- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

વિદેશી વહેમના વમળો – મલય ભટ્ટ

[ ફલોરિડા (અમેરિકા) ખાતે રહેતા શ્રી મલયભાઈની એક સુંદર કૃતિ ‘વિદેશી ભડલી વાક્યો’ આપણે અગાઉ માણી હતી. આજે માણીએ તેમની એ જ પ્રકારની વિવિધ પ્રકારના વહેમો પર આધારિત વિશિષ્ટ કૃતિ. અભ્યાસે મલયભાઈએ એન્જિનિયરિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે અને હાલમાં ટેકનિકલ પ્રોજેક્ટ મેનેજર તરીકે ફલોરિડાની એક કંપનીમાં કાર્યરત છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે malay_bhatt@hotmail.com સંપર્ક કરી શકો છો. – તંત્રી.]

પરીક્ષા આપવા જતાં પહેલાં પોળના નાકેથી ગાય દોડાવીને ધરાર શુકન કરાવતા ભારતીય ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંઓ તથા અમેરિકામાં બહાર જતાં છીંક આવે તો પાછા ફરી, પાણી પીધાં પછી જ બહાર નીકળતાં બધાં એન.આર.આઈ. ને મારા રામ રામ.

હા, આ હાઈ-ટૅક હિંચકે હિલોળા લેતું પાશ્ચાત્ય જગત પણ વહેમનાં વાદળોથી બચ્યું નથી. વિદેશી વહેમોની વાતમાં Friday the 13th જીસસના જમાનાથી અશુભ મનાતો રહ્યો છે. આજના અવકાશવિજ્ઞાનના યુગમાં ઍપોલો-૧૩ની દુર્ઘટના પછી ૧૩ ના આંકડાનો વહેમ વધારે મજબૂત બન્યો છે. આ ઉપરાંત આજે પાશ્ચાત્ય જગતમાં અનેક વહેમો અને માન્યતાઓ પ્રચલિત છે. પ્રાચીન રોમમાં ૧૭ ના આંકડાને અશુભ માનવામાં આવતો કારણકે ૧૭ માટેના રોમન અંકો XVII ને ફેરબદલ કરવાથી VIXI (વીક્સી) શબ્દ બને છે જેનો અર્થ થાય ‘મારું જીવન સમાપ્ત થયું’ – જેથી રોમનપ્રજાને ૧૭ના અંકમાં મોતનો સંદેશો દેખાતો ! આપણી જેમ પાશ્ચાત્ય જગતમાં પણ ૧૧નો આંક શુકનિયાળ મનાય છે. શૂન્યતાને પાર કરીને સર્જનનું પ્રતિક ગણાતાં અંક ૧ જ્યારે બેવડાઈને લખાય ત્યારે બને છે ૧૧ અને તેથી તેનું મહત્વ વધી જાય છે. જો ૧૧ નો અંક અનાયસે નજરે પડે, દા.ત. ઘડિયાળમાં ૧૧:૦૦ અથવા ૧૧:૧૧, તો અમેરિકનો તેને શુભ સંકેત સમજે છે.

છીંક આવે ત્યારે ‘God bless you’ કહેવાનો રિવાજ યુરોપમાં સદીઓથી ચાલ્યો આવે છે. છઠ્ઠી સદીમાં યુરોપમાં ઘણાં દેશોમાં એવો વહેમ હતો કે છીંક વાટે તમારો આત્મા શરીરની બહાર ફેંકાઈ જવાની શક્યતા છે. સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં જ્યારે યુરોપ પ્લેગના પંજામાં જકડાયું ત્યારે પોપ દ્વારા ફરમાન જારી કરાયું હતું કે કોઈને છીંક આવે તો તેના સ્વાસ્થ્ય માટે ‘God bless you’ એમ કહેવું. આપણે ત્યાં બિલાડી આડી ઉતરે તો અપશુકન મનાય છે અને એમાંયે જો કાળી બિલાડી હોય તો તો ખલ્લાસ ! એમ યુરોપમાં કાળી બિલાડીને ડાકણની સાથીદાર માનવામાં આવતી. ઈતિહાસ નોંધે છે કે નૅપોલિયન અને હિટલર જેવા ખેરખાંઓ પણ કાળી બિલાડીથી બહુ ડરતાં. પરંતુ આજે સ્કૉટ્લેન્ડમાં કાળી બિલાડી ઘરનાં પગથીએ બેસે તેને અને ઈટાલીમાં બિલાડીની છીંકને શુભ શુકન મનાય છે ! ઈંગ્લેન્ડમાં તો આજે પણ કાળુડી બિલ્લીવાળાં શુભેચ્છાના ગ્રિટીંગ-કાર્ડ્સ અને બર્થ-ડે કાર્ડ્સ બહુ પ્રચલિત છે, બોલો ! છે તમારી હિંમત કોઈને કાળી બિલ્લીવાળું બર્થ-ડે કાર્ડ મોકલવાની ?

મોરપીંછ ધારણ કરેલા મુરલીમનોહર કનૈયાના દર્શન કરીને આપણે ધન્યતા અનુભવીએ છીએ પણ ઈંગ્લેન્ડમાં એ જ મોરપીંછ બહુ અશુભ મનાય છે. મોરપીંછની મધ્યમાં જે સુંદર રંગભરી આકૃતિ રચાય છે તેમાં બ્રિટિશ પ્રજા ‘શેતાનની આંખ’ જુએ છે. અરે, મોર અને મોરપીંછ તો સમજ્યા પણ ચકલી અને સસલાં જેવાં ગભરું જીવો પણ ઈંગ્લેન્ડમાં અપશુકનિયાળ મનાય છે. ચકલી યમદૂત અને સસલું ડાકણનો અવતાર ! આજે પણ મહિનાની પહેલી તારીખે ડાકણના કોપથી બચવા માટે સફેદ સસલાનું નામ ત્રણ વાર ઉચ્ચારવામાં આવે છે ! આપણે ત્યાં લોકો બુધવારે પ્રવાસે જતાં અચકાય છે તેમ આયર્લેન્ડમાં લોકો શનિવારે પ્રવાસ કરવાનું ટાળે છે. જેમ આપણાં ઘણાં ભાઈઓ મંગળવારે અને શનિવારે દાઢી નથી કરતાં તેમ યુરોપિયનો રવિવારે નખ નથી કાપતા અને જીસસને શુક્રવારે ક્રૉસ પર ચડાવ્યા હોવાથી શુક્રવારે ખીલી ઠોકવાનું ટાળે છે. આ ઉપરાંત પાશ્ચાત્ય પ્રજા આજે પણ આયનો તૂટવો, ઘરની અંદર છત્રી ખોલવી, દિવાલે ટેકવેલી નિસરણી નીચેથી પસાર થવું, અને અકસ્માતે મીઠું ઢોળાવાને અશુભ માને છે. આપણે ત્યાં જેમ અશુભ તત્વોનો સામનો કરવાં લીંબુ-મરચાં ટીંગાડવાનો રિવાજ છે તેમ પાશ્ચાત્ય જગતમાં ઘરનાં બારણે ઘોડા-નાળ જડાય છે.

આપણાં ઘણાં કુટુંબોમાં બહેનો માને છે કે ઘરમાં રાત્રે સંજવારી કાઢવાથી ઘરમાંથી સુખ-સમૃદ્ધિ બહાર જતી રહેશે તેમ ફ્રેન્ચ, સ્પૅનીશ, અને મેક્સીકન સ્ત્રીઓ એમના પર્સને જમીન પર મૂકવાનું ટાળે છે કારણ કે એમ કરવાથી ધન જમીનમાં શોષાઈ જશે અને દરિદ્ર થઈ જવાશે એવો એમને ડર છે ! જર્મન સ્ત્રીઓ ચમચીનું પડવું અને મૅક્સીકન સ્ત્રીઓ ટોર્ટીયા (આપણી રોટલી જેવી વાનગી)નું પડવું એ વણનોતર્યા મહેમાનોના આગમનનો સંકેત માને છે. ઈંગ્લેન્ડમાં પ્રજા ભુલથી પણ બ્રૅડનો લાટો ઊંધો ન મુકાઇ જાય એનું ધ્યાન રાખે છે. જો એમ થાય તો કુટુંબ ખાવા-પીવાથી ટળી જાય એવો વહેમ છે. જર્મન પબમાં લોકો ‘સ્ટામિશ’ પર ત્રણ ટકોરા મારીને નવાગંતુકનું અભિવાદન કરે છે અને લગભગ બધાં પાશ્ચાત્ય દેશોમાં મહત્વની ચર્ચા કરતાં પહેલાં લોકો ‘Knock on woods’ એમ કહે છે તેનું રહસ્ય એક વહેમમાં છુપાયેલું છે. લાકડું અને ખાસ કરીને ‘Oak wood’ પવિત્ર માનવામાં આવે છે અને શેતાની તત્વો લાકડાંથી ડરીને દૂર રહે છે. આથી અગત્યની બાબતોથી અશુભ તત્વોની બૂરી નજર દૂર રાખવી હોય તો ટકોરાબંધ લાકડું હાથવગું હોય તો ફેર પડે ને, ભાઈ ?

જગતનાં દરેક કલ્ચરમાં બાળકનો જન્મ એ આનંદનો પ્રસંગ છે. આપણે ત્યાં બાળકને કાજળનું ટીલું કરવાનો રિવાજ છે કે જેથી તેને કોઇની બુરી નજર ન લાગે. આ ‘બુરી નજર’ના કોન્સેપ્ટ પર આપણો એકલાનો જ ઠેકો નથી હોં, ભાઈ ! ઈંગ્લેન્ડમાં એ ‘Evil eye’, ઈટાલીમાં ‘Malocchio’ અને મૅક્સીકોમાં ‘Maal de Ojo’ તરીકે ઓળખાય છે. દેખાવડા બાળક પર જાણ્યે-અજાણ્યે પણ તમારી બૂરી નજર ન લાગી જાય એ માટે તમારે બાળક ને માથે હાથ ફેરવવો જોઇએ, નહીંતર બાળક માંદુ પડે. મેક્સીકોમાં બાળકને બૂરી નજરથી બચાવવા સોના અને ચાંદીના તાવીજ, લાલ રંગના મણકાવાળો દોરો ઈત્યાદિ પહેરાવવાના રિવાજ છે. બૂરી નજર લાગ્યા પછી તેના મારણ માટે જેમ આપણે ત્યાં અનેક ટૂચકાઓ છે તેમ પાશ્ચાત્ય પ્રજામાં પણ ચર્ચના ‘Holy water’ થી માંડીને સિસિલીયન ભૂવાઓના સડેલા ઈંડાના પ્રયોગો જેવા ભાતભાતના ઉપાયો જોવા મળે છે.

આપણે ત્યાં હેડકી આવે તો કોઈ તમને યાદ કરે છે એમ કહીયે, અરે એના પર તો ‘મન્ને આવૈ હિચકી…’ જેવા ગીતો પણ રચાયા છે તો અમેરિકનોને કાનમાં ઝણઝણાટી થાય તો એ જાણે કોઈ તેના વિશે ખણખોદ કરી રહ્યું લાગે છે. આપણી હથેળીમાં ચળ આવે તો કોઈને બે-ચાર ઠોકી દેવાનું મન થાય પણ અમેરિકનો હાથની ચળને ડૉલરીયા વહેવારનો સંકેત ગણે ! એમાંયે જમણાં હાથની ચળ એટલે આવક અને ડાબા હાથની ચળ એટલે ખર્ચ નક્કી ! પણ જો અમેરીકન નાક પર ચળ આવી તો ભ’ઈને કોઇની જોડે હાથોહાથની જામશે એમ જાણવું ! આ ઉપરાંત આંખ, કાન, હાથ, પગ વગેરે અંગો વિશે ઘણાં વહેમો અને માન્યતાઓ છે.

દેશ હોય કે વિદેશ, ભણેલાં હોય કે અભણ, કેટલાંક લોકો વહેમોને સજ્જડ વળગી રહે છે તો કેટલાંક એને નોન-સેન્સ કહેતાં ફરે છે પણ મજાની વાત એ છે કે એ જ પાછાં ‘ચાલો ને કરી જોઇયે જરા, એમાં આપણું શું જાય છે’ એમ માની ને એ જ વહેમોને છાના અનુસરે પણ છે ! કદાચ આ બધાં વહેમોના મૂળમાં માનવીની ‘Survival instinct’ અને ‘Fear of unknown’ જેવી ભાવનાઓ વચ્ચે ક્યાંક સંતુલન શોધવાની વૃત્તિ તો નહીં હોય ને ? તમે શું માનો છો ?