ સરસ.

 6. ખુબ જ સુંદર સંકલન.

  ૧/ સાવ સાચુ કે ક્યારેક આપણા ગણતા લોકો જ આપણ ને બાણ મારી ને દુઃખ પહોંચાડતા હોય છે. અને ક્યારેક બાણ મારનારજ આવી ને આશ્વાસન પણ આપતા હોય છે.

  ૨/ ઘર – શબ્દમાં જ હાશકારો અનુભવાય છે. જે સૌ ઘરમાં, પરિવારમાં રહે છે તે નસીબદાર છે, બાકી આજીવિકા માટે ઘરથી દૂર રહેતા માણસની એકલતા કે ઘર માટેનો ઝુરાપો કલ્પના કરવા લાયક છે

  ૩/ એક સારો શિક્ષક વિધ્યાર્થી ની જીંદગી તારી શકે કે પછી એક ખોટો શિક્ષક વિધ્યાર્થી ની જીંદગી મારી શકે.

 7. dhiraj says:

  અદભુત સંકલન

  ૧ / હોસ્પિટલ નો વૈરાગ્ય હોસ્પિટલ સુધી જ રહે છે.

  “ત્યાગ ના ટકે વૈરાગ્ય વિના”

  ૩ / પ્રયોગ કરવા જેવો છે. આવતા મહિને મારી પત્નિ ને કહીશ કે મારા વાળ કાપી આપ.

  ૪ / હું પણ એક શિક્ષક છુ “આ બદલો એટલે બાળકનો અઢળક પ્રેમ, નિર્વ્યાજ પ્રેમ” શબ્દો થી બળ મળ્યુ.

 8. VINOD PRAJAPATI,SILVASSA. says:

  મહાભારત સિરિયલમાં આ પ્રસંગ ચાર વાર જોયો છે.
  ભીષ્મ શ્રી ક્રીષ્ણ ને કહે છે કે આપ છો પછી મારે શું કહેવાનું ?
  શ્રી ક્રીષ્ણ કહેછે કે મારી પાસે જ્ઞાન છે પણ અનુભવ નથી.
  આપની પાસે જ્ઞાન અને અનુભવ બન્ને છે.
  આ પ્રસંગ વારે વારે જોવા જેવો છે.

 9. કલ્પેશ says:

  બાણશૈયા….

  આપણને બધાને લોકોના મારેલા બાણ દેખાય છે. આપણે લોકોને કેટલા બાણ માર્યા, એનો હિસાબ ક્યારે થાય?

  લોકો સ્મશાનમા શેરબજારની વાતો કરતા હોય પણ નજીકના તો નહી જ હોઇ શકે.

  મરણ વખતે જો મને સમજાય કે મેં કેટલા બાણ માર્યા અને મારી ભૂલ સમજુ અને માફી માંગુ તો પણ બહુ છે.
  બીજાએ મને મારેલા બાણ એને (“બીજાને”) મરતી વખતે સમજાશે તો પણ બહુ છે.

  કાલે જ તાજ હોટલના એક કર્મચારીનો અને એ દુર્ઘટના વખતે અંદર જે લોકો સાથે હતા એનો વાર્તાલાપ સાંભળ્યો.
  કર્મચારીઃ આતંકવાદી મારી સામે ગન લઇન તૈયાર છે અને મારી આંખ સામેથી મારી જિંદગી પસાર થઇ રહી છે. શુ કર્યુ અને શુ નથી કરી શક્યો?

  એક યુગલઃ જો કાંઇ થવાનુ હોય તો મને થાય, પણ એને નહી.

  જે રીતે નશામા ધૂત માણસને એક સણસણતો તમાચો ભાનમા લાવી શકે, તેમ કદાચ મૃત્યુનો અનુભવ જ માણસને હલાવી શકે એમ છે. લોકોને મરતા જોયા છે અને હંમેશા એમ થાય છે કે એના નજીકના લોકોને એ માણસ કેટલુ કહેવા માંગતો હશે અને એના સ્વજનો પણ…

  અને મૃત્યુ કહીને નથી આવતુ એટલે બધા આ તક ચૂકી જાય છે.
  જરુર છે એવા પ્રયાસની કે આપણે કોઇને બાણ ન મારીએ (અને નાહકના તો નહીં જ).

 10. Rajni Gohil says:

  મધપુડો ખરેખર મધુર રસપાન કરાવે છે. નાના પ્રસંગો પણ આપણને કેટલાં સુંદર જીવનના પાઠ શીખવી જાય છે.
  આપણે જીવનમાં કોઇને બાણ ન મારીએ ઘર તો ત્યારે જ ભૂલાય જ્યારે આ દુનિયા ભૂલાઇ જાય. જે આપવાથી મળે છે તે માંગવાથી નથી મળતું.

  Remember there’s no such thing as a small act of kindness. Every act creates a ripple with no logical end………….Scott Adams. એકબીજાના હજામ આનું સુંદર ઉદાહરણ પુરું પાડે છે.

  પ્રેરણાત્મક પ્રસંગો બદલ આભાર.

 11. Ashish Dave says:

  Nice collection… It is very important to do many small things by our selves but by doing that are we kicking on somebody’s real needed income?

  Thanks,
  Ashish Dave
  Sunnyvale, California

 12. ketan says:

  કેતન શુક્લ (મ.શિ.) જીવન શાળા આંબરડી(જામ)
  તા- જસદણ,જિ.-રાજકોટ

  માનનીય તંત્રી શ્રેી

  આપના સામાયીકમાં કેળવણીના નવતર પ્રયોગોના લેખો આપે લેતા – સપાટી નીચે પ્રાણ વાયુ વગર કામ કરતા જે મુંજારો થતો હોય, અને અચાનક કોઇ આપણને સપાટી ઉપર લાવી દે અને જે અનુભવાય એ મારે આપને અને આપના વાચકોને કહેવાનું ન હોય તેટલું હું સમજ્યો છું. આપના સામાયીકના સામર્થ્યને અનુભવ્યુ. સૌના પ્રતિસાદથી તરણાંને તરવાનું બળ મળ્યુ છે કેટલુ આગળ જવાય ખબર નથી. શ્રીઅનિલભાઇ કામદાર,શ્રીછેલભાઇ શુક્લ, શ્રીપંકજભાઇ પંડ્યા, શ્રી ડંકેશભાઇ ઓઝા ,શ્રીભદ્રાબેન સવાઇ, શ્રીમનિષભાઇ જોષી,શ્રીયજ્ઞેશ ભાઇ શુક્લ,શ્રીમનિષભાઇ પંચોળી, બધાના કામને બળ આપતા ફોન આવ્યા.શ્રી ગુણવંતભાઇ ન. જોષી તેમજ શ્રી જયાબેન શાહે એક-એક હજાર રુપિયા સાથે સુંદર પત્ર મોક્લ્યા. શ્રી ડો. પ્રફુલભાઇ દવે દ્વારા 5000 રુપિયા પ્રાપ્ત થયા. આ કામોને આગળ લઇ જવા સહકારની તૈયારી પણ આવી છે.પણ લાઇબ્રેરીના ઘણાં પુસ્તકો રાત્રે ફાડી નખાયા, સ્વ-કેશ કર્તનના અરીસાઓ અને ઘન કચરાના થેલાઓ રાત્રે સંસ્થાની બહાર તોડી ફોડી ફેંકી દેવાયા,પંક્ચર પેટીના સાધનો ગુમ,વિદ્યર્થીઓ એ જાતે બનાવેલા ચપ્પલ ગુમ, ઘર પર પથ્થરો પણ ફેંકાયા, વેકેશનમાં ઓપનલાઇબ્રેરી અને મારા થોરના બગીચાને ઘણું નુકશાન કરાયુ , વિદ્યર્થીઓ એ એકઠી કરેલી પસ્તી રાત્રે સળગાવી દેવાઇ, મને વ્યક્તિગત ફસાવવાનો પ્રયાસ પણ થયો, આ બધી પ્રવૃત્તિઓ કરતા છોકરાઓએ પણ ખુબ સહન કરવાનું થયુ,આખી શાળામાં રાત્રે ચોપાનિયા પણ લાગ્યા કે કેતનભાઇ પૈસા ખાવા આવા કામ કરે છે. પણ આનંદ એ વાતનો છે કે છોકરાઓએ જાતે ચોપાનિયા ફાડીને ફેંકી દીધા ત્યારે પ્રતિતી વધુ ઘટ્ટ થાય છે કે સાચે રસ્તે છું અને ઘણું કામ કરવાનું બાકી છે.
  લી. કેતન શુક્લ.

 13. Ramesh Patel says:

  ખૂબ જ પ્રેરણાદાયી અને મનને શાતા દેતી
  સરસ ટૂંકી ચોટદાર વાતો સ્પર્શી ગઈ.
  આભાર શ્રી મૃગેશભાઈ અને લેખકમિત્રોનો.

  રમેશ પટેલ(આકાશદીપ)

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.