- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

રાજીનામું – પરાજિત પટેલ

[ટૂંકીવાર્તાઓના જાણીતા લેખક પરાજિત પટેલની કલમે તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘દિલનો દસ્તાવેજ’ માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

ઓહ રે, આ સજ્જન બોલે છે ? મારો સજ્જન ? જેના માટે થઈને મેં આખી દુનિયાના વિરોધને ઠોકરે માર્યો હતો એ સજ્જન બોલે છે ? શિખરાના મનનું ઊંડાણ ખોદાવા લાગ્યું. ભારે બળતરા અનુભવતી હતી એ. જગત તો પીડા આપે, પણ પોતાનું માણસ જ પીડા આપવા લાગી જાય, ત્યારે જે આઘાત લાગે છે એ જીરવાય એવો નથી હોતો ! શિખરા માટે આ એક આઘાતજનક વાત હતી. એક એવો આઘાત કે જેની એ કલ્પના પણ ન કરી શકે ! એક એવો આઘાત કે જે એને માટે જીરવવો દોહ્યલો થઈ પડે તેમ હતો ! આમ તો જિંદગી એટલે જ આઘાતોનો સરવાળો ! આઘાત પર આઘાત મળ્યે જાય જિંદગીમાં ! એક આઘાતની કળ વળે ને તમે બેઠા થાવ ત્યાં આઘાતની બીજી લાત લાગે.

શિખરા દિગ્મૂઢ બની ગઈ.
એણે કદી કલ્પ્યું પણ નહોતું કે સજ્જનના મોઢામાંથી આવા શબ્દો નીકળશે ! સજ્જનને એ ચાહતી હતી. સજ્જન એને ગમતો હતો. દિલની સચ્ચાઈથી તે એને ચાહતી હતી. અને તેથી જ તો શિખરા એની હર એક ઈચ્છાની પૂર્તિ કરવા પ્રયત્ન કરતી. સજ્જન જે કહે તે હા. સજ્જનની ઈચ્છા તે પોતાની ઈચ્છા. કારણ કે સજ્જનથી તે ભિન્ન નહોતી. પણ સજ્જનના મોઢામાંથી નીકળેલા પેલા શબ્દોએ તો શિખરાના આખા અસ્તિત્વને રણઝણાવી મૂક્યું હતું. એના ચિત્તમાં ખળભળાટ મચાવી દીધો હતો. ‘આ….હા !’ વેદના અનુભવતી હોય એ રીતે તે સોફા પર બેસી પડી. એણે બે હાથ વડે માથું પકડી લીધું.

શિખરા તો શિખરા જ હતી.
શિખરાને લાવણ્યની મૂર્તિ કહેવી કે આરસની ? ઉપરવાળાએ પૂરેપૂરી નવરાશના સમયે ફૂલ મૂડમાં આવીને નર્યા સંગેમરમરમાંથી ઝીણા ટાંકણા વડે હળવે હાથે ઘડી કાઢી હોય એવી એની નાજુક નમણી કાયા અને એવી જ આકર્ષક બદામી આંખો. એ આંખો સામે જોયા પછી આંખને હટાવવાનું મન ન થાય !
સજ્જન કહેતો : ‘શિખરા !’
‘શું છે ?’
‘એક વાતની કબૂલાત કરી લઉં ?’
‘શી ?’
‘તારી આ આંખોએ જ મને પાગલ બનાવી દીધો છે. હું તો ભાઈ તારી આંખનો અફીણી અને તારા પ્રેમનો પાગલ.’ – ને એના ખભા ઉપર હાથ મૂકીને સજ્જન શિખરાની આંખોના ઊંડાણમાં ઊતરવા મથી રહેતો. સ્ત્રી આમ તો સર્વાંગ સુંદર હોય છે પણ કોઈ સ્ત્રીની આંખો તો એની સુંદરતાને શિખર પર બેસાડી દે છે.

સજ્જન હતો તો સામાન્ય કલાર્ક. રેવન્યૂ ડિપાર્ટમેન્ટમાં કારકુની કરતો હતો સજ્જન. ભણવું હતું, આગળ વધવું હતું. ઉચ્ચતમ કારકિર્દી ઘડવી હતી. સપનાં હતાં ને સપનાં ખૂબ ઊંચાં હતાં. પણ એ લાચાર હતો. સંજોગોએ એને લાચાર બનાવી દીધો હતો. ઘરના વિષમ સંજોગો અને કથળતી આર્થિક હાલત અને આ બધાને કારણે મૅટ્રિક થયા પછી એને તરત જ નોકરી સ્વીકારી લેવી પડી હતી. પહેલાં બે-ત્રણ વર્ષ ખાનગી પેઢીમાં કામ કર્યું ને એ પછી એને રેવન્યુ ખાતામાં કારકુનની નોકરી મળી ગઈ. અને એક દિવસે સામેની સોસાયટીમાં રહેતી શિખરાના જીવનમાં એકાએક દાખલ થઈ ગયો. શિખરા ગ્રેજ્યુએટ હતી. પણ એની આંખોમાં સજ્જન વસી ગયો ! આમ તો એય ક્યાં ઓછો દેખાવડો હતો ? હાઈડ-બોડી ગમી જાય તેવી. ગૌરવર્ણ. એની વાણી અદ્દભુત. એની રીતભાત, એની લાગણી વરસાવવાની રીત બધું જ શિખરાને ગમી ગયું.

એક દિવસે શિખરા ઉદાસ ચહેરે બેઠી હતી. આંખોમાં પણ ઉદાસીના ઓળા ઊતરી આવ્યા હતા. કારણ તો સામાન્ય હતું. એના બાપુજીએ એક છોકરાના પિતાજીને પુછાવ્યું હતું પણ એમણે તો ફોન પર જ કહી દીધું હતું : ‘માફ કરજો, તમારી છોકરીને અમે અમારા ઘરની વહુ બનાવવા માગતા નથી ! તમે ક્યાં અને અમે ક્યાં ? ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી ? ગાંગા તેલીની છોકરી રાજા ભોજની પુત્રવધૂ ન બની શકે, સમજ્યા ?’ – અપમાન કરી નાંખ્યું હતું એ શ્રીમંત પણ તુંડમિજાજી ગૃહસ્થે, ને આ વાત જાણી ત્યારે શિખરાના મનમાં ઉદાસી ફરી વળી ! મને હજી તો જોઈ પણ નથી, ત્યાં આવું અપમાન ? એ ખિન્ન વદને બેઠી હતી ત્યાં જ સજ્જન આવ્યો હતો. એણે ટહુકો કર્યો :
‘શિખરા !’
શિખરા ખિન્ન હતી. ઉદાસ હતી. એનો ચહેરો ઊતરી ગયો હતો. એણે સજળ નેત્રે સજ્જન તરફ જોયું.
સજ્જન ચમક્યો : ‘અરે શિખરા ! તારી આંખમાં આંસુ ? તું રડે છે ? શું બન્યું છે એ તો કહે.’
શિખરાએ વાત કરી.
સાંભળીને સજ્જન હસી પડ્યો : ‘તું એ વાત ભૂલી જા. આમાં તો ગાંગો તેલી મને તો એ છોકરાનો બાપ જ લાગે છે ! ગાંગા તેલીનાં નસીબ ગાંગા તેલી જેવાં હોય ! તેલ બજારમાં તેલનાં ટીન વેચવાનો બીઝનેસ કરતો એ માણસ ગાંગો તેલી જ છે. એના ઘરમાં વળી રાજા ભોજની છોકરીને ય ટક્કર મારે એવી રૂપ રૂપના અંબાર સમી શિખરા ક્યાંથી હોય ? અને આ વાતમાં તું રડે છે ? ભગવાનનો પાડ માન કે તું બચી ગઈ ! બાપ આવો છે તો એનો દીકરો કેવો હશે ? ચાલ, મગજ પરથી આ વાતને ખંખરી નાખ. અને હસ જો….’ ને અચાનક શિખરા ઉઘડતા ફૂલ જેવું હસી પડી હતી. અને એ પછી તો બેયજણાં એકદમ નજીક આવી ગયાં. સજ્જન લાગણીનો શ્રાવણ વરસાવતો ગયો. ભાવજળમાં શિખરાને ડુબાડતો ગયો ને શિખરા પણ સજ્જનના અનુરાગમાં ઓગળતી ગઈ.

અને એક દિવસે શિખરાએ હિંમતભેર કહી દીધું : ‘હું સજ્જન સાથે લગ્ન કરીશ.’
આંચકો ખાઈ ગયાં શિખરાનાં મા-બાપ. એમનો વિરોધ હતો. એના પપ્પાએ તો કહ્યું પણ ખરું : ‘શિખરા ! મારી વાતને સમજવા પ્રયત્ન કર. અત્યારે તું લાગણીના પ્રવાહમાં ખેંચાઈને આ ઉતાવળિયું પગલું ભરી રહી છે. બાકી બંને વચ્ચે શિક્ષણનો જે તફાવત છે તે તને ભવિષ્યમાં સાલશે. કદાચ તને નહિ સાલે તોપણ સજ્જન મનમાં સમસમ્યા કરશે. એક પ્રકારનો લઘુતાભાવ એને પીડશે. પરિણામે દાંપત્યજીવનમાં એક પ્રકારની ઊભી તિરાડ પડશે. તે દિવસે તને પસ્તાવો થયા વિના નહિ રહે.’
‘તારા પપ્પા ખરું કહે છે, બેટી !’ એની મમ્મીએ પતિની વાતમાં સૂર પુરાવ્યો હતો. પણ શિખરા અણનમ હતી. એનો નિર્ણય અણનમ હતો. એનો સંકલ્પ અણનમ હતો. ને બંનેએ લગ્ન કરવાનું નક્કી કરી નાંખ્યું.

ને એક દિવસે બંને પ્રભુતામાં પગલાં માંડી બેઠાં.
સજ્જનની આ શહેરમાં બદલી થઈ ગઈ. બંને ખૂબ જ આનંદથી દિવસો પસાર કરતાં હતાં. શિખરા પ્રેમ વરસાવતી. સજ્જન લાગણી વરસાવતો. ‘શિખરા શિખરા’ના રટણથી ઘરને ગજવી મૂકતો. બેય પારેવડાં હેતથી-લાગણીથી-પ્રેમથી એકમેકની હૂંફમાં ગટુર….ગૂ કરતાં હતાં. પડોશીઓએ પણ એમને કદી ઝઘડતાં જોયા નહોતાં. ઝાડની ડાળીએ બનાવેલા માળામાં બેય ચકલાં ચાંચમાં ચાંચ પરોવીને આનંદથી રહેતાં હતાં. પ્રેમથી જીવતાં હતાં.
સજ્જન નોકરીએ જવા નીકળતો ત્યારે શિખરા બારણા વચ્ચે ઊભી રહેતી.
એ હાથ ઊંચો કરતી : ‘આવજો…’
ત્યાં જ સજ્જન પાછો વળીને એની પાસે આવતો : ‘લે, આવજો કહ્યું એટલે અબ ઘડી આવી ગયો.’ ને પછી શિખરાનો હાથ પકડી લેતાં ને એની હથેળી હોઠ પર દબાવી દેતો….. ‘અરે, તમે તો….’ શિખરા કંઈક કહેવા જતી ત્યાં જ સજ્જન ઝડપથી આનંદપૂર્વક પગથિયાં ઊતરી પડતો. જતાં જતાં બોલતો : ‘અભી તો ઈતના હી કાફી હૈ, બાકી સબ શામ કો.’
શિખરા હસતી.
‘ખૂબ સુખી જોડું છે.’ લોકો વાતો કરતાં.
‘સજ્જન ભાઈ બહુ પ્રેમાળ છે.’
‘તે હોય જ ને ! આવી ભણેલીગણેલી પત્ની મળી છે પછી !’
‘પણ શિખરાબહેનને ધન્ય વખાણું હોં !’
‘કેમ ?’
‘કેમ કે પતિ કરતાં પોતે વધારે ભણેલાં છે, પણ છે જરાય અભિમાન કે અસંતોષ ?’
‘કેટલું ભણ્યા છે સજ્જનભાઈ ?’
‘મૅટ્રિક સુધી.’
‘ને શિખરાબહેન ?’
‘ગ્રેજ્યુએટ થયેલાં છે !’
‘બાપ રે ! આટલો બધો ભણતરનો ફેર ?’

સજ્જનને લાગતું કે શિખરા પત્ની તરીકે ખૂબ સારી છે. આવી સાલસ સ્વભાવની પત્ની મેળવીને પોતે ભાગ્યશાળી પુરવાર થયો છે એમ એને લાગતું.
એક દિવસે શિખરાએ કહ્યું : ‘એક વાત કહું ?’
‘કહે ને.’
‘એક હાઈસ્કૂલમાં જગ્યા પડી છે તમે કહેતા હોવ તો અરજી કરું ?’
‘કર.’
શિખરાએ અરજી કરી. તે ઈન્ટરવ્યુમાં સિલેક્ટ થઈ ગઈ. તેને નોકરી મળી ગઈ. હવે તે પોતાની નોકરીમાં ઓતપ્રોત રહેવા લાગી. રજાના દિવસે તેના સ્ટાફના માણસો મળવા આવતા પણ એ જોઈને સજ્જનનો જીવ બળી જતો. એને થતું : ‘આ બધા ભણેલા માણસો આગળ પોતે સાવ અભણ જેવો લાગે છે !’ શિખરાના સ્ટાફની એક શિક્ષિકાએ તો પૂછ્યું પણ ખરું : ‘શિખરા, તારા મિસ્ટર ગ્રેજ્યુએટ તો હશે જ….’
‘ના.’
‘તો ?’
‘એ મેટ્રિક સુધી જ ભણ્યા છે !’
‘હાય હાય ! તું ગ્રેજ્યુએટ થઈને એક ઓછું ભણેલા સાથે પરણી છે ?’ અને એણે જીભડો કાઢ્યો હતો. આ સંવાદ સજ્જનના કાને પડી ગયો અને પહેલ વહેલું પોતાની પત્નીનું ભણતર સાલ્યું. ને એક વાર એણે પણ કહી દીધું : ‘આ રીતે તું અજાણ્યા માણસો સાથે ગામગપાટા હાંકે એ મને ગમતું નથી, શિખરા !’
‘અજાણ્યા ક્યાં છે ? મારા સ્ટાફના માણસો તો છે !’
‘હાસ્તો ! ને પાછા મારા કરતાં વધારે ભણેલા છે. એટલે મૅડમને એમની સાથે વાતો કરવામાં વધારે મજા પડે છે…..!’

સાંભળતાં જ આંચકો ખાઈ ગઈ શિખરા ! એના કાળજામાં કાંટો ખૂંપી ગયો, આ સજ્જન બોલે છે ? એનો પ્રેમાળ પતિ બોલે છે ? પપ્પા કહેતા હતા એ વાત છેવટે સાચી પડી ! એણે કલ્પ્યું પણ નહોતું કે, સજ્જનના મોઢામાંથી આવા શબ્દો નીકળશે ! દુ:ખ થયું એને. કાળજું કપાઈ ગયું એનું. અકથ્ય વેદના અનુભવી શિખરાએ. બીજે દિવસે સજ્જન જ્યારે ઘેર આવ્યો ત્યારે તેણે કહ્યું : ‘સાંભળો છો ?’
‘શું છે ?’
‘મેં નોકરીમાંથી રાજીનામું આપી દીધું છે !’
‘કેમ ?’
‘કારણ કે તમારા હૃદયમાંથી રાજીનામું આપવું એના કરતાં આ રાજીનામું મને વધારે યોગ્ય લાગ્યું !’ ને એણે આડા ફરીને આંખમાં ધસી આવેલું આંસુ આંગળી વડે લૂછી નાખ્યું.

શું શિખરાનો નિર્ણય યોગ્ય હતો ?

[કુલ પાન : 280. કિંમત રૂ. 160. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-1 ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]