બાળકોનો ઉછેર – પ્રો. એચ. એમ. ત્રિવેદી

[‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.]

બાળઉછેરની વાતો તો ખૂબ થાય છે, પરંતુ બહુ ઓછા મા-બાપ બાળકોની જવાબદારી કેમ વહન કરવી તેનાં રહસ્યો જાણે છે. આ કામ સરળ નથી, પરંતુ તે એટલું બધું અઘરું પણ નથી. જો તમે ધારો તો તમારાં બાળકોને ઉત્તમ માનવી બનાવી શકો છો. પ્રસ્તુત છે થોડાંક રહસ્યો.

તમે બાળકોને કુદરતી વાતાવરણમાં હસતાં ફરતાં અને રમતાં જોયાં હશે તો તમને એવું લાગ્યું હશે કે તેઓ પોતાની જીભને એક પળ પણ આરામ આપતાં નથી. પરંતુ જ્યારે આવાં બાળકોનો ઈન્ટરવ્યૂ લેવામાં આવે છે ત્યારે તેમનું મોં સિવાઈ જાય છે. તેઓ પૂછેલા પ્રશ્નોના માંડ માંડ જવાબો આપે છે. જે બાળક મુક્ત વાતાવરણમાં કિલકિલાટ કરે છે તે પોતાની ટીચર પાસે કવિતા કે ગીત ગાતાં ખચકાટ કેમ અનુભવે છે ?

માત્ર જન્મ આપવાથી મા-બાપ બની શકાય નહિ :
એક બાળક ટીચરની સામે મૂંગું થઈ જતું હતું. જ્યારે ટીચર તેને એક નાનકડા તળાવ પાસે લઈ ગયા અને ત્યાં તેને પાણીમાં તરતા દેડકા બતાવ્યા તો તે એટલું રાજી થઈ ગયું કે દેડકાની કવિતા ગાવા લાગ્યું. બાળક ઉપર મનોવૈજ્ઞાનિક પ્રેરકબળ મહત્વની કામગીરી બજવે છે. દેડકાને જોઈને તેને પ્રેરણા થઈ અને તેણે દેડકાની કવિતા ગાવાનું શરૂ કરી દીધું. પ્રારંભિક શિક્ષણ એવું હોવું જોઈએ. જેથી બાળકની અંદર ઉત્તેજના ઊભી કરે અને તેને કશુંક કરવાની પ્રેરણા મળે. માત્ર બાળકને જન્મ આપવાથી આપણે મા-બાપ બની જતા નથી. બાળકનો સારો ઉછેર કરવામાં આવે તો જ આપણે સારા મા-બાપ કહેવડાવવાને લાયક ગણાઈએ. બાળકને ઉછેરતી વખતે તેમને માનસિક અને શારીરિક આધારની જરૂર પડે છે. આ કાર્ય મા-બાપ અને શિક્ષકો કરી શકે છે.

પૂર્વ પ્રાથમિક શિક્ષણ – જીવનનો મહત્વનો તબક્કો :
બાળકના જીવનમાં સૌથી શ્રેષ્ઠ શિક્ષકની ભૂમિકા માતા જ ભજવી શકે છે. પિતા, શિક્ષક અને વાતાવરણની ભૂમિકા પછીથી શરૂ થાય છે. લગભગ સાડાત્રણ વર્ષનું બાળક જ્યારે પૂર્વ પ્રાથમિક શાળામાં પ્રવેશ કરે છે ત્યારે તેનું પ્રથમ શિક્ષણ ઘેર શરૂ થાય છે. બાળક રોજ નવું નવું જુએ છે અને તેમાંથી કશુંક શીખ્યા કરે છે. આ તબક્કે મા-બાપ બાળકના શિક્ષણની શરૂઆત કરે છે અને શાળામાં અને જીવનમાં સફળ થવા માટેનો પાયો ધરબે છે. આથી પૂર્વ પ્રાથમિક શિક્ષણ બાળકના જીવનનો પાયો ગણાય છે.

શબ્દભંડોળની શરૂઆત પૂર્વ પ્રાથમિક ગાળામાં :
પૂર્વ પ્રાથમિક ગાળામાં બાળકોનું શબ્દભંડોળ વધે છે. આ તબક્કે તેઓ નર્સરી રાઈમ્સ, ગીતો, પ્રાર્થનાઓ, ભજન શીખે છે. તેઓ આ ગીતો અને જોડકણાં ચોતરફ ગાતાં ફરે છે. મા-બાપ પાસે પોતાની કવિતાઓ મોટેથી ગાય છે, વર્ગમાં સમૂહગાન કરે છે. આ તબક્કે તેમને વિવિધ ફૂલોનાં નામ, ફળોનાં નામ, શાકભાજીનાં નામ શીખવવાં જોઈએ. વિવિધ રંગોની ઓળખ, સામાન્ય પ્રાણીઓનાં નામો, પક્ષીઓનાં નામો પણ બોલતાં શીખવવાં જોઈએ. બાળકની આસપાસની દુનિયાનો પણ તેને પરિચય કરાવવો જોઈએ. જેમ કે, શોપિંગ સેન્ટર, પોસ્ટ ઑફિસ, બેન્ક વગેરે. જુદા જુદા વ્યવસાયના માણસોનો તેને પરિચય કરાવવો જોઈએ. જેમ કે દરજી, વાળંદ, કરિયાણાનો વેપારી, ચશ્માનો વેપારી, ડૉક્ટર, વકીલ વગેરે. તેમને વીજળીનાં સાધનોનો પરિચય પણ કરાવવો જોઈએ. નર્સરી કલાસમાં જતાં પહેલાં આવી બધી જાણકારી તેમને હોવી જોઈએ. વર્ગમાં જતાં પહેલાં જો બાળકો આટલી જાણકારી મેળવી લે તો તેમને વર્ગમાં ઘણી બધી સુગમતા મળે છે. તેમની અંદર અનેરો આત્મવિશ્વાસ પેદા થાય છે. સફળતા અને સિદ્ધિ હંમેશા આપોઆપ વૃદ્ધિ પામે છે.

બાળકોની શાળામાં અને શિક્ષકોમાં રસ લો :
મા-બાપ શરૂથી જ બાળકની શાળા સાથે સંકળાયેલાં હોવાં જોઈએ. જ્યારે શાળામાંથી બાળકની નોંધપોથીમાં શિક્ષકોની કોઈ ફરિયાદ લખાઈને આવે છે ત્યારે મા-બાપ છંછેડાઈ જાય છે. વાસ્તવમાં આમ ઉશ્કેરાટ કરવાને બદલે મા-બાપે શાળાનો સંપર્ક સાધવો જોઈએ અને શિક્ષકોની સાથે વાતચીત કરીને તાલમેલ સાધવો જોઈએ. શિક્ષકોને એવો અહેસાસ થાય છે કે તમે બાળકની ખેવના રાખો છો અને શાળાના શિક્ષકો પ્રત્યે તમને માનની લાગણી છે. આવાં માબાપ પ્રત્યે શિક્ષકોને પણ માન ઊપજે છે અને તેઓ બાળકોમાં અંગત રસ લેવા લાગે છે. બાળકોને પણ એવી લાગણી થાય છે કે મા-બાપ તરીકે તમે તેના જીવનમાં ખૂબ જ રસ લો છો. તમે બાળકોને માત્ર શાબ્દિક પ્રેમ કરો તે પૂરતું નથી, પરંતુ તમારા વ્યવહારમાં પણ તે પ્રેમ દેખાવો જોઈએ. આ માટે મા-બાપોએ ખૂબ જ નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરવા પડે છે.

પ્રોત્સાહનની વિધેયક અસર :
સ્વીત્ઝર્લેન્ડના પ્રખ્યાત મનોવિજ્ઞાની જીન પિયાજેટના મતે માણસો પોતાની આસપાસના વાતાવરણનો પોતાના લાભ માટે ઉપયોગ કરતાં હોય છે. બાળકો પણ પોતાની આસપાસના માણસોનો અભ્યાસ કરીને તેમનો પૂરેપૂરો લાભ લેતા શીખી જાય છે. મા-બાપ વચ્ચે ખટરાગ ચાલતો હોય કે મા-બાપ અને દાદા-દાદી વચ્ચે મનદુ:ખ હોય તો બાળકો તેમાંથી લાભ ઉઠાવતા શીખી જાય છે. આથી આપણે સૌએ બાળકોના ઉછેરનો વિચાર કરીને આપણી વર્તણૂંક ઉપર નજર રાખતા શીખી લેવું જોઈએ. મા-બાપોએ શાળાના શિક્ષકો સાથે પણ ઘરોબો કેળવવો જોઈએ. બાળકોને આપણી નબળાઈઓનો ગેરલાભ લેવાનો મોકો કદી આપવો જોઈએ નહીં. શિક્ષકો મા-બાપના સંપર્કમાં રહે તો બાળક બહુ સચેત રહે છે. ઉપરાંત શિક્ષકો બાળકોના કૌટુંબિક વાતાવરણથી પણ પરિચિત બને છે અને માબાપને શિક્ષકો બાળકની પ્રગતિની પણ જાણકારી આપતા રહે છે. પરિચિત શિક્ષક બાળકને વધુ પ્રોત્સાહિત કરે છે અને તેની બહુ સકારાત્મક અસર પેદા થાય છે.

સર્જનાત્મક શિક્ષણ :
તમે બાળકને શીખવો છો કે એ ફોર એપલ. પરંતુ આ એપલ (સફરજન)નો તમે બહુ સરસ રીતે ઉપયોગ કરી શકો છો. સફરજનનો સ્પર્શ કરવાનું કહો અને પૂછો કે સફરજન કેવું લાગે છે ? તે કહેશે સુંવાળું. પછી સફરજનની છાલ ઉખાડી તેના બે કટકા કરો. પછી ચાર કટકા કરો. તમે તેનાં બી બતાવો. તમે જુદા જુદા આકારો બતાવો. બી વિષે સમજાવો. ગર્ભ વિષે વાત કરો. છાલ વિષે બોલો. રંગોની વાત કરો. સખત, પોચું, લંબગોળ, વગેરે શબ્દો સમજાવો. બીને કુંડામાં વાવતા શીખવો. છોડ ઊગે ત્યારે બતાવો. આમ એક સફરજનમાંથી તમે અનેક શબ્દો સમજાવી શકો. આવી જ રીતે બાળકને આઈસ્ક્રીમ ખવડાવો ત્યારે ઠંડુ દૂધ, મલાઈ, ચોકલેટ, થીજવું, પીગળવું, ચાટવું, મોં, જીભ, ગરમ, ગળ્યું વગેરે શબ્દો શીખવી શકો. મા-બાપ બાળકોના મનમાં અનેક કન્સેપ્ટ્સ અર્થાત માનસિક ખ્યાલો ઊભા કરે છે. નાનું, મોટું, પાતળું, જાડું, હલકું, હળવું, ભારે, ઠંડું, શીતળ, નક્કર, પ્રવાહી, ભીનું, સૂકું વગેરે શબ્દોના અર્થ બાળકોને સમજતા બહુ વાર લાગે છે. બાળકને અનુમાન કરતાં, આગાહી કરતાં, તારણો કાઢતાં શીખવવું પડે છે. આ બધું બાળકો બહુ ધીમે ધીમે શીખે છે. બાળકનું આસપાસનું વાતાવરણ (પર્યાવરણના અર્થમાં) તેને વ્યાવહારિક જ્ઞાન સંપાદન કરવામાં ખૂબ મદદરૂપ નીવડે છે. જ્યારે જ્યારે જ્યાં જ્યાં કશુંક શીખવાડવા જેવું હોય તો તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. નવી શીખવાડવાની એક પણ તક જતી કરવી જોઈએ નહિ. પાયાના ખ્યાલો બંધાય પછી વાસ્તવિક જીવનમાં નવું નવું શીખવાની બહુ સરળતા થઈ જાય છે.

શિસ્તની સ્થિતિસ્થાપકતા :
પ્રેમ અને શિસ્તનો સમન્વય થાય ત્યારે શિસ્ત સ્થિતિસ્થાપક બને છે. જ્યાં મા-બાપ અને વડીલો બાળકો ઉપર પૂરતું ધ્યાન આપે છે ત્યાં ભાગ્યે જ બાળકો કોઈ અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાય છે. કેટલીક બાબતમાં મા-બાપે મક્કમ વ્યવહાર કરવો જોઈએ. દાખલા તરીકે રાત્રે સાડા નવ કે દસ વાગ્યે સૂઈ જવાનું એટલે સૂઈ જ જવાનું. તેમાં કોઈ જ બાંધછોડ ચલાવી લેવાય નહિ. પરંતુ ક્યારેક કોઈ સારી મૂવી હોય તો તેમને મૂવી જોવાની છૂટ આપી શકાય. હોમવર્ક, રમત, મનોરંજન, ટીવી વગેરે માટે નિશ્ચિત સમય ફાળવી શકાય. જો શિસ્ત અને સહાનુભૂતિનો સુમેળ સાધતા આવડે તો બાળકો ઉપર વધુ સારી રીતે નિયંત્રણ રાખી શકાય છે. બાળકો સ્વતંત્ર રીતે જીવતાં શીખે છે અને તેમની અંદર પુખ્ત સામાજિકતા પણ ઊભી થાય છે. તેઓ કોઈ વ્યસનો કે બૂરી આદતના શિકાર બનતાં નથી.

સકારાત્મક અભિગમ :
ઘણાં મા-બાપ પોતાનાં બાળકોને સારી શાળામાં પ્રવેશ અપાવવા માટે આકાશપાતાળ એક કરી દેતાં હોય છે. આ સારી શાળા એટલે શું ? ખૂબ જ ખ્યાતનામશાળા હોય તો તેનો અર્થ એવો થતો નથી કે અહીં બધા જે વિદ્યાર્થીઓ ઉત્તમ સાબિત થાય છે, અને જીવનમાં સો ટકા સફળ થાય છે. કોઈ ઉત્તમ ડિગ્રી મેળવીને માણસ ઉત્તમ સાબિત થતો નથી. જીવનનો અભિગમ જ સૌથી મહત્વની બાબત છે. જો બાળકો તેમને પુસ્તકો વાંચતાં, શબ્દકોષ ફંફોળતાં કે જ્ઞાનસંગ્રહ વાંચતાં જોશે તો તેમને પણ આવી પ્રવૃત્તિ કરવી ગમવા લાગશે.

જ્ઞાનપિપાસા જગાડો :
જ્ઞાનપિપાસા જગાડવી પડે છે. તેમની જિજ્ઞાસા પ્રદીપ્ત કરો. તેમનો મ્યુઝિયમ, ઝૂ, થિયેટર, પ્રદર્શન, આર્ટ ગેલેરીઝ વગેરેની મુલાકાતે લઈ જાઓ. તેમને ઐતિહાસિક સ્થળો, પ્રકૃતિનાં સુંદર સ્થળો, વિખ્યાત ધાર્મિક સ્થળો વગેરેની મુલાકાત કરાવો અને તેમને યોગ્ય સમજ પૂરી પાડો. પ્રવાસ બાળકો માટે ખૂબ જ લાભદાયક સિદ્ધ થાય છે. તેમની ક્ષિતિજો વિસ્તૃત બને છે. તેમને ટ્રેકિંગ, કેમ્પિંગ, હાઈકિંગ વગેરે માટે લઈ જાવ. એકસ્ટ્રા કરીકયુલર પ્રવૃત્તિઓ તેમની બૌદ્ધિક, સામાજિક, સાંસ્કૃતિક અને શારીરિક શક્તિઓનો વિકાસ કરે છે. બાળકની કારકિર્દી ઘડવી હોય તો ઈતર પ્રવૃત્તિમાં વધુ પડતો સમય વ્યય કરવો જોઈએ નહિ – તેમને ગણનાપાત્ર વ્યક્તિઓની મુલાકાત પણ કરાવવી જોઈએ, કેમકે બધા માણસોમાં કશીક નબળાઈ તો હોય જ છે. ટીવીના કાર્યક્રમો જોતી વખતે પણ તમે બાળકોને ઘણું બધું શીખવી શકો.

શોધખોળની વૃત્તિ જરૂરી :
બાળકોને જાતે માહિતી એકઠી કરવાની આદત પાડવી જોઈએ. તેમણે સાથે મળીને પ્રશ્નોના જવાબો શોધવા જોઈએ. જાપાનની રાજધાનીનું નામ આપવા કરતાં તેમને એટલાસમાંથી તે શોધવાની પ્રેક્ટિસ કરાવો. પછી ટોકિયો વિષે બીજી જાણકારી પણ મેળવવાનું કહો. જે બાળક જાતે મહેનત કરીને માહિતી એકઠી કરે છે તેમની યાદશક્તિ પણ ખૂબ તીવ્ર બને છે. પિયાજેટ કહે છે કે જ્ઞાન બાળક જાતે મેળવતું નથી, પરંતુ તમે એને સીધું કહી સંભળાવો છો તો બહુ જલદી ભુલાઈ જાય છે. ભયભીત બનીને મેળવેલું જ્ઞાન માત્ર બોજો છે. ગોખેલું જ્ઞાન માત્ર કાર્બન નકલ છે. સાચું જ્ઞાન નિરીક્ષણ, શ્રવણ, શોધખોળ, પ્રયોગો, ભૂલો અને સાચાં તારણો કાઢતાં શીખવાથી જ મળી શકે છે.

બાળકો સાથે સમય વિતાવો :
આજના જેટયુગમાં બાળકો અત્યંત વ્યસ્ત રહે છે. મા-બાપ બંને કામ કરતાં હોય અને સાંજે ઘરે આવ્યા પછી પણ પોતાના કામમાં વ્યસ્ત બની જતાં હોય તો બાળકને ચોક્કસ એવું લાગે છે કે તમે તેની પરવા કરતાં નથી. બાળકો ઘણું બધું સમજતાં હોય છે. તમારે તેમની શાળા વિષે વાતો કરવી જોઈએ. તેમને માર્ગદર્શન આપવું જોઈએ. તેમના મિત્રોમાં રસ લેવો જોઈએ. તેમની પ્રવૃત્તિ ઉપર ચાંપતી નજર રાખવી જોઈએ. ઘરના બધા જ સભ્યોએ સાથે બેસીને વાતો કરવી જોઈએ. એકબીજાના પ્રશ્નો સમજવા જોઈએ. ટીવીની સ્વીચઑફ કરીને સાથે મળીને આનંદ કરવો જોઈએ. ચર્ચા કરો. બાળકોના અભિપ્રાયો જાણો, તેમને મહત્વના નિર્ણયોમાં સામેલ કરો. જેમ જેમ બાળકોનો અનુભવ વધતો જશે તેમ તેમ તેમનું શબ્દભંડોળ પણ વધતું જશે. તેમનો આત્મવિશ્વાસ પણ વધતો જશે. આત્મવિશ્વાસવાળાં બાળકો વધુ આનંદી દેખાય છે. બાળકોમાં નૈતિક મૂલ્યો આપોઆપ સિંચાય છે. ટીવીની ખરાબ ભાષાથી તેમને બચાવવાં જોઈએ – ખતરનાક અને કુસંસ્કારી પાત્રોની અસર તેમના ચારિત્ર્યને બગાડે છે. વાસ્તવિક જીવન પડદાના જીવનથી અલગ હોય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચાર પેનોની વાત – અભિમન્યુ આચાર્ય
કર્મનો માર્ગ – જ્યોતિ થાનકી Next »   

5 પ્રતિભાવો : બાળકોનો ઉછેર – પ્રો. એચ. એમ. ત્રિવેદી

 1. bal uchher is a dificult task it requere team work and support from femily

 2. જગત દવે says:

  બહુ જ સરસ.

  બાળક ને સારા નરસાની સમજ આપતા જઈએ પણ………. આજે જયારે સારી નરસી માહિતીઓ આધુનિક પ્રચાર-પ્રસાર માધ્યમો દ્વારા ધોધની માફક ઠલવાઈ રહી છે ત્યારે…………બાળક ક્યારે, કયાથી અને શું ગ્રહણ કરશે તે કહી શકાય નહી……..

  સુશિક્ષીત માતા-પિતા અને આદર્શ વાતાવરણમાં ઊછરેલા બાળકોને પણ અમુક સમયે ભટકી જતાં જોયા છે. કયાં કાચું કપાયુ હશે ???તે આજ સુધી નથી સમજાયું.

 3. nayan panchal says:

  ઉપયોગી લેખ છે. અહીં મુંબઈમાં તમને ગલી-ગલીએ Pre-Primary School દેખાશે. ઘણી સંસ્થાઓ Early Child Care Educationના કોર્સીસ ચલાવે છે.

  અમુક સ્કૂલ ઘણી સરસ હોય છે, પરંતુ એવા પણ સેન્ટર્સ જોયા છે જેમને માત્ર પૈસામાં રસ હોય છે. જો આવી શાળામાં તમારા બાળકનો નંબર લાગી ગયો તો પત્યું !! સૌથી શ્રેષ્ઠ છે કે મા-બાપ જ આવા ઉપયોગી લેખ વાંચીને પોતાના બાળકોને Pre-primary શિક્ષણ આપે.

  આભાર,
  નયન

 4. જય પટેલ says:

  બાળકોના ઘડતરમાં ઉપયોગી લેખ.

  આજના ઈ-યુગમાં બાળક પર નિગરાની રાખવી મુશ્કેલ છે.
  જીવનના કાંટાળા પથ પર બાળક કયાંક ભટકી જશે ? માત્ર સમય જ કહી શકે.

  આમ છતાં ઘરમાં અનુકુળ માહોલ-વાતાવરણ ચૌક્કસ રચનાત્મક ભાગ ભજવી શકે.
  બાળક કેવા મિત્રો સાથે હરે-ફરે છે તે પણ તેના કુમળા માનસને અભાન-અવસ્થામાં અસર કરે છે.

  બાળ ઉછેરનો કોઈ ચૌક્કસ માપદંડ નથી.
  માત્ર માતા જ આ ગહન વિષય સમજી શકે….દરેક માતા એક વિશ્વ વિદ્યાલય છે.

 5. Chintan says:

  બાળઉછેર માટેનો ઉત્તમ લેખ. ઘર એ બાળકની પ્રથમ અને ઉત્તમ શાળા બની શકે તે માટે દરેક માતાપિતાએ ધ્યાનમા રાખવા જેવી બાબતો ખુબ સરસ રીતે સમજાવી છે આભાર.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.