પપ્પા, મારે મૂંડો કરાવવો છે ! – પ્રેષક : મીતા દવે

[ઈન્ટરનેટ પર પ્રચલિત થયેલી આ કૃતિ તાજેતરના ‘નવનીત સમર્પણ’(ડિસેમ્બર-09)માંથી સાભાર લેવામાં આવી છે.]

‘કેટલી વાર સુધી છાપું વાંચતા રહેશો ? જરા અહીં આવો અને તમારી લાડકી દીકરીને ખાવા માટે સમજાવો.’ મારી પત્નીએ બૂમ પાડી.
મેં છાપું ટેબલ પર મૂક્યું. મા-દીકરી વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ બંધ કરવા હું ડાઈનિંગ ટેબલની પાસે પહોંચ્યો. ભયથી ધ્રૂજી રહેલી દીકરી સિંધુ ડાઈનિંગ ટેબલની ખુરશી પર બેઠી હતી. એની આંખમાં આંસુ વહેતાં હતાં. કારણ હતું તેની સામે રાખેલો દહીં-ભાતથી ભરેલો વાડકો.

સિંધુ એક વહાલી અને પ્રેમાળ દીકરી છે અને પોતાની ઉંમરનાં બાળકો કરતાં ઘણી સમજદાર પણ છે. એ આઠ વર્ષની છે અને ખાવામાં દહીં-ભાત તેને બિલકુલ પસંદ નથી. આ બાજુ મારી પત્ની ‘દહીં-ભાતથી કોઠો ટાઢો રહે’ એ વાતે એટલી મક્કમ છે કે ઉનાળાના દિવસોમાં એ સિંધુને દહીં-ભાત ખાવા ખૂબ જ દબાણ કરતી રહે છે. મેં ખોંખારો ખાધો અને વાટકો હાથમાં લેતાં કહ્યું : ‘સિંધુ બેટા, તું જલદીથી પાંચ છ ચમચી દહીં-ભાત ખાઈ કેમ નથી લેતી ? કોઈના નહીં તો પપ્પાને ખાતર તો ખાઈ લે, જો તું આ ખલાસ નહીં કરે તો તારી મમ્મી મારા પર ગુસ્સો કરશે.’

સિંધુ થોડી નરમ પડી અને પોતાના હાથોથી પોતાનાં આંસુ લૂછતાં બોલી, ‘ઠીક છે પપ્પા, હું પાંચ-છ ચમચી નહીં વાડકામાં રાખેલાં બધાં દહીં-ભાત ખાઈ જઈશ, પણ….’ – થોડું ખચકાતાં એણે કહેવાનું ચાલુ રાખ્યું, ‘પપ્પા, જો હું બધાં દહીં-ભાત ખાઈ લઉં તો તમે મને હું જે માગું તે આપશો ?’
‘હા, બિલકુલ.’
‘પ્રોમિસ ?’
‘પ્રોમિસ,’ મેં કહ્યું.
‘મમ્મીને પણ પ્રોમિસ આપવાનું કહો’, એણે ભાર આપતાં કહ્યું.
પત્નીએ લાપરવાહીથી કહ્યું : ‘હા, પ્રોમિસ.’
પરંતુ હું થોડો ગભરાતો હતો કે કદાચ એ એવું કશું ન માગી લે કે જે મારા ખિસ્સાને ભારે પડે અને હું મુશ્કેલીમાં પડી જાઉં. આથી મારી પરિસ્થિતિની ચોખવટ કરતાં મેં કહ્યું, ‘સિંધુ બેટા, તું કોમ્પ્યુટર કે એવી કોઈ મોંઘી ચીજની માગણી નહીં કરતી. પપ્પાની પાસે અત્યારે એટલા પૈસા નથી. ઠીક છે ?’
‘નહીં પપ્પા. મને કોઈ મોંઘી ચીજ નથી જોઈતી.’ એનો જવાબ સાંભળી મને રાહતનો અનુભવ થયો. એણે ખૂબ તકલીફથી કચવાતાં મને ધીરે ધીરે બધાં દહીં-ભાત ખાઈ લીધાં.

મને એનો ચહેરો જોઈ મારી પત્ની પર ગુસ્સો પણ આવતો હતો કે એ છોકરી પર અન્યાય થઈ રહ્યો છે. એને જબરજસ્તી એ ખાવું પડે છે જે એને બિલકુલ ભાવતું નથી. પોતાની કઠોર પરીક્ષામાં પાસ થયા બાદ તે આશાભરી આંખો સાથે મારી પાસે આવીને ઊભી રહી ગઈ, ‘હા, હવે કહે તને શું જોઈએ છે ?’ મેં પૂછ્યું.
‘પપ્પા, મારે આ રવિવારે ટકો-મૂંડો કરાવવો છે.’
‘પાગલ છોકરી !’ મારી પત્નીએ ચીસ પાડી, ‘તું તારું માથું મૂંડાવવા માગે છે ? બિલકુલ નહીં. આ બધી ટીવીની અસર છે. ટીવી પ્રોગ્રામ્સોએ છોકરાઓનાં મગજ ખરાબ કરી દીધાં છે.’ મારી પત્નીની બૂમાબૂમ ચાલુ રહી. મેં તેને શાંત રહેવા માટે ઈશારો કર્યો. પછી પૂછ્યું : ‘બેટા, તું બીજું કેમ નથી માગતી ? જાણે છે તારા વાળ વગરના માથાને જોઈ અમને કેટલું દુ:ખ થશે ?’
‘નહીં પપ્પા મને બીજું કશું નથી જોઈતું.’ સિંધુ પોતાની જીદ પર અડી રહી.
‘તું મારી વાત સમજતી કેમ નથી ?’ મેં એને ફરીથી સમજાવવાનો પ્રયત્ન કર્યો.
‘પપ્પા, તમે જોયુંને કે મેં કેટલી મુશ્કેલીથી દહીં-ભાત ખાધાં.’ હવે સિંધુની આંખમાં આંસુ આવી ગયાં, ‘તમે તો મને પ્રોમિસ કર્યું હતું કે તું જે માગશે તે આપીશ અને હવે તમે તમારી વાતમાંથી ફરી રહ્યા છો. તમે તો મને હંમેશાં કહો છો કે પ્રોમિસ પૂરું કરવું જોઈએ.’
‘ઠીક છે.’ મેં કહ્યું.
‘તમે પણ શું નાની છોકરીની વાતમાં આવી ગયા !’ મારી પત્નીએ વાયદો તોડવાની કોશિશ કરતાં કહ્યું. હવે મેં એને સમજાવતાં કહ્યું : ‘જો આપણે પ્રોમિસ નહીં પાળીશું તો એને આપણી શીખવેલી વાતોની દરકાર નહીં થાય એટલે એની વાત તો માનવી જ પડશે.’

રવિવારે એને લઈને હું ‘હેરસલૂન’માં પહોંચ્યોં અને એના નરમ મુલાયમ રેશમી વાળ કપાવી દીધા. ટકો કરાવ્યા બાદ તેનો ગોળ ચહેરો અને આંખો વધારે મોટી લાગવાથી તે વધારે સુંદર લાગતી હતી. પરંતુ મારી પત્ની તેના પર ખૂબ ગુસ્સે હતી. એ આખો દિવસ તેણે સિંધુ સાથે વાત ન કરી. એટલે સુધી કે સોમવારે એને સ્કૂલમાં જવા માટે તૈયાર પણ ન કરી. આખરે મારે જ તેને સ્કૂલમાં જવા માટે તૈયાર કરવી પડી. ટિફિન પણ તૈયાર કરવું પડ્યું અને સ્કૂલમાં મૂકવા પણ હું જ ગયો. મારે માટે તો વાળ વગરની દીકરીને તેના કલાસરૂમ સુધી જતી જોવાનો અનુભવ ખૂબ રોમાંચક હતો. સ્કૂલના ગ્રાઉન્ડમાં પહોંચ્યા પછી એણે પાછળ જોઈ મારી સામે હાથ હલાવ્યો.

ઠીક એ જ સમયે સિંધુની જ ઉંમરનો એક છોકરો કારમાંથી ઊતર્યો અને તેણે બૂમ પાડી, ‘સિંધુજા ઊભી રહે, હું પણ આવું છું’ મને એ છોકરાની એક વાત ખૂબ નિરાળી લાગી, કારણ કે તેના માથા પર પણ વાળ ન હતા. મને લાગ્યું કદાચ પોતાના આ મિત્રને જોઈ મારી દીકરી સિંધુએ પણ ટકો કરાવ્યો હશે. આમેય બાળકો તો એકબીજાનું જોઈને નકલ કરતા હોય છે. ત્યારે એ જ કારમાંથી એક મહિલા ઊતરી અને મારી નજીક આવીને બોલી : ‘સર, તમારી દીકરીનું દિલ ખરેખર ખૂબ જ મોટું છે. જે છોકરો તમારી દીકરી સાથે કલાસરૂમમાં જઈ રહ્યો છે તે મારો દીકરો હરીશ છે. તેને લ્યુકેમિયા (કેન્સર) છે.’ ભીના સાદે તેણે કહ્યું, ‘હરીશ છેલ્લા એક મહિનાથી સ્કૂલમાં નહોતો આવતો. કેમોથેરપીના કારણે તેના બધા વાળ ઊતરી ગયા છે. કલાસના છોકરા તેની મજાક ઉડાવશે તે બીકે તે સ્કૂલમાં આવવાથી ડરી રહ્યો હતો. ગયા અઠવાડિયે સિંધુજા એની મમ્મી સાથે અમારે ઘરે આવી હતી. તેણે હરીશને પ્રોમિસ કર્યું હતું કે એ સોમવારે સ્કૂલમાં આવે અને એને કોઈ હેરાન નહીં કરે. મેં સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે મારા દીકરાને માટે તે પોતાના સુંદર વાળનું બલિદાન કરી દેશે. તમે ખૂબ ભાગ્યશાળી છો કે ભગવાને તમને અને તમારી પત્નીને આવું પ્રેમાળ હૃદય ધરાવતી દીકરી આપી.’

હું જ્યાં ઊભો હતો ત્યાં જ સ્તબ્ધ થઈ ગયો. મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. મારી નાનકડી પરીએ આજે મને શીખવાડ્યું કે દુનિયામાં ખુશી એમને નથી મળતી જે પોતાની શરતો પર જિંદગી જીવે છે, પરંતુ તેને મળે છે જે બીજાના સુખની ખાતર પોતાની જિંદગીની શરતો બદલી નાખે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વિભાજીત – ભગવતીકુમાર શર્મા
મર્મવેધ – પંકજ ત્રિવેદી Next »   

28 પ્રતિભાવો : પપ્પા, મારે મૂંડો કરાવવો છે ! – પ્રેષક : મીતા દવે

 1. જય પટેલ says:

  સિંધુજા જેવી પ્રેમાળ-સમજુ દિકરીઓ જીવનની કષ્ટમય યાતનાઓને
  સાચી રીતે સમજી સંઘર્ષને ચૌક્કસ નિરાશ કરશે.

  ભાવવહી અને પ્રેરણાત્મક વાર્તા.

 2. shilpa says:

  very nice story…very sensitive…..

 3. trupti says:

  Very nice and touchy story. Wish God bless with the daughter like Sindhu to all the parents.

 4. Janak says:

  In South Africa, every year people shave their head and donate Rand 50 in benefit of the Cancer Relief fund. Its an annaul event. Almost all the corporate companies particiapte in this. This event collect Millions of Rands for Cancer Relief Fund.

 5. Janak says:

  for more information on Savathon, please visit http://www.cansa.org.za
  May be we can start somthing similar in India.

 6. તરંગ હાથી says:

  વાહ વાહ, ભાવ વાહી કથા. ઘણું બધું કહી જાય છે, જો આપણે આ કથા નો ભાવ સમજી શકીએ તો ય ઘણું.

  તરંગ હાથી, ગાંધીનગર.

 7. nayan panchal says:

  આ વાર્તા વીજળીવાળા સાહેબના પુસ્તકમા અને કદાચ સુધા મુર્તિના પુસ્તકમાં પણ છે. ખૂબ જ સંવેદનશીલ. વાંચીને આંખ ભીની ન થાય તો જ નવાઈ.

  આવી જ એક અન્ય નાનકડી વાર્તા કહેવાનુ મન થાય છેઃ

  અમેરિકામાં એક મધ્યમવર્ગીય પરિવાર હોય છે. પતિ-પત્ની અને તેમનો એકનો એક પુત્ર. પુત્ર ઘણા સમયથી ઈલેક્ટ્રીક બાઈકની માંગણી કરતો રહેતો હોય છે અને પત્નીને ઘરના કિચન માટે મોટા ફ્રીજની જરૂર હોય છે. પતિની કમાણી એટલી બધી નથી કે તે આસાનીથી તેમની માંગણીઓ પૂરી કરી શકે. પતિને નાતાલમાં બોનસ મળવાનુ હોય છે. ત્રણે જણા આ બોનસની રાહ જોઈને બેઠા હોય છે કે ક્યારે બોનસ મળે અને લાંબા સમયથી જોવાતી રાહ પૂરી થાય.

  નાતાલના બે દિવસ અગાઉ પતિને બોનસ મળી જાય છે અને તે ખુશખુશાલ થઈને ઘરે ફોન કરીને જાણ કરી દે છે. પત્ની અને પુત્રની ખુશીનો પણ પાર નથી રહેતો. પત્ની વિચારે છે કે હવે ફ્રીજની સંકળાશથી છૂટકારો મળી જશે અને પુત્ર તો બાઈક પર જાણે ખરેખર ફરવા માંડ્યો હોય તેમ આખા ઘરમાં દોડાદોડી કરવા માંડ્યો.

  પતિ સાંજે ઓફિસેથી ઘરે આવવા નીકળે છે. રસ્તામાં તેને એક સ્ત્રી મળે છે, એવુ લાગે છે કે જાણે એની આંખો રડી રડીને લાલઘૂમ થઈ ગઈ હોય અને તેની સાથે એક ૪-૫ વર્ષની નાની બાળકી હોય છે જેના માથા પર એક પણ વાળ નથી. સ્ત્રીએ મદદની માગણી કરી અને કહ્યુ કે તેની બાળકી કોઈ ખાસ પ્રકારના કેન્સરથી પીડાય છે અને જો તેનો ઈલાજ ન કરાવવામાં આવે તો તે લાંબુ નહીં જીવે. તેણે કહ્યુ કે તેને તાત્કાલિક ૫૦૦૦ ડોલરની જરૂર છે, પતિએ કહ્યુ કે તેની પાસે તો બોનસના મળેલા ૩૦૦૦ ડોલર જ છે. થોડુ વિચાર્યા પછી તે બાળકીને જોઈને પતિ તે સ્ત્રીને ૩૦૦૦ ડોલર આપી દે છે.

  ઘરે પહોંચ્યા પછી તે પત્ની અને પુત્રને બોલાવીને સઘળી હકીકતની જાણ કરે છે. પત્નીનુ મોઢું પડી જાય છે, પરંતુ તે સ્વસ્થ બની રહેવાનો પ્રયત્ન કરે છે. પુત્રતો એકદમ રિસાઈ જાય છે, જ્યાં સુધી બાઈક ન મળે ત્યા સુધી પપ્પા સાથે વાત નહી કરે તેમ કહી પગ પછાડતો જતો રહે છે. તેના ગયા પછી પત્ની કહે છે કે આજકાલ નાતાલમાં મળતા બોનસ પર ઘણા ધૂતારાઓની નજર હોય છે અને શક્ય છે કે તે સ્ત્રી પણ તેમાની જ એક હોય. પતિ કંઈ જવાબ નથી આપતો અને બધુ પ્રભુની ઇચ્છા પર છોડી દેવા કહે છે.

  બે દિવસ પછી સવારે પુત્ર બગીચામાં રમતો હોય છે અને ત્યાં જ છાપુ આવે છે. છાપાંમાં પ્રથમ પાને જ એક મહિલા અને નાની બાળકીનો ફોટો હોય છે. અહેવાલમાં લખ્યુ છે કે પુત્રીની બિમારીનુ કારણ આપી લોકો પાસેથી પૈસા પડાવતી મહિલાની ધરપકડ. આ જોઈને જ પુત્ર છાપુ લઈને તેના પપ્પા પાસે દોડી જાય છે, તેમની તેમણે કરેલી ભૂલનુ ભાન કરાવવા. જઈને પપ્પાને છાપુ બતાવે છે અને કહે છે કે જુઓ, “તમે જેમને પૈસા આપ્યા તે તો ધૂર્ત છે. તમને ઉલ્લુ બનાવીને છેતરી ગઈ”. પિતા કંઇ જ બોલતા નથી અને તેને એક મંદ સ્મિત આપે છે.

  આ જોઈને પુત્ર વધારે અકળાઈ જાય છે અને તેની મમ્મી પાસે જાય છે. તે મમ્મીને છાપુ બતાવે છે અને પછી ઉમેરે છે કે પપ્પા કેમ ગુસ્સે નથી થતા, ઉલટાનુ તેઓ તો સ્મિત આપે છે. મમ્મી કહે છે કે “તુ નસીબદાર છે કે તને આવા પપ્પા મળ્યા છે, તેઓ અનેરા આદમી છે. તેમને એ વાતનુ દુઃખ નથી કે પેલી સ્ત્રી તેમને છેતરી ગઈ. તેમને એ વાતની ખુશી છે કે પેલી બાળકીને કોઈ જ ગંભીર બિમારી નથી થઈ.”

  નયન

 8. PARESH BHATT says:

  IT IS HEART TOUCHING STORY, LOVED VERY MUCH, PARESH B BHATT

 9. wow great story it touched my heart

 10. જીતેન્દ્ર તન્ના says:

  ખુબ સરસ. અદભુત. નયનભાઈની વાર્તા પણ ખુબ સરસ છે.

 11. Mirage says:

  Very touchy story….

 12. Ekta says:

  મન મા આનંદ થય ગયો. ખુબજ સુંદર વારતા.

 13. Ami Patel says:

  Wow, My eyes are full of tears…Great story!!

 14. દિવ્યમ અંતાણી '' નાગર'' says:

  ખુબ ખુબ સરસ વાર્તા. અદભૂત સમ્વેદન્શિલ વાર્તા. મારા માસીને કેન્સર હોવાથી એક કેન્સર ના દર્દી ની પિડા હુ જાણુ છુ . સાચે બહુજ ઉત્ત્મ વાર્તા.

 15. Veena Dave. USA says:

  નાની દિકરીએ તો કમાલ કરી. સરસ.

 16. Mitali says:

  I have read this story before, but I always can read this over and over again, it just remind me that doing good for other give you the feeling that nothing else can give you.

 17. raj agnihotri says:

  dear sir,
  Really good story , little kids always think for their friends or surrounding people.
  that’s why they called
  “Dev na Didhala”
  raj

 18. Vaishali Maheshwari says:

  Very nice story.

  “દુનિયામાં ખુશી એમને નથી મળતી જે પોતાની શરતો પર જિંદગી જીવે છે, પરંતુ તેને મળે છે જે બીજાના સુખની ખાતર પોતાની જિંદગીની શરતો બદલી નાખે છે.”

  I also could not stop tears. Very touchy story.

  Even Mr. Nayan Panchal’s story was interesting to read. Thank you for the same.

  Thank you Ms. Meeta Dave for sharing this beautiful story with us.

 19. Pravin V. Patel [ Norristown, PA USA ] says:

  અશ્રુભીની આંખે અભિનંદન.
  આભાર.

 20. Umesh Shah says:

  Very Nice and touch to heart.

 21. Palak says:

  દીકરી એટલે વહાલ નો દરિયો…ઘર ના માટે અને બહાર ના માટે પણ.

  ખુબ જ સુન્દર વાર્તા

 22. mujib bhayla says:

  heart touching story

 23. આશિષ.ખારોડ્ says:

  બરાબર આવી જ એક સત્યાઘટના વિશે જાણુ છુ,મહેસાણા જિલ્લાના સતલાસણા ગામ્ની વાત છે.
  શાળાના એક શિક્ષકને આજ રીતે વાળ ઉતરાવવા પડેલા ત્યારે એમના 100 જેટલા વિદ્યાર્થીઓ એ આ રીતે ટકોમુંડો કરાવી ને સધીયારો આપેલો.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.