આસવ – હરિશ્ચંદ્ર

[‘જન્મભૂમિ પ્રવાસી’ની મધુવનપૂર્તિમાંની ‘આસવ’ કૉલમમાંથી સાભાર.]

[1] પહેલાંનાં બૈરાં

તમે માનશો ? પહેલાંનાં બૈરાં શું શું કરતાં, તે બધું મને મોઢે થઈ ગયું છે, કારણ કે મારા પતિદેવ દિવસમાં દસ વાર એનું પારાયણ મને સંભળાવે છે. સવારના પહોરમાં મને મરવાની ફુરસદ ન હોય. ચા-નાસ્તો, પાણી ભરવું, કપડાં, કૂકર ચઢાવવું, લોટ બાંધવો, એમને નવ વાગ્યાની લોકલ પકડવાની, છોકરાંઓને નિશાળે મોકલવાનાં. એ કશાયમાં જરીક હાથ ન દે તે તો બળ્યું, પણ ધીરે ધીરે ચા પીતાં, પગ પર પગ ચઢાવી છાપું વાંચતાં જ્યારે એક પછી એક હુકમ છોડવા માંડે – પાણી ગરમ થયું કે ? બાથરૂમમાં ટુવાલ મૂક્યો ? મારાં કપડાં ક્યાં ? ત્યારે સંયમ રાખવો અઘરો પડે.

તેમાં તે દિવસે તો લગભગ બરાડ્યા : ‘મારા એકેય ખમીસને પૂરાં બટન નથી. ચાર દી’થી તને કહ્યું છે. આખો દી’ કરે છે શું ? પહેલાંનાં બૈરાં તો કેટલું કામ કરતાં.’
‘હમણાં અમારા મહિલામંડળની વ્યાખ્યાનમાળા ચાલે છે. કાલે પૂરી થશે એટલે બધું વ્યવસ્થિત કરી આપીશ.’ થોડો વખત થયો ત્યાં ફરી બાંગ પડી : ‘મારો રૂમાલ નથી મળતો. પેન ને ઘડિયાળ ક્યાં છે ? મારાં મોજાં ?’
‘પોતે વ્યવસ્થિત રાખવું નહીં અને બીજા પર ધમપછાડા ?’ મારાથી બોલાઈ ગયું.
‘પહેલાનાં બૈરાં આમ સામું નહોતાં બોલતાં. પતિની સેવા માટે ખડેપગે હાજર ! આખો દિવસ કામ કરીને રાતે પાછાં પગ દાબી આપતાં, તળિયે ઘીની માલિશ કરી દેતાં. આજે તો બસ, મહિલામંડળ અને સમાન હક્ક !’

અને મને થયું, ચાલ બાઈ, એમની એવી જ ઈચ્છા છે તો પહેલાંનાં બૈરાંનો પાઠ ભજવી બતાવું ! સાસુને પણ વિશ્વાસમાં લીધાં. સાંજે આવ્યા ત્યારે હું અસ્સલ પહેલાંના બૈરાંના સ્વાંગમાં સજ્જ હતી. કછોટો મારી પહેરેલો નવ વારી સાડલો, માથે ઘટ્ટ અંબોડો, કપાળે વિક્ટોરિયા છાપ મોટો ચાંદલો. 15-20 બંગડીઓ ! એ જોઈ જ રહ્યા, પણ સાસુની હાજરીમાં કંઈ બોલ્યા નહીં. થોડી વારે હાથમાં ઝોળી પકડાવીને કહ્યું : ‘શાકભાજી લેતાં આવજો અને એલચી કેળાં (કેળાંની એક જાત છે એલચી કેળાં). બાને ઉપવાસ છે.’
સાસુએ મમરો મૂક્યો : ‘તારા સસરા આને સાથે લઈ કાયમ શાક લઈ આવતાં.’ એ શું બોલે ? પછી એમણે આઘાપાછા થઈ કહ્યું : ‘તું ય ચાલ ને !’
‘આજે અગિયારસ, મારે બા સાથે મંદિરે જવાનું છે.’

દોઢ કલાકે પરસેવે રેબઝેબ થતા આવ્યા. કાંઈ ભાજી આણી છે ભાજી !
‘આટલી બધી ?’
‘કેટલી લાવવાની હતી તે ક્યાં કહેલું ?’
‘અને આ પડીકું શાનું ?’
‘તેમાં એલચી છે. એલચી, કેળાં લાવવાનું કહેલું ને ?’
અમે સાસુ-વહુ જે હસ્યાં છીએ તે દી’ ! રોજની જેમ છોકરાં લેસનની ડિફિકલ્ટીઝ પૂછવા આવ્યાં. મેં પપ્પા તરફ ધકેલ્યા :
‘છાપું વાંચવા દે ને ! જા, મમ્મીને પૂછ !’
‘મમ્મી કહે છે જા પપ્પા પાસે. પહેલાંના બૈરાને નહોતું આવડતું એ જ ઠીક હતું.’
‘લાવ ! તું ક્યા વર્ગમાં છે ?’
સાસુથી ન રહેવાયું. ‘તને એય ખબર નથી ?’

હું તમાશો જોતી રહી. રાતે કાંસાનો વાટકો અને ઘી લઈ રૂમમાં પહોંચી ત્યારે ઘસઘસાટ ઊંઘતા હતા. ખૂબ થાક્યા હશે. મેં પગ દબાવવા માંડ્યા અને ઘી ઘસવા માંડ્યું. એ ઊઠીને બેઠા થઈ ગયા.
‘આ શું માંડ્યું છે ?’
‘કાંઈ નહીં. પહેલાંના બૈરાં પતિની સેવા કરતાં !’
બીજે દિવસે સવારે બાથરૂમમાં અબોટિયું મૂક્યું : ‘આજથી પૂજા નાહીને તમારે કરવાની.’
એમની આંખો પહોળી થઈ ગઈ : ‘આ શું ગાંડપણ માંડ્યું છે ?’
‘પહેલાનાં બૈરાં પૂજા નહોતાં કરતાં. પૂજાપાઠ પુરુષો જ કરતા.’

ત્યાર પછી બે-ચાર દિવસ ગાંધીને ત્યાંથી ખરીદી કરવી, વીજળીનું બિલ ભરવું, બૅન્કમાંથી પૈસા લાવવા, ગૅસ પૂરો થયો તેનો ફોન કરવો, છોકરાંવની નિશાળે જવું, શાક લાવવું, છોકરાંવને ભણાવવાં – બધું જ એમને સોંપ્યું ! ‘તું કર’ એમ કહેવાને અવકાશ જ નહોતો, કેમ કે પહેલાંના બૈરાં આવું કાંઈ કરતાં નહોતાં અને છેલ્લે ચાર દિવસની ‘હક્ક રજા’ લઈ મેં કામમાંથી બિલકુલ છુટ્ટી લીધી.

એક દિવસ સાંજે આવી એમણે કહ્યું : ‘તારી મા ભાઈને ત્યાં આવી છે. મળવા બોલાવી છે.’ માને મળવાની હોંશમાં હું નાટક ભૂલી ગઈ અને સ્વાંગ ઉતારી તૈયાર થઈ એમની સાથે નીકળી. ટૅક્સીમાં બેઠાં પછી કહે : ‘હાથ જોડ્યા, માવડી ! આઠ દિવસથી આ શું નાટક માંડ્યું છે ?’
‘નાટક ? તમારી સેવામાં ખડેપગે હાજર રહું છું. રાતે પગચંપી કરું છું. પહેલાંના બૈરાં…..’
‘બસ, બસ હવે, બહુ થયું ! આજે હુંયે તને નાટક બતાવું !’
‘એટલે શું, મા નથી આવી ?’
‘કેવી બનાવી !’ કહેતાંકને મારી સામે એમણે નાટકની બે ટિકિટ ધરી. નાટકનું નામ હતું : ‘ઘરસંસાર.’

(શ્રી વૈજયંતી ફણસળકરની મરાઠી વાર્તાને આધારે.)
.

[2] જૂનું શૈશવઘર

સામાન ભરેલ ટ્રક ગામડાના એક જૂનાખખધજ ઘર પાસે આવી ઊભી. દીકરી તરુએ જોયું કે માએ મોં મચકોડ્યું. એ એટલું સમજી કે માને ઘર ગમ્યું નથી. પણ એ પોતે બેહદ ખુશ હતી. એને ઘર ઘણું ગમ્યું. છાપરે નળિયાના ખૂણે બેસી ખિસકોલી ચપચપ ખાતી હતી. આંગણામાં પડેલ બે-ત્રણ નાના ખાડામાં ચકલી ધૂલીસ્નાન કરતી હતી. ચોમાસું હજી હમણાં જ પૂરું થયું હોવાથી ચોતરફ બધું લીલુંછમ હતું. મુલાયમ ઘાસનો સ્પર્શ તો માસીના બાબલાના વાળ જેવો સુંવાળો-સુંવાળો લાગતો હતો.

આવું કાંઈ એણે મુંબઈ જેવાં શહેરોમાં તો જોયું જ ક્યાંથી હોય ? એટલે એ તો ઘેલી-ઘેલી થઈ ઊઠી હતી. તેવામાં માનું ધ્યાન તેના તરફ ગયું. ‘એય, ત્યાં ન જતી. સાપ કરડશે !’ ખરું જોતાં સાપ એણે નજરે તો કદી જોયો નહોતો. કોઈક મેગેઝિનમાં એનું ચિત્ર જોયેલું. મુંબઈના બે રૂમની સરખામણીમાં ઘર ઘણું મોટું હતું અને તેમાં યે આગળ-પાછળ આંગણું, આંગણામાંના ઝાડ, એ ઝાડ પર આવતાં ભાતભાતનાં પક્ષીઓ અને પક્ષીઓના માળા, બધું જ નાનકડી તરુ માટે તો સ્વર્ગના સુખ જેવું હતું. એક દિવસ બકરી અને એનું નાનું નાનંત લવારું આવી ચઢ્યું. લવારાની ભોળી-ભોળી આંખો તરુની આંખોમાં વસી ગઈ. એ છેલ્લી ચોકલેટ ચઘળતી હતી. લવારાને પોતે કાંઈ જ ન આપી શકી તેનું એને દુ:ખ થયું. અગાઉ આ ઘરમાં કોઈ માસ્તર રહ્યો હશે. તેથી એના હાથમાં ચૉક આવ્યો. એને તો મજા પડી ગઈ. ચૉકથી એણે ભીંત પર ને જમીન પર કેટલાંયે ચિત્રો દોર્યાં અને ઠેર ઠેર પોતાનું ને મમ્મીનું ને પપ્પાનું નામ લખી દીધું. વરસેક પછી એને નિશાળે બેસાડી. ત્યાંય એને મજા પડતી. ભણવાનું ઓછું, રખડવાનું વધારે. બેર-આંબલી ખાવાનાં. પાંચીકા પણ રમવાના. શાળામાં એક ગુલમહોરનું ઝાડ હતું. એ તો એને એવું ગમતું ! શાળાએથી પાછા ફરતાં જાતજાતના લોકો મળતા. કોઈક ઘાસના પૂળા લઈ જતું હોય, કોઈક લાકડાના ભારા. સાંજે પાછી ફરતી ગાયોના ધણને એ જોયા જ કરતી અને ખડખડ અવાજ કરતા ગાડામાં બેસવાનુંયે એને મન થતું. એક દિવસ બેઠીયે ખરી. પણ મમ્મીએ એને ધમકાવી ! જો કે, તરુને સમજાયું જ નહીં કે મમ્મી શા માટે ધમકાવે છે ?

પણ તરુનું આ સુખ લાંબો વખત ન ટક્યું. એક દિવસ પપ્પાએ ખુશ થતાં સમાચાર આપ્યા કે મુંબઈમાં પાછી બદલી મળી ગઈ છે. મમ્મી તો ભારે આનંદમાં આવી ગઈ, પણ તરુને ખાવાનું ન ભાવ્યું. એ રડતી જ રહી કે હું તો આ ઘરમાં જ રહેવાની ! મમ્મીએ એને ઘણી સમજાવી કે અહીં હવે બીજા લોકો રહેવા આવવાના. એ આપણને નહીં રહેવા દે. તરુને એ લોકો પર એવો ગુસ્સો આવ્યો કે એણે પોતાના અભ્યાસખંડ પાછળની ભીંત પર લખ્યું : ‘અહીં રહેવા આવનાર ખરાબ છે.’

પછી તો કાળ કાળનું કામ કરતો રહ્યો. મુંબઈનું નવું ઘર ઘણું રોનકદાર હતું. એને કૉન્વેન્ટમાં દાખલ કરવામાં આવી. ગામડાનું ઘર બીજા તો ભૂલી ગયા, પણ તરુના મન પર ઝાંખી-ઝાંખી પણ એની અમીટ છાપ રહી. પછી તો તરુ મોટી થઈ. એનાં લગ્ન થયાં. છોકરાં થયાં. મોટાં થયાં. એ પણ પરણ્યાં. પતિ નિવૃત્ત થયાં તેવામાં તરુને હાર્ટએટેક આવી ગયો. તેથી પતિ એને વધારે સાચવતો. તરુએ કહ્યું, ‘આપણે ગામમાં ઘર લઈને રહીએ’ આશ્ચર્ય સાથે પતિએ હા પાડી.

તરુએ પેલું જ ગામ પસંદ કર્યું. બન્ને ઊપડ્યા, પરંતુ ત્યાં પહોંચતાં તરુ ગામને ઓળખી શકી નહીં. બધું જ બદલાઈ ગયું હતું. છતાં મોટું લીમડાનું ઝાડ, આંગણું વગેરે નિશાની પરથી તરુએ એ જૂનું ઘર શોધી કાઢ્યું. બહારથી એ બહુ બદલાયું નહોતું, પણ અંદર ઘણા ફેરફાર થઈ ગયેલા. ત્યાં ગામની પોસ્ટઑફિસ ખૂલી હતી. પતિને બહાર જ ઊભા રહેવા દઈ એ અંદર ગઈ. આગળના બે ઓરડામાં ચૂનો ઘોળાયેલો હતો. પાછળનો અભ્યાસખંડ અને રસોડું જેમનું તેમ હતું. એ ભારે ઉત્સુકતાથી તે ખંડ ભણી ગઈ. ચારેકોર ફરીને બધું જોઈ વળી. શૈશવની કૂણી-કૂણી સ્મૃતિઓ એના મનમાં ઊભરાઈ આવી. અચાનક એને યાદ આવ્યું કે પોતે આ ઘર છોડતાં આ અભ્યાસખંડના બારણા પાછળ ચૉકથી લખેલું. એણે બારણું પલટ્યું, પણ આટલાં વરસે એ ચૉકથી લખેલું વાક્ય તો ક્યાંથી જડે ?

છતાં ભૂતકાળની સ્મૃતિઓથી એ ભાવવિભોર થઈ ઊઠી. એનું મન ભરાઈ આવ્યું. પોતાનું બાળપણ પાછું ઊછળી રહ્યું હોય એવો એને ભાસ થયો. બારણાને પકડીને એ ત્યાં ને ત્યાં બેસી પડી. એનો પતિ ત્યાં આવ્યો ત્યારે એ પ્રાણહીન નીચે ઢળી પડી હતી. નળિયાના ખૂણે બેઠેલ ખિસકોલી એની તરફ એકીટશે જોઈ રહી હતી.

(શ્રી ભાગ્યશ્રી કાવળેની મરાઠી વાર્તાને આધારે)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવનપાથેય : ‘રીડગુજરાતી પુસ્તિકા’ – તંત્રી
વાત મૂલ્યો ને સંસ્કારોની…. (ભાગ-2) – સંકલિત Next »   

14 પ્રતિભાવો : આસવ – હરિશ્ચંદ્ર

 1. જય પટેલ says:

  ઘરસંસારની ખાટીમીઠી માણવાની મઝા પડી.

  પહેલાંના કરતાં આજકાલ સુખ-સગવડો વધતાં ઘરકામ ચૌક્કસ ઘટ્યું છે
  તેની સામે સ્ત્રીઓ નોકરી કરતી થઈ હોવાથી બહારનું કામ વધ્યું છે તે પણ સચ્ચાઈ છે.

  શૈશવ કાળના ઘરની પળો મનઃપટલ પર હમેશા તરોતાજા રહે છે.
  શૈશવ કાળની યાદ અપાવતી ટચુકડી.

 2. Veena Dave. USA says:

  સરસ્.
  પહેલાંના બૈરાં વાંચવાની બહુ મઝા આવિ અને હસવુ પણ આવ્યુ.

 3. ખુબ જ સુંદર વાર્તાઓ.

 4. Chintan says:

  એકદમ સુંદર વાર્તાઓ. મન ખુશ થઇ ગયુ.

 5. જગત દવે says:

  2. જૂનું શૈશવઘર –

  મારી દિકરીને (૮ વર્ષ) અમારા વડોદરાનાં ઘર સાથે કાંઈક આવો જ લગાવ છે. (હાલ હું ગલ્ફમાં છું). ગયા વર્ષે વડોદરા ગયા ત્યારે તે ઘર ભાડે આપી દેવા માટે નક્કી કર્યુ. અચાનક એક દિવસ……મારી દિકરીએ મને કહ્યું કે મને આપણું ઘર જોવા લઈ જાવ….. ત્યાં લઈ ગયો તો તે બધા રુમમાં ફરી અને અમે જયાં પુજા રાખતા તે જગ્યાએ જઈ ને હાથ જોડી ને બેસી ગઈ મને કહ્યું તમે પણ મારી બાજુમાં બેસો…..પછી તે જ્યારે નાની હતી ત્યારે આ ઘરમાં કેવી મજા કરતી તેની વાતો કરવા લાગી……. કે કેવી રીતે તે રોજ જયારે હું જયારે ઓફિસથી પાછો આવતો ત્યારે તેની સહેલીઓ સાથે દિવાનની નીચે લપાઈ જતી અને પછી હું “વાઘ” બની જઈ ને તેમને શોધતો……પકડીને ગલી-ગલી કરતો વિ. અચાનક જ તેની આંખોમાં આંસુ છલકાઈ ગયા. મે પુછ્યું કે કેમ રડવું આવી ગયું? તો કહે આ ઘરમાં હવે તો કોઈ રહેવા આવી જશે પછી તે આ ઘરમાં નહી આવી શકે. એ ઘર આપણું નહી રહે.

  અને અમે ઘર ભાડે આપવાનો નિર્ણય મોકુફ રાખ્યો……

 6. બીજી વાર્તા ખુબ લાગણીશીલ છે.

  પહેલી થોડી હાસ્ય કથા

 7. nayan panchal says:

  પ્રથમ વાર્તા વાંચીને ખૂબ હસવુ આવ્યુ. પતિદેવની વાતો બૂમરેંગ સાબિત થઈ.

  બીજી વાર્તા પણ સરસ. જગતભાઈ, તમારો અનુભવ વહેંચવા બદલ આભાર.

  નયન

 8. Akash says:

  પહેલિ અને બિજિ બન્ને વાર્તાઓ પોતાના મા જ વિશેશ છે. ખુબ જ સુન્દર ..

 9. મધુવનપૂર્તિનો આસવ માણવાની મજા પડી. પહેલો આસવ ખટ-મીઠ્ઠો અને બીજો આસવ જરા તૂરો લાગ્યો.

 10. Gopal Shah says:

  વાહ ભાઇ…. ઘર સંસાર્ નિ આ મિઠ્ઠિ મજા કેવિ મજા નિ છે? મારિ ગિતા (મારિ પત્નિ, મારિ સખિ, મારો પ્રેમ, મારુ જિવન, મારો સુખ-દુઃખ નો સાથિ…) પણ આવિ છે… ૩૦ વરસ ના લગ્ન જિવન મા કોઇ દીવસ મને યાદ નથિ કે અએને મને કે છોકરાઓ ને કદિ વઢિ હોય… આમ જોવો તો હુ અને છોકરાઓ ત્રણેય ધમાલિ…. પણ્ ગિતા મારિ બહુ સમજુ અને વ્યહવારિ… અમને પણ્ આવિજ રિતે સમજાવે… આવિ પત્નિ હોય તો આ આયખુ નહિ… પણ્ આના પછિ ના બધા આયખા સુધરિ જાય….

 11. Vraj Dave says:

  આમતો સમજો ને કે અત્યારે “મારા એને” ઘસઘસાટ ઉઘી જવાનો જ સમય છે, પણ કો’ક દિ બિહામણું સપનું આવ્યું હોયતો મારી બાજુમાં ગોઠવાય જાય અને હજુ મેં પુરું વાચ્યુ ન વાચ્યુ ત્યા તો પાનું બદલી નાખે. પણ આજે એવું નો બન્યું અને “પહેલા ની વહુ…” બે વખત વાંચી ગઇ. અને ક્યારેક એની સાસુએ ‘અમારા વખતમાં તો…..’એમ કાઇક કહ્યું હસે તો, આ વાર્તા વાંચીને ખરેખર ગેલમાં આવી ગઇ.હવે કાલ ની કોને ખબર છે કે કેવો ધમાકો બોલશે…..!!!!!!!!
  સારાંસઃ બન્ને જણા વાર્તા વાચી ને ખુબજ ખુશ થયા.સરસ વાત ટુંકમા કરી નાખી.
  આભાર.
  વ્રજ દવે (સજોડે)

 12. Ramesh Desai says:

  First story is funny and lessons for lazy Patidev. Second one was Heart touching. Thanks

 13. Ashish Dave says:

  Nice stories…. Every time I went to Ahmedabad I did make a plan to spend a day at the place where I spend most of my child hood.

  Ashish Dave
  Sunnyvale, California

 14. bhattchetan kumar d says:

  Pahelana Baira Bhu j saras hatu i like that & please post some sotry of pannalal patel, zaverchand meghani ,

  to chetan bhatt

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.