ને હર્ષલે હરખાતાં હરખાતાં હા પાડી ! – કલ્પના જીતેન્દ્ર

[ ‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર. આપ લેખિકાનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9427714120 ]

ઉમાબહેન ને નિકુંજભાઈને હાશ થઈ.
માંડ માંડ હર્ષલે છોકરી પસંદ કરી…. કેટલી ? આશરે ત્રીસ-પાંત્રીસ છોકરીઓ જોઈ હશે. ક્યાંય હા ન પાડે. દરેકમાં કોઈ ને કોઈ ખોડખાંપણ કાઢે જ. કોઈ ઊંચી તો કોઈ નીચી. કોઈનો અભ્યાસ ઓછો તો કોઈ શરમાળ લાગે. કોઈકની આંખ ચૂંચી તો કોઈકનું નાક ચીબું, કોઈ શામળી તો કોઈ ઘઉંવર્ણી, કોઈ અતિ સ્માર્ટ લાગે તો કોઈ અતિ ઠાવકી, કોઈક ઘરકૂકડી તો કોઈક અત્યંત ફરતિયાળ.

થોડા સમય પહેલાં ચહેરેમહોરે નમણી, દેખાવડી ને હોશિયાર છોકરી પર પસંગી ઊતરી. ઈંગ્લિશ પણ સારું જાણે, બંને સાથે રેસ્ટોરન્ટમાં ગયાં. નિકુંજભાઈ-ઉમાબહેનને થયું, વાત હવે જામી ગઈ. ત્યાં તો ઘેર આવી હર્ષલે નનૈયો ભણી દીધો… કેમ ?
તો કહે : ‘ભલે, ઈંગ્લિશ સારું જાણે, પણ રીતભાતમાં પાકી ગુજરાતણ છે…. ન ચાલે મમ્મી ! મારે વારંવાર પિકનિક પાર્ટી હોય, હોટલ-રેસ્ટોરાંમાં જવું પડે, એવી કશી રીતભાત, હોટલ-ટેબલ મેનર્સ બિલકુલ જાણતી નથી.’
‘લો ! હવે આને શું કહેવું ?’ ઉમાબહેને માથે હાથ મૂક્યો, ‘છોકરી ગમતી હોય તો હોટલ-ટેબલ મેનર્સ તો શીખવી પણ શકાય. એટલી વાતમાં ના પાડી દેવાની ?’ પણ હર્ષલને કહેવાનો કોઈ અર્થ નહોતો. એ છોકરીને ના પાડીને જ આવ્યો હતો. ખેર ! જે થતું તે.

આ પોયણી એકદમ ગમી ગઈ છે. અત્યંત દેખાવડી, નમણી, સ્માર્ટ છતાં સ્ત્રીસહજ લજ્જા ! અભ્યાસમાં તેજસ્વી, ઘરકામ, ઈતરપ્રવૃત્તિમાં અગ્રેસર, ઊંચી પાતળી બરાબર હર્ષલને અનુરૂપ. કાંઈ કરતાં કાંઈ કહેવાપણું નથી. આટલી રઝળપાટ પર હવે પૂર્ણવિરામ મુકાશે. એક વર્ષની તપશ્ચર્યા ફળી. ઉમાબહેન-નિકુંજભાઈ બંનેને હાશ થઈ. મનોમન શાંતિ થઈ. તોય આગલા અનુભવના કારણે કહ્યું તો ખરું જ –
‘હર્ષલ, તમે બંને હોટલમાં ડિનર લઈ આવજો હો.’
હર્ષલ પણ સમજ્યો ને મલકાયો, ‘મમ્મી, ગઈ કાલે ગયાં હતાં. અરે ! પોયણી તો એકસપર્ટ છે. એનામાં કશું જ કહેવાપણું નથી.’
‘પત્યું, ત્યારે ! નિરાંત. હવે સગપણની તારીખ નક્કી કરી નાખીએ. પોયણીની પણ હા છે ને ? તમે એકબીજાનું મન તો જાણી લીધું છે ને ?’
‘ઓહ મમ્મી ! પોયણીની હા છે…. ને સગપણ !… ના ! એવું કશું જ નહીં, હવે તો સીધાં લગ્ન જ.’
ઉમાબહેન ખુશ ખુશ. ‘ઓહો…હો ! એટલી બધી ઉતાવળ આવી ગઈ છે !’
‘ડેડી ! જુઓને ! મમ્મીને કાંઈક કહો ને. હવે કાંઈ મારો વાંક છે ?’ કહેતાં જ હર્ષલે મમ્મીના ખોળામાં માથું મૂક્યું ને સોફા પર લાંબો થયો.
‘હવે મોટો થયો દીકરા, ચાલ ઊઠ તો.’ ઉમાબહેને હર્ષલનું માથું પસવારતાં કહ્યું.
‘ના ! સૂવા દે ને ! ભલે મોટો થયો, તારો તો દીકરો જ છું ને ? મારી વહાલી…વહાલી મમ્મી. એમ જ હાથ ફેરવને, મજા આવે છે. તારા ખોળામાં જ ઊંઘી જવું છે.’ લાડભર્યા સ્વરે એ બોલ્યો.
‘અરે વેવાઈને હરખનો ફોન તો કરવો પડશે ને ? તું ઊઠવા દે ત્યારે ને ?’
‘એમ વાત છે ? ઊઠવાની જરૂર નથી. લે હું તને મોબાઈલ પર વાત કરાવું.’ ને એણે નંબર મેળવી મોબાઈલ મમ્મીના હાથમાં મૂક્યો. ઉમાબહેને વેવાઈ સાથે તો વાત કરી જ. નજીકના સગાંસંબંધી, પરિચિતો, મિત્રોને પણ ખુશીના સમાચાર આપી દીધા.

નાના કાકા તો બહુ હરખાયા. ભત્રીજાના લગ્નની, ખાસ તો ઘરમાં પહેલા પ્રસંગની એમને ખૂબ હોશ ! ફોન પર થોડી વાત કરી. બીજા દિવસે તો બાઈક પર રૂબરૂ જ આવી પહોંચ્યા. હોંશીલા તો એવા કે મીઠાઈ ખાવાની માગણી કરી, પણ પોતે જ મીઠાઈ લેતા આવ્યા ને ભાઈ-ભાભી, ભત્રીજાના મોઢામાં મૂકી દીધી.
‘બીજી વાત પછી, પહેલાં ફોટો બતાવ હર્ષલ.’
હર્ષલે પેન્ટના ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું ને ફોટો કાઢીને કાકાના હાથમાં મૂક્યો.
‘વાહ ! છોકરી દેખાવડી છે. ભત્રીજા, તું નસીબદાર છે. તમારી જોડી બરાબર જામે છે હોં ! હાઈકલાસ છે. કાંઈ કરતાં કાંઈ કહેવાપણું નથી.’
‘તો આપણો દીકરો ક્યાં કમ છે !’ કાકી વચ્ચે ટહુક્યાં, ‘મેઈડ ફોર ઈચઅધર. મોટા ભાઈ હવે કરી નાખો કંકુના.’

ને એમ જ બન્યું. બંને પક્ષે ગોળધાણા ખાઈ લીધાં. ઘરે શુકનનો કંસાર રાંધ્યો ને હોટલમાં ડિનર લઈ લીધું. મહિના પછી સીધાં જ લગ્ન ગોઠવાયાં. બંને પક્ષે ઉમંગ, ઉત્સાહ અને જોરદાર તૈયારીઓ શરૂ થઈ ગઈ. એક મહિનામાં લગ્ન. હૉલ તો ચાર-પાંચ મહિના પહેલાં બુક થઈ જાય. વાડી પણ મળે તેમ નહોતી. કન્યાપક્ષે હોટેલ બુક કરી લીધી. હોટલના હૉલમાં જ લગ્નને ડિનર પણ ત્યાં જ. થોડું મોંઘું પડે પણ બીજો ઉપાય જ ક્યાં હતો ? પરેશભાઈ-ભાવનાબહેને એકની એક લાડલીનાં લગ્ન ધામધૂમથી કરવાનું નક્કી કરેલું. લગ્નને આગલે દિવસે સવારે મંડપમૂરત ને રાત્રે રાસ-ગરબાની રમઝટ. તો વરપક્ષે આગલા દિવસે જમણવાર ને સાથે હાસ્ય, મિમિક્રી, લોકગીત ને દુહા, છંદ, વાર્તાનો મજેદાર ડાયરો ગોઠવ્યો.

નિકુંજભાઈએ કંકોત્રી, રિસેપ્શનનાં કાર્ડ છપાવવા નાખી દીધાં. મહેમાનોનું લિસ્ટ તૈયાર થવા માંડ્યું. હર્ષલે કપડાંનો ઑર્ડર આપી દીધો. લગ્ન વખતે શેરવાની ને રિસેપ્શનમાં સૂટ. એના મિત્રો પણ દુલ્હાને શણગારવામાં જોડાયા. પોયણીના આણાની તૈયારી ચાલી. સાડી, ઘરચોળું, પંજાબી ડ્રેસ, ઘરેણાં…. હવે તો બધું તૈયાર મળી જતું હોય છે. ચિંતા નથી. બ્યુટીશિયનને ઓર્ડર અપાઈ ગયો. લગ્ન, રાસગરબા ને રિસેપ્શનમાં પહેરવાના અફલાતૂન ડ્રેસની ડિઝાઈન તૈયાર થવા માંડી. બંને પક્ષ ખમતીધર ને એકનું એક સંતાન એટલે આનંદ ને હોંશથી તૈયારી ચાલતી હતી. હર્ષલને પોયણી અત્યંત ખુશ હતાં. જોરદાર તૈયારીમાંથી સમય કાઢી રોજ સાંજે અચૂક મળતાં હતાં. જેટલો મળે એટલો વધુમાં વધુ સમય એકબીજાની સંગાથે માણતાં હતાં. કારણ લગ્નના બીજે જ મહિને હર્ષલ ચાર મહિના માટે લંડન જવાનો હતો. એની કંપની ટ્રેનિંગ માટે મોકલતી હતી.

ઉમાબહેન-નિકુંજભાઈ જમણવારમાં આપવાની વાનગીનું લિસ્ટ બનાવતાં હતાં. ત્યાં અંગત મિત્ર રાજેશભાઈ આવ્યા અને હરખ વ્યકત કરવાની સાથે કાનમાં કોઈક ગુરુમંત્ર પણ કહ્યો. નિકુંજભાઈનું મોઢું પડી ગયું. વાનગીના લિસ્ટમાં વખ ઘોળાશે કે શું ? ચહેરો ધોળોફક થઈ ગયો. ઘડીભર વિચારમાં પડી ગયા.
‘સાચું કહે છે તું ? બરાબર ખાતરી છે તને ?’
‘અરે સાવ સાચું, તારી પાસે જુઠ્ઠું બોલવાનું કારણ શું ?’
‘ના ! ના ! તું શા માટે જુઠું બોલે ? આમાં તને ફાયદો પણ શું ?’ સહેજ અચકાતાં એમણે કહ્યું, ‘પણ….’
‘પણ ને બણ, તું જાણે દોસ્ત ! આ તો મેં જાણ્યું એટલે તારે કાને વાત નાખી. પાછળથી તું મને એમ ન કહે કે તું જાણતો હતો તોય તેં મને વાત ન કરી.’
‘હં….અઅ, સારું કર્યું તેં વાત કરી. હું કાંઈક વિચારું છું.’

રાજેશભાઈ ને નિકુંજભાઈ એટલી ધીમે ધીમે વાત કરતા હતા કે ઉમાબહેન સ્પષ્ટ સાંભળી શક્યાં નહિ, પણ કાંઈક વાત છે ચોક્કસ ! કાંઈક અજુગતું, અણધાર્યું બન્યું છે એવો તો ખ્યાલ આવી જ ગયો. એમની ધીરજ ન રહી.
‘મને તો કહો, શું વાત છે ? તમે બંને શું ગુસપુસ કરો છો ?’ રાજેશભાઈએ અચકાતાં અચકાતાં વાત કરી ને ઉમાબહેન ભભૂકી ઊઠ્યાં :
‘એમ વાત છે ? તો…તો… આ લગ્ન ન થાય.. ના, ના, આવી છોકરી મારા ઘરમાં નહિ.’
‘ના…. ના, એમ નહિ. જો કે આમ તો તારી વાત સાચી.. પણ આપણે જરા હર્ષલનોય વિચાર કરવાનો ને ?’ નિકુંજભાઈ દબાતા સ્વરે અચકાતાં અચકાતાં બોલ્યા. એ હજુ દ્વિધામાં હતા. શું કરવું એ સૂઝતું નહોતું.
‘શું છે ડેડી ? મારો શું વિચાર કરવાનો છે ?’ પેન્ટ પર ટી-શર્ટ પહેરતો પહેરતો હર્ષલ બહાર આવ્યો ને મમ્મી તરફ ફર્યો.
‘હા મમ્મી, રાત્રે મોડો આવીશ. પોયણી સાથે ‘અવસર’માં ડિનર લેવાનો છું.’
‘શું હોય…. આ તારા… લગ્ન જો….’ નિકુંજભાઈની વાત કાપીને ઉમાબહેને વચ્ચેથી ઉપાડી લીધી. ‘તારા લગ્નનું વિચારીએ છીએ. પોયણી સાથે કરવાં કે કેમ ?’ દીકરાને સ્પષ્ટ ના પાડતાં જરા ખચકાયાં.
‘કેમ ? કેમ ? હવે શું વાંધો આવ્યો ?’ હર્ષલ ચમક્યો.
‘ના ! ના ! બેટા, ન થાય…. એ તો જરા વિચારવું પડે.’
‘હવે શું વિચાર કરવાનો છે ? તમને ગમી, મને ગમી. આટલી તૈયારી થઈ ગઈ… ને કેવી વાત કરો છો તમે ?’
‘…..પણ આ લગ્ન ન થાય, ન કરાય…’
‘શા માટે ન થાય ?’ હર્ષલ અકળાયો, ‘શું કહેવાપણું છે એનામાં ? માંડ માંડ ગમતી છોકરી મળી છે. સમજાવશો મને જરા ?….. કે શું છે આ બધું ?’
‘સમજાવું બેટા, તને ! વાત એમ છે કે પોયણી…..’
‘હા, શું છે પોયણીનું ?’ એ ધૂંધવાયો. ‘ત્રીસપાંત્રીસ છોકરીઓ જોયા પછી માંડ મારું મન ઠર્યું છે. અમારા વિચારો મળે છે. શોખ-પસંદગી લગભગ સરખાં છે. લગ્નને પંદર દિવસની વાર છે…. ને હવે તમે ના પાડો છો ?…. આમ ગોળ ગોળ નહિ, મને સ્પષ્ટ કરો, છેક છેલ્લી ઘડીએ શું વાંધો પડ્યો ?’

‘લે, હું તને કહું, છોકરી આપણા બરની નથી. એ એડોપ્ટેડ છે. એનાં મા-બાપની નથી.’
‘પોયણી એડોપ્ટેડ છે ?…. તો શું થયું ? મને ગમે છે.’
‘લો બોલ્યા, એમાં શું થયું ?’ ઉમાબહેને ચાળા પાડ્યા. ‘એમાં શું થયું શું ? એમાં જ ઘણું થયું !’
‘ઘણું શું ? ગણાવો તો !’
‘એની જ્ઞાતિ, એનું કૂળ, એના સંસ્કાર…..’
‘જો મમ્મી, જ્ઞાતિ કે કુળ આ જમાનામાં એવું કશું જોવાનું ન હોય. ને એના સંસ્કાર તારાથી ક્યાં અજાણ્યા છે ? અત્યાર સુધી તો બે મોઢે વખાણીને પોરસાતી હતી. હવે અચાનક એ અસંસ્કારી થઈ ગઈ ?’
‘જો સાંભળ ! એના જન્મજાત સંસ્કાર જોર કરે જ. કેવાં હશે એનાં માબાપ ? કેવા સંજોગોમાં એનો જન્મ થયો હશે ?…. બધું જોવું, જાણવું તો જોઈએ ને ? અને છોકરીઓનો ક્યાં તોટો છે ? તારા માટે તો કેટલાંય માગાં આવે છે.’
‘એ કશું જ નહિ મમ્મી-ડેડી ! હું પોયણી સાથે જ લગ્ન કરવા માગું છું. એની જ્ઞાતિ, કુળ કશું જ મને જરાકેય સ્પર્શતું નથી. મારા માટે માત્ર પોયણી જ બસ છે. ને આ બાબતમાં હું ખૂબ મક્કમ છું.’ મક્કમ અવાજે હર્ષલે કહી દીધું : ‘….અને ડેડી ! એક વાત છે. આ તો રાજેશ અંકલે આપણને વાત કરી… ન કરી હોત તો ?’
‘હા, બેટા !…. એ તો છે જ. ન કરી હોત તો ? તારી વાત તો સાચી…. આ તો જાણ્યાનું ઝેર છે.’ નિકુંજભાઈ ગળચવા ગળવા માંડ્યા. એ સહેજ વિચારમાં પડી ગયા.

ત્યાં તો ઉમાબહેન તાડૂક્યાં, ‘એ જ તો જોવાની વાત છે ને ? એ લોકોએ આપણાથી છુપાવ્યું. છેક સુધી અંધારામાં રાખ્યાં. પહેલેથી જ વાત કરી દેવી જોઈએ ને ? છુપાવ્યું શા માટે ?’
‘હશે, કાંઈક…. જવા દે ! આપણે શાંતિથી વાત કરીએ.’
પણ ઉમાબહેનનો બબડાટ તો ચાલુ જ રહ્યો.
‘ગમે તે થાય મમ્મી ! હું પોયણી સાથે જ લગ્ન કરીશ. અત્યારે એને ડિનર પર લઈ જાઉં છું.’ કહેતાં જ એણે બૂટ-મોજાં પહેર્યાં ને ચાલતી પકડી. રાજેશભાઈ પણ ‘હર્ષલ, મને રસ્તામાં ઉતારતો જાને !’ કહેતાં એની સાથે સરકી ગયા. નિકુંજભાઈ પણ ‘સાલી બહુ ગરમી છે. નાહી લઉં’ કહેતાં બાથરૂમમાં જતા રહ્યા.

રૂમમાં રહ્યાં માત્ર ઉમાબહેનનો આક્રોશ ને ધૂંધવાટ. એમની ધીરજ ન રહી. નિકુંજભાઈની ના ઉપરવટ જઈને પરેશભાઈ-ભાવનાબહેનને ફોન જોડ્યો ને બરાબર ધધડાવ્યાં. એમની સાથે એટલી રૂક્ષતાથી વાત કરી કે ફરી વાર સામેથી કોઈ ફોન કરવાની હિંમત ન કરે. થોડી વાર તો પરેશભાઈ-ભાવનાબહેન સમસમી ગયાં. શું કહેવું, શું કરવું કાંઈ સૂઝતું નહોતું. સહેજ વારે કળ વળતાં વિચાર્યું, ભૂલ તો આપણી જ છે ને ? આપણે પહેલેથી જણાવી દેવું જોઈતું હતું. બીજો વિચાર પણ આવ્યો. એકની એક લાડકી દીકરી…..માંડ માંડ એનું મન ઠર્યું છે. એ તો લગ્ન કરવાની જ ના પાડતી હતી. અપરિણીત રહી માતાપિતાની સેવા કરવા માગતી હતી. માંડ માંડ એને લગ્ન માટે રાજી કરી. બે-ચાર જગ્યાએ વાતચીત પછી હર્ષલ સાથે મન લાગ્યું. ભાવનાબહેન કહે, ‘એમાં શું વાંધો ? હજુ તો હાથ જ પીળા કર્યા છે ને ? કંકુ-ચોખા ક્યાં ભળી ગયાં છે ?’
‘ભલે, કંકુ-ચોખા ન ભળ્યાં હોય, બંનેનાં મન તો મળી ગયાં છે ને ? જોતી નથી ? બેય જણાં કેટલાં ઓતપ્રોત થઈ ગયાં છે ? એક દિવસ પણ મળતાં નથી તો કેટલાં હિજરાય છે ? બેયને જુદાં પાડવાનું નિમિત્ત આપણે નથી બનવું.’
‘તો…..હવે કરવું છે શું ?’
‘આપણી ભૂલ કબૂલી, એમને મળી આવીએ.’
‘ઉમાબહેન ફોન ઉપર કેટલું ઝઘડ્યાં ?….. હવે મારો પગ નો ઊપડે !’
‘પગ ન ઊપડે તો પરાણે પરાણે ઉપાડવો પડશે ! આપણે આપણી પોયણીનો વિચાર કરવાનો. એનું દિલ ભાંગી નથી નાખવું. દીકરીના સુખ માટે થોડોક કડવો ઘૂંટડો ગળવો પડે તો ગળી લેવાનો. તું સમજે છે ને મારી વાત ?’
‘હા’, દીકરીના વિચારે ભાવનાબહેન ઢીલાં પડ્યાં, ‘તમારી વાત સાચી છે. ફોન પર વાત નહિ, આપણે રૂબરૂ જ જઈ આવીએ. પ્રયત્ન તો કરીએ. પછી જે થાય તે હરિ-ઈચ્છા.’

બંનેને જોઈ નિકુંજભાઈ હરખાયા. મીઠો આવકાર આપ્યો. પણ ઉમાબહેને તો મોં મચકોડ્યું. ભાવનાબહેને આ નોંધ્યું ને પરેશભાઈની સામે જોયું પણ એમણે આંખથી જ સંજ્ઞા કરી શાંત રહેવા સૂચવ્યું. હજુ વાતની કાંઈ શરૂઆત થાય ત્યાં તો ઉમાબહેન ગુસ્સે થઈ ગયાં :
‘પોયણી તમે દત્તક લીધી છે આ વાત અમારાથી છુપાવી કેમ ? વાત લગ્ન સુધી પહોંચી ગઈ તોય બોલતાં નથી ?’
પરેશભાઈ ઊભા થયા ને હાથ જોડ્યા.
‘વડીલ, સાંભળો ! દીકરી દત્તક લીધી છે એ વાતની જાણ અમે તમને ન કરી એ અમારી ભૂલ હું કબૂલ કરું છું…. ભૂલ તો છે જ !….. પણ ભૂલ અમે જાણી જોઈને નથી કરી, બહેન ! તમારાથી છુપાવવાનો અમારો કોઈ આશય નહોતો.’ એ સહેજ અટક્યા, ‘મને ખબર નથી. તમે કદાચ સમજી શકશો કે નહિ સમજાય, કદાચ સમજી શકશો પણ અંતરમાં નહિ ઉતારી શકો…. પણ વાત એ છે કે….’ કહેતાં જ એમના ગળે ડૂમો ભરાયો, સ્વર રૂંધાયો. રૂંધાતા સ્વરે જ કહ્યું, ‘હકીકત એ છે કે અમે જ ભૂલી ગયાં હતાં કે દીકરી અમે દત્તક લીધી છે. બે દિવસની દીકરી આજે બાવીસની થઈ. નવજાત બાળકીમાંથી ક્યારે થનગનતી યુવતી, એક કોડભરી કન્યા બની ગઈ….. અમને ખબરેય ન રહી. એના લાલનપાલનમાં એટલાં ઓતપ્રોત થઈ ગયાં કે અમને ક્યારેય અણસાર સુદ્ધાં ન આવ્યો કે એ અમારું લોહી નથી, અમારો અંશ નથી.’

એમણે ગળું સહેજ ખોંખાર્યું, ‘તમારાથી છુપાવવાની તો કોઈ વાત જ નહોતી. અમે જ ભૂલી ગયાં હતાં. આ તો આટલાં વર્ષે તમે યાદ કરાવ્યું…. સાચું કહું તો, આ જરૂરી છે. છતાં કોઈ આવી વાત કરે તો અમને તીણી શૂળ ભોંકાય છે. પણ છતાંય હકીકત એ હકીકત છે. તમને હાથ જોડું છું એ મારી ભૂલ કબૂલવા…. પણ આને મારી લાચારી ન સમજશો. હું તમારી પાસે ભીખ નથી માગતો…. હર્ષલ-પોયણીનો પ્રેમ જોઈને માત્ર વિનંતી કરું છું. અને છતાંય તમારી સંપૂર્ણ ઈચ્છા ન હોય તો પરાણે પરાણે સંબંધ જોડવા હું બિલકુલ તૈયાર નથી. દીકરીને સમજાવી શકીશ.’

અત્યાર સુધી મૂંગા મૂંગા સાંભળતાં ને આંખમાંથી આંસુ વહાવતાં ભાવનાબહેન તો ખુરશીમાંથી ઊભાં થઈ ગયાં. મક્કમ અવાજે બોલ્યાં, ‘તમારી પાસે ખુલ્લાં પાનાં છે. તમારે જેટલું અને જે રીતે વાંચવું હોય તે વાંચજો.’
સહેજ વાર સ્તબ્ધતા પ્રસરી રહી.
નિકુંજભાઈએ ચુપકીદી તોડી : ‘વાંચવાનું તો હવે કશું રહ્યું નથી…. વાંચવાનો સમય પણ ક્યાં છે ?’ એ સહેજ અટક્યા. ઉમાબહેનની આંખમાં નજર નોંધી. ભાવનાબહેન-પરેશભાઈનો શ્વાસ અદ્ધર થઈ ગયો. આગળના શબ્દ સાંભળવા એકકાન થઈ ગયાં.
ને નિકુંજભાઈએ વાત સાંધી :
‘…..હવે તો શરણાઈ વગાડવાનો સમય છે. બીજું કશું નહિ… હા ! કંકોત્રી જરૂર વાંચીશું.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મર્મવેધ – પંકજ ત્રિવેદી
વાર્તાઉત્સવ – સં. રોહિત શાહ Next »   

14 પ્રતિભાવો : ને હર્ષલે હરખાતાં હરખાતાં હા પાડી ! – કલ્પના જીતેન્દ્ર

 1. zankhana says:

  ખુબ જ સુન્દર વાર્તા.

 2. Akash says:

  કોઇકે સાચુ જ કહ્યુ છે, સમ્બન્ધ ફક્ત લોહિના જ નથિ હોતા..

 3. gopal says:

  ભાવપૂર્ણ વાર્તા

 4. trupti says:

  Very nice and touchy story.

 5. nayan panchal says:

  સુંદર વાર્તા, ભાવનાઓ કો સમજો.

  આભાર,
  નયન

 6. Veena Dave. USA says:

  સરસ, સરસ વારતા.

 7. Gopal Shah says:

  Really nice story. This is somewhat our (my wife Geeta and my) story. We have been married for long time almost 30 years or so now. We have two sons and a daughter. I met my wife and her family through a common family friend. The minute we mate we clicked and we found life partners in each other. Everything was OK till one of the guests (don’t remember who or which side) said that she was engaged before and the baraat (jaan) left the weeding place without out marring her few years ago – My parents were hurt and wanted to call off the wedding – But I wanted to find out what went wrong that day so I went to see her and her parents and came to know that the reason her wedding didn’t happen that day is because the groom and his parents started asking for money, scooter, two bedroom flat and Rs.50,000 to start new business. Her parents and she refused to give anything thus the groom and his parents left the wedding. When my parents came to know the truth, they thanked me to finding out the truth and real reason – they said sorry to Geeta and her family for their mistakes – We got married and rest is history!!!! Geeta and I are very happy and we now have three kids… But this was about 30 years ago. I am very sad to know that this types of things still happens and people are still leaving with old believes and customs.

  • trupti says:

   Gopalbhai,

   Thanks for sharing the pages of your life. Very few people can open up in public like this.
   I would like to congratulate and say thank you too for taking such a nice decision that to almost 3 decay back, where the people used to blame girl even if the engagement is broken. The reason may be anything, may be the one, which Geetaben faced in her earlier engagement or the character of the boy, but still the girls used to be blamed and are still blamed. Our society is some what orthodox even today, where as you took the revolutionery decision before 3 decades. Hats off to you and sincerely, I am doing ‘pranam’ to you. Our society really needs youth like you and Geetaben, who took the wonderful decision of not bending in front of the groom’s family and refused to fulfill the dowry demand of that boy and his family.

  • Ashish Dave says:

   Bravo… Thanks for sharing.

   Ashish Dave
   Sunnyvale, California

 8. ઈન્દ્રેશ વદન says:

  Very good writing style and story.

 9. Shree Hari says:

  રામ રાખે તેને કૌન ચાખે

 10. Moxesh Shah says:

  Jay Shri Krishna.
  Nand Jashoda Gher Vaikunth Utaryu…….

 11. Pritha Gupta says:

  Biology is the least of what makes a couple parents.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.