ભારતની કાષ્ઠકળામાં શિરમોર ગુજરાત – કનુ નાયક

[‘ગુજરાત’ સામયિકમાંથી સાભાર.]

woodenપ્રાચીન ગ્રંથોમાં કલાઓની યાદી ઘણી લાંબી અને નાની નાની કલાઓની પણ ગણના કરવામાં આવી છે. કામસૂત્રમાં સ્ત્રીઓની ચોસઠ કલાઓની યાદી આપવામાં આવી છે તથા પુરુષોની બોતેર કળાઓની યાદી જોવા મળે છે. તેમાં 36મી કલા ‘તક્ષણમ’ – એટલે કોતરવાની કળા, લાકડામાંથી ઘર ઉપયોગી ચીજો બનાવવી કે મંદિર માટેની મૂર્તિઓ બનાવવી એ એક વિચક્ષણ કલામાં ગણાઈ. કલાકારોના માર્ગદર્શક ‘શુક્રનીતિ સાર’માં 26મી કલા કાષ્ટકોતરણી તરીકેની નોંધાયેલી જોવા મળે છે. બૃહત સંહિતા જેવા ગ્રંથમાં સિંહાસનનો ઉલ્લેખ નોંધપાત્ર છે. કારણ કે તે કાષ્ઠનો બનાવેલો હતો.

કાષ્ઠની વસ્તુઓનું આયુષ્ય ઘણું ટૂંકું હોવાથી અતિપ્રાચીન ચીજ-વસ્તુઓ કે મહાલયો જોવાં હોય તો પથ્થરોના બાંધકામ તરફ નજર માંડવી પડે. એ દષ્ટિએ બૌદ્ધ ચૈત્યો અને વિહારો આપણને હજીયે પ્રાચીન સ્થાપત્યો અને મૂર્તિઓનો પરિચય કરાવે છે. આપણે ભારતની થોડી પ્રાદેશિક કાષ્ઠકલાનો પરિચય કરી ગુજરાત તરફ પાછા વળશું. ઈ.સ. પૂ. 300 વર્ષ જૂનાં મૌર્ય રાજધાનીનાં અવશેષો પટણામાં છે.

ઉત્તરપ્રદેશમાં કાશી કે વારાણસી કાષ્ટકલાનું એક સમયે નોંધપાત્ર કેન્દ્ર હતું. જેમના હાથની કરામત બજારમાં જોવા મળે છે. તેમાં સિંદૂરદાની, કંકાવટી, વેલણ ચકલો, ઘંટી, બેંડવાજાવાળા વગેરે બાળકો અને સ્ત્રીઓને લાયક અનેક ચીજો વિશ્વનાથ ગલી પસાર કરતાં દુકાનોમાં જોવા મળે છે. આમ તો લાકડાનું કામ કરનાર સુથારો આખા કાશીનગરમાં છે. વધુ પડતા કારીગરો કાશ્મીરી ગંજ મહોલ્લામાં વસે છે. તેમનાં ઘર ઓળખવા સહેલાં છે. ઘર આગળ લાકડાંનાં છોડિયાં, રંગોના ટુકડા, અર્ધ કે પૂર્ણ બનેલા લાકડાનાં યંત્રો લગાડેલાં નજરે પડશે. પહેલાના જમાનામાં લાકડાને ગોળ ફેરવવા સામે એક માણસ બેસતો. હવે વીજળીની સગવડ થઈ છે. એટલે એક માણસ સંઘેડાને ફેરવે અને પોતે જ લાકડાને ઘાટ આપતો જાય. લાખની રંગીન લાકડીઓથી ચીજોને રંગીન બનાવવામાં આવે છે. પરિવારના બધાનો સહયોગ આ કામમાં મળી રહે છે. અહીંની ભાષામાં ‘મારકુલ’ કે ‘કૌરૈયા’ લાકડું વધુ વપરાય છે. તે મુલાયમ અને પોચું હોય છે. નીલગિરી વૃક્ષનાં લાકડાં મોંઘાં પડે છે, જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી લેવાય છે.

કાશીમાં દેશી યાત્રાળુઓ ઉપરાંત વિદેશી પ્રવાસીઓ પણ આવે છે. તેમના દેશમાં યાંત્રિક અને ઈલેક્ટ્રોનિક રમકડાંનું બાહુલ્ય છે. હસ્તકલાની અને ગૃહઉદ્યોગની ચીજોમાં તેમને નાવિન્ય લાગે છે. ભારતીય લોકકલાની પ્રતીતિ રૂપે લોકોને ભેટ આપવા અહીંથી ખરીદાય છે. અહીંના કારીગરોને હવે નિકાસમાં રસ જાગ્યો છે. એટલે આ લોકકલા જીવી જશે તેવી આશા બંધાય છે.

દક્ષિણ પ્લેટોમાં લાકડાનાં કામનું સંશોધન શ્રી મધુકર નામના પુરાતત્વ નિષ્ણાતે કરીને ‘ડેક્કન વુડવર્ક’ નામનું પુસ્તક બહાર પાડ્યું છે. તેમણે તાપી નદીના નીચેના વિસ્તારમાં અને કૃષ્ણા નદીના ઉત્તર વિસ્તારનો અભ્યાસ કરીને કાષ્ઠકામની વિગતે નોંધ કરી છે. તેમના તારતમ્ય મુજબ આ વિસ્તારમાં કાષ્ઠકામ કોતરણી માત્ર બાંધકામમાં ઉપયોગી થવા પૂરતી જ રહી છે. ‘કલા ખાતર કલા’ના પ્રયોગો ભાગ્યે જ થયા છે. બીજું કાષ્ઠકામમાં ઊંડાણનો અભાવ છે. ઊડું કરવા જતાં બાંધકામમાં નબળાઈ આવી જવાનો સંભવ લાગતો હશે. સામાન્ય રીતે લાકડાની સપાટીથી ઊપસેલું કામ જોવા મળતું નથી. અહીંના કાષ્ઠકામમાં પાટડા (બીમ), દરવાજાની ચોકઠી ફ્રેમો, બારી-બારણાંની ઉપરના ભારોટીયા, છતના આગળ પડતા ભાગને અપાતા ટેકાઓ, અથવા ઝૂલતાં લટકણિયાં લાકડા કામમાં જોવા મળે છે. ઘણીવાર સીધા પટ્ટા-પટ્ટીઓ પણ કોતરણીવાળા જોવા મળે છે. ડિઝાઈનોમાં મોટી મોટી શોભના કૃતિઓ જ હોય છે. ઝીણવટનો ભાગ નહીંવત જોવા મળે. અંતરપટ (પાર્ટીશન) ઝનાના મહેલો માટે બનતા, જેમાં સળંગ જાળી જેવી રચનાઓ થતી, પણ તેમણે કબૂલ કર્યું છે કે ગુજરાતની ‘સીદી સૈયદની જાળી’ જેવી ઉચ્ચકક્ષાની કારીગરી અહીં જોવા મળતી નથી. સૂત્રધાર એટલે સુથારો બીજા પ્રદેશથી ગુજરાત કે ઓરિસ્સાના અહીં આવીને વસ્યા હશે. જેમણે લાકડામાં પોતાની કારીગરી કરી બતાવી છે. કંઈક જોવા જેવું હોય તો તે ઉસ્માનાબાદ જિલ્લાનું ઉત્તરેશ્વર મંદિર છે. બાંધકામની સાથે તેમણે બારણાંનું ચોકઠું જડી દીધું છે, જે કલાકારીગીરીની દષ્ટિએ જોવા જેવું ખરું !

હવે આપણે રાજસ્થાન તરફ વળીએ. અમરસિંહ રાઠોડની કથા-વાર્તા કઠપૂતળીનાં દશ્યો વિના મોળી પડે. એટલે કઠપૂતળીઓ બનાવવાનો અહીં ગૃહઉદ્યોગ ચાલે છે. ચિતોડગઢથી દૂર 12 માઈલ પર બાસી ગામ વસેલું છે. અહીં આખા ગામનો ગૃહઉદ્યોગ લાકડાંની ચીજો બનાવવાનો છે. ગનગૌર ઉત્સવની શોભાયાત્રામાં ઈશ અને ગૌરી લાકડાંના બનાવાય છે. બાસીની મૂર્તિઓ ઉદયપુરથી જુદી પડે છે. અહીં લાલ રંગનું આધિક્ય છે. પુરુષને માથે કાળી પાઘડી રંગવામાં આવે છે. શેખાવતીમાં શ્રેષ્ઠીઓનાં મકાનોમાં બારણાં લાકડાંની કારીગરીવાળાં જોવા મળે. તેમાં પણ ઉચ્ચકક્ષાની કારીગરી તો નહીં જ. ઉદયપુર અને સવાઈ માધોપુરમાં લાખના આવરણવાળી ઘણી વસ્તુઓ ગુજરાતના સંખેડાની જેમ લાકડાંની બને છે. હિંડોળા, બાજોઠ, લાકડાના શણગારેલા પાયાઓ બજારમાં મૂકાય છે. પીપર સીટી-ભારી સુજાનપુરમાં જૈન મુનીઓ માટેનાં લાકડાનાં પાત્રો બનાવાય છે, જે પાતળાં અને હલકાં હોય છે. આ માટે રોહીડા નામનું લાકડું વપરાય છે. જે મુશ્કેલીથી પ્રાપ્ય છે. રાજસ્થાનમાં લાકડું અપ્રાપ્ય હોવાને કારણે ચૂનાના પથ્થરોમાંથી ઘણી મૂર્તિઓ અને કારીગરીઓ બનતી હોય છે. કાષ્ઠમાં ગુજરાતની વત્તી-ઓછી અસર જોવા મળે.

બિહાર પ્રદેશમાં લાકડાનું કામ બહુ પ્રાપ્ય નથી. હિમાલય વિસ્તારમાં જે જૂનાં મંદિરો છે તેમાં માત્ર કાષ્ઠકામ જોવા મળે. સ્થાપત્યની સાથે બાંધકામ સાથે લાકડાંનું કામ કોતરણીવાળું જોડાયેલું જોવા મળે. વૈભવી મકાનોમાં, ગયા, પટણા, દરભંગા જિલ્લામાં કાષ્ઠનો ઉપયોગ થયો છે. જેમાં સ્થંભ, ફલકો (પેનલ), આધાર સ્તંભોનો ઉપયોગ સરસ રીતે સ્થાપત્ય સાથે વણાયેલો છે. ગયા શહેરના એક ઘરમાં ‘રામાયણ’ની કાષ્ઠ કોતરણવાળું એક અર્ધશિલ્પ ફલક છે. રામાયણના એક સુંદર દશ્યનું તેમાં ભાસ્કર્ય છે. વિચાર તો એવો આવે કે આ દશ્ય પૂરું કરવામાં કલાકારે કેટલી ધીરજ અને ખંત કેળવ્યાં છે ! દેવી-દેવતાઓની મૂર્તિઓ લાકડાંની હાથ કારીગરીમય દેખાય છે. વિશેષ કરીને ગ્રામ્ય પ્રદેશમાં દૈનિક ઉપયોગની વસ્તુઓ લાકડાંની જોવા મળે. મીઠાઈ બનાવનારાઓ માટે લાકડાંની કોતરણીવાળાં બીબાં બનાવનારા કારીગરો પણ છે. આદિવાસી મુંડા જાતિમાં સંગીત-વાદ્યનાં સાધનો પ્રાણી કે માનવ આકૃતિઓ લાકડામાં કોતરી સુશોભિત કરવાની પ્રથા દેખાય છે. તેમના વડાની ખુરશી ખાસ સુશોભિત કરી બનાવે છે અને એ રીતે તેમનું ગૌરવ કરે છે. વળી એક નવી પ્રથા જોવા મળે તે એ છે કે, અપરિણિતના ઘેર મુંડા જાતિ એક લાંબુ લાકડાનું પ્રાણી કરી મૂકે છે. બીજી ધાર્મિક ચીજો નાની-મોટી તૈયાર થતી હોય છે, તેની નોંધ લેવા જેવી નથી. સંથાલ જાતિના લોકો કાંસકી બનાવવામાં પોતાની હાથ કારીગરી વાપરે છે. કોઈ પણ પોચું લાકડું લઈ કોઈ કોતરવાનું સાધન લઈ દાંતા કોતરી કાઢે છે. આવી કાંસકીઓ સાદી છતાં કોમળ દાંતાવાળી હોય છે.

કાશ્મીર નાની-મોટી લાકડાંની કોતરણીવાળી ચીજવસ્તુઓ માટે પ્રખ્યાત છે. પ્રવાસીઓ ભેટ આપવા ખરીદીને સાથે લઈ જાય છે. ભૌમિતિક ભાતોની અહીં આધિક્ય છે. ઘરની છતો તથા નદીનાં તરતાં હોડી ઘરોમાં છતો શણગારવાનો રિવાજ છે. ઘણીવાર ભભકાદાર રંગોથી રંગી નાવિક સંતોષ માને છે. સીસમની વસ્તુઓ અમૃતસર અને ભેય (પંજાબ)માં બને છે. જેમાં ખુરશીઓ-ટેબલ સ્થાપત્યની સાથે બાંધકામ સાથે લાકડાંનું કામ કોતરણીવાળું જોડાયેલું જોવા મળે. તથા અંતરપટ (પાર્ટીસન)ના પડદાઓને કોતરી કાઢવામાં આવે છે. મહૈસુર સુખડની ચીજવસ્તુઓ માટે પ્રખ્યાત છે. ધાર્મિક મંદિરો, ફોટાઓની ફ્રેમો અને નાની-મોટી વૈભવી પેટીઓ જોવા મળે. મહૈસુરનું શિમોગા જિલ્લો આને માટે પ્રખ્યાત છે. દક્ષિણ ભારતમાં લાકડાના રથ બનાવવાની પ્રથા હજીયે ચાલે છે. જો કે તેમાંયે કારીગરીની માત્રા ઓછી નથી હોતી તેનું યોગ્ય આ યોજના પ્રથમથી કરવું પડે.

ઈ.સ. 14મી અને 19મી સદીમાં ગુજરાતનાં અનેક શહેરો જૈન મંદિરોથી શોભતાં હતાં. આશ્ચર્યની વાત છે કે, બધાં લાકડાંના હતાં. સોમનાથનું મંદિર પણ પાટણ તથા સિદ્ધપુરમાંથી મળી આવેલ કાષ્ઠકોતરણીનું વર્ણ ‘બર્જેસે’ તથા સારાભાઈ નવાબે ‘જૈન કલ્પદ્રુમ’માં આપ્યું છે. સમસ્ત ગુજરાતમાં સોમનાથનું પ્રાચીન મંદિર પ્રથમ કાષ્ઠનું જ બનાવેલું હતું. જેનો ઉલ્લેખ ‘ઐતિહાસિક શિલાલેખો’નામનાં પુસ્તકોમાં મળે છે. પાટણ એક એવું શહેર છે કે ત્યાં કાષ્ઠકળા સારી રીતે ખીલેલી હતી. પાટણનાં મંદિરો, મહાલયોથી માંડી નાનાં-મોટાં ઘર-દહેરાં પણ થયાં હતાં. આજે ઉત્તમ નમૂનાઓ જોવા મળે તેમ નથી. કારણ તો લાકડાંની ચીજો કાળગ્રસ્ત થતા વાર નથી લાગતી !

પાટણમાં વખારના વાડામાં એક શેઠનું કાષ્ઠકલાયુક્ત ઉત્તમ સુંદર મકાન હતું. ડૉ. જેમ્સ બર્જેસે તેનો ઉલ્લેખ પોતાના ગ્રંથમાં કર્યો છે. આ ઉપરાંત ખારોકોટડી વાડામાં બારોટ કાનજીભાઈનું મકાન ઉત્તમ ગણનાપાત્ર હતું. એક ઉત્તમ મંદિર ઝવેરીવાડા મહોલ્લામાં ‘વાડી પાર્શ્વનાથનું’ મંદિર હતું. સંવત 1652માં બીજા મંત્રીના કુંવરજીએ બંધાવ્યું હતું. શિલાલેખમાં આની વિગત છે. ડૉ બર્જેસે તેમના ગ્રંથ ‘આર્કીઓલોજીકલ સર્વે ઑફ નોર્ધન ગુજરાત’માં આ પ્રમાણે જણાવ્યું છે : ‘વાડી પાર્શ્વનાથનું મંદિર કાષ્ઠકલાનો ઉત્તમ નમૂનો છે. એના ભવ્ય જીનાલયમાં ‘રંગમંડપ’ કાષ્ઠનો ઉપરાંત શિધ્ય-શાસ્ત્રના સિદ્ધાંતો પ્રમાણે અદ્દભૂત કલાકારીગરીથી કંડારવામાં આવ્યો હતો. રંગ મંડપનો ઘેરાવો 11 ફીટ ને 12 સ્તંભો હતાં. સ્તંભોમાં કુંભી, સ્તંભ અને તેના માથા પર શિરાવટી, કીચકો વગેરે કોતરવામાં આવ્યાં હતાં.

આ મંદિરમાં પાષાણમાં તોરણોની જેમ કાષ્ઠમાં ‘હિંદોલક’ પ્રકારનું અનુકરણ હતું. મંડપની ભીંતોમાં વાદ્યસહ ગંધર્વોની સુંદર મૂર્તિઓ હતી. વિતાન વિસ્તારમાં તીર્થંકરોનાં જીવન ચરિત્રો કંડારવામાં આવ્યાં હતાં. પાર્શ્વનાથ મંદિરની ચારે બાજુ જાળીઓવાળી બારીઓ દર્શન માટે રખાઈ હતી. પાટણમાં કપૂર મહેતાનો વાડો છે. આ વાડામાં ભગવાન આદીશ્વરનું મંદિર કાષ્ઠકલાનો અનુપમ નમૂનો ધરાવે છે. વાદ્ય વગાડતી નર્તકીઓ તો છે જ ઉપરાંત સ્તંભ, શિવારટીઓ, ભરણાં પર કલાકૃતિઓની સજાવટ છે. કદમાં નાનકડું મંદિર કુંભારિયા વાડામાં ઋષભદેવના મંદિરોમાં જોવા મળે. કાષ્ઠનાં શિલ્પ ફલકોમાં નેમિનાથનો ઘોડો લગ્નોત્સવ, રાજુલદેવીનો રાજમહેલ, ગિર અને શત્રુંજયનાં પર્વતીય દશ્યચિત્રો માર્ગદર્શકનું કામ કરે તેવાં છે. કાષ્ટ શિલ્પીઓની યોજનાબદ્ધ કામ કરવાની રીત અને ભાવનાત્મક દષ્ટિ અહીં કામ કરી ગઈ છે. કાષ્ઠકલાનાં ઉત્તમ નમૂના વસાવડા અને ફોફલિયા વાડામાં પણ છે. મણિયાતી વાડામાં એક જૈન શ્રેષ્ઠણના ઘરમાં હાથીદાંતનું મંદિર પણ હતું. આજના યુગમાં સાદા મકાનો સગવડતાવાળાં કરવામાં કલાની અભિવ્યક્તિ કુંઠિત થઈ ગઈ છે. જાણે અજાણે જૂની વસ્તુઓ પાણીના મૂલ્યે કાઢી નાંખે છે.

ગુજરાતમાં બાંધકામમાં પાટણની પરંપરા જળવાઈ રહી છે. મંદિરો પછી તે ગમે તે ધર્મનાં હોય બાહ્ય ભીંતો કંદોરા વડે શણગારાઈ છે. અમદાવાદ, પાટણ અને સૂરતનાં મકાનોમાં જે કાષ્ઠ કારીગરી થઈ છે તે અજોડ છે. અમદાવાદના એક ઘરનો દર્શનીય ભાગ લંડનના મ્યુઝિયમોમાં સંગ્રહાયેલો જોવા મળે. ગુજરાતના કાષ્ઠકારીગરોએ 19મી સદીના અંતભાગ સુધી આ કાવ્યને જીવંત રાખી છે. અમદાવાદનાં મકાનોની નોંધ લઈએ તો ડોશીવાડાની પોળ, પાદશાહની પોળમાં દોઢસો-બસો વર્ષ જૂનાં મકાનો જોવા મળે. કાષ્ઠકલાની કોતરણી કેટલી શ્રેષ્ઠ હતી તે તો હરકોઈ શેઠાણીની હવેલીનું કોતરકામ જુઓ તો તમારી આંખ ઠરે. અમદાવાદની અનેક પોળો જૂનાં મકાનો માટે જાણીતી છે. થોડાકની નોંધ લઈએ તો પર્યાપ્ત છે. ઝવેરીવાડ શેખના પાડામાં આવેલ શાંતિનાથનાં દેરાસરનું કાષ્ઠશિલ્પ જુઓ. હાજા પટેલની પોળમાં આવેલી શાંતિનાથની પોળમાં શાંતિનાથનાં દેરાસરનો રંગમંડપ જુઓ. પોળમાં શાંતિનાથનાં દેરાસરનો રંગમંડપ જુઓ. ઘૂમ્મટ અને થાંભલાની કુંભીઓ જોવા જેવી છે.

માંડવીની પોળમાં અંદર આવેલ સમેત શિખરજીની પોળમાં સમેતશિખરજીનો પહાડ પાર્શ્વનાથ દેરાસરમાં જોઈ શકાશે. કાષ્ઠ કોતરણીનો ‘નારી કુંજર’ જૈન મંદિરમાં ભાગ્યે જ હોય, પણ ઝવેરીવાડની વાઘણપોળના અજિતનાથ દેરાસરમાં જોવા મળશે. નિશાપોળના પાર્શ્વનાથ મંદિરનો રંગમંડપ અને તેના ઘુમ્મટમાં આવેલ કાષ્ઠની કલાપૂર્ણ પૂતળીઓ આજે પણ યથાવત છે. અમદાવાદનાં જૈન મંદિરોનાં કાષ્ઠશિલ્પોમાં આ બધાની શ્રેષ્ઠ રચનાઓ ગણાઈ છે. ગુજરાતમાં જૂનાં મકાનો ઘણાં શહેરોમાં છે, જે મકાનોમાં કોતરણીવાળાં ઝરૂખા, ટેકણિયાં, ટોડલા, બારસાખ, બારણાં અને ઘર-દેરાસરોનો સમાવેશ થાય છે. શહેરોમાં અમદાવાદ, પાટણ, સિદ્ધપુર, ખેડા, ખંભાત, સુરત, મહુવા, રાજકોટ, ભાવનગર, ભૂજ વગેરેનો સમાવેશ થાય છે.

સૂરત શહેરમાં સૈયદપુરાની શ્રાવક શેરીમાં શ્રી ચન્દ્રપ્રભુ સ્વામીનું ભવ્ય જિન મંદિર છે. વિ.સ. 1660માં સાંકળચંદ નામના શ્રેષ્ઠે બંધાવ્યાનું કહેવાય છે. તેમાં ‘નંદીશ્વર’ દ્વીપની લાકડાંની રચના હોવાથી એ ‘નંદીશ્વર’ દ્વીપનું દહેરાસર તરીકે પ્રખ્યાત છે. આ જિન મંદિરના રંગમંડપમાં ચાર ચાર થાંભલા છે. દરેક થાંભલાની ચારે બાજુ છ છ ચિત્રો છે. એમાં જાતજાતનાં વાદ્યાદિ દેવ અને દેવી નજરે પડે છે. સૂરતમાં એક ચંદનની પેટી પર રામાયણ અને સમુદ્ર મંથનનાં દશ્યો જોવા મળે છે. જૈન મંદિરો ઉપરાંત વૈષ્ણવ અને સ્વામીનારાયણ મંદિરોમાં દ્વારપાલ અને વાદ્યસમેત પૂતળીઓ લાકડાંની કોતરણીથી બનાવેલી હજીયે જોવા મળે છે. સ્વામીનારાયણ મંદિરોમાં કોરિયન પ્રકારના સ્થંભો પર માળાના બેરખા, સ્વસ્તિક, પક્ષીઓ અને ચોકડીવાળી ભાતો જોઈ શકાય છે. જે લાકડામાંથી કોતરતાં મૂળી અને વઢવાણના સ્વામીનારાયણનાં મંદિરોમાં કથામંડપનું કોતરકામ એક વખત જોવા જેવું છે. ખેડા અને વસોમાં દવેની હવેલી તથા દરબાર ગોપાળદાસની હવેલી કોતરણી યુક્ત જોવા મળે.

અઢીસોથી સાડા ત્રણસો વર્ષ જેટલા જૂના નમૂનાઓમાં કોતરકામ ઊંડું, સ્વચ્છ, ઝીણું અને સુંદરતાયુક્ત જોવા મળે છે. સૌરાષ્ટ્ર તરફ કામ ચીલાચાલુ જોઈ શકાય. ગુજરાતના કારીગરો દેવી-દેવતાઓ, અપ્સરાઓ, મોર, પોપટ જેવાં પક્ષીઓ અને પ્રાણીઓનાં મુખો સુંદર કોતરી શકવા શક્તિમાન હતા તે તેમનાં કામ પરથી તારવી શકાય. વેલપત્રો અને ફૂલ-પાનની ભાતો અને ભૌમિતિક ભાતો તો સહજ રીતે બનાવી શકતા. આજે જ્યારે યંત્ર યુગ ચાલી રહ્યો છે ત્યારે મહેનત કરનાર શ્રમજીવી સુથારો યંત્રોથી કોતરણી કરવામાં કુશળ થયા છે. લાકડાનું વેચાણ કરનાર દુકાનોમાં કોતરેલી પટ્ટીઓ પલંગ, કબાટોના જુદા જુદા યંત્રોથી કોતરેલા ભાગો તૈયાર મળે છે. સુથારોએ માત્ર બુદ્ધિ લડાવી તેને ક્યાં જોડવું એટલું જ કરવાનું રહે છે.

જૂની કોતરેલી મૂર્તિઓમાં સર્વત્ર ગણપતિ જેવી મૂર્તિઓ અવાર નવાર દેખાય. કોઈ વાર જગન્નાથજી જવાનું થાય તો શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાજીની મૂર્તિઓનાં દર્શન કરજો. તેના વિશે જાણવા મળે છે કે તે લીમડાનાં લાકડામાંથી બનાવેલી છે. પાટણમાંથી પ્રાપ્ત થયેલી ‘અર્ધનારીશ્વર’ની અનુપમ કાષ્ઠમૂર્તિ મુંબઈના ‘છત્રપતિ શિવાજી મહારાજવાસ્તુ સંગ્રહાલય’માં આજે સુરક્ષિત છે. પાટણની મુલાકાત લો ત્યારે મહાલક્ષ્મી માતાના મંદિરમાં સૂર્ય તથા રન્નાદેવીની સજોડે મૂર્તિઓનાં દર્શન થશે. આ મૂર્તિઓ ચંપાનાં વૃક્ષમાંથી બનાવેલી છે તેમ કહેવાય છે. આજે જ્યારે જૂનાં મકાનોના કારીગરીયુક્ત ભાગો લોકો વેચવા કાઢે છે ત્યારે, મૂર્તિઓનાં દર્શન કરીને તો સંતોષ માનીએ. જૂની કાષ્ઠમય કોતરણીની જણસો પરદેશીઓ લિલામમાંથી મોંઘા ભાવે ખરીદીને પણ સાચવી રહ્યા છે, જે આપણે કરી શક્યા !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સમજણના સૂર – સં. ભાર્ગવી દોશી
સમજણ – નીલમ દોશી Next »   

9 પ્રતિભાવો : ભારતની કાષ્ઠકળામાં શિરમોર ગુજરાત – કનુ નાયક

 1. hardik says:

  કનુભાઈ ,

  ખુબ જ સરસ સંકલન.

 2. Chintan says:

  એકદમ મસ્ત લેખ.

  પ્રાચીન યુગમા કાષ્ઠકલાનુ અલૌકિક મહત્વ હતુ. આજે પણ અમદાવાદની પોળોમાં વૈવિધ્યસભર સુંદર કાષ્ઠરચનાવાળા ઘર સાથે હીંચકા, ઝરુખા, દરવાજા જોઇ શકાય છે.

  લેખમાં ભારતવર્ષ મા જોવા મળતી કાષ્ઠકલાનુ ઉત્તમ વર્ણન કરવા બદલ લેખકશ્રિ ને ખુબ ખુબ અભિનંદન.

 3. Chirag says:

  Hhhhuuummmm!!!!!

 4. Veena Dave. USA says:

  સરસ લેખ. એન્ટિક વસ્તુઓ અમુલ્ય છે.

 5. Chhako says:

  Nice article, but the author has forgotten to cover the most beautiful place of all. The Swaminarayan temple at Kalupur built around 200 years ago contains extensive and elaborate wooden carvings. It is named a a place to visit to view these very wooden carvings in the international travel books about India.

 6. જગત દવે says:

  શ્રી કનુ નાયકના કલાપારખુ લેખથી તો કનુ દેસાઈ જેવા કલાકારની યાદ તાજી થઈ ગઈ…..

  કનુ દેસાઈ વિષે ન જાણતા ગુજરાતીઓ માટે આ રહી લીંક http://www.gurjari.net/details/kanu-desai.html

 7. જગત દવે says:

  કોઈ પણ કલા જયારે વિલુપ્ત થાય છે ત્યારે આપણા માંથી મનુષ્યત્વનો એક અંશ વિલુપ્ત થાય છે.

  સાંપ્રત સમયમાં સ્થાપત્ય કલા માંથી કલા શબ્દ કાઢી લેવો પડે તે હદે વિલુપ્ત થઈ રહી છે. બહુ-મંઝીલા ઈમારતો તો મને કબુતર-ખાના જેવી વધુ લાગે છે. આજે સુંદર બાંધણી ધરાવતા જુના સ્થાપત્યો ની જગ્યાએ આવા કબુતરખાનાઓ વધુ ને વધુ બનતા જાય છે.

 8. Keyur says:

  આટલી ઉમદા માહિતી નો રસથાળ પીરસવા બદલ ખુબ ખુબ ધન્યવાદ્!!!

 9. ભાવના શુક્લ says:

  સરસ માહીતિપ્રદ લેખ… વધુ ચિત્રો ઉમેર્યા હોત તો વધુ માણવા લાયક બની શકત.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.