આંબો – વર્ષા અડાલજા

[‘ઉત્સવ’ સામાયિકમાંથી સાભાર.]

ઉર્વશીએ કોટેજીસના રાઉન્ડ લીધા. બધે સવારની પ્રવૃત્તિઓ ચાલતી હતી. નહાવું-ધોવું, સફાઈ, પાઠપૂજા… દરેકનાં ખબરઅંતર પૂછતી જતી હતી. ‘કાલે તાવ હતો, આજે કેમ છે ?’, ‘જે શ્રીકૃષ્ણ અનુકાકા, ગાર્ડનિંગમાંથી પરવાર્યા ? આજે ઑફિસમાં તમારું કામ છે હોં !….’, ‘નીરુમાસી, આજે કૉમ્પ્યુટર ટીચર આવવાના છે, તૈયાર છો ને ?’ છેલ્લે કિચનમાં ડોકિયું કર્યું, વાસણો સ્વચ્છ છે જોઈ લીધાં, કોઠારમાં અનાજ પર નજર ફેરવી લીધી. સબ સલામતનો શ્વાસ ભરતી હોય એમ ઉર્વશી ઑફિસમાં આવી. ઑફિસ આમ તો માનવાચક નામ. ટેબલ-ખુરશી અને થોડાં રજિસ્ટર, એક ફોન, જે મોટે ભાગે આઉટ ઑફ ઑર્ડર રહેતો, પણ મોબાઈલ હતા, ખાસ તકલીફ નહોતી.

‘બેન જુઓ, આંબો વાવું છું.’ રક્ષાની બૂમ સાંભળી ઉર્વશી બહાર આવી. ઑફિસેથી દૂર ખાડો કરી નાનકડી રક્ષા ગોટલો અંદર મૂકી ધૂળ વાળી રહી હતી. ઉર્વશીને જોતાં ખુશખુશાલ થતી બોલી,
‘આંયા મારો આંબો ઊગશે કેસર કેરીનો હોં ! પછી બઉ બધી કેરી થાશે જોજો.’
‘અરે પણ આશ્રમની પાછળ તો આપણે આંબા ને ચીકુ વાવ્યા છે ને !’ રક્ષાએ ધીમી ધારે પાણી રેડ્યું અને હેતથી ભીની માટીના ક્યારા જેવું કરતાં કહ્યું.
‘પણ આ તો મારો આંબો મારી એકલીનો.’
‘પણ આમ વચ્ચોવચ્ચ ?’
‘આંબો મોટો થાશે, ઘેઘૂર થાશે પછી તમારી ઑફિસને છાંયો કરશેને ! એટલે આંઈ વાવી દીધો.’ ઉર્વશીએ ઘડો વાંકો વાળી હાથ ધોવડાવ્યા, હસીને એને ટપલી મારતાં કહ્યું :
‘તારો એકલીનો આંબો એટલી સ્વાર્થી થઈશ તું બેટા ?’
‘ના રે બેન. હું તો ટોપલો ભરીને હંધાય પાસે જઈશ અને સૌને દઈશ કઈશ, રક્ષાડીની કેરીયું ખાવ, પણ આંબો સુવાંગ તમારા હારૂ હોં બેન ! ઑફિસ માથે છાંયો થાય તો તમને તાપ નો લાગે. શેરની મોટી ઑફિસમાં તો ઠંડીનું મશીન હોય ને !’

રક્ષાનાં ફ્રોકનાં બટન ઊંધાચત્તાં બીડેલાં હતાં. એ ઠીક કરતાં ઉર્વશીએ ફરી ટપારી,
‘કેમ રે, મારું બઉ ધ્યાન રાખે છે ને કાંઈ તું ?’
રક્ષા ઊલટથી ગળે વળગી પડી.
‘તમે સંધાયનું ધીયાન રાખો છો ને ! જો જો ને ! મારો આંબો જોતજોતામાં મોટો થઈ જાશે પછી તમુને છાંયો કરશે.’ રક્ષા ખીલખીલ કરતી દોડી ગઈ. ઉર્વશી ઊભી રહી ગઈ. ઉનાળાના ચડતા તડકામાં કોટેજીસનાં લાલ છાપરાં ચળકી રહ્યાં હતાં. કેટકેટલા લોકો આશ્રમના આંબાની છાંય પામ્યા હતા ! એણે આશ્રમને આપ્યું હતું એના કરતાં આ સિમેન્ટ કોંક્રિટનાં નાનાં મકાનોએ એનામાં ચેતનનો સંચાર કર્યો હતો. નાના ચોગાનમાં હારબંધ 26 કોટેજીસ. આશ્રમની પાછળ થોડી જમીન અને આ એક નાનો ઓરડો નામે ઑફિસ. એક દિવસ એ ઉઝરડાયેલી થાકેલી અહીં આવી હતી અને આ ધરતીમાં વેલની જેમ નવપલ્લિત થઈ હતી.

ખૂબ તાપ લાગતો હતો. એ ઑફિસમાં આવી અને પંખો ચાલુ કર્યો, પંખો સ્થિર ઊભો રહ્યો. ઈલેક્ટ્રિસિટી ગઈ લાગતી હતી. ઉર્વશીએ સાડીના છેડાથી હવા નાખવા માંડી. આવી જ બળબળતી લહાય છાતીમાં ભરી એ એક દિવસ માને લઈને અહીં આવી હતી. ટેબલ પાછળની બારી ખોલી, ગરમ હવાની એક આછીપાતળી લહેર વહી આવી. જીવનમાં કદી ધાર્યું હતું, એ આશ્રમમાં આવીને રહેશે ? બા, બાપુજી અને પોતે, ત્રણ જણનો મધમીઠો સંસાર. બાપુજી સાધારણ ભણેલા. નાની નોકરી. ભોળા અને સાફ દિલ. બા પણ છ ધોરણ ભણેલી, નાના ગામની. પરણીને સંસાર માંડ્યો અને હેતથી ઘરની દીવાલ રંગી, જાત ઘસી ઘરમાં ઉજાસ કર્યો. એમ તો બાપુજીને બે ભાઈઓ. નામ અને દામ રળેલા. એકને શ્રીમંત સસરાની સીડી હાથ લાગી ગયેલી અને બીજામાં ભરપૂર ચાલાકી. બંને સડસડાટ સીડી ચડી ગયેલા, પણ બા-બાપુજીને કદી ભાઈ-ભાભીઓને ઈર્ષ્યા કરતાં નહોતાં જોયેલાં એણે. વાર-તહેવારે ઔપચારિક મળી લે એવો ખપપૂરતો જ સંબંધ બંને કુટુંબોએ રાખેલો.

અવારનવાર મોટાકાકા કહે,
‘હસમુખ અને ચંદ્રિકા, તમે બે તો બહુ સુખી. છે કાંઈ ઝંઝટ ? એક જ દીકરી, ઉર્વશી. અમને જુઓ, સૌને થાય કે આટલી ઈન્ડસ્ટ્રી છે અને પરદેશની ઊડાઊડ ! પણ સાચું કહું ? હૈયાવરાળ છે બધી. ભગવાને ત્રણ ત્રણ દીકરા દીધા છે, પણ અસલી જીવન તમારું. લ્યો, ચંદ્રિકાભાભી આ મીઠાઈના ડબ્બા રાખી લ્યો, ઉર્વશીએ આવી મીઠાઈ ક્યાંથી ખાધી હોય ? અમારે તો ફ્રિજ ભરેલાં હોય. તમને એવા ખર્ચા થોડા કરાવાય ? મને થયું અમારે ત્યાં પડી રહેશે. તમે ખાઈ જજો. ગયે મહિને ઢગલો ખાવાનું અનાથાશ્રમમાં મોકલાવી દીધું. ફેંકી દેવું એનાં કરતાં કોઈ ખાય અને આશીર્વાદ દે, તમને ખબર છે ? અમારી કૂતરી લ્યો, કૂતરી શેની દીકરી જ વળી. એને મીઠાઈ ભાવે બહુ પણ રાણીને સ્કિન એલર્જી થઈ જાય છે. તે… મને થયું તમને…. રાજી ને !’

તો કોઈવાર ડ્રાઈવર સાડીઓનું પોટલું મૂકી જાય, પછી ફોન શરૂ થઈ જાય.
‘ચંદ્રિકાભાભી સાડીઓ જોઈને ? હવે તમે ય શું આટલી બધી થોડી છે ! અમારે શું મોટી વહુને મોટું પાર્ટી સર્કલ. એમાં એકનાં એક કપડાં ન પહેરાય. પાછું અમારું સ્ટેટસ એવું ને ! તમારા જેઠજીનું મોં ભરાય એવું નામ કૃષ્ણકાંત સાહેબ. એમનો તો હુકમ, વહુઓએ કરકસર નો કરવી. એટલે બચાડી વહુઓ શોપિંગ કર્યે રાખે. તમે માનશો ગઈ દિવાળીએ ભારે ભારે સાડીઓ ડ્રાઈવરને પધરાવી દીધી. આ વખતે થયું તમને આપું. એમાં જરીની પૈઠણી અને અસ્સલ પટોળાંય છે હોં !’
ચંદ્રિકાબહેન ખૂબ હરખાયા.
‘સાચું કહું મોટીભાભી ? આજકાલ જેઠિયા દેરિયામાં સંપ જ ક્યાં છે ? આ તમે બહુ રાખો છો અમારું હોં !’
‘એમાં રાખો છો ચંદ્રિકાભાભી ! આપણું એક કુટુંબ. એમાંથી જરાતરા સાડીઓ પહેરી છે, પછી શું રિપીટ ન થાય ને એટલે…. આપણે તો એક લોહી. અમારું તો તમને ચાલે. તમારે જઈ જઈને ક્યાં જવાનું ? તો કે જ્ઞાતિના મેળાવડામાં ને સગાનાં લગનમાં. એટલે તમારે તો આ કપડાં ઓહોહો !’

અચાનક પંખો ફરવા લાગ્યો. હાશ, ઈલેક્ટ્રિસિટી આવી ગઈ. સૂરજનાં કિરણો ઑફિસના ઓરડાને જાણે વહેરી રહ્યાં હતાં. પંખો જાણે ગરમ હવાને ઓરડામાં ફંગોળતો હતો. ઉર્વશીએ ટેબલ પરનો ગ્લાસ લીધો. પાણી ગરમ થઈ ગયું હતું. એણે માટલામાંથી બીજો ગ્લાસ ભર્યો. રક્ષા બે-ત્રણ વાર માટલાને ભીનું કપડું વીંટાળી જતી. ઉર્વશી એક ઘૂંટડે પાણી પી ગઈ. ગ્લાસ ટેબલ પર મૂકતાં ફોટા પર નજર પડી. બા પોતાને તેડીને ઊભી છે. એ ત્રણેક વર્ષની હશે. એની સ્કૂલનો પહેલો દિવસ હતો અને બાપુજીએ પાડોશીને કહીને ખાસ એમના કેમેરાથી આ ફોટો પડાવેલો. તસવીરમાં પણ બા કેવી આનંદી અને પ્રેમાળ દેખાતી હતી ! પોતે મોડી જન્મેલી. ફોટામાં પહેરેલું આ ગુલાબી ફ્રોક. ઉર્વશીએ ફોટો ખસેડી દીધો. મોટાકાકીની પૌત્રીનું ઊતરેલું ફ્રોક. એટલે જ આ ફોટો ન ગમતો, પણ બાની યુવાનીની આ એક જ સુંદર તસવીર હતી, એનાં શૈશવની પણ. એને ભાગે પણ કાકાનાં સંતાનોનાં ઊતરેલાં કપડાં, શૂઝ, રમકડાં આવ્યાં હતાં. બા-બાપુજી રાજી થતાં, અમારા ભાઈઓ તો સાચ્ચે જ રાજામાણસ. એ આઠ-દસની થઈ ત્યારે ઘણીવાર કાર તેડવા આવતી અને કાકાઓને ઘરે બર્થ-ડે પાર્ટીમાં જતી, પણ ધીમેધીમે એને સમજાવા લાગ્યું હતું કે માત્ર ચીજવસ્તુ જ નહીં પણ એને જીવન પણ એમનું ઊતરેલું જીવવાનું હતું.

મોટાકાકાનો ફોન કદી આવતો, બાપુજી હરખઘેલા થઈ દોડતા, એ કાન માંડીને સાંભળતી.
‘જો ભાઈ ઉર્વશી મોટી થતી જાય છે. એને ભણાવજે હોં ! તો જ તમારા બેનો કાંક ઉદ્ધાર થાશે અને એનો પણ. ઢ રહી જશે તો સરખું સાસરું ય નહીં મળે સમજ્યો ! ફી જોઈએ તો મારી પાસેથી લઈ જજે. મારે તો આમેય ગરીબ વિદ્યાર્થીઓને ચેરિટીમાં સ્કોલરશિપ આપું છું તો ઉર્વશી મને થોડી ભારે પડશે ?’

ઉર્વશીએ એક દિવસ આવેલી મોટર પાછી વાળી દીધી અને ઘરમાં જાહેર કરી દીધું, ‘હવેથી હું મોટાકાકાને ત્યાં કોઈ ફંકશનમાં નહીં જાઉં કહી દીધું. અને બીજી વાત, બાપુજી તમે જેવાં કપડાં અપાવશો એવાં પહેરીશ, પણ એમનાં ઊતરેલાં તો કદી નહીં પહેરું અને તમનેય નહીં પહેરવા દઉં.’
‘અરે પણ આપણે તો ભાઈબહેનો બેટા !’
‘બા, એ બધો ઉપરથી દેખાડો. ભાઈબેનો છીએ તો એમને ત્યાં મોટી પાર્ટીઓ અને કંઈ ને કંઈ થતું રહે છે ત્યારે કેમ તમને નથી આમંત્રણ મળતું ? કારણ કે એમને આપણી શરમ આવે છે.’
‘એવું હોય બેટા ?’
‘બા-બાપુજી શાંતિથી વિચારો, સમજો. બા તું તો માતાજીની ભકત છે ખબર છે ને કાકા-કાકીઓને બધી ? ક્યારેક તારા નવરાત્રિ અપવાસે વધેલાં સડેલાં ફ્રૂટ્સ મોકલે છે ને.’
‘પણ હા…તો…..’
‘તો એ કે કાલે જ એમને ઘરે નવચંડી યજ્ઞ હતો. ખાસ ગુજરાતથી બ્રાહ્મણો આવેલા, મોટું ફંકશન હતું.’
‘હેં સાચ્ચેસાચ ! હું દરસન કરતને !’ એ ઊંચે સાદે બોલી હતી.
‘પણ તને બોલાવી હોત તો ને ! એમાં બધી સેલિબ્રિટીઝ આવી હતી. મેયર હતા, મિનિસ્ટર હતા. એમાં બિચ્ચારા બાપડા હસમુખ-ચંદ્રિકા આવે તો એમના સ્ટેટસમાં પંકચર ન પડી જાય ? આજે પ્રસાદ પણ નહીં મોકલાવે. તમને ખબર પડી જાય ને ! મને તો મારી ફ્રેન્ડે કહ્યું, એ પૂજામાં ગઈ હતી.’ – વાત તો ખરી હતી. ભાઈના સમગ્ર પરિવારનો યજ્ઞમાં બીડું હોમતાં પ્રધાન સાથેનો ફોટો હતો છાપામાં.

શા માટે આ બળબળતી પીડા હજુ એને અકળાવી મૂકે છે ?
ઉર્વશી ઊઠી અને ફોટો ફ્રેમમાંથી કાઢી એનો ફોટો કાતરથી કાપી નાખ્યો. બસ, બા તસ્વીરમાં રહી ગઈ એકલી, હસતી. એને નિષ્પલક આંખે તાકી રહેલી. ભૂતકાળ કાપી નાંખવાથી યેં મનમાં સ્મૃતિનું આ સળવળ સળવળ થવું મૂઠીમાં કેદ કરી બંધ કરી શકાતું હોત તો ? એને ખૂબ આનંદ થયો હતો જ્યારે ડ્રાઈવર પોટલું લઈને આવ્યો ત્યારે બાએ એને પાછો વાળ્યો હતો. થોડી જ વારમાં ધૂંઆપૂંઆ મોટાકાકાનો ફોન આવ્યો હતો.
‘આ શું માંડ્યું છે હસમુખ ? મારું આવું અપમાન ? આટલી અક્કડ ?’
બાપુજી ગભરાઈ ગયેલા, એણે તરત ફોન હાથમાં લઈ લીધો હતો અને મીઠાશથી કહ્યું હતું :
‘કેમ છો મોટાકાકા ?’
એમણે બરાડો પાડ્યો હતો : ‘મજામાં નથી, સમજી છોડી ! હું જરાય મજામાં નથી. તને ખબર છે આજ ખાસ તારા માટે તારી કાકીએ કપડાં મોકલ્યાં હતાં કે તું કોલેજ જતી થઈ, ઢંગના કપડાં તો જોવે ને ! અને તારી માએ…..’
‘ખબર છે મોટાકાકા. મેં જ ના પાડી હતી. મારી ફેશન અને ફિટિંગ અલગ જ હોય છે કાકા. પાછું કલર પણ અમુક જ ગમે. મારું, અમારા ફેમિલીનું શોપિંગ હું કરી લઈશ, તમે કોઈ જરૂરિયાતવાળાને…. અરે હા, આશ્રમમાં જ મોકલાવી દો ને ! બિચ્ચારાં ગરીબ બાળકોની દુઆ મળશે કાકા.’
મોટાકાકા ફાટેલે સ્વરે બોલ્યા : ‘એમ કે ને તારે સંબંધ કાપી નાખવો છે છોડી ? આ સારું નથી. સારું નથી. સગાંવહાલાંઓની ઓથ કોને કહેવાય એની તને હવે ખબર પડશે. આજ સુધી અમે તમને પાળ્યાં પોષ્યાં…..’
‘એકઝેટલી કાકા. તમારી પર પણ ક્યાં સુધી બોજો બનવું ? અમારી તમને કેટલી ચિંતા હતી મને ક્યાં નથી ખબર ? એટલે જ તમને મુક્ત કરવા જ…..’ ધડામ ફોન મુકાઈ ગયો. હસમુખભાઈ હાંફળા ફાંફળા થઈ ગયા. ઉર્વશીએ સધિયારો આપ્યો,
‘બાપુજી, તમે શેના ડરો છો ? એ કંઈ ગોળીએ મારવાના છે ? એ કોઈ દિવસ કામ લાગવાના છે ? એમના પોતાનાં અહંકારને પોષવા એ એમનું વધ્યુંઘટ્યું આપતા હતા. આપણે પણ સ્વમાન હોય કે નહીં ?’
ચંદ્રિકાબહેને તરત ઉમેર્યું :
‘વાત તો ખરી. આપણે જ આંખે પાટા બાંધ્યા હતા, પણ ઉઘાડું હતું તે મૂઉં દેખાયું કાં નહીં ?’ ઉર્વશી બાને ગળે વળગી પડી. મારાં બા-બાપુજી વર્લ્ડમાં ગ્રેટેસ્ટ છે. એમને કોઈનાં ઓશિયાળા જોવા મને જરાય ન ગમે. ચંદ્રિકાબહેનને દીકરી પર વહાલ ઊભરાયું. ‘મા-બાપ દીકરીને કેળવણી આપતાં હોય છે. અમારી દીકરીએ અમને સદબુદ્ધિ આપી. જો તારી વાત અમે સ્વીકારી, અમારી તું સ્વીકાર. આપણે સાવ સંબંધ ન કાપવો. ઉપરછલ્લો તો એમ પછી એમની મરજી.’

‘ઉર્વશીબેન, લ્યો તમે આમ આંઈ પૂતળાની જેમ કાં બેઠા છો ? પાણીના પાઈપમાં કાંક ગડબડ છે તે પ્લમ્બર આવ્યો છે ને બહાર બે-ચાર જણાં વડીલ છે. એડમિશન હારૂ અને આ ટપાલ. ચા લાવી દઉં બેન ?’ મુક્તાબેન ઑફિસની સફાઈ કરવા લાગ્યા.
ઉર્વશીએ કહ્યું : ‘રંજનબહેનને કહો ને કે એ બધાં કામ પતાવી લે. મને જરા માથું ભારે લાગે છે.’ મુક્તાબેન ઝટપટ આવ્યાં ને સાવરણી મૂકી ઉર્વશીનું માથું દાબવા લાગ્યા. ‘તે દુ:ખે જ ને ! આખો દાડો લમણાંઝીક. તમે આંઈ આવ્યાં ને આશરમનો ચારજ લીધો ને ઈની પહેલાં હાવ આ બધું બંજર હતું. તમે આઈવા ને નંદનવન થયું. કેટકેટલાંને આંઈ આસરો દીધો તમે બેન !’

ઉર્વશીને માથે ફરતો હાથ ખૂબ હૂંફાળો લાગતો હતો. મુક્તાને શું ખબર ? આશરો લેવા તો એ આવી હતી, માને લઈને. ટ્યૂશન કરી એણે ઘરને ટેકો કર્યો હતો, આપબળે ભણી હતી. સોશિયલ સાયન્સિઝની ડિગ્રી લીધી હતી. બાપુજીની બહુ ઈચ્છા એમની એકની એક દીકરી ઉર્વશીનાં લગ્ન થાય પણ ત્યાં તો બાપુજી પ્રોસ્ટેટ કેન્સરમાં મૃત્યુ પામ્યા. થોડીઘણી બચત પૂરી થઈ ગઈ. બાને કોને ભરોસે મૂકી પોતાનું ઘર ચલાવવા ચાલી જાય. એની સાથે જે યુવાનને લગ્ન કરવા હતા તેને એણે કહી જોયું હતું. તમારાં બા-બાપુજીની હું કાળજી લઉં, તમારો સંસાર ચલાવું એવી અપેક્ષા છે તમને મારી પાસે તો તમે પણ મારી બાની કાળજી રાખો એમ કહું તો એમાં ખોટું શું છે ?
એ હસી પડેલો,
‘મને તારી પાસેથી દહેજની કોઈ જ અપેક્ષા નથી પણ તું તારી સાથે તારી મા લાવે…. સોરી ઉર્વશી.’

ઉર્વશીએ પોતાનો નિર્ણય લઈ લીધો. મુંબઈનું ઘર વેચી એ બાને લઈ આ જ સિનિયર સિટીઝન હોમમાં એક આવી જ બપોરે આવીને ઊભી રહી. ‘આધાર’ નામનો એન.જી.ઓ. આ સિનિયર સિટીઝન હોમ ચલાવતું હતું. અહીં વયસ્ક ભાઈ-બહેનો તો આવતાં પણ સાથે યુવાન સંતાન પણ રહેવા આવે એ આશ્ચર્યની ઘટના હતી. એક બહેન અહીં રહી દેખરેખ રાખતાં બાકી ટ્રસ્ટીમંડળના સભ્યો અવારનવાર આવી ચાલી જતા.

એ લોકોએ એને મેનેજમેન્ટ સોંપી દીધું. એને સંસ્થાનો અનુભવ અને ડિગ્રી. ચાર વર્ષમાં તો એણે ભગીરથ કાર્ય કર્યું. ટ્રસ્ટીઓ પાસે ડોનેશન ડ્રાઈવ કરી પૈસા ભેગા કર્યા, પાઈ પાઈનો હિસાબ રાખ્યો અને અહીં વસતા વડીલોને નક્કામા બેસી રહેવાને બદલે ભજન-કીર્તનના કાર્યક્રમને બદલે સૌને પોતાની ક્ષમતા મુજબ જવાબદારી આપી, કાર્યમાં સહભાગી બનાવ્યા. બહુ અઘરું હતું આ. ‘અમે જિંદગીને છેવાડે છીએ, હવે શું કામ કરીએ ?’ એવું એ કહેનારા હતા, પણ પ્રેમ, સમજાવટ અને દબાણ કરીનેય એણે સંઘ ચાલતો કર્યો. અને આજે એનો આશ્રમ માત્ર નવરાધૂપ સિનિયર સિટીઝન્સનો મેળો નથી, એક મોડેલ ટાઉનશિપ છે. બીજી સંસ્થાઓના કાર્યકરો સંસ્થા જોવા આવે છે.

ઉર્વશીને ખૂબ સારું લાગ્યું. એણે મુક્તાબહેનનો હાથ પકડી લીધો.
‘આ ચમત્કાર કાંઈ મારી એકલીનો નથી, તમારા સૌનો છે. યાદ છે ને ! શરૂઆતમાં ચંદેસાહેબ રોજ રાત્રે પીને આવતા અને મારી સાથે ઝઘડો કરતાં. તમારા પતિદેવે એની સાન ઠેકાણે ન લાવી હોત તો અત્યારે આ દારૂની કલબ બની ગઈ હોત.’
‘ઈ તો બેન ડુંગરો તો તમે ઊંચક્યો અમે સૌએ તો ટેકો કર્યો. જુઓને ! આ જ તો બા મંડી પડ્યાં છે સવારથી.’
‘વળી શું ઉધામો કર્યો ? વ્હીલચેરમાં બેઠે બેઠે ય આ જ સહુને કસરત… સું ક્યો એને ?’
‘ફિઝિયોથેરપી.’
‘ઈ જ. ચાર-પાંચને ભેગા કરી કસરત કરાવે છે. જોતાં હસવું ય આવે ને ડોશી વાલાં ય લાગે. પંડનું ઠેકાણું નથી ને આમતેમ વાંકાચૂકાં થાય છે.’
ઊર્વશી હસી પડી ને ઊભી થઈ.

‘મારા ફાધરને અહીં દાખલ કરવા છે. વ્હોટ ઈઝ ધ ફોર્માલિટી ?’
કશુંક પરિચિત.
શું છે ? કોણ છે ? ઉર્વશીએ ચમકીને ઉપર જોયું. એક યુવાન ઊભો હતો, બાજુમાં લાકડીને ટેકે વૃદ્ધજન. એણે શાંતિથી પૂછ્યું :
‘યસ !’
એ યુવાને તરત હળવાશથી કહ્યું : ‘ઓહ કોણ ઉર્વશી ? તું અહીં છે ? તો તો ચિંતા નથી. હું નીરવ. ન ઓળખ્યો મને ?’
ઉર્વશીએ સ્વસ્થતાથી કહ્યું : ‘તમને લોકોને ન ઓળખું તેમ બને ? આ તમારા ફાધર….’
‘બેટા ! હું મોટાકાકા….’ ધ્રૂજતે સ્વરે એ બોલ્યા.
‘ઓહ યસ મિ. કૃષ્ણકાંત, નમસ્તે. નીરવ, વાત એમ છે કે એડમિશન માટે તો વેઈટિંગ લિસ્ટ છે, તમે ફોર્મ ભરીને મૂકી જાઓ. તમારો ચાન્સ લાગશે તો…..’
‘કમ ઓન ઉર્વશી. તું તો મારી બહેન. અમારે શેનું વેઈટિંગ લિસ્ટ ?’
‘સોરી મિ. નીરવ, અહીં ડિસિપ્લિનથી કામ થાય છે. અમારા નિયમોની વિરુદ્ધ હું કશું ન કરી શકું. મુક્તાબહેન, આ ભાઈને ફાઈલમાંથી ફોર્મ આપી દેજો. બધી વિગતો ભરીને મૂકી જાઓ, અમે તમને જગ્યા થયે, કોન્ટેક્ટ કરીશું.’
‘પણ ઉર્વશી બેટા !’
‘મિ. કૃષ્ણકાંત, લંચ ટાઈમ થઈ ગયો છે. મારી માને પેરેલિસિસ છે. એને મારાં હાથે જ હું જમાડું છું. મારો સમય થઈ ગયો છે, બા રાહ જોતી હશે. ફોર્મ ભરી દેજો. આવજો.’ ઉર્વશી ઉતાવળે બાના કોટેજ તરફ ચાલવા માંડી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રકીર્ણ – મોહમ્મદ માંકડ
વાંચન વૈવિધ્ય – સંકલિત Next »   

24 પ્રતિભાવો : આંબો – વર્ષા અડાલજા

 1. aarohi says:

  nice story. ગયા જન્મ મા જો સારા કામ કર્યા હોય તો આવી દિકરી મળે. ઘરડા માબાપ ને એક જ વસ્તુ જોઇએ છે અને તે છે હુફ, ૨૪ કલાક માથી એક કલાકની પ્રેમભરી વાતચિત . જ્યારે સન્તાન આ સમજી જાય ત્યારે કોઇ દુખી નહિ થાય્ .

  all the best

 2. જય પટેલ says:

  વૃધ્ધાશ્રમ પર આધારિત આ વાર્તા સુંદર મેસેજ આપે છે.

  વૃધ્ધાશ્રમ સિનીયર સિટીઝનોનું એક મોડેલ ટાઉનશીપ બને.
  સિનીયર સિટીઝન નવરાધૂપ બેસી રહેવાને બદલે રાષ્ટ્રની પ્રોડકટીવીટીમાં
  પોતાનો અનુભવ કામે લગાડી રાષ્ટ્ર નિર્માણમાં ચાવીરૂપ ભુમિકા અર્જીત કરે.

  ખુબ જ સુંદર વિચાર લેખિકાએ વાર્તા દ્વારા આપ્યો છે.
  ગુજરાતનાં ઘરડાંઘર માટે પ્રેરણારૂપ વાર્તા.

 3. Devina says:

  VARSHA BEN YOU ALWAYS WRITE GOOD STORIES

 4. trupti says:

  Varshabe you rock.

  Really very nice and effective story.
  દિકરો મા-બાપ ના કુળ ને તારે કે ડુબાડે? જયારે દિકરી મા-બાપ અને સાસરીયા ને કુળ ને તારે. જે કાકા ને પૈસાનુ અભિમાન હતુ તેમનુ તે અભિમાન દિકરી (ભત્રીજી) એ તોડ્યુ અને હાથો હતો કાકા નો પોતાનો જ પુત્ર.વર્ષા બહેન ની વાર્તા હોય પછિ પુછવુ જ શુ?

  • Gopal Shah says:

   I agree with you Triupti ben, that this is a great sotry. How ever I do not agree with what you said about Son and Daughter…. દીકરો કે દિકરિ બન્ને મા-બાપ ના કુળને તારે કે દુબાડિ શકે છે… ફર્ક એટલો કે દિકરો એકજ કુળને તારે કે ડુબાડે – જયારે દિકરિ બે કુળોને તારે કે ડુબાડે….

 5. dhiraj says:

  ખુબ સરસ વાર્તા.
  અંત થોડો ના ગમ્યો.
  શરૂઆત થી જે ઉર્વશી નુ ચીત્ર મન માં દોરાયુ હતુ તે અંત માં થોડુ બદલાઈ ગયુ
  પણ કદાચ એ પણ સાચુ છે કે “રામ બાણ વાગ્યા હોય તે જાણે”

 6. Moxesh Shah says:

  Typical Varshaben style Story.

  Nothing new. No freshness. As usual partial and filmy style story.

  Mrugeshbhai, When Gujarati Sahitya will come out from such mentality?

  • p shah says:

   this is not a filmy story but films are made on such stories as now youngstars are not interested in any cultural reading but interested in movies . so story is not from movie but movies are from such stories/

   • Moxesh Shah says:

    If you are knowing any film, made on such story, please let me know. I will like to see it.
    I also confirm that the story is not from any film but the story is filmy style, if you can accept.

 7. Jinal Patel says:

  અન્ત શરુઆત જેટ્લો મજબુત ન લાગ્યો.

 8. Veena Dave. USA says:

  સંસ્કાર હાટડીમા વેચાતા નથી મળતા. શ્રીમંતોનુ ઘમંડ એમના સંતાનો જ ઉતારતા હોય છે.

 9. Payal says:

  Typical story with a predictable end. I like Varshaben’s writing but felt that something was missing content wise in this particular story.

 10. Ramesh Desai says:

  Nice story around self pride Girl caring her parents.

 11. nayan panchal says:

  ખૂબ જ સરસ વાર્તા, માત્ર અંતને બાદ કરતા. ઉર્વશીને મોટી બતાવવા માટે કૃષ્ણકાંતજીને નબળા બતાવવાની કોઈ જ જરૂરત ન્હોતી..

  મને વાર્તાલેખનની રીત ઘણી ગમી. ફ્લેશબેકનો સરસ ઉપયોગ.

  આભાર,
  નયન

 12. કુણાલ says:

  કદાચ વાસ્તવિકતાથી થોડી દુર અને આદર્શ માપદંડો – દિકરી માટેના, સ્વાભિમાન માટેના, વગેરે – ને દર્શાવતી વાર્તા…..

  હું જો મારી વાત કરું અને ભારતના અનેક કરોડ લોકોની તો એ બધાં પણ આ રીતે પોતાના સગાંઓના કપડાં પહેરીને મોટાં થયાં હશે … હું તો થયો છું… નહિ તો મેં મારા મનમાં આ રીતનો વિચાર આવવા દીધો હતો નહિ તો કોઈ સાથે સંબંધ કાપ્યો હતો… અને હા, એની પાછળ મફતની વસ્તુ વાપરતા રહેવાની સસ્તી અને હલકી વિચારસરણી પણ નહોતી… મને તો આમાં ઉર્વશીબેન થોડા મિથ્યાભિમાની લાગ્યા….

  • preeti says:

   તમારેી વાત સાચેી છે, કોઇ ના કપડા પહેરિ ને મોટા થવુ એ ખોટી વાત નથેી પણ જો એ લોકો એમનુ અભિમાન્ પોષવા ખાતર તમારેી હેલ્પ કરે તો એ ખોટુ છે….

   મને ઊર્વશિ ના એમનેી માટે ના ગુસ્સા મા કાઇ વધારે પડ્તુ નથ લાગતુ…

   કાશ સાચે જ એ લોકો એમના ભાઇ ને લાગણેી થેી મદદ કરતા હોત….

 13. Anami says:

  I am agree with Kunal’s comemnt. Event today also in India youngers are sometimes wearing elder siblings cloth. Children grows up fast and clothes are sometimes looks new only. That time brininging new cloth is not worth even though you can afford it. They just want to utilize it. Samething with winter clothes.

  Occassional dresses are costly and should not be throw. You can give it to poor people but they can’t wear that daily.

  ha pan koi jo daya khai ne ke tame laachar cho evu batavi ne aaptu hoi to na levu joiye. Ahi motakaka varr-tehvare nava kapda pan moklavi shakta. Prem thi koi e aapeli cooton ni sari ni kimat evi rite aapeli silk saree karta ghani vadhu hoi che.

  Ghana loko kapda aape ane e pehri tame bahar jav to badha ni vachhe puche “Are tane to aa saras aavi gayu amari pappu ne taru map ek j kehvay.. aa mari papu pase ghana kapda thai gaya ane kabat ma jagya nohti te mane thyu ke aa bapdi ne aapi dav to pehrse. Jo kevi saras lage che…” etc. eva loko pase thi kadai mada na levi.

 14. urmila says:

  Nothing wrong in wearing used clothes of your relatives BUT
  if they are passd down to you from your relative because ‘ they pity you and look down upon you because you are not financially secure/
  AND they are not decent enough to buy you clothes of your own choice but thinks you deserve only cast offs of their children
  or you are not ‘good enough relative of high society culture ‘ to be invited to a celebration because you are an embarasement to them –
  THEN YES used clothes should be rejected and relations should be cut off to lead your own life

  • tejas says:

   better to distribute such clothes into poors instead of rejecting those ,cause rejection may lead to breakup of relation . its good to avoid contact with such person instead breakingup realtions ,because may in future we need their favour regarding any work as these riches have influences anywhere so wait n watch til we reach to their status ,and never forget wat we wereand try keep away frm such bad habits which humiliates othrs and poors.

 15. Ashish Dave says:

  Very well written story… end could have been better.

  Ashish Dave
  Sunnyvale, California

 16. Rachana says:

  વાર્તા ખુબજ સરસ હતી…માફ કરજો પણ મને અભિપ્રયો વાંચી થોડુ હસવુ આવી ગયુ..બધા વાર્તાના મુખ્ય હાર્દને બાજુ પર મુકી ઉતરેલા કપડાની વાત માંડી બેઠા….

 17. ઉર્વશિબેન શરુઆત થિ જ લઘુતા ગ્રન્થિ થિ પિડાતા હોય તેવુ વધારે લાગ્યુ ,જે રિતે તેમણે કાકા અને તેમના દિકરા સાથે વ્યવહાર કર્યો તેમા પણ બદલા નિ ભાવના છતિ થાય છે

 18. hirva says:

  story is good but as usval end.Deevar film ni yaad avi. “me aaj bi feke hua paise ni uthata”.self respect and proud is different

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.