વાત મૂલ્યો ને સંસ્કારોની…. (ભાગ-2) – સંકલિત

[ થોડા મહિનાઓ અગાઉ ‘અખંડ આનંદ’ સામાયિક દ્વારા ‘વાત મૂલ્યો ને સંસ્કારોની…’ વિષય પર સૌને સત્યઘટના કે એ પ્રકારના જીવનપ્રસંગો પર લખવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું, જે સંકલિત થઈને સામાયિકના કેટલાક અંકોમાં પ્રકાશિત થયા હતા. તેમાંથી આપણે થોડા સમય અગાઉ ભાગ-1માં કેટલાક પ્રસંગો માણ્યા હતા. આજે માણીએ અન્ય પ્રસંગો.]

[1] ગરીબ બાળાની શ્રમ-ભક્તિ – તુલસીભાઈ પટેલ

આશરે પાંચેક વર્ષ પહેલાંનો પ્રસંગ છે.
સંસ્કૃતના વિદ્વાન અને મારા પરમ મિત્ર ડૉ. મણિભાઈ પ્રજાપતિ સપરિવાર હરિદ્વાર જઈ રહ્યા હતા. એમણે મને પણ સાથે જોડાવા માટે આગ્રહ કર્યો. આ પહેલાં ઘણી વાર હું હરિદ્વાર ગયો છું. પરંતુ મને પ્રવાસનો શોખ, એટલે હું પણ એમની સાથે સપરિવાર જોડાયો. મારે માટે તો હરિદ્વાર એટલે પ્રવાસ અને યાત્રાનો મણિકાંચન યોગ ગણાય.

હરિદ્વારમાં અમે પંદર દિવસ માટે એક ગેસ્ટ હાઉસમાં રોકાયા. અહીં આવ્યા હોઈએ અને ગંગા-સ્નાનનો લાભ ન લઈએ એ તો કેમ બને ? અહીં ગંગાજી પર વિશાળ અને સુંદર ઘાટ બાંધવામાં આવ્યા છે. (વાસ્તવમાં ગંગાજી તો બે-એક કિલોમીટર દૂર વહે છે. હરિદ્વારનાં પાદ પખાળતાં જે જળ વહે છે, એ ગંગાજીની એક મોટી નહેર છે.) અમે નિત્ય સવારે ગંગાઘાટ પર આવતા, ને ગંગાજીનાં પવિત્ર અને શીતળ જળમાં સ્નાન કરવાનો સરસ લ્હાવો લેતા. ગંગાઘાટ પર અનેક લોકો આજીવિકા માટે જાતભાતની વસ્તુઓ લઈને બેઠા હોય છે. દેશભરમાંથી પધારેલા ભાવિક ભક્તો અને વિવિધ વસ્તુઓનો વેપાર કરતા લોકોનો જાણે ભાતીગળ મેળો ! કેટલાંક ભાઈ-બહેન પડિયામાં દીપ લઈને બેઠાં હોય છે. પાંદડાંમાંથી બનાવેલ પડિયો; એમાં થોડાં ફૂલ અને વચ્ચે ઘીનો દીવો. દીવો પેટાવીને ગંગાજીમાં તરતો મૂકીએ. પ્રવાહ સાથે દીવો દૂર…. દૂર સુધી વહેતો જાય. આવા અસંખ્ય દીપ ગંગાજીની ગોદમાં તરતા હોય. જાણે આકાશમાંથી તારા ગંગાજી પર ઊતરી આવ્યા. અદ્દભુત દશ્ય !

મારા મનમાં પણ ગંગાજીમાં દીપ તરતો મૂકવાનો વિચાર આવ્યો. પરંતુ બુદ્ધિએ કહ્યું : ‘દીવાઓ તો અસંખ્ય તરે છે. તારે તો કોઈ શ્રમજીવીને મદદ જ કરવી છે ને.’ આવું વિચારીને મેં એક દશેક વરસની બાળાને દીવાની કિંમત પેટે પાંચ રૂપિયા આપ્યા. બાળા દીવો પેટાવવા જતી હતી. પણ મેં એને કહ્યું : ‘તુમ પૈસે રખ લો. મુઝે દીયા નહીં ચાહિએ.’ આ સાંભળીને બાળાને આશ્ચર્ય થયું. આવો ગ્રાહક કદાચ એને કોઈ મળ્યો નહીં હોય. પછી તરત જ એ મારો ભાવ સમજી ગઈ. એ ગંગાજી તરફ ફરી; અને પૂરી તાકાતથી પાંચ રૂપિયાના સિક્કાનો ગંગાજીમાં ઘા કર્યો. હું તો જોતો જ રહી ગયો; ને પછી કહ્યું : ‘પૈસે ક્યોં ફેંક દિયે ?’ બાળાએ ગૌરવભેર કહ્યું : ‘હમ ગરીબ જરૂર હૈં, લેકિન ભિખારી, નહીં હૈં. હમ પસીને કી રોટી ખાતે હૈં. હમેં મુફતમેં પૈસે નહીં ચાહિએ.’

ગરીબ વ્યક્તિને મદદ કરવાનો મારો બુદ્ધિ-ગર્વ આ અબોધ બાળાના આત્મગૌરવ સામે ભોંઠો પડી ગયો ! આ શ્રમજીવી બાળાને કદાચ નિશાળે જવાની તક નહીં મળી હોય. તો પછી શ્રમના મહિમા વિશેનું મૂલ્યશિક્ષણ એ ક્યાંથી શીખી હશે ? એને વાંચતાં આવડતું નહીં હોય, તો પછી ‘મફતનું કશું લઈશ નહીં’ આ ગીતાબોધ એ ક્યાંથી પામી હશે ? આપણે યાત્રાધામોમાં જઈએ છીએ. નદી-સ્નાન કરીએ છીએ. સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને પ્રભુને પ્રાર્થીએ છીએ : ‘અમને ધન, સંપત્તિ અને ઐશ્વર્ય આપો.’ ઓછામાં ઓછો પરિશ્રમ કરીને વધુમાં વધુ મેળવવાની કામના કરીએ છીએ. કેટલાક સાંઢિયા ગરીબ ગાયના ભાગનું ઘાસ ઓહિયાં કરી જઈ ઉન્મત થઈને મહાલે છે !

આપણે Work is Worship : ‘શ્રમ એ જ સાચી ભક્તિ’, એવાં સૂત્રોનું પોપટની જેમ રટણ કરીએ છીએ. શ્રમ અને સ્વાશ્રયના મહિમા વિશે ભાવાવેશપૂર્વક ભાષણો કરીએ છીએ. સુંદર લેખો લખીએ છીએ. પરંતુ આ સુત્રોનો આપણા જીવનમાં અનુવાદ જોવા મળે છે ખરો ? આપણે તો શ્રમ કરનારને નીચો અને ન કરનારને ઊંચો માનીએ છીએ ! આપણાં શાસ્ત્રોમાં નવ પ્રકારની નવધા ભક્તિની ચર્ચા કરવામાં આવી છે. પરંતુ આ ગરીબ અને શ્રમજીવી બાળાએ મને તો ‘શ્રમ એ જ શ્રેષ્ઠ ભક્તિ’ એમ ભક્તિનો દસમો પ્રકાર ‘શ્રમભક્તિ’ સમજાવ્યો.

પછી દસ રૂપિયા આપીને અમે એ બાળા પાસેથી બે દીપ લીધા. એના હાથે જ પેટાવ્યા; ને મેં અને શ્રીમતીજીએ ગંગાજીમાં ભાવપૂર્વક વહેતા મૂક્યા. દૂર….દૂર…. વહેતા, ગંગાજીમાં એકાકાર થઈ ગયા ત્યાં સુધી અનિમેષ નયને જોઈ રહ્યાં. રણની રેતી જેવી મારી કોરીધાકોર બુદ્ધિમાં જાણે ભાવનાની ભીનાશ ભળી ! ગદગદ થયો. મનોમન પ્રાર્થના થઈ ગઈ : ‘હે ગંગામૈયા ! ભારતમાતાનાં સૌ સંતાનોમાં શ્રમભક્તિની ભાવના જગવજે !’
.

[2] સંસ્કારી દીકરો – વિનુભાઈ હ. શાહ

મારો એક સારસ્વત મિત્ર એક દાયકા પૂર્વે મારે ત્યાં આવ્યો ત્યારે તેનો ચહેરો કંઈક દુ:ખની લાગણીની ચાડી ખાઈ રહ્યો હતો. મેં તેને આવકાર્યો. ચા-પાણી પતાવી તેના આગમનનું પ્રયોજન સહજ ભાવે પૂછ્યું. વાત કરતાં પહેલાં જ તેની આંખમાંથી બે અશ્રુબિંદુઓ સરી પડ્યાં. થોડી ક્ષણો મૌન ! પછી તેણે અશ્રુભીની આંખે કહ્યું, ‘વિપુલ, તું મારા જીવનકવનથી પરિચિત છે. નિવૃત્તિ પૂર્વે ત્રણ દીકરીઓને સાસરે વળાવી. પુત્રનાં લગ્ન થાય તે પહેલાં જ સહધર્મચારિણી પરલોકને પંથે સિધાવી. પુત્ર માટે ઘણા બધા સ્વજનોનાં માગાં આવ્યાં. મેં કન્યા જોઈ પસંદગી કરવા પુત્રને સૂચન કર્યું. તેણે કન્યાઓ જોવાના સૂચનને નકાર્યું નહીં પણ કોઈની પસંદગી કરતો નથી. તેના મનમાં શું છે તે તેની થોડીસી ઉગ્ર પ્રકૃતિને કારણે હું પૂછી શકતો નથી. અને મને વિશ્વાસ છે, તું મારી મૂંઝવણનો ઉકેલ શોધી આપવામાં મદદરૂપ બનીશ.’

મેં તેને સહકાર આપવાની તૈયારી બતાવી અને કહ્યું, ‘વિપુલ, એ પ્રશ્ન મારા પર છોડી દે.’ મારા જવાબથી તેને કેટલું આશ્વાસન મળ્યું હશે એ તો તે જાણે. પણ હસતા ચહેરે મારી વિદાય લીધી. બીજે દિવસે મેં મિત્રના પુત્રને બોલાવ્યો. તે આવતાં થોડી આડીઅવળી વાત પછી મૂળ વાત પર આવતાં કહ્યું, ‘હિરેન, તું ક્યારે લગ્ન કરે છે ? કોઈ કન્યા નજરમાં છે કે કેમ ? તારા લગ્નમાં બોલાવીશ તો ખરો ને ? જો તારા મનમાં તારા સમાજ સિવાયની કન્યા પસંદગીમાં હોય તો મને જણાવજે. હું તારા પપ્પાને સંમત કરીશ.’ હિરેન મૌન. મેં ફરી એના એ જ પ્રશ્ન દોહરાવ્યા. ત્યારે તે માંડ એટલું જ બોલ્યો : ‘અંકલ, તમે મારા પિતાજીના સહૃદય મિત્ર છો. મારા વડીલ છો. એટલે અત્યારે તો હું માત્ર એટલું જ કહીશ કે આ બાબતમાં મારા વિચારો કેવા છે તે આપ મારા કોઈ પણ મિત્ર પાસેથી જાણી શકશો. આ સિવાય બીજું કંઈ કામ હોય તો કહો.’ અને રજા લઈ તેણે વિદાય લીધી.

મેં તેના મિત્રોમાંથી આશિષને બોલાવ્યો ને કહ્યું : ‘આશિષ, તારા મિત્ર હિરેનને તમે ક્યારે પરણાવો છો ? તેણે કોઈ છોકરી પસંદ કરી છે કે નહીં ?’
‘અંકલ, હિરેનના વિચાર અમે જાણીએ છીએ. તેની મમ્મીના સંસ્કારો અને તેના પિતાનાં મૂલ્યો તેણે સારી રીતે પચાવ્યાં છે. તેની એક જ વાત છે. તે જે જે કન્યાઓને જોવા જાય છે, તેને અને તેના વડીલોને સ્પષ્ટ કહે છે, મારી મમ્મી હયાત નથી. મારા પિતા જીવે ત્યાં સુધી તેઓ આપણી સાથે જ રહેશે. તેમને પાળવાની તારી તૈયારી છે ? મારી મમ્મીની ખોટ મારી બહેનોને ન સાલે તે રીતે તેમની સાથે વર્તવાની તમારી તૈયારી છે ? હું સહકારી ખાતામાં નોકરી કરું છું. મારી સંસ્થાની બીજે શાખા નથી તેથી મારી નોકરી મારા વતનમાં જ પૂરી થશે. એટલે મારા વતનમાં રહેવાની તૈયારી ખરી ? છોકરી અને તેના વડીલોના જવાબ આ ત્રણ પ્રશ્નની બાબતમાં ‘હા’માં મળશે તો તે નહીં જુએ રૂપ કે શિક્ષણ, નહીં જુએ કન્યાપક્ષની સમૃદ્ધિ કે કન્યાપક્ષના પરિવારની હકીકત. તે તુર્ત જ ‘હા’માં જવાબ આપી દેશે.’

આશિષની વાતે મને વિચારતો કરી મૂક્યો. ત્યાં આશિષ વાતનો તંતુ આગળ લંબાવતાં બોલ્યો, ‘અંકલ, તે એક જ વાતનું રટણ કરે છે – દુનિયામાં ચારનો ઉપકાર જિંદગીમાં કદીય ભુલાય તેમ નથી. ફાધર, મધર, ગુરુ અને શિક્ષણસંસ્થા કે જેમણે આપણને સારા સંસ્કારો આપી સાચા રસ્તે ચડાવ્યા. તે વારંવાર ગાય છે ‘જનની જોડ સખી નહિ જડે રે લોલ.’ તે હંમેશા રટણ કરે છે ‘ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગું પાય ! બલિહારી ગુરુ આપકી, જિસને ગોવિંદ દિયો બતાય.’ પિતા માટે તેના હૈયામાં અનન્ય ભાવ એટલા માટે છે કે તેઓ મૂલ્યો સાથે જીવ્યા છે. અણહક્કનો એક પૈસો પણ પોતાના પરિવારમાં ન આવે તેનો સ્પષ્ટ અને સતત આગ્રહ સેવ્યો છે.’

આટલી વાત કરી તેણે રજા લીધી. મને મિત્ર-પુત્રની વિચારધારા જાણી અનહદ આનંદ થયો. તેના પ્રત્યે હૈયામાં આદર થયો. હવે મારે શું કરવું તેના વિચારોમાં ખોવાયેલો રહેતો. આમ ને આમ એક સપ્તાહ વીત્યું ત્યાં એક સવારે મિત્રનો ફોન આવ્યો, ‘વિપુલભાઈ, તમે કેવો જાદુ કર્યો. પુત્રે કન્યા પસંદ કરી લીધી છે. અમારી વડીલોની મુલાકાત થઈ ત્યારે કન્યાની માતાએ કહેલ કે વિપુલભાઈ, હિરેનના વિચારો આદરપાત્ર છે. પિતા અને બહેનો પ્રત્યેની ભાવના અમને સ્પર્શી છે. તમે સંમત હો તો આપણે ગોળ ખાઈ લઈએ. વિધિસર ચાંલ્લા પછી સારું મુહૂર્ત જોઈ કરીશું. પંદર દિવસ પછી મુહૂર્ત આવે છે. ચાંલ્લાવિધિમાં તારે આવવાનું છે. ફરી ફોન કરી સમય જણાવીશ.’

મિત્રની મૂંઝવણ ટળી ગઈ. તેનો સૌથી વધુ આનંદ મને થયો. મિત્ર આજીવન સાચા અર્થમાં સારસ્વત રહ્યો. પૈસા માટે આંધળી દોટ મૂકી નથી. મૂલ્યનિષ્ઠ જીવન સાથે પુત્રને માતા તરફથી મળેલ સંસ્કારોને યાદ કરતાં બર્ટ્રેન્ડ રસેલના શબ્દો યાદ આવી ગયા : ‘મૂલ્યોની તાકાત જબરજસ્ત હોય છે, તે તણાવો અને આઘાતોમાંથી આપણને તૂટતા બચાવી લે છે.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આસવ – હરિશ્ચંદ્ર
જીવન ઉત્સવ – ઉદયસિંહ ડાભી Next »   

17 પ્રતિભાવો : વાત મૂલ્યો ને સંસ્કારોની…. (ભાગ-2) – સંકલિત

 1. Chintan says:

  શ્રમભક્તિ અને મૂલ્યની બંને વાર્તા ખુબ સરસ રહી.
  મનુષયના સામાજીક અને આર્થિક વિકાસનો આધાર બંને પાસાઓ પર રહેલો છે.

 2. જય પટેલ says:

  પાંચ રૂપિયાના સિકકાના ઘાએ બુધ્ધિ-ગર્વ તોડ્યો અને શ્રમ શક્તિનો મહિમા સમજાયો.

  બાળકોમાં ઉંચા સંસ્કારોનું સિંચન ફકત શાળાઓમાં જ થાય તેવા ભ્રમનું વિસર્જન કરતી ટચુકડી આંખો ખોલનારી.

  કળિયુગમાં શ્રવણ જેવા પુત્રની વ્યથા પિતા માટે ઘડપણની છાંયડી પુરવાર થશે.

  પ્રેરણાત્મક પ્રસંગો.

 3. Veena Dave. USA says:

  Thanks Shri Mrugeshbhai.

 4. કલ્પેશ says:

  ‘તુમ પૈસે રખ લો. મુઝે દીયા નહીં ચાહિએ.’
  કહેવાતા બુદ્ધિજીવી તરીકે આપણે આપણા અભિમાનને પોષીએ છીએ અને ખુશ થઇએ છીએ જ્યારે કોઇ પૈસા લઇ લે છે (જે મોટેભાગે જોવા મળે છે). આપણને એમ અનુભુતિ થાય છે કે “મેં” કોઇને મદદ કરી, બે પૈસા આપ્યા અને સામે કંઇ ન લીધુ.

  અને આપણા અભિમાનને પોષનારા લોકો રોજ મળે છે, સ્ટેશન પર, ટ્રાફિક સિગ્નલ પર, મંદિર પાસે.
  અને કોઇ આ છોકરી જેવુ મળી જાય જે આ ખોટી માન્યતાને તોડી નાખે ત્યારે આપણે એમ કહીએ કે “વાહ, શુ સંસ્કાર છે”.

  આપણા સંસ્કાર ક્યા છે, જ્યારે આપણે લોકોને ભીખ પર નિર્ભર કરીએ છીએ અને એમા પણ પાછા ઉંચા હોવાનુ અભિમાન.
  કેહેવાતા ધનિક દેશો આફ્રિકા પ્ર્ત્યે પણ આવુ જ વર્તન દેખાડે છે. પણ આફ્રિકાના લોકોને પૂછો?

  હે પ્રભુ, બુધ્ધિજીવીઓને થોડી “સામાન્ય સમજ” મળે (હું પણ એમા જ છુ).

 5. hardik says:

  ખુબ સરસ સંકલન મૃગેશભાઈ

 6. Moxesh Shah says:

  Excellent, Mrugeshbhai and thanks for the same.

  Especially, the second True story: “Sanskari Dikaro” is really very positive, inspiring and can be an eye opener for all of them, who are traditionally one side thinkers and commenters.

 7. સુંદર ફુલો નો ગુલદસ્તો.

  આભાર

 8. nayan panchal says:

  બંને પ્રસંગો ખૂબ જ સરસ. પ્રથમ પ્રસંગ માટે તો શાંતિથી વિચારવુ પડે કે આપણી દાન કરવાની વૃતિ પાછળની ભાવના કેવી છે.

  આભાર,
  નયન

  • Sweta Patel says:

   સાચિ વાત નયનભાઈ,

   કોઇ પણ કાર્ય નો હેતુ જ નક્કિ કરે છે, કે તે સારુ છે કે ખોટુ. દા.ત. કોઇ ગામમા કુવો બન્ધાવે, પણ જો ફક્ત વોટ લેવા માટે જ કર્યુ હોય તો તેને ખોટુ જ કેવાય. એ જ પ્રમાણે જો બાળક ને સુતુ હોય તો જ્ગાડ્વુ પડે તે સારુ ના કેવાય્ પણ તેને ભણવા શાળા એ મોકલ્વુ એ તેનિ માટે સારુ છે, માટે હેતુ સારો છે, તો તે કાર્ય સારુ કેવાય્.

   • Vaishali Gandhi says:

    Ghani vakhat aevu bane ke aap ne koi bhikh magva aav nar ne paish aapva ne badle aem kahei ke chalo hu tame kam aapi ne paish aapu to te kam kar vani na pade che jane ke bhikh magvo pan aek dhandho che. Hu jayare school time ma hati tyare amara tution sir aek vat kahi hati je mara man ma Ghar karigayali ke ” Koi ne pan Bhikh na aapvi. Jo Bhikha ri Bhikh Mage to tene Pahela kaipa kam karavo Pachi te paisa aapva te na thi ne bhikh magva ni vrutibhadh thai mahent karva ni vruti aave.” Aavat ne jayare pan anusharva jav chu tyare bhikhari kamkarva ne badle chal va made che. To aeno matalb ae ke aemne kam nathi karvu ane paisa melava che.

 9. C. K. Shah says:

  ક્રુતિ તો બહુજ સારિ ચ્હે. વાચિને આન્ખમા ભાવાશ્રુ ઉભરાયા સમાજમા આવા પુત્રો ઉભા કરવાનિ જરુરત ચ્હે. આ સમજ કોન આપશે ????????? આભાર

 10. પરીશ્રમ એ જ પારસમણી એ ઉક્તિને સાર્થક કરતી નાનકડી બાળાની શ્રમભક્તિ ગમી. વાસ્તવમાં બાળકો તો આવા જ મૂલ્યો લઈને જન્મે છે પણ વડીલો તેમને બગાડે છે.

  મૂલ્યનું મૂલ્ય સમજીને જીવનમાં મૂલ્યો ઉતારવામાં આવે તો જીવન અમૂલ્ય થઈ જાય.

  મૂલ્ય અને સંસ્કારની સુંદર વાતો.

 11. Rajni Gohil says:

  If Character is lost everything is lost. ઉપરનાં બન્ને પ્રસંગો આની પ્રતીતિ કરાવે છે. આપણે પણ આજથી જ જીવનમૂલ્યોનું જતન કરવાનું શરૂ કરીશું તો આ લેખ વાંચ્યાનું યથાર્થ ગણાશે. વાત મૂલ્યો ને સંસ્કારોની ….. આપવા બદલ મ્રુગેશભાઇ ને અભિનંદન.

 12. Gopal Shah says:

  Excellent stories…. Excellent messages from both stories….

 13. Ekta.U.S.A. says:

  ખરેખર જિવન મા ઉતારવા જેવિ બાબત છે.

  આ નાનિ નાનિ વાતો મા જિવન નો બોધ છુપયેલો હોયે છે. જરુર છે ફક્ત સમજવાનિ.

 14. Ashish Dave says:

  1.) Too good… Its blood, sweat, and tears that bring food to many of us.

  2.) It is better to clear up front instead of getting burnt later…

  Ashish Dave
  Sunnyvale, California

 15. Rajni Gohil says:

  આ વાતો તો પહેલાં અહીં પ્રગટ થઇ ગયલી છે.

  વારંવાર વાંચવી ગમે તેવી છે. આ વાતોનો બોધપાઠ મન પર કાયમ રહે તે માટે પણ પુનરાવર્તન ઘણું ઉપયોગી છે.

  ગરીબ બાળાની શ્રમ-ભક્તિ તો રઘુકૂળ રીતિ સદા ચલી આયી પ્રાણ જાય પર વચન ન જાય ની યાદ અપાવી જાય છે. ગરીબાળાએ પોતાની જાતને અપેલું વચન………..મફતમાં લઇશ નહીં તે પાળીને બતાવ્યું.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.