પૌરુષી માતૃત્વ – મીરા ભટ્ટ

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે સાહિત્યકાર શ્રીમતી મીરાબેન ભટ્ટનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 265 2432497.]

‘દાદા આવ્યા ! દાદા આવ્યા !’ની બૂમરાણ ચોમેર ગૂંજી ઊઠી. હજુ તો સંદીપની ગાડી ‘વાત્સલ્ય ધામ’ના ઝાંપે પહોંચી નહોતી, ત્યાં દૂરથી ગાડી આવતી જોઈ, પાણીના રેલાની જેમ ચોમેરથી બાળકો ધસી આવ્યાં. ગાડીનું બારણું ખોલીને સંદીપ માંડ ઊભો થાય તે પહેલા તો નાના નાના હાથ એની કમરે વીંટળાઈ વળ્યા અને એ ચોમેરથી બાળકોના ઘરેકાથી ઘેરાઈ ગયો.

આજે ‘વાત્સલ્ય ધામ’ની અધિષ્ઠાત્રી ‘મા કૃષ્ણા’નો પુણ્યદિન હતો. જાહેર સમારંભ તો ઠેઠ સાંજે હતો, પણ સંદીપ પૂર્વ-વ્યવસ્થા જાણવા સવારે વહેલો જ નીકળી આવ્યો હતો. બહારગામથી પણ ઘણા સ્વજનો-પરિજનો અને મહેમાનો પધારવાના હતા. તેમની સમક્ષ વાત્સલ્ય-ધામનાં બાળકોના વિવિધ કાર્યક્રમો પણ રજુ થવાના હતા. બાળકોમાં અનેરો ઉત્સાહ હતો. એમના ખુશખુશાલ ચહેરા પર અંદરની ખુશી છલકાઈ ઊઠતી હતી. એક મોટા છોકરાના હાથમાં, સાથે લાવેલો સુખડીનો ડબ્બો સોંપી એ માંડ મુક્ત થયો. સીધો જ કાર્યાલયે પહોંચ્યો. વ્યવસ્થાપક રમેશભાઈ ત્યાં જ હતા. કલાકેક એમની પાસેથી બધી જાણકારી મેળવી, જાતે જ સંસ્થામાં આંટો મારવા નીકળી પડ્યો. વ્યવસ્થા તેમજ કાર્યક્રમની વિગતો સમજવામાં બીજો એક કલાક ક્યાં નીકળી ગયો તે ખબરેય ન પડી.

જોવા-તપાસવા-સમજવાનું બધું કામ પૂરું કરીને સીધો ઉપરના માળે બાંધેલા એના પોતાના ઓરડામાં પહોંચી ગયો. નહાયો-ધોયો, ઘડીક પલંગ પર પણ લંબાવ્યું, પરંતુ આજે એ થોડો અસ્વસ્થ હતો. એને પોતાને સમજણ ન પડે એવી કોઈ વ્યાકુળતાથી એ ઘેરાઈ ગયો હતો. અંદર જાણે કોઈ તૂફાન જાગ્યું હતું, જે એને લગીરે જંપવા દેતું નહોતું. ભીતરની તમામ ગ્લાનિને ખંખેરતો હોય તેમ સડાક દઈને ઊભો થઈ, બહાર અગાસીમાં ગયો.

અગાસીની પાળે હાથ ટેકવીને ચોમેરના દશ્યને જાણે પીતો હોય એમ જોતો રહ્યો. બહારની સૃષ્ટિ તો ચિત્તને હરી લે એવી અત્યંત પ્રસન્નકારી હતી. દૂર દૂર સુધી પથરાયેલાં વિશાળ ખેતરો, એમાં ઊભેલા પાકનાં પર્ણો પવનના ઝોકામાં નૃત્યમય શૈલીમાં લહેરાતાં હતાં. માથા પરના બપ્પોરી સૂરજદાદાના તેજમાં એમનો લીલો રંગ વધુ ખૂલી ગયો હતો. સંકુલની ભૂમિની પડખેથી જ વહી જતી નદી પોતાનું નિત્યગાન ગાતી, મંદમંદ વહી રહી હતી. આસપાસના સમસ્ત સંદર્ભને પોતાનામાં ભીતર ઉતારતો હોય તેમ જાણે ધ્યાનસ્થ હોય તેમ ઘડીભર ખોવાઈ ગયો. કોણ જાણે કેમ આજ સવારથી કૃષ્ણાની યાદ એનો કેડો મૂકતી નહોતી. આમ તો કૃષ્ણાને ગયે પણ આજે દશ વર્ષ પૂરાં થઈ રહ્યા હતાં, પરંતુ આજે તો એના જાણે સતત ભણકારા જ સંભળાતા હતા કે હમણાં જ કોઈક અણધારી દિશામાંથી એ દોડી આવશે. ભીતરની અકળામણ અસહ્ય લાગતાં એ વળી પાછો અંદર જઈને પલંગ પર પડ્યો. થોડી જ વારમાં એ તંદ્રામાં સરી પડ્યો અને એના અંતર્ચક્ષુ સમક્ષ ભૂતકાળની એ રાતનું દશ્ય સાકાર થતું ઉપસી આવ્યું.

વીસ વર્ષ પહેલાંની એ રાત. બંને પલંગ પર આડા પડ્યા હતા, પણ કોણ જાણે કેમ કૃષ્ણા આજે આખો દિવસ ગૂમસૂમ હતી. જમતી વખતે પણ એ કશું બોલી નહોતી. ઘડીભર તો થયું કે કદાચ થાકી હશે. સવારે જ દવાખાને સોનોગ્રાફી માટે ગયેલાં, ત્યારે નંબર આવતા ખૂબ વાર લાગી હતી. ત્રણ-ત્રણ કલાકની બધી જહેમત બાદ અંતે હાથમાં જે રીપોર્ટ આવ્યો તે વધુ થકવી દે તેવો હતો. દાકતર સાહેબે પોતાની એ જ પુરાણી રેકર્ડ સંભળાવતાં જણાવ્યું હતું કે ‘પાંચ ટકાની શક્યતા છે, થોડી વધુ રાહ જુઓ.’ શું એનું ઘમસાણ એના મનમાં ચાલતું હશે ? આખરે ન રહેવાતા એને સોડમાં લેતો સંદીપ બોલી ઊઠેલો – ‘કૃષ્ણા, કેમ તું આજે આટલી બધી ખોવાયેલી ખોવાયેલી લાગે છે ?……’ પ્રત્યુત્તરમાં મૌન પળો વહેતી રહી. સંદીપ એનો હાથ પોતાના હાથમાં લઈ બોલ્યો, ‘કિશુ, શું થયું છે તે મને નહીં કહે ?’
…..અને કૃષ્ણાએ એની છાતીમાં મ્હોં સંતાડી દીધું. કૃષ્ણાના વાળમાં પરોવાયેલી સંદીપની આંગળીઓ ક્યાંય સુધી ફરતી રહી, ત્યાં ધીમો અવાજ કાને પડ્યો, ‘દીપુ, કાંઈ કહું ?’
‘કહે ને બાપલિયા, ક્યારનો ય હું તો સાંભળવા તલપાપડ થઈ ગયો છું. બોલ, મનમાં શું ચાલે છે ?’

અને જાણે દૂ…ર દૂ….રની કોઈ દિશામાંથી અવાજ આવતો હોય તેવા સાદે, બંધ આંખે જ કૃષ્ણા બોલી, ‘સવારે દવાખાનામાં તું રીપોર્ટ લેવા ગયો ત્યારે શું થયું તે જાણે છે ? હું તો ચૂપચાપ ખુરશી પર બેઠી હતી. ત્યાં અચાનક એક બાઈ મારી સામે આવીને ઊભી રહી. એ દશ્ય જોતાં તો હું આભી જ બની ગઈ. એ બાઈ પોતે બેજીવી. એની કાંખમાં બે અઢી વરસનું એક છોકરું અને એની આંગળી ઝાલીને ઊભેલું પાંચેક વર્ષનું બીજું બાળક ! એના લઘરવઘર કપડાં, માથા પરના વિખરાયલા વાળ, બધી શિકલસૂરત જોતાં લાગતું હતું કે એનો માંડ ગુજારો ચાલતો હશે. પણ એની કાંખનું બાળક હતું અલમસ્ત ! મારી સામું જોઈને મીઠું મીઠું મલકાયા કરે. મારાથી ન રહેવાયું અને ઈશારો કરીને એને લેવા હાથ લાંબા કરું ન કરું, ત્યાં તો તેણે જાણે કૂદકો મારતો હોય એમ મારા હાથમાં ઝંપલાવ્યું !….’

આટલું કહ્યા પછી વળી પાછી થોડીક પળો મૌન પસાર થઈ ગઈ. સંદીપ પણ મૂંગો જ રહ્યો, પરંતુ કૃષ્ણાના માથામાં ફરતી એની આંગળીઓને જાણે વાચા ફૂટી હોય, તેમ કૃષ્ણા એને સાંભળતી રહી… વળી થોડીવારે એ બોલી, થોડીવારે એણે જ શરૂ કર્યું… ‘અચાનક એ ધસી આવ્યો ને મારી છાતી થોડી દબાઈ. એક નાનકડો થડકો અને મારી ભીતર તો જાણે સાગર ઘૂઘવી ઊઠ્યો… દીપું, હું એ ઝંઝાવાતથી ઘેરાઈ ગઈ છું. મને બીજું કશું સૂઝતું નથી, ગમતું નથી…’ થોડીવારે કૃષ્ણાને બેઠી કરતાં સંદીપ બોલ્યો, ‘જો કિશુ, આ બધામાંથી તું હવે બહાર નીકળ ! આ બધાં મિથ્યા મૃગજળ છે. વળી મને કહે, દીકરા-દીકરીઓથી કેટલાના સંસાર ખીલી ઊઠ્યા છે ! નર્યો મોહ છે આ !’
‘પણ દીપુ, મારા મનમાં પણ ક્યાં સંતાનસુખ પામીને મોટાં મહેલો ઊભા કરવાની વાત છે ? મને એ બાળકોમાં રસ છે, એથી વધુ તો એમની માસૂમિયત ભરેલી બાળલીલામાં ખોવાઈ જવાની તલપ છે. મને શિશુના ભૂવનમોહન સ્મિતનું જાણે ઘેલું લાગ્યું છે. એના નાના નાના હાથ પગના ઉલાળા અને મધમીઠો કિલકિલાટ ! જીવનની ક્ષણેક્ષણ જાણે ધન્ય-ધન્ય થઈ જાય એવી એ જાદૂઈ ક્રીડા ! મને તો દીપુ, એમાં ખોવાઈ જવાની જાણે રઢ લાગી છે !’
‘પણ કૃષ્ણા, આપણા હાથમાં ક્યાં કશું છે ? તું જાણે છે કે આપણે એક પણ ઉપાય બાકી નથી રાખ્યો. દાક્તર કહે છે તેમ થોડી ધીરજ વધુ રાખીએ, નહીંતર વિધાતાના આશરે બધું સોંપી દઈએ !’ સંદીપ બોલ્યો.
‘દીપુ, મને થાય છે કે ભલે આપણાં પોતાના હાડ-માંસ-લોહીનાં સંતાન આપણે ન પામીએ, પરંતુ આપણે એ બાળવિશ્વની લીલાથી શા માટે વંચિત રહીએ ?’
‘એટલે શું તું બાળકને દત્તક લેવાની વાત કહે છે ?’ સંદીપે પૂછ્યું.
‘ના. એમ કોઈ એકલ-દોકલ બાળક નહીં. મને તો જેમનું જગ આખામાં કોઈ નથી, તેવાં બાળકોની આંગળી પકડવાનું ગમે ! જો ને આપણી જ આસપાસ કેટલાં બધાં તરછોડાયેલાં, દુભાયેલાં, રસ્તે રઝળતાં, ઉકરડામાં ફેંકાવાઈ ગયેલાં બાળકો જ બાળકો છે ! શું એમને આપણે ગળે વળગાડી ન શકીએ ?….’

‘સમજી ગયો તારી વાત કૃષ્ણા, પણ એ માટે હજુ બે-પાંચ વર્ષ થોભી જા. મારા ધંધાને થોડો જામવા દે. હું તારા ખોળાને બે-ચાર નહીં, સેંકડો બાળકોથી ભરી દઈશ.’ સંદીપે કૃષ્ણાને બાથમાં લેતાં કહ્યું. અને કૃષ્ણા માટે એ રાત એવી મધુરજની બની ગઈ કે ભીતર માતૃત્વનું સાવ અનોખું બીજ વવાઈ ગયું. પછી તો નસીબે પણ એવી યારી આપી કે દશેક વર્ષમાં તો ચાળીસેક એકરના વિશાળ ક્ષેત્રમાં સંદીપ-કૃષ્ણાનું ‘વાત્સલ્ય-ધામ’ ઊભું પણ થઈ ગયું. સંદીપની આંખો સમક્ષ ‘વાત્સલ્ય-ધામ’માં બાળકોના ઝૂંડ વચ્ચે ખોવાઈ ગયેલી કૃષ્ણા તરવરી ઊઠી. ઘડીકમાં બાળકને નવડાવતી વાત્સલ્યમૂર્તિ, તો કયારેક બાળકોનું માથું ઓળતાં ખોટું-ખોટું ખીજાતી રોષમૂર્તિ ! તેમાંય જે દિવસે કચરાટોપલીમાં કે ગટરમાં ફેંકી દેવાયેલું અબોધ શિશુ આંગણે આવી પહોંચે ત્યારે તો કૃષ્ણાની કરુણા મીણની જેમ પીગળતી અનુભવાતી. સંસ્થામાં બધા લોકો માટે આશ્ચર્યનો એ વિષય હતો કે કૃષ્ણાબહેનના હાથમાં એવો તે શું જાદૂ છે કે ચીસો પાડીને ગામ ગજાવતું બાળ ઘડીકમાં તો શાંત થઈને મલકાતું થઈ જાય ! સાચે જ, ‘વાત્સલ્ય-ધામ’નાં તમામે તમામ બાળકો માટે કૃષ્ણા-મા જનેતાથી ય અધિક જનેતા હતી અને કૃષ્ણાનું તો પૂછવું જ શું !….. જાણે એ કોઈ નવો જ અવતાર પામીને પોતાના પુનીત સ્પર્શે જે કોઈને અડકે તેને પ્રાણવાન બનાવી દેતી જીવતી હતી !

બધું સરસ ચાલી રહ્યું હતું ! કૃષ્ણા-સંદીપનો ઘરસંસાર, સંદીપના ધંધા-પાણી, ‘વાત્સલ્ય-ધામ’ના વિકાસ માટે સાંપડતી દાનધારા ! ક્યાંય કશે કોઈ કસક નહોતી. પરંતુ જાણે કે એ કસકનું ન હોવાપણું જ કોઈની દૂષિત નજરનો વિષય બની ગઈ ! અચાનક દાકતરે જાહેર કર્યું કે કૃષ્ણાના ગર્ભાશયમાં કેન્સર છે અને હવે એ થોડા જ દિવસોની મહેમાન છે. કેવળ સંદીપને માથે જ નહીં, સમસ્ત ‘વાત્સલ્ય-ધામ’ સમેત બહારના બૃહદ-પરિવાર પર જાણે વીજળી ત્રાટકી. દિવસો સુધી સૌ સ્તબ્ધ બની રહ્યા. ‘વાત્સલ્ય-ધામ’નાં બાળકો શું, સમસ્ત પરિસરનાં વૃક્ષો, ગૌશાળાની ગાયો સુદ્ધાં જાણે વિયોગ અનુભવતાં હોય તેમ કણસતાં રહ્યાં.

જાણે આજે જ કૃષ્ણા મૃત્યુ પામી હોય તેમ સંદીપ પલંગમાંથી સફાળો ઊભો થઈ ગયો. આ આજે મને થયું છે શું ? કેમ મારો જીવ આટલો તરફડે છે ? મારી પાસે શું નથી ? ધન-દોલત, મકાન, જાગીર, બાળકોની મમતા અને કૃષ્ણાની સુમધુર યાદ ! ફરી પાછો એ અગાસીની પાળ પર પહોંચી ગયો. દૂર દૂ….ર ક્ષિતિજને ક્યાંય સુધી તાકતો રહ્યો. ત્યાં અચાનક બે કિશોરો એકમેકના ગળામાં હાથ પરોવી, મલકતાં મલકતાં વાતો કરતાં ચાલ્યા આવતા દેખાયા. બંનેના પગ થનગનાટ અનુભવતા હોય તેમ હવામાં વીંઝાતા હતા. એમની કોઈ વાત તો સંભળાતી નહોતી, પણ સંદીપને બે વર્ષ પહેલાનો એ પ્રસંગ યાદ આવી ગયો.

તે દિવસે પણ આવો જ પુણ્ય-સ્મૃતિનો સમારંભ હતો. આરંભની પ્રાર્થના, ગીતો, નૃત્ય-નાટક વગેરે સંપન્ન થયા બાદ હવે બાળકો પોતાની વાત રજુ કરી રહ્યાં હતાં. તેર-ચૌદ વર્ષના એક કિશોરે પોતાની આપવીતી સંભળાવતા જણાવ્યું કે એ કેવી રીતે કાચની બંગડીઓ બનાવવાના કારખાનામાંથી અહીં સુધી પહોંચ્યો હતો. એણે કહ્યું, ‘હું કારખાનામાં મજૂરી કરતો હતો. આગની ભઠ્ઠી સામે કાચને ઘાટ આપવાનું કામ ખૂબ અઘરું હતું. કેટલીય વાર હાથ દાઝી જતા. હાથમાં એકાદો ફોડલો તો કાયમ માટે હોય જ. પણ કામમાંથી જ્યારે અમે નવરા થતાં ત્યારે તૂટેલી બંગડીઓના કાચ ભેગા કરીને એમાંથી દૂરબીન બનાવતા. એ દૂરબીનમાં દેખાતી કાચની જુદી જુદી ભાતો હું આજે પણ ભૂલ્યો નથી. ઘણી વાર મને આકાશમાં એ બધી ભાતો ઝળહળતી દેખાય છે. અહીં અમને ‘આકાશદર્શન’ કરાવે છે અને ખગોળશાસ્ત્ર પણ ભણાવે છે. મને થાય છે કે ભવિષ્યમાં હું ખગોળશાસ્ત્રી બનું તો કેવું સારું ? ચંદ્ર, સૂરજ, તારા, ગ્રહો અને ટમટમતાં તારલીયાના ઝૂમખાંનું રહસ્ય શોધી શકું તો કેવી મજા પડે ?’ અને પેલી નિર્ઝરી ? સાતેક વર્ષ પહેલા મુંબઈની લોકલ ગાડીના બે પાટા વચ્ચેથી મળી આવેલી માસૂમ કળી ! ઉછળી ઉછળીને કહેતી હતી….. ‘કૃષ્ણા માને તો મેં જોયાં નથી, પરંતુ એમનો જાદૂ મેં અનુભવ્યો છે. સાચું કહું તો મને એમ જ થાય છે કે હું જ કૃષ્ણામા છું. આખ્ખી દુનિયાનાં બાળકોને ભેગાં કરી એક સરસ સ્વપ્નનગરી વસાવવાનું મને મન થાય છે. અમારા એ નગરમાં ન લડાઈ-ઝઘડા હશે, ન ગરીબી-અમીરી. અમે સૌ સંપથી રહેશું અને સ્વર્ગની પરીઓની જેમ નાચતાં રહીશું. કહું, કેવી રીતે ?….’ અને એ ગોળ ગોળ ગોળ ફેરફુંદરડી ફરતી રહી…. ફરતી રહી… અને એના ફરાકની ઝૂલતી ઝાલરો સાથે એ પણ હવામાં ઊડતી રહી….. સંદીપે અનુભવ્યું કે એના ગાલ પર આંસુના રેલા વહી રહ્યા છે. આખા શરીરને ઝકઝોળી, બધું ખંખેરતો હોય, તેમ જ બુશકોટને ઝાટકી એ સફાળો દાદાર ભણી વળ્યો…

સાંજના ચારેક વાગી ગયા હતા. નીચેના વિશાળ પ્રાંગણમાં લોકોનો અવરોજવરો વધતો જતો દેખાતો હતો. વળી પાછો એણે આખ્ખા સંકુલનો ફેરો માર્યો. કોઈક ઓરડામાંથી ગીતોનો અભ્યાસ ચાલતો હતો તો કોઈકમાં નાટકનું રીહર્સલ…. એક કિશોરના ખડખડાટ હાસ્ય સાથે શબ્દો કાને અફળાણા…. ‘તું જાણે છે, હું કોણ છું ? આખી પૃથ્વીનો રણી-ધણી, બાદશાહ સિકંદર !’… આગળ વધ્યો ત્યાં નૂપુરનો મીઠો ઝણકાર અને એની પડખેની ઓસરીમાં યોગાસનોની જુદી જુદી રીતો અજમાવતાં બાળકો દેખાયાં…. મહેમાનગૃહમાં જઈને જોયું તો એના તથા કૃષ્ણાના પરિવારના સ્વજનો આવી પહોંચ્યાં હતાં. સૌના ખબરઅંતર લઈ ચા-પાણી માટે કહેવડાવી દીધું. દર વર્ષની જેમ આજે પણ રક્તદાનનું આયોજન થયું હતું. ‘આરોગ્યધામ’માં રક્તદાનની લાંબી કતાર લાગી ગઈ હતી. એક આંટો વૃદ્ધાલયમાં પણ મારી આવ્યો.

ધીમા પગે ઢળતી સાંજ આવતી ગઈ, તેમ તેમ સમારંભ સ્થાને આખું ચોગાન માનવ મહેરામણથી ભરાઈ ગયું. હવામાં માઈક પરથી રેલાતા શરણાઈના સૂર સૌના અંતરને ઢંઢોળતા હતા. બરાબર પાંચ વાગે કાર્યક્રમ શરૂ થયો. દર વર્ષની જેમ પ્રાર્થના, સ્વાગત, પરિચય, અહેવાલ, મુખ્ય મહેમાનોનાં વક્તવ્ય, બાળકોનાં કળાકૌશલ્યની વિવિધ રજૂઆતો, બાળકોની ‘મારી વાત’નું નિવેદન… બધું વહેતાં પાણીની જેમ સડસડાટ વહેતું રહ્યું. અને અંતે સંસ્થાના અધિષ્ઠાતા સંદીપભાઈનું અંતિમ વક્તવ્ય જાહેર થયું….

સામે બેઠેલી સભાને બદલે જાણે દૂર ગગનમાં બીરાજેલી કોઈ મૂર્તિને સંબોધીને કહેતો હોય તેમ સંદીપ બોલ્યો, ‘વર્ષોથી આપણે આ વાર્ષિકોત્સવ ઉજવતા આવ્યા છીએ અને આજે પણ એનો ઉલ્લાસ આપણાં હૈયામાં વ્યાપેલો છે. આ સંસ્થાની પ્રેરણામૂર્તિ તો આપણાં સૌના અંતરમાં છે જ, પરંતુ આજે તો જાણે કૃષ્ણાએ મારામાં પ્રવેશ કર્યો છે. મારા રક્તના બૂંદેબૂંદમાં એ જાણે ઉછળી રહી છે. મારું રોમેરોમ આજે કૃષ્ણામય બની ગયું છે. એક જમાનામાં કૃષ્ણાને પ્રેરણા થઈ કે માસૂમ બાળકોની બાળલીલામાં ખોવાઈ જવાનો આનંદ એને પણ મળે અને ગોકુળિયા ધામ જેવા આ ‘વાત્સલ્ય-ધામ’ની સ્થાપના થઈ. સાંજ પડે ગોરજ ટાણે ભરેલાં થાનો સાથે ગાયોનું ધણ જે રીતે પોતાનાં વાછરડાં પાસે પહોંચી જવા થનગની રહી હોય છે, એ રીતે કૃષ્ણાને પણ પોતાનાં આ વત્સો માટે વલવલતી મેં જોઈ છે…. કોણ જાણે કેમ, પણ કૃષ્ણાનો એ વલવલાટ, એ ઝૂરાપો, પોતાની ભીતરમાંથી કશુંક બહાર વહેવડાવી દેવાની તડપન મારામાં જાગી છે. અમારે આંગણે સાવ શૈશવ અવસ્થામાં આવેલાં ધાવણાં શિશુઓને આજે હું કિશોરાવસ્થામાં જોઈ રહું છું, ત્યારે એમનામાં પ્રગટ થતું ચૈતન્ય મને કશુંક કરવા પ્રેરી રહ્યું છે. હું જોઈ રહ્યો છું, એ કિશોરોની પાંખો ફૂટી ગઈ છે અને એ પાંખો ફફડી ફફડીને પોકારી રહી છે કે – અમને ઊડવા માટે આપો કોક ગગન, કોક આકાશ, જ્યાં પહોંચી અમારી ભીતરની ઊર્જાને કામે લગાડી અમે કાંઈક નવસર્જન કરીએ !….’

અને પછી સંદીપે નવયુગ સામે ઉપસ્થિત વિવિધ સંભાવનાઓનું વિવરણ કરી પોતાના વક્તવ્યને સમેટતો હોય તેમ બોલ્યો, ‘ઈશ્વરની યોજના કદી ય અધૂરી નથી હોતી. એ શિશુના પેટમાં ભૂખ જગાડે છે તે પહેલા એની માનાં સ્તન દૂધથી છલકાવી દે છે. આંખોમાં સપનાં સેવાય છે તે સાથે જ ભૂજાઓમાં બળ સીંચે છે. આજે મારામાં જાગેલું માતૃત્વ મને પડકારી રહ્યું છે કે અહીં પ્રગટ થઈ રહેલા નવયૌવનને માટે મુક્ત આકાશ નિર્માણ કરું ! અનેકાનેક સંભાવના, પુરુષાર્થ, નવાં સંશોધનો, વિવિધ અન્વેષણો આવા નવજાગૃત કુંવારા યૌવનની રાહ જોઈ રહી છે. એટલે મેં વિચાર્યું છે કે અહીંની પ્રવૃત્તિઓમાં એક સવિશેષ પ્રવૃત્તિ હું ઉમેરું. એને નામ આપવું હોય તો આપણે એને ‘અસ્મિતા-ખોજન’ માટેનું મંડળ કહી શકીએ, જે નવકિશોરોની ચેતનામાં પ્રવેશી એની ભીતરના ચૈતન્યને પામે. બીજી બાજુ ટ્રસ્ટી મંડળ પણ અનેકવિધ ક્ષેત્રો સાથે સંપર્ક સાધી, અહીંના થનગનતા યૌવન માટે આગળ મૂકવાનું પગલું ખૂલ્લું કરી આપે. જરા વિચારો, પુરુષાર્થનું કેટલું મોટું ક્ષેત્ર આપણી સમક્ષ ખૂલી રહ્યું છે. ‘વાત્સલ્ય-ધામ’માં પ્રગટીને ઠેઠ અસીમ આકાશ સુધી પહોંચતી અનેક ચેનલો, અનેક સેતુ આપણે નિર્માણ કરવાના છે. ટૂંકમાં કહું તો, આપણી ભારતમાતાની સેવા કરવા માટેની ખડા સૌનિકોની ફોજ નિર્માણ કરી રણક્ષેત્રે વિદાય કરવાની છે… મને શ્રદ્ધા છે કે જે રીતે કૃષ્ણાને ભૂખ લાગી – ગોકુળની બાળલીલાને આત્મસાત કરવાની, અને એ ‘વાત્સલ્ય-ધામ’ રૂપે સંપન્ન થઈ, એ જ રીતે, મારામાં જાગેલું આ માતૃત્વ નવજૂવાનો માટે પરાક્રમોનું અસીમ જગત ખડું કરી દેશે. અહીં આવી પહોંચેલા બાળકોએ અનેક લીલાઓ કરી ‘વાત્સલ્ય-ધામ’ને ગોકુળ બનાવ્યું, નંદબાબા અને જશોદા માડીનું આંગણું અજવાળ્યું, એ જ રીતે અહીંથી ઊડીને ભવિષ્યમાં યોગેશ્વર કૃષ્ણમહારાજના પંથે ચાલી, પરાક્રમોની અનેક દિશાઓ ખોલશે અને ખેડશે.’

બોલીને ગદગદિત થયેલા સંદીપે અનુભવ્યું કે એની ભીતર સાત સમંદર હેઠળ ડટાયેલું માતૃત્વ આજે હિલોળે ચઢ્યું હતું !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બે લલિતનિબંધો – રીના મહેતા
પ્રતિરચનાઓ – રતિલાલ બોરીસાગર Next »   

12 પ્રતિભાવો : પૌરુષી માતૃત્વ – મીરા ભટ્ટ

 1. trupti says:

  બહુ જ સરસ અને લાગણી સભર વાર્તા.

 2. dhiraj says:

  ખુબ લાગણી સભર કથા
  આભાર મીરાબહેન

  આભાર મ્રુગેશભાઈ

 3. parthiv Desai says:

  સરસ વાર્તા હ્રદય ને સ્પરસિ ગઇ.

 4. trupti says:

  I had a dream like this story and I want to fulfil it in future. very touchy story

 5. Rupal says:

  Very nice story.

 6. Gopal Shah says:

  સરસ વાર્તા….

 7. Ekta.U.S.A. says:

  જો આ ખાલિ વારતા ના હોત પણ સાચે જિંદગિ મા જોવા મલે .તો જિદંગિ ઘન્ય થય જાય.

 8. sima shah says:

  ખૂબ જ સરસ હ્રદયસ્પર્શી વાર્તા……
  આભાર મીરાબહેન અને મૃગેશભાઇ….
  સીમા

 9. Ashish Dave says:

  Heart touching…

  Ashish Dave
  Sunnyvale, California

 10. amitkumar modha says:

  very good.
  really heart touching.

 11. Rachana says:

  ખુબજ સુન્દર વાર્તા….મને આ વિચાર ખુબજ ગમે..શા માટૅ બધા આવા રજળતા બળકોને અપનાવવા જેવડુ મોટુ મન નહી ધરવતા હોય.?જો આજનો ઈ-યુગનો ભણેલો વર્ગ પોતાનુ બાળક કરવાનો વિચાર છોડી આવા અનાથ બળકોને અપનાવતો હોય તો???

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.