મધુસંચય – સંકલિત

[‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર.]

[1] પ્રથમ બદલો તમારી જાતને ! – અજ્ઞાત

હું જ્યારે યુવાન હતો ત્યારે મારી કલ્પનાનાં ઉડ્ડયનો ઊંચા હતાં. દુનિયાને બદલી નાખવાનું હું સ્વપ્ન જોતો હતો. પરંતુ જેમ મારી વય વધતી રહી તેમ મને જણાયું કે દુનિયા બદલાવાની નથી. એટલે મેં મારું ધ્યેય થોડું નીચું કરીને મારા દેશને જ બદલી નાખવાનો નિર્ણય કર્યો. એ પણ શક્ય લાગ્યું નહીં. જીવનસંધ્યાનાં વર્ષોમાં પછી મેં પ્રયત્ન કર્યો – મારા નિકટનાં કુટુંબીજનોને બદલવાનો. મને ત્યારે જણાયું કે તેઓ પરિવર્તનમાં રસ ધરાવતાં નથી.

અને હવે મૃત્યુના દ્વારે પહોંચવાનું થોડુંક દૂર છે ત્યારે મને સમજાયું કે સર્વપ્રથમ તો મારે મારી જાતને બદલવાની જરૂર હતી. મારા પ્રત્યક્ષ દાખલાથી હું મારાં કુટુંબીજનોને બદલી શક્યો હોત. એમની પ્રેરણા અને પ્રોત્સાહનથી મારા દેશને હું પ્રભાવિત કરી શક્યો હોત અને કોને ખબર, દુનિયાને પરિવર્તિત કરવાની દિશામાં હું કદાચ આગળ વધી શક્યો હોત. (‘અખંડ આનંદ’ ફ્રેબુઆરી-2002માંથી સાભાર.)

[2] જીવનચર્યા – વિનોબા

(ક) હંમેશા શુદ્ધ, સ્વચ્છ, યુક્ત અને મિત આહાર અને ખાસ પ્રસંગોએ અલ્પ આહાર અને નિરાહારનું પાલન.
(ખ) દેહ, વાણી, મનની શુદ્ધિ અને આસપાસના તમામ વાતાવરણની સ્વચ્છતા જાળવવી.
(ગ) કુદરત પર પ્યાર અને એનું ઉન્મુક્ત સેવન.
(ઘ) યોગ્ય પરિશ્રમ અને વિશ્રામની વ્યવસ્થા.
(ચ) પોતાને દેહથી ભિન્ન જાણવો, પ્રાણીમાત્રની સેવામાં લાગી જવું અને વિશુદ્ધ ચિત્તથી પરમેશ્વરનું સ્મરણ કરવું.
(છ) દેહની વધારે આસક્તિ રાખવી ન જોઈએ. એનાથી આપણે કદાચ દેહને પરિપુષ્ટ રાખી શકીએ તોપણ આત્માને તો ક્ષીણ કરીએ છીએ. ખરું જોતાં તો એનાથી આપણે દેહની પણ હાનિ કરીએ છીએ.
(જ) આસપાસની સૃષ્ટિને આપણે આપણી દુશ્મન નહીં, પરંતુ મિત્ર માનવી જોઈએ. પ્રકાશ, હવા, તડકો, વગેરેની ખુલ્લા દિલે પૂરી મદદ લેવી જોઈએ. (વિનોબાજી લિખિત ‘રામનામ-એક ચિંતન’માંથી સાભાર.)

[3] જીવનમાં સંતોષ અને સુગંધ – વાલજીભાઈ

જીવનમાં કશુંક બનવા, કશુંક થવાનો આગ્રહ રાખીએ છીએ અને એ માટે શિક્ષણ અને તાલીમ લઈએ છીએ. છતાં જીવનમાં કદી સંતોષનો અનુભવ થતો નથી. હકીકતમાં કશુંક બનવા-થવાનો જીવનમાં અંત જ આવતો નથી. એક ઈચ્છા પૂરી થતાં નવી નવી ઈચ્છાઓ જન્મે છે. અને આપણા પ્રયાસો, દોડધામ ચાલુ જ રહે છે. જીવન કુદરતમય છે. એટલે એ નદી કે ફૂલ જેવું હળવું અને સહજ હોવું જોઈએ. જેમ નદી કે ફૂલને કોઈ આગ્રહ કે હેતુ હોતો નથી, એમ જીવનમાં પણ હોવું જોઈએ. તો સંતોષ અને સુગંધનો અનુભવ થાય અને આ જ જીવનનો સાચો હેતુ છે, સાચું ધ્યેય છે. જીવનમાં કોઈથી પ્રભાવિત થવું નહીં કે કોઈને પ્રભાવિત કરવા નહીં, તો જીવનમાં ખોટા આગ્રહો અને ઈચ્છાઓનો અંત આવશે. જીવનમાં સાદાઈ આવે તો જીવન સૂર અને સંગીતમય બને. જીવન ભર્યુંભર્યું લાગે. વર્તમાનમાં પળે પળે જીવન જિવાય તો સાદાઈ આવે. બાહ્ય સાદાઈની વાત નથી, આંતરિક સાદાઈની વાત છે, એથી જીવનમાં આપોઆપ સુગંધ અને સૌંદર્ય ફેલાય છે. સાદાઈને કારણે ધીરે ધીરે જીવનમાં સ્થિરતા અને સંતુલનતા આવે છે અને જીવન મુક્તિની દિશામાં ગતિ કરે છે.

[4] કાચબાની વાર્તા – અરુણા પરમાર

એક કાચબાના કુટુંબે પીકનીક પર જવાનું નક્કી કર્યું. કાચબાઓ સ્વાભાવિક રીતે જ ધીમા હોવાના કારણે, પીકનીકની તૈયારીમાં સાત વર્ષ લીધા. પછી બધા સારી જગ્યાએ પીકનીકમાં જવા માટે ઘરેથી નીકળ્યા. બે વર્ષે એમને સારું સ્થળ મળ્યું. છ મહિના સુધી જગ્યા સાફ કરી, શેતરંજી પાથરી, ટીફિનના ડબ્બાઓ ખોલીને બેઠા. હવે એમને ખ્યાલ આવ્યો કે મીઠું તો ઘેર જ ભૂલી આવ્યા. મીઠા વગરના ખાવાના સાથે પીકનીકની મજા શું ? આથી લાંબી ચર્ચા-વિચારણાના અંતે નક્કી કર્યું કે કુટુંબના સૌથી નાના કાચબાએ મીઠું લેવા ઘેર જવાનું. કારણ કે એ નાનકો ધીમા કાચબાઓમાં સૌથી ઝડપી હતો. નાનકો રિસાયો, રડ્યો, ટાંટિયા પછાડ્યા.

આખરે નાનકો એક શરતે જવા તૈયાર થયો : ‘હું પાછો ન આવું ત્યાં સુધી કોઈએ ખાવાનું નહીં.’ કુટુંબના બધા સભ્યો સહમત થયા અને નાનકો ઘેર જવા ઉપડ્યો. ત્રણ વરસ પસાર થઈ ગયા પણ નાનકો પાછો ન ફર્યો. પાંચ વરસ, છ વરસ… સાતમે વરસે પણ ન આવ્યો ત્યારે કુટુંબનો સૌથી વૃદ્ધ કાચબો ભૂખ સહન ન કરી શક્યો. એણે જાહેર કર્યું કે મારે તો ખાવું જ પડશે. એમ કહીને ટીફિનના ડબ્બાઓ ખોલ્યા. એવામાં નાનકો પાસેના ઝાડ પાછળથી કૂદીને બહાર આવીને બૂમો પાડવા માંડ્યો : ‘જોયું ! મને ખબર જ હતી કે તમે મારા આવવાની રાહ નહીં જુવો. હવે હું મીઠું લેવા નથી જ જવાનો.’ (ઈન્ટરનેટ પરથી – અનુવાદ)

[5] દષ્ટિકોણ – જયંતિ ધોકાઈ

એક નાની સરખી વાત કરું તો….. કોઈ પણ એક વ્યક્તિને હંમેશા કોઈ એક દષ્ટિકોણથી સમગ્ર રીતે માપી કે જાણી શકાતી નથી. અલબત્ત, આ સાવ નાની વાત બહુ ઓછાને સમજાય એવી છે – બહુ ઓછાને સ્વીકૃત હોય છે ! જુદા જુદા દષ્ટિકોણથી જુદા જુદા સમયે કોઈપણ એક વ્યક્તિ ખરેખર જુદી જુદી લાગતી હોય છે ! આમ કેમ હશે ?! વિચિત્ર લાગતી આ વાત જરા ઊંડું ચિંતન કરવાથી અલબત્ત સમજાય એવી છે. અને તેથી જ…. મારો એક મિત્ર તમારો ‘અમિત્ર’ પણ હોઈ શકે છે, અથવા દુશ્મન પણ હોઈ શકે છે. અને મારો ‘અમિત્ર’ – દુશ્મન તમારો અંગત મિત્ર પણ હોઈ શકે છે ! સિક્કાની બે પરિમિત બાજુઓ જેવી જ આ સરળ વાત છે. વળી, બધા માણસો બધાના મિત્ર કે દુશ્મન નથી હોતા, તો એક કોઈ દુશ્મન બધાનો બધી રીતે (હંમેશાં) દુશ્મન પણ નથી હોતો !

અલબત્ત, આમાં પણ દષ્ટિકોણની જ વાત છે. દુશ્મનને મિત્રના દષ્ટિકોણથી જોતાં તે કદાચ કાયમ માટે દુશ્મન મટી જાય પણ ખરો. પરંતુ એ સાવ સહેલું પણ નથી. આવી ‘દષ્ટિ’ કેળવવી, આવો દષ્ટિકોણ અપનાવવો એ ખરેખર તો મનની ઉદારતાની વાત છે. હા, કદાચ તે સહેજ કપરૂં ચઢાણ છે. પણ… તે સાવ અશક્ય કે દુષ્પ્રાપ્ય પણ નથી જ. જીવનમાં આવો ઉમદા દષ્ટિકોણ અપનાવીને – કેળવીને આપણે કેટલા બધા દુશ્મનોને એક સાથે હરાવી શકીએ છીએ ?!

[6] બદલાવનો સ્વીકાર – અજ્ઞાત

આપણી સહજ પ્રકૃતિ છે કે સ્વસ્થ રહેવું. આથી જે કોઈ બાબતો આપણને અસ્વસ્થ કરી મૂકે એનાથી દૂર જ રહીએ છીએ. જેમ જેમ વધુ વાંચ્યું, વિચાર્યું તેમ તેમ મેં મારા માટે કેટલાક ચોક્કસ માનસિક માળખાઓ બાંધી લીધા છે જે મારી માન્યતાઓ, અભિપ્રાયો, આગ્રહો, પસંદગીઓ રૂપે દેખાવા માંડે છે, આ માળખાને જો કોઈ પડકારે, એને તોડવા પ્રયાસ કરે, એના વિષે ઘસાતું બોલે કે તરત હું અસ્વસ્થ થઈ જાઉં છું. આથી સહજપણે મેં નક્કી કરી લીધું છે કે જ્યાં ક્યાંય બદલવાની વાત આવે ત્યાંથી હું પાછો વળી જાઉં. મારી આ વૃત્તિએ પરિવર્તન સામે વિરોધ ઊભો કર્યો છે.

આથી જ વર્ષોથી હું એક જ પ્રકારનાં કપડાં પહેરું છું. એક જ પ્રકારનો ખોરાક ખાઉં છું. એક જ ઑફિસમાં, એક જ ખાતામાં છું. મારી બદલી થાય એ કબૂલ નથી. મારા ઘરની ગોઠવણી, વસ્તુઓ છેલ્લાં 30 વર્ષથી બદલાઈ નથી. મારો દીકરો પરજ્ઞાતિમાં પરણે એ મને કબૂલ નથી. હમામ સાબુનું રેપર બદલાય કે સુગંધ બદલાઈ જાય તો મન ખાટું થઈ જાય છે. ઑફિસમાં કોમ્પ્યુટર આવે છે તો મને દુનિયા રસાતાળ થતી લાગે છે. ઘર, નોકરી, વાહન, ઑફિસની બેગ, કાંડા ઘડિયાળ…. આ બધા મારા જીવનનો ભાગ છે. ક્યાંય કશું બદલાવું ના જોઈએ.

મારી આસપાસનું જગત સતત બદલાયા કરે છે – મારી ઈચ્છા વિરુદ્ધ, મારા પ્રયત્નો વગર, એ પરિવર્તન રોકવાની મારી મથામણ છતાં. મેં સ્વસ્થ રહેવાના ભાગરૂપે મારા આગ્રહો, માન્યતાઓ, પસંદગીઓને આટલા જડ બનાવી દીધા. પણ એથી તો મારી સ્વસ્થતા વારેઘડીએ ખળભળી ઊઠે છે. લાગે છે કે મારે સ્વસ્થ રહેવા માટે મારા માનસિક માળખાઓને લચીલા, હળવા રાખવા પડશે. જરૂર પડ્યે એને બદલવાની તૈયારી રાખવી પડશે. એની સામેના પડકારોને ઝીલવા પડશે. મારી માન્યતાના મારા પોતાના આધારો ઊભા કરવા પડશે. ચાલો, આજથી નક્કી કરું, દર મહિને મારે ક્યાંક બદલાવાનું. કપડામાં, સ્વાદમાં, રહેણીકરણીમાં, આદતોમાં, સંબંધોમાં – સ્વસ્થતા અચૂક વધશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous થોડાક પ્રેમપત્રો – ગુણવંત શાહ
રાફડા – ડૉ. પ્રફુલ્લ દેસાઈ Next »   

12 પ્રતિભાવો : મધુસંચય – સંકલિત

 1. Balkrishna A. Shah says:

  મધુસંચયના ટૂંકા ફકરા વાંચ્યા. આગળ પણ મેં અભિપ્રાય આપેલો કે હવે ટુંકા અને મુદ્દા સરના લખાણનો સમય છે.
  મુદ્દાસરના લખાણનું લાઘવ્ય ગમ્યું

 2. Ekta.U.S.A. says:

  નાનિ વાતો મા ઘણિ મોટિ સમજવા જેવિ વાતો છુપાયેલિ છે. સુંદર લેખ્.

 3. સુંદર સંચય.

  આભાર,
  નયન

  પ્રેરણાદાયક અદભુત વાર્તા વાંચવા મારા નામ પર ક્લિક કરો.

 4. ખુબ સુંદર સંચય

  ૧,૨,ને ૪ બહુ ગમ્યા. કાચબાની વાર્તા માં બોધ શુ હતો સમજાયુ નહી?

  ” પિકનીક માં મીઠુ ક્યારેય ભુલવુ જોઇયે નહી ” એવુ?

  • Gopal Shah says:

   ધિરજ ભાઈ,
   કાચબા નિ કથા મા બોધ એ હતો કે, જે તમે કોઇ કામ નહિ કરો તો એ ક્યારેય નહિ થાય….

 5. મધુસંચયની મીઠાશ માણવાની મજા પડી.

 6. Rajni Gohil says:

  મધુસંચય તો હૃદયસંચય કરવા જેવું છે અને તેને જીવનમાં ઉતારવા જેવું છે. ઉપયોગી લેખ બદલ આભાર.

 7. Veena Dave. USA says:

  સરસ.

 8. Gopal Shah says:

  નાનો કાચબો તો બહુ ભારે ભાઈ…. પહેલિ બે અને કાચબા નિ વાર્તા બહુ ગમિ…. બદલવાનો સ્વિકાર…. બહુ મજા ના આવિ… કોઇ રિતે એ મને અંધકાર મય લાગિ…. બદલાવ એ પ્રકુર્તિ નો નિયમ છે…. બદલાવ એ તો કુદરત છે…. તો પછિ બદલાવ થિ ડર શાનો?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.