રાજમાન રાજેશ્રી શ્રી બાધાપ્રસાદ – ડૉ. નલિની ગણાત્રા

[‘અહં હાસ્યાસ્મિ’ પુસ્તકમાંથી હાસ્યલેખ સાભાર. ડૉ. નલિનીબેન (અમદાવાદ) વ્યવસાયે આયુર્વેદિક ડૉક્ટર છે અને અમદાવાદની આર્યુવેદિક કૉલેજમાં લેકચરર તરીકે ફરજ બજાવી રહ્યા છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે નલિનીબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9428351120. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 041બાધા એટલે ભગવાનને લાંચ-લાલચ આપીને પોતાનું ધાર્યું કરાવી લેવાની સ્કીમ. પ્રાચીનકાળમાં ખાસ કરીને ‘બા’ પોતાનું બાળક સાજુંનરવું રહે એ માટે ઈશ્વર પાસે ‘ધા’ નાંખતી. એટલે એ સ્કીમનું નામ ‘બાધા’ પડ્યું. બાધા એટલે સર્વોચ્ચ સરકાર (ઈશ્વર) સામે એક જાતની હડતાલ. કોઈ તંદુરસ્તીની માંગણી માટે દર ગુરુવારના ઉપવાસ (અઠવાડિક ભૂખહડતાલ) પર ઊતરી જાય. કેટલાંક ભગવાનને રાહત આપવાના દરે ભૂખ હડતાલ કરે જેવી કે, મને જ્યાં સુધી પ્રમોશન નહીં મળે ત્યાં સુધી હું રામફળ નહીં ખાઉં. (રામફળ મ્યુઝિયમમાંય જોવા નથી મળતું !) તો કોઈ વળી એવી બાધા રાખે કે મારો દીકરો દસમામાં પાસ નહીં થાય ત્યાં સુધી ખિસકોલી તરફ એકીટસે જોયા કરીશ ! કેટલાક એવી બાધા રાખે કે મને મસા નહીં મટે ત્યાં સુધી મોળું ખાઈશ અથવા તો મોઢાનાં ચાંદાં નહીં મટે ત્યાં સુધી મરચું જીભેય નહીં અડાડું ! અલ્યા, તું એટલું કરીશ એમાં જ તારા મસા અથવા ચાંદાં મટી જશે. મૂળચંદ બાધાય દવા જેવી લે ! અને પછી કહે કે ભગવાને મટાડ્યું !

ભગવાન તાકો મંજૂર કરે ત્યારે મૂળચંદ કમિશન તરીકે કટપીસ ચડાવે. એય આરતી સમયે એકઠા થયેલા ઈકોતેર ભગતોની હાજરીમાં ! હરિભક્તોને ભગવાનના ટેસ્ટ અંગે શંકા થાય કે ઈશ્વર હવે આવા બુડથલોની ફાઈલમાંય સહી કરતા થઈ ગયા ! એચ્યુઅલી પાકેલી કેરી (મૂળચંદનું કર્મ) ઝાડ પરથી પડવાની તૈયારીમાં જ હોય ત્યારે જ મૂળચંદે બાધા લીધી હોય. અને બાધા ફળે એટલે એને પોતાની ઈશ્વર સાથેની ઓળખાણ (કૃપા)માં ઠેરવે. બાકી આપણે એકાદ વસ્તુનો ત્યાગ કરીએ એમાં ઈશ્વર શું કામ ડીપ્રેસ થાય ? આપણી ઘીની બાધાથી ઘરવાળા ખુશ થઈને એ જ દિવસથી કોરી રોટલી જુદી કાઢવાની ચાલુ કરી દે છે. આપણા ભાગનું ઘી એ લોકો ખાઈને તાજામાજા થાય છે. અને ઈશ્વર શું તને સૂકી રોટલી ખાતો જોઈને દુ:ખી થઈને આપઘાત કરવા દોડશે ? જોકે એકવાર એવું બનેલું કે એક બહેને બાળકને તગડું કરવા ઘીની બાધા લીધી. એમાં તો ખુદ એ બહેનનું શરીર કથળ્યું. બાધામાં બેય બગડ્યાં !

આમ પ્રાચીનકાળમાં બાધા લેનારે જ પીડા ભોગવવી પડતી. સ્વપીડન ક્યાં સુધી ? એવો ઉશ્કેરાટ થતાં કેમ્બ્રિજ યુનિ.ના સ્નાતક શ્રીમતી કરુણાગૌરીએ બાધાને અદ્યતન સ્વરૂપ આપ્યું. એમણે એવી બાધા રાખી કે એમની દીકરી દકુ બાર સાયન્સમાં પાસ થશે તો દકુ પોતે માત્ર શ્વાસ પર સાત શુક્રવાર કરશે. એ તો દકુએ રંગ રાખ્યો કે એ ફેઈલ થઈ. જો પાસ થઈ હોત તો ‘બાધા’માં તો ચોક્કસ ફેઈલ થાત. આ તો ઠીક છે કે બાધામાં શ્વાસ તો લેવાનો હતો, બાકી ‘નિર્જળા’ની જેમ કોઈ મૂળચંદ અમરભાઈ માટે આમ બારોબાર ‘નિશ્વાસ’ની બાધા રાખી દે તો અમરભાઈનેય મરવાનો દા’ડો આવી જાય ને ? મારી બચપન, કિશોર અને યુવાવસ્થાની કુલ મળીને, એકતાલીસની ઉંમરમાં મને બે જ વસ્તુ આકર્ષી શકી છે. એક, રામાયણનું ‘કોપભવન’ અને બીજી કરુણાબહેનની ‘બારોબાર ધા’ નાખવાની બાધા ! આવી બાધા લેવાનું સુગમ પણ પડે છે. બાધાની આ અર્વાચીન આવૃત્તિના આવિષ્કાર પછી તો હું અખંડ રામધૂનની જેમ બાધા ઉપર બાધા રાખ્યા કરું છું….. રાખ્યા જ કરું છું. જેમ કે…. લંકેશભાઈના છૂટાછેડાનો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય ત્યાં સુધી એ કંકોતરીવાળાં લગ્નોમાં જઈ ચાંલ્લો કરશે, પણ જમશે નહીં ! પડોશીના પપલુને પાંચમા ધોરણમાં પચાસ ટકાથી વધુ માર્ક્સ આવશે તો પપલુ એના પરિવાર સાથે પગપાળા પાવાગઢ જશે ! શૅરબજારિયો શિરીષ સોમવારની શૅર કૉલમ નહીં વાંચે ! આમ આ બધી બાધામાં આપણને પીડા નહીં. બાકી પહેલાં તો આપણે જ ભોગવવું પડતું, એટલે હું તો બહુ સાનુકૂળ બાધાઓ જ રાખતી, જેમ કે સળંગ સત્તર દિવસ સુધી સ્નાન કર્યા બાદ મારા જ ટુવાલથી ડિલ લૂછીશ. મારા માટે આ બાધામાં કોઈ ટ્રબલ નહોતી. બાકી કેટલાકને બીજાનો ટુવાલ વધુ સ્વચ્છ અને સુગંધીદાર લાગતો હોય છે ! અને એવું હોય છે પણ ખરું. એમને મારાવાળી બાધા આકરી પડે !

બાધામાંય લોકો જાતજાતના નુસખા કરતા હોય છે. ડુંગળીની બાધા રાખે પણ એમાં પીત્ઝા, પાંઉભાજી કે ભેળમાં ડુંગળી ખવાય ! માત્ર ડુંગળીનો ગાંગડો ભચડ ભચડ નહીં ચાવવાનો ! એક કાકાએ ભત્રીજાની સગાઈ થાય એ માટે દૂધની બાધા રાખી, પણ ભત્રીજો તો એકતાલીસ વરસ સુધી અણનમ રહ્યો ! એટલે કંટાળીને કાકાએ ભત્રીજાને ‘શઠ’ જાહેર કર્યો અને બાધા ફોડી નાખી ! (ફોક કરી નાખી.) આવું ચાલતું હશે ? બાધામાં તો શ્રદ્ધા અને સબૂરી (ધીરજ) જોઈએ. બાધાનું તો આત્માના અવતાર જેવું ! ખોળિયામાંથી નીકળી ચૂકેલો આત્મા બીજા ખોળિયામાં તુરત જ અવતાર લે, બે દિવસે કે બાવીસ દિવસેય લે અને નાય લે…. તો મોક્ષ સમજવો. એમ કોઈ બાધા ‘પ્રાણ જાય પણ પૂરી ન થાય’ એવુંય બને. કેટલાક તો બાધા માટે ભગવાન બદલે ! શિરડીના શ્રી સાંઈબાબાના પાંચ ગુરુવારથી પરિણામ ન મળે તો સંતોષીમાતાના સાત શુક્રવારની માનતા રાખે. એમાં મેળ ન પડે તો શાંતિનાથ મહાદેવના સોળ સોમવાર જાહેર કરી દે. અને પાછા ભગવાન નાનું ભૂલકું હોય એમ ફોસલાવે. શૅરમાં ધીકતો નફો થશે તો બે ટકા તારા ! અલા, જેણે સૃષ્ટિ રચી છે એ તારા બે ટકાની શું આંસુના તોરણે રાહ જોઈ રહ્યો હશે ?

બાધા રાખનાર લોકો બાળક જેવા બુદ્ધુ અને જિદ્દી હોય છે. ચોકલેટ નહીં આપે તો સ્કૂલે નહીં જાઉં. અલા, ભણીશ નહીં તો તારે જ ભીખ માંગવાનો વારો આવશે. યાદ રાખો કે માત્ર નિર્જળા કે નિ:શ્વાસ ઉપવાસની બાધાથી જ ઈશ્વર ગભરાય છે કે આ માંગણ ઊકલીને ઉપર આવી જશે તો વધારે ઉપાધિ કરશે એટલે જ એની ઈચ્છા જલદી પૂરી કરે છે. બાકી તું ઉનાળામાં ચપ્પલ ન પહેરે અને ઉપરથી પ્યોર પોલીએસ્ટર પહેરવાની બાધા રાખે તોય ઈશ્વરને કેટલા ટકા ? તારો ટીનીયો ત્રણ વાર ચોકલેટ માંગે ત્યાં સુધી તું માંડ સહન કરે. ચોથીવાર ચોકલેટ માંગે તો થપ્પડ ઝીંકી દે છે અને ભગવાનની પાસે આખી જિંદગી માંગ માંગ જ કરવાનું ? એક આધુનિક સતીએ એનો વર સુધર્યો નહીં તો તેણે વટસાવિત્રી વ્રત કરવાનું અધવચ્ચેથી જ અટકાવી દીધું ! અલી, ઈશ્વર કાંઈ અખબાર છે કે ડોલ, ટબ, સાબુ, શેમ્પુ, ઈન્સ્ટન્સ મિક્સ ન આપે તો અખબાર બંધ કરી દેવાનું !

એક ઈન્ટેલીજન્ટ સ્ત્રી આખ્ખા ઈન્ડિયાનો પ્રવાસ થઈ જાય એ માટે અંબાજી, વીરપુર, બદ્રી-કેદારનાથ, તિરુપતિ, વૈષ્ણોદેવી જેવી જગ્યાઓએ જવાની બાધા રાખે. બાધાનું નામ પડે એટલે બાઘડો (પતિ) બીવે. આમ બાધાને નામે બત્રીસ ગામની જાત્રા કરી આવે. હવે, બોલો…..બોલો….. સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ ? કેટલાંક વળી ધાબા જેવડી બાધા રાખતા હોય છે – વિશ્વપ્રવાસનો જોગ નહીં થાય ત્યાં સુધી ઉંબરાની બહાર પગ નહીં મૂકું ! મૂળચંદ, વિશ્વશાંતિ માટે તારે આવી જ બાધા લેવાની જરૂર હતી !

ત્રણ દીકરાવાળાની દુર્દશા, અવદશા, માઠી દશા જોયા પછીયે કેટલાક અકોણા લોકો દીકરા માટે બાધા રાખે અને પછી બાધાનો દીધેલો દીકરો આવે એટલે એનું નામ ‘ભીખલો’ પાડે. અને એ ‘ભીખલો’ ટપોરી મોટો થઈને મા-બાપને હાલરડું સંભળાવે – ‘તમે લોહીના પીધેલ છો. તમે સાવ માથાના ફરેલ છો, આવ્યા છો તો ખૂણામાં પડ્યા રહો !’ એટલેસ્તો કહેવાયું છે, ‘સહજ મિલા સો દૂધ બરાબર, માંગ લિયા સો પાની !’ એક ભાઈએ એના બોસને સ્મૃતિભ્રંશ થાય એ માટે ગોટલાની બાધા રાખેલી. અને આખો ઉનાળો બિચારાએ કેરીના ગોટલા પોતે ન ખાઈને ગાયને જ ખવડાવી દીધા. સાસુની જીભને લકવો થાય તો આજીવન કડવો લીમડો જીભે નહીં અડાડું એવી બાધા, રાધા વહુએ રાખેલી. કોઈનું ખરાબ કરવાની બાધા રાખો તો ઈશ્વર રૂઠે અને બાધા અવળી પડે. બોસની સ્મૃતિ અને સાસુની જીભ પાવરફુલ બનાવી દે ! બાધા રાખવી હોય તો એવી રખાય કે જ્યાં સુધી વળતર કરતાં સવાયું કામ નહીં આપી શકું ત્યાં સુધી પગાર લઈશ નહીં ! કોઈકની નિંદા થઈ જશે તો એ દિવસે ઉપવાસ કરીશ. ભારતમાંથી ભ્રષ્ટાચાર દૂર નહિ થાય ત્યાં સુધી સાચા સાધુ જેવું સાદું જીવન જીવીશ કે ગુજરાતની ગરીબી દૂર નહીં થાય ત્યાં સુધી ગરબા હરીફાઈમાં ભાગ નહીં લઉં !

મને તો બાધાનું વ્યસન થઈ ગયું છે. એક પૂરી થાય ને બીજી શરૂ થાય. બીડી છૂટે પણ બાધા ન છૂટે ! મેં તો મારી બાધા રાખવાની હોય કે બીજા માટે, ગમે તે કામ માટે હોય પણ બાધા ખોરા ટોપરાની જ રાખવાની. છેલ્લાં સત્તાવીશ વર્ષથી હું ખોરું ટોપરું ખાઈ શકી નથી ! બાધા કોને કહે ! જોકે બાધા રાખવાનો ફાયદો એ છે કે બાધા રાખ્યા પછી એ પૂરી થવાની રાહમાં સમય સરસ રીતે પસાર થાય. ‘જો મજા ઈંતેજાર મેં હૈ વો પાને મેં કહાં ?’
‘જીવતરનો આ રસ્તો ભગવાન
નહીં તો ખૂટશે કેમ ?
અમે રાખીશું બાધા,
તમે કરજો કરવું હોય એમ !’

[કુલ પાન : 116. કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર, દેરાસર સામે, ગાંધીરોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22132921.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અર્વાચીન અગસ્ત્ય – ભરત ના. ભટ્ટ
આપણું તો એવું – રમણીક સોમેશ્વર Next »   

18 પ્રતિભાવો : રાજમાન રાજેશ્રી શ્રી બાધાપ્રસાદ – ડૉ. નલિની ગણાત્રા

 1. Manisha says:

  Ha Ha Ha.. good one.. Naliniben.. Mazzaa padi.. …

 2. Vipul Panchal says:

  🙂 🙂 :-):-)

  Really So Funny Article.

 3. Balkrishna A. Shah says:

  સાહિત્યમાં હાસ્યનો પ્રકાર જરા અઘરો છે. લેખ વાંચતા જઈઍ અને મનમાં હાસ્યના ફુવારા ઉડે તો લેખક સફળ કહેવાય.
  ડો. નલિની બહેને આ પ્રકાર ઊપર હાથ અજમાવ્યો છે. અભિનંદન. તેઓ કેટલાં સફળ થયાં છે તે વાંચકો નક્કી કરશે.

 4. કેતન રૈયાણી says:

  ખરેખર બહુ મજા આવી…”મૂળચંદ” પાત્રને બહુ સરસ ઘડ્યું છે.

  “હરિભક્તોને ભગવાનના ટેસ્ટ અંગે શંકા થાય કે ઈશ્વર હવે આવા બુડથલોની ફાઈલમાંય સહી કરતા થઈ ગયા…”

  અને છેલ્લે-છેલ્લે સુરેશ દલાલના કાવ્યની સુંદર પૅરોડી (પ્રતિકાવ્ય) કરી છે. મૂળ પંક્તિઓ કંઇક આમ છેઃ

  “રાત દિવસનો રસ્તો વાલમ ખૂટે નહિ તો કેમ?
  તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ”

  જ્યારે અહીયા કંઇક આમ લખાયું છેઃ

  “જીવતરનો આ રસ્તો ભગવાન નહીં તો ખૂટશે કેમ ?
  અમે રાખીશું બાધા, તમે કરજો કરવું હોય એમ !”

  • tejas says:

   કેતન ભા ઈ
   પેરોડી સુરેશ દલ્લલ ના કાવ્ય પન્કતી ની નથી આ પન્કતિ આપણા એકમેવ્દ્વિતિયમ રપા ની છે

 5. nayan panchal says:

  બહુ જ સરસ લેખ છે, મજા આવી ગઈ.

  જે લોકોને નાની નાની વાતોમાં ભગવાનને પરેશાન કરવાની આદત છે, તેમણે ખાસ વાંચવો જોઈએ.

  મારે એવી બાધા લેવી છે કે મને કેવી બાધા લેવી તે વિશે ભગવાન સદબુધ્ધિ આપે. ગયા વર્ષે લાલબાગચા રાજાની દાનપેટીમાં નીચે મુજબની ચિઠ્ઠીઓ નીકળી હતી.

  ૧. મારા લગ્ન કરોડપતિ પિતાની એક ની એક દીકરી જોડે થાય.
  ૨. મને બિઝનેસમાં અમુક ફાયદો થાય તો આટલા % કમિશન તમને ચડાવીશ.
  ૩. હું બહુ મોટો ફિલ્મસ્ટાર બની જઈશ તો તમારુ એક મંદિર બનાવીશ.

  અને આ વાંચો,
  મારી બાધા ફળી ગઈ છે. હું હમણા બહુ વ્યસ્ત હોવાથી ૧૪-૧૫ કલાક લાઈનમાં ઉભા રહેવાનો ટાઈમ નથી તેથી મારા મિત્રને લાઈનમાં ઉભો રાખેલ છે તે મંજૂર કરશો.

  આભાર,
  નયન

 6. જય પટેલ says:

  બા ઈશ્વર પાસે ધા નાખે તે સ્કીમનું નામ એટલે બાધા…..રહસ્યોઘાટન જાણી મજા પડી.

  બાધા એટલે પોતાની જ નિર્બળતાઓનો એકરાર…..અથવા મુંગેરીલાલના હસીન સપનાઓ.

  ઈશ્વરનો કોઈ ઈશ્વર હોય તો
  ઈશ્વર બાધા રાખે કે મારા ભક્તોની જંજાળમાંથી છુટીશ તો……!!!!

 7. tejas says:

  અફલાતુન લેખ નલિનિ બહેન હાસ્ય મા તમારી કલમે કટાક્ષ પ્રથમ વખત અનુભવ્યો અને તેય આટ્લો તેજ તર્રાર્
  પણ એક વાત તરફ ધ્યાન દોરીશ નલિનિ બહેન કે રામ્ફળ પ્રાપ્ય છે અને સુલભ પણ્
  પણ લેખ બાબતે કોઇ રાવ નથી.
  એક્દમ આફલાતુન્

 8. shivani bhatt says:

  Its nice,for every one who commited a badha

 9. Veena Dave. USA says:

  ખુબ સરસ હાસ્ય લેખ.
  કોમેન્ટ્સ પણ મઝાની

 10. Ramesh Desai USA says:

  ખુબ સરસ બાધાએ ખુબ હસાયા. બાધા રાખવી એ પણ કળા જ છે ને ! આભાર.

 11. yogesh says:

  મે પણ બાધા લીધી ચ્હે કે નલિનિ બેન ના બધા લેખ નિયમિત વાન્ચિશ્.

 12. હરીશ આર.ત્રિવેદી રાધિકા અચે.ત્રિવેદી says:

  નલિની ભગીની ભવત્‍યાઃ સુન્‍દરમૂ હાસ્‍ય લેખમૂ રચિતવતિ
  અહં પ્રસન્‍નમ અભવત.

 13. Ashish Dave says:

  As usual you have done a very good job Nalinibahen…

  Ashish Dave
  Sunnyvale, California

 14. Vraj Dave says:

  અતિશુંદર અતિશુંદર વાહ હસાવ્યા સું ખડખડાટ હસાવ્યા. બસ હસતા રહો હસાવતા રહે.
  આભાર. હાં શ્રીમ્રગેશભાઇ લેખો આપવા બદલ આપનો તો દરેક વખતે ખુબખુબ આભાર હોય જ છે.રીડગુજરાતી થકી તો અમો દરેક એક બીજા ના સંપર્કમાં છીએ.
  વ્રજ દવે

 15. ankur barvaliya says:

  કેટલાક તો બાધા માટે ભગવાન બદલે ! શિરડીના શ્રી સાંઈબાબાના પાંચ ગુરુવારથી પરિણામ ન મળે તો સંતોષીમાતાના સાત શુક્રવારની માનતા રાખે. એમાં મેળ ન પડે તો શાંતિનાથ મહાદેવના સોળ સોમવાર જાહેર કરી દે. …આ વાચિને ખુબ હસવુ આવ્યુ…! ૧૦ માથિ ૧૦ ગુણ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.