પ્રસાદ – સં. દેવેન્દ્ર એલ. ત્રિવેદી

[ઉત્તમ જીવનપ્રેરક લેખોનો સંચય એટલે ‘પ્રસાદ’. આ પુસ્તક જાણીતા શિષ્ટ સામાયિક ‘જનકલ્યાણ’ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. સામાયિકના આજીવન સભ્યોને તે વિનામૂલ્યે મોકલવામાં આવ્યું છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] વિશ્વાસ – રંભાબેન ગાંધી

Picture 043એક આરબની પાસે મજાનો ઘોડો હતો. સુંદર ઘોડો. પાણીદાર ઘોડો. એ ઘોડો લઈ લેવાની ઈચ્છા એકબીજા માનવીના મનમાં જાગી અને એણે પેલા આરબને કહ્યું કે હું તને એ ઘોડાને બદલે ઊંટ આપું, માગે તો બેચાર ઊંટ આપું પણ મને એ ઘોડો આપ. આરબે ઘોડો આપવાની સ્પષ્ટ ના કહી. પેલાને થયું કે આમ સીધેસીધો તો આ ઘોડો મળવાની કોઈ શક્યતા નથી અને મારે તો ઘોડો જોઈએ જ છે તો લાવ કંઈક યુક્તિ જ કરું. અને તે પેલા આરબના માર્ગમાં એક રોગી ફકીર-અશક્ત ફકીર બનીને બેઠો અને ઘોડાવાળા આરબની પ્રતીક્ષા કરવા લાગ્યો.

એક દિવસ એ જ રસ્તેથી પેલો આરબ એના ઘોડા સાથે નીકળ્યો. એને આવતો જોઈને ફકીરે બૂમો મારવા માંડી અને વેદનાભર્યા અવાજે કહેવા લાગ્યો : કોઈ દયા કરો મારા પર; હું રોગી છું, અશક્ત છું, મારાથી ચલાતું નથી, મને કોઈ સામે ગામ પહોંચાડવાની મહેરબાની કરો….

આ સાંભળીને આરબને દયા આવી અને તે બોલ્યો : જો આ ઘોડા પર હું તને સામે ગામ પહોંચાડીશ. આમ કહી પેલા ફકીરને ઘોડા પર બેસાડ્યો અને પોતે નીચે ઉતરી ઘોડા સાથે ચાલવા લાગ્યો. થોડેક ગયા હશે ત્યાં તો પેલો ફકીર ટટ્ટાર બેસી ગયો અને ઘોડાને તગડાવી મૂક્યો. તેની પાછળ પેલા આરબે બૂમ મારી. એને ખુદાના સોગંદ આપી રોક્યો ને કહ્યું : ‘જો ભાઈ, આ ઘોડો તું જ લઈ જા. એ હવે તારો થયો. તું એની સારસંભાળ બરાબર લેજે. પરંતુ આવી રીતે દગો કરીને, ધોખો દઈને, વિશ્વાસઘાત કરીને તેં ઘોડો પડાવી લીધો છે, એ વાત કોઈને કરતો નહીં. આ વાત બીજા જાણશે તો લોકોને ગરીબ પરનો, દુ:ખી પરનો, સાધુ-સંત-ફકીર પરનો વિશ્વાસ જ ઊઠી જશે અને જરૂરિયાતવાળાને પણ કોઈ મદદ કરવા નહિ જાય.

આ સાંભળતાં જ પેલાનો આત્મા જાગ્યો અને ઘોડો પાછો આપીને ચાલી ગયો.

[2] દર્શન – દંત્તોપંત

આરતીનો પવિત્ર અવસર હતો.
ઘંટનાદ અને શંખનાદથી જગન્નાથજીનું મંદિર ધણધણી ઊઠ્યું હતું. આ જ વેળા શ્રી ચૈતન્ય મહાપ્રભુ ગરુડ સ્તંભ પાસે ઊભા હતા. ભક્તોની ભીડ ગાઢ જંગલ જેવી હતી. ઓરિસ્સાની એક બાઈ બહુ ઊંચી થતી હતી તોયે તેને ભગવાનનાં દર્શન નહોતાં થતાં. તે ગરુડસ્તંભ પર ચઢી ગઈ અને ચૈતન્યના ખભા પર પગ ટેકવી, આરતીની ઝાંખી કરવા લાગી. ચૈતન્યના શિષ્યો આ જોઈ કંઈક રોષપૂર્વક પેલી સ્ત્રીને ચૈતન્યના ખભા પરથી પગ ઉઠાવી લેવા હાથ વડે સૂચવવા લાગ્યા. એમને અટકાવતાં ધીરેથી ચૈતન્ય બોલ્યા : ‘એના પર રોષ મા કરશો. ભલે એણે મારા ખભા પર પગ ટેકવ્યો. એને ધરાઈને દર્શન કરવા દો.’ ને ત્યાં તો પેલી સ્ત્રીને જ આ વાતનો ખ્યાલ આવતાં બેબાકળી બની નીચે ઊતરી ગઈ. તે ચૈતન્યનાં ચરણમાં પડી ક્ષમા માગવા લાગી.

ચૈતન્યે કહ્યું : ‘દર્શનનો જે તલસાટ ભગવાને આ માતાને આપ્યો છે, તે જો મને મળ્યો હોત !…. આ સ્ત્રી દર્શનમાં એટલી તન્મય હતી કે પોતે કોના ખભા પર ચડી છે એનું એને ભાન પણ ન રહ્યું. ધન્ય છે એને ! મારે એના ચરણોમાં પ્રણામ કરવા ઘટે, જેથી મારામાં પણ એવો ઉત્કટ ભક્તિભાવ જાગે.’

[3] યાત્રા – અજ્ઞાત

સંત એકનાથ.
પ્રયાગથી ગંગાજળની કાવડ લઈને આવે. આ પવિત્ર જળથી રામેશ્વર મહાદેવને અભિષેક કરવાનો સંકલ્પ. ન જોયાં ટાઢ-તડકો. ન જોઈ ભૂખ-તરસ. ઘણો મારગ કાપી નાખ્યો. મારગમાં એક દહાડો ગધેડો મળ્યો. ગધેડો તે કેવો ? – તરત મરવાની અણી પર, ધૂળમાં આળોટે. એકનાથ તેની પાસે ગયા. ગંગાજળની કાવડ ઉતારી. પાણી કાઢીને ગધેડાને પાયું. ગધેડો ગજબનો તરસ્યો. ધીરેધીરે આખી કાવડનું પાણી પી ગયો. આખરે તૃપ્ત થઈ, બેઠો થઈને ભૂંકતો ભૂંકતો તે ચાલ્યો ગયો.

એકનાથ સાથે યાત્રિકો હતા.
એ બોલ્યા : ‘ત્રિવેણીનું પાણી નકામું ગયું, ને યાત્રા અફળ થઈ !’
સંત એકનાથે કહ્યું : ‘તમે પોથી-પુરાણ સાંભળો છો. એમાં સાંભળો છો કે પ્રભુ સર્વ પ્રાણીઓમાં વસે છે, છતાં આમ કેમ બોલો છો ? મારી પૂજા તો રામેશ્વરને પહોંચી ગઈ. અહીંથી મહાદેવને અભિષેક થઈ ગયો.’

[4] ત્યારે કરીશું શું ? – સ્વામી અખંડાનંદ સરસ્વતી

એક બાળક હાથમાં ઉઘાડું ચાકૂ લઈને રમે છે ને તેથી એને વાગી જવાની પૂરી બીક છે. તો તેની પાસેથી ચાકૂ મુકાવી દેવા શું કરાશો ? દરેક વ્યક્તિ આ પરિસ્થિતિમાં પોતપોતાની સમજ મુજબ પગલાં ભરશે. કોઈ ગુસ્સે થઈને બાળકને લાફો મારી દેશે ને એને રડાવીને પણ એની પાસેથી ચાકૂ લઈ લેશે. કોઈ વળી એને પ્રેમથી સમજાવશે કે ચાકૂ વાગી બેસે તો ખૂબ લોહી નીકળે એટલે તેણે તે છોડી દેવું જોઈએ…. આમ એને સમજાવીને ચાકૂ લઈ લેશે. કોઈ વળી બાળકને રમવા માટે ઘૂઘરો આપશે. ને એ ઘૂઘરામાં બાળકનું મન પરોવાઈ જાય એટલે ધીમે રહીને પેલું ચાકૂ લઈ લેશે ને ઠેકાણે મૂકી દેશે.

માનવનું મન-ચિત્ત પણ પેલા બાળક જેવું છે. એ પણ વિષમય ધારવાળું વિષયરૂપી ઉઘાડું ચાકૂ લઈને સંસારમાં રમ્યા કરે છે અને તેમ કરતાં તેને વાગી બેસવાનો પૂરો ભય હોવાથી તેને વિષયરૂપી ચાકૂથી મુક્ત કરવાની ખૂબ જ જરૂર છે.

સંતો અને શાસ્ત્રો આ માટે ત્રણ ઉપાયો બતાવે છે : વિરોધ, નિરોધ અને અનુરોધ. વિરોધનો માર્ગ ચિત્તને દમનનો છે. કેટલાક સાધકો કઠીન તપસ્યાને માર્ગે ચિત્તને વિષયમુક્ત કરવા મથે છે. નિરોધનો માર્ગ જ્ઞાનનો છે. કેટલાક સાધકો જ્ઞાનોપાસના દ્વારા ચિત્તને વિષયમુક્ત થવા સમજાવે છે. ને, અનુરોધનો માર્ગ ભક્તિનો છે. ભક્તહૃદયી સાધક ચિત્તવૃત્તિને પ્રભુચરણના અનુરાગ ભણી દોરીને વિષયાનુરાગમાંથી છોડાવે છે. આપણે પણ આપણને અનુકૂળ હોય તેવો માર્ગ શોધી લઈએ ને ચિત્તવૃત્તિને વિષયમુક્ત કરીએ.

[5] ત્યાગ્યું ? – બાબુભાઈ સોલંકી

સરોવરને કાંઠે એક શિવાલય. એમાં એક સંત રહે. કથાવાર્તા કરે અને લોકોને બોધ આપે. એક દિવસ એક વણજારો કથામાં આવીને બેઠો. સાથે એનો પાળેલો કૂતરો અને પાળેલી બિલાડી પણ હતી. સંતે કથા પૂરી કરી કહ્યું : ‘ભક્તજનો ! કાલે દેવપોઢી અગિયારસ છે. ઉપવાસ કરશે એ પુણ્ય પામશે.’
વણજારાએ મનમાં ગાંઠ વાળી, ‘આટલાં વર્ષો તો વ્રત કે ઉપવાસ કંઈ કર્યા નથી. કાલે અગિયારસ કરું.’
કૂતરાએ અને બિલાડીએ પણ ઉપવાસ કર્યો.

બીજે દિવસે સવારે ત્રણે જણ સંતનાં દર્શને ચાલ્યાં.
રસ્તામાં બિલાડી કૂતરાને કહે, ‘કાલે રાત્રે મને એક સ્વપ્ન આવ્યું. એમાં ઉંદરનો વરસાદ વરસ્યો.’
કૂતરો કહે : ‘જા….જા….ગાંડી. સ્વપ્નમાં ઉંદરનો વરસાદ કદી વરસતો હશે ! મને કાલે સ્વપ્ન આવ્યું હતું ને એમાં હાડકાંનો વરસાદ વરસેલો.’
આ સાંભળી વણજારો બોલ્યો : ‘તમે બંને જૂઠાં છો. સ્વપ્નમાં ઉંદર કે હાડકાં તે વળી ક્યાંય વરસતાં હશે !! મને સ્વપ્ન આવ્યું, એમાં તો જારના રોટલા વરસ્યા હતા.’
ત્રણેમાં ઝઘડો પેઠો.
જઈને સંતને વાત કરી.
સંત મલક્યા અને બોલ્યા : ‘દિવસે ત્યાગ્યું એ સ્વપ્નમાં ભોગવ્યું !’

[6] માર-ખાઉ માલિક – દાદા ધર્માધિકારી

એક જમીનદાર !
નર્યો કુંભકર્ણનો અવતાર.
માથે ગમે એટલા ઘંટ વગાડો કે ઢોલ પીટો, ઊઠે એ બીજા.
એણે એક નોકર રાખ્યો. એને કહ્યું : ‘ડૉક્ટરે મને સવારે વહેલા ઊઠીને ફરવા જવાનું કહ્યું છે. તારું કામ મને સવારે ઉઠાડવાનું. ઉઠાડીશ તો જ પગાર મળશે. સમજ્યો ?

બીજે દિવસે નોકરે જગાડવા માટે, ખૂબ ઘાંટાઘાંટ કરી પણ જમીનદાર જાગ્યો નહીં. પાછળથી માલિક જાગ્યો ત્યારે નોકરને બોલાવીને તતડાવ્યો, ‘તેં મને જગાડ્યો નહીં ?’
નોકર કહે : ‘હજૂર, હું શું કરું – મેં છેક તમારા કાનમાં બૂમો પાડી પણ તમે જાગ્યા જ નહીં તે !’
‘તો પછી તને પગાર નહીં મળે.’
ત્રીજે દહાડે તો નોકરે શેઠને ઝાલીને ખૂબ ઢંઢોળ્યા, તોય શેઠ ઊઠ્યા નહીં તે નહીં જ. તે દિવસનો પગાર પણ કપાયો. ચોથે દહાડે નોકર આકરો થયો, લાવતેક એક પાણીની ડોલ શેઠ ઉપર ઊંધી વાળી. નાકમાં પાણી ગયું હશે તેથી શેઠ સફાળા જાગ્યા, ને જાગતાક ઊઠીને નોકરને એક તમાચો ચોઢી પાછા પોઢી ગયા. નોકરનો એ દિવસનો પગાર પણ ગયો. પાંચમો દિવસ. નોકર હવે મરણિયો થયો હતો. પાણીની ડોલ ઊંધી વાળી, શેઠ ઊઠીને નોકરને મારે તે પહેલાં તો નોકરે જ એક તમાચો ઠોકી દીધો. ગુસ્સામાં બાથંબાથી થઈ પડી. જમીનદારની ઊંઘ ઊડી ગઈ. કહે : ‘ખરો ! આજે તેં મને જગાડી દીધો !!’

આપણું પણ આવું જ નથી ? આપણે આપણી જાતને એટલી તો બેવકૂફ અને ગાફેલ ગણી કે રાજાના-રાજ્યસત્તાના હાથમાં દંડ આપ્યો. એને સત્તા સોંપી કે, ‘અમારું કલ્યાણ તું કરજે, અમે ન સમજીએ તો દંડાથી ઠોકીને પણ તું અમારું ભલું કરી દેજે !’

[7] તેજીને ટકોરો – જીવરામ જોષી

એક યુવાન.
જાતે બ્રાહ્મણ. લાહોરની કોલેજમાં ભણે. નમ્રતા તો એની જ. વિવેકમાં કાચો નહિ… અને અભ્યાસમાં ? સદાય પહેલે નંબરે પાસ થાય. તેમાંય નવાઈની વાત એ હતી કે, ફારસી ભાષામાં બધાથી ચઢે. કેટલાક મુસલમાન વિદ્યાર્થીઓની માતૃભાષા ફારસી હતી; તેઓ પણ ફારસીમાં પેલા બ્રાહ્મણ વિદ્યાર્થીને પહોંચી શક્યા નહિ. એવામાં ભાઈ રશીદઅલી નામનો એક વિદ્યાર્થી નવો આવ્યો. તે ફારસી ભાષામાં પાવરધો હતો. બધાને લાગ્યું કે આ વરસે ભાઈ રશીદઅલી ફારસીમાં પ્રથમ આવશે. વાર્ષિક પરીક્ષા થઈ. પરિણામ બહાર પડ્યું. બધા છક થઈ ગયા. એ બ્રાહ્મણ વિદ્યાર્થી જ પ્રથમ આવ્યો. ભાઈ રશીદ બીજો આવ્યો.

ત્યારે ભાઈ રશીદે એક મહેણું માર્યું : ‘એમાં અભિમાન લેવા જેવું નથી. પોતે બ્રાહ્મણ હોવા છતાં, પોતાની માતૃભાષા સંસ્કૃતનો તો એક કક્કોય આવડતો નથી; જ્યારે મને તો સંસ્કૃત પણ આવડે છે.’ આ મહેણું બ્રાહ્મણ યુવાનના હૈયામાં તીરની જેમ ખૂંપી ગયું. બીજે જ દિવસે સંસ્કૃતના એક પંડિત પાસે ગયો અને પોતાને સંસ્કૃત ભણાવવા વિનંતી કરી.
પંડિતે કહ્યું : ‘યુવાન ! હું તને નહિ ભણાવી શકું. મારી પાસે ભણનાર વિદ્યાર્થી જેટલું તું ભણેલો હોત તો જ તને ભણાવી શકું. તું આટલાં પુસ્તકોનો અભ્યાસ ઘેરથી તૈયાર કરીને આવ, પછી ભણાવું.’ પંડિતજીએ તે પુસ્તકોનાં નામ લખી આપ્યાં. તે પુસ્તકો લઈને યુવાન બેસી ગયો. બેઠો તે એવો કે વાત પૂરી કરી નાખી. પછી ગયો પંડિતજી પાસે. પંડિતજીએ પરીક્ષા લીધી. બધા જ પ્રશ્નોના ઉત્તર સાવ સાચા પડ્યા. પંડિતજીને એવો આનંદ થયો કે આ યુવાનને બાથ ભરીને ભેટી પડ્યા. પ્રેમથી તેને ભણાવવા લાગ્યા, અને સંસ્કૃતનો પ્રકાંડ પંડિત બનાવી દીધો.

એ યુવાન તે સ્વામી રામતીર્થ. યુવાનોને સદાય એ જ ઉપદેશ એ આપતા રહ્યા કે, ‘મારાથી આ નહિ બની શકે.’ એમ બોલે તે યુવાન જ નહિ. યુવાન તો એનું નામ કે જે ધારે તે કરીને જ રહે.

[8] કાણાં પૂરો – રવિશંકર મહારાજ

એક ખેડૂતની વાત છે. શરીરે લઠ્ઠ. ઘેર બે બહુ સારા બળદ રાખે. જમીન પણ સારી. સવારે વહેલો ઊઠી બળદ લઈ કૂવે જાય. આખો દિવસ કોસ હાંકે, પણ સાંજે જઈને જુએ તો ક્યારામાં પાણી જ પહોંચ્યું ન હોય ! કેમ કે કોસ કાણો હતો. બહુ દોડધામ કરે, પણ ભરેલો કોસ થાળામાં આવતાં આવતાં તો કાણાં વાટે ચૂઈ જાય. સાંજ પડતાં ખેડૂત ને બળદ થાકીને લોથપોથ થઈ જાય. ત્યારે કરવું શું ? ખેડૂતે દોડધામ કરવી કે કાણાં પૂરવાં ? દેખીતી વાત છે કે જ્યાં સુધી કોસ કાણો હોય ત્યાં સુધી બળદને ઉતાવળા હાંકવાનો કશો જ અર્થ નથી. કાણાં પૂરવામાં આવે, તો જ કોસ ભરેલો આવે ને ખેતરમાં પાણી પહોંચે.

આજે આપણી દશા આ ખેડૂત જેવી છે. આપણી આવકનેય કાણાં પડ્યાં છે. એટલે મહેનત કરીને મેળવેલું ચા, બીડી, પાનસોપારી વગેરે વ્યસનો તથા મોજશોખમાં વ્યર્થ વપરાઈ જાય છે. સુખી થવું હોય અને શાંતિથી જીવવું હોય, તો વ્યસનો અને મોજશોખના ખોટા ખર્ચમાંથી બચવું જોઈએ. કઈ ચીજો ખરેખર જરૂરી છે અને કઈ બિલકુલ બિનજરૂરી છે, તેનું આપણને જ્ઞાન હોવું જોઈએ. આમ થશે તો જ કાણાં પૂરાશે, અને આપણી મહેનત નાહક ઢોળાઈ જતી અટકશે. નહીં તો બળદિયાની જેમ કોસ ખેંચ્યે રાખીશું પણ પાણી ભેળા નહીં થઈએ.

[કુલ પાન : 128. કિંમત રૂ. 80. પ્રાપ્તિસ્થાન : પુનિત પ્રકાશન પ્રતિષ્ઠાન. સંત ‘પુનિત’ માર્ગ, મણિનગર, અમદાવાદ-380008. ફોન : +91 79 25454545. ઈ-મેઈલ : jankalyan99@yahoo.co.in ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આખરી નિર્ણય – સંજય ચૌહાણ
ચિંતનામૃત – ડૉ. વિક્રમ પટેલ Next »   

16 પ્રતિભાવો : પ્રસાદ – સં. દેવેન્દ્ર એલ. ત્રિવેદી

 1. gopal parekh says:

  સરળભાષામાઁ બોધદાયક વાતો

 2. hardik says:

  ખુબ સરસ સંકલન

 3. Milin says:

  Dear Mrugeshbhai,

  I’d consider this article as your new year gift for all the readers though you’ve gifted us everyday with such a quality literature in our mother-tongue. My apologies not to give responses and comments in gujarati.

  Thanks again.

 4. Vipul Panchal says:

  Nice Article.

 5. જય પટેલ says:

  સુંદર ટૂંકી બોધકથાઓ.

  દિવસે ત્યાગ્યું એ સ્વપ્નમાં ભોગવ્યું.

  ઉપવાસ પ્રામાણિકતાથી કરવાના બે ફાયદા.
  ૧) શરીરની વધારાની ચરબીનું વિસર્જન સાથે શરીર શુધ્ધિ.
  ૨) માણસ માનસિક રીતે મજબૂત બને…મનોશક્તિ વધે.

 6. જગત દવે says:

  બોધ કથા નં. ૬. માર-ખાઉ માલિક – દાદા ધર્માધિકારી
  “આપણે આપણી જાતને એટલી તો બેવકૂફ અને ગાફેલ ગણી કે રાજાના-રાજ્યસત્તાના હાથમાં દંડ આપ્યો.”

  આ વાક્ય ખરેખર આ રીતે લખાવુ જોયતું હતુ………..
  “આપણે આપણી જાતને એટલી તો ગાફેલ ગણી કે બેવકૂફ રાજ્યસત્તાના હાથમાં દંડ આપ્યો.”

  • Vijay says:

   “આપણે આપણી જાતને એટલી તો બેવકૂફ અને ગાફેલ ગણી કે રાજાના-રાજ્યસત્તાના હાથમાં દંડ આપ્યો.”

   વાકય બરાબર જ છે. રાજા કે રાજ્યસત્તા બેવકૂફ નથી. આપણી જાત બેવકૂફ અને ગાફેલ બની છે.

 7. જગત દવે says:

  બોધ કથા [5] ત્યાગ્યું ? – બાબુભાઈ સોલંકી

  ઘણાં ધાર્મિક ગુરુઓ બસ આવા જ તિકડમ ચલાવે રાખે છે…… ભોળા લોકો ભરમાય છે અને દરેક નવા તિકડમબાજો નવા સંપ્રદાયો બનાવતા જાય છે.

  કંઠી પહેરીને કોઈ પોતાની બુધ્ધિ પણ ગિરવે મુકી દે છે ત્યારે એ કંઠી ગોવાળો દ્વારા તેના ‘ડોબાઓ’ ને ગળામાં પહેરાવવામાં આવતાં ઘુઘરાંની યાદ દેવડાવે છે.

 8. nayan panchal says:

  સરસ વાતો.

  આભાર,
  નયન

 9. Sneha says:

  બહુ સુન્દર લેખ, નવા દિવસ નિ શુભ શરુઆત સરસ બોધ કથાઓ સાથે!

  ખુબ ખુબ આભાર .

 10. rajnichheda says:

  સરળભાષામાઁ બોધદાયક વાતો
  ખુબ ખુબ આભાર

 11. Veena Dave. USA says:

  સરસ બોધવાળો પ્રસાદ.
  ભગવાનને પાથૅના કરીને પછી ભગવાન જે પ્રતિસાદ આપે તે ‘પ્રસાદ્’. આ લેખ વાચીને જે પ્રતિસાદ આપણે ગ્રહણ કરીએ તે આપણો પ્રસાદ.
  બાકી તો સાધુઓ(?) કારમા જતા હોય અને મ્રુત્યુ સમીપ હોય એવા માણસને દવાખાને લઈ જવાની ના પાડે ત્યારે….
  એકનાથની વાત તો નાના હતા ત્યારે નિશાળમા ભણેલા જેનો બોધ જીંદગીભર મનમા રાખવા જેવો.
  ઓહ, અત્યારે તો એઇડ્સ દિનની રિબીન બાન્ધીને નાના સ્ટુડન્ટ્સ્ની રેલી કરે….ઉમરનો તો ખ્યાલ કરો.
  જો કે બોધ જીવનના વ્યવહારમા અમલ થાય તો જ એ ભણવુ સાથૅક ગણાય્.

 12. Gopal Shah says:

  કથા સુનિ સુનિ થાક્યા કાન તોય ન આયુ બ્રહ્મ ગ્યાન….. મારિ, તમારિ અને આપણા બધા નિ આજ દશા છે….

 13. Darshit says:

  ખૂબ જ સરસ સંકલન.

  આભાર,
  દર્શિત

 14. Ashish Dave says:

  Very nice…

  Ashish Dave
  Sunnyvale, California

 15. sanket varma says:

  “સંતો અને શાસ્ત્રો આ માટે ત્રણ ઉપાયો બતાવે છે : વિરોધ, નિરોધ અને અનુરોધ……” ખુબ મહત્વનું વાક્ય. કેટલાક કહેવાતા સંતો સમાજમાં ફક્ત વિરોધ અને અનુરોધના માર્ગો ના અસ્તિત્વની ભ્રાંતિ ફેલાવે છે. પણ જ્ઞાનના માર્ગને અવગણે છે. અને કેટલાક તો વળી ઉપર્યુક્ત માર્ગોને જ જ્ઞાનપ્રાપ્તિના માર્ગો ગણાવે છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.