વાંચન વૈવિધ્ય – સંકલિત

[1] પદયાત્રીઓની સેવા – અનિલ શાહ

[ રીડગુજરાતીને આ પ્રસંગ મોકલવા માટે શ્રી અનિલ ભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર.]

હમણાં થોડા સમયથી મેં પૂનમે ડાકોર પદયાત્રા પર જવાનું શરૂ કર્યું છે. વડોદરાથી અમારો સંઘ બપોરે નીકળે. પહેલો મુકામ વાસદ પાસે આવે. બીજે દિવસે સવારે વાસદથી નીકળવાનું થાય ત્યારે એક બહેન ગરમાગરમ ઉપમા લઈને આવે. મારુતિવાનમાં એમની સાથે બે-ચાર સહાયક છોકરાઓ હોય અને મોટું તપેલું ભરીને ઉપમા હોય. તેમની પ્રવૃત્તિ માત્ર પદયાત્રિકોની સેવા કરવાની. નિ:સ્વાર્થ ભાવે સૌને પ્રેમપૂર્વક નાસ્તો કરાવીને ‘જય રણછોડ’ કહી વિદાય લે. તેમનો ઉત્સાહ, ચપળતા અને કાર્યપદ્ધતિ જોઈને મને તેમના પ્રત્યે માન ઉપજ્યું અને સાથે જાણવાનું કૂતુહલ પણ થયું કે કોણ હશે આ બાઈ ? પદયાત્રા દરમ્યાન એક મિત્રને પૂછતાં જાણવા મળ્યું કે એ બહેન છેલ્લાં પાંચ વર્ષથી સૌ યાત્રિકોની આ રીતે સેવા કરે છે. દર પૂનમે વાસદની આસપાસ રોકાયેલા સંઘોમાં ફરી વળે અને સૌને સવારનો નાસ્તો પહોંચાડીને વડોદરા પાછા ફરે. એ અને એમના પતિએ નક્કી કર્યું હતું કે જીવનની ઘટમાળમાંથી થોડો સમય કાઢીને સમાજ માટે કંઈક કરવું – અને અનાયાસે આ પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ. હમણાં બે વર્ષ પહેલાં એમના પતિનું અવસાન થયું ત્યારે બે દિવસ પછી પૂનમ હતી ! ઘરમાં પતિનું શબ હતું, સગાંસ્નેહીઓ હતાં, તેમ છતાં એ બહેને પોતાનું મન મક્કમ કરીને કહ્યું કે, ‘હું પદયાત્રીઓને ભોજન કરાવીને આવું છું. આ એમણે શરૂ કરેલું કામ છે માટે એમાં રજા ન પડાય. હું થોડી વારમાં આવું પછી અગ્નિસંસ્કાર કરીશું.’ આવી અનન્ય નિષ્ઠાથી એકપણ પૈસો લીધા વિના મક્કમ મને શુભપ્રવૃત્તિને વળગી રહેનાર ખરેખર પ્રણમ્ય છે.

[2] જુદા ચન્દ્ર – કવિ ન્હાનાલાલ

ગોંડળથી પૂર્વદિશાએ આઠેક માઈલ ઉપર કાઠિયાવાડના મધ્યબિન્દુ ભણી રામોદ નામનું એક ગામડું છે. તેની સીમામાં એક સાંજે ફરીને સન્ધ્યાકાળે હું ગામ ભણી પાછો વળતો હતો. ગામની પડોશમાંનું વ્હેળિયું નિર્જન હતું. ઝાંપાની થડમાંથી વૃક્ષઘટા શબ્દસૂની ને અડોલ હતી. ગામ ભણીથીયે કાંઈ ગણગણાટ સંભળાતો ન હતો. પૂર્ણિમાનો ચન્દ્ર ધીમેધીમે નિ:શબ્દ પગલે આકાશ ઉપર ચડતો હતો ને ગામ ઉપર ચન્દ્રિકા ઢોળવા તેણે ન્હોતી માંડી. શાન્તિસરોવરજલની અભંગ શાન્તિમાં ડૂબી ગયા જેવું મને થયું ને મારી અન્તરની આંખ આગળ તત્કાળ મુંબઈ ખડું થયું. પૂર્ણિમાની રાત્રીનું ત્યાંના બેન્ડ સ્ટૅન્ડ ઉપરનું બૅન્ડ, કવીન્સ રોડ ઉપરની મોટરોની દોડાદોડ, કાલકાદેવી-ગિરગામની ટ્રામવેઓની ધમાલ, પા-અડધે કલાકે દોડતી ગડગડતી સંસાર-લશ્કરની ટુકડીઓ ઉતારતી-ચડાવતી લોકલ ગાડીઓ, વીજળીના દીવા ને અખંડ ઊછળતો ઘેરુંઘેરું ઘોરતો મહાસાગર : ઘડીભર મને લાગ્યું કે રામોદ ઉપર ને મુંબઈ ઉપર જુદા જુદા ચન્દ્રો પ્રકાશતા હશે. ક્યાં આ ધરતીનીયે ખોમાંની શાન્તિ ને ક્યાં એ સાગરનો નિરંતરનો ઊછળતો ઝમકાર ! એ બન્નેયે ઉપર એના એ જ સૂર્યચન્દ્ર ઊગે છે ને આથમે છે ? (‘શ્રેષ્ઠ ન્હાનાલાલ’ પુસ્તકમાંથી સાભાર.)

[3] અનોખી સેવા – અભય દેસાઈ

[ રીડગુજરાતીને આ પ્રસંગ મોકલવા માટે શ્રી અભય ભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર.]

‘વિચાર વલોણું’ના સ્થાપક એવા વિદ્યાનગરના સુરેશભાઈ પરીખને કોણ ન ઓળખે ? સૌને વાંચતા કરવા એ જાણે એમનો જીવનમંત્ર છે. સાઈકલ પર પુસ્તકોનો થેલો ભરીને નીકળી પડે. હોસ્પિટલોથી લઈને અનેક સામાજીક સંસ્થાઓ, શાળાઓ અને આદ્યોગિક ગૃહોમાં પુસ્તકો વહેંચે. તેમની આ પ્રવૃત્તિ વિદ્યાનગરની બહાર પણ એટલી જ સરસ રીતે ચાલે. અમદાવાદથી ભરૂચનો એમણે ટ્રેનનો પાસ જ કઢાવી રાખેલો ! એટલે ઘણી વાર તેઓ વડોદરા આવે. એક વાર વડોદરા આવ્યા ત્યારે એમણે સ્ટેશનેથી મને ફોન કર્યો કે મને લેવા આવ. હું એમને લેવા ગયો એટલે કહે કે આપણે ‘યજ્ઞ પ્રકાશન’માં જવાનું છે. મને થયું કે એમને કંઈક કામ હશે. અમે સાથે સ્કૂટર પર ‘યજ્ઞ પ્રકાશન’ની ઑફિસે પહોંચ્યા. એ જઈને ઊભા રહ્યા એટલે ત્યાંના કર્મચારીએ ફટાફટ સુંદર પુસ્તિકાઓ અને પુસ્તકોનો ઢગલો કરવા માંડ્યો. આશરે પંદર મિનિટમાં તો અમે 30-40 પુસ્તકો અને પુસ્તિકાઓ લઈને બહાર નીકળ્યા.

એ પછી સુરેશભાઈ મને કહે, ‘હવે સંસ્થા વસાહત લઈ લે.’ મને નવાઈ લાગી, કારણ કે એ વિસ્તારમાં તો દવાખાનાઓ અને ઑફિસો છે. એમને વળી ત્યાંનું શું કામ પડ્યું હશે ? થોડી વારમાં અમે ‘સંસ્થા વસાહત’ વિસ્તારમાં પહોંચ્યા. સ્કૂટર પરથી ઊતરતાની સાથે જ એ તો ફટાફટ દરેક દવાખાના અને ઑફિસોમાં ફરી વળ્યા અને અડધો જ કલાકમાં બધા પુસ્તકો/પુસ્તિકાઓ વહેંચી દીધી. ખાલી હાથે પાછા ફરતાં મને કહે : ‘હાશ, આજનો ક્વોટા પૂરો થયો.’ હું તો ફાટી આંખે એમની સામે જોઈ રહ્યો. મારાથી એમને પૂછાઈ ગયું, ‘આ રીતે પુસ્તકો વહેંચો તો ખર્ચ ક્યાંથી નીકળે ?’ એમણે હસીને મને કહ્યું : ‘આટલા વર્ષોથી કરું છું એટલે અનુભવથી કહી શકું છું કે સારા કામમાં ગાડુ ક્યાંય અટકતું નથી.’ અને ખરેખર એમની વાત સાચી હતી. કોઈ પુસ્તકના પ્રકાશનનું કાર્ય હાથ ધરે ત્યારે ભલે ને કોઈ આર્થિક આયોજન ન હોય, પરંતુ એમનું કામ કદી અટકે નહિ. કોઈ ને કોઈ મદદ આવીને મળે. ખરેખર, આ દુનિયામાં કેટલાક કામો એવી રીતે થતાં હોય છે જ્યાં મેનેજમેન્ટની થિયરી કામ લાગતી નથી !

[4] ભારતમાં પણ ગુગલ – ગુજરાત સમાચાર

ઈન્ટરનેટ સાથે ગુગલ સર્ચનું નામ જોડાઈ ગયું છે. ગુગલ સર્ચ એન્જીનના ઉપયોગ વગર પરફેકટ સર્ચ થઈ શકતું નથી. પરંતુ મૂળ ગુગલ અમેરિકાનું નહીં પણ કર્ણાટકમાં છે. અહીં એક રસપ્રદ વિગત આપી છે. બેંગલોરથી ઉત્તર-પૂર્વ 510 કિ.મી.ના અંતરે ‘ગુગલ’ નામનું ગામ આવેલું છે. કિષ્ના નદીના કિનારે આવેલું આ એક હજાર જેટલા નાના મકાનો ધરાવતું ગામ ગુગલ અંદાજે 8 હજારની વસ્તી ધરાવે છે. અહીં સરકારી તમામ બોર્ડનો ઉચ્ચાર ‘ગુગલ’ થાય છે. સરકારે જ્યારે આ ગામના નામના બોર્ડ અંગ્રેજીમાં મુકવાનો પ્રયાસ કર્યો ત્યારે ત્યાંના કન્નડ મુવમેન્ટ કરનારાઓએ વિરોધ કર્યો હતો. નજીકના ટાઉન લેવલ સાથે ગામનું કનેકશન છે. ગામના લોકો ખુશ એટલા માટે છે કે સાયબર વર્લ્ડમાં પણ તેમના ગામનું નામ ટૉપ પર છે. કોઈપણ ખુશ થાય એવી આ વાત છે કે અમેરિકન કંપની આ ગામના નામનો ઉપયોગ કરે છે. હકીકત એ છે કે વર્ષો પહેલાં આ ગામનું નામ ‘ગવી ગલ્લુ’ હતું. એટલે કે ‘પથ્થરની ગુફા’. પરંતુ વર્ષો પછી નામનું અપભ્રંશ થતા થતા તે ‘ગુગાલુ’ થઈ ગયું હતું અને પછી આસાન-શોર્ટફૉર્મ ‘ગુગલ’ થઈ ગયું હતું. વર્ષોથી આ નામ ચાલતું આવે છે. ઈન્ટરનેટની શોધ ત્યાર પછી થઈ હતી. ત્યારબાદ ગુગલ આવ્યું હતું. આમ એક ટચુકડું ગુગલ પ્રખ્યાત થઈ ગયું છે. (‘ગુજરાત સમાચાર’માંથી સાભાર.)

[5] મન સાથે બાળક જેમ વર્તો – સુભાષ ભટ્ટ

વિચાર પાસે પોતાની ઈચ્છાશક્તિ છે જે તર્ક અને કારણને વશ થાય છે. ઈચ્છા સૌથી વધુ વિનાશાત્મક વસ્તુ છે. કારણ કે તેના પાયામાં મજા અને વાસના છે, નહી કે સ્વાતંત્ર્ય અને નિર્દોષ આનંદ. મા જેમ બાળકની સંભાળ રાખે તેમ આપણે વિચારને સંભાળવો જોઈએ. માતા પાસે એવું સાહજિક ડહાપણ હાથવગું છે જેના વડે તે બાળકને રડારોળમાંથી સ્મિત, હઠમાંથી આજ્ઞાંકિતતા, તોફાનમાંથી શાંતિ, દૂર્વ્યવહારમાંથી રીતભાત અને પેટની શૂળમાંથી સુખ તરફ દોરી જાય છે. માતાની આ આવડતનો ઉપયોગ મનને હાલરડાં ગાઈને શાંત કરવામાં અનુસરવો જોઈએ. સાચી માતા જેમ મન અંગે નિર્ણયાત્મક થયા વિના જ, ચાલો આપણે મનને જેમનું તેમ સ્વીકારી લઈએ. સાવધાની અને ધ્યાન ઘોડિયું છે અને પ્રાર્થના હાલરડું છે, સાવધાનતા એટલે એકાગ્રતા નહીં. આ દષ્ટિએ જોઈએ તો જે આશ્રમો એકાગ્રતા શીખવે છે તે બધા ત્રાસ આપનારી છાવણીઓ છે. એકાગ્રતામાં બહિષ્કારની પ્રક્રિયા છે, તેમાં વિરોધ છે અને તેથી સંઘર્ષ છે. સજાગતા અને સાવધાની સાથે ચાલે છે. જ્યારે મન સમગ્રતયા સજાગ હોય છે ત્યારે તે અદ્દભુત રીતે મૌન હોય છે. તે નિદ્રાધીન નથી, જાગ્રત છે. સામાન્ય રીતે સુખનો દરિયો આપણી દરેકની અંદર ઘૂઘવી રહ્યો છે, પણ તે મનની અરાજકતાને લીધે આવૃત્ત છે. જેમાંથી નીકળવાનો માર્ગ તેને મળતો નથી. સમત્વપૂર્વક જો મનને નીરખવામાં આવે તો આનંદ પ્રગટવા માંડશે. મુક્તિ એટલે મનની આ આનંદ પામવા જેટલી પરિપકવતા.

બુદ્ધ કહેતા, ‘સત્યની શોધમાં આપણે એવા અંતિમો નિવારવા જેવા કે, એકબાજુ વિલાસ અને વાસનાનું જીવન, જે માણસને સ્થૂળ જરૂરિયાતોનો ગુલામ બનાવે છે અને માનવીય સદગુણોનું પતન આણે છે, અને બીજી તરફ પ્રાયશ્ચિત સ્વરૂપે આત્મપીડા.’
વિચારો શબ્દો બને ત્યારે સાવધાન બનો,
શબ્દ કર્મો બને ત્યારે સાવધાન બનો,
કર્મો ટેવ બને ત્યારે સાવધાન બનો,
અને
ટેવ જ્યારે ચારિત્ર્ય બને ત્યારે સાવધાન બનો. (‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર.)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આંબો – વર્ષા અડાલજા
સત્યનારાયણની કથા – નટવર પંડ્યા Next »   

15 પ્રતિભાવો : વાંચન વૈવિધ્ય – સંકલિત

 1. જય પટેલ says:

  પદયાત્રીઓની નિઃસ્વાર્થભાવે સેવા કરતા અજ્ઞાત ગરવી ગુર્જર સેવિકાબેનને વંદન.

  વિચાર વલોણું સામયિકના લવાજમ વિષે માહિતી આપવા વિનંતી છે.
  વિચારમય કણિકાઓ.

 2. hardik says:

  વિચાર વલોણું સામયિકના ઈ-લવાજમ કે ઈન્ટરનેટ પર મળિ શકે તૅની માહીતી આપવા વિનંતી.

  શત શત પ્રણામ બહેન ને . i guess temna maate koi issue nahi hoi government ne lai ne ke beeji koi vastu par..very rare to find doers like her..gai kaal na lekh maate adbhut udaharan

 3. Balkrishna A. Shah says:

  પદયાત્રીની સેવા — સમાજ સેવકોને અર્પણ

 4. ખુબ જ સુંદર સંકલન.

  ૧/ સ્વાર્થ વિનાની સેવા આને જ કહેવાય. બહેનને અભિનંદન

  ૨/ હા, સાવ સાચી વાત…. ચંદ્ર મુંબઇ જેવા મહાનગરમાં પણ એ જ હોય છે જે કોઇ નાના ગામમાં હોય છે છતાં બન્ને નું સૌદર્ય અલગ અલગ લાગે છે

  ૩/ સુરેશભાઈને અભિનંદન આવું સારુ કાર્ય કરવા બદલ.

  ૫/ “વિચારો શબ્દો બને ત્યારે સાવધાન બનો,
  શબ્દ કર્મો બને ત્યારે સાવધાન બનો,
  કર્મો ટેવ બને ત્યારે સાવધાન બનો,
  અને
  ટેવ જ્યારે ચારિત્ર્ય બને ત્યારે સાવધાન બનો” સુંદર વિચાર

 5. Balkrishna A. Shah says:

  ભીતરનુ સામર્થ્ય પુસ્તકની પ્રતો મગાવવાના પ્રસગે મને વિચાર વલોણુનો પરિચય થયો છે. તેમની સેવા ભાવનાને
  સલામ. હાર્દિકભાઈના જવાબમા ફોન નબર ૦૭૯-૨૬૭૫૧૩૫૭

 6. dhiraj says:

  ખુબ સુંદર કલેકશન

  પદયાત્રી ઓ ની સેવા કરનાર અજાણ્યા બહેન ને પ્રણામ

  સુરેશભાઈ પરીખ જેવા પુરુષો ની હાજરી થી ખાતરી થાય છે કે હજી માનવ જાત પર વિશ્વાસ મુકી શકાય છે.

  કવિ નાન્હાલાલ ની તો શુ વાત કરવી ?

  સવાર સુધરી ગઈ….

 7. Veena Dave. USA says:

  સરસ સંકલન.

 8. Payal says:

  Hats off to the annoynomus lady and her truly selfless acts. May more people get inspiration from her. Very nice article.

 9. nayan panchal says:

  ૧. પદયાત્રીઓની સેવા કરતા બહેનને ખૂબ પ્રણામ.

  ૨. ન્હાનાલાલના શબ્દો બહુ મોટા મોટા…
  ૩. ખરેખર, આ દુનિયામાં કેટલાક કામો એવી રીતે થતાં હોય છે જ્યાં મેનેજમેન્ટની થિયરી કામ લાગતી નથી !
  સુરેશભાઈનુ કાર્ય ખરેખર પ્રશંસનીય. સરકારે આવા બધા કાર્યો માટે ખાસ આર્થિક સહાય પૂરી પાડવી જોઈએ.
  ૪. ગૂગલ એટલે ૧ ની પાછળ ૧૦૦ મીંડા …
  ૫. સામાન્ય રીતે સુખનો દરિયો આપણી દરેકની અંદર ઘૂઘવી રહ્યો છે, પણ તે મનની અરાજકતાને લીધે આવૃત્ત છે. જેમાંથી નીકળવાનો માર્ગ તેને મળતો નથી. સમત્વપૂર્વક જો મનને નીરખવામાં આવે તો આનંદ પ્રગટવા માંડશે.

  વિચારો શબ્દો બને ત્યારે સાવધાન બનો,
  શબ્દ કર્મો બને ત્યારે સાવધાન બનો,
  કર્મો ટેવ બને ત્યારે સાવધાન બનો,
  અને
  ટેવ જ્યારે ચારિત્ર્ય બને ત્યારે સાવધાન બનો.

  ખૂબ સરસ, આભાર.
  નયન

 10. Ashish Dave says:

  1.) Why???

  3.) સારા કામમાં ગાડુ ક્યાંય અટકતું નથી. Agreed 100%

  Ashish Dave
  Sunnyvale, California

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.