વાર્તાઉત્સવ – સં. રોહિત શાહ

[થોડા સમય અગાઉ ‘ગૂર્જર પ્રકાશન’ દ્વારા નવોદિતો તરફથી વાર્તાઓ મંગાવવામાં આવી હતી. જેમનું કોઈ પણ પુસ્તક પ્રકાશિત ન થયું હોય તેવા પંચોતેર નવોદિતોની સુંદર કૃતિઓનો સમાવેશ કરીને તાજેતરમાં આ પ્રકાશન સંસ્થા દ્વારા ‘વાર્તાઉત્સવ’ રૂપે આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. નવોદિતોની વાર્તાનો કોઈ પુસ્તકમાં સમાવેશ થાય એ ઉત્સવની ઘટના જ ગણાય ને ! આથી આ પુસ્તકનું નામ વાર્તા ઉત્સવ રાખવામાં આવ્યું છે. આજે માણીએ તેમાંથી બે સુંદર કૃતિઓ. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. – તંત્રી.]

[1] વેલેન્ટાઈન-ડે – નમ્રતા શૈલેષ દેસાઈ

Picture 026[ નવોદિત યુવા સર્જક શ્રીમતી નમ્રતાબેને (સુરત) ગુજરાતી સાહિત્ય સાથે એમ.એ. કરેલું છે. તેમની કેટલીક કૃતિઓ જાણીતા અખબારમાં સ્થાન પામી છે. આપ તેમનો આ નંબર પર +91 9925438103 અથવા આ સરનામે shail900@hotmail.com સંપર્ક કરી શકો છો. – તંત્રી.]

લીલાબા બાથરૂમમાં નાહવા જ જતાં હતાં ને ત્યાં તો નિકિતાની બૂમ સંભળાઈ :
‘દાદી, ઊભી રહે ! મને પહેલાં જવા દે, મારે મોડું થાય છે.’
‘પણ છે શું આજે ? સવારથી જ તું બાવરી-બાવરી થઈને આમતેમ ફરે છે તે !’
‘દાદી, તને એ બધું ન સમજાય. પછી શાંતિથી કહીશ. પહેલાં મને નાહી તો લેવા દે !’ નિકિતા જે દિવસની આતુરતાથી રાહ જોતી હતી તે દિવસ – પ્રેમીઓ માટે ઓળખાતો વેલેન્ટાઈન-ડે આજે આવી પહોંચ્યો હતો.

આશુતોષની માયાજાળમાં નિકિતા સવારથી ઉધામા મારતી હતી. નિકિતાની જોડે જ કૉલેજમાં ભણતો આશુતોષ દેખાવડો અને સંસ્કારી હતો. ટૂંકમાં જ વાત. ઝાઝી લપનછપ્પન એને ફાવે નહીં. ઓછાબોલો. પોતાની જરૂરિયાત પણ ભાગ્યે જ કહી શકતો. પણ નિકિતા મૅડમ ગમે ત્યાંથી એની જોડે વાત કરવાના અવસરો શોધતી જ હોય – કલાસમાં, કૅન્ટિનમાં, હૉલમાં કે પાર્કિંગમાં…. કોઈ દિવસ પુસ્તક, તો કોઈ દિવસ લેકચર, ક્યારેક વળી કોઈ પ્રોફેસર, તો કોઈક વાર જી.એસ.ની ચૂંટણી હોય. નિકિતા પાસે દરેક વિષય આશુતોષ માટે જરૂરી જ થઈ જતો. એટલે જ આજે હળવાફૂલ થઈને હૈયાની વાત હોઠે લાવવાની તક આવી મળી હતી. નવો ડ્રેસ, નવું પર્ફયુમ, ઈમિટેશન જ્વેલરી, હેરસ્ટાઈલ અને એક જોડ સરસ મજાની ગિફટ. ગિફટની જોડેજોડે શબ્દોનો ભીનીભીની સુગંધવાળો દરિયો પણ એણે વહેતો મૂક્યો હતો. આજે વહેણમાં ડૂબી જવાની તો તૈયારી જ ચાલી રહી હતી.

લીલાબા આ બધી ગતિવિધિ ક્યારનાં નિહાળી રહ્યાં હતાં. માન ન માન, છોકરી આજે કંઈક અજબ રંગમાં રંગાયેલી લાગે છે. એટલે જ તો એણે વહુ શૈલીને પણ પૂછી જ નાંખ્યું, ‘શું છે આ બધું ! સવારથી જ અખબારમાં, ટીવી અને રેડિયોમાં પણ વેલેન્ટાઈન વેલેન્ટાઈન !’
‘મમ્મી ! વેલેન્ટાઈન-ડે છે આજે.’ હસતાં-હસતાં કંઈક શરમાતા ચહેરે શૈલી બોલી, ‘મમ્મી, એમાં એવું છે ને કે આપણે કોઈકને પ્રેમ કરતાં હોઈએ ને તેને અભિવ્યક્ત કરવાનો સ્પેશ્યલ દિવસ છે !’ લીલાબાના ચહેરાનો રંગ પણ લાલ થઈ ગયો આ સાંભળીને તો ! એટલામાં તો ડાઈનિંગ ટેબલ ઉપર નિલય પણ આવી પહોંચ્યો, ‘મમ્મી, હું તને પ્રેમ કરું છું, તારી વહુ તને પ્રેમ કરે ને તારી પૌત્રી પણ તને પ્રેમ કરે એટલે આપણે ચારેય એકબીજાનાં વેલેન્ટાઈન કહેવાઈએ.’
‘પણ, દાદી ! ખબર છે તને સ્પેશ્યલ વ્યક્તિનો સ્પેશ્યલ પ્રેમ જ વેલેન્ટાઈન કહેવાય. દાદી, તેં કોઈને પ્રેમ કરેલો કે ?’ નિકિતા પંખીની જેમ ચહેકી ઊઠી.
લીલાબા અચાનક જ ચિડાઈને બોલી ઊઠ્યાં : ‘વેવલી ન થા.’ નિલયે પણ નિકિતા તરફ લાલ આંખ કરી.

પછી તો અગિયાર વાગ્યે શૈલી અને નિલય પણ ઑફિસે જવા નીકળી ગયાં હતાં. જતાં-જતાં નિલય પણ બોલ્યો, ‘મોડું થાય તો ચિંતા ન કરતી ! અમે સાંજે બહાર જ જમીને આવીશું ને તારા માટે કંઈક સ્પેશ્યલ લઈ આવશું.’ પણ સ્પેશ્યલ દિવસની અસર તો આજે રહી-રહીને લીલાબાને પણ થઈ તો હતી જ. લીલાબાનું મૂળ નામ તો લીલાવતી. લીલાવતીએ લશ્કરના સિપાઈ જોડે લગ્ન કરેલાં. તે સમયે તો લશ્કરના જવાનનો રુઆબ કંઈ ઓર જ હતો. ભલભલા કાંપી ઊઠતા, તો લીલાબાની કઈ વિસાત ! લશ્કરમાં જે તૌર તરીકા અને રુઆબ હતો તેવો જ રુઆબ હરિદત્તનો હતો. કોઈ જોડે વધારે વાતચીત કે લપનછપ્પન નહીં. અડોશપડોશમાં પંચાત નહીં કરવાની. ઊઠવા-બેસવાની મર્યાદા. વરસમાં એકાદ-બે વાર પતિ જોડે રહેવાનું મળતું તેમાં પણ લીલાવતી ભયના એક ઓથાર હેઠળ જ જીવતાં. કોઈ વાર પિયરના ગામથી સંદેશો આવતો કે કોઈ મળવા આવે ત્યારે લીલાવતી હરખાઈ ઊઠતી. આવનાર મહેમાન પણ હરિદત્તની બંદૂક અને લાલ આંખો તથા મૂછના વળ જોઈને જ ઝાઝી માથાકૂટમાં પડતાં જ નહીં. ધીરેધીરે લીલાવતી પણ આ જ વાતાવરણમાં જીવવા ટેવાઈ ગઈ.

એક વખત પિયરમાં ભાઈનાં લગ્ન લેવાયાં. હરિદત્તને તો ડ્યુટીને કારણે રજા નહોતી મળી શકી, પણ લીલાવતી એકલાં જ હરખભેર ભાઈનાં લગ્નમાં મહાલવા ગયેલાં. ત્યાં સુબોધ લગ્નમાં મળી ગયેલો. લીલાવતી અને સુબોધ શાળાના એક જ વર્ગમાં રોજનાં સાથી-સંગાથી. એ સુબોધને લીલાવતીનો સાથ ગમતો હતો. પ્રેમથી તે લીલાવતીને લીલી કહેતો. જોડે લીલી પણ તીરછી નજરે તક મળે ત્યારે પોતાની લાગણી આંખો દ્વારા પ્રગટ કરી લેતી. જોકે એ જમાનામાં તો આવું કહેવાનું તો ઠીક, પણ અનુભવવાની હિંમત પણ ભાગ્યે જ કોઈ કરી શકતું. પછી તો આ લાગણીનો પડઘો એકબીજાને સંભળાય તે પહેલાં જ સુબોધ આગળ ભણવા શહેરની કૉલેજમાં જતો રહેલો ને લીલાબાએ લીલીમાંથી લીલાવતી બનીને હરિદત્ત જોડે સંસાર માંડવો પડેલો.

ભાઈનાં લગ્ન વખતે સુબોધ જોવા મળેલો. કદાવર કાયા અને માયાળુ ચહેરો. એક-બે વાક્યોથી વધારે આપ-લે ન થઈ શકી. લગ્નનું કામકાજ અને ઘરની મર્યાદાને કારણે મુલાકાત ન થઈ શકેલી. પિયરથી પાછાં ફરતી વેળાએ માએ તેને મીઠાઈના બૉક્સની જોડે ઘરેણાં અને ‘લીલા રંગની’ જરીની સાડી આપેલી. ઘરે આવીને પિયરની વસ્તુ આઘીપાછી કરતાં જ તેની નજર લીલા રંગની સાડી પર ઠરી ગઈ. ખૂબ જ સુંદર, વણાટવાળી જરીની કોરની સાડી પર હાથ પસવારતાં જ અંદરથી એક નાની ચબરખી મળી : ‘બાળપણની ભેરુ લીલીને સુબોધ તરફથી લગ્નપ્રસંગે સપ્રેમ ભેટ.’ લીલાવતીની આંખો ત્યારે ભીની થઈ ઊઠેલી. પછી તો સંસારની માયાજાળ અને હરિદત્તની સેવામાં જ સાડી ક્યાંય ભુલાઈ ચૂકી હતી.

હરિદત્તના સ્વર્ગવાસને પણ આજે વરસો થઈ ગયાં હતાં. પુત્ર નિલયે સારું ભણીને શૈલી જોડે પ્રેમલગ્ન કરેલાં. પછી લીલાબાએ સહર્ષ વધાવી લીધેલી વહુને. નિલય અને શૈલી બંને નોકરી કરતાં. નિકિતા આખો દિવસ કૉલેજ અને ટ્યુશન કે બહાર જ હોય. એટલે આખો દિવસ લીલાબા ઘરમાં એકલાં-અટૂલાં પડી જતાં. બહાર જવાની પહેલેથી જ આદત નહોતી, એટલે ઘરમાં જ ટીવી અને હરિકૃષ્ણની પૂજા. બસ, એ જ એનું જીવન. પણ આજે સવારે નિકિતાએ જે સ્પેશ્યલ દિવસ અને પ્રેમની અભિવ્યક્તિ કરવાના દિવસ વિશે વાત ઉચ્ચારેલી તે રહી રહીને આજે હૃદયમાં તીરની જેમ ભોંકાતી હતી. સાંજની એકલતાએ તેમને વધારે એકલાં કરી દીધાં. વરસોથી બંધ પડેલી એ હૃદયની બારી આજે જોરથી ધક્કા મારીમારીને દસ્તક દઈ રહી હતી. ન કહેવાયેલી અને ન અનુભવાયેલી લાગણી કોણ જાણે કેમ, આટલાં વરસે જઈને અભિવ્યક્ત થવા મીટ માંડી રહી હતી. ઓરડામાં જઈને જૂની-પુરાણી પેટીઓમાં ખાંખાંખોળા કરીને લીલા રંગની એ સાડી એમણે શોધી કાઢી. વરસોથી પડી રહેલી એ સાડીનો રંગ થોડો ઝાંખો જરૂર થયો હતો, પણ જરીની કોર હજી એવી ને એવી જ હતી. સાડી પર કરચલીવાળો હાથ પસવારતાં જ તેમનું મુખ મલકી ઊઠ્યું. આંખ બંધ કરતાં જ બાળપણની યાદો તરોતાજા થઈ ઊઠી. જ્યારે શાળાએ જતી ત્યારે ઘરમાં વેઢમી બનતી તે જરૂર સુબોધ માટે છાને પગલે ડબ્બામાં લઈ જતી. સુબોધને વેઢમી ખૂબ ભાવતી.

રાત્રે જ્યારે શૈલી અને નિલય ઘરે આવ્યાં ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ઊઠ્યાં. લીલાબા લીલા રંગની સાડી પહેરીને હીંચકા ઉપર વેઢમીની ડિશ લઈને બેઠેલાં નજરે પડ્યાં.
‘મમ્મી, આજે છે શું ? આમ આટલી રાત્રે અચાનક આવાં કપડાં પહેરીને ? અમે તારા માટે પીઝા લાવ્યાં છીએ. પછી આ વેઢમી ક્યાંથી આવી ?’ નિલય બોલ્યો.
‘તને નહીં સમજાય, આજે તો ‘વેલેન્ટાઈન-ડે’ છે !’ લીલાબા સ્વગત બોલી ઊઠ્યાં અને હૃદયમાં સુબોધનો એ બાળપણનો ચહેરો મલકી ઊઠ્યો.
.

[2] ગડમથલ – અભિમન્યુ આચાર્ય

[ આ વાર્તાના સર્જક શ્રી અભિમન્યુ (સુરેન્દ્રનગર, ઉંમર : 15વર્ષ.) હાલમાં ધોરણ-10માં (અંગ્રેજી માધ્યમમાં) અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી છે ! વાંચન-લેખન તેમની પ્રિય પ્રવૃત્તિ છે. આ તેમની પ્રથમ કૃતિ છે. સામાન્ય વાર્તાઓ કરતાં કંઈક અલગ જ પ્રકારનું લખવાનો શોખ તેઓ ધરાવે છે; અને એટલે જ, તેમની આ વાર્તા જે પ્રકારે લખાઈ છે અને પુસ્તકમાં પ્રકાશિત થઈ છે, એ પ્રકારની કદાચ રીડગુજરાતી પરની આ પહેલી વાર્તા છે. અત્રે ઉલ્લેખનીય છે કે તેમની અન્ય એક વાર્તા ‘બ્લડ ઑન ધ ડાન્સ ફલૉર’ જાણીતા ગુજરાતી સામાયિક ‘નવનીત સમર્પણ’માં સ્વીકારાઈ છે, જે ટૂંક સમયમાં પ્રકાશિત થવાની છે. અભિમન્યુ સાહિત્યક્ષેત્રમાં ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવી રીડગુજરાતી તરફથી શુભેચ્છાઓ. આપ તેનો આ નંબર પર +91 9426379011, +91 9428291866 અથવા આ સરનામે acharya_abhimanyu@yahoo.com સંપર્ક કરી શકો છો. –તંત્રી.]

નાનકો ચાર વર્ષનો હતો ત્યારે જ તેના બાપા ગુજરી ગયા. ઘરની સ્થિતિ સામાન્ય હતી પણ હવે ઘરનો રળનાર ગયો એટલે વધારે ખરાબ થઈ. નાનકાની મા માંડમાંડ તેનું અને નાનકાનું પેટ ભરતી. એ માટે એ ખૂબ કામ કરતી, ખૂબ તૂટતી, ત્યારે માંડ બે છેડા ભેગા થતા. નાનકો ધીમે ધીમે મોટો થતો ગયો, સમજણો થતો ગયો, નિશાળે જતો થયો. તેને ભણતરનું મૂલ્ય સમજાયું. તેને પોતાના ઘરની સ્થિતિ સમજાવા લાગી. આથી તે બને તેટલી કરકસર કરવા લાગ્યો. ઘણી વાર નિશાળના છોકરાઓ તેને ‘ગરીબડો’ કહીને ચીડવતા તેથી નાનકાને ક્રોધ ચડતો. તેને થતું કે જીવનમાં ખૂબ પૈસા કમાવા છે ! અઢળક સંપત્તિ ભેગી કરવી છે ! બીજી તરફ નાનકો મોજીલો ઘણો એટલે તેને થતું કે જીવનમાં મોજ કરી લેવી. ફરી વાર જીવન થોડું મળશે ? પૈસા માટે તૂટવું નથી. આમ તેના મનમાં જ ગડમથલ ચાલતી અને નાનકો એ ગડમથલનો અંત લાવી શકતો નહિ. તેને થતું કે છો ને વિચાર આવ્યા કરતા, થવાનું હશે તે થશે.

નાનકો જે નિશાળમાં ભણતો તે નિશાળના આચાર્ય ખૂબ પ્રેમાળ. તેમનું નામ નારાયણભાઈ. નાનકાને એ ખૂબ સારી રીતે રાખતા. નાનકાને પણ તેમના માટે લાગણી. નાનકાની બૉર્ડની પરીક્ષા આવી ત્યારે જરૂરી ચીજવસ્તુઓ તથા સલાહ-સૂચનો પણ તેમણે જ આપ્યાં અને નાનકો બૉર્ડમાં સારા ગુણ લાવીને પાસ થયો. નારાયણભાઈ તથા નાનકાની મા બંને ખુશ થઈ ગયાં.

આગળના ભણતર માટે શહેર જવું પડે તેમ હતું. નાનકાની મા એ માટે તૈયાર નહોતી. નાનકાએ ખૂબ સમજાવી પણ એ માની નહીં, એટલે નાનકાએ નારાયણભાઈને વાત કરી. નારાયણભાઈ પણ નાનકાની માને સમજાવવા આવ્યા. નાનકાની મા બોલી : ‘નારાયણભાઈ, નાનકાને બહાર ભણવા મોકલવામાં મને વાંધો નથી, પણ શહેરની નિશાળુંમાં તો પૈસા બહુ લે, હો બાપ ! એટલા પૈસા મારે ક્યાંથી કાઢવા ?’ નારાયણભાઈ બધું સમજી ગયા. તેમણે નાનકાની માને સાંત્વના આપતાં કહ્યું : ‘નાનકાની સ્કૂલના પૈસા હું ચૂકવી દઈશ.’ નાનકો નારાયણભાઈને ભેટી પડ્યો. આમ, નારાયણભાઈની મહેરબાનીને કારણે નાનકાને શહેરમાં ભણવા જવાનું થયું.

સવારે જ કૉલેજ હતી, બાકી આખો દિવસ નાનકો કાપડની એક દુકાને કામ કરવા જતો. નાનકાનો શેઠ માથાભારે ! નાનકાની નાની એવી પણ ભૂલ થાય કે ખૂબ વઢી નાખતો. નાનકાને ગુસ્સો આવતો પણ એ ગમ ખાઈ જતો. તે મનમાં જ વિચાર કરતો કે એક દિવસ આ શેઠ કરતાં પણ મોટી દુકાન કરવી છે. આમ કરતાં કરતાં ત્રણ વર્ષ વીતી ગયાં. નાનકો ગ્રૅજ્યુએટ થઈ ગયો અને પાછી પેલી ગડમથલે માથું ઊંચક્યું, ‘પાછો ગામ જઉં કે ન જઉં ? અહીં શહેરમાં સારા પગારની નોકરી મળી જશે. થોડા પૈસા થઈ જાય એટલે ઘર ખરીદીને માને બોલાવી લઈશ.’ પણ પછી થતું કે શહેરમાં નથી રહેવું – આવી હાડમારી ! આવાં મશીન જેવાં માણસો ! એ કરતાં તો ગામમાં રહેવું સારું. પોતે જે શાળામાં ભણ્યો એ જ શાળામાં નોકરી કરવાની, પરણવાનું ને મજા કરવાની.
*****

પ્રિય વાચક,
હવે તમારે વાર્તાને આગળ ધપાવવાની છે. જો તમે નાનકાને શહેરમાં રાખવા માગતા હો અને પૈસાદાર બનાવવા માગતા હો તો ખંડ-1 વાંચવાનું શરૂ કરો. પણ જો તમે નાનકા માટે એવું ઈચ્છતા હો કે એ પોતાને ગામ પાછો જાય અને શાંતિથી જીવન પસાર કરે તો ખંડ-2 થી આગળ વાંચો.

ખંડ-1
થોડાક વિચાર પછી નાનકાના મગજમાં પેલા છોકરાઓ આવ્યા જે તેને ‘ગરીબડો’ કહી ચીડવતા હતા, તેનો શેઠ યાદ આવ્યો જે તેને વાતેવાતે ધમકાવતો હતો અને તેણે તરત શહેરમાં રહેવાનો નિર્ણય કર્યો. તેણે માને પત્ર લખ્યો :
‘પૂજ્ય મા,
હું શહેરમાં નોકરીની શોધમાં છું. નોકરી મળી જશે અને થોડા પૈસા ભેગા થશે એટલે હું તને લઈ જઈશ. મારી ચિંતા ન કરતી અને તારું શરીર સાચવજે. હું અહીં શાંતિથી રહું છું.’ – તારો પુત્ર નાનકો.’

નાનકાએ બે-ત્રણ જગ્યાએ નોકરી માટે અરજી કરી. એક જગ્યાએ તેનો મેળ પડી ગયો. સવારે આઠથી સાંજના છ સુધી કામ કરવાનું હતું. પગાર છ હજાર રૂપિયા. બે હજાર તો ઘરના ભાડામાં જતા રહેતા. બે હજારમાં તે પોતાનું પેટ ભરતો અને બીજો આડોઅવળો ખર્ચ થતાં છેલ્લે એક હજારની બચત થતી. આમ, નાનકાએ સતત ત્રણ વર્ષ સુધી તૂટીને કામ કર્યું. માને પત્ર લખ્યો કે હું ગામ આવું છું. નાનકો ગામ ગયો. ઘર વેચી દીધું અને પૈસા તથા માને લઈને શહેરમાં આવી ગયો. થોડા રૂપિયાની લોન લઈને તેણે એક ઘર લીધું. ધીમે ધીમે શહેરમાં સેટ થઈ ગયો. થોડાં વર્ષો પછી તેને બઢતી મળી. લોનની રકમ ચુકવાઈ ગઈ. નાનકાની કમાણી વધી, બચત વધી અને તેણે એક દુકાન ખરીદી લીધી. તેમાં કાપડનો ધંધો શરૂ કર્યો.

બે વર્ષમાં ધંધો જામી ગયો. નાનકો પૈસાદાર થઈ ગયો. તેણે નાનું ઘર વેચી મોટું ઘર લીધું. તેની મા તેને વારંવાર યાદ કરાવવા લાગી કે તે હજી કુંવારો છે. નાનકાને પણ પરણવાનો વિચાર આવ્યો. છોકરીની શોધ શરૂ થઈ. એક ઠેકાણે મેળ પડી ગયો. છોકરી દેખાવડી હતી. નામ હતું નીમા. અને, નાનકો ધામધૂમથી પરણી ગયો. એ પરણ્યો તેના બે મહિનામાં તેની મા ગુજરી ગઈ. બસ, એ પછી નાનકાના જીવનમાં મોટું દુ:ખ આવ્યું નથી. હા, એક સુખ જરૂર આવ્યું છે. તેને ત્યાં એક બાળકનો જન્મ થયો. નામ રાખ્યું ભરત. ત્યારથી નાનકાની ગાડી ચાલ્યે જાય છે. લોકોને લાગે છે કે નાનકો ખૂબ સુખી છે. પણ શું નાનકો ખરેખર સુખી હતો ?

નાનકાને તેની પત્ની કે સંતાન માટે સમય મળતો જ નહિ. આખો દિવસ ધંધો. રાત્રે થાકેલો હોય એટલે જમીને તરત સૂઈ જાય. ભરતનું મોં તો તે અઠવાડિયે જોતો. જોતજોતામાં વર્ષો વીતી ગયાં. ભરત મોટો થવા લાગ્યો. તે ભારે ઉડાઉ બન્યો. ખૂબ પૈસા વાપરતો. તે હવે જાતે સ્કૂટર ફેરવતો થઈ ગયો હતો. એક દિવસની વાત છે. ભરત નાનકાની દુકાને આવીને કહેવા લાગ્યો : ‘ડેડી, મને સો રૂપિયા આપો. ફિલ્મ જોવા જવું છે.’ નાનકાને થયું કે છોકરો આટલો ઉડાઉ બને તે સારું નહિ. પોતે ભરત જેવડો હતો ત્યારે કેટલી કરકસર કરતો હતો ! તેથી નાનકો બોલ્યો, ‘જો ભરત, હું તને પૈસા નહિ આપું. તું હમણાંહમણાં ખૂબ પૈસા વાપરે છે. હું આટલી મહેનત કરીને કમાઉ અને તું એક ઝાટકે બધું વાપરી નાખે છે.’
‘ડૅડી, ખોટી લપ ન કરો. સો રૂપિયાનો જ સવાલ છે.’
‘જો બેટા, આ બધું તારું જ છે. તું જ મારો વારસદાર છે…..’ પણ નાનકો પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલાં જ ભરતે રાડ પાડી, ‘વારસદાર !’ તે કટાક્ષભર્યું હસ્યો, પછી બોલ્યો, ‘ડૅડી, મેં ક્યાંક વાંચ્યું હતું કે પૈસાદાર લોકો માત્ર વારસદારો પેદા કરે છે, સંતાનો નહિ. તમે સાચું જ કહ્યું – હું તમારો વારસદાર છું, સંતાન નહિ. કેમ ?’
‘એવું મેં ક્યારે કહ્યું, બેટા ?’
‘એવું તમે કહ્યું નથી, પણ તમારા વર્તન પરથી એ સ્પષ્ટ દેખાઈ આવે છે. તમે ક્યારેય મને બકી ભરી ? ક્યારેય મને તેડીને ફરવા લઈ ગયા ? ક્યારેય પ્રેમભર્યા બે શબ્દો કહ્યા ? અરે, હું આટલા પૈસા વાપરું છું, ભણતો પણ નથી, છતાં તમે મને એક શબ્દ નથી કહ્યો. એનો અર્થ એ કે તમે મારા ઉછેરમાં ધ્યાન આપતા નથી. હું તમારું સંતાન નહિ, વારસદાર છું, વારસદાર ! આવા પૈસા ભેગા કરવા કરતાં તો મરી જવું સારું !’

એટલું કહી ભરત ત્યાંથી ચાલ્યો ગયો, પણ નાનકાના હૃદય પર કારમો ઘા કરતો ગયો. નાનકો એ દિવસે ધંધામાં પણ ધ્યાન દઈ ન શક્યો. એ રાત્રે તેને ઊંઘ ન આવી. આખી રાત વિચારો તેને ઘેરી વળ્યા. તેના સંતાને જ તેને આડકતરી રીતે મરવાનું કહ્યું હતું. ‘મરી જવું સારું !’ તેણે મનોમન નિશ્ચય કર્યો અને હાથમાં છરી લઈને, કોઈને ખબર ન પડે તેમ તે ઘરના ધાબા પર ગયો…..
******

પ્રિય વાચક,
જો તમે નાનકાને તેના ગામ મોકલવા ઈચ્છતા હોવ અને નાનકો શાંતિથી જીવન પસાર કરે તેમ ઈચ્છતા હોવ તો અહીં ખંડ-2થી આગળ વાંચો….

ખંડ-2
નાનકાના મગજમાં ગડમથલ ચાલતી હતી – ગામ કે શહેર ?
ત્યાં જ તેના મગજમાં નારાયણભાઈનો પ્રેમાળ ચહેરો ઊભરાઈ આવ્યો. તેના ગામનું તળાવ તેને જાણે બોલાવી રહ્યું હતું, ‘આવી જા પાછો.’ તેની મા પણ તેને યાદ આવી. તેણે નિશ્ચય કરી લીધો – પાછા પોતાને ગામ જઈ, ત્યાં શાંતિથી, મોજથી જીવન પસાર કરવું.

તે પોતાને ગામ પહોંચ્યો. મા તેને જોઈ ખૂબ ખુશ થઈ ગઈ અને ભેટી પડી. એ સાંજે જ નાનકો નારાયણભાઈને મળવા ગયો. ‘નારાયણભાઈ, આખી જિંદગી તમે મારા પર ઉપકાર કર્યા છે. હજી એક ઉપકારની માગણી કરું છું. શું મને આપણી શાળામાં જ નોકરી મળી શકશે ?’
નારાયણભાઈએ કહ્યું : ‘આવતીકાલથી આવજે. મહિને હજાર રૂપિયા મળશે.’ નાનકાએ નારાયણભાઈનો આભાર માન્યો. બીજા દિવસથી એ શિક્ષક તરીકે પોતે જે શાળામાં ભણ્યો હતો તે જ શાળામાં નોકરી કરવા લાગ્યો. જોતજોતામાં બે વર્ષ વીતી ગયાં. તેની મા તેને સતત યાદ કરાવતી કે તે હજી કુંવારો છે. નાનકાનેય પરણવાનો વિચાર આવ્યો. છોકરીની શોધ શરૂ થઈ. એક જગ્યાએ તેનો મેળ પડી ગયો. છોકરી દેખાવડી હતી. નામ હતું રાધા. નાનકો સાદાઈથી પરણી ગયો. નાનકો પરણ્યો તેના બે મહિનામાં તેની મા ગુજરી ગઈ. એ પછી નાનકાના જીવનમાં મોટું દુ:ખ આવ્યું નથી. હા, એક સુખ જરૂર આવ્યું. તેમને ત્યાં એક બાળક આવ્યું. નામ રાખ્યું ભરત.

બસ, ત્યારથી નાનકાની ગાડી ચાલ્યે જાય છે. સવારે નોકરી કરીને ભરતને રમાડવાનો, સાંજે ગામના પાદરે ફરવા લઈ જવાનો, રાત્રે ચોપાટ રમવાનું ! નાનકાનો આ જ નિત્યક્રમ થઈ ગયો. લોકોને લાગતું કે નાનકો ખૂબ સુખી છે, પણ નાનકો ખરેખર સુખી હતો ? વર્ષો વીતતાં ગયાં. ભરત મોટો થવા લાગ્યો. તે લોભી બન્યો. ખૂબ પૈસા બચાવતો અને એ પૈસા પોતાના માટે જ ખર્ચ કરતો.

હમણાંહમણાં ગામમાં મોબાઈલની હવા ફૂંકાઈ હતી. ખૂણે ને ખાંચરે લોકો મોબાઈલની જ ચર્ચા કરતા. એક દિવસની વાત છે. ભરત નાનકા પાસે આવ્યો અને કહેવા લાગ્યો : ‘બાપુ, મને એક મોબાઈલ અપાવો.’
‘આપણે મોબાઈલની શી જરૂર છે ?’ નાનકાએ કહ્યું.
ભરતે રોકડું પરખાવ્યું : ‘જરૂર તો ઘણી છે, પણ વેત નથી એમ કહો ને.’
નાનકાનો પિત્તો ગયો. તેણે ભરતને એક તમાચો મારી દીધો.
ભરત બોલ્યો : ‘સાચું કહીએ એટલે ગમતું નથી. મારા બધા ભાઈબંધો પાસે મોબાઈલ છે. એ લોકો કેટલા પૈસા વાપરે છે ! મને પણ મન થાય છે. એ લોકો કેટલી મજા કરે છે, જ્યારે તમે રાત પડ્યે ચોપાટ રમાડો છો. અરે, આખી જિંદગી કાઢી છતાં બે પૈસા ભેગા ન કરી શક્યા. પૈસાદારો પોતાનાં સંતાનોને વારસદાર બનાવે છે, જેથી તેમનાં સંતાનોએ પૈસા માટે તૂટવું ન પડે. જ્યારે તમારા જેવા ગરીબ તેમનાં સંતાનોને પણ ગરીબ બનાવવા ઈચ્છે છે.’
નાનકાએ કહ્યું : ‘જો બેટા, મેં તને કેટલો બધો પ્રેમ આપ્યો છે ! ક્યારેય કશું ઓછું આવવા દીધું છે ?’
ત્યાં ભરતે રાડ પાડી, ‘આવો પ્રેમ શા કામનો ? અરે, જે માણસ તેના સંતાનને એક મોબાઈલ નથી અપાવી શકતો, તે શું પ્રેમ કરવાનો ? આવા પ્રેમ કરતાં તો મરવું સારું !’

ભરત ગયો પણ નાનકાના હૃદય પર કારમો ઘા કરતો ગયો. એ રાત્રે નાનકાને ઊંઘ ન આવી. આખી રાત વિચારો તેને ઘેરી વળ્યા. તેના સંતાને જ તેને આડકતરી રીતે મરવાનું કહ્યું હતું. ‘મરી જવું સારું !’ તેણે મનોમન નિશ્ચય કર્યો અને હાથમાં છરી લઈને, કોઈને ખબર ન પડે તેમ તે ઘરના ધાબા પર ગયો…. ભગવાનનું નામ લઈ તેણે છરી પોતાની છાતીમાં ભોંકી દીધી અને ધાબા પરથી નીચે પડ્યો. તેના પ્રાણ નીકળી ગયા.

બીજે દિવસે જ્યારે લોકોને ખબર પડી, ત્યારે લોકો કહેવા લાગ્યા, ‘શી જરૂર હતી મરવાની ? કેટલો સુખી હતો !’

[કુલ પાન : 388. કિંમત રૂ. 250. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-1 ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ને હર્ષલે હરખાતાં હરખાતાં હા પાડી ! – કલ્પના જીતેન્દ્ર
બે લલિતનિબંધો – રીના મહેતા Next »   

24 પ્રતિભાવો : વાર્તાઉત્સવ – સં. રોહિત શાહ

 1. Akash says:

  વાર્તા સારી લાગી..

 2. trupti says:

  Both the stores are good.
  Valentine is not only the person to who you love as man and woman but it is a plutonic love. You may love your spouse/ your parents/ your children/ your neighbor or your friend. I liked the feeling of Liliben.

  Second story is good. Looking at the author’s age, it is good. However, truly speaking he is failed to give the message by either of the ‘Khand”.
  In ‘khand1’ Nanko is staying back in the city and becomes big man, but at the cost of his family life and unable to give time to his family. As the son is having everything what the money can buy, he is longing for the love and affection and blaming the father for producing only the heir. In ‘khand2’ Nanko is going back to his village and starting his life in the village, and leaving very content life. The son is not having anything, which the money can buy, and he is dissatisfied about the life and complaining his father for giving everything except the comfort and luxury. Truly speaking. it is very difficult to judge whether Nanko is correct in ‘Khand1’ or ‘Khand2’.
  But the author has long way to go at the same time, at this age he has put the readers in the turmoil to decide what is good or bad, I mean whether the main character is correct in episode 1 or 2?

  • dhiraj says:

   ત્રુપ્તિ બેન

   નાનકો ખંડ ૧ મા પણ ખોટો છે અને ખંડ ૨ માં પણ

   આપને family life અને money બન્ને વચ્ચે balance કરવાનુ છે.

   ખાલી family life ને enjoy કરવા જઇયે તો પણ ખોટુ છે ને ખાલી money oriented થઈયે તે પણ ખોટુ છે.

 3. dhiraj says:

  અભિમન્યુ આચાર્ય ની વાર્તા ગમી

  નાની ઉમર આ આવુ સર્જન જોરદાર

 4. dhiraj says:

  આપની ગડમથલ વાર્તા વાંચી ખુબ સુંદર વાર્તા લાગી.

  ભવિષ્ય માં આથી પણ સારી વાર્તા લખી શકો તેવી શુભેચ્છાઓ.

  કંઇક અલગ લખો છો તે બરાબર છે.

 5. brinda says:

  બંને વાર્તાઓ ઘણી જ સર છે! એમાં પણ ગડમથલ બંને સ્વરુપમાં અસરકારક રહી. સુખની વ્યાખ્યા દરેક વ્યક્તિની અને દરેક સમયે અલગ હોય છે! અભિનંદન અભિમન્યુ!!! ઘણી રચનાત્મક અને છતાં પણ ઇન્ટરેક્ટીવ રીતે લખેલી વાર્તા બદલ! ભવિષ્યની સર્જનયાત્રા માટે શુભકામનાઓ!

 6. trupti says:

  એક નોકરી જિંદગી ને કેવી રીતે બદકી નાખે છે તે વાચક મિત્રો વાચો………………..

  એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો !

  શાનદાર નોકરીના ધંધાદારી જીવનમાં આવી ગયો !
  પણ, કોલેજની સ્વૈરવિહારી જીંદગી ક્યાં ગઈ ?

  ઝીણાં ખિસ્સા ખર્ચમાંથી પગારની મોટી રકમ પર આવી ગયો,
  પણ, આનંદમાં ઘટાડો કેમ થયો ?
  થોડાંક સ્થાનિક જીન્સ પરથી ઘણાં બ્રાન્ડેડ જીન્સ કબાટમાં આવી ગયા,
  પણ, તે પહેરવા માટે વ્યક્તિઓ ઘટી કેમ ગયા ?
  સમોસાની નાનકડી પ્લેટ પરથી મોટા પીત્ઝા કે બર્ગર આવી ગયા,
  પણ, ખાવાની ભૂખ કેમ ઘટી ગઈ ?

  રાત્રે ઑફીસમાં બેઠોબેઠો વિચારી રહ્યો છું કે,
  એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો !

  કાયમ રીઝર્વમાં રહેતી બાઈકની પેટ્રોલટાંકી આજકાલ ફૂલ થઈ ગઈ
  પણ, ફરવાની જગ્યાઓ કેમ ખૂટી પડી ?
  ચાની કીટલીનું સ્થાન કાફે કોફી ડે એ લઈ લીધું
  પણ, તે પહોંચની બહાર કેમ થઈ ગઈ ?
  મોબાઈલનું પ્રિ-પીઈડ કાર્ડ હવે પોષ્ટપેઈડ થઈ ગયું
  પણ, કોલની સંખ્યા ઘટીને એસએમએસની સંખ્યા વધી કેમ ગઈ ?

  રાત્રે ઑફીસમાં બેઠોબેઠો વિચારી રહ્યો છું કે,
  એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો !

  જનરલ ડબ્બાની મુસાફરીનું સ્થાન હવાઈ મુસાફરીએ લઈ લીધુ
  પણ, એંજોયમેંટ માટેના વેકેશન કેમ ઓછા થઈ ગયા ?
  એસેમ્બલ કરેલા પીસીનું સ્થાન આધૂનિક લેપટોપે લઈ લીધું
  પણ, તેના પર બેસવાનો સમય ઘટી કેમ ગયો ?
  કોલેજના મિત્રોની ટોળીનું સ્થાન ઑફીસના સહ કર્મચારીએ લઈ લીધું
  પણ, શા માટે એકલતા અને તે મિત્રોની ખોટ સાલે છે ?

  રાત્રે ઑફીસમાં બેઠોબેઠો વિચારી રહ્યો છું કે,
  એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો !

  • Navin N Modi says:

   ‘ગડમથલ’ વાર્તા જેવી જ સુંદર કવિતા.
   કવિતામાંની ગડમથલનો ઉત્તર પણ આપની વાર્તાના પ્રતિભાવના જવાબમાં શ્રી ધીરજભાઈએ આપી દીધેલ જ છે – આનંદથી જીવવા માટે જીવનની બધી બાબતોમાં સમતોલપણું ખૂબ જરુરી છે.

  • ankil says:

   A NICE STORY & A NICE POEM VERY HEART TOUCHING & TOUCH TO MY LIFE ALSO

 7. nayan panchal says:

  ૧.
  વેલેન્ટાઈન ડે માત્ર પ્રેમીઓનો દિવસ જ નથી.; એ તો તમે જે પણ વ્યક્તિને પ્રેમ કરતા હો પછી ભલે સંબંધ ગમે તે હોય, તેને વેલેન્ટાઈન ડે કહી શકો છો. અરે, તમારા પાળેલા કૂતરા-બિલાડાને પણ કહી શકો છો. માત્ર ૧૪ ફેબ્રુઆરી જ શા માટે, વરસના દરેક દિવસે તમારા પ્રેમની લાગણી વ્યક્ત કરવી જોઇએ.

  વાર્તા ખૂબ સરસ છે. લીલીબેનના હ્રદયના કોઇક ખૂણે સચવાઈ રહેલો તેમનો પ્રથમ પ્રેમ બહાર આવ્યો ખરો.
  ૨.
  સૌપ્રથમ તો અભિમન્યુભાઈને આટલી નાની ઉંમરે સરસ વાર્તા લખવા બદલ અભિનંદન. ખંડ ૧નો નાયક તો દેખીતી રીતે ખોટો જ છે. બીજા ખંડમા વાર્તાને એકસરખો અંત આપવા જતા ભરત અને નાનકા બંનેના પાત્રાકરણ નબળા પડી ગયા હોય એમ લાગે છે.

  આભાર,
  નયન

 8. Pritha Gupta says:

  બન્ને વાર્તાઓ સરસ…. સમતોલન જીવન માં આવશ્યક છે…. અને પ્રેમ કરવા special day કેવો? Every day is the special day !

 9. Veena Dave. USA says:

  બન્ને વારતા સરસ.
  અભિમન્યુ એ નાની ઉમરમા સરસ લખવાનુ શરુ કર્યુ છે. અભિનન્દન અને સરસ લખતો રહેજે. ૧૦ ધોરણ માટે તને શુભેચ્છા પાઠ્વુ છુ.

 10. PRAFUL SHAH says:

  IT IS VERY HARD TO ELECT THE WAY TO GO IN LIFE. YOU MAY SAY TO KEEP BALANCE, IN THIS RAT RACE LIFE TO STAY IN SAMAJ YOU HAVE TO EARN EVAN MODERATE AND HEAD OF FAMILY CAN NOT GO BOTH WAYS, FAMILY MEMBERS MUST CONSIDER AND HELP THE HEAD OF THE FAMILY, I BELIEVE IN FAMILY, AND FAMILY IS ONE WHERE EVERY ONE IS THINKING TO HELP EACH OTHER.. AND CO-OPERATE OR EVAN REALISE THE SITUATION, OTHERWISE THERE IS NO WAY OUT, BUT NOT SUE-SIDE.

 11. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયને હાર્દિક અભિનંદન કે આવો સરસ પ્રયોગ કરી નવોદિત લેખકોની વાર્તાઓ પ્રકાશિત કરી રહ્યા છે. ધન્યવાદ.

  નવો નવો ફાલ. આવે દર સાલ.
  ને બતાવે એ સાહિત્યમાં કમાલ.

  બન્ને વાર્તાઓ અનોખી છે.

  મેં પણ ૧૩ વરસની ઉંમરે વાર્તાઓ લખવાની શરૂઆત કરેલ. અને મારા પ્રથમ વાંચક હતા મારા પરમ પુજ્ય પિતાશ્રી. એમણે મારી પીઠ થાબડેલ અને કહેલું, ‘લખવા માટે જીન્દગી આખી પડેલ છે. પહેલાં અભ્યાસમાં ધ્યાન આપ. અને વેકેશન સિવાય વાર્તા લખવાનું નહિ. ‘
  ત્યારે લેખક થવાનું સ્વપ્ન સેવેલ. મારી કૃતિઓ હું જ વાંચીને આનંદ લેતો.

  ચિં અભિમન્યુને અભિનંદન કે આટલી નાની ઉંમરે વાર્તા લખી અને પ્રકાશિત પણ થઈ રહી છે.
  પણ ભાઈ મારા, તારે હજુ ઘણા ચક્રવ્યુહ વિંધવાના છે એ ધ્યાનમાં રાખીશ. તારી પ્રગતિ માટે સરસ્વતિદેવીને પ્રાર્થના.

  “વેલેન્ટાઈન-ડે” માટે નમ્રતાબેનને હાર્દિક અભિનંદન. સરસ આલેખન. સચોટ રજુઆત. આપની કલમમાં દમ છે અને આપના તરફથી વધુ વાર્તાઓ મળશે જ એવી અપેક્ષા છે.

  પ્રેમની અનોખી અભિવ્યક્તી! સરસ.
  પ્રેમની વાત જ સાવ અનોખી હોય છે.
  લીલાબાની લીલીછમ લાગણીઓ સરસ વણી લીધી છે આપે. એક કૂંપળ લઈને જીવતા હતા લીલાબા એમના હૈયાની માટીમાં ધરબીને એને સરસ વર્ણવી છે આપે.

  પ્રથમ નજરનો પ્રેમ તો કંઈક દિવ્ય હોય છે. આવી જ દિવ્ય પ્રેમની અનોખી દાસ્તાન માણવા ઉપર મારા નામ પર ક્લિક કરવા વિનંતી છે. આપ નિરાશ નહિં જ થાઓ.

  અને હા, તૃપ્તિબેનની રચના પણ ખુબ જ સુંદર…

 12. ઈન્દ્રેશ વદન says:

  Valentine Day is a good story. Novice writers do not seem novice.

 13. Gopal Shah says:

  Valentine Story is good but the original sotry of St. Valentine – in whos sad rememberance we celebrate the “Valentine Day” – is filled with blood, horror, killing and tragedy…. Bing it / Google it – St. Valentine – and you will know…

 14. Moxesh Shah says:

  Congratulations Abhimanyu. Excellent story and Great Thinking.
  In this age, how deep thinking?

  I think, readers have not catch up your point. What I understood from your story is that
  “It’s the age, when every child thinks that his/her father is wrong and had done nothing for him/her.”
  I can recall here once again Shri Valmikiji, who convert his life from “Valio Lutaro” after his family denies to support him. The crux is; “Don’t expact anything, especially reactions form your children. Love Unconditionally & guide as an honourary service to them.”

  Best of luck for future carrear.

 15. dharmesh-sukeshi n my little daughter bindi desai says:

  “વેલેન્ટાઈન-ડે” માટેે હાર્દિક અભિનંદન. સરસ આલેખન. સચોટ રજુઆત. આપની કલમમાં દમ છે અને આપના તરફથી વધુ વાર્તાઓ મળશે જ એવી અપેક્ષા છે.
  વેલેન્ટાઈન ડે માત્ર પ્રેમીઓનો દિવસ જ નથી.; એ તો તમે જે પણ વ્યક્તિને પ્રેમ કરતા હો પછી ભલે સંબંધ ગમે તે હોય, તેને વેલેન્ટાઈન ડે કહી શકો છો. અરે, તમારા પાળેલા કૂતરા-બિલાડાને પણ કહી શકો છો. માત્ર ૧૪ ફેબ્રુઆરી જ શા માટે, વરસના દરેક દિવસે તમારા પ્રેમની લાગણી વ્યક્ત કરવી જોઇએ.

  વાર્તા ખૂબ સરસ છે. લીલીબેનના હ્રદયના સન્ત્રુપ્ત અવશ્થા મા કોઇક ખૂણે સચવાઈ રહેલો તેમનો પ્રથમ પ્રેમ બહાર આવ્યો અને સમય આવિયે celebrate પન કરિયો.

  હુ કહિશ કે valentine day for those martyr who filled with blood and tragedy.

  all the best for future
  keep it up
  share your real hidden views to your viewers.

 16. BINITA says:

  BINITA SAYES:
  IT IS VERY GOOD STORY . VALENTINE DAY IS VERY SPECIAL DAY TO EXPRESS FEELINGS TO OUR LOVE ONES.BUT ACCORDING TO YOU VALENTINE DAY IS NOT FOR ONLY COLLADGE DAY BUT IT IS EVRY LOVERS DAY LIKE MUMMY , PAPA , DADI, FRIENDS ETC, YOUR THINKING IS VERY EFFECTIVE.

 17. Shilpa Desai says:

  Namrata Desai

  Your story is very interesting. In every moment of life, we should keep love live. There is not a perticular day for love-14th Feb but we should keep our love as freash as flower through out year. Thaen we can live our life with full of happiness. Best of luck for new story. Have a nice time.

 18. hardik says:

  અભિમન્યુ,

  Good luck tane 10th exam maate ane bahu saaru lakhe che tu.
  Hamna abhyaas maan dhyan aapje..
  Taara maate prarthana ane bani shake etlu samaj nu saaru karje..

  Good luck,
  Hardik

 19. sanjiv says:

  Dear Abhimanyu,
  I see great philosophical sense in your story.
  Both the case teaches us to leave in balance condition.
  Keep it up

 20. Ashish Dave says:

  Both stories are entertaining. Keep cranking… both of you…

  Ashish Dave
  Sunnyvale, California

 21. preeti says:

  હાય રે…
  અભિમન્યુ…સરસ વાર્તા છે…
  its amazing that u r writing such nice story at this age…
  good luck..

  n valentine day is also nice story…
  u can not forget your first love…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.