વિભાજીત – ભગવતીકુમાર શર્મા

[‘ગુજરાત’ સામાયિક દીપોત્સવી અંકમાંથી સાભાર.]

‘રૂપા ! મારાં ચશ્માં ક્યાં છે ?’ સુકેતુએ બૂમ જેવા અવાજે પૂછ્યું.
રૂપાએ રસોડામાંથી જ દાળની તપેલીમાં કડછી ફેરવતાં તીણા સ્વરે ઉત્તર આપ્યો :
‘ચશ્માં શોધવા માટે તું ખાસ નવાં ચશ્માં બનાવડાવ સુકેતુ !’
સુકેતુ વધારે ધુંધવાયો : ‘આ મજાક-મશ્કરીનો વખત નથી રૂપલી ! ઑફિસે જવામાં મને ઑલરેડી મોડું થઈ ગયું છે. નવ-પંદરની બોરીવલી-ચર્ચગેટ ગઈ તો પછી હું…..’

રૂપા રસોડામાંથી સહેજ ડોકાઈ. બારણાની અડધી આડશે જ તેણે પૂછ્યું :
‘રોજ તું તારાં ચશ્માં ક્યાં મૂકે છે ?’
‘શૉ-કેસના ડાબા ખૂણે.’
‘ડાબા નહિ, જમણા ખૂણે !’
‘પણ રોજ તો હું ડાબે ખૂણેથી જ મારા ગ્લાસિસ….’
‘ગઈ કાલ સાંજથી મેં આખી વ્યવસ્થા બદલી નાખી છે.’ રૂપાએ કિચનના ઉંબરાની બહાર પગ મૂકતાં કહ્યું, સુકેતુ હવે ખરેખરો અકળાયો. તેણે ઉગ્રતાથી પૂછ્યું : ‘વ્યવસ્થા બદલી નાખી છે એટલે વૉટ ડુ યુ મીન ?’ તેની ઉગ્રતાથી જરા પણ મૂંઝાયા વિના રૂપા સત્તાસૂચક રીતે બોલી :
‘મેં કહ્યું અને તેં સાંભળ્યું. ધેટ્સ ઑલ ! હવેથી શૉ-કેસનો જમણો ખૂણો તારો અને ડાબો મારો.’
‘મતલબ કે….’ સુકેતુ થોથવાયો.
‘હવે તને મોડું નથી થતું ? મારે હજી રોટલી કરવાની બાકી છે,’ બોલતી રૂપા ફરીથી રસોડામાં સરકી ગઈ.

સુકેતુ દિંગ્મૂઢ બનીને ઊભો રહ્યો – થોડીક જ ક્ષણ કાંડા-ઘડિયાળ પર નજર પડતાં જ તે સાબદો થયો. મોજાં, ટાઈ, પૉર્ટફોલિયો અને હા, ચશ્માં અને હવેથી તે ડાબે નહિ, જમણે ખૂણે ! સુકેતુને પળભર શૉ-કેસ તોડી-ફોડી નાખવાની ઝનૂની ઈચ્છા થઈ આવી અને તરત પૂરના પાણીની જેમ ઓસરી ગઈ. નાહક વધારે મોડું થાય અને વળી શો ફરક પડવાનો હતો. ચશ્માં શૉ-કેસના ડાબે ખૂણે હોય કે જમણે તેથી ? હાથ આ તરફ લંબાવવાને બદલે પેલી તરફ લંબાવવાનો એટલું જ ને ? પણ વળતી પળે તેનું મન પોકારી ઊઠ્યું : વ્યવસ્થાને નામે આમ મનસ્વી ફેરફાર કરવાનો રૂપાનો શો અધિકાર ?

ગઈ રાતે તેણે કહી દીધું હોત તો સવારે આ લમણાંઝીંક તો ન થાત વળી પાછો ઑફિસે જવામાં મોડું થઈ રહ્યું છે, તેવો ખ્યાલ આવતા સુકેતુ નાનકડા ફલેટના ડ્રોઈંગરૂમમાં એક જ છલાંગે શૉ-કેસ પાસે પહોંચી ગયો, રોજની આદત પ્રમાણે ડાબી તરફ, પણ ભોંઠાપણું અનુભવાયું એટલે જમણી તરફ વળ્યો. ‘હવે આ નવી ટેવ પાડવી પડશે.’ એવું બબડતાં તેણે શૉ-કેસના જમણે ખૂણે પોતાનો જમણો હાથ લંબાવ્યો. ઊંઘતા સસલા જેવાં ચશ્માં તેને દેખાયાં અને તેના હાથને સ્પર્શ્યા પણ ખરાં. ઠીક, તો આમ વાત છે ! હવે ડાબે નહિ, જમણે ખૂણે ! ગોખવાની ઢબે તેના મનમાં વિચાર આવ્યો. એ શૉ-કેસની વધારે નજીક આવ્યો. તેણે જમણા ખૂણાને પોતાની દષ્ટિ અને હાથ વડે ફંફોસી નાખ્યો. અરે, અહીં તો તેની બધી જ પરચૂરણ ચીજવસ્તુઓ પડેલી હતી : ચશ્માં ઉપરાંત પૈસાનું પર્સ, રેલવેનો પાસ, બૉલપેન, વધારાની રિસ્ટ-વૉચ, બેન્કની ચાલુ પાસ-બુક, ચેકબુક, કી-ચેઈન, શેવિંગ-કિટ એન્ડ વૉટ નૉટ ? પણ….પણ અત્યાર સુધી તો આ બધું આટલું વ્યવસ્થિત અને અલગ અલગ નહોતું રહેતું ! તેને વિચાર આવ્યો.

ચશ્માં ડાબે ખૂણે હોય તેવા તેના આગ્રહ સિવાય બીજું તો ઘણું બધું વેરણ છેરણ, અહીં-ત્યાં-ગમે ત્યાં જ પડ્યું રહેતું હતું ! તેમાંથી ક્યારેક ગરબડ ગોટાળા પણ સર્જાતા. પોતાની કોઈ ચીજને બદલે તે ઉતાવળમાં રૂપાની તેને મળતી આવતી વસ્તુ લઈને સબર્બન ટ્રેઈન પકડવા દોટ મૂકતો અને પછી રૂપાનો મોબાઈલ તેને ટોકતો : ‘મિસ્ટર, તમે ભૂલમાં મારી કી-ચેઈન લઈને…. અને હું અહીં ઑફિસમાં મારા ટેબલનું ડ્રોઅર પણ ખોલી શકતી નથી….! પણ એ અવ્યવસ્થાનીયે એક મજા તો હતી જ ને શરૂ શરૂમાં ? સુકેતુને પ્રશ્ન થઈ આવ્યો. કોક રેઢિયાળ ફિલ્મમાં સુટકેસની અદલાબદલી કરી મૂંઝાતા અને પછી પ્રેમમાં પડતાં નાયક-નાયિકાની જેમ આ વેરવિખેરપણાનોય એક રોમાંચ….

વધુ વિચારવાનું તદ્દન અટકાવી સુકેતુ લગભગ દોડતો કિચનમાં જઈ ડાઈનિંગ-ચેર પર ગોઠવાઈ ગયો – રવિવાર અને રજાના દિવસના અપવાદ સિવાય રોજની જેમ જ. તેને અચાનક ખ્યાલ આવ્યો કે ડાઈનિંગ-ટેબલની વ્યવસ્થા તો ઘણા સમયથી નિશ્ચિત અને એકધારી જ હતી. તેની ખુરશી, ટેબલ પરની તેની થાળી, તેનો પાણીનો પ્યાલો… બધું હરહંમેશ યથાવત, એકસરખું અને રૂપાની જગ્યા પણ નિયત. આજે તેણે જોયું કે ટેબલ પરની ચીજવસ્તુઓનાં સ્થાનમાં ઝીણું ઝીણું પણ નોંધપાત્ર પરિવર્તન વર્તાતું હતું. તેને દાળ-શાકમાં મીઠું આગળ પડતું લેવાની આદત હતી, તેને મુરબ્બો ભાવતો અને અથાણાંને તે અડકતોયે નહીં, સવારે તે દૂધની સાથે બોર્નવિટા અચૂક લેતો, ચામાં ખાંડની એક ચમચી વધારાની લીધા વિના તેને ચાલતું નહિ, ચમચી અને નેપકિન વગર તે ડાઈનિંગ-ટેબલ પર જમવા માટે ગોઠવાતો જ નહિ. તેણે બારીકાઈથી નોંધ લીધી. મીઠાની નાનકડી બરણી, મુરબ્બાનો જાર, ખાંડનો ડબ્બો, બોર્નવિટાની બૉટલ, ચમચા-ચમચીનું સ્ટેન્ડ, બધું ડાઈનિંગ-ટેબલની તેના તરફની બાજુએ હતું અને….. રૂપા જ્યાં બેઠી હતી ત્યાં અથાણાંની બોટલ, સૂંઠની ડબ્બી, એક જ ચમચી, ઘીની નાનકડી બરણી, ફ્રુટસની ડિશ અને એવું બધું…..

સુકેતુ સહેલાઈથી રોટલી ગળે ન ઉતારી શક્યો. આજ પહેલાં, અરે, ગઈકાલ સુધી અથાણાંની બૉટલ આ તરફ અને મુરબ્બાની પેલી તરફ, મીઠું-ખાંડ પેલી તરફ અને સૂંઠ આ તરફ, ચમચા-ચમચીનું સ્ટેન્ડ બન્નેની વચ્ચે અને બૉનર્વિટાની બોટલ ક્યારેક ફ્રીજની ઉપર….. એમાંથી ક્યારેક બૂમાબૂમ અને રમૂજ બંને ફૂટી નીકળતાં. દાળમાં ક્યારેક નમકને બદલે દળેલી ખાંડ નંખાઈ જતી, તે બરાડો પાડતો અને પછી બન્ને ખડખડાટ હસી પડતાં, પણ હવે…. રોજ જમતી વખતે ગમે તેટલી ઉતાવળ હોય તોય કાંઈ કેટલુંયે બોલ્યે રાખતા સુકેતુ ને આજે કશું બોલવાનું સુઝતું જ નહોતું. રૂપાએ ત્રણ-ચાર વાર કશીક આડીઅવળી વાતો કરવાનો પ્રયત્ન કર્યો તોયે સુકેતુ નવ-પંદરની લોકલ ચૂકી જ ગયો. ઑફિસનાં ટેબલ-ખુરશી પર ગોઠવાયાં પછી પણ તેની નજર સમક્ષથી ઘરમાંના શો-કેસ અને ડાઈનિંગ ટેબલ ખસતાં જ નહોતાં.

ડ્રૉઈંગ-રૂમમાં પ્રવેશતા જ મૂકેલું શો-કેસ જાણે ઘરના કોઈ જીવંત સભ્ય જેવું થઈ ગયું હતું. તેની ઉપર મૂકેલી ઘડિયાળ માણસોની જેમ જ એકઘારી ટક-ટક કર્યા કરતી હતી અને ઘરની દીવાલો એ અવાજ સાંભળ્યાં કરતી. શૉ-કેસના નીચેના મોટા ખાનાનો કાચ બંધ રહેતો અને અંદર પડેલી બધી વસ્તુઓ ઉષ્માસભર હાથના સ્પર્શની આખો વખત રાહ જોતી રહેતી કે શું ? સુકેતુ વિચારતો હતો ને ફરી પાછો અવઢવમાં પડ્યો : ડાબો ખૂણો મારો અને જમણો રૂપાનો, ના, જમણો મારો અને ડાબો એનો. શૉ-કેસને ડાબે ખૂણે પડ્યાં હશે રાંધણ-ગેસની નાનકડી ચોપડી, ચાવીનો મોટો ઝૂડો, રૂપાના રિમલેસ ગ્લાસિસ, તેની હિસાબ-કિતાબની ડાયરી, દૂધનું કાર્ડ, તેની ફાઉન્ટનપેન, થર્મોમીટર, પિનકુશન અને…. મારાં ચશ્માં, પર્સ, કી-ચેઈન, બૉલપેન, બધું ડાબે, ના જમણે ખૂણે. ભૂલ થવાનો કોઈ સંભવ જ નહિ. કશાની સેળભેળ જ નહિ – ઑફિસના કામમાં સુકેતુનું મન ચોંટ્યું નહિ. જોગાનુજોગ આજે બહુ કામ પણ નહોતું. ફોન પણ બે-ત્રણ જ આવ્યા. રૂપાએ મોબાઈલ, પણ કેમ નહિ કર્યો હોય ? ઊઠીને ઈન્ટરનેટ પર જવાની યે જરૂર ન પડી.

સુકેતુનું માથું ચકરાતું હતું. પ્યૂન પાસે તેણે કૉફી મંગાવી – હંમેશ જેવી, કડક અને સ્વીટ. કૉફીનો ઘૂંટ ભરતાં જ સમાંતરે તેને ખ્યાલ આવ્યો : રૂપા કદી કૉફી પીતી નહિ. લીલી ચા-ફૂદીનો-આદુવાળી ચા જ તે પસંદ કરતી. તે રમૂજ કરતો : ‘ચામાં કાંઈ ઝાડ-પાલો નંખાતાં હશે ?’ રૂપા સામો ટોણો મારતી, ‘તું કૉફી પીએ છે કે કાવો ?’ – કપડાંની ગડીની જેમ બધું ઊકલતું જતું હતું. તેને કઢી ભાવતી હતી, રૂપાને દાળ. તે સ્વીટનો શોખીન હતો. એ ફરસાણ પસંદ કરતી. તેને શાંત, કલાત્મક, સંવેદનશીલ ફિલ્મો ગમતી. રૂપાને એકશન પેકડ, તેને ધીરગંભીર, અંતર્મુખી ફિલ્મ-નાયકો ગમતા, રૂપાને એન્ગ્રીયંગમેન, સ્વોશ બકલિંગ હીરોની ફેન હતી. તેને તત્વચિંતનના પુસ્તકો ગમતા, રૂપાને જેમ્સ હેડલી ચેઈઝની નવલકથાઓ. તે ધીમી ગતિએ બાઈક ચલાવતો, રૂપાની સ્પીડ મારકણી લાગતી. તે ઓછું બોલતો, રૂપા…. તે ભાગ્યે જ ટી.વી. જોતો; રૂપા રાતની ઘણીખરી સીરિયલોમાં ખૂંપી જતી. તેને માંડ એક-બે અંગત મિત્રો હતા, રૂપાની ગર્લફ્રેન્ડઝ જ નહિ, બૉયફ્રેન્ડઝનાં પણ ટોળાં હતાં. તે ઑફિસની સ્ત્રી-કર્મચારીઓ સાથે માત્ર ખપ પૂરતી વાત કરતો. રૂપાને તેણે કેટલીયે વાર લન્ચ-અવર્સમાં જુદી જુદી હૉટલોમાં જુદા-જુદા પુરુષમિત્રો સાથે…. અને છતાં બધું સચવાયેલું રહ્યું હતું. લગ્નનાં પાંચ વર્ષ પછી પણ…. કેમેરાના જાણે રિટેઈક પર રિટેઈક થતા હતા અથવા એકનું એક દશ્ય ફરી ફરીને સ્ક્રીન પર ચાલતું હતું, અથવા કોક ક્રિકેટ મેચની કટોકટીની ક્ષણને વારંવાર જુદા જુદા એન્ગલથી બતાવાતી હતી. નાનકડા બેડરૂમમાંયે ડબલ બેડની વ્યવસ્થા તો હતી જ, પણ ડબલ બેડના બંનેના અલગ અલગ હિસ્સાઓ નક્કી જ હતા. બેડરૂમમાં પ્રવેશતાં ડબલ બેડનો જે પ્રથમ અડધો હિસ્સો આવતો ત્યાં સુકેતુનું સ્થાન નિશ્ચિત હતું અને રૂપા બારી તરફના ભાગ વગર સૂઈ જ શકતી નહોતી. જરૂરત અને ઈચ્છા અનુસાર ડબલ બેડના મધ્ય ભાગે બંને એકઠાં અથવા એકબીજાના હિસ્સામાં ચાલ્યાં જતાં પણ છેવટે તો તેઓ પોતપોતાના ખૂણે જ સરી જતાં અને ત્યારે નાનકડા શયનખંડનો નાનકડો ડબલ બેડ પણ મોટો અનુભવાતો ! પંખા અંગે બંને વચ્ચે રોજ દલીલો થતી. રૂપાને ગમે તે ઋતુમાં પંખાની ફુલ સ્પીડ વિના ન ચાલતું અને સુકેતુ ક્યારેક કંટાળીને ઓશિકું-ચાદર લઈ ડ્રોઈંગરૂમના સોફા પર ચાલ્યો જતો. પછી એમ જ રાત પૂરી થઈ જતી. મોટો ફલેટ લેવાનું બંનેનું સ્વપ્ન હતું. બંને ક્યારેક એક સાથે બોલી પડતાં : ‘આ નાનકડા ફલેટમાં તો સામસામા અથડાઈ પડાય છે. કશી પ્રાયવસી કે ઈન્ડીવિજ્યુઆલિટી જેવું અનુભવાતું જ નથી !’ પછી તરત સુકેતુને તીવ્ર ગતિએ વિચાર આવતો : પતિ-પત્નીમાં યે શું બધું ખાનગી અને વ્યક્તિગત ? એ પ્રશ્ન રૂપાને પૂછવા જેટલી હિંમત કવચિત તે કેળવી શકતો ત્યારે તે ખડખડાટ હસીને એક જ શબ્દ ઉચ્ચારતી : ‘ઑફ કોર્સ !’ છતાં સુકેતુથી દલીલ કર્યા વિના રહેવાતું નહિ. તે પૂછતો :
‘પણ રૂપા, ઈન્ડીવિજ્યુઆલિટી અને પ્રાઈવસી ક્યારેક સેપરેશન બની જાય તો ?’
‘તો યે શું ?’ રૂપાનો બેધડક ઉત્તર સાંભળી સુકેતુ સ્તબ્ધતામાં ડૂબી જતો.

સાંજે છ ને ટકોરે સુકેતુ ઑફિસનું ટેબલ સમેટી સહકર્મચારીઓને ધીમે સ્વરે ‘આવજો’ કહી લિફટમાં ઊતરી નીચે ફૂટપાથ પર આવ્યો અને બોરીવલીની ફાસ્ટ ટ્રેઈન પકડવા માટે તેણે ચર્ચગેટની દિશા ભણી ચાલવા માંડ્યું ત્યારે તેનાં પગલાંમાં કશી ગતિ નહોતી. લગભગ યંત્રવત તે આગળ વધી રહ્યો હતો. તેની પાસેથી સામસામી દિશાઓમાંથી લોકો અને વાહનોનાં ટોળાંઓ વેગપૂર્વક પસાર થઈ રહ્યાં હતાં અને સુકેતુને લાગ્યું કે આ બધામાં પોતે સાવ અટૂલો હતો. એકાએક તેને જાણે કે હડફટમાં લઈ લે તેવી ગતિથી એક ટેકસી સૂસવતી આગળ નીકળી ગઈ. એ ઝબકારા જેવી ક્ષણે યે તેને લાગ્યું કે ટેકસીમાં કદાચ રૂપા હતી અને સાથે કોઈ…. અથવા પોતાનો એ ભ્રમ….

સાંજે ફલેટનો દરવાજો ઉઘાડ્યો ત્યારે અંધારું થવા આવ્યું હતું. રૂપા ઘરે આવી ગઈ હતી અને રસોડામાં તેના ગીત ગણગણવાનો અવાજ ચાની ખૂશ્બુની જેમ લહેરાઈ ઊઠ્યો હતો. ધીમા પગલે એ ફલેટમાં પ્રવેશ્યો અને રોજની આદત પ્રમાણે શૉ-કેસના ડાબા ખૂણા સામે ઊભો રહી ચશ્માં કાઢ્યા ને પછી જમણા ખૂણે મૂક્યા. ત્યારપછી ગજવામાંથી પૈસાનું પાકિટ, બૉલપેન, ચાવી, કાગળિયાં બધું એક પછી એક કાઢતો ગયો અને ચોખ્ખાચણાટ વ્યવસ્થિત છતાં અજાણ્યા જેવા લાગતા જમણા ખૂણે મૂકવા માંડ્યા. શૉ-કેસ પણ જાણે મોઢું વકાસીને તેને જોતું ઊભું હતું. સોફા પર બેસી તેણે બૂટ-મોજાં કાઢવા માંડ્યા. રૂપાને તેના આગમનની ખબર પડી નહોતી. સુકેતુએ આંખ બંધ કરી દીધી અને બંધ આંખે જ તે રસોડામાં કામ કરતી રૂપાની પીઠને જોઈ શકતો હતો. ફ્રીજ, વાસણો, બારીમાંથી આવતી હવા, ડાઈનિંગ ટેબલ અને તેની ઉપર સુવ્યવસ્થિત ગોઠવાયેલી ચીજોને પણ જોઈ શકતો હતો. ખાલી ખુરશીઓને તેણે મનોમન જ હાથ પસવાર્યો. હમણાં થોડી વાર પછી એ રૂપાએ બનાવેલી ચા પીવા ડાઈનિંગ ટેબલ પર બેસશે. સામેની ખુરશીમાં રૂપા બેસશે. આજે ખાંડનો ડબ્બો રૂપા પાસે માંગવો નહિ પડે અને ચમચી પણ.

તેણે આંખો ખોલી. ટ્યુબલાઈટનો પ્રકાશ અંધારાને તગેડી ડાઈનિંગ ટેબલ પર તગતગતો હતો. તેને ડાઈનિંગ ટેબલ પર પડેલી મુરબ્બા, અથાણાંની બરણી, ખાંડનો ડબ્બો, ચમચીનું સ્ટેન્ડ બધું ભેગું કરી, બે હાથ ફેલાવી બાથમાં લેવાનું મન થઈ આવ્યું. બૂટ મૂકવાનો અવાજ આવ્યો અને રૂપાનું ધ્યાન તેના પર પડ્યું, ‘અરે ! તું ક્યારે આવ્યો સુકેતુ ?’ એ એકદમ ઉત્સાહથી બોલી તેની પાસે દોડી આવી. તેના હાથમાં એક રંગીન, ચમકદાર ફૉલ્ડર જેવું કંઈક હતું. સુકેતુની લગોલગ ગોઠવાઈ જઈ એ ઉમંગથી છલકાતા સ્વરે બોલી :
‘સુકેતુ ! ભાઈન્દરમાં ડેવલપ થઈ રહેલા એક લકઝુરિયસ એપાર્ટમેન્ટના પ્લાનનું આ ફૉલ્ડર છે. જો તો ખરો ? કેટલું સરસ પ્લાનિંગ છે !’ પછી નકશા પર આંગળી ફેરવતાં એણે કહ્યું : ‘બારસો સ્કેવરફીટના આ ફલેટમાં આ હોલ, કિચન, બેડરૂમ ઉપરાંત એક તારો સ્ટડીરૂમ અને એક મારો પર્સનલ રૂમ ! કેટલું સરસ ! કાલે જ નોંધાવી દઈએ ?’

સુકેતુ કંઈ બોલી ન શક્યો. તેને લાગ્યું કે એ ડાઈનિંગ ટેબલ અથવા શૉ-કેસ જેવો મૂંગો બની ગયો છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ટાઈપ-ફોર – અનુ. ડૉ. રેણુકા શ્રીરામ સોની
પપ્પા, મારે મૂંડો કરાવવો છે ! – પ્રેષક : મીતા દવે Next »   

13 પ્રતિભાવો : વિભાજીત – ભગવતીકુમાર શર્મા

 1. Jay says:

  આખી વાર્તા મા એક ન વર્ણવી શકાય તેવી પીડા મન મા અનુભવાય છે . . મારા મિત્રવર્તુળ મા પણ આવા ઘણા સુકેતુ અને રૂપા મે જોયા છે પણ આજ સુધી તે ન ખબર પડી કે તેમને અલગ પોતાની પ્રાયવેસી શા માટે જોયે છે . . પતિ પત્ની નો સંબંધ તો સાત જન્મો નો કેહવાય પણ આજે તો એકબીજા સાથે કદાચ સાત દિવસ પણ નિકળ્યા પછી આઠમા દિવસે મન ને ચેન્જ જોયે છે . . . ખબર નહી શા માટે . . ???

 2. જય પટેલ says:

  …..અને એક મારો પર્સનલ રૂમ ! કેટલું સરસ !

  હૉલ…બેડરૂમ…કિડ્સ રૂમ…સ્ટડી રૂમ…પર્સનલ રૂમ
  ઘર એક મંદિરમાં અલગ અલગ રૂમોમાં પરિવારની સંવાદિતા
  કોઈ એક રૂમના ખૂણામાં ડૂસકા ભરતી હશે…!!!

  આધુનિક પતિ-પત્નીના સંબધોને પ્રતિબિંબીત કરતી સુંદર વાર્તા.

 3. દિવ્યમ અંતાણી '' નાગર'' says:

  શ્રી શર્મા સાહેબ વિશે તો કહેવા શબ્દોજ નથી. અત્યન્ત ઉમદા વાક્ય રચના, માર્મિક થીમ એમની લાક્શણિક્તા. હુ હજુ અપર્ણિત chu પણ આવી પરિસ્થિતીઓ ઘણી જોઇ હોવાથી મારા અન્ગત જીવન મા આની નોધ લઇ ને પાલન કરવાનો પુરે પુરો પ્રયત્ન કરીશ. મારી પત્નિ માર થી દુર ના થઇ જાય એટ્લો પ્રેમ આવાનો પ્રયાસ કરીશ . ખુબ ખુબ આભાર.

 4. dhiraj says:

  સુંદર વાર્તા !!!

  ક્યારેક મન સુકેતુ ને પક્ષે હતુ તો ક્યારેક રૂપા ને.

  આમતો રૂપા પણ સાવ ખોટી તો નથી જ

  પરણીત ભાઈઓ ને એક પ્રશ્ન ” ધમ્ર પત્નિ ક્યારેક પિયર જાય છે ત્યારે જુના મિત્રો ને મળવા જાઓ છો કે નહિ?”

 5. trupti says:

  Very nice story.

  It is giving the true picture of Mumbai life, where most of the people are staying in the houses with the rooms like matchboxes. If you have 1 BHK flat, you are fortunate enough to have it, 2 BHK is luxury and 3 BHK and more, is a lavish way of staying.

  મુબઈ મા રોટલો મળે પણ ઓટલો ન મળે, એ વિધાન કઈ ખોટુ તો નથી જ.

 6. કલ્પેશ says:

  એમ કેમ છે કે એક જ નાના ઘરમાં ૭કે તેથી વધારે લોકો રહી શકતા. અને આજે મોટા ઘરમા પણ અથડામણ અનુભવાય છે.
  જેમ ઘર મોટા થઇ રહ્યા છે તેમ મન નાના?

  કદાચ વચલો માર્ગ જરુરી છે. થોડો સમય એકાંત અને ફરી પાછો સંગાથ.

 7. Veena Dave. USA says:

  પ્રસન્ન દાંપત્યજીવન અને કુટુમ્બજીવન હોય ઇ ઘર નહિતર મકાન.

 8. ‘સબંધ’માં ‘બંધ’ જો આવે તો મુશ્કેલી!
  દાંપત્યજીવન એટલે આપવું.

  સ્વત્વનું તત્વને, મારા-તારાને સહિયારું, આપણું બનાવવું. લાગણી શું છે અને માંગણી શું છે એ સમજ્યા તો જીન્દગીમાં ઘણી સરળતા રહે. દાંપત્ય જીવન એટલે અનુરૂપણ…!! એક બીજાને અનુરૂપ બનવાની એક ધગશ..!

  ભગવતીભાઈ એટલે થોડાં શબ્દોમાં સ-રસ રજુઆત કરનાર મુર્ધન્ય લેખક અને ઉચ્ચ કક્ષાના કવિ.
  સુરતથી પ્રકાશિત થતા ‘ગુજરાતમિત્ર’ના એઓ તંત્રી. દેશમાં હતો ત્યારે એમને કટાર વિના સવાર ન ઉગતી!

  મારા ખ્યાલ મુજબ હજુ પણ એઓ ‘ગુજરાતમિત્ર’ સાથે જ સંકળાયેલ છે.

 9. જિજ્ઞા ભાવસાર says:

  દરેક માણસ ની , સ્ત્રી કે પુરુષ , ની એકાંત ની જરુરીયાત નો અહેસાસ આજની આ માણસના પહોંચ બહાર ની છતાં માણસે પોતેજ બનાવેલી આ “Rat race” છે. પછી તે ભણવામાં , આવડતમાં, ઉચ્ચ હોદ્દા માટે, સુંદરતામાં, પૈસા બનાવવામાં, મોટા ઘર માટે અને કયારેક તુટેલા સંબંધ ને પરફેક્ટ બતાવવામાં. આટ્લી બધી જહેમતમાં માણસ પોતે જ ખોવાય જાય છે. જે ને શોધવા માટે લોકો એકાંત માટે તરસે છે. Compare to old days.

 10. ઈન્દ્રેશ વદન says:

  વાર્તા મહદઅંશે સારી, પરંતુ overall it falls flat.

  નાયક-નાયિકા વચ્ચે હંસી-મજાક નિયમિત રીતે થતા હોય એમ બતાવાયું છે. બંને ઑફિસ જઈને પણ એકબીજા જોડે ફોનથી સંપર્ક માં રહે છે. બંને વચ્ચે સાચો ઝઘડો થયો જ નથી. અને એવુ કોઇ તાણનુ કારણ પણ નથી. તથા, લગભગ દરેક યુગલમાં બંને વ્યક્તિઓની પસંદ એકબીજાથી અલગ જ હોય છે. જે ઘણુ સ્વાભાવિક છે.

  પણ જો પત્ની પોતાની મરજીથી ઘર ગોઠવી દે, અને તેને એક અલાયદો રુમ જોઈએ, અને પતિને એમ લાગે કે આ કારણથી તેઓ ‘વિભાજીત’ છે કે થઈ જવુ જોઈએ, તો એ ખરેખર હાસ્યાસ્પદ છે.

  લેખકે નેક્સ્ટ ટાઈમ વાર્તાનો મુદ્દો સતત ધ્યાનમાં રાખીને જ વાર્તા લખવાને વિનંતી. તેમની વર્ણનશૈલી સરસ છે, પરંતુ તેમની થીમ(Contemporary young couples) બીજી લાગણીઓ જોડે મિશ્ર થઈ ગઈ છે.

 11. Vaishali Maheshwari says:

  સુકેતુ કંઈ બોલી ન શક્યો. તેને લાગ્યું કે એ ડાઈનિંગ ટેબલ અથવા શૉ-કેસ જેવો મૂંગો બની ગયો છે.

  Very different, heart touching story and near to practicality.
  Even after staying for years together, it feels pity to see that sometimes husband and wife do not understand each other truly, just like Rupa.

  Thank you Mr. Bhagwatikumar Sharma for sharing this wonderful story with us.

 12. શ્રી ભગવતીકુમાર શર્મા વર્ષ 2010-11 માટે ગુજરાતી સાહિત્ય પરિષદના નિર્વાચિત પ્રમુખ છે. તેઓને અભિનંદન !
  પતિ-પત્ની વચ્ચેના સંબંધો માં કશીક ગુંગળામણ છે, બંધિયારપણાનો અહેસાસ છે, રુપાને સંસાર claustrophobic લાગે છે.
  રુપા ખરાબે ચઢેલી નાવને પુનઃ શાંત, સરોવરમાં લઇ જવા મથે છે. She wants to bring order into the life. She needs space. કમનસીબે પતિ આ સમજવામાં નિષ્ફળ જાય છે.

 13. nayan panchal says:

  સુંદર વાર્તા. આધુનિક જીવનની એક વિચિત્ર પરિસ્થિતી રજૂ કરે છે. Life in a Metro ફિલ્મના એક ગીતની યાદ આવી ગઈ.

  ristey toh nahi rishton ki parchaayiyaan mile;
  yeh kaisi bheed hai bass yahaan tanhaayiyaan mile.

  ek chhat ke tale ajanabi ho jaate hai rishtey,
  bistar pe chaadaro se chup so jaate hai rishtey;
  dhunde se bhi iname nahi darmaayiyaan mile
  yeh kaisi bheed hai bass yahaan tanahaayiyaan mile

  લેખકશ્રીને ખૂબ અભિનંદન.

  આભાર,
  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.