આવ હવે ! – રમેશ પટેલ ‘ક્ષ’

મુજ અધર ઉપર તું એક મજાનું સ્મિત થઈને આવ હવે,
નિ:શબ્દ થયા છે શબ્દ બધા, તું ગીત થઈને આવ હવે.

જો મન ઉપવનનાં પંખીઓ પણ મૌન ધરીને બેઠા છે,
એ ગૂંજન કરવા ચાહે છે – સંગીત થઈને આવ હવે.

છે ભીડ મહી પણ એકલતા એ વાત હવે તું સમજી લે,
આ સાવ અજાણી નગરીમાં મનમીત થઈને આવ હવે.

હૈયામાં છે સૂનકાર સતત ને ભાસે છે ભેંકાર બધું,
ધડકન મારી અટકે ના એવી પ્રીત થઈને આવ હવે.

જે રાત-દિવસ ને આઠ પ્રહર બસ તારામાં ભમતું ભાસે,
એ ચંચળ શીતળ નિર્મળ કોમળ ચિત્ત થઈને આવ હવે.

ને આજ બધી આ પરંપરા ને પ્રથા સકળ પળમાં ત્યાગી,
તું ભાવ જગતની એક અનોખી રીત થઈને આવ હવે.

આ ચાહતની ચોપટમાં સઘળું હારી જઈને બેઠો છું,
લે પાસા મારા ફેંક હવે તું જીત થઈને આવ હવે.

ને યુગ યુગથી મુજ ભીતરમાં કંઈ નિત્ય વલોવાતું લાગે,
તું આજ પ્રણયનું મધમીઠું નવનીત થઈને આવ હવે.

આ જ્વાળામુખી સમ બળબળતી જીવન-ક્ષણને નિરખી લે,
જો વિવશતાથી દાઝુ છું – તું શીત થઈને આવ હવે.

હું સ્પર્શ તણાં સ્પંદન સાથે દઉં એક મજાનું આલિંગન,
તું વીજ ઝબકારે ચમકીને ભયભીત થઈને આવ હવે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગીતાબોધ – ગાંધીજી
ભૂલી ગયો છું – કરસનદાસ લુહાર Next »   

9 પ્રતિભાવો : આવ હવે ! – રમેશ પટેલ ‘ક્ષ’

 1. Divyesh says:

  ખુબ જ સરસ… દિવ્યેશ, દુબઇ…

 2. Rajendra Namjoshi,Surat says:

  આ ચાહતની ચોપટમાં સઘળું હારી જઈને બેઠો છું,
  લે પાસા મારા ફેંક હવે તું જીત થઈને આવ હવે.

  સરસ રચનાનો આ શેર ખુબજ ગમ્યો.ચોપાટ ચાહતની હોય કે પછી જીવનની જીતની આશા રાખીને આગળ વધવાની વાત દિલને સ્પર્શી ગૈ. -રજેન્દ્ર નામજોશી – વૈશાલી વકીલ (સુરત)

 3. Mukesh Pandya says:

  વાહ, મજા પડી ગઈ. ગઝલના એકે એક શેરમાં ‘વાહ’ બોલાઈ ગયું.

 4. Daxesh says:

  બધા જ શેર સુંદર … અને બધા જ શેર ગઝલના હાર્દને જાળવી રાખે છે એથી રચના વધુ આસ્વાદ્ય બની છે. અભિનંદન.

 5. nayan panchal says:

  પ્રિયજન માટે લખાયેલી ખૂબ જ સુંદર રચના. પરંતુ રીડગુજરાતી પર નિર્મિશભાઈનો “ઝલક દિખલા જા-એક ભજન” પરનો લેખ વાંચ્યા પછી એમ થાય છે કે આ રચના પણ એક ઉત્તમ ભજન ગણી શકાય.

  નયન

 6. dharmesh-sukeshi n my little daughter bindi desai says:

  ખુબ સરસ્

 7. Ramesh Patel says:

  ગઝલ તડપન અને મ્હેંકથી ભરી ભરી છે.
  મસ્ત ગઝલ્.

  રમેશ પટેલ(આકાશદીપ)

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.