ઉત્તમ ભાવના, ઉત્તમ કાર્ય – શૈલી પરીખ

[અમદાવાદ સ્થિત નવોદિત યુવાસર્જક શૈલીબેન પત્રકારત્વક્ષેત્રે અભ્યાસપૂર્ણ કર્યા બાદ હાલમાં બાળકો તેમજ યુવાવર્ગને સંગીતની તાલીમ અને તે સાથે સંગીતના કાર્યક્રમો આપી રહ્યા છે. સામાજિક કાર્ય કરતી વિવિધ સંસ્થાઓની મુલાકાત લઈને અને તેમના વિશે લેખ તૈયાર કરીને તેઓ સમાજને મદદરૂપ થવાની કોશિશ કરે છે. આજે એવી જ બે સંસ્થાઓની વિગત એમણે રીડગુજરાતીને મોકલી આપી છે, જે માટે એમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે parikhshailee@gmail.com અથવા આ નંબર પર +91 9428608767 સંપર્ક કરી શકો છો.]

[1] ઉત્તરાવસ્થાને ઉત્તમાવસ્થામાં ફેરવવાની ફરજ બજાવી રહ્યો છે ડાકોરનો અશક્ત આશ્રમ

વૃદ્ધાવસ્થા એટલે ઉત્તરાવસ્થા. વૃદ્ધ પાછલી ઉંમરે સતત પરિવારનો સાથ ઝંખે છે. ઝડપી જીવન જીવતા આજનાં સંતાનો ઘરના વડીલોને ક્યારેક સમય આપી શકતા નથી. વળી, કેટલીક વાર સંતાનોની આર્થિક પરિસ્થિતિ એટલી નબળી હોય છે કે, પોતાના સગા માતા-પિતાનો રહેવા-જમવાનો દવાનો ખર્ચ તેઓ કરી શકતાં નથી. સામાજિક વ્યવસ્થાના ભાગ રૂપે સંતાનો પોતાના માતા-પિતાની જવાબદારી નિભાવી શકતા ન હોય તો વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમો છે. છેલ્લાં ચાલીસ વર્ષથી ગુજરાતમાં વૃદ્ધાશ્રમો અસ્તિત્વમાં છે. કેટલાક વડીલો વૃદ્ધાવસ્થાનું જીવન સરખી ઉંમરના વડીલોના સાથ-સહકારથી વૃદ્ધાશ્રમમાં વિતાવે છે.

વૃદ્ધાશ્રમમાં વડીલોની રહેવા-જમવાની વ્યવસ્થા હોય છે. ક્યારેક પ્રવાસ યોજાય અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય. કેટલીકવાર સામાજિક-આર્થિક કારણોસર સંતાનોએ પોતાના માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલ્યા હોય તેવા માતા-પિતા પર સંજોગોની અસર એટલી ઊંડી થાય છે કે, તેઓ કોઈ પણ પ્રવૃત્તિમાં રસ દાખવતા નથી. આસપાસના વડીલો તેમ જ આશ્રમના સંચાલકો-કર્મચારીઓની વાતો પણ તેમની માનસિક સ્થિતિ સુધારવામાં મોટેભાગે નિષ્ફળ જાય છે. સંતાનોના માતા-પિતા સિવાય વિધૂર, વિધવા, અપરિણિત, નિસંતાન, વડીલો પણ વૃદ્ધાશ્રમમાં રહેતા જોવા મળે છે. મોટા ભાગના બધા જ વૃદ્ધાશ્રમો વડીલોની રહેવા-જમવાની સગવડ વ્યવસ્થિત રીતે સાચવે છે. જ્યારે ખેડા જિલ્લાના ડાકોર ખાતે આવેલા વૃદ્ધાશ્રમની વાત જુદી છે. ડાકોરનો અશક્ત આશ્રમ ત્યાંના વડીલોનું જીવન બદલી નાખે છે.

સત્તાવીસ વર્ષ પહેલાં “શાંતિલાલ મોહનલાલ શાહ અશક્ત આશ્રમ સોસાયટી”ના નામે વૃદ્ધાશ્રમની શરૂઆત કરવામાં આવી હતી. આજે 85 જેટલા વડીલો અહીં રહે છે. સામાન્ય રીતે બધા જ વૃદ્ધાશ્રમોમાં હોય તેવી ટીવી, સાંસ્કૃતિક હૉલ, મંદિર, દવાખાનું, ચોખ્ખા ઓરડા અને જમવાની સગવડો અહીં છે. સાથે સાથે બીજી ઘણી સગવડો એવી છે કે ગુજરાતભરના કોઈ વૃદ્ધાશ્રમમાં એ ભાગ્યે જ જોવા મળી શકે. અશક્ત આશ્રમના સંચાલકોએ ત્યાં રહેતા વડીલોના જીવન જીવવાના અભિગમ બદલવાનું કાર્ય કર્યું છે.

“પચાસ વર્ષની ઉંમર પછી વ્યક્તિ નિવૃત્ત બને છે. તેથી પચાસ વર્ષ બાદ વ્યક્તિએ જીવન જીવવાનો અભિગમ બદલવો જોઈએ, અપેક્ષાઓ ઓછી કરવી જોઈએ અને થઈ શકે એવા કામમાં પોતાની જાતને પરોવવી જોઈએ.” આવા ઉચ્ચ વિચારોના બીજ અહીંના વડીલોના મનમાં રોપાયાં છે. વળી, પાછલી ઉંમરે વડીલો કોઈકનો સાથ-સહકાર ઝંખતા હોય છે, પારિવારિક વાતાવરણ ઈચ્છતા હોય છે. તેથી જ અશક્ત આશ્રમનું વાતાવરણ પારિવારિક છે. જે રીતે પરિવારમાં બધા જ નિર્ણયો હળીમળીને લેવામાં આવે, સહુ સાથે મળીને તહેવારો ઉજવે, માંદગીમાં ખડે પગે સેવા-ચાકરી કરે એ રીતની બધી બાબતોનું અશક્ત આશ્રમ ધ્યાન રાખે છે. જે રીતે પરિવારના સભ્યો ભેગા મળીને ઉત્સવો ઉજવે તેમ અહીંના વડીલો હોળી, ધૂળેટી, જન્માષ્ટમી, દિવાળી જેવા તહેવારો ધામધૂમથી ઉજવે છે. સામાન્ય રીતે કોઈ પણ વૃદ્ધાશ્રમમાં વડીલ માંદાં પડે એટલે તેની બાંયધરી લેનાર સભ્યને બોલાવવામાં આવે છે. જ્યારે અશક્ત આશ્રમમાં વડીલ માંદાં થાય તો આશ્રમના ખર્ચે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. વળી, તેમની સારસંભાળ માટે આશ્રમના એક વડીલને પણ મોકલવામાં આવે છે. ગુજરાતના મોટાભાગના વૃદ્ધાશ્રમમાં મેનેજર તરીકે કાર્યરત વ્યક્તિ પચાસ વર્ષથી ઉપરની હોય છે. જ્યારે અશક્ત આશ્રમના મેનેજર પુનિતભાઈ ખંભોળજા યુવાન છે અને વૃદ્ધોની સેવા કરવાની ભાવનાથી અહીં નોકરી કરે છે.

અશક્ત આશ્રમ પરિસરમાં ‘સઘન સારવાર કક્ષ’ (I.C.U.) બનાવવામાં આવ્યો છે, જેમાં આશ્રમમાં આવ્યા પછી અસાધ્ય બીમારી લાગુ પડી હોય તેવા વડીલોને રાખવામાં આવે છે. એંશી વર્ષના વડીલ થાય પછી આશ્રમ પોતે વડીલનો તમામ ખર્ચ ભોગવે છે. વળી, આશ્રમના વડીલોને તાત્કાલિક આરોગ્યની સુવિધા મળી રહે તે માટે જરૂરી દવાઓ, ઈંન્જેક્શન, ઑક્સિજનની બોટલો વગેરે આશ્રમમાં રાખવામાં આવે છે. સવારે ચાર વાગ્યે ઠાકોરજીની સેવાથી માંડી રાત્રી ભોજનના વાસણ લુછીને વ્યવસ્થિત જગ્યાએ મુકવા સુધીનાં તમામ કામો અશક્ત આશ્રમના વડીલો હળ-મળીને કરે છે. પોતાના મનની વાતો, વ્યથા, પ્રવૃત્તિઓ વિશે લોકોને જાણ થાય તે માટે વડીલ ‘સેતુ’ નામનું ત્રિમાસિક પણ ચલાવે છે.

વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો માટે સમાજમાં ખરી-ખોટી માન્યતાઓ પ્રવર્તે છે. સમાજના મોટાભાગના લોકોના મનમાં એવી છાપ હોય છે કે, જે સંતાનો માતા-પિતાને પોતાની સાથે ન રાખતા હોય તે માતા-પિતાઓનું રહેવાનું સ્થળ એટલે વૃદ્ધાશ્રમ. ખરેખર સંતાનોના માતા-પિતા કરતા વિધૂર, વિધવા, નિસંતાન, ત્યકતા, અપરણિત વડીલોની સંખ્યા વૃદ્ધાશ્રમોમાં વધુ છે. કોઈ પણ સંસ્થા માટે રહેવા-જમવાની સગવડ પૂરી પાડવાનું કાર્ય સહેલું ગણી શકાય, પરંતુ જુદી-જુદી પરિસ્થિતિવાળા એક જ ઉંમરના લોકોને કૌટુંબિક વાતાવરણમાં રાખવાનું કાર્ય અઘરું છે. જીવનની ઉત્તરાવસ્થામાં ભૂતકાળ ભૂલી નવું જીવન જીવવાની શરૂઆત કરવી જોઈએ. આ વાત વડીલોને સમજાવી તેમની ઉત્તરાવસ્થાને ઉત્તમાવસ્થામાં ફેરવવાની ઉત્તમ ફરજ અશક્ત આશ્રમ બજાવી રહ્યો છે. માત્ર સેવાના ઉદ્દેશથી વડીલોનું જીવન સોનેરી બનાવવાનું કાર્ય કરવું પ્રેરણાદાયી ગણી શકાય.

[2] અમદાવાદને આદર્શ બનાવવાની કમર કસી છે એક પાક્કા અમદાવાદીએ

કોઈ સુવેના ભૂખ્યું કોઈ દિન, કોઈ રહે ના તરસ્યું રે,
કોઈ રહે ના વસ્ત્ર વગરનું, કોઈ રહે ના બેઘર રે.

આ કાવ્યપંક્તિ કોઈ મહાન કવિની નથી. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં છેલ્લાં પાંચ વર્ષથી અનોખો સેવા યજ્ઞ કરનાર ભરતભાઈ શાહની છે. ભરતભાઈના પિતા જૂઠાભાઈ ગાંધીવાદી હતા એટલે ગાંધીજીના ઉચ્ચ વિચારો ભરતભાઈને ગળથૂથીમાં જ મળ્યા હતા. પચ્ચીસ વર્ષ વિદ્યાપીઠમાં રહ્યા તે દરમિયાન એન્જિનિયરીંગ ક્ષેત્રે કારકિર્દી ઘડી અને પછીથી સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો. વ્યવસાય દરમિયાન ધાર્મિક આસ્થાથી પ્રેરાઈ નાનાં-મોટાં સેવા કાર્યો કરતા ભરતભાઈએ ત્રીસ વર્ષ સતત વ્યવસાય કર્યા બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. નિવૃત્તિ લીધા પછી તેમને સમાજ માટે કંઈક સારું કરવાની ઇચ્છા થઈ. જોકે, શું કરવું તેનો ચોક્કસ નિર્ણય તેમણે લીધો નહોતો.

વર્ષ 2003ના દુબઈના પ્રવાસ દરમિયાન તેમને વિચાર આવ્યો કે, “આપણે પૃથ્વી પર જન્મ લઈએ ત્યારથી મૃત્યુ સુધીમાં અનેક લોકો અને પ્રાકૃતિક તત્વોનો ઉપકાર આપણી પર હોય છે. ઇશ્વર કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના શિયાળામાં ઠંડી, ઉનાળામાં ગરમી ને ચોમાસામાં વરસાદ વરસાવે છે. આટલા મોટા ઉપકારના બદલામાં કંઈક તો કરવું જોઈએ. પોતાના આવા વિચારો વિશે તેમણે સગા-સંબંધી મિત્રો સાથે ચર્ચા કરી, પ્રતિભાવો માંગ્યા. અંતે વર્ષ 2005માં અમદાવાદના નવરંગપુરા ખાતે ‘આદર્શ અમદાવાદ’ સંસ્થાની શરૂઆત કરી.

સ્વૈચ્છિક સંસ્થાઓ મોટે ભાગે ચોક્કસ વર્ગના લોકો અને અમુક પ્રકારની સમસ્યાઓ વગેરે પર કાર્યરત હોય છે. ‘આદર્શ અમદાવાદ’નો ઉદ્દેશ સંસ્કારી સમાજનું ઘડતર કરવાનો છે. સંસ્કારી સમાજ એટલે એવો સમાજ જ્યાં વ્યક્તિ આસપાસના લોકો, ગરીબો, દિનદુઃખિયાઓ, મિત્રો, વિવિધ ધર્મના લોકો, રોગીઓ સૌને આપ્તજન માને. સહુ એકબીજા સાથે નમ્રતાથી વર્તે. જેમ માતા પોતાના સંતાન માટે રાંધવાના પૈસા લેતી નથી એ રીતે આદર્શ સમાજની રચના માટે પણ કુટુંબભાવના ખૂબ જરૂરી છે અને કુટુંબભાવના ઊભી કરવા માટે ‘આદર્શ અમદાવાદ’ની તમામ પ્રવૃત્તિઓ વિના મૂલ્યે યોજવામાં આવશે તેમ નક્કી કરવામાં આવ્યું.

સમાજની સેવા કરવા માટે સૌથી પહેલા સમાજ તંદુરસ્ત અને શિક્ષિત હોય તે જરૂરી છે. આ વાતને પ્રાથમિક મુદ્દો ગણી આદર્શ અમદાવાદમાં યોગ શિક્ષણના વર્ગો શરૂ થયા. આજે પાંચ વર્ષમાં આ સંસ્થા દ્વારા 205 જેટલા યોગશિક્ષકો તૈયાર થયા છે જે પૈકી ઘણા સ્વયંસેવકો સ્થાનિક લોકોને વિનામૂલ્યે યોગાભ્યાસની તાલીમ આપે છે. તંદુરસ્ત સમાજ માટે ડૉક્ટરનું પ્રદાન પણ મહત્ત્વનું છે. આથી વિવિધ વિસ્તારોમાં દસ જેટલા ડૉક્ટરોએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરી દર્દીઓને તપાસ્યા છે તથા જરૂરી દવાઓ પણ વિના મૂલ્યે પૂરી પાડી છે. અત્યાર સુધી લગભગ 25000 નાગરિકોએ આદર્શ અમદાવાદના આરોગ્ય કેન્દ્રની સેવાનો લાભ લીધો છે. આધુનિક સમયમાં કૉમ્પ્યુટર અને અંગ્રેજી શિક્ષણનું મહત્ત્વ વધ્યું છે. આદર્શ અમદાવાદ દ્વારા અમદાવાદના ચાર વિસ્તારોમાં જુદીજુદી ઉંમરના લોકો માટે કૉમ્પ્યુટર શિક્ષણની શરૂઆત કરવામાં આવી.

આજે 400 જેટલા લોકોએ સંસ્થાના સહયોગથી કૉમ્પ્યુટરની તાલીમ લીધી છે. સાક્ષરતા અભિયાન અંતર્ગત ગરીબ બાળકોને ભણાવવા, અંગ્રેજી વિષયની પદ્ધતિસર તાલીમ આપવી, વૈદિક ગણિત તથા વ્યક્તિત્વ વિકાસની શિબિરનું આયોજન કરવું વગેરે જેવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા સમાજને શિક્ષિત બનાવવાનું કાર્ય થઈ રહ્યું છે. ઇત્તર પ્રવૃત્તિઓના મહત્ત્વને ધ્યાનમાં રાખી સંસ્થામાં શાસ્ત્રીય સંગીત, સુગમ સંગીત, ચિત્રકળા તેમજ સુશોભનની ચીજવસ્તુઓ બનાવવાના વર્ગો પણ ચલાવવામાં આવે છે. ગૃહિણીઓ ફાજલ સમયનો યોગ્ય ઉપયોગ કરે તે માટે કેક, શરબત, મુખવાસ, બાંધણી, ટેડિબીયર, માલિશ વગેરેના વર્ગો ચલાવવામાં આવે છે. આ સિવાય સૂર્યદર્શન દ્વારા સ્વાસ્થ્ય સુધારણા, રક્તદાન જાગૃતિ, ઘેરઘેર લાઈબ્રેરી દ્વારા સંસ્કારી સાહિત્યનો પ્રસાર, જરૂરિયાતમંદોને યોગ્ય ચીજવસ્તુઓનું વિતરણ જેવી વીસથી વધુ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ‘આદર્શ અમદાવાદ સમાચાર પત્રિકા’ દર મહિને બહાર પાડવામાં આવે છે.

અડધી ચાને અડધી કરીને પીવે તે અમદાવાદી તરીકે ઓળખાય. અમદાવાદીઓ વિશેની આ માન્યતાને ખોટી પાડતા હોય એવા ભરતભાઈ જેવા અનેક અમદાવાદીઓ મોજૂદ છે. આદર્શ સમાજના ઘડતર માટે તમામ સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવાનો અભિગમ શ્રેષ્ઠ કહી શકાય. આવા વિચારોમાંથી કોઈ પણ વ્યક્તિ પ્રેરણા લે તો ‘આદર્શ ગુજરાત’ કે ‘આદર્શ ભારત’ની રચના પણ શક્ય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સંગીત વિશેષ – સં વિજય રોહિત
મધપુડો – સંકલિત Next »   

17 પ્રતિભાવો : ઉત્તમ ભાવના, ઉત્તમ કાર્ય – શૈલી પરીખ

 1. જય પટેલ says:

  બન્ને સંસ્થાઓની પ્રવૃતિઓ ગુજરાતની ઓળખ સમી છે.

  સંસ્થાના સંચાલક્…સહાયક અને સધિયારો પૂરો પાડતા સર્વેને અભિનંદન.
  આપના કર્મયોગથી ગુજરાત રૂડુ રળિયાત છે.

  ધન્ય ધન્ય ધરા ગૂર્જર.

 2. Veena Dave, USA says:

  સરસ કાયૅ કરનાર સંચાલકોને અભિનન્દન.
  બન્ને સંસ્થાના સરનામા આપવા વિનંતી.

 3. trupti says:

  Round of applause to both the institution for giving wonderful services to the humankind and old people without any expectations.

 4. snehashah says:

  બહુ જ સરસ કાર્ય….. બન્ને સંસ્થાના સરનામા આપવા વિનંતી……

 5. nayan panchal says:

  બંને સંસ્થાઓના સંચાલકોને શત શત પ્રણામ. આપણે આવી સંસ્થાઓમાં ન જોડાઈએ અને માત્ર આપણી યથાશક્તિ મદદ આપણા વર્તુળના લોકોને કરીએ તો ય ઘણું. તક મળે ત્યારે આવી સંસ્થાઓને સેવા ન આપવામાં આપણુ જ નુકસાન છે.

  ખૂબ આભાર,
  નયન

 6. dhiraj says:

  ડાકોર નો અશક્ત આશ્રમ નહી પણ શશક્ત આશ્રમ

 7. rajnichheda says:

  બહુ જ સરસ કાર્ય

 8. Nitin says:

  બન્ને સંસ્થાઓ તેમજ તેમના સંચાલકો ને મારા સલામ વિશેષ તો આજ્ના યુગ મા જ્યારે આવા સમાચાર જાણવા મળે છે ત્યારે ખરેખર આવી વ્યક્તીઓ પ્રત્યે ગૌરવ ની લાગણી થાય છે.

  માનનીય શૈલી બહેનનો ખુબ આભાર કે આવી સરસ માહીતી રીડ ગુજરાતી ના વાંચકો માટે મોકલી આપી.

  આભાર સહ

  નિતિન
  વડગામ થી

 9. કલ્પેશ says:

  મિત્રો,

  http://www.youtube.com/watch?v=68V3Bb81h8k

  હુ ભારતમા છુ પણ અમેરિકામા ઘણા એવા કાર્યક્રમો જોયા છે (બીજી ચેનલો પર – સીએનેન ફોક્સ એ બધા નહી)
  એવી ચેનલો જે પબ્લિક બ્રોડકાસ્ટીંગ કરતી હોય (અવ્યવસાય્યિક હેતુથી ચાલતી અને લોકોની સખાવ્તથી)

  ઉપરની લિંક જોશો તો તમને જરુરથી ગમશે.

 10. nilam doshi says:

  સમાજમાઁ થતા આવા સત્કાર્યોનની જાણ લોકોને થતી રહે એ આજના સમયમાં ખૂબ જરૂરી છે. નેગેટીવ વાતોને..કોઇ અફવાઓને જેટલી
  જલદીથી પ્રસિધ્ધિ મળે છે તેવી પ્રસિધ્ધિ આવા કાર્યોને જલદી મળતી નથી. એ અફસોસની વાત છે.

  શૈલીબહેનને ખૂબ અભિનંદન…આ એક યજ્ઞ કાર્ય જ કર્યું કહેવાય.. તેમણે લખીને અને મૃગેશભાઇએ અહીં મૂકીને.

  આવી બીજી સંસ્થાઓ વિશે પણ બને તો માહિતી આપતા અરહેશો. સમાજમાં આજે એની ખૂબ જરૂર છે.

 11. nikunj sheth says:

  Haju manavata mari nathi. kon kahe che ka manavata mari parvari chhe.jyare CANADA thi BHARAT-GUJARAT-AHMEDABAD avavanu thase tyare chhokash banne MANDIR ni mulakat jarur thi laesh. thanks a lot.

 12. Shaily says:

  ખુબ સરસ !!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.