ટાઈપ-ફોર – અનુ. ડૉ. રેણુકા શ્રીરામ સોની

[મૂળલેખક : અનંત પ્રસાદ પંડા. ‘જનકલ્યાણ’માંથી સાભાર.]

રમેશબાબુ સેક્રેટરિયેટમાં નોકરી કરે છે. કટક શહેરની એક ગલીમાં તેઓ ભાડાના મકાનમાં રહે છે. ઈંટોની બનેલી દીવાલ, નીચે સિમેન્ટની લાદી અને ઉપર છાપરું. દીવાલમાં વરસોથી ચૂનો લાગ્યો નથી. પણ તે શેરીમાં એમનું ઘર સૌથી સારું ગણાય, એમ કહીએ તો ચાલે. એમના ઘરને અડીને સાઈકલનું સમારકામ કરતા કારીગરનું ઝૂંપડું છે. એમાં દીવાલો રહી નથી. વાંસ પર ગારો લગાવેલો હતો, તે પણ ક્યારનો ઉખડી ગયો છે. ખખડધજ વાંસ દેખાય છે. તેની પેલી બાજુ ગાડાવાળા કાળુખાનનું ઘર. એક જ ઓરડો. એમાં અડધામાં કાળુખાનના વહાલા માયકાંગલા બે લાલ બળદ રહે – અને બાકીના અડધાના બે ભાગ પાડ્યા છે એકમાં રસોઈ બને અને બીજામાં કાળુખાનને સૂવાનું. તેની પેલી બાજુ પૂરી-પકોડીવાળાનું ઘર. તેની હાલત પણ એવી જ. ઘાસનું છાપરું અડધું ઊડી ગયું છે. દિવસે તડકો, અને રાતે તારા દેખાય. આવા આવા કેટલાય વેપારીઓનાં ઘર એ ચાલમાં, પણ એમાં એકલા રમેશબાબુ જ ‘સાહેબ’ ગણાય.

રમેશબાબુ ચોક્કસ સાહેબ છે. પેન્ટ પર ટીશર્ટ પહેરે છે; નાક નીચે પતંગિયાકટ મૂછો રાખે છે. હાથમાં સોનાની વીંટી ચળકે છે; સાઈકલ પર આવ-જા કરે છે. તેમની સરખામણીમાં તે ચાલમાં બીજા જેટલા વ્યવસાયીઓ છે, તે બધા મજૂર શ્રેણીના છે. એટલે જ તે ચાલમાં રમેશબાબુનું માન ખૂબ જ. ઓફિસનું કામ પતાવી રમેશબાબુ ઘેર આવે ત્યારે ઑફિસની વાત, ફાઈલની વાત, મોટા સાહેબ અને નાના સાહેબનો ગુસ્સો, બૂમાબૂમ બધું ભૂલી જાય. હવે તેઓ એ શેરીના સાહેબ. કાળુખાન ગાડાવાળાથી માંડીને નાક વીંધવાવાળો, પૂરી-પકોડીવાળો, સાહુ અને બીજા કેટલાયે પડોશીઓ રમેશબાબુ જોડે કેટલીયે વાતો કરે. ખૂબ મુશ્કેલીમાં હોય ત્યારે એ લોકો રમેશબાબુ પાસેથી બે-ચાર રૂપિયા ઉધાર પણ લઈ જાય. રવિવારે ઑફિસમાં રજા હોય. એટલે તે દિવસે રમેશબાબુ સંપૂર્ણપણે રમેશસાહેબ બની જાય.

આ તો વાત થઈ રમેશબાબુની. ઘરમાં રમેશબાબુની પત્ની અને તેમનાં બચ્ચાં દીકરા-દીકરી મળીને સાત જણ. સાહેબનાં છોકરાંઓ ફ્રોક પહેરે, જો કે આ બધાં કપડાં રસ્તાની લાલ ધૂળથી મેલાંઘાણ થઈ જાય. ગમે તેવાં પણ કપડાં તો ખરાં ને ! શેરીનાં બીજાં છોકરાંઓ તો કેવાં નાગડાં-પૂગડાં, લુખ્ખા વાળ અસ્તવ્યસ્ત ! અને સાહેબાણી ? તે તો ચાલની શેઠાણી ! કાળુખાંની બીબીથી માંડીને સાહુઆણી સુધી બધાં તેમને શેઠાણી કહીને બોલાવે. શેઠાણી નહિ તો બીજું શું ? તેઓ અપર પ્રાઈમરી સુધી ભણેલાં છે; ચોપડી વાંચે છે, કાગળ લખે છે, બહાર જાય છે ત્યારે પગમાં ચંપલ પહેરીને નીકળે છે. હાથમાં સોનાનો ઢોળ ચડાવેલી બ્રોંચની બંગડી અને ફળ-ફૂલની બોર્ડરવાળી સાડી પહેરે છે. શેઠાણી વળી આનાથી કંઈ જૂદી હોય ? કાળુખાં ગાડું લઈ માલના ગોદામ પર જતો રહે, પછી તેની બીબી બારણામાં આવી બૂમ પાડે – ‘શેઠાણી બા, અંડા લોગે, અંડા ?’ શેઠાણી બારણું ખોલે – બે ચાર ઈંડાં ખરીદે. પૂરી પકોડી બનાવતી સાહુઆણી આવી કહે – ‘શેઠાણી બા, આજે છોકરાઓના નાસ્તા માટે પૂરી પકોડી નહિ લો ?’ શેઠાણી છોકરાં માટે બે આનાની પૂરી પકોડી ખરીદે. સાઈકલ-સમારકામવાળાની પત્ની આવી પૂછે – ‘શેઠાણી બા, આજે શું શાક બનાવ્યું છે ?’ મનોરમાનું હૃદય આનંદથી ગદગદ થઈ જાય. ખરેખર પોતે શેઠાણી જ છે ને !

રમેશબાબુનાં બાળકો પણ તે ચાલનાં ‘સાહેબ બાળકો !’ બીજાં બધાં તો મેલાંઘેલાં છોકરાં. આવી રીતે રમેશબાબુનો સંસાર ખૂબ સુખેથી ચાલતો હતો. એક દિવસ ઑફિસેથી પાછા ફરતાં રમેશબાબુ હસતાં હસતાં ઘરના બારણેથી બૂમો પાડવા લાગ્યા – ‘અરે એ, સાંભળે છે ? સાંભળે છે ? નવા સારા સમાચાર સાંભળ્યા ?’
‘સારા સમાચાર ? ક્યા સારા સમાચાર વળી ? તમને શું નોકરીમાં બઢતી મળી ? હેં, કેટલા રૂપિયા પગાર વધ્યો ? પણ ખબરદાર, વધારાનો પગાર ખરચી નાખશો નહિ. જે ચાલે છે તેમ ચાલવા દેજો. તે રૂપિયા રાખી મૂકજો – ટુનુ માટે સોનાનો હાર બનાવડાવીશું.’
‘અરે, તું ખરી છે – પૂરું સાંભળ્યા વગર કેટલાય તુક્કા લડાવે છે !’
‘ત્યારે બીજું શું છે ? કહોને.’
‘વાત જાણે એમ છે કે, અમારી ઑફિસ કટકથી નવા પાટનગર ભુવનેશ્વર ખસેડાય છે.’
‘શું શું ભુવનેશ્વર ! અરે માડી ! આ ઘર છોડીને જવું પડશે ?’
‘ખરી છે તું તો ! આ ક્યાં આપણું પોતાનું ઘર છે કે માયા છૂટે નહિ ? તું સમજી લે – હવે આવા અંધારિયા ઘરમાં રહેવું નહિ પડે કે આવા ધૂળિયા રસ્તા પર ચાલવું નહિ પડે.’
‘ત્યારે ?’
‘ત્યારે શું ? એકદમ ડામરના રસ્તા. સાઈકલ પર પગ મૂક્યો નથી કે સડસડાટ ચાલી નથી ! અને ઘર ? હાઈકલાસ ટાઈપ-ફોર.’
‘અરે, આ ટાઈપ ફોર વળી શું છે ?’
‘ઓહ, ટાઈપ ફોર – ટાઈપ ફોર સમજતી નથી ? આ ટાઈપ ફોર – ફોર – ફોર એટલે ચાર – ચાર ટાઈપનું ઘર.’
‘ચાર ટાઈપ ઘરમાં શું ચાર સૂવાના ઓરડા હોય છે ? ત્યારે તો ઘણું સારું. એક ઓરડાને બેઠકખંડ બનાવીશું, બહારના અડોશી પડોશી આવે તો બેસી શકે.’
‘અરે, નહિ નહિ, ટાઈપ ફોરમાં ચાર ઓરડા નથી. બે જ છે. પણ ઘર જેવું ઘર છે. વીજળીના દીવા, વીજળીના પંખા, નળ, સંડાસ બધું સારું સારું ! સાહેબોની કોઠી જેવું.’

રમેશબાબુની વાત સાંભળીને મનોરમા ખુશ ખુશ થઈ ગઈ. મનમાં કલ્પનાના ઘોડા દોડાવવા લાગી. હવે નવા ટાઈપફોર ઘરમાં અડોશીપડોશીને પંખા નીચે બેસાડી સ્વીચ દાબીશ કે પંખો ઘરર કરતો ફરવા લાગશે. બે દિવસ પછી રમેશબાબુના ઘરની સામે કાળુખાંની ગાડી આવી ઊભી. સામાન મૂકાયો. કટક શહેરની અંધારી ગલીમાંથી રમેશબાબુ સીધા નવા પાટનગરની ડામરની સડક ઉપર જઈ પહોંચ્યા.

મનોરમાએ ટાઈપ ફોર ઘરમાં પ્રવેશ કરતાં પાછળ ફરી જોયું. તેની આંખો ઉપર ચડી ગઈ. હેં, આ વળી શું ? બરાબર એમના ઘરની સામે જ એક મોટો બંગલો છે. બાપ રે ! એની ચારે બાજુ કેટલી બધી જગ્યા છે ! સામે લાલ, પીળાં, ગુલાબી એવાં ભાતભાતનાં રંગબેરંગી ફૂલો ઊગ્યાં છે ! અને તેમનું ટાઈપ ફોર હાથીની સામે ઉંદર જેવું વામણું ! કહે છે સામેનો મોટો બંગલો, તે મોટા સાહેબનો બંગલો છે. તેની પેલી બાજુ લાલ બોગનવેલથી છવાયેલા આંગણમાં જે બંગલો દેખાય છે તે તેનાથી પણ મોટા સાહેબનો બંગલો છે. તેમના ઘરની સામેની બાજુમાં જે બધાં ઘર દેખાય છે – તે બધાં ટાઈપ ફાઈવ એટલે કે તેમના પતિથી વધારે પગાર મેળવતા કલાર્ક સાહેબોનાં ઘર છે. મનોરમાના મનમાં કંઈનું કંઈ થઈ ગયું. માથા પરથી પરસેવાના રેલા નીકળવા લાગ્યા. ઘરમાં પવનનું વાવાઝોડું જાગી ગયું હતું. તો પણ મનોરમાના કપાળ પરથી પરસેવાનાં ટીપાં – ટપટપ કરતાં પડતાં હતાં ! મોંસૂઝણું અંધારું છવાયું. છોકરાઓએ સ્વીચ પાડી કે, ઘરમાં અજવાળું છવાઈ ગયું, પણ મનોરમાની આંખોની સામે અંધારું જ ઘેરાયેલું હતું.

મનોરમાએ બારીની બહાર જોયું – તેમના ઘરની સામેના બંગલાવાળા સાહેબની મેમસાહેબ ઊંચી એડીના સેન્ડલ પહેરી ઠકઠક કરતી ચાલી જાય છે. તેમની જોડે તેમના સાહેબ હતા. સાથે હતો વાઘ જેવો કૂતરો. રમેશબાબુ એ રસ્તેથી ઘેર પાછા ફરતા હતા. મોટા સાહેબને જોતાં જ સાઈકલ ઉપરથી ઊતરી માથું નમાવી નમસ્કાર કર્યા. મનોરમાનું મોં વિલાઈ ગયું. સાહેબ-મેમસાહેબ તેમના ઘર આંગણા પાસેથી પસાર થઈ ગયાં. પણ જરા સરખી નજર મનોરમા સામે કરી નહિ. મનોરમાને થયું : ક્યાં છે પેલી પડોશી કાલુખાંની બીબી ? ક્યાં ગઈ પેલી પૂરીપકોડીવાળી સાહુઆણી ? કેમ કોઈ મારા બારણા પાસે આવી ‘શેઠાણી’ કહી બૂમ પાડતાં નથી ? મનોરમાના મનમાં ભયંકર તોફાન શરૂ થઈ ગયું : ‘કે હું કોણ ? મારી હેસિયત શું ?’

રમેશબાબુએ ઘરમાં પગ મૂકતાં જ જોયું તો છોકરાંઓએ બધા પંખા ચાલુ કરી દીધા હતા. ઘરમાં જાણે વાવાઝોડું વાય છે ! ચારે બાજુ લાઈટો બળે છે. રમેશબાબુ ચિડાયા : ‘અરે મૂરખાઓ, આ શું માંડ્યું છે ? કેટલો ખરચ આવશે એનો કંઈ ખ્યાલ છે ? તમારાં શેઠાણી બા ક્યાં ગયાં ?’ મનોરમા નીરવ, નિસ્તબ્ધ, જાણે પથ્થરની મૂર્તિ જોઈ લો. તેની આંખોની સામે તેને કાળુખાંની બીબી દેખાવા લાગી – કાનમાં તેનો અવાજ ગૂંજવા લાગ્યો : ‘એ શેઠાણીબા, અંડા લોગે, અંડા ?’ જાણે સાહુઆણી બારણે આવી બૂમ પાડે છે : ‘એ શેઠાણીબા, પૂરીપકોડી લેશો ?’
રમેશબાબુએ પૂછ્યું : ‘આમ મૂંગી મૂંગી શું બેઠી છે ? આ ઘર ગમ્યું કે નહિ ?’
મનોરમાએ ગળગળા સાદે કહ્યું : ‘આવી જગ્યાએ ઘર શા માટે લીધું ? બધાં આવાં જ ઘર હોય તેવી શેરીમાં ઘર નહોતું મળતું ?’
રમેશબાબુએ કહ્યું : ‘પહેલાં એવી બધી શેરીઓ બનતી હતી, પણ કેટલાક મોટા સાહેબોએ કહ્યું કે આમ જુદે જુદે સ્થળે મકાનો બાંધવાને બદલે એક જ જગ્યાએ મોટા-નાના બધાને માટે મકાનો બાંધવાં. એટલે હવે બધાં ભેગાં બંધાયાં અને સાહેબનાં બંગલા પાછળ આપણા ટાઈપ-ફોર પણ બંધાયાં.’
‘પણ તમે શા માટે ટાઈપ-ફોર પસંદ કર્યું ?’
‘મેં પસંદ કર્યું છે ? તું કેવી વાત કરે છે ? હું શી રીતે પસંદ કરું ? આપણે રહ્યા ચોથા વર્ગના નોકર. એટલે જ તો આપણને આ ટાઈપ-ફોર મળ્યું છે.’

આટલું બોલતાં બોલતાં રમેશબાબુની આંખો ભરાઈ આવી, ગળું રૂંધાઈ ગયું. છેલ્લાં દસ વર્ષથી તેઓ સરકારી નોકરીમાં છે, પણ ઓફિસથી ઘેર પાછા ફર્યા પછી એમણે કદી વિચાર્યું ન હતું, કે કોઈએ તેમને એ વાત યાદ કરાવી ન હતી કે તેઓ નોકર છે. ઑફિસથી પાછા ફર્યા બાદ તેઓ તેમની ચાલના મોટા સાહેબ બની જતા; અડોશપડોશના લોકો જોડે તેઓ તેમનાં સુખદુ:ખના ભાગીદાર બની માણસ બની રહેતા. પણ આજે આ નવા પાટનગરના ટાઈપ-ફોર મકાનમાં રહેવા આવ્યા ત્યારથી જાણે કોઈ દરેક પળે એમના માથામાં ખીલો ઠોકી ઠોકીને તેમને ચેતવી રહ્યું છે કે, ‘તું નોકર છે – તું માત્ર નોકર છે – તું માણસ નથી, તું એક વર્ગનો માણસ છે – ટાઈપ ફોર ટાઈપ ફોર ! જેલમાં જે રીતે કેદીઓની પીઠ પર નંબરની છાપ હોય છે અને હોસ્પિટલમાં જે રીતે દર્દીના ખાટલા પર નંબરની તકતી ઝૂલતી હોય છે એ રીતે આજે મારી પીઠ પર એક છાપ છે – ટાઈપ ફોર ! ટાઈપ ફોર !’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એક વિરામ – તંત્રી
વિભાજીત – ભગવતીકુમાર શર્મા Next »   

13 પ્રતિભાવો : ટાઈપ-ફોર – અનુ. ડૉ. રેણુકા શ્રીરામ સોની

 1. જય પટેલ says:

  માણસનું વર્ગીકરણ માણસે જ કર્યું છે….ભાગાકાર જ ભાગાકાર…!!!

  કોઈપણ કામ નાનુ નથી પણ સમાજની દ્રષ્ટિ બદલવાની જરૂર છે.

  …..આવો વિશ્વ ગુર્જરીના રત્નો રીડ ગુજરાતીના માધ્યમથી સંવાદિતા સાધી
  રમેશબાબુ જેવા માણસને ગરિમા બક્ષે તેવા યુગનું નિર્માણ કરીએ.

  માનવીય ગરિમાને ઉંચાઈ બક્ષતી સુંદર વાર્તા.

 2. dhiraj says:

  સુંદર વાર્તા

  અનુ. ડૉ. રેણુકા શ્રીરામ સોની નો છે પણ મૂળ લેખક નુ નામ જણાવશો.

 3. દિવ્યમ અંતાણી '' નાગર'' says:

  ડો. રેણુકાજી એ બહુજ સરસ શબ્દો મા પરિસ્થિતિ નુ વર્ણન કર્યુ. હુ પોતે પણ સરકારી કર્મચારી હોવાથી આ વાત સમજી શકાય એવી લાગી. વ્યક્તિએ પોતાના કામ નેજ ઉતમ માનવુ. તેજ જીવનની સન્તોશકારકતા બની શકે.

 4. brinda says:

  ખુબ જ સંવેદનશીલ વાર્તા. મોટા ભાગની ટાઉનશીપમાં પણ આવું વર્ગનું વિભાજન ઉડીને આખે વળગે તેવું હોય છે.

 5. Veena Dave. USA says:

  સરસ

 6. ઈન્દ્રેશ વદન says:

  નિમ્ન મધ્યમવર્ગ ની દુનિયાનું તાદ્રશ્ય વર્ણન કરાવતી સુંદર વાર્તા.

  માનવીના સુખના પરિમાણો સાપેક્ષ છે તેનુ પણ સુંદર નિરુપણ.

  ઓરિજિનલ ઑથરનું નામ જણાવવા વિનંતી.

 7. Vaishali Maheshwari says:

  Very nice story.
  We should learn to respect whatever work we are doing.
  No work is small or reputable.
  WORK should be considered as WORK.

  Thank you Ms. Dr. Renuka Shriram Soni for sharing this wonderful short story with us.

 8. Editor says:

  મૂળલેખકનું નામ જાણવા ઈચ્છતા તમામ વાચકમિત્રોએ કૃપયા આ કૃતિની પ્રથમ લાઈન ફરીથી એકવાર જોઈ લેવી ! લેખ સાથે તમામ વિગત અગાઉથી આપવામાં આવેલી જ છે.

  લિ. તંત્રી.

  • ઈન્દ્રેશ વદન says:

   Thought Dr. Renuka translated the article in gujarati from somewhere, since અનુ. was understood for અનુવાદ. Maybe Jankalyan is published in several other languages too.

 9. nayan panchal says:

  વાર્તા સારી છે પરંતુ રમેશબાબુ કે તેમની પત્ની માટે કોઈ પણ પ્રકારની સહાનુભૂતિ ઉપજતી નથી. કામ એ તો કામ છે.

  પોતે જ્યારે કટકમાં રહેતા હતા ત્યારે તેમણે પણ મકાન અને કામના પ્રકાર પ્રમાણે જ સાહેબ પ્રમાણેનો રૂઆબ ભોગવ્યો ને. તમે તમારી નીચેનાને જોશો તો પોતાને અમીર પામશો અને ઉપર નજર નાખશો તો ગરીબ. સાદો હિસાબ છે.

  આજે સમસ્યા એ છે કે લોકોને અભિપ્રાયનુ સુખ જોઈએ છે. પગમા પહેરેલો જૂતો ભલે ડંખતો હોય, પરંતુ લોકો તરફથી સુંદર જૂતા માટે અભિપ્રાય મળશે તો તકલીફ વેઠીને પણ એ જ જૂતા પહેરશે. અનુભૂતિનુ સુખ વધુ મહત્વનુ છે. કટકમાં તકલીફો વેઠીને પણ તેઓ અભિપ્રાયના સુખ ખાતર ખુશી ખુશી રહેતા હતા. નવા ઘરમાં અનુભૂતિનુ સુખ છે, પરંતુ અભિપ્રાયનુ સુખ નથી તેથી તેઓ દુઃખી થાય છે. કેવી વિચિત્રતા !!!

  આભાર,
  નયન

  • hassan says:

   One must live within range
   to have more u have to do more
   if u cannot then try to put ur children
   in the mould u prefer
   plus one must have the sense to accept the circumstances

 10. જીતેન્દ્ર તન્ના says:

  સરસ વાર્તા. દરેકને દુખી થવાનું બહાનુ જોઇએ છે. માણસ જેટલો પ્રયત્ન દુખી થવા માટે કરે છે એના કરતા ઘ્ણા ઓછા પ્રયત્ને સુખી થઈ શકે.

 11. Ashish Dave says:

  Nice story. I had a very similar experince.

  Ashish Dave
  Sunnyvale, California

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.