લિ. હું આવું છું – ઝવેરચંદ મેઘાણી

[ રીડગુજરાતી પર પ્રકાશિત થયેલા તમામ સાહિત્યપ્રકાર પૈકી સૌથી ઓછું સાહિત્ય ‘પત્રસાહિત્ય’ છે. આથી આજે ‘પત્રસાહિત્ય’નો થોડો સ્પર્શ કરી લઈએ. ‘લિ. હું આવું છું’ એ રાષ્ટ્રીય શાયર અને સાહિત્યકાર શ્રી ઝવેરચંદમેઘાણીના પત્રજીવનનો સમાવેશ કરતું પુસ્તક છે. 1988માં તેની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવી હતી. આશરે 715 પાનના આ પુસ્તકમાં તેમના 636 પત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ સાથે તેમની વિશિષ્ટ મુલાકાતો પણ આવરી લેવાઈ છે. – તંત્રી.]

[1] શાંતિનિકેતન આવો !

[ઈ.સ. 1933માં શ્રી ઝવેરચંદ મેઘાણી સૌ પ્રથમ વખત કવિવર શ્રી રવીન્દ્રનાથ ટાગોરને મુંબઈમાં પ્રત્યક્ષ મળ્યા. અડધા કલાકની નક્કી થયેલી એ મુલાકાત બે-કલાક સુધી ચાલી; જેમાં કવિવરે મન ભરીને શ્રી મેઘાણીને સાંભળ્યા. આ બે મહાનુભાવો વચ્ચેનો વાર્તાલાપ આ પ્રકારે થયો હતો :]

સવારે સાત વાગે એકાએક કહ્યું : ‘સાડાસાત વાગે મારે ટાગોરને મળવા જવું છે. તમે સાથે આવશો ?’ બરાબર સાડાસાતે અમે પહોંચી ગયા. ટાગોર હૉલમાં આવ્યા અને હસ્તધૂનન કરી સામે આરામખુરશીમાં બેઠા.
‘હવે ઉંમરના હિસાબે બહુ શ્રમ પડે છે. અનેક રોકાણો વચ્ચેથી માંડ અડધો કલાક તમારા માટે કાઢી શક્યો છું. દિલગીર છું કે આઠ વાગ્યે આપણે પૂરું કરવું પડશે.’ ટાગોરે શરૂઆત કરી.

મેઘાણીભાઈ જરા ઠંડા દેખાયા પણ પૂરા વિવેકથી જવાબ વાળ્યો, ‘ગુજરાતી લોકસાહિત્યની એકાદ-બે વાનગી રજૂ કરીને કૃતકૃત્યતા માનીશ.’ આટલું કહીને મેઘાણીભાઈએ ગુજરાતી લોકસાહિત્યના પ્રકારો સમજાવીને નમૂના ગાઈ સંભળાવવા માંડ્યા. થોડી વાર કવિરાજે ઠંડે કલેજે સાંભળ્યે રાખ્યું. પછી વચમાં પૂછ્યું, ‘અમુક પ્રાંતોમાં વીરરસવાળું કે શૃંગારરસવાળું લોકસાહિત્ય છે તેવું ગુજરાતમાં નથી તેવો મારો ખ્યાલ છે. ગુજરાત-કાઠિયાવાડમાં એક વખત નીકળેલો ને આશા રાખેલી કે કાઠિયાવાડમાં રંગબેરંગી પોશાકવાળા જૂના ખડતલ માણસો જોવા મળશે, પણ એકલી ગાંધીટોપી દેખીને નિરાશ થયેલો.’
‘આપ આવેલા તે ખ્યાલમાં છે પણ આપ તે વખતે મોટાઓની મહેમાનગતિના બંધિયાર વાતાવરણમાં હતાં. અમારે માટે આપનું મળવું સહેલું નહોતું. તે સ્થિતિમાં લોકસમૂહનાં દર્શન આપના માટે લભ્ય નહોતાં.’ મેઘાણીભાઈએ કહ્યું.

આ પછી કાઠિયાવાડના ખૂણે ખૂણે, ગામડે ને ગોંદરે, શી વસ્તુઓ ભરી છે તેનું મેઘાણીભાઈએ હૂબહૂ વર્ણન કર્યું. કાઠિયાવાડના લોકસાહિત્ય અને લોકસમૂહને પરાપૂર્વથી બીજા પ્રાંતો સાથે કેવા સંબંધો હતા તે બીજા પ્રાંતોનાં લોકસાહિત્યને રજૂ કરીને મેઘાણીભાઈએ ગાઈ બતાવ્યું. સાંભળીને ટાગોર પોતાના ખરા સ્વરૂપમાં દેખાવા લાગ્યા. ખુશખુશાલ બનતા ગયા. મેઘાણીભાઈ પણ ખીલવા લાગ્યા. આંતરપ્રાંતીય લોકસાહિત્યની વાતો કરતાં કરતાં મેઘાણીભાઈ ટાગોરનાં બંગાળી લોકગીતો અને એના ગુજરાતી અનુવાદ ગાવા માંડ્યા ત્યારે તો કવિવર આરામખુરશીમાં બેઠા થઈ ગયા અને એમનું અંગેઅંગ આ ગીતોને તાલ આપતું નાચવા લાગ્યું. બરાબર રંગ જામ્યો હતો ત્યાં મેઘાણીભાઈએ ઘડિયાળમાં જોયું. આઠ વાગ્યા હતા. ગાવાનું થંભાવીને એમણે રજા માગી. જાણે સાંભળ્યું જ નથી તેમ ટાગોરે આંતરપ્રાંતીય લોકસાહિત્યની ચર્ચા આંતરાષ્ટ્રીય લોકસાહિત્ય તરફ વાળી. આ દિવસોમાં મેઘાણીભાઈ રૉયલ એશિયાટિક સોસાયટી અને બીજાં સમૃદ્ધ વાચનાલયોમાં આંતરરાષ્ટ્રીય લોકસાહિત્યનો અભ્યાસ કરતા હતા. ચર્ચાએ પરસ્પર ભારે રસ જગાવ્યો. ઊઠવાની વાત કોઈ બોલી શકે એવું રહ્યું નહીં.

નવ વાગ્યે સરોજિની નાયડુ આવી પહોંચ્યા. ટાગોર આભા બની ગયા. સમય ચૂકવાની અસભ્યતા કદી ન કરનાર ટાગોરે ક્ષમા યાચતી આંખે સરોજિની સામે જોયું. સરોજિની દેવીએ જવાબ વાળ્યો, ‘ગુરુદેવ, બાપુએ એમને રાષ્ટ્રિય શાયરનું બિરુદ આપ્યું છે. એમનાં રાષ્ટ્રીય ગીતો…. લોકસાહિત્ય…. આપ ધરાઈ-ધરાઈને સાંભળો. હું એમની તરફેણમાં રાજીનામું આપીને ચાલી જઉં છું.’ કવિવરે મેઘાણીભાઈ તરફ વળીને રાષ્ટ્રીય ગીતોની ઉઘરાણી કરી. સાડા નવ સુધી એકસરખા રસથી અને ખુશખુશાલ મિજાજથી આ કાર્યક્રમ ચાલ્યો. કવિવરે છેવટે કહ્યું, ‘મેઘાણી, તમે શાંતિનિકેતન આવો. ત્યાં આપણે લોકસાહિત્ય વિશે વધુ ચર્ચા કરશું. આ વિષયમાં હજુ ઘણું કરી શકાય તેવું તમને મળશે, તમારી પાસેથી બંગાળને પણ ઘણું મળશે, પણ તે પહેલાં મારામાં જરા જુવાની પાછી આવે તો હવે તમારા મહેમાન બનીને મારે કાઠિયાવાડ આવવું છે અને કાઠિયાવાડના ગામડે ગામડે ફરીને અસલ કાઠિયાવાડનાં દર્શન કરવાં છે.’ આ મુલાકાત પછી તરત જ શ્રી નંદલાલ બોઝને મેઘાણીભાઈને નિવાસસ્થાને મોકલી શાંતિનિકેતન આવવાનું રીતસર આમંત્રણ મોકલ્યું હતું. [બાપાલાલ દોશી લિખિત સંસ્મરણ લેખમાંથી ટૂંકાવીને, સાભાર.]
.

[2] નિર્મળા ના. ખેતાણી પર પત્ર

[પુત્રવધૂ નિર્મળાને સસરા શ્રી ઝવેરચંદ મેઘાણીનો પત્ર. બોટાદ : તા. 24-04-1944.]

વહાલી પુત્રી નિર્મળા,

ઘણે વખતે સુખસમાચાર વાંચી આનંદ થયો. વિશેષ આનંદ લેખિત સંમતિથી. તમારી ઈચ્છાને હું ઉમંગભેર વધાવું છું. એ ઈચ્છાને હું કુદરતનો અવાજ ગણું છું. યોગ્ય કાળની એ એંધાણી છે એટલે એને ઠેલવાનું બીજું કારણ નથી.

અહીં બોટાદમાં તમને ગમશે એવી મને આશા તો છે જ પણ આખર તો આ ગામડું છે. જીવન જેનું મુંબઈમાં ગયું હોય તેને કદાચિત ન ગમે તો તે દોષપાત્ર કે ઠપકાપાત્ર ન જ ગણું. હા, પોતાપણાની લાગણી જે તમે તમારા અંતરમાં પોષી રહ્યાં છો તે મારે મન અતિ આશાસ્પદ ચિહ્ન છે. હું પણ આ ઘરને તમારું પોતાનું ઘર લાગે તેવી જ આશાથી સાચવી રહ્યો છું. પોતાનું જ છે તેને સ્વીકારો તેટલી જ રાહ જોઉં છું. તમે બંને મારી પાસે રહો તો હું કૃતાર્થ થાઉં. હું એ ઝંખું છું. મહેન્દ્રમાં આંહી રહેવાની કાયમ લાગણી ઉત્પન્ન કરવા હું મથ્યો છું પણ એને મુંબઈ જેવાં શહેરનું કાર્યક્ષેત્ર વધુ આકર્ષે છે. હું એને અવરોધવા ન ઈચ્છું, એના પુરુષાર્થને સ્વતંત્ર મેદાન સાંપડે તે જ પિતા તરીકે ઈચ્છું, પણ વર્તમાન સંજોગોની વિચિત્રતા પૂરતો કાળ પણ જો એ આંહીંના ક્ષેત્રનો અખતરો કરે તો સારું. પછી વર્ષે બે વર્ષે અહીં દિલ ન ઠેરે, તો મુંબઈ ક્યાં દૂર છે ? હાલમાં તો મને મુંબઈ-અમદાવાદના સંજોગો પ્રતિદિન વધુ વિકટ બનતા લાગે છે.

મહેન્દ્ર તરફથી તમારી બેઉની લગ્ન પછીથી આંહી આવી રહેવાની ચોક્કસ ઈચ્છાનો પત્ર મળે તો હું ભાડે આપેલો નીચેનો ભાગ ખાલી કરાવવા વહેલાં પગલાં લઈ શકું. આખું મકાન તમારા વપરાશમાં હોય તો જ મોકળાશથી રહી શકો, સ્વસ્થ ચિત્તે જીવન જીવી શકો. આખા ઘરના ઉપયોગથી તમને ખૂબ રાહત રહેશે. અત્યારે તો નછૂટકે ભાડૂત રાખવા પડે છે.

તમે આંહી ગૃહરાજ્ઞી હો, ઘરના શણગાર કરતાં હો, ફૂલરોપ ઉછેરતાં હો, ખૂટતી સગવડો વસાવવા મારી પાસે માગણી કરતાં હો, આંહી તમારાં પિયરનાં સ્વજનો તમારે ઘેર ઊતર્યાં વગર કાઠિયાવાડમાં પ્રવેશી ન શકે તેવા ઓડા આપણે બાંધ્યા હોય, આંહી મિત્રો-આપ્તજનો તમારા ગૃહસંસારની છાંયડીએ જીવનનો તડકો ગાળવા આવતાં હોય, અહીં તમે ગાતાં ને બજાવતાં હો, લેખિકાનાં સુંદર અંકુરો વિકસાવીને મને પણ મારા કાર્યમાં સાથ આપતાં હો….. એવાં એવાં તો હું ઘણાં સુખસોણલા ભાળી રહ્યો છું. પણ એ તો મનોરથો છે ! ખેર, મંગળ મનોરથ હોવા એ પણ કંઈ જેવી તેવી વાત છે !

ભાંડરડાં આનંદ કરે છે. તમને સંભારે છે. રાહ તો તીવ્ર ઉત્કંઠાથી જુએ છે. તમારા લખવાના ઉમળકાની પેઠે મારા પણ તમને લખવાના ઉમળકા અણલખ્યા જ રહે છે. હું ડરું છું કે તમારામાં મારા ગજા ઉપરવટની ઉમેદો તો નથી જન્માવી રહ્યો ને ? નાનુભાઈ ને શાંતાબહેનને વંદન. કહેજો બાને કે હવે તો પેલી દેવમાનતા કરવા બે મહિના બાદ તમારે ‘પોતાને ઘેર’ જ આવીને ઊતરાય તેવી ખંત રાખે.’

લિ.
ઝવેરચંદ.
.

[3] શ્રી મૂળરાજ અંજારિયા ઉપર પત્ર

[શ્રી મૂળરાજ અંજારિયાને લખેલો પત્ર. તા : 09-10-1944.]

પ્રિય ભાઈ અંજારિયા,

તમારી માગણીની તલવાર શિર પર લટકે છે. વારંવાર સ્મરણ થતાં ડરું છું. પણ કલમ ચાલતી નથી. એવું કોઈ નથી જેની પાસે લખાવી શકું. વળી દિલ પણ હિંમત કરતું નથી. કોઈ ધંધાદારી પોતાનું ટ્રેડસિક્રેટ કહી આપે નહીં ત્યારે લેખકે તો એ છાપરે ચઢીને પોકારવું રહ્યું ! એથી કોને શો ફાયદો ? કેવળ કુતૂહલને સંતોષવાનું. પોતાની મહત્તાનું ગાન જેવું અથવા તો પોતાની કઢંગાઈ ઉઘાડી કરવા જેવું બને એ બીક.

સૃષ્ટિની પ્રત્યેક સર્જનપ્રવૃત્તિનો મહદ અંશ સંગોપનમાં થાય છે. જે ગોચર છે તે તો અલ્પાંશ છે. પ્રત્યક્ષ વ્યાપારનું સ્વરૂપ જ યાંત્રિક, ‘મિકેનિકલ’ હોય છે. ‘હું કેમ લખું છું’ એ પ્રશ્નનો ઉત્તર એ કારણે કેવળ ઉપરછલ્લો ને છેતરામણો જ બની રહે. હું જો એમ કહું કે હું તો કશા જ વિચાર વિના કે કશી જ પૂર્વભૂમિકા બાંધ્યા વગર લખું છું તો કાં તો તમે માનશો નહીં અને કાં તમે મારા સર્જન વિશેનો મોહ ગુમાવી બેસશો પણ એ વિચારહીન યંત્રની અંતરાલે રાત્રિદિવસ નિરંતર ચાલી રહેલી રહસ્યક્રિયાને ઓળખવાનું મને કહેશો તો હું તમારી સામે બારણાં જ બીડી દઈશ કારણ કે એ તો છે મારું ને મારી કલાનું શયનમંદિર, ત્યાં પારકી પેશકદમી હોય નહીં. એક બાળકનો પ્રવેશ પણ હું ત્યાં થવા દઉં નહીં. મેં ‘રસધાર’ ‘બહારવટિયા’ વગેરે લોકદીધા કાચા માલમાંથી જે જે વાર્તાકસબ કર્યો તે અથવા તો તદ્દન સ્વતંત્ર નવલો લખી તે એક જ વાર લખેલ છે. નવી હસ્તપ્રત બનાવી નથી. છેકભૂંસ ઓછામાં ઓછી પણ પ્રૂફ હું જ વાચું. ત્રણ વાર પ્રૂફો નીકળે એ ત્રણે વાર હું નવેસર પીંછી લગાવતો જ રહું. નવી આવૃત્તિ દીઠ પણ એ જ પ્રમાણેનું સમારકામ ચાલે. કહો, એમાં તમને શું નવું જણાવ્યું ? અને એને અંગે જે ખરેખર માર્મિક બાબત જણાવવા જેવી છે તે તો હું પ્રગટ કરવા જ અશકત.

બ.ક.ઠાકોરે ‘આપણી કવિતાસમૃદ્ધિ’ સંગ્રહી તેમાં મારું કાવ્ય ‘ઝંખના’ લીધું. એમને એ મારું પૂર્ણ પ્રતિનિધિત્વ કરનાર કૃતિ લાગી ! ખેર ! એ કૃતિ ‘સૌરાષ્ટ્ર’ના એક અંક પર મૂકવા માટે ગુરુવારે સાંજના છ વાગે એટલે કે પ્રેસ પર છેલ્લી ક્રિયા કરવા ટાણે ફક્ત દસ મિનિટમાં કશી છેકછાક વગર રચી. એને માટે કોઈ ખાસ પ્રસંગ હતો, પ્રસંગ પર કે પ્રસંગ વગર, છાપામાં મૂકવા લખ્યું એટલે મારું કેટલુંયે સર્જન છાપાળવું કહેનારા વિવેચકો નીકળ્યા, પણ મારી સર્વમાન્ય અને બહુ લોકપ્રિય તેમ જ તેટલી જ વિદ્વદપ્રિય થયેલી કાવ્યકૃતિઓનો સ્થૂળ દેહ તો આમ એક જ પ્રકારે બંધાયો છે. એ જો સાચવી રાખીને કોઈ માસિકમાં કે પરબારું ગ્રંથરૂપે આવત તો છાપાળવું ન કહેવાત ! કેવી રમૂજી વાત છે !

જે લાંબી વાર્તાઓ લખી છે તેમાંની અમુક અઠવાડિક હપ્તે છાપામાં મુકાતી મુકાતી લખાઈ. દર અઠવાડિયે, કેટલીક વાર તો છેલ્લા કલાકોમાં, હપ્તો પડવા ન દેવાય નહીં તો વાચકોમાં નિરાશા થાય એ એક જ મુખ્ય દબાણ હેઠળ, લખાઈ. ‘વેવિશાળ’ અને ‘તુલસી-ક્યારો’નાં એ રીતે લખેલાં પ્રકરણોને લોકોએ ઉત્તમ કહ્યાં, વિવેચકોએ પણ વખાણ્યાં, છતાં સમગ્રપણે એ સારી ઠરેલી કૃતિઓનો પણ જેમને વાંક કાઢવો હતો તેમણે નબળા અંશો દેખાડવાને બદલે એમ કહી દીધું કે કટકે કટકે લખાયું હોવાથી જ આ ખામી રહી ગઈ ! ભેટપુસ્તક તરીકે લખેલી બીજી છ નવલો કે જે પણ પ્રશંસાને પામી છે તે વીસ દિવસથી લઈ ચાલીસ દિવસના ગાળામાં એકધારી પૂરી કરી તેનો દોષ એ બતાવાય છે કે એ તો ઉતાવળે લખી કાઢી છે ! વસ્તુત: મારી કૃતિઓના જે કંઈ દોષો કે ગુણો હોય તે કટકે કટકે, ઉતાવળે કે અમુક ખાસ જરૂરિયાતને પહોંચી વળવા ખાતર લખ્યાના ન જ હોઈ શકે. દોષો કે ગુણો, જે કંઈ હોય તેનું કારણ તો લેખકની અંદર અગોચરપણે પડેલું ચિત્તતંત્ર છે. કોઈ કૃતિ બાર વરસ રાખ્યાથી પરિપક્વ બની જતી નથી. અનેક કૃતિઓ પહેલે જ ધડાકે તૈયાર સ્વરૂપે બહાર આવે છે.

હું કશી જ પૂર્વયોજના કે રૂપરેખા બાંધ્યા વગર પ્રારંભ કરું છું. પ્રારંભ પૂર્વેની મનોદશા અત્યંત અકળાવનારી હોય છે : ચેન પડે નહીં, લખવાની ફરજમાંથી કોઈ પણ વાતે છટકવાની ઈચ્છા થાય, લખવું એ કોઈ સજા કે શાપ સમાન લાગે, લેખનના વ્યવસાયને પણ મનમાં ને મનમાં ગાળો ભાંડી લઉં; પણ પ્રારંભ કરું એટલે એની મેળે જ આકૃતિઓ ઊપસવા લાગે. આજે મારી કૃતિઓનાં પ્રૂફ વાંચતાં વાંચતાં હું પોતે જ વિસ્મય પામું છું કે આવી દષ્ટિ મને સુઝાડી કોણે ? પણ તે વિસ્મય ખોટું છે. અકસ્માતો સર્જનની સૃષ્ટિમાં થઈ શકતા નથી. પ્રેરણા જ એકાએક અજવાળાં કરી આપતી નથી. પુષ્પના પ્રાકટ્યની ક્રિયા પ્રકૃતિના તાલબદ્ધ, નિયમબદ્ધ, મહાપ્રયત્નને આધીન હોય છે પણ પ્રકૃતિ પોતાની મુઠ્ઠીમાંનું એ રહસ્ય કોઈની કને ઉઘાડતી નથી. ઉઘડાવવાની ઈચ્છા પણ ઉદ્ધતાઈભરી કહેવાય. એ જવનિકાનું છેદન કોઈ કરશો નહીં, કરાવશો નહીં.

હું નથી હિંડોળે બેસી લખતો કે નથી અમુક પ્રકારનાં કાગળકલમે લખતો. ચોમેરના સંજોગો સાનુકૂળ હોય અને દિલ કોઈ ફૂલગુલાબીમાં ડોલતું મસ્તાન બની ગયું હોય તો જ લખાય છે એવું મેં કદી અનુભવ્યું નથી. પાન ચાવતાં કે પિપરમીટ ખાતાં ખુશબોભર્યાં લખાણ કરી શકાય એવો અનુભવ મેં કર્યો નથી. આ બાહ્યોપચાર તો માણસની આદતો છે, સર્જનવ્યાપારની કોઈ અનિવાર્ય પરિસ્થિતિ નથી.

છેલ્લા બે મહિનાની વાત કરું. એક તરફથી બોટાદની અસહ્ય ગરમી, બીજી તરફથી એક બાળકને શીતળામાતાએ વાળેવાળ શૂળા પરોવ્યા ને એના પાણીપેશાબની મિનિટ-મિનિટની હાજતોની સંભાળ, પત્નીની માંદગી, વહેલા ઊઠી ચૂલો ફૂંકવાનો, ધૂંધવાતાં છાણાંનો ધુમાડો આંખોનાં પાણી જાણે કે બરછીઓ મારીમારીને કાઢતો હોય, મારા પોતાના હરસની કાળી વેદના, નાનાં બાળકોનાં હાથધોણાં, એમને પખાળવાં ને એમનો ઝાડો ઉપાડવાની પણ ચાલુ સ્થિતિ, રાત્રિના ઉજાગરા, બીજી અનેક સાંસારિક જંજાળોની હૈયું શોષતી જટિલતા – એની વચ્ચેથી મિનિટો ઝડપી ઝડપી હું ટાગોરની કાવ્યસમૃદ્ધિમાં ઊતર્યો છું ને મને સંતોષે એવાં ભાષાંતરો કર્યે જાઉં છું. ક્યાં પસ-પરું ને વિષ્ટા ? ક્યાં રવીન્દ્રનાથનાં કાવ્યોનાં ગુલાબ ? બંને પડખોપડખ અને અડોઅડ, પણ મા શારદાએ સૂગ ચઢાવી નથી, બાહ્ય સન્માનના ધૂપદીપ કે પુષ્પ એણે માગ્યાં નથી. એ તો મા જ છે – ગૂમૂતરને ગણકારતી નથી. એ તો એક જ સન્માનને માગે છે – દિલની સચ્ચાઈપૂર્વકના અતૂટ પરિશ્રમને.

પરિશ્રમ : હા, એ મેં કર્યો છે, કદી પણ દિલચોરી રાખી નથી; સહેલાઈથી અને સસ્તે ભાવે સાહિત્ય સર્જાવી નાખવામાં મેં માન્યું નથી અને એવા સતત પરિશ્રમની વચ્ચે મેં કોઈ પણ બાહ્ય પ્રલોભનને આવવા દીધું નથી. સભાઓનાં પ્રમુખસ્થાનો, જાહેર ચર્ચાઓની વાંઝણી કડાકૂટ, મોખરે સ્થાન મેળવવાની મહત્વાકાંક્ષા, બંધારણો અને વાદોના ઝઘડા, એ બધી સાહિત્યના તપોવન પર ત્રાટકનારી અપ્સરાઓના રૂપમાં હું અંજાયો નથી. એને મેં સાહિત્યકારની તપશ્ચર્યાને ધૂળમાં મેળવનાર ગણી છે. એમાં તેઓ જ પડે છે જેમને પરિશ્રમપૂર્ણ ટેબલ-વર્ક પાલવતું નથી.

પરિશ્રમ મને પ્રિય છે. પરસેવો પાડીને મેળવેલું પરિણામ જે આવે તે મીઠું લાગે છે. એ પરિણામ જાહેર જનતાને સંતોષે કે નહીં એ પ્રશ્ન પછી ઊઠે છે. હું એક કામ પૂરું કરું છું ત્યારે મારો સંતોષ એ હોય છે કે મારી શક્તિની સમગ્ર મર્યાદા આવી રહ્યા સુધી મેં મહેનત કરી છે. ‘આથી વધારે સારું હું ન જ કરી શક્યો હોત’ એ થઈ મારી શક્તિની મર્યાદા. પણ હું મારી જાતને કદી એમ સમજાવી લેતો નથી કે મારી જાહેરમાં જે પ્રતિષ્ઠા જમા થઈ ગઈ છે તેને આધારે હું જે કંઈ ઘસડીને ફગાવીશ તે લોકો ચલાવી લેશે. ના, હું જાણું છું કે સાહિત્યકાર અને પત્રકારનું ગઈ કાલ સુધીનું કશું જ લોકો શ્રી પુરાંતે રાખતા નથી. અગાઉ તમે ખૂબ અચ્છી કૃતિઓ આપી છે એટલે એકાદ નબળી લોકો નિભાવી લેશે એમ કદી ગણશો નહીં. એથી ઊલટું, અગાઉ તમે લોકોને જે આસ્વાદ કરાવ્યો હશે તેથી ઉચ્ચ વાચનની લોકો તમારી તરફથી અપેક્ષા રાખીને બેસશે, માટે બહેતર છે કે કંઈ વધુ ન આપો પણ જે કંઈ આપો તે તમારા સો ટકા શ્રમનું જ અને તમારો પોતાનો સંતોષ પ્રાપ્ત કરી શકેલું પરિણામ હોવું જોઈએ. પછી શક્તિ જે નવા સીમાડા સર નથી કરી શકતી તે માટે વલખાં પણ શાં ? તમારો સ્વધર્મ તમારી શક્તિમર્યાદા તેમજ જે વર્ગને તમે પહોંચવા માગો છો તેની મર્યાદા નક્કી કરી લેવાનો છે.

હું એવી બંને મર્યાદા બાંધી શક્યો છું એટલે દિલને ધક્કા ખાવાના પ્રસંગો ઓછા આવે છે છતાં લોકપ્રિયતા જેટલી વિશાળ તેટલા પ્રમાણમાં આપણે લોકદષ્ટિની વેધક રોશનીના ભોગ પણ રહેવાના. જે લેખક વિદ્વદવર્ગ અને જનસામાન્યનો બેઉનો સન્માનનીય બને તેને માટે એ બેઉ ઘંટીનાં બે પડો સમાં બની રહે. પ્રમાણિક વિરોધમાં કેટલોક તેજદ્વેષ પણ કામ કરે. એ ઉપરાંત પત્રકારત્વમાં પડેલા સાહિત્યકારની સામે સાચાખોટા પૂર્વગ્રહો પણ જન્મે અને તે બધાની શિરટોચે સાહિત્યકારના એકલમાર્ગી અને આત્મમગ્ન ચિત્તતંત્રને કારણે એને વિશે ગેરસમજૂતીઓ જન્મે તેવાં પણ વલણો એનાથી ધારણ કરી બેસાય (દાખલા તરીકે હું મારાં ગીતો-વાતોના કાર્યક્રમોની વધુ પડતી માગણીઓને સત્કારી ન શકું એટલે મોટી ફી લઉં છું, માનનો ભૂખ્યો છું કે ઘમંડી છું એવી માન્યતા પણ ચાલે). લેખનપ્રવૃત્તિમાં જબરા વિક્ષેપ પાડતા આંચકા આવાં કારણોથી લાગ્યા જ કરે. મારા સુભાગ્યે એ આંચકા મારે હિસ્સે પ્રમાણમાં ઓછા આવ્યા છે તેમ છતાં એવા ઘાવ ઝીલી લઈને મૌનનું પાલન કરવાથી મારી માનસિક સમતા સચવાઈ શકી છે અને એવી સમતાની રક્ષા એ જ સર્જનકલાને દીર્ઘજીવી બનાવે છે.

સ્નેહાધીન ઝવેરચંદ મેઘાણી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સત્યનારાયણની કથા – નટવર પંડ્યા
સ્વસ્થ અને સુખી જીવનની દિશામાં – કલ્પના શાહ Next »   

9 પ્રતિભાવો : લિ. હું આવું છું – ઝવેરચંદ મેઘાણી

 1. જય પટેલ says:

  સુંદર પત્રલેખન. પત્રલેખનની કળા ટેક્ષમેસેજના યુગમાં વિસરાતી જાય છે.

  વેવિશાળ નવલકથામાં પાત્રોના ગઠબંધનમાં રહેલી તૃટીઓ તરફ
  શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીનું ધ્યાન દોર્યું હતું અને વળતી ટપાલમાં તેમણે
  આ ત્રૃટીઓ નવી આવૃતિમાં દૂર કરાશે તેવી હૈયાધારણા આપેલી.

  વેવિશાળનું ભાભુ પાત્ર તેના વિચિત્ર નામને કારણે યાદ રહી ગયેલું.
  સંયુકત કુટુંબ પર આ આધારિત નવલકથા એકધાર્યો રસ જાળવી રાખવામાં સફળ થઈ છે.

  કવિવર ટાગોર રચિત બંગાળી ગીત
  મોર બની થનગાટ કરે…..નો ગુજરાતી અનુવાદ શ્રી ઝવેરચંદ મેઘાણીએ કરેલો.

  • tejas says:

   excellent words may be insuffiecient to explain this person
   now come to know how great persons are great how great he was even in relation with his daughter in law in days when ladies were to keep ghunghat he is pursuing his daughter in law tot ake over charge of all home not just but address as queen of home .
   really great had read all saurashtrani rasdhhaar but first time read his lettre n come to know him .

 2. બે મહાન પુરુષો વચ્ચે નો વાર્તાલાપ અદભૂત છે.

  પુત્રવધૂ નિર્મળાને સસરા શ્રી ઝવેરચંદ મેઘાણીનો પત્ર કેટલો વિવેકી ભાષામા લખાયો છે.

  email ના યાંત્રીક જમાના મા પત્રોની સુવાસ મંદ પડી ગઈ છે.

 3. સરસ. મેઘાણી પત્રસાહિત્યનો સ્પર્શ ગમ્યો.

 4. Gopal Shah says:

  રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
  કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;
  ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.

  કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી,
  શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી;
  મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી.

  થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને,
  શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને;
  નિજ ગૌરવ કેરે ગાને જખમી જન જાગે અભિમાને.

  સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,
  છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો;
  અણપૂછયો અણપ્રીછેલો કોઇનો અજાણ લાડીલો.

  એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના’વી;
  એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી;
  કોઇના લાડકવાયાની ન કોઇએ ખબર પૂછાવી.

  ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,
  સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી;
  કોઇનો લાડકવાયાની આંખડી અમ્રુત નીતરતી.

  કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,
  આખરની સ્મ્રતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં;
  આતમ-લપક ઓલાયો, ઓષ્ટનાં ગુલાબ કરમાયાં.

  કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
  હળવે એનાં હૈયા ઊપર કર-જોડામણ કરજો;
  પાસે ધૂપસળી ધરજો, કાનમાં પ્રભુપદ ઉચરજો!

  વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,
  એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ક હુંબન ધીરે;
  સહુ માતા ને ભગિની રે! ગોદ લેજો ધીરે ધીરે.

  વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા,
  એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા;
  રે! તમ ચુંબન ચોડાતાં પામશે લાડકડો શાતા.

  એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,
  એની રક્ષા કાજા અહનિરશ પ્રભુને પાયે પડતી;
  ઉરની એકાંતે રડતી વિજોગણ હશે દિનો ગણતી.

  કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં,
  એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા;
  વસમાં વળામણાં દેતાં બાથ ભીડી બે પળ લેતાં.

  એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી,
  જોતી એની રૂધિર – છલક્તી ગજગજ પ્હોળી છાતી;
  અધબીડ્યાં બારણિયાંથી રડી કો હશે આંખ રાતી.

  એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
  એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે;
  કોઇના લાડકવાયાને ચૂમે પાવકજ્વાલા મોઢે.

  એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
  એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;
  લખજો: ‘ખાક પડી આંહી કોઇના લાડકવાયાની’.

  – ઝવેરચંદ મેઘાણી

  • Veena Dave. USA says:

   Thanks. આ રચના સ્કુલમા ભણ્યા ત્યારે અને અત્યારે પણ આંખમા આંસુ આવી જાય છે.

 5. Veena Dave. USA says:

  વાહ, હ્જાર વંદન લોકલાડિલા રાષ્ટીય શાયરને. . આપણા સદભાગ્ય કે અમુલ્ય સાહિત્ય આપણને મલ્યુ.
  ત્રણેય પત્રો અમુલ્ય.

 6. Malay Bhatt says:

  My favorite “મોર બની થનગાટ કરે” ગીત માટે ઓન-લાઈન મેગેઝીન “કેસુડા” માં કિશોરભાઈ રાવળ એ લખ્યું છે કે,

  “૧૯૪૪ માં રવિન્દ્રનાથ ઠાકુર ના કંઠે આ ઋતુગીત સાંભળી ઝવેરચન્દ મેઘાણીએ તળપદી કાઠિયાવાડી ભાષામાં ફરી સર્જન કરેલું. એ સાંભળીને કોઈ કહે ખરું કે આ બંગાળ ભુમિની વાત છે!”

  નીતિન દેવકા ના સૂર અને રમેશ બાપોદરા ના તબલા ના ધનન ધનન ધબકારાઓ ને મુરલી મેઘાણી એ સંયોજીત કર્યાં છે. સાંભળવાની ઈચ્છા થાય તો… …

  http://www.kesuda.com/mag03/varsha.ram

  અને શબ્દો માટે… …

  http://www.kesuda.com/mag03/song1.htm

  મલય ભટ્ટ્

 7. brinda says:

  પત્રો શ્રી ઝવેરચંદ મેઘાણીના જીવન વિશે ન જાણેલી અનેક વાતો કહી જાય છે. ખાસ કરીને પત્ની અને બાળકોની સંભાળ રાખતાં કરેલા અનુવદો અને સહિત્ય રચનાઓ! ખૂબ જ સરસ પોસ્ટ્ !

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.