જીવન ઉત્સવ – ઉદયસિંહ ડાભી

[‘જીવન ઉત્સવ’ એટલે જીવનમાં સફળતા, સમૃદ્ધિ, સુખ અને શાંતિ પ્રાપ્ત કરવાની ચાવીઓ દર્શાવતું પુસ્તક. આ પુસ્તકમાં શારીરિક, કૌટુંબિક, માનસિક, સામાજિક, વ્યવસાયિક, આધ્યાત્મિક, આર્થિક અને વૈશ્વિક એમ કુલ આઠ વિભાગોમાં વિવિધ પ્રકારનું સાહિત્ય સંકલિત કરવામાં આવ્યું છે. વાચક પોતાનું અને પોતાના કાર્યોનું મૂલ્યાંકન કરીને, પોતે શું શું કરશે તે આ પુસ્તકમાં આપેલી જગ્યામાં લખી શકે છે. પુસ્તકમાં દરેક પ્રકરણને લગતી મુદ્દાસર નોંધ, ચાર્ટ, સ્વમૂલ્યાંકન માટેની પ્રશ્નોત્તરીઓ પણ આપવામાં આવી છે. આ પુસ્તકમાં 48 બોધકથાઓ, 109 ચિત્રો અને 183 સુવાક્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. લેખક શ્રી ઉદયભાઈ અમદાવાદ ખાતે શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવે છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે uday_youcan@yahoo.com અથવા +91 9879425748 પર સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 032[1] સૂર્યનો પ્રશ્ન

અસ્તાચળ તરફ સૂર્યનારાયણ જઈ રહ્યા છે. ક્ષિતિજને સ્પર્શવાની તૈયારી છે. સલૂણી સંધ્યારાણી પૃથ્વી પર પધારવા પોતાનો પદરવ વગાડી રહી છે. પક્ષીઓ માળા તરફ આવવાં લાગ્યાં છે, મંદિરમાં આરતીની તૈયારીઓ થઈ ચૂકી છે. ગાયનું ધણ ગોધૂલી ઉડાડતું ગામ તરફ પ્રયાણ કરી રહ્યું છે. જગતનો તાત, ખેડૂત પોતાના પશુધનને લઈ ઘર તરફ પ્રયાણ કરી રહ્યો છે. તારાઓ આકાશમાં આગમનની તૈયારીઓ કરી રહ્યા છે. થાક્યો-પાક્યો માનવસમુદાય પોતાના ગૃહ તરફ ગતિ કરી રહ્યો છે ત્યારે સૂર્યનારાયણના મનમાં એક પ્રશ્ન થયો, ‘હું આ પૃથ્વી પરથી વિદાય થાઉં પછી પ્રકાશ આપવાનું મારું કાર્ય કોણ કરશે ? તેમણે કુદરતનાં તમામ તત્વોને, પતંગિયાથી લઈ પર્વત સુધી, નાનાં પાનથી લઈ નદી સુધી, સુક્ષ્મ જીવજંતુથી લઈ વિરાટકાય હાથી સુધી અને બુદ્ધિબળમાં ચડિયાતા માનવને પણ આ પ્રશ્ન પૂછ્યો. સૌ આ કાર્ય કરવા અસમર્થ છે તેમ જણાવ્યું.

ત્યાં એક કોડિયું બોલ્યું : ‘હે દેવ, આપ તો મહાસમર્થ છો, આપના જેટલો પ્રકાશ ફેલાવવાનું મારું સામર્થ્ય ક્યાંથી હોય ? હું તો નાનું કોડિયું છું. પરંતુ મારા સમગ્ર સામર્થ્યનો ઉપયોગ કરી, સતત પ્રજ્વલ્લિત રહી, યથાશક્તિ હું મારો પ્રકાશ ફેલાવીશ.’ કોડિયાની વાત સાંભળી સૂર્યનારાયણ અતિ પ્રસન્ન થયા. અસ્ત થતા અગાઉ કોડિયા પર પ્રકાશપૂંજનો આશીર્વાદ આપતા ગયા. આપણે સૌ પણ મહાપ્રકાશપૂંજનાં અંશ છીએ. આપણે સમગ્ર વિશ્વમાં પ્રકાશ ન ફેલાવી શકીએ પરંતુ આપણી આજુબાજુ, આપણાથી જે કાંઈ શક્ય હોય તે નાનાં નાનાં શુભ કામ તો કરી શકીએ ને ? સૂર્ય ભલે ન બની શકાય પરંતુ કોડિયું બની કોઈનો જીવનપથ પ્રકાશિત કરીએ.

[2] નજર નજરનો ફેર

પરિસ્થિતિને જોવાનો આધાર છે આપણું દષ્ટિબિંદુ, આપણું વલણ. આ સંદર્ભમાં, પરદેશની કોઈ એક કંપનીના સ્થાપકને મિક્ષચર બનાવવાનો વિચાર કેવી રીતે સ્ફુર્યો તે બાબતનો મજાનો પ્રસંગ છે. તેઓ મિક્ષચર બનાવવાનાં સતત વિચાર કરતા હતા. જુદા જુદા પ્રયોગો કરતા હતા. તેમનું મન એક જ વિચાર પાછળ લાગેલું રહેતું. તેઓ ક્યાંય બહાર ફરવા, ફિલ્મ જોવા કે મનોરંજન માટે જતા ન હતા. તેમનાં પત્નીને થયું કે પતિને ક્યાંક સારી ડાન્સ પાર્ટીમાં લઈ જઈએ તો તેમનું મન થોડું બીજી દિશામાં વળે. તેઓ આગ્રહ કરી પતિને એક ડાન્સ પાર્ટીમાં લઈ ગયા. પતિ-પત્ની સ્ટેજ પાસેની હારમાં બેઠાં. સ્ટેજ પર ડાન્સર છોકરી ડાન્સ કરે છે. શરીરનાં વિવિધ અંગોને વળાંક આપે છે. પેટ અને કમરને આમ-તેમ ઘૂમાવે છે. પેલાભાઈ તે જોવામાં તલ્લીન થઈ ગયા છે. તેમના પત્નીને આનંદ થયો કે તેઓ પોતાના સંશોધનના વિચારમાંથી મુક્ત થયા છે અને આનંદ માણી રહ્યા છે. તેમણે ધીમે રહી પતિને કહ્યું કે તેઓ તલ્લીન થઈ ડાન્સ જોઈ રહ્યા છે તેથી તેમને ડાન્સ ખૂબ ગમ્યો લાગે છે.

પતિ કહે : ‘શટઅપ, હું એ વિચારું છું કે આ નૃત્યાંગના પોતાની કેડ અને પેટને જે રીતે ઘૂમાવે છે તે પ્રકારે કોઈ યંત્ર બનાવ્યું હોય તો મારા મનમાં જે વિચાર છે એ આકાર પામે !’ પત્ની તો દંગ રહી ગયાં ! આ મહાશય તો નૃત્યાંગનાં નૃત્યમાંથી પણ પોતાની શોધ વિશે જ વિચારે છે. આ પ્રકારની સતત ધૂનને કારણે પછીથી તેમણે મિક્ષચરની શોધ કરી, જે આજે દરેક ગૃહિણી વાપરે છે.

[3] કાંટાનું રૂપ ભૂલવું

માણસે કેવી રીતે જીવવું ? તે પ્રશ્ન ખૂબ ચિંતન માગે છે. પોતાની રીતે જીવવું કે દુનિયાની રીતે ? કરવું શું ? દુનિયામાં રહેવાનું છે. આ લોકો સાથે જ કામ પાર પાડવાનું છે. જો હું સંપૂર્ણપણે મારી ઈચ્છા મુજબ રહું તો રહી ન શકું તેવી પરિસ્થિતિ છે, અને જો માત્ર દુનિયાદારી મુજબ રહેવા જાઉં છું તો છેવટે અશક્ત, નીચોવાઈ ગયેલા, આનંદવિહોણા, નિસ્તેજ માણસ જેવી મારી સ્થિતિ થાય છે. મારું પોતાનું એક વિશ્વ છે, આંતરવિશ્વ. આ વિશ્વને ઈચ્છાઓ છે, લાગણીઓ છે અને માગણીઓ પણ છે. આ વિશ્વમાં આંતરસંઘર્ષ પણ છે. એમાં પોતાનાં સ્વપ્નાં છે. બાહ્ય દુનિયાનું, સમાજનું એક વિશ્વ છે. તેને પોતાના નિયમો છે. તેની પણ માગણીઓ છે. માણસને પોતાની રીતે રહેવાની ઈચ્છા થાય છે અને સમાજ સાથે રહેવાની પણ ઈચ્છા થાય છે. બંને વિશ્વ વચ્ચે સતત સંઘર્ષ ચાલતો રહે છે. આ સંઘર્ષમાં શક્તિ અને સમય ખર્ચાય છે, પરિણામે દુનિયાના વયસ્કો પર નજર નાખીએ તો 98% લોકો નિરાશ, હતાશ, નિસ્તેજ, નિરુત્સાહી અને પેલા શેરડીના કૂચા જેવા જોવા મળે છે. ત્યારે શું કરવું ? આ પ્રશ્નનો જવાબ, આપણા શ્રેષ્ઠ કવિઓમાંના એક એવા સુરેશ દલાલની આ કાવ્ય પંક્તિઓ આપે છે :

‘આપણે આપણી રીતે રહેવું,
ખડક થવું હોય તો ખડક, નહીં તો
નદી જેમ નિરાંતે વહેવું.
ફૂલની જેવું ખૂલવું,
અને ડાળની ઉપર ઝૂલવું.
ભમરાનું ગીત કાનમાં આંજી,
કાંટાનું રૂપ ભૂલવું.
મૂંગા થઈને સ્હેવું અને કહેવું હોય તો પંખીની જેમ કહેવું.’

[4] અમૃતકુંભ

વૈકુંઠમાં એક સમસ્યા ઊભી થઈ છે. ભગવાન વિષ્ણુ અને સૌ દેવો એક બાબતે ચર્ચા કરે છે. ‘અમૃતકુંભ ક્યાં રાખવો ?’ – એ બાબતે સૌ પોતપોતાનાં મંતવ્યો આપે છે. કોઈ કહે છે, ‘પ્રભુ, તેને ઊંચામાં ઊંચા પર્વત હિમાલય પર મૂકી દો. ત્યાં માનવ માટે પહોંચવું શક્ય નથી.’ પ્રભુ બોલ્યા, ‘દેવ, તમે માનવશક્તિથી અજાણ છો. માનવે એવા વિમાન બનાવ્યા છે કે એ હિમાલયથી ઊંચા ઊડે છે એટલે ત્યાં કુંભ ન મુકાય.’ બીજા દેવે કહ્યું, ‘ભગવાન, તેને દરિયાનાં પેટાળમાં સંતાડી દો. ત્યાં માનવ ન જઈ શકે.’ ભગવાન મંદ મંદ હસતા બોલ્યા, ‘દેવરાજ, તમને ક્યાં ખબર છે કે માનવે વહાણ, આગબોટ, સબમરીનો બનાવી છે. તેણે એવાં યંત્રો બનાવ્યાં છે કે જે મહાસાગરનાં તળિયે જઈ શકે, એટલું જ નહીં, તળિયામાં શું છે તે જોઈ શકે. બોલો ત્યાં કુંભ કેમ રાખવો ?’ ત્યાં ત્રીજા દેવ બોલ્યા, ‘પરમેશ્વર, એમ કરો તેને અવકાશમાં કોઈ જગ્યાએ ગોઠવી દો. ત્યાં તો માનવ ન જ જઈ શકે.’ ભગવાન કહે, ‘માનવે અવકાશયાન બનાવ્યા છે અને તે ચંદ્ર સુધી તો પહોંચી ગયો છે. ટેલીસ્કોપ દ્વારા ક્યા ગ્રહ પર શું છે તે જોઈ શકે છે એટલે અમૃતકુંભ ત્યાં મૂકવો સલામત નથી.’

ખૂબ ચર્ચા ચાલે છે, દેવો અનેક મંતવ્યો આપે છે, પણ પ્રશ્નનો ઉકેલ આવતો નથી. ત્યાં માનવમનનાં જ્ઞાતા એક દેવ બોલ્યા, ‘હે પરમજ્ઞાની પરમાત્મા, આપ તો માનવમનને જાણો છો. તે સમગ્ર વિશ્વમાં શોધી વળશે, પહોંચી જશે, સમગ્ર વિશ્વને જાણશે, પરંતુ તેનાં મનમાં તે નહીં જુએ. તે દૂરદર્શન કરશે પણ સ્વદર્શન નહીં કરે.’ ભગવાન વિષ્ણુ સંમત થયા કારણ કે આ સચોટ ઉપાય હતો. આખરે આ અમૃતકુંભ માનવનાં મનમાં મુકવાનો નિર્ણય થયો.

[5] બે દેડકા

એક મલાઈ ભરેલા પાત્રમાં બે દેડકા પડી ગયા. મલાઈ ચીકણી તો હોય જ. એક દેડકો વિચારે છે, ‘આ મલાઈ ચીકણી છે. આમાં તરવું મુશ્કેલ છે, વળી બહાર નીકળવાના પ્રયત્નો કરવા પણ વ્યર્થ છે. મરવાનું નિશ્ચિત છે. શા માટે પગ હલાવી દુ:ખી થવું અને નિષ્ફળ પ્રયત્નો કરવા ?’ આમ વિચારીને તે બેસી રહે છે અને થોડા સમયમાં મૃત્યુ પામે છે. બીજો દેડકો વિચારે છે, ‘મલાઈ છે તો ચીકણી, તરવું પણ મુશ્કેલ છે. ખૂબ બળ કરીએ તો પગ હલાવી શકીએ છીએ. બહાર નીકળવાનું મુશ્કેલ તો છે. પણ શા માટે પ્રયત્ન કર્યા વગર મરી જવું ? પ્રયત્નો કરવાથી કંઈક રસ્તો નીકળે અને કદાચ બચાવ થાય. જ્યાં સુધી શરીરમાં શક્તિ છે ત્યાં સુધી પૂરેપૂરા પ્રયત્નો કરવા.’ આમ વિચારી, તે પોતાની તમામ શક્તિ એકઠી કરી, પગ હલાવવા લાગ્યો. આખી રાત તેણે આ પ્રમાણે કર્યું. તે ઘણીવાર નિરાશ થઈ જતો, થાકી જતો પરંતુ તેણે શ્રદ્ધા ન ગુમાવી. સતત પ્રયત્ન કરતો રહ્યો. પગ હલાવતો રહ્યો, તરતો રહ્યો. શું બન્યું ? દેડકાના સતત હલનચલનને કારણે મલાઈ વલોવાઈ અને તેમાંથી માખણનો થોડો કઠણ પીંડ બન્યો. દેડકો તેના પર ચડી ગયો અને કુદકો મારી બહાર નીકળી ગયો. સાર એટલો જ કે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હકારાત્મક વિચારવું, નિરાશ ન થવું અને સતત પ્રયત્નો કરવા.

[6] ખંખેરી નાખો

એક પાણી વગરનાં કૂવામાં બળદ પડી ગયો. કૂવો ઊંડો અને સાંકડો. બળદને બહાર કાઢવો કઈ રીતે ? ગામડામાં એવી કોઈ વિશિષ્ટ સગવડ નહીં કે જેના વડે તેને બહાર કાઢવા કોશિશ કરી શકાય. કૂવામાં પડેલો બળદ ભૂખ અને તરસથી બરાડા પાડે. લોકોથી જોયું ન જાય. બળદનું દુ:ખ જોઈ વડીલોએ સલાહ આપી કે બળદને બહાર કાઢી શકાય તેમ છે જ નહીં તો તેને રીબાવી રીબાવીને શું કામ મારવો ? તેનાં કરતાં તેની ઉપર માટી નાખીએ એટલે બળદ મરી જશે અને દુ:ખમાંથી છૂટશે. સૌએ આ વાત ન છૂટકે સ્વીકારી લીધી. કેટલાક માણસો માટી લાવી બળદ ઉપર નાખવા લાગ્યા, પણ બન્યું ઊલટું, માટી શરીર પર પડે એટલે બળદ પોતાની સમગ્ર તાકાત ભેગી કરી શરીર હલાવે, માટી નીચે પડી જાય. આમ સતત ચાલતું રહ્યું, માટી નીચે પડે એટલે નીચે ઢગલો થતો ગયો. બળદ તે ઢગલા ઉપર ચડી જાય. વળી માટી પડે, બળદ શરીર હલાવે, માટી બળદની નીચે જાય, ઢગલો વધે, બળદ તેની ઉપર ઊભો રહે. આમ થતાં થતાં એક સ્થિતિ એવી આવી કે બળદ લગભગ ઉપર આવી ગયો અને ગામ લોકોએ તેને બહાર કાઢી લીધો. સૌને આનંદ થયો.

આપણાં જીવનમાં પણ આવું જ બને છે. આપણું મગજ જાણે કચરાટોપલી હોય તેમ લોકો બિનજરૂરી વાતો આપણને સંભળાવે, તેમણે ભેગો કરેલો કચરો આપણને આપે. કોઈ આપણી અયોગ્ય ટીકા કરે, આપણા પર ખોટા આક્ષેપ કરે, આપણી નિંદા કરે, આપણને કટુવચન કહે, આપણી પર ગુસ્સો કરે, આવી તમામ બાબતો, બિનજરૂરી અને ક્ષુલ્લક બાબતોને મગજમાંથી ખંખેરી નાખો, તેની મન ઉપર અસર ન લઈએ તો આપણે પણ હળવાફુલ રહી શકીએ અને ઉર્ધ્વગતિ, વિકાસ કરી શકીએ.

[7] વાતચીતની કળા

જો આપણે સફળતા, સાર્થકતા, સમૃદ્ધિ, સુખ અને શાંતિ પ્રાપ્ત કરવાં હોય તો આધુનિક યુગમાં વાતચીતની કળા જાણવી અનિવાર્ય જ નહીં, ખૂબ જ આવશ્યક છે. મિત્રો, અમુક માણસોને કુદરતી રીતે અથવા કૌટુંબિક વાતાવરણને કારણે આ કળા સહજ પ્રાપ્ત હોય છે. અને તેમનામાં અન્ય ક્ષમતાઓ ઓછી હોય તો પણ ઉત્તમ સંબંધો વિકસાવી, ઉત્તમ વ્યવસાય કરે છે. અન્ય માણસો પાસેથી સારી રીતે કામ કરાવી શકે છે. જીવનમાં સફળતા, સમૃદ્ધિ મેળવે છે. પરંતુ દરેક આ બાબતે નસીબદાર ન હોય. મારો તો અનુભવ છે કે મોટાભાગનાં આપણાં ભાઈ-બહેનોને આ કળા પ્રાપ્ય નથી. જેનાં પરિણામે તે જીવનનાં ઘણાં ક્ષેત્રોમાં, પોતે અન્ય બાબતોમાં સક્ષમ હોવા છતાં, સફળ થતાં નથી. માણસ જેની સાથે રહે છે, જેની સાથે વ્યવસાય કરે છે, તેની સાથે યોગ્ય રીતે પ્રત્યાયન ન કરી શકે તો સામેના વ્યક્તિને પોતાની વાત સમજાવી શકતો નથી અને તેની બહુ મોટી અસર તેના કૌટુંબિક, સામાજિક અને વ્યવસાયિક ક્ષેત્ર પર થતી હોય છે. એક ઉદાહરણ જોઈએ – મજા આવશે.

(અ) ડૉક્ટર-દર્દી વચ્ચે વાતચીત

ડૉક્ટર : ‘શું થયું બોલો ?’ (મોટેથી, ઉગ્રતાથી બોલે છે.)
દર્દી : ‘સાહેબ, પેટમાં દુ:ખે છે.’
ડૉક્ટર : ‘કાલે શું ખાધું હતું ? ગમે ત્યાં બહાર ખાવ, તળેલું-તીખું ખાવ ! જીભનાં ચટાકા કરવા હોય તો પછી પેટમાં ગરબડ તો થાય જ ને ?’
દર્દી : ‘સાહેબ, બહારનું કંઈ જ ખાધું નથી.’
ડૉક્ટર : ‘સારું સારું. આ દવા બે દિવસ લઈ જુઓ, જો મટે તો ઠીક છે નહીંતર ટેસ્ટ કરાવવા પડશે, સમજ્યા ? પેટનું દર્દ લાગે સામાન્ય, પણ તે ડેન્જરસ પણ હોય.’
દર્દી : ‘પણ સાહેબ મટી તો જશે ને ?’
ડૉક્ટર : ‘અમે મટાડવાની દવા જ આપીએ છીએ, રોગ વધારવાની નહીં, સમજ્યા ?’
(શું કહીશું આ ડૉક્ટરને !)

(બ) એ જ સંવાદ : અન્ય સ્વરૂપે :

ડૉકટર : ‘શું થયું છે તમને ?’ (ધીમેથી, પ્રેમપૂર્વક પૂછે છે.)
દર્દી : ‘સાહેબ, પેટમાં દુ:ખે છે.’
ડૉક્ટર : ‘કાલે ક્યાંય બહાર જમવા ગયા હતા ? અથવા ભારે ખોરાક ખવાયો હતો ?’
દર્દી : ‘સાહેબ, બહારનું કંઈ જ ખાધું નથી.’
ડૉક્ટર : ‘મટી જશે. કંઈ ચિંતા કરવા જેવું નથી. પેટની સામાન્ય ગરબડ છે. આ બે દિવસની દવા આપું છું તે લઈ જુઓ. કેમ લાગે છે તે પછી જણાવજો. વધુ દુ:ખાવો થાય તો મને મળજો. પણ ખાસ કાંઈ ચિંતા જેવું નથી.’
દર્દી : ‘પણ સાહેબ મટી તો જશે ને ?’
ડૉક્ટર : ‘ચોક્ક્સ મટી જશે. ચિંતા ન કરો. દવા નિયમિત લેજો.’

(દર્દી ક્યા ડૉક્ટર પાસે જવાનું પસંદ કરશે ?)

[8] દષ્ટિ તેવી સૃષ્ટિ

એક સંત તેમના શિષ્યો સાથે એક ગામથી બીજે ગામ પગપાળા જતા હતા. સત્સંગની વાતો કરતા હતા. રસ્તામાં એક મરી ગયેલું કૂતરું પડ્યું હતું. તેના શરીરમાંથી ખૂબ જ દુર્ગંધ આવે. શિષ્યો બોલવા લાગ્યા : ‘કેટલું ગંદું ! કેટલી દુર્ગંધ ! કેવું ખરાબ દેખાય છે.’ સંત સૌનું સાંભળી માત્ર એટલું જ બોલ્યા, ‘તેના દાંત કેટલા સુંદર છે !’ (તમે નોંધ કરી હશે તો કૂતરાના દાંત એકદમ સ્વચ્છ, સફેદ હોય છે.) સૌ દોષદર્શન કરતા હતા. સંત ગુણદર્શન કરતા હતા. ગુણદર્શન કરે તે સંત. અંતે, આપણા એક સંત કવિની પંક્તિ જેનું હું વારંવાર મનમાં રટણ કરું છું તે આપ સૌ સમક્ષ મૂકું છું : ‘સાર સાર ગ્રહી રહો, થોથા દો ઉડાય.’ કોઈ પણ વ્યક્તિમાંથી, ઘટનામાંથી, વસ્તુમાંથી, જીવજંતુ, પશુપક્ષીમાંથી સારી વાત ગ્રહણ કરવી.

[કુલ પાન : 232. (પાકુંપૂઠું, મલ્ટીકલર પ્રિન્ટીંગ) કિંમત રૂ. 180. પ્રાપ્તિસ્થાન : શ્રી ઉદયસિંહ એચ. ડાભી. બી-24, ન્યુનૈમેષ પાર્ક, સોમેશ્વર પાર્ક પાસે, સોલા રોડ, અમદાવાદ-61. ફોન : +91 9879425748.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાત મૂલ્યો ને સંસ્કારોની…. (ભાગ-2) – સંકલિત
રાજીનામું – પરાજિત પટેલ Next »   

15 પ્રતિભાવો : જીવન ઉત્સવ – ઉદયસિંહ ડાભી

 1. ખુબ સુંદર લેખ.

  પહેલો લેખ એ તો રવિન્દ્રનાથ ટાગોર ની કવિતા છે.

  છેલ્લો પ્રસંગ ગૌતમ બુધ્ધનો છે.

 2. hardik says:

  ખુબ સરસ

 3. જય પટેલ says:

  કોડિયું બની કોઈનો જીવનપથ પ્રકાશિત કરીએ…..ખુબ સુંદર વાક્ય.

  સૌથી હ્રદય સોંસરવું ઉતરી જાય તેવું અનોખું કામ અનાયાસે બળદિયાએ કર્યું.
  નિંદા…કટુવચન…ગુસ્સો…અને ક્ષુલ્લક બાબતોને મગજમાંથી ખંખેરી નાખો તેની મન પર અસર ન લઈએ
  તો હળવાફુલ રહીએ અને ઉર્ધ્વ ગતિ કરીએ…વિકાસ કરીએ.

  બળદિયાના અથાગ અનાયાસ પ્રયાસ માનવી માટે પ્રેરણાત્મક.

  પ્રેરણા આપતું પુસ્તક ભેટમાં આપી શકાય.

 4. જગત દવે says:

  સામાન્ય વિચારો ને પણ સકારત્મક દિશા કેમ આપી શકાય તેની શિખ આપતો સુંદર લેખ. પુસ્તક પણ વસાવવા લાયક.

  લેખક શિક્ષક છે તે હરખની વાત છે. આવા વિચારોથી ઘણાં કુમળા છોડ તેમની ‘વાડી’ માં પાંગરશે અને વૃક્ષ બની ને સમાજ ને હરીયાળો કરશે.

 5. trupti says:

  બધી જ કણિકા ઓ સરસ.

 6. HEMANT SHAH says:

  ખરેખર સરસ લેખ ઉદય્ભાઈ ને અભિનન્દન પ્

 7. Paresh Bhatt says:

  બધા જ લેખ ખુબ સુન્દર ચ્હે પરેશ ભટ્ટ ચ

 8. nayan panchal says:

  આપણે સમગ્ર વિશ્વમાં પ્રકાશ ન ફેલાવી શકીએ પરંતુ આપણી આજુબાજુ, આપણાથી જે કાંઈ શક્ય હોય તે નાનાં નાનાં શુભ કામ તો કરી શકીએ ને ?

  નજર નજરનો ફેર છે ભાઈ. હવે મને મિક્ષ્ચરને જોઈને બેલી ડાન્સ કરતી નર્તકીઓ દેખાશે.

  સમગ્ર વિશ્વને જાણશે, પરંતુ તેનાં મનમાં તે નહીં જુએ. તે દૂરદર્શન કરશે પણ સ્વદર્શન નહીં કરે.

  આપણું મગજ જાણે કચરાટોપલી હોય તેમ લોકો બિનજરૂરી વાતો આપણને સંભળાવે, તેમણે ભેગો કરેલો કચરો આપણને આપે.

  આપણે પણ હળવાફુલ રહી શકીએ અને ઉર્ધ્વગતિ, વિકાસ કરી શકીએ.મનનીય કણિકાઓ,

  ખૂબ આભાર,
  નયન

 9. Gopal Shah says:

  સરસ લેખો….

 10. Veena Dave. USA says:

  ખુબ સરસ લેખ્.

 11. kinjal says:

  લેખ ખુબ સરસ……….

 12. hiral says:

  bahu j saras example che sant and dog nu bahu j saras drasant che very good aagal pan aap khub saras lekho apo aevi aasha

 13. nikit dilipbhai patel says:

  congerts its very fine book.
  i was glad to read book.
  gud job sir.

 14. Rajni Gohil says:

  બંધ પડેલું ઘડિયાળ પણ બે વખત સાચો સમય બતાવે છે. હકારાત્મક વિચારધારા કેળવવાથી કેટલું સુંદર પરિણામ મેળવી શકાય છે તે ઉદયભઇએ સુંદર રીતે રજુ કર્યું છે. તેમણે જીવનમાં સફળતા, સમૃદ્ધિ, સુખ અને શાંતિ પ્રાપ્ત કરવાની ચાવીઓ આપણને આપી દીધી છે. What we think we become. ઉદયભઇને અભિનંદન.

 15. Hiral says:

  દરેક કણિકાઓ સુંદર.
  વસાવવા લાયક પુસ્તક. લેખક પોતે શિક્ષક છે એ આનંદની વાત છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.