ગીતાબોધ – ગાંધીજી

[ આજે માગશર સુદ અગિયારસ એટલે શ્રીમદ ભગવદગીતા જયંતિ. અનાદિકાળથી અનેક મહાપુરુષોના જીવનનું અવિભાજ્ય અંગ બનનાર ભગવદગીતા વિશે તો શું કહેવું ? જે સાક્ષાત ઈશ્વરના મુખમાંથી પ્રવાહિત થઈ છે, એની માટે કોઈ ઉપમા આપી શકાય નહીં. ભગવદગીતાને એકવાર પકડનાર પછી એમાંથી બહાર નીકળી શકતો નથી. જેમ જેમ સાધકનો અભ્યાસ વધતો જાય તેમ તેમ એને તેમાંથી નવા અર્થો પ્રાપ્ત થાય છે. દરેક ને એમાં કંઈક નવું જ દેખાય છે. ગાંધીજીને એમાંથી અનાસક્તિયોગ જડે છે તો વિનોબાજીને સામ્યયોગ દેખાય છે. આજે ગીતાજયંતિ નિમિત્તે આવો આપણે આ પરમ પાવન ગંગાનું થોડું ગાંધીજીના શબ્દો દ્વારા અધ્યાય-3નું આચમન કરીએ. પ્રસ્તુત લેખ ‘ગીતાબોધ’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 024સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ સાંભળીને અર્જુનને એમ થયું કે માણસે શાંત થઈને બેઠા રહેવું જોઈએ. એના લક્ષણમાં કર્મનું તો નામ સરખુંયે તેણે ન સાંભળ્યું. તેથી ભગવાનને પૂછ્યું, ‘કર્મ કરતાં જ્ઞાન વધારે એમ તમારા બોલ ઉપરથી લાગે છે તેથી મારી બુદ્ધિ મૂંઝાય છે. જો જ્ઞાન સારું હોય તો મને ઘોર કર્મમાં કેમ ઉતારો છો ? મને ચોખ્ખું કહો કે મારું ભલું શેમાં છે.’

ત્યારે ભગવાને ઉત્તર આપ્યો : હે પાપરહિત અર્જુન ! અસલથી જ આ જગતમાં બે માર્ગ ચાલતા આવ્યા છે, એકમાં જ્ઞાનને પ્રધાન પદ છે ને બીજામાં કર્મને. પણ તું જ જોઈ શકશે કે કર્મ વિના મનુષ્ય અ-કર્મી ન થઈ શકે, કર્મ વિના જ્ઞાન આવે જ નહીં, બધું છોડીને માણસ બેસી જાય તેથી તે સિદ્ધ પુરુષ થઈ ગયો એમ ન કહેવાય. તું જુએ છે કે, હરકોઈ માણસ કંઈક ને કંઈક કર્મ તો કરે જ છે. તેનો સ્વભાવ જ તેની પાસે કંઈક કરાવશે. આમ જગતનો કાયદો હોવા છતાં જે માણસ હાથપગ ઝાલી બેઠો રહે ને મનમાં અનેક જાતના ઘોડા ઘડ્યા કરે તે મૂરખમાં ખપે ને મિથ્યાચારી પણ ગણાય. તેના કરતાં સારું તો એ જ નથી કે ઈન્દ્રિયોને વશમાં રાખીને રાગદ્વેષ છોડી, ધાંધલ વિના, આસક્તિ વિના એટલે અનાસક્ત રહી હાથેપગે કંઈકે કર્મ કરે, કર્મયોગ આચરે ? નિયત કર્મ – તારે ભાગે આવેલું સેવાકાર્ય – તું ઈન્દ્રિયોને વશમાં રાખીને કર્યા કર. આળસુની જેમ બેસી રહેવા કરતાં એ સારું જ છે. આળસુ થઈને બેસી રહેનારનું શરીર છેવટે પડી જાય. પણ કર્મ કરતાં આટલું યાદ રાખવું કે યજ્ઞકાર્ય સિવાયનાં બધાં કર્મ લોકોને બંધનમાં રાખે છે. યજ્ઞ એટલે પોતાને અર્થે નહીં પણ બીજાને સારુ, પરોપકાર સારુ ઉઠાવેલો શ્રમ, એટલે ટૂંકામાં સેવા. અને જ્યાં સેવાને અર્થે જ સેવા કરાય ત્યાં આસક્તિ, રાગદ્વેષ ન હોય. આવો યજ્ઞ, આવી સેવા તું કર્યા કર.

બ્રહ્માએ આ જગત પેદા કર્યું તેની જ સાથે યજ્ઞ પણ પેદા કર્યો, કેમ જાણે એમ મંત્ર આપણા કાનમાં ફૂંક્યો : ‘પૃથ્વીમાં જાઓ, એકબીજાની સેવા કરો ને વૃદ્ધિ પામો – જીવમાત્ર દેવતારૂપ જાણો, એ દેવોની સેવા કરી તમે તેને પ્રસન્ન રાખો, તેઓ તમને પ્રસન્ન રાખશે. પ્રસન્ન થયેલા દેવો તમને વણમાગ્યાં મનવાંછિત ફળ આપશે.’ એટલે એમ સમજવું જોઈએ કે લોકસેવા કર્યા વિના, તેમનો ભાગ તેમને પ્રથમ આપ્યા વિના જે ખાય છે તે ચોર છે. અને જેઓ લોકનો, જીવમાત્રનો ભાગ તેઓને પહોંચાડ્યા પછી ખાય છે કે કંઈ ભોગવે છે તેમને તે ભોગવવાનો અધિકાર છે એટલે તે પાપમુક્ત થાય છે. એથી ઊલટું જેઓ પોતાને અર્થે જ કમાય છે, મજૂરી કરે છે તે પાપી છે ને પાપનું અનાજ ખાય છે. સૃષ્ટિનો નિયમ જ એવો છે કે અન્નથી જીવો નભે છે. અન્ન વરસાદથી પેદા થાય છે ને વરસાદ યજ્ઞથી એટલે જીવમાત્રની મહેનતથી પેદા થાય છે. જ્યાં જીવ નથી ત્યાં વરસાદ નથી જોવામાં આવતો, જ્યાં જીવ છે ત્યાં વરસાદ છે જ. જીવમાત્ર શ્રમજીવી છે. કોઈ પડ્યું રહીને ખાઈ નથી શકતું, અને મૂઢ જીવોને વિશે આ સાચું છે તો મનુષ્યને સારુ કેટલે વધારે અંશે લાગુ પડવું જોઈએ ? તેથી ભગવાને કહ્યું, કર્મ બ્રહ્માએ ઉત્પન્ન કર્યું, બ્રહ્માની ઉત્પત્તિ અક્ષરબ્રહ્મમાંથી, એટલે એમ જાણવું કે યજ્ઞમાત્રમાં-સેવામાત્રમાં અક્ષરબ્રહ્મ પરમેશ્વર બિરાજે છે. આવી ઘટમાળને જે માણસ નથી અનુસરતો તે પાપી છે અને ફોગટ જીવે છે.

જે મનુષ્ય અંતર-શાંતિ ભોગવે છે ને સંતુષ્ટ રહે છે તેને કંઈ કરવાપણું નથી એમ કહી શકાય, તેને કર્મ કરવાથી કંઈ લાભ નથી. ન કરવાથી પણ નથી. કોઈને વિશે કંઈ સ્વાર્થ તેને નથી છતાંય યજ્ઞકાર્યને તે છોડી નહીં શકે. તેથી તું તો કર્તવ્યકર્મ નિત્ય કરતો રહે પણ તેમાં રાગદ્વેષ ન રાખ, તેમાં આસક્તિ ન રાખતો. જે અનાસક્તિપૂર્વક કર્મ આચરે છે તે ઈશ્વર-સાક્ષાત્કાર કરે છે. વળી જો જનક જેવા નિ:સ્પૃહી રાજા પણ કર્મ કરતા કરતા સિદ્ધિ પામ્યા, કેમ કે તેઓ લોકહિતને સારુ કર્મ કરતા, તો તારાથી કેમ એથી ઊલટું વર્તન કરાય ? નિયમ જ એવો છે કે, જેવું સારા ને મોટા ગણાતા માણસ આચરણ કરે તેની નકલ સામાન્ય લોકો કરે છે. મને જો. મારે કાર્ય કરીને કયો સ્વાર્થ સાધવાનો હતો ? પણ હું ચોવીસ કલાક થાક ખાધા વિના કર્મમાં જ પડેલો છં અને તેથી લોકો પણ તે પ્રમાણે વત્તાઓછા પ્રમાણમાં વર્તે છે. પણ જો હું આળસ કરી જાઉં તો જગતનું શું થાય ?

સૂર્ય, ચંદ્ર, તારા ઈત્યાદિ સ્થિર થઈ જાય તો જગતનો નાશ થાય એ તું સમજી શકે છે. અને એ બધાને ગતિ આપનાર, નિયમમાં રાખનાર તો હું જ રહ્યો ના ? પણ લોકોમાં ને મારામાં આટલો ફેર છે ખરો : મને આસક્તિ નથી; લોકો આસક્ત છે, સ્વાર્થને વશ રહી મજૂરી કર્યા કરે છે. તારા જેવો ડાહ્યો જ્ઞાની જો કર્મ છોડે તોપણ તેમ કરે ને બુદ્ધિભ્રષ્ટ થાય. તારે તો આસક્તિ છોડીને કર્તવ્ય કરવું જોઈએ જેથી લોકો કર્મભ્રષ્ટ ન થાય ને ધીમે ધીમે અનાસક્ત થતાં શીખે. મનુષ્યના સ્વભાવમાં જે ગુણો રહ્યા છે તેમને વશ થઈને તે કાર્ય કર્યા જ કરવાનો. મૂરખ હોય તે જ માને કે ‘હું કરું છું.’ શ્વાસ લેવો એ જીવમાત્રની પ્રકૃતિ છે, સ્વભાવ છે. આંખ ઉપર કંઈ બેસે કે તુરત માણસ સ્વભાવે જ પાંપણ હલાવે છે. ત્યારે નથી કહેતો, ‘હું શ્વાસ લઉં છું, હું પાંપણ હલાવું છું.’ આમ જેટલાં કર્મ કરવાં તે બધાં સ્વભાવે જ ગુણ પ્રમાણે કાં ન થાય ? તેને વિશે અહંકાર શો ? અને આમ મમત્વ વિના સહજ કર્મ કરવાનો સુવર્ણમાર્ગ એ છે કે, બધાં કર્મો મને અર્પણ કરવાં ને મારે નિમિત્તે મમત્વ કાઢી નાખીને કરવાં. આમ કરતાં જ્યારે મનુષ્યમાંથી અહંવૃત્તિ, સ્વાર્થ નાશ પામે છે ત્યારે તેનાં કર્મમાત્ર સ્વાભાવિક ને નિર્દોષ થઈ જાય છે, તે ઘણી જંજાળમાંથી છૂટી જાય છે. તેને સારુ પછી કર્મબંધન જેવું કંઈ નથી. અને જ્યાં સ્વભાવ પ્રમાણે કર્મ થાય ત્યાં બળાત્કારે ન કરવાનો દાવો કરવો તેમાં જ અહંતા રહેલી છે. એવો બળાત્કાર કરનાર બહારથી ભલે કર્મ ન કરતો લાગે, અંતરમાં તો એનું મન પ્રપંચો રચ્યા જ કરે છે. આ બાહ્ય ચેષ્ટા કરતાં એ ભૂંડું છે ને વધારે બંધનકારક છે.

સાચું એ છે કે, ઈન્દ્રિયોને પોતપોતાના વિષયોમાં રાગદ્વેષ રહ્યા જ છે. કાનને અમુક સાંભળવું ગમે છે ને અમુક નથી ગમતું. નાકને ગુલાબનું ફૂલ સૂંઘવું ગમે છે, મળાદિની દુર્ગંધ નથી ગમતી. એમ બધી ઈન્દ્રિયોને વિશે સમજી લે. એટલે મનુષ્યે જે કરવાનું છે તે તો એ છે કે, આ રાગદ્વેષ રૂપી બે ધાડપાડુને વશ ન જ થવું અને રાગદ્વેષ કાઢી નાખવા હોય તો કર્મને ગોતવા ન ફરવું. આજ આ, કાલે બીજું, પરમ દિવસે ત્રીજું એમ ફાંફાં ન મારવાં પણ પોતાને ભાગે જે સેવા આવે તે ઈશ્વરપ્રીત્યર્થે કરવા તત્પર રહેવું. આમ કરવાથી જે કરીએ તે ઈશ્વર જ કરાવે છે એમ ભાવના ઉત્પન્ન થશે, એવું જ્ઞાન પેદા થશે અને અહંભાવ ચાલ્યો જશે. આનું નામ સ્વધર્મ. સ્વધર્મને વળગી રહેવું કેમ કે પોતાને સારુ તો એ જ ઉત્તમ છે. ભલે પરધર્મ વધારે સારો દેખાતો હોય. એમ લાગતાં છતાં તે ભયાનક છે એમ જાણવું. સ્વધર્મ આચરતાં મૃત્યુની ભેટ કરવામાં મોક્ષ છે.

રાગદ્વેષરહિત થઈને જ કર્મ કરાય અને, તે યજ્ઞ છે એમ જ્યારે ભગવાને કહ્યું ત્યારે અર્જુને પૂછ્યું : ‘મનુષ્ય કોનો પ્રેર્યો પાપકર્મો કરે છે ? ઘણી વાર તો એમ લાગે છે કે, પાપકર્મ તરફ કોઈ તેને બળાત્કારે ઘસડી જાય છે.’ ભગવાન બોલ્યા : માણસને પાપકર્મ તરફ ઘસડી જનાર કામ છે અને ક્રોધ છે. એ સગા ભાઈ જેવા છે, કામ પૂરો ન થાય કે ક્રોધ આવી ઊભો જ છે. અને જેનામાં કામક્રોધ છે તેને આપણે રજોગુણી કહીએ છીએ. માણસનો મોટો શત્રુ એ જ છે. તેની સામે રોજ યુદ્ધ કરવાનું છે. આભલાને મેલ ચડે તો જેમ તે ઝાંખું થઈ જાય છે, અથવા દેવતામાં ધુમાડો હોય ત્યાં લગી તે બરાબર સળગતો નથી, અથવા ગર્ભ જ્યાં લગી ઓરમાં પડ્યો છે ત્યાં લગી ગૂંગળાયા કરે છે, તેમ ક્રોધ જ્ઞાનીના જ્ઞાનને તેજ પામવા દેતો નથી કે ઝાંખું પાડે છે કે ગૂંગળાવી દે છે. આ કામ અગ્નિના જેવો વિકરાળ છે અને ઈન્દ્રિયો, મન, બુદ્ધિ, બધાંને પોતાના તાબામાં લઈ મનુષ્યને પછાડે છે. એટલે તું ઈન્દ્રિયોને તો પહેલી જ કાબૂમાં લઈ લેજે, પછી મનને જીતજે ને એમ કરતાં બુદ્ધિ પણ તને વશ રહેશે, કેમ કે જોકે ઈન્દ્રિય, મન કે બુદ્ધિ એક પછી એકથી ચડી જાય તેવાં છે છતાં તે બધાંના કરતાં આત્મા બહુ વધારે છે. માણસને આત્માની-પોતાની-શક્તિનું ભાન નથી એટલે જ માને છે કે, ઈન્દ્રિયો વશ નથી રહેતી કે મન નથી રહેતું કે બુદ્ધિ કામ કરતી નથી. આત્માની શક્તિનો વિશ્વાસ થયો કે તુરત બીજું બધું સહેલું થઈ પડે છે. ને જેણે ઈન્દ્રિયો, મન ને બુદ્ધિને ઠેકાણે રાખ્યાં છે તેને કામ, ક્રોધ કે તેનું અસંખ્યનું લશ્કર કંઈ જ કરી શકતું નથી.

[આ અધ્યાયને મેં ગીતા સમજવાની ચાવી કહેલ છે, અને તેનો એક વાક્યમાં સાર એ જોઈએ છીએ કે, ‘જીવન સેવાને સારુ છે, ભોગને સારુ નથી.’ તેથી આપણે જીવનને યજ્ઞમય કરી નાખવું ઘટે છે. આમ જાણ્યું એટલે તેમ થઈ નથી જતું. પણ એમ જાણીને આચરણ કરતાં આપણે ઉત્તરોત્તર શુદ્ધ થઈએ છીએ. પણ ખરી સેવા કોને કહેવી ? એ જાણવા સારુ ઈન્દ્રિયદમનની આવશ્યકતા રહી છે, અને આમ કરતાં ઉત્તરોત્તર આપણે સત્યરૂપી પરમાત્માની નજીક આવતા જઈએ છીએ. યુગે યુગે આપણને સત્યની વધારે ઝાંખી થાય છે. સેવાકાર્ય પણ જો સ્વાર્થદષ્ટિથી થાય તો તે યજ્ઞ મટી જાય છે. તેથી અનાસક્તિની પરમ આવશ્યકતા. આટલું જાણ્યા પછી આપણને બીજા-ત્રીજા વાદવિવાદમાં નથી ઊતરવું પડતું. અર્જુનને સાચે જ સ્વજન મારવાનો બોધ કર્યો ? શું તેમાં ધર્મ હોય ? આવા પ્રશ્નો શમી જાય છે. અનાસક્તિ આવ્યે સહેજે આપણા હાથમાં કોઈને મારવાની છરી હોય તોપણ તે પડી જાય છે. પણ અનાસક્તિનો ડોળ કર્યે તે આવતી નથી. આપણે પ્રયત્ન કરીએ ત્યારે આજ આવે અથવા હજારો વર્ષોના પ્રયત્ન છતાંયે ન આવે. તેની પણ ચિંતા છોડીએ. પ્રયત્નમાં જ સફળતા છે. પ્રયત્ન ખરે જ કરીએ છીએ કે નહીં એ આપણે બારીકીથી તપાસવાની જરૂર છે. તેમાં આત્માને છેતરવાપણું ન હોવું જોઈએ. અને આટલું ધ્યાનમાં રાખવું બધાને સારુ શક્ય છે જ.]

[કુલ પાન : 55. કિંમત રૂ. 5. પ્રાપ્તિસ્થાન : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ. અથવા ગાંધીઆશ્રમ, અમદાવાદ. અથવા કીર્તિમંદિર, પોરબંદર.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous માબાપને લાગણી ભરેલી વિનંતી – ભરત એસ. ભૂપતાણી
આવ હવે ! – રમેશ પટેલ ‘ક્ષ’ Next »   

17 પ્રતિભાવો : ગીતાબોધ – ગાંધીજી

 1. gopal parekh says:

  shreemad bhagvad geeta ne gaandhijinee kalame etale sonaamaa sugandh

 2. જય પટેલ says:

  ગીતા જયંતીના શુભદિને આનાથી ઉત્તમ વાંચન હોઈ શકે ?

  શ્રીમદ ભગવતગીતા…..દૂનિયાનો શ્રેષ્ઠ સંવાદ.
  સમયસરના ઉત્તમ વિચારોની લ્હાણી કરાવવા બદલ
  શ્રી મૃગેશભાઈનો આભાર.

 3. જોગીદાસ, સાઉદી અરેબીયા says:

  ગીતાજી પર ઘણાએ લખ્યું, સ્વાધ્યાય કર્યા, પ્રવચનો આપ્યા, શીબીરો કરી, અને બીજી અનેક રીતે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી છે. એ દરેકને જો સાચો અર્થ સમજાણો હોત તો તે પ્રમાણે આચરણ કર્યું હોત. પરમ પૂજ્ય ગાંધીજીને સાચો અર્થ સમજાયો હતો અને તે પ્રમાણે આચરણ કર્યું હતું તેથી જ તેઓ વિશ્વભરમાં આજે પણ આદરણીય છે. અનાસક્તિયોગમાં તેમણે ગીતાજીવન જીવવાનો દાવો તેમ જ ગીતા પર ભાષ્ય લખનારા બીજા વિદ્વાનોએ તે પ્રમાણે આચરણ કર્યાનો દાવો કર્યો હોય તે તેમની જાણમાં નથી તેમ લખ્યું છે.

  • Jagat Dave says:

   મારી જાણ મુજબ ગાંધીજી સિવાય કોઈ એવી વ્યક્તિ જાહેર જીવનમાં જોવાં નથી મળી જેમણે ગીતાનાં ઉપદેશોને પચાવ્યા હોય અને અંગત જીવનમાં અમલમાં મુક્યા હોય.

   મોટા મોટા વિદ્વાનોને આખી જીંદગી ગીતાજી પર પ્રવચનો આપ્યાં અને અનેક પુસ્તકો લખ્યા પછી પણ તેમનાં અંત કાળે “મામકાઃ” માં પ્રાણ અટકતાં જોયાં છે.

   બહું જ અઘરું છે….ગીતાનાં ગ્યાન ને પચાવવું. (આપણાં નેતાંઓ ને જ જુઓ ને…… ભારતમાં જેટલાં ઘરડાં નેતાંઓ છે તેટલાં કદાચ વિશ્વભરમાં નહિ હોય. (એ પણ લોકશાહીમાં) પાછા ભ્રષ્ટાચારમાં પણ પૂરાં…… ગીતાજી નો સંદેશ ભારતવર્ષમાં જ અપાયો હશે??????? શંકા થાય છે ઘણીવાર.

   • કલ્પેશ says:

    મૃગેશભાઇ,

    આ કોમૅન્ટ યોગ્ય ન હોય તો કાઢી નાખજો.

    જગતભાઇઃ આ દેશમા ગીતાનો સંદેશ અપાયો પણ એને લોકોના વ્યવહાર જોડે લેવાદેવા નથી, એ કડવુ સત્ય છે.
    મને લાગે છે કે સમય જતા દરેક વસ્તુનુ મૂળ સ્વરુપ બહુ ઓછા લોકો સમજી શકે છે.

    ગીતા/કુરાન/બાઇબલ વાંચતા બધા લોકો એ પ્રમાણે વર્તે તો આ વિશ્વની એ અજાયબી ગણાશે.
    ઓશોને મેં વાચ્યા નથી પણ કદાચ એમણે એ વાક્ય કહ્યુ છે “હુ તમને ચંદ્ર દેખાડુ છુ અને તમે મારી આંગળીને જુઓ છો”

    એટલે મૂળ ઉદ્દેશ ભૂલાઇ જાય છે અને ક્રિયાકાંડ ચાલતા રહે છે. તે છતા, લોકો એવા પણ મળશે જે વાંચતા હોય, સમજતા હોય અને પચાવતા હોય, ભલેને સંપુર્ણ રીતે નહી.

    અર્થનો અનર્થ થતા વાર ક્યા લાગે છે.
    જેહાદનો અર્થ શુ? મને લાગે છે કે એ પોતાનામા રહેલી બૂરાઇઓથી દૂર થવાની મથામણ.

    અને સમાચાર માધ્યમો મીઠુ/મરચુ વધાર કરીને પીરસે અને બધા એકબીજાની વિરુદ્ધ થઇ જઇએ.
    “ભાગલા પાડો અને રાજ કરો” – ચાલે છે અને ચાલશે, જ્યા સુધી લોકો વિચારવાની તસ્દી નહી લે.

    • જોગીદાસ, સાઉદી અરેબીયા says:

     જેહાદની permission કુરાનના ૨૨મા અધ્યાયના ૩૯મા શ્લોક પ્રમાણે એ લોકોને આપવામાં આવી છે જેને
     Transliteration
     : Othina lillatheena yuqataloonabi-annahum thulimoo wa-inna Allaha AAalanasrihim laqadeer

     Dr. Ghali
     : The ones who are (forced to) fight are permitted (to defend themselves) for that they are unjustly (attacked); and surely Allah is indeed Ever- Determiner over giving them victory.

     • જોગીદાસ, સાઉદી અરેબીયા says:

      બીજો એક શ્લોક જેમાં જીહાદ શબ્દ સ્પષ્ટ વંચાય છે –
      Transliteration: Fala tutiAAi alkafireenawajahidhum bihi jihadan kabeera
      Dr. Ghali: So do not obey the disbelievers, and strive with them thereby with a constantly great striving.

     • કલ્પેશ says:

      આ ખરો અર્થ હોય તો લોકોના મનમા જે જેહાદનુ સ્વરુપ છે એ ક્યા પ્રકારનુ છે?
      અને જે લોકો કહે છે કે તેઓ જેહાદ કરે છે, એ લોકો માટે જેહાદનો અર્થ કયો છે?

      ટૂંકમા, કયો અર્થ સાચો છે એ ભૂલાઇ જાય છે અને મારા/તમારા અર્થની વાત આવી જાય છે.

   • જોગીદાસ, સાઉદી અરેબીયા says:

    સત્પુરૂષોનો અવતાર એ સમાજમાં થાય છે જે તદ્દન ભ્રષ્ટ હોય. મેં હરિજનોને મેલું ઉપાડતા અને તેમના પર અત્યાચાર થતા જોયા છે. મારા મત પ્રમાણે મુસલમાનો અને અંગ્રેજો હિંદુસ્તાન પર સમાજભ્રષ્ટતાને કારણે જ રાજ કરી શક્યા. ગાંધીજીએ સમાજનું ઘણું ઉત્થાન કર્યું છે. અત્યારનો ભારતીય સમાજ હજી એટલી અધોગતિ નથી પામ્યો કે કોઇ મહાપુરૂષનો અવતાર થાય.

 4. Girish says:

  ગિતા નુ વાચન વિચારો જો વર્તન મા આવે ગિતાકાર નો ઉદેશ પાર આવે

 5. paresh antani says:

  shrimad bhagviat gita is the golden ornaments of hidiustani vedic culture .many famous wreiter wrote on gita but all of them have different and new meaning .even if we read frequently we also learn neew meaning of gita. In short gita teaches us “TYAGI”as thakur shri ramkrishnadev sacys.

 6. Prutha says:

  મને તો એ સમજાતુ જ નથી કે જ્યારે બાપુના કે એમણે લખેલા લેખ મુકવામા આવે છે ત્યારે લોકો કોમેન્ટસ ઓછી ને પોતાના વિચારોનુ વધુ પડતુ પ્રદર્શન કરીને હંમેશા જ એમનુ અપમાન શા માટે કરતા હશે…………….???

  • કલ્પેશ says:

   પૃથાજી,

   લોકો પોતાના વિચારો લખે એમા બાપુનુ અપમાન કઇ રીતે થાય છે?
   તાર્કિક રીતે પણ મને આ ન સમજાયુ.

 7. Chintan says:

  ઉત્તમ લેખ. ગીતા અને ગાંધી વિચાર ને એક સિક્કાની બે બાજુ કહીશુ તો એમા જરા પણ વધુ નહી ગણાય.

 8. Bhalchandra, USA says:

  I was delighted to read the chapter of this book, by Gandhiji. I have a copy of it, but to read on this website gave me feeling of seeing favorite person’s photo on the front page of a newspaper with good news. Thank you.

 9. Dheeren Niranjanbhai Adhavaryu says:

  આ વઆનચન થિ મન નિ શન્તિ જલ્વાય ચ્હે છે. અને કર્મ કરવાનિ પ્રેરના મલે છે.

 10. MANSI says:

  This is a miracle or magic of life,Which is written by Bapu in this article and reveals by Lord Krishna .well the thing is that we clearly know that this is right or wrong,though we make mistake.And when we realise that ,we take an outh to do not commit such a thing.And the worse thing is that we do the same thing again n again.Hope so people ,not just read the article,but try to put in practical.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.