- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

બરફમાં જ્વાળામુખી – મહેશ દવે

[ લોખંડી પુરુષ સરદાર પટેલની જીવનકથાના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘બરફમાં જ્વાળામુખી’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે આદરણીય શ્રી મહેશભાઈ દવેનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9427606956. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] નેતાનાં લક્ષણ નિશાળમાંથી

લાક્ષણિક ભારતવાસી તરીકે મોટા થવું હોય તો ગામડામાં ઊછરવું જોઈએ. ભારત ગામડામાં પથરાયેલો દેશ છે. ભારત ગામડામાં વસે છે, શ્વસે છે. આજે પણ કરમસદ જાઓ તો ગામડાની ફોરમથી આંખ-નાક ભરાઈ જાય, હૈયું ઊભરાઈ જાય, તળપદો પ્રેમ સમજાઈ જાય. અને આજથી દોઢસો વર્ષ પહેલાં તો કરમસદ સાવ ગોકુળિયું. ન શહેરની મર્યાદા છે સંકોચ, ન શહેરનો વટ કે શેખીખોર વિવેક. ખુલ્લાં ઘર, ફળિયાં ને ખેતરની વિશાળ મોકળાશ. કોઈ બહુ અમીર નહીં, કોઈ સાવ કંગાળ નહીં; ન કોઈ મોટું, ન કોઈ છેટું. બધાં સરખે-સરખાં. છોકરાં સરખે-સરખાં થઈને રમે, ભમે, ઝઘડે; આંબા-આંબલી ચડે, પડે; એકબીજાને તળાવમાં ધકેલે, એકબીજાને કામમાં હાથ દે; છોકરવાદી પરાક્રમો કરે, એકબીજાની ઠેકડી ઉડાડે, ખડખડાટ ખુલ્લું હસે અને હસાવે. મૂંજીપણાને ગામવટો. છલક છલકાતું ઉલ્લાસ અને ઉત્સાહનું તંદુરસ્ત અને મનદુરસ્ત વાતાવરણ.

આવા ગ્રામ-પરિવેશમાં વલ્લભભાઈ ઘડાયા. સાત ચોપડી ગુજરાતી કરમસદની સરકારી શાળામાં ભણ્યા. પછી આગળ ભણવાનાં બારણાં કરમસદમાં બંધ. મોટાભાઈ (વિઠ્ઠલભાઈ) તો નડિયાદ મોસાળ રહીને આગળનું અંગ્રેજી ભણતા હતા. પણ મામા પર કેટલાનો ભાર નખાય ? સારે નસીબે અંગ્રેજી ત્રીજી સુધીની નિશાળ કરમસદમાં ખૂલી એક વરસ ત્યાં ભણ્યા અને પછી ઊપડ્યા પેટલાદ. પેટલાદ પાસે હતું. ત્યાં પાંચમી અંગ્રેજી સુધીનું ભણતર હતું. પેટલાદ એટલે ઘરની છત્રછાયા છોડી પરગામમાં વાસ. બહાર નીકળ્યા એટલે માથે જવાબદારી. એ વખતે ભણવામાં તો ઝાઝું દૈવત ન દેખાડ્યું. પણ તેર-ચૌદ વરસની ઉંમરે જ માંહી પડેલી સૂઝ, શક્તિ ને નેતાગીરીના ગુણ ઝળક્યા. છએક વિદ્યાર્થી ભેગા કર્યા. બધાએ સાથે મળી ઘર ભાડે રાખ્યું. દરેક વિદ્યાર્થી રવિવારે ઘરે જાય, ત્યારે અઠવાડિયા પૂરતું તેનું સીધું, દાણોદુણી લેતો આવે. વારાફરતી એક-એક જણ અઠવાડિયું રસોઈ બનાવે. ને એમ ચાલ્યું. ગળથૂથીમાં નેતાગીરી લઈ આવેલા વલ્લભે સમૂહ-જીવનના પાઠ શીખ્યા અને શિખવાડ્યા, સંગઠન-વ્યવસ્થાનાં લક્ષણ બતાવ્યાં.

નેતૃત્વનું બીજું લક્ષણ મહત્વાકાંક્ષા. વલ્લભભાઈ સ્વભાવે બોલકા નહોતા, પણ ભીતરમાં ભારોભાર મહત્વાકાંક્ષા ભરી પડી હતી. પેટલાદની પાંચ ચોપડી અંગ્રેજીથી શું ચાલે ? સાત ચોપડી જેટલું તો ભણવું જ જોઈએ ને ? મોટાભાઈ (વિઠ્ઠલભાઈ) નડિયાદમાં ભણતા હતા, તો પોતે શા માટે પાછા રહી જાય ? અને વળી અંગ્રેજી ભણીએ તો રોલો પડે, પાંચમાં પુછાઈએ, સાહેબશાઈ સરકારી નોકરી મળે. ટૂંકી ખેતી બધાને ક્યાંથી સમાવી શકવાની ? અંગ્રેજી ભણીને વકીલ બનીએ તો તો વળી પૂછવું જ શું ? કોરટ ધણધણાવીએ, ખણખણતા રૂપિયા રળીએ. ભણવા માટે નડિયાદ મોકલ્યા સિવાય બાપુ ઝવેરભાઈનો છૂટકો ન થયો. નાછૂટકે ભણવા નડિયાદ મોકલવા પડ્યા. મોસાળમાં મામાને ત્યાં રાખવા પડ્યા. ગાંધીજી હજી આફ્રિકાથી ભારત આવ્યા ન હતા. હડતાલ અને બહિષ્કારનાં શસ્ત્રો હજી અજાણ્યાં હતાં. તે શસ્ત્રોનું શાસ્ત્ર તો મોડેથી રચાયું. તે પહેલાં વલ્લભભાઈએ હડતાલ અને બહિષ્કારના સફળ પ્રયોગ કરી બતાવ્યા.

નડિયાદની નિશાળના પહેલા જ વર્ષની વાત. વલ્લભભાઈ છઠ્ઠા ધોરણમાં દાખલ થયેલા. શાળામાં એક માથાફરેલ તુંડમિજાજી માસ્તર. છોકરાઓને સોટીથી સબોડવામાં અભિમાન લે. એક દિવસ એક છોકરો મા-બાપ પાસેથી દંડના પૈસા લાવી ન શક્યો. પેલા માસ્તરે છોકરાને કલાસની બહાર કાઢી મૂક્યો. વલ્લભભાઈથી આ અન્યાય સહન ન થયો. વલ્લભભાઈએ એલાન આપ્યું ને આખો કલાસ બહાર નીકળી ગયો. એટલેથી ન અટકતાં તેમણે આખી સ્કૂલમાં હડતાલ પડાવી. નડિયાદની ધર્મશાળામાં પોતાનું થાણું નાખ્યું. ત્રણ દિવસ હડતાળ ચલાવી. અંતે હેડમાસ્તરે બોલાવી સમાધાન કરાવ્યું. હવે પછીથી અન્યાયી કે આકરી સજા નહીં થાય તેવી ખાતરી આપી. બીજો એક શિક્ષક કાગળ, પેન્સિલ, નોટબૂક વગેરેનો ધંધો કરતા હતા. વિદ્યાર્થીઓ તેમની પાસેથી જ આ બધી વસ્તુઓ લે તેવી ફરજ પાડતા હતા. એમની પાસેથી આ વસ્તુઓ લેવાના બહિષ્કારનું વલ્લભભાઈએ આયોજન કર્યું. શિક્ષક બિચારા એવા ગભરાઈ ગયા કે તેમણે તેમનો સાઈડ-ધંધો સમૂળગો બંધ કરી દીધો.

હવે નિશાળથી આગળ વધી વલ્લભભાઈએ પોતાની શક્તિઓ વિશાળ સમાજજીવનમાં પણ વાપરવા માંડી. તેમના એક શિક્ષક મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં ઊભા હતા. તેમની સામે મોટી વગવાળા ધનાઢ્ય ઉમેદવાર ઊભા હતા. ઉમેદવારે બડાશ હાંકી, જાહેર કર્યું કે તેઓ જો હારી જશે તો પોતાની મૂછ મૂંડાવી નાખશે. વલ્લભભાઈએ શિક્ષક વતી પડકાર ઉપાડી લીધો. વલ્લભભાઈ તેમની ટોળકી સાથે ફરી વળ્યા, શિક્ષકને ઝળહળતો વિજય અપાવ્યો. એટલું જ નહીં, એ પછી હજામને સાથે લઈ પચાસ જણનું ટોળું પેલા હારી ગયેલા ધનાઢ્ય, અભિમાની હરીફને ત્યાં પહોંચ્યું, એની મૂછ મૂંડી.

વચ્ચે વલ્લભભાઈ નડિયાદથી વડોદરાની સરકારી શાળામાં ભણવા ગયેલા. ત્યાં પણ તેમણે પોતાના સ્વતંત્ર મિજાજનો પરચો આપ્યો. એક શિક્ષક બૉર્ડ પર દાખલો ગણવામાં ગૂંચવાતા હતા. વલ્લભભાઈએ ઊભા થઈ કહ્યું, ‘સર, દાખલો કેમ ગણવો તે તેમને આવડતું નથી.’ શિક્ષક ખિજાયા : ‘તને આવડતો હોય તો તું આવીને ગણી બતાવ.’ વલ્લભભાઈ તો તરત ઊપડ્યા બૉર્ડ પાસે. પટાપટ દાખલો ગણી બતાવ્યો. એ પછી અદાથી શિક્ષકની ખુરશી પર બિરાજ્યા. શિક્ષકે આચાર્યને ફરિયાદ કરી. આચાર્યે વલ્લભભાઈને માફી માગવા કહ્યું. વલ્લભભાઈએ સામેથી કહ્યું, ‘આવા શિક્ષકો હોય એવી શાળામાં હું જ ભણવા માગતો નથી.’ આમ કહી એક જ મહિનામાં એ પાછા નડિયાદ પોતાની મૂળ શાળામાં પહોંચી ગયા.

1897માં બાવીસ વર્ષની ઉંમરે વલ્લભભાઈ નડિયાદ હાઈસ્કૂલમાંથી બીજી ટ્રાયલે મેટ્રિક પાસ થયા. વલ્લભભાઈ બુદ્ધિશાળી અને તેજસ્વી હતા. પણ ભણવાને બદલે તેમની શક્તિઓનો તે વધારે વિશાળ ક્ષેત્રે અન્યાય સામે લડવા ઉપયોગ કરતા. ઔપચારિક શિક્ષણમાં સામાન્ય હોય પણ પાછળથી જીવનની વિદ્યાપીઠમાં જેમણે નામના મેળવી હોય તેવા અનેક દાખલાઓમાં વલ્લભભાઈને પણ મૂકી શકાય. વલ્લભભાઈના મામા મ્યુનિસિપાલિટીમાં ઓવરસિયર હતા. વલ્લભભાઈ મેટ્રિક થયા ત્યારે તેમણે વલ્લભભાઈને મ્યુનિસિપાલિટીમાં મુકાદમ તરીકે લઈ લેવા ઑફર મૂકી. વલ્લભભાઈ મુકાદમ તરીકે જોડાયા હોત તો તરત કમાણી કરતા થાત, પણ એ જીવનભર મુકાદમ જ રહેત કારણ કે તેમની પાસે ઈજનેરી લાયકાત નહોતી.

વલ્લભભાઈને માટે ઈશ્વરે કંઈક જુદી જ યોજના કરી હતી. તેમનાં સંગઠન-વ્યવસ્થા-શક્તિ, સૂઝ, મહત્વાકાંક્ષા, માનવસ્વભાવની સમજ ને પરખ, અન્યાયનો પ્રતિકાર જેવા નેતૃત્વગુણોએ તેમને ‘મુકાદમ’ તો બનાવ્યા, પણ તે ભારતના સ્વાતંત્ર્યવીરોના ‘મુકાદમ’. આ ‘મુકાદમે’ કૉંગ્રેસના સંગઠનને બરાબર જાળવી રાખી આઝાદી અપાવી, એટલું જ નહીં, આપણને સુગ્રથિત એકતા-અખંડિતતાની મંઝિલે પહોંચાડ્યા.
.

[2] પોલાદ જેવા કઠોર અને ફૂલ જેવા કોમળ

વલ્લભભાઈના ઘેર નહોતાં વાડી-વજીફા કે નહોતાં ગાડી-બંગલા, નહોતી કુટુંબની કે પિતાની નામના કે નહોતા ભવન આનંદનાં. નહોતું ઊંચું ઉન્નભ્રૂ કુળ કે નહોતી બાપ-દાદાની ધીકતી કમાણી. એમને ઘેર તો હતાં ટૂંકી ખેતી અને બહોળું કુટુંબ, રળિયામણા ઝાઝા હાથ અને સંતોષનો રોટલો. મધ્યમ વર્ગનો કણબીનો છોકરો એટલે ભણી લે તે પહેલાં પરણાવી દીધો હોય. મેટ્રિક થાય એટલે તેણે તો શોધવી પડે નોકરી, વ્યવસાય, ધંધો કે મજૂરી ! અને એમાં નાનમે શાની ?

1897માં મેટ્રિક થયા. આગળ ભણવાની તમન્નાય ઘણી અને ધગશે ખરી. બુદ્ધિ તો આપુકી, પણ પૈસા નહીં. એ વખતે મેટ્રિક પછી પ્લીડરની પરીક્ષા આપી વકીલાત કરાતી. વલ્લભભાઈ આગળ મોટાભાઈ વિઠ્ઠલભાઈનો દાખલો હતો જ. અને થઈ ગયા વલ્લભભાઈ પ્લીડર. મિજાજને ફાવે એવો સ્વતંત્ર, અનુકૂળ વ્યવસાય. સામાન્ય રીતે નવોસવો વકીલ કોઈ મોટા માથાવાળા વકીલનો જુનિયર થાય, એટલે કે મોટા વકીલનો મદદનીશ થાય. વકીલોની ભાષામાં એને ‘ડેવિલ’ કહે છે. પણ સ્વતંત્ર મિજાજવાળા વલ્લભભાઈમાં શેતાનીય નહોતી અને કોઈના ‘ડેવિલ’ થવાની ખેવનાય નહોતી. કોઈના ‘ડેવિલ’ થવું નથી, મોટાભાઈનાય નહીં ! એમણે ચાતર્યો ચીલો ને લીધો મારગ સીધો પોતીકો.

1900ના જુલાઈમાં પોતાનાં ઘરવાળાં ઝવેરબાઈને લઈને ઊપડ્યા ગોધરા, વકીલાત કરવા. ઘરમાંથી લીધાં જૂનાં વાસણ-કૂસણ, હાંડલા-હાંડલી, ઘરવખરી ને થોડાં કાયદાનાં થોથાં. લઈને ‘ચલા વલ્લભ વકીલ બનને’. ઉધાર-ઉછીના પૈસા લઈને નાનકડું ઘર ભાડે રાખ્યું. તેમાં જ ઑફિસ. પોતાના હાથે જ ઠોક્યું બારણાબહાર પાટિયું ને ઝુલાવ્યું સાઈન-બોર્ડ : ‘વલ્લભભાઈ જે. પટેલ, જિલ્લા પ્લીડર, ગોધરા.’ વલ્લભભાઈના સાથીઓ હતાં – પરિશ્રમ, ખંત, તેજસ્વી બુદ્ધિ અને હિંમતભરી વેધક રજૂઆત. કોઈના બાપની સાડીબાર નહીં. પહેલે જ વર્ષે રૂપિયા છસોની પ્રૅક્ટિસ, એટલે કે સરેરાશ માસિક રૂપિયા પચાસની આવક. એ જમાનામાં ઠીક-ઠીક સારી ગણાય. કવીશ્વર દલપતરામ એ સમયમાં કરતા હતા નોકરી, માસિક રૂપિયા પચાસની અને એ નોકરી સારી ગણાતી ! કઠોર જીવનનો એવી જ કઠોરતા અને દઢ સંકલ્પથી સામનો કરતા આ નાના વકીલનું નસીબ તેનાથી બે ડગલાં આગળ. 1902માં ગોધરામાં ફાટી નીકળ્યો પ્લેગ. કઠોર સીનામાં વસતી હતી કૂણી કરુણા. પ્લેગની ઝપટમાં આવી ગયેલા એક મિત્રની સખાતે ધાયા. શુશ્રુષા, સારવાર કરી. મિત્ર તો ન બચ્યા, પણ તેને અગ્નિદાહ દઈને ઘરે આવ્યા ત્યારે ખબર પડી વલ્લભભાઈને કે પોતાને પ્લેગ વળગ્યો છે ! કોઈનું સાંભળ્યું નહીં. ઘરવાળાંને ઘેર કરમસદ મોકલી દીધાં. પોતે રહ્યા એકલા. પ્લેગ મટ્યો નહીં ત્યાં સુધી એકલા જ રહ્યા નડિયાદમાં.

ગોધરા મૂક્યું ને આવ્યા બોરસદ. ઘણાં કારણ ભેગાં થયાં હતાં. બોરસદ વતનની નજીક હતું. મોટાભાઈ વિઠ્ઠલભાઈ ત્યાં વકીલાત કરતા હતા, મુશ્કેલીમાં હતા. વિઠ્ઠલભાઈએ એક સબ-જજ સામે ભ્રષ્ટાચાર અને લાંચરુશવતના આક્ષેપ કર્યા હતા, સરકાર પાસે તેની સામે તપાસ મુકાવી હતી. મૅજિસ્ટ્રેટ, મામલતદાર અને બીજા જજો વિઠ્ઠલભાઈ પર ખિજાયા હતા. તેમાંથી ભાઈને બચાવવાના હતા, તેમની વહારે થવાનું હતું, પણ સાવધાનીથી. પોતાને અને વિઠ્ઠલભાઈને બનતું નથી એવો દેખાવ કર્યો. જુદું ઘર લઈ રહ્યા. જજો અને અધિકારીઓ સાથે ઘરોબો બાંધ્યો ને અધિકારીઓનાં કામો કરી આપ્યાં. તેમ કરતાં-કરતાં બધાને મોટાભાઈ તરફ વાળ્યા. સંબંધો સારા કરી આપ્યા.

બોરસદ એટલે નામીચો તાલુકો. ત્યાંના માણસો આમ સીધા, ભરોસાપાત્ર અને નિષ્ઠાવાળા, પણ વટના કટકા. ગૌરવભંગ ન સાંખે, વીફરે, કાયદો હાથમાં લે. હત્યા સુધીની હિંસાથી દુશ્મનને દંડ દે. આખીય મુંબઈ પ્રેસિડેન્સીમાં બોરસદ તાલુકાનો ગુનાખોરીનો આંક તે વખતે સૌથી ઊંચો, એટલે સુધી કે બ્રિટિશ સરકારને ત્યાં ખાસ રેસિડેન્સિયલ ફર્સ્ટ કલાસ મૅજિસ્ટ્રેટ મૂકવા પડેલા. પોલીસ તરીફે અમદાવાદથી બોલાવેલા ખાસ સરકારી વકીલ રાખેલા. ફોજદારી કેસ ચલાવવા એટલે લડાયક મારફાડ વકીલનું કામ. આપણા વલ્લભભાઈ તે માટે તૈયાર. ફોજદારી વકીલ પાસે માનવસ્વભાવની સૂઝબૂઝ જોઈએ, ઊલટતપાસની આવડત જોઈએ, બેધડક સામનો કરવાની શક્તિ જોઈએ. આ બધા ગુણો ધરાવતા, વલ્લભભાઈ થોડા જ વખતમાં અગ્રણી ફોજદારી વકીલ તરીકે ઝળક્યા. ફોજદારી વકીલાત વલ્લભભાઈના સ્વભાવ અને આવડતને અનુકૂળ હતી. ફોજદારી કેસમાં બીજો ફાયદો એ કે કેસનો ફેંસલો જલદી આવે, ફીની રકમ ઝડપથી મળે. મોટી ફી મળે. વલ્લભભાઈને પૈસાની જલદી ને વહેલી જરૂર હતી – આગળ ભણવાની મહત્વાકાંક્ષા પૂરી કરવા, બૅરિસ્ટર બનવા.

ફોજદારી વકીલાતમાં વલ્લભભાઈના નામનો ડંકો વાગ્યો. પોલીસતંત્ર, સરકારી વકીલ અને સરકારનાં હાંજાં ગગડી ગયાં. બોરસદમાં નેવું ટકા કેસમાં સરકાર હારે, આરોપીઓ છૂટી જાય. એટલે સુધી કે છેક મુંબઈ એનો પડઘો પડ્યો. બોરસદથી કોર્ટનું મથક હટાવી, પંદર માઈલ દૂર આણંદમાં મથક લઈ ગયા. આશા એવી કે બોરસદથી એટલે દૂર વલ્લભભાઈ રોજેરોજ આવી નહીં શકે. કેટલાક વકીલોએ સહિયારો ટાંગો રાખ્યો. પણ વલ્લભભાઈ જેનું નામ. એમણે તો સ્વતંત્ર ટાંગો રાખ્યો. પોતાના ગુમાસ્તા સાથે એકલા ટાંગામાં આવે, થોથાં લાવે. કોર્ટ આણંદ ખસેડવાની સરકારની મકસદ પૂરી ન થઈ. કોર્ટ પાછી બોરસદ આવી ગઈ ! ફોજદારી વકીલાતમાં વલ્લભભાઈના નામના સિક્કા પડે. સામેવાળા વકીલની ધૂળ કાઢી નાખે. સાચી વાતમાં ન્યાયાધીશોની પણ શરમ ન રાખે, ધધડાવી નાખે.

કાયદા સાથે સંકળાયેલા વર્ગની અને જજોની શેખી ભારે હોય છે. વકીલે કાળો કોટ, સફેદ બૅન્ડ અને મોટો ઝૂલતો કાળો ગાઉન પહેરવો પડે. તેમાં કંઈ ચૂક થાય તો જજસાહેબ કહેશે : ‘હું તમને નિહાળતો નથી !’ કાળું-કાળું જ જોવા જોઈએ ને ? ને પાછો ન્યાય તો આંધળો ! હજી હમણાં સુધી મુંબઈની કોરટના એક ન્યાયાધીશ નીચે બેઠેલા શિરસ્તેદાર પાસે નાનું ટાઈપ કરેલું પૂંઠાનું પાટિયું રાખતા. તેમાં ટાઈપ કર્યું હોય :
1. ગાઉન બરાબર પહેરો;
2. કોટનો રંગ જૅક બ્લૅક નથી;
3. બૅન્ડ સરખો કરો;
4. કોટનાં બટન બીડો; વગેરે વગેરે
કોઈ નવો-સવો વકીલ દલીલ કરવા ઊભો થાય ત્યારે જજસાહેબ પેન્સિલથી ‘ટકટક’ કરી શિરસ્તેદારનું મોં પાસે લાવવા સૂચવે. પછી ધીમેધીમે છૂપું-છૂપું કહે : ‘નં. 4’ પછી કટાણુ મોઢું કરી ઊંચે છત પર જોતા બેસી જાય. શિરસ્તેદાર પેલા નવાણિયા વકીલના કોટની સાળ ખેંચે. બિચારો જુનિયર કંઈ સમજે નહીં. અંતે શિરસ્તેદાર તરફ ધ્યાન જાય, ગૂંચવાય. પાટિયા પર શિરસ્તેદાર નં. 4 પર આંગળી બતાવતો હોય. વકીલને બત્તી થાય. કોટનાં બટન બીડે. પછી જજસાહેબ તેને જુએ, સાંભળે !

આવો રૂઢિચુસ્ત હોય છે કોર્ટનો માહોલ. તેમાં ઉનાળાની ગરમીથી કંટાળેલા એક બ્રિટિશ જજ કાળા ગાઉનનો ઉપરણો ઓઢ્યા વગર કોર્ટમાં આવ્યા. વલ્લભભાઈને દલીલો ચાલુ કરવા કહ્યું. ગંભીર વદને વલ્લભભાઈએ ઠપકાર્યું : ‘કોર્ટનો ડ્રેસ બરાબર યોગ્ય નથી. તેને હું કોર્ટ ગણતો નથી.’ એમ કહી ચાલવા માંડ્યું. કોર્ટમાં સોપો પડી ગયો. વકીલો સ્તબ્ધ થઈ ગયા. વકીલોને પણ બ્રિટિશ જજ જેટલી જ ગરમી લાગતી હતી, પણ તે બધા ગાઉનમાં હતા. બ્રિટિશ જજ ઝંખવાણા પડી ગયા. પાછા ચૅમ્બરમાં ગયા, ગાઉન પહેરી આવ્યા, વલ્લભભાઈ સમક્ષ દિલગીરી વ્યક્ત કરી, પછી જ વલ્લભભાઈએ દલીલો શરૂ કરી. બીજા એક કેસમાં કલેક્ટર જરા પીધેલા હતા. ચેમ્બરમાં જ બેસી રહ્યા. એમણે શિરસ્તેદાર પાસે કેસ ચલાવી લેવા સૂચના મોકલી. વલ્લભભાઈ વટક્યા. ધડાક દઈને નીડરતાથી કહી નાખ્યું : ‘હું શિરસ્તેદાર પાસે કેસ ચલાવવા નથી આવ્યો. કલેકટર પાસે કેસ ચલાવવા આવ્યો છું.’ ન્યાયનો સિદ્ધાંત છે : ન્યાયિક કાર્ય બીજાને ડેલિગેટ કરી શકાય નહીં, સોંપી કે સુપરદ કરી શકાય નહીં. વહીવટી કામ સોંપી શકાય ખરું. બ્રિટિશ કલેકટર શરમિંદા થઈ ગયા. પોતે આવ્યા, માફી માગી, પોતાની સમક્ષ કેસ ચલાવ્યો.

વલ્લભભાઈની કારકિર્દીમાંથી આવા અનેક પ્રસંગો ટાંકી શકાય. તે કદી નબળાને નીચાજોણું કરાવતા નહીં અને મોટા કે ગોરા સાહેબોથી ગભરાતા નહીં. પોતે શિસ્ત પાળતા અને શિસ્તનો આગ્રહ રાખતા. 1909માં વલ્લભભાઈ એક મહત્વનો કેસ ચલાવતા હતા. તેમની દલીલો વચ્ચે તેમના હાથમાં એક તાર અપાયો. તેમણે તાર વાંચ્યો. તેમનાં પત્નીના મૃત્યુનો તાર હતો. તેમણે તાર વાંચી ગજવામાં મૂકી દીધો. કંઈ જ ન બન્યું હોય તેમ તેમણે કેસ ચલાવ્યો, પૂરો કર્યો. આવો વજ્જર જેવો નક્કર વક્કર તેઓ રાખતા. પણ તેમની ભીતર રહેલું હૃદય ભાવનાથી ભીનુંભીનું હતું.

નીચેની ‘મોફ્યુઝીલ’ કોર્ટમાં અમદાવાદથી આવતા બૅરિસ્ટરો બહુ શેખી કરતા, સ્થાનિક વકીલોને તુચ્છ ગણતા, ન્યાયમૂર્તિઓ સાથે બાખડતા, અંગ્રેજીમાં રુઆબ છાંટતા. તેમના બરોબરિયા થવાની વલ્લભભાઈની મહત્વાકાંક્ષા. પણ તે જમાનામાં ઈંગલેંડમાં જઈ બૅરિસ્ટર થવા માટે આઠ-દસ હજાર જેવી મોટી રકમ જોઈએ. તનતોડ મહેતન કરી, કરકસરથી જીવી, પૈસા બચાવી એકઠા કરવાની વલ્લભભાઈની નેમ હતી. તેમણે પૈસા એકઠા કર્યા, દસ્તાવેજો તૈયાર કરાવ્યા, ટિકિટ મેળવી. પણ નસીબનું કરવું એવું કે તે દસ્તાવેજ અને ટિકિટ વગેરે પોસ્ટમૅને વિઠ્ઠલભાઈ પટેલને પહોંચાડ્યાં. ટપાલ પર નામ હતું વિ. જે. પટેલ ! વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈ બંનેને લાગુ પડે ! તે વખતે પાસપોર્ટ પર ફોટો ચોંટાડવાની પ્રથા ન હતી. વિઠ્ઠલભાઈએ આજીજી કરી : ‘હું મોટો છું. મને તારા કાગળિયા પર જવા દે. મારા પહેલાં તું બૅરિસ્ટર થાય તે ઠીક નહીં.’ જરા પણ હિચકિચાટ વગર નાનાભાઈએ ભોગ આપ્યો. મહામહેનતે ઊભી કરેલી રકમ મોટાભાઈ માટે વાપરી. ઊભી કરેલી તક ભાઈ માટે જતી કરી. આવું હતું પોલાદના માણસનું પ્રેમાળ, ભાવનાશીલ હૃદય; એટલું જ નહીં, વિઠ્ઠલભાઈનાં પત્નીને ક્યાં રાખવાં એ સમસ્યા હતી. તેમને પિયરમાં કોઈ નહોતું. વલ્લભભાઈએ ભાભીને પોતાની સાથે રાખવાની જવાબદારી ઉપાડી. તેમનાં પત્ની અને ભાભીને ફાવ્યું નહીં તો પત્નીને પિયર મોકલી આપ્યાં, પણ ભાભીને પોતાને ત્યાં નિભાવ્યાં.

બોરસદમાં પ્રૅક્ટિસ કરતા વલ્લભભાઈએ ફરીથી પૈસા એકઠા કરવા માંડ્યા. આપેલા વચન પ્રમાણે વિઠ્ઠલભાઈને વિલાયત પૈસા મોકલવાના. પોતાના વિલાયત જવા માટે પૈસા ભેગા કરવાનો પોતે મનમાં જે સંકલ્પ કર્યો હતો તે પાળ્યે જ છૂટકો. 1904માં તેમનાં પુત્રી મણિબહેનનો જન્મ અને 1905માં તેમના પુત્ર ડાહ્યાભાઈનો જન્મ. પણ એ બંનેને પાંચ વર્ષ અને ચાર વર્ષનાં મૂકી, ઝવેરબહેનનું આંતરડાના વ્યાધિ અને ઑપરેશનમાં અવસાન થયું. એ સમયે તો પટેલોમાં એક જીવતી હોય તેના પર બીજી પણ લાવતા. પણ નાનાં બાળકો ઉછેરવાનાં હતાં, છતાંય વલ્લભભાઈએ બીજું લગ્ન ન કર્યું તે ન જ કર્યું. તેઓ વિધુર થયા ત્યારે ફક્ત તેત્રીસ વર્ષની ઉંમરના હતા. મનમાં એકપત્નીની ભાવના. આખુંય આયખું એકલા પૂરું કર્યું. એવું હતું પોલાદના આ માનવીનું કૂણું, ભીનું હૈયું.

[કુલ પાન : 182. કિંમત રૂ. 120. પ્રાપ્તિસ્થાન : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ. 1-2, અપર લેવલ, સેન્ચૂરી બજાર, આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-380006. ફોન : +91 79 26560504.]