આખરી નિર્ણય – સંજય ચૌહાણ

[ ટૂંકીવાર્તાના તાજેતરમાં પ્રકાશિત થયેલા શ્રી સંજયભાઈ ચૌહાણના પુસ્તક ‘એના શહેરની એકલતા’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 042આરતી ઊઠી. ઘડિયાળમાં જોયું તો સાત વાગી ગયા હતા. રાત્રે વિચારોમાં ને વિચારોમાં એ મોડે સુધી જાગી હતી. આમ તો મમ્મી વહેલી ઉઠાડી દેતી, પણ આજે કેમ ન ઉઠાડી ? આરતી વિચારોમાં પડી. રસોડામાં વાસણ ખખડવાનો અવાજ આવ્યો. મમ્મી ચા બનાવતી હશે. ટી.વી. બંધ હતું. આવું આજે પહેલી વાર જ બન્યું. નહિ તો સવારમાં જ મોટા અવાજે ટી.વી. ચાલુ હોય.

આરતીએ મોં પર હાથ ફેરવીને પપ્પાની છબી તરફ જોયું. પપ્પા ધીમા અને ગંભીર અવાજે કંઈક કહેતા હોય તેવું લાગ્યું. એ થોડી વાર ઊભી રહી. પછી બહાર આવી. પગમાં ખાલી ચડી એટલે દરવાજામાં ઊભી રહી ગઈ. બધું જોવા લાગી. પૂર્વી ચોપડી વાંચતી હતી. બહાર શિરીષનાં પર્ણોનો કર્કશ અવાજ થતો હતો. આરતીને બહાર આવેલી જોઈ પૂર્વીએ ચોપડી મૂકી દીધી. આરતી સામે જોવા લાગી. આમ તો સવારમાં એ ટી.વી. જોતી હોય, પણ આજે કેમ આમ ? ગઈકાલવાળી ઘટનાની તો અસર નહીં થઈ હોય ? – આરતીને પ્રશ્ન થયો.

ગઈકાલે જ મમ્મી, પૂર્વી અને આરતી ત્રણેય પપ્પાના દયા ફાઉન્ડેશન પર ગયાં હતાં. પપ્પાના મરણ પછી ત્યાંની સ્થિતિ જોઈ આરતી દ્રવી ઊઠી હતી. ત્યાં ફાઉન્ડેશનમાં જ પપ્પાનું નાનું દવાખાનું હતું. જેના આધારે પપ્પા ગામડાનાં માંદાં લોકોની સેવા કરતા હતા. ફાઉન્ડેશનમાં અપંગ બાળકો માટે સ્કૂલ અને રહેવા માટે હૉસ્ટેલ હતી. ફાઉન્ડેશન પપ્પાએ જ ઊભું કર્યું હતું ને બધી જવાબદારી પપ્પા જ સંભાળતા હતા. અપંગ બાળકો માટે કંઈક કરી છૂટવાનું સ્વપ્ન પપ્પાની ઘણી મહેનત પછી પૂરું થયું હતું. પપ્પા અપંગ બાળકો સાથેની દુનિયામાં ખુશ હતા. અપંગ બાળકોની નાનામાં નાની જરૂરિયાતનું તેઓ ચીવટથી ધ્યાન રાખતા. પપ્પાએ બાળકોના સુખે સુખી ને દુ:ખે દુ:ખી રહેતા. એમ તો આરતી, પૂર્વી પર તો એમના ચારેય હાથ રહેતા. પુત્ર ન હતો, પણ એ વાતનો વસવસો પપ્પા એ ક્યારેય નહોતો કર્યો. કારણ એટલું જ કે એમની સંસ્થાનાં બધાં બાળકોને એ પોતાના પુત્રો જ માનતા હતા. પપ્પાના મરણ પછી સંસ્થાની બધી જવાબદારી એમના મિત્ર જયંતભાઈએ સંભાળી લીધી. પણ પપ્પા જેવો ઉત્સાહ તેમનામાં ન હતો. એટલે બાળકો પહેલાં જેવાં ખુશ નહોતાં લાગતાં.

‘આરતી, કેમ ઊભી રહી છે ? તૈયાર થઈ જા, બેટા…..’ મમ્મીએ ચા બનાવતાં જ કહ્યું. આરતીએ મમ્મી સામે જોયું. કંઈક કહેવાનું મન થયું. પણ પગની ખાલી છેક મોં સુધી ચડી હોય તેવું લાગતાં કંઈ પણ કહ્યા વિના બાથરૂમ તરફ ચાલી ગઈ. બ્રશ કરી ઉતાવળે નાહી લીધું. કપડાં પહેરી વાળ લૂછતી એ બહાર આવી. પોતાના શરીરની માદક ગંધ એને સ્પર્શી, ત્યાં જ એની નજર મમ્મી પર પડી. મમ્મી નયનનો પત્ર વાંચી રહી હતી.

ગઈકાલે જ નયનનો પત્ર આવેલો. ગામડેથી આવતાં જ પત્ર જોઈ આરતી ખુશ થઈ ગઈ હતી. હરખપદુડી થઈ તરત જ વાંચતા બેઠેલી. પત્રમાં ટૂંકમાં લખ્યું હતું :
‘પ્રિય આરતી,
હવે હું વધુ સમય તારી રાહ જોઈ શકું તેમ નથી. દિવસે-દિવસે કામ વધવા લાગ્યું છે. તારી જરૂર છે અને આમેય હવે કેટલા દિવસ ત્યાં રહેવાનું ? હું તારા કોઈ વિચાર સાથે સહમત થવા માગતો નથી. જો તું મારા વિચારો સાથે સહમત થવા માગતી હોય તો આ પત્ર મળે કે બીજા દિવસે મારે ત્યાં આવી જા. તું નહીં આવે તો હું ડિવોર્સ પેપર મોકલી દઈશ. સહી કરી પરત મોકલી દેજે.
મમ્મી અને પૂર્વીને મારી યાદ.
એ જ, લિ. નયન.

કોઈ પણ જાતની લાક્ષણિકતા વિનાનો પત્ર વાંચી આરતીનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. મમ્મી પણ વાંચીને ડઘાઈ ગઈ હતી. કપાળમાં બે ઊભી કરચલીઓ પાડતાં કહ્યું હતું, ‘આરતી, તારે હવે જવું જોઈએ. નયનને તારી જરૂર છે….’ આરતીએ કશો પ્રત્યુત્તર નહોતો આપ્યો. માથાના વાળ પર રૂમાલ વીંટાળીને આરતી મમ્મી પાસે આવી. બોલ્યા વિના પત્ર લઈ લીધો. મમ્મી ઘણું બધું કહેવા માગતી હતી. એના હોઠ ફફડ્યા, પણ એ કંઈ જ ન બોલી. હવામાં તોળાયેલ હાથે ઊભી રહી.
‘મમ્મી, એક કપ ચા તૈયાર કર.’ આરતીએ કહ્યું. આમ તો રોજ આરતી જ તૈયાર કરતી.
સ્વસ્થ થઈ મમ્મીએ પૂછ્યું, ‘કેટલા વાગે જવું છે ?’
‘સાડા આઠે…..’
‘રાત્રે બધી તૈયારી કરી લીધી ?’
‘હા…..’
‘તો નયનને ફોન કરી દે……’
‘શા માટે ?’
‘આવીને લઈ જશે…..’
‘નથી કરવો ફોન.’
‘કેમ ?’
‘સરપ્રાઈઝ…….મમ્મી, સરપ્રાઈઝ……’ પૂર્વી કહેતાં જ હસી પડી. મમ્મી પણ હળવું હસી. મમ્મી, હું જાણું છું નયન વિશે આ તારું બાહ્ય પાસું છે. તું મારા સુખનું વિચારે છે. એટલે હૃદય પર પથ્થર મૂકીને તું બોલી રહી છે. શબ્દો હોઠે આવી ગયા પણ આરતી કશું જ ન કહી શકી. બધું મનમાં દબાવી ચૂપચાપ પત્ર લઈ રૂમમાં આવી. તિજોરી ખોલી પત્ર મૂકવા ડાયરી કાઢી. ત્યાં તો ડાયરીમાંથી એક બીજો પત્ર નીકળી પડ્યો. આરતીએ તે પત્ર હાથમાં લીધો. એ નયનનો પ્રથમ પત્ર હતો. તે વખતનો સમય આરતીની આંખમાં તરવરવા લાગ્યો.

ત્યારે આરતી એમ.બી.બી.એસના છેલ્લા વર્ષમાં હતી. પપ્પાએ તેની સગાઈ નયન સાથે નક્કી કરી હતી. નયન ભણવામાં હોશિયાર હતો. નયનના સ્વર્ગસ્થ પિતાજી પપ્પાના મિત્ર હતા. નયન તેની બા સાથે સામાન્ય લોકોની વચ્ચે રહેતો હતો. પપ્પાએ નયનને તેના પિતાજીની જૂની મિત્રતાને કારણે એમ.બી.બી.એસ. સુધી ભણવામાં સહાય કરી હતી. સગાઈ વખતે આરતીને કહેતી વખતે પપ્પાએ ઉમેર્યું હતું, ‘નયને ગરીબી જોઈ છે. કદાચ એટલે એ ફાઉન્ડેશનના વિકાસ માટે તને સહકાર આપશે.’ આરતીએ પપ્પાની પસંદને હા પાડી હતી. નયનની ગરીબી, એની સાદગી, એના સ્વભાવની ઋજુતા પ્રત્યે આરતીની પહેલેથી લાગણીભરી નજર હતી. તેની સાથે અભ્યાસ કરતાં-કરતાં ચાહવા લાગી હતી ને નયન સાથે ભરપૂર જીવન જીવવાનાં સ્વપ્નો જોવા લાગી હતી. પપ્પાએ સગાઈની વાત કરી ત્યારે તે ઝૂમી ઊઠી હતી ને બીજે જ દિવસે આરતીએ એની સહેલી સાથે પત્ર મોકલ્યો હતો. સામેથી સહેલી નયનનો પત્ર લાવી હતી.

‘આરતી બેટા….. ચા તૈયાર થઈ ગઈ. ચા પી લે…..’ મમ્મીની બૂમ. આરતીના હાથમાંથી પત્ર પડી ગયો. ઝડપથી પત્ર ઉઠાવી ડાયરીમાં મૂક્યો. કબાટ બંધ કરી દીધું. વાળ પરથી રૂમાલ હટાવી કાંસકા વડે વાળ ઓળતી-ઓળતી એ બહાર આવી. કાંસકો વાળમાં જ ભરાવી રાખી ડાઈનિંગ ટેબલ પર બેઠી. મમ્મીનો ચહેરો રોજ જેમ ખીલેલો નહતો. પૂર્વી પણ શાંતિથી ચા પીતી હતી.
‘પૂર્વી, નાસ્તો નહીં કરે ?’ આરતીએ પૂછ્યું.
આમ તો ઘણી વખત પૂર્વી નાસ્તા માટે રિસાતી, પણ આજે એ રિસાઈ ન હતી. પૂર્વી રડમસ થતાં બોલી, ‘ના, તું ખાઈ લે…. કાલથી બધો નાસ્તો હું જ ખાઈ લઈશ…..’ મમ્મીથી હળવું સ્મિત વેરાઈ ગયું, પણ આરતી ગમગીન થઈ ગઈ. એ જાણતી હતી કે પૂર્વી પોતાનાથી છૂટી પડવા નહોતી માગતી.
‘પૂર્વી, તું નાસ્તો લે તો જ હું લઈશ……’ આરતીએ ચાનો કપ નીચે મૂકી હઠ પકડી ને થોડી વાર એમ ને એમ બેસી રહી. આરતીની જીદ સામે પૂર્વીને ઝૂકવું પડ્યું ને એ નાસ્તો કરવા લાગી.

પણ પછી આરતીનું મન નાસ્તામાં રહ્યું જ નહીં. તે ઉતાવળે નાસ્તો કરી રૂમમાં આવી. ખાલી બૅગ લઈ બધી વસ્તુઓ ભરવા લાગી. મમ્મી મદદ કરતાં કહેવા લાગી, ‘મને ખબર હતી તેં રાત્રે કોઈ જ તૈયારી નહોતી કરી.’ પૂર્વીએ પણ બધું યાદ કરાવ્યું. બૅગ ભરાઈ ગયા પછી આરતી થાકી ગઈ હોય તેમ ખુરશીમાં બેસી ગઈ. માથું ગૂંથ્યું. સાથેસાથે અકથ્ય વેદના ગૂંથાઈ વળી. એ રૂમમાં બધું જોવા લાગી. એ એમ.બી.બી.એસ.માં દાખલ થઈ ત્યારે પપ્પાએ આ ઘર લીધું હતું. પપ્પાની ઈચ્છા હતી કે આરતી અને પૂર્વી શહેરમાં રહી સારો અભ્યાસ કરે. એટલે મમ્મીને પણ સાથે મોકલી હતી. પોતે ગામડામાં જ રહ્યા હતા. એમની તો માયા જ અપંગ બાળકો અને ગામડાના લોકોમાં વણાઈ ગઈ હતી. જતાં-જતાં કહેતા ગયેલા, ‘આરતી બેટા ! સારો અભ્યાસ કર. ડૉક્ટર થા. મારા માટે તો તું જ મારો દીકરો છે….. તારે મારા ફાઉન્ડેશન માટે તૈયાર થવાનું છે. મારું સ્વપ્ન અપંગ બાળકોને ભણાવી સારું જીવન શિખવાડવાનું છે. તું હેલ્પ કરીશ ને ?……..’
‘હા પપ્પા, ચોક્કસ ! તમે બેફિકર રહો……’ આરતીએ મક્કમ અવાજે કહ્યું હતું. આરતીએ આંખો મીંચી દીધી. પપ્પાની યાદથી દુ:ખ થયું. તે કપાળ પંપાળવા લાગી.

મમ્મીએ આવી કપાળ પર હાથ મૂક્યો, ‘કંટાળી છો ? એમ કર, સાંજે નીકળ કે પછી કાલે જ નીકળજે….. નયનને ફોન કરી દે કે કાલે આવીશ….’
આરતીએ મમ્મીનો હાથ હટાવ્યો, ‘ના, મમ્મી, અત્યારે જ જઈશ. આ તો થોડો થાક લાગ્યો હતો એટલે….’ આરતી ઊભી થઈ. પૂર્વી અપલક નયને જોઈ રહી. પૂર્વીના નિર્દોષ ચહેરા સામે જોઈ આરતીને દયા આવી. પણ કંઈ બોલી શકી નહીં. બૅગ બંધ કરવા લાગી. એને થયું, જિંદગી પણ કેવા વળાંક લે છે ! બધું બંધ કરી જ્યાં કલ્પ્યું પણ ન હોય ત્યાં ચાલ્યાં જવાનું ?
‘આ તસવીર હું રાખું ?’ પૂર્વી નયનની તસવીર લઈ આવી. તસવીર નયનના દવાખાનાના ઉદ્દઘાટન વખતની હતી. નયન સાથે લગ્ન કર્યાના થોડા જ દિવસ પછી નયને નવું દવાખાનું ખોલ્યું હતું. એ વખતે આરતીએ નયનને સમજાવેલો, ‘નયન, આ તું યોગ્ય નથી કરતો. પપ્પાનું આખું ફાઉન્ડેશન છે. પૈસો જ જીવન નથી. એમ કર, આપણે બન્ને પપ્પા સાથે ગામડામાં રહીને લોકોની સેવા કરીએ ને એમનું કાર્ય આગળ ધપાવીએ…..’

નયને આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું, ‘આરતી, આજ સુધી હું સમસ્યાઓમાં જ જીવ્યો છું. એટલે હવે સમસ્યાઓમાં જીવવું નથી….’
‘નયન, તારે પપ્પાના કાર્યને આગળ ધપાવવા ત્યાં આવવું જ પડશે….’
‘હું ત્યાં કોઈ જ હિસાબે નહીં આવું ને ત્યાં આવવા પપ્પા સાથે બંધાયો પણ નથી.’ નયને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું. સાંભળતાં જ આરતીને કાનમાં ઈન્જેકશન ખોસાયાં હોય તેવું થયું હતું. પપ્પાનો વિશ્વાસ તૂટી ગયો હતો.
‘આરતી, આ તસવીર હું રાખું છું…..’ પૂર્વીએ ફરી પૂછ્યું.
આરતી વિચારમાંથી ઝબકતાં થોથવાતી જીભે બોલી, ‘ભલે, રાખ…..’
નયનના વિચારોથી એનું મન ભારે થઈ ગયું……… પણ નયન સાથે જીવવાનાં સ્વપ્ન યાદ કરવા લાગી ને હળવી થઈ ગઈ.
‘ચાલ, મમ્મી, હું નીકળું….’ કહી એ ઊભી થઈ. પૂર્વી ઉદાસ ચહેરે ઊભી રહી. આરતીએ પપ્પાની તસવીર સામે જોયું. તસવીર પરનો સુખડનો હાર હવામાં ઝૂલતો હતો.

નયને દવાખાનું શરૂ કર્યું ત્યારથી પપ્પા ગંભીર ચહેરે ફરતા હતા. એક વર્ષ પછી પપ્પાને ઍટેક આવી ગયો. શરીર ખૂબ ભારે હતું. એટલે તકલીફ તો હતી જ. પહેલા જ ઍટેકમાં પપ્પાનું મૃત્યુ થયું હતું. તે વખતે નયને ખાસ્સો વિકાસ કરી દીધો હતો. એક મોટો ફ્લૅટને ગાડી પણ ખરીદ્યાં હતાં. નવા ફલૅટમાં આરતીને લેવા જ આવવાનો હતો, પણ પપ્પાનું મૃત્યુ થતાં એ લેવા આવી ન શક્યો. થોડા દિવસો પછી નયને સ્પષ્ટ જણાવી દીધું હતું, ‘આરતી, હું મારું દવાખાનું બંધ કરી ગામડામાં નહીં આવું.’ ભગવાને હવે મને બધું જ આપ્યું છે. હું ફરીથી સમસ્યાઓમાં પડવા નથી માગતો ને તું મારી પત્ની છે એટલે તારે પણ મારી સાથે જ રહેવું પડશે.’

પપ્પાના મૃત્યુના આઘાત સાથે આરતીને આ બીજો આઘાત લાગ્યો હતો.
‘બેટા, તારું ધ્યાન રાખજે…. ફોન કરતી રહેજે…. મળતી રહેજે. બીજી કાંઈ ચિંતા ન કરતી.’ મમ્મીએ કહ્યું.
પૂર્વી પણ કહેવા લાગી, ‘જીજાજીને મારી યાદ આપજે. એ અહીં આવે ત્યારે જ એમની વાત છે ને ! બહુ જ લડીશ કે મારી બેનને ડિવોર્સની ધમકી કેમ આપતા હતા ?’ આરતીએ હળવું સ્મિત કર્યું ને પૂર્વીના માથા પર હાથ મૂક્યો. ઘરને છેલ્લી નજરમાં ભરી લેતી હોય એમ એ જોવા લાગી. દરવાજામાં મધર ટેરેસાની છબી એની નજરે ચઢી. નીચે લખ્યું હતું : ‘દયા ફાઉન્ડેશન.’
વાંચતાં જ આરતીના મનમાં આખું ફાઉન્ડેશન ચકરાવો લેવા લાગ્યું. ગઈકાલનો આખો દિવસ એની આંખોમાં છવાઈ ગયો. ગઈકાલે પપ્પાની યાદમાં ફાઉન્ડેશનના હૉલમાં સભા ભરાઈ હતી. મમ્મી અને પૂર્વી સાથે પોતે પણ ત્યાં હાજર હતી. અપંગ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગામના લોકો પપ્પા અને તેમના સેવાભાવી સ્વભાવને યાદ કરી રડી પડ્યા હતા. ઘરે આવવા નીકળ્યાં ત્યારે બધા વિદ્યાર્થીઓ તેમને વીંટળાઈને કહેવા લાગ્યા હતા, ‘બેન, તમે અહીં આવી જાવ ને….. સાહેબ જેવું કોઈ અમને સાચવતું નથી. તમે નહીં આવો તો અમે ભણવાનું છોડી દઈશું.’ ગામના લોકો પણ હાથ જોડી ઊભા રહ્યા હતા. મમ્મી અને પૂર્વી ગંભીર થઈ વિચારમાં ખોવાઈ ગયાં હતાં. રડતાં બાળકોને જોઈ આરતી રડી પડી હતી ને એની નજર પપ્પાના દવાખાનામાં અટવાઈ ગઈ હતી.

આરતીના મનમાં બધું ઉપર-તળે થવા લાગ્યું. એ મનોમન બબડી કે ભગવાન, આમાં મારે શું કરવું ? એક બાજુ નયન સાથે જોયેલાં સ્વપ્નો ને બીજી બાજુ પપ્પાનું અધૂરું સ્વપ્ન. આમાં પોતે શું કરવું ? અસંખ્ય પ્રશ્નો મનમાં ઘુમરાવા લાગ્યા. શરીર ભારેખમ થઈ ગયું ને એકદમ મધર ટેરેસાની આંખો પર એની નજર સ્થિર થઈ ગઈ. એણે એક ઊંડો શ્વાસ લીધો. છાતીમાં થોડી વાર રોકી રાખ્યો. એને થયું એક સ્ત્રી પોતાની બધી લાગણીઓ, ઘર, સંબંધો, દેશ છોડી દૂર પરાયા દેશમાં ચાલી આવીને હું ? આરતીની આંખ મીંચાઈ ગઈ ને ખૂલી ગઈ. પછી એકદમ શ્વાસ છોડી દીધો. સાથે-સાથે પગ પણ છૂટા થઈ ગયા.
આરતીએ મમ્મીના હાથમાંથી બૅગ લીધી.
‘બેટા, રિક્ષા કરી લે…..’ મમ્મીએ ભીના અવાજે કહ્યું. પૂર્વીની આંખ પણ ભીની થઈ ગઈ. આરતીએ સ્વસ્થતા સાથે જવાબ આપ્યો, ‘ના, મમ્મી, હું ચાલતી જ જઈશ. ચાલવાની પણ ટેવ પાડવી પડશે ને !’

મમ્મી અનિમેષ આંખે જોઈ રહી. આરતી મમ્મીને ભેટી પડી. તેની આંખો ભીની થઈ ગઈ. પૂર્વી રડી પડી. આરતીએ એના માથા પર હાથ મૂક્યો.
‘મમ્મી…. હું ગામડે જાઉં છું. નયનને ફોન કરી દેજે કે ડિવોર્સ પેપર મોકલે. હું સહી કરી પરત મોકલી દઈશ. પૂર્વીના અભ્યાસ પછી તમે પણ ત્યાં આવી જજો.’ મમ્મી અને પૂર્વીના ચહેરા પર પ્રસન્નતા અને આશ્ચર્યનો મિશ્રભાવ ઊપસ્યો. આરતી મુક્તમને મક્કમ ડગ ભરતી ચાલી નીકળી….

[કુલ પાન : 110. કિંમત : 75. પ્રાપ્તિસ્થાન : હર્ષ પ્રકાશન 403, ઓમદર્શન ફલેટસ, 7, મહાવીર સોસાયટી, મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે, પાલડી, અમદાવાદ-7. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નથી હોતા…. – સાહિલ
પ્રસાદ – સં. દેવેન્દ્ર એલ. ત્રિવેદી Next »   

19 પ્રતિભાવો : આખરી નિર્ણય – સંજય ચૌહાણ

 1. Balkrishna A. Shah says:

  આખરી નિર્ણય— પ્રાચીન અને આર્વાચીન વિચારસરણિમાંથી ઉભરતું ઍક વ્યકિતત્વ. માણસ છે વિચારો છે સિધ્ધાંતો છે ત્યાંસુધી આ ટસલ કાયમ રહેવાની અને વિચારોની વિવિધતાથી તો આ સમાજ અને સંસ્ક્રુતિ જીવંત છે. પ્રેરણાદાયી.

 2. જય પટેલ says:

  વાર્તાના અંતનો અણસાર આવી જ ગયેલો.

  આરતીના પપ્પાએ કરેલું આહુતીઓનું રોકાણ દિકરી કદી એળે ના જ જવા દે…અને નયન જેવા
  માટીપગા સાથે સાહસ એ સ્વપ્ન સમું છે.

  આરતીના નિર્ણયને સલામ.

  • નયનને માટિપગો તો ન જ કહી શકાય. સામાન્ય ગરીબીમાથી અન્યની સહાય લઇને ડોક્ટર બને તેનું પોતાનું પણ કોઇ સ્વપ્ન હોઇ શકે. સમસ્યાઓ વિનાના જીવનની મહેચ્છા રાખવી એમાં ખોટું શું ? આરતીના પપ્પાએ તથા આરતીએ નયન તેમના સેવાયજ્ઞમાં જોડાશે તેવું પૂર્વાનુમાન કર્યું.

   • જય પટેલ says:

    શ્રી ભજમનભાઈ

    ઘણીવાર જીવનમાં બધું જ સ્વ માટે નથી હોતું. અમુક ઉચાઈએ પહોચ્યા પછી સમાજ…અન્ય માટે કરી
    છુટવાની ભાવનાથી તો આ સમાજ ટકેલો છે. આ કંઈક કરી છુટવાની ભાવના તે જ ડીસેંટ્રલાઈઝેશન.

    આરતીના પપ્પાની આર્થિક સહાયથી સ્વપ્નાઓને મૂર્તિમંત કરવામાં સફળ થયેલો નયન
    આરતીના સ્વપ્નાઓની દરકાર ના કરે તો આરતીને માટે અસહ્ય થઈ પડે તે સ્વાભાવિક છે..
    સમાજ સેવાની ધુણી ધખાવીને ગામડે બેઠેલા પિતાના સંસ્કાર સિંચન પામેલી દિકરી
    પોતાના પતિમાં…આવનારા બાળકોમાં નિડરતા…સમસ્યાઓ સામે બાથ ભીડનારા…
    સમાજ સેવાની વૃતિનો અંશ હોય તેવા પાત્રની કલ્પના છે.

    અત્રે આરતી અને તેના પપ્પાનું પૂર્વાનુમાન અપ્રસ્તુત છે.
    નયન પોતે જ સાબિત કરે છે….
    આરતી આજ સુધી હું સમસ્યાઓમાં જ જીવ્યો છું એટલે હવે સમસ્યાઓમાં જીવવું નથી.
    સમસ્યાઓથી ભાગતા આવા શ્રી રણછોડલાલના બાળકોની માતા આરતી ના જ બને તે સ્વાભાવિક છે.

    થોડુંક બીજાના માટે પણ જીવી જૂઓ…મંદિરમાં જવું નહિ પડે..!!

    • શ્રી જયભાઇ.

     આપની વ્યક્તિગત સલાહને હું Ignore કરું છું.
     સેવાની ભાવના સ્વયંભૂ હોય છે. કોઇને સેવામાટે પ્રેરી શકાય, જબરદસ્તી ન કરી શકાય.
     જેણે ગરીબી સહન કરી હોય તે કદી ફરી પાછા ગરીબ બનવાનું ન ઇચ્છે. આ એક સ્વાભાવિક પ્રતિક્રીયા છે.
     હા, ગરીબો પ્રત્યે સહનુભૂતિ હોય તો સારું.
     આરતીનો નિર્ણય કદરને પાત્ર છે, પ્રશંસાને પાત્ર નહિ. કારણ નીચે તેજસભાઇએ આપ્યું છે.

    • Darshit says:

     જય ભાઈ, હુ સંપૂર્ણપણે તો સંમત નથી તમારી સાથે. “આરતી આજ સુધી હું સમસ્યાઓમાં જ જીવ્યો છું એટલે હવે સમસ્યાઓમાં જીવવું નથી” આને સમસ્યા થી ભાગવુ શી રીતે કહી શકાય? આને હુ સમસ્યા નહી પરંતુ મહત્વકાંક્ષા કહીશ નયને પોતાના ભણતર નો પોતાના વિકાસ માટે ઉપયોગ કરવા નો નિર્ણય કર્યો અને સમાજ માટે નહિ તેને “સમસ્યાઓથી ભાગતા
     શ્રી રણછોડલાલ” નુ બિરુદ આપી દેવુ યોગ્ય નહિ લેખાય. સમાજ પ્રત્યે ની આપણીઆ અમુક જવાબદારીઓ વૈકલ્પીક હોય છે એને ફરજિયાત ન બનાવવી જોઈએ. આરતી ન પપ્પા નિ જે છબી અહિ રજૂ થઈ છે તે જોતા તે કોઈ અપેક્ષા રાખી ને
     નયન ને મદદ કરતા હશે તેવુ લાગતુ નથી. તેમણે અને આરતી એ પુર્વાનુમાન કરિ લીધુ કે નયન પોતાની
     મહ્ત્વકાંક્ષાઓ કરતા સમાજ પ્રત્યે ની જવાબદારીઓ ને મહત્વ આપશે અને ત્યા જ સમસ્યા શરુ થઈ,
     આરતી નો નયન માટે નો પ્રેમ એક પુર્વાનુમાન પર આધારિત હતો, પ્રેમ કદાપિ પુર્વાનુમાન પર આધારિત
     ન હોવો જોઇયે.

     તમરા આ વાક્ય સાથે હુ સંપૂર્ણપણે સંમત કે “થોડુંક બીજાના માટે પણ જીવી જૂઓ…મંદિરમાં જવું નહિ પડે..!!”

     • જય પટેલ says:

      શ્રી ભજમનભાઈ
      થોડુંક બીજાના માટે….વાર્તાના સંદર્ભનો પ્રતિઘોષ છે જે આપે
      આપના પર લાદી ઈગનોર કર્યું……આપને મુબારક..!!

      શ્રી દર્શિતભાઈ
      આપે કહ્યું કે સમાજ પ્રત્યેની આપણી જવાબદારીઓ વૈકલ્પિક હોય છે એને ફરજિયાત ન બનાવવી જોઈએ.
      આપના મત સાથે સંપૂર્ણ સંમત છું. આરતીના પપ્પાએ આવું જ જીવનસૂત્ર જીવનમાં ઉતારી ગામડે જઈ સેવાની ધુણી ધખાવી…..હા આવી અપેક્ષા નયન માટે રાખીએ તો તેને અન્યાય કર્યો કહેવાય.

      આરતીની સગાઈ પહેલાં તેના પપ્પાએ નયનના મનને ચૌક્ક્સ ઢંઢોળ્યું હશે.
      ( દરેક પિતા પુત્રીની સગાઈ પહેલાં પૂરતી ચકાસણી કરે જ છે. )
      …..સગાઈ વખતે આરતીને કહેતી વખતે પપ્પાએ ઉમેર્યું હતું…..નયને ગરીબી જોઈ છે.
      કદાચ એટલે એ ફાઉંડેશનના વિકાસ માટે તને સહકાર આપશે.
      ……..તારે મારા ફાઉંડેશન માટે તૈયાર થવાનું છે. મારૂં સ્વપ્ન અપંગ બાળકોને ભણાવી સારૂં જીવન શિખવાડવાનું છે……હા પપ્પા ચૌક્કસ ! તમે બેફિકર રહો.

      ઉપરનો સંવાદથી ફલિત થાય છે પિતા-પુત્રી ફાઉંડેશનનું કાર્ય આગળ ચલાવવા મક્કમ છે.
      આરતીએ પણ નયનના મનને ચૌક્કસ ચકાસ્યું હશે. આજના જમાનામાં કઈ ભણેલી ગણેલી કન્યા
      સામા પાત્રના મનને ઢંઢોળ્યા વગર લગ્નના બંધનનાં જોડાય ? અને તે પણ ડોકટર ?

      નયનની મહત્વકાંક્ષાનો વિચાર કરીએ તો આરતીની મહત્વકાંક્ષાનો પણ વિચાર કરવો રહ્યો.
      સમાજમાં દરેક વખતે સ્ત્રીએ જ પોતાની મહત્વકાંક્ષાઓનું બલિદાન
      બલિદાનની વેદી પર આપી પુરૂષની સફળતાનો માર્ગ રચવો રહ્યો ?

      ઉચ્ચ શિક્ષીત સ્ત્રી-પુરૂષની મહત્વકાંક્ષાઓનું દ્વંદ્વ યુધ્ધ નિરૂપતી વાર્તા
      સમાજની માનસિકતા પર ગહેરો ઘા કરે છે.

      આપણે….દિકરી વ્હાલનો દરિયો… સભાગૃહોમાં કહેતાં થાકતા નથી પણ
      જીવનમાં તેને સાચા અર્થમાં ઉતારીશું ?

 3. tejas says:

  વિડમ્બણા કાયમ માટે સ્ત્રી જોડે જન્મ થી કેમ જોડાય જતી હશે
  શા માટે પુરુષ ની ઇચ્છા જ સર્વોપરી?
  અહિ પપ્પ ની ઇચ્છા પુરી કરવામા પણ આરતિ નિ ઇચ્છા નો લેખકે ઉલ્લેખ પન નહિ કર્યો!
  સ્ત્રી એ શુ પુરુશો નિ ઇચ્છા માજ પોતાનિ શોધવાનિ
  મર્મસ્પર્શિ વાર્તા મા લેખક કથાનાયિકા ને કેમ ભુલિ ગયા?

 4. nayan panchal says:

  વાર્તાનો અંત ધારણામુજબનો.

  ખ્યાલ આવી ગયો હતો કે અંતે આરતી દિકરા કરતા સવાયી સાબિત થશે અને ટ્રસ્ટને જીવન સમર્પિત કરી દેશે.
  સારી વાર્તા,

  નયન

 5. HARISH says:

  AVERAGE STORY….

 6. Veena Dave. USA says:

  સ્ત્રી શક્તિ છે.

 7. Pravin V. Patel [ Norristown, PA USA ] says:

  યોગ્યનિર્ણય.
  અભિનંદન.
  આભાર.

 8. Ramesh Desai. USA says:

  શુ નયન પૈસાનો મોહ છોડી આરતિ સાથૅ ન આવી શકૌઓ હોત? આરતિની જિદગી આના કરતા વધારે સુધરી ગઈ હોત!!

 9. Darshit says:

  Predictive End….I would say neither Nayan nor Aarti are wrong, they had their own priorities. But still I am wondering why someone will have only two choices? ‘To fulfill your dad’s dreams’ OR ‘To fulfill your husband’s dreams’….Why cant she have her own dreams?

  Though the questions are unanswred in story it is a good story in a way to ask people to come up and return something to society….

 10. સુંદર વારતા. દિકરાની જેમ ઉછરેલી દીકરીએ બાપનું અધુરું રહેલું કામ સંભાળી લીધુ.

 11. Ashish Dave says:

  Predictable but very well written story. There is always a third option. Hire another doctor, do part time sava…

  Ashish Dave
  Sunnyvale, California

 12. Pooja says:

  Bahut hi achi story he ye bat sunke lagta he ki 1 beti agar apne papa ka har sapana pura kar sakti he to papa ko kabhi bete ki kami mehsus nahi ho sakti, me bi arti ki tarh apne papa ka beta banke rahena chahti hu, It’s GOOD STORY

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.