ચિંતનામૃત – ડૉ. વિક્રમ પટેલ

[રીડગુજરાતીને આ લેખો મોકલવા માટે ડૉ. વિક્રમભાઈનો (વલસાડ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9925043670 અથવા આ સરનામે vikram2342001@yahoo.com સંપર્ક કરી શકો છો.]

[1] વાત્સલ્ય

ગાયના ગર્ભમાં રહેલું વાછરડું જ્યારે બહાર આવે ત્યારે ગંદકીથી લપેટાયેલું હોય છે. ગાય તેને પોતાની જીભથી સ્વચ્છ કરે છે. આ સંસારને જેવા વાછરડાની જરૂર છે એવું ચોખ્ખું વાછરડું તે આપે છે. ગાયના વાછરડા પ્રત્યેના આ પ્રેમને આપણે ‘વાત્સલ્ય’ કહીએ છીએ. ફક્ત મૂંગા પ્રાણીઓમાં જ આ સંબંધ હોય એવું નથી, પક્ષીઓમાં પણ તે જોવા મળે છે. મારા બાગમાં જ્યારે બુલબુલ માળો બનાવે, ઈંડા મૂકે, એને સેવે અને એમાંથી જ્યારે બચ્ચાં નીકળે ત્યારે એ બચ્ચાં માટે બુલબુલ ઈયળ-જીવડાં-ફળના ટુકડા વગેરે લઈને આવે અને ખવડાવે. એ માળો જ્યારે ખાલી હોય ત્યારે આપણે સ્પર્શ કરીએ તો એમાં બનેલી પથારીમાં નાના પીંછાં, સુંવાળું ઘાસ વગેરે જોવા મળે. કુદરતી રીતે જ પોતાના જીવોનો વિકાસ પરમાત્માએ માતાના હાથમાં મૂક્યો હશે. આ સંસારનો સૌથી નિર્મળ પ્રેમ હોય તો તે ઈશ્વરનો જ હોય પરંતુ તે પછીનું સ્થાન તો માતાનું ચોક્કસ જ છે.

પોતાની આર્થિક પરિસ્થિતિ ગમે તે હોય, દરેક માતા પોતાના બાળકના શારીરિક, માનસિક, ધાર્મિક અથવા આધ્યાત્મિક વિકાસ માટે તત્પર રહે છે. એના જીવનનું કેન્દ્ર એનું બાળક હોય છે. ‘વાત્સલ્ય’ શબ્દ એવો છે જેનું વર્ણન શબ્દોમાં કરી ન શકાય. એની કિંમત રૂપિયામાં આંકી ન શકાય. પ્રેમની સાથે લાગણી ઉમેરવાથી સ્નેહ બને છે. એ સ્નેહમાં જ્યારે નિસ્વાર્થ ભાવના ઉમેરાય તો વાત્સલ્ય બને છે. એની કોમળતાનું અનુમાન નહિ પણ અનુભવ કરી શકાય છે. એ માટે આપણી અંદર પાત્રતા હોવી જરૂરી છે.

વળી વાત્સલ્ય કુદરતી રીતે પેદા થાય છે. એને પેદા કરી શકાતું નથી. વાત્સલ્ય એ બે જીવ વચ્ચે અનોખું વાતાવરણ પેદા કરે છે. એમાં માલિકીભાવ કે સ્વાર્થ, સામેથી મેળવવાની ઈચ્છા કે કોઈ શંકા ક્યારેય હોતા નથી. માતા જ્યારે પોતાના ભૂખ્યા બાળકને ધાવણ આપતી હોય એ વખતની કલ્પના કરો. માનો સ્નેહભર્યો હાથ જે બાળકના કપાળ-માથા પર અથવા પીઠ પર ફરતો હોય, માતાનું ધ્યાન ફકત બાળકના હલનચલન પર જ હોય. આ દશ્ય એ વાત્સલ્યનું પ્રગટરૂપ છે. બે ભાઈ, બે મિત્રો કે બે ભાઈ-બહેન, પતિ-પત્ની વચ્ચે પણ આવો નિર્મળ પ્રેમ શક્ય બને છે. એમાં જ્યારે લાંબા સમયનો સંપર્ક હોય, એકબીજાને સમજવાની ઊંડી ધીરજ હોય તો જ આ પ્રેમ શક્ય બને છે.

વર્ષો વીતી ગયા. હું જ્યારે વડોદરા કૉલેજમાં ભણતો હતો ત્યારે મેડીકલ કૉલેજથી મારી હૉસ્ટેલ જવાનો કોઠી ચાર રસ્તા તરફનો રસ્તો હજી આજે પણ મને યાદ છે. ત્યાં ટ્રાફિક સિગ્નલની પાછળ ઢાળ ઊતરતા જમણી તરફની ફૂટપાથ પર એક વૃદ્ધ બેસતો હતો. વાળ બિલકુલ સફેદ, મોટું કરચલીવાળું કપાળ, અંદર ઊતરી ગયેલી ઊંડી આંખો, વધી ગયેલી સફેદ દાઢી…. યુવાનીમાં કદાચ એ પાણીદાર યુવાન હશે પણ કાળની થપાટે એને ક્યાંય ફેંકી દીધો હતો. બાંય વગરનું પહેરણ અને ફાટેલો પાયજામો તે પહેરતો. ગંદકીનું તો પૂછવું જ શું ! આજુબાજુ પાર વગરના ચીંદરડા. ડોસો ચીંદરડામાં આખો દિવસ કશુંક શોધતો રહેતો. એની બાજુમાં બેસતી સદા હસતી રહેતી આશરે 24-26 વર્ષની એક છોકરી. કોઈકે એના વાળ કાપીને બિલકુલ બોયકટ કરી નાંખ્યા હતા. એનો પણ ધૂળવાળો ચહેરો ને પીળા દાંત પરંતુ આંખોમાં અનેરી ચમક. તે હંમેશા પેલા વૃદ્ધને તાકી રહેતી. કોઈ ખાવાનું આપે તો પહેલા જુએ, ચાખે અને પછી એ પેલા વૃદ્ધને ખવડાવે. નિરાંતની પળોમાં એ બંને જણા કંઈક વાતો કરતાં ખડખડાટ હસે. જો કોઈ પૈસા નાખે તો બંને જણ એ તરફ જુએ પણ નહિ.

ક્યારેક પોતાનો એ રદ્દી સામાન લઈને ચાલતા દેખાય. ડોસાનો એક હાથ કાપડના ટુકડા પકડે અને બીજા હાથે પેલી દીકરીના ખભાનો સહારો લે. છોકરીને પગે સ્હેજ પોલિયોની અસર એટલે એ લાકડીનો ટેકો લઈને ચાલે. વરસાદ હોય, કડકડતો શિયાળો હોય – એમની જગ્યા ત્યાં જ હોય. ખૂબ મોટું ઝાપટું પડે તો બંને જણા ચાની લારીના છાપરા નીચે ભરાય. એ બંનેને યાદ કરું ત્યારે વિચારું કે આ કયો સ્નેહ ? ફક્ત એક સ્ત્રી અને પુરુષ કે પછી બાપ અને દીકરી – જે પણ હશે પણ તે પ્રત્યક્ષ ભાવ-સ્નેહ એ વાત્સલ્યથી જરાપણ ઊતરતું નથી લાગતું. વાત્સલ્ય ક્યાંક ક્યાંક કુદરતી રીતે જ પ્રગટ થતું લાગે છે. જ્યારે વાત્સલ્ય હોય છે, મમતા-સ્નેહ હોય છે ત્યારે આ જગતના લૌકિક એવા ધન કે સ્થળની પરવા જ હોતી નથી. એની ઝરમર વર્ષમાં તરબોળ થયેલાં માનવી પોતાનામાં એવા મસ્ત રહે છે કે આખો આલમ એમને માટે કોરો રહે છે.

વાત્સલ્યનો ભાવ આપણી અંદર એની મેળે જ કોઈકને માટે પેદા થાય છે. તેને અટકાવી નથી શકાતો. જેને એનો અનુભવ થાય છે તે પોતાની જાતને ધન્ય માનતો થઈ જાય છે. આ બધું જ પરમાત્માની કૃપા પર આધારિત છે.
.

[2] યહ દિન ભી ન રહેગા

‘યહ દિન ભી ન રહેગા’ આ વાક્ય વાંચીને તમને કદાચ એમ વિચાર આવ્યો હશે કે મેં ક્યાંક કોઈ સાધુબાવાની ઝૂંપડી બહાર ધૂણી પાસે તપતા તાપણાએ બાવાના મોંએ આ વાક્ય સાંભળ્યું હશે ! પણ એમ વાત નથી. હું નસીબદાર છું કે આજે પચાસ વર્ષની ઉંમરે હજી મોસાળમાં જવા આવવાનો સંબંધ એટલો જ પ્રેમાળ-હૂંફથી ભરપૂર છે. વર્ષો પહેલાં મારી સ્કૂલના દિવસોમાં જ્યારે મામાને ઘેર ગયેલો ત્યારે ત્યાં વીજળી નહોતી. સાવ જૂનું પુરાણું લીંપણવાળું ઘર. ઓટલા પર હીંચકો. પગથિયાની બાજુમાં તુલસીનો છોડ ને પોઈનો વેલો. સામે નજર કરો તો વડીલો અને ભગવાનના ફોટા. એની બરાબર નીચે બારસાખ પરનું વાક્ય નાનપણમાં હું સમજી ન શક્યો તે આ. ‘યહ દિન ભી ન રહેગા’ નો અર્થ આજે ઢળતી ઉંમરે સમજી શકું છું.

જેનું અભિમાન આપણે દિવસે ને દિવસે એકઠું કરતા જઈએ છીએ તે કશું જ કાયમી નથી. જેમ કે રૂપ, શક્તિ, ધન અને સત્તા. તે જ પ્રમાણે જો સાથે ગરીબી, માંદગી, મુશ્કેલી કે બેરોજગારી હોય તો એ પણ કાયમી નથી. સુખ-દુ:ખ અને તડકા-છાંયડા જેવી આ અવસ્થા એ આપણી પોતાની માન્યતા ઉપર આધાર રાખે છે.

અધ્યાત્મ આપણા જીવન સાથે વણાયેલું એક અંગ છે. ક્યાંક ને ક્યાંક એ આપણને સારી રીતે જીવન માણવા માટે / વ્યતીત કરવા માટેના માર્ગ ઉપર ચલાવે છે. એની ઓળખ આપણી અંદરના સંતોષ અને સ્થિતપ્રજ્ઞ અવસ્થા પર નિર્ભર કરે છે. વગડામાં ફરતો સાધુ ન હોઈ શકે એટલો સ્થિતપ્રજ્ઞ સંસારમાં જીવતો માણસ પણ હોઈ શકે છે. પોતાની આજુબાજુમાં ઉદ્દભવતી પરિસ્થિતિઓ/પ્રસંગોમાંથી શાંતચિત્તે વિચારનારો અનુભવ પામે છે. એની સમજ વધુ વિશાળ બને છે. સુખ અને દુ:ખને સ્વીકારવાની ભાવના પ્રબળરૂપે પ્રકાશિત થાય છે. અને એ જાણતો થાય છે કે જે પણ અવસ્થા એ ભોગવી રહ્યો છે તે કાયમી નથી.

સુખ અને દુ:ખ બે છેડા છે. રસ્તો રોકીને ચાલતા વરઘોડાને જેણે જોયો છે તેને તે ક્ષણે ત્યાં નાચી રહેલા આધેડ સ્ત્રીપુરુષો, વાગી રહેલું ધમાલિયું સંગીત, અટકેલાં વાહનોનો અવાજ – આ બધું આનંદ પર દબાણ થતું હોય એમ લાગે છે. ક્યાંક આનંદનો અતિરેક થતો લાગે છે. બીજો છેડો એટલે દુ:ખ. બીજે છેડે ક્યાંક માતમ છે. કોઈક ઘરમાં મૃત્યુનો પડછાયો પડ્યો છે, જાણવા છતાં કે મૃત્યુ અફર છે, નથી એને સમયની પડી, નથી સ્થળ-કાળની. એનું કામ એ ચોક્કસ કરે છે. એ ભગ્યહૃદયે કાગારોળ મચાવે છે. એવું રડે છે કે મૃત્યુની અદબ પણ જળવાતી નથી. એક ભાઈ એક ઑફિસમાં બેઠા હતાં. એમનો દીકરો આવ્યો અને કહે કે આપણું ઘર બળી ગયું. ભાઈ રડારોળ કરવા લાગ્યા. દીકરાએ મોબાઈલ પર કોઈની સાથે વાત કરી પછી બાપને કહ્યું કે ચિંતા નથી. વીમો છે. બાપના મોં પર ખુશી છવાઈ ગઈ. ત્યાં દીકરા પર ફોન આવ્યો અને તે બોલ્યો કે વીમાનો છેલ્લો હપ્તો ભરાયો ન હોવાથી વીમો મળે તેમ નથી. ફરીથી બાપની રડારોળ શરૂ થઈ ગઈ.

અહીં ભાવ એ છે કે દરેક પરિસ્થિતિમાં સમતોલ રહેવા માટે પોતાની સમજને પરિપક્વ કરવી પડે. સુખમાં છકી ન જવાય એનું ધ્યાન જરૂર રાખવું તેમજ દુ:ખમાં હારીથાકીને પોતાના નસીબને દોષ ન દેવો. અનેક અનુભવોમાં પસાર થતાં થતાં મનુષ્ય કદાચ આ સ્થિતિને પામી શકે છે. બીજાના વિચારો પોતાની ઉપર લાદયા વગર પોતાના વિચારોને સ્પષ્ટરૂપે અમલમાં મૂકવા જરૂરી હિંમત કેળવવાની જરૂર છે. સ્પષ્ટ વિચારોની યોગ્ય દિશા આપણને એ સમજાવે છે કે જે કંઈ પરિસ્થિતિમાંથી અત્યારે આપણે પસાર થઈ રહ્યા છીએ એ દુ:ખ હોઈ શકે, સુખ પણ હોઈ શકે. પરંતુ એ બંને કાયમી નથી. વળી એ બંને ઉપર આપણો કાબૂ નથી. એ આપણા પ્રારબ્ધને લીધે શક્ય બન્યું છે. ખુશીનો માહોલ એ કાયમી નથી એમ કોઈ સ્વીકારવા તૈયાર હોતું નથી. એ માનવીય રીત છે. દુ:ખ મને કે તમને કોઈને જોઈતું નથી પણ એ શક્ય નથી. બળથી કે પ્રેમથી જો એ અવસ્થાને સ્વીકારવી જ પડે તો શા માટે પ્રેમને પ્રથમ સ્થાન ન આપીએ ?

‘યહ દિન ભી ન રહેગા’ એ માત્ર એક વિચાર નથી, વિચારધારા છે. એવી સ્પષ્ટ વિચારધારા છે જે આપણને કાયમી સંતોષનો અનુભવ કરાવે છે અને રોજબરોજની જિંદગીમાં આવતા ઉતાર-ચઢાવને એક સરખા ગણવાની હિંમત અને સમજ આપે છે. વર્ષોના અનુભવ પછી હું સ્પષ્ટપણે માનું છું કે આ વિચારધારા એ કોઈપણ પ્રકારની જિંદગી જીવતા દરેક મનુષ્યને સ્પર્શી શકે છે. જો એની પાસે એ પારખવાની શક્તિ હોય તો. અનુભવે જે શીખે તે સાચો માનવી. શિક્ષણસંસ્થાઓ, પુસ્તકો, સત્સંગો અને આજકાલની ઈન્ફર્મેશન ટેકનોલોજી જે નથી શીખવી શકતી તે જિંદગી પોતાના અનુભવોથી શીખવી દે છે.

દોમદોમ જાહોજલાલી ભોગવતા કેટલાંક માણસો ગટરને કિનારે પોતાની જિંદગીના અંતિમ દિવસો ગાળી, ત્યાં જ મૃત્યુની સોડ તાણે છે. તો કેટલાંક ઝૂંપડપટ્ટીમાં પહેલો શ્વાસ લઈને યુવાનીમાં મિલમાલિક-મોટા કદનો માનવી પણ બની શકે. ત્યારે આપણે અચૂક કહીએ છીએ કે ભાગ્યનો ખેલ ખરેખર આપણી અક્કલબુદ્ધિથી પર છે. આપણો વારો આવે છે, તો ન બદલાનારા ભાગ્યને દોષ પણ દઈએ છીએ. હકીકત એ છે કે સંસાર આખો બદલાતો રહે છે. ક્યારેક કોઈ પળ સુખ આપે છે, ક્યારેક આંખોમાં આંસુ આપે છે તો ક્યારેક કોઈ આંખોને હંમેશને માટે સૂકવી પણ દે છે. નિશ્ચય કરીએ કે જિંદગીના દરેક વળાંકે, ભલે એ સુખદ હોય કે દુ:ખદ, જરૂર કહીશું ‘યહ દીન ભી ન રહેગા….’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રસાદ – સં. દેવેન્દ્ર એલ. ત્રિવેદી
પરાણે સંગીતનો શોખ અપનાવનાર…. – ગિરીશ ગણાત્રા Next »   

15 પ્રતિભાવો : ચિંતનામૃત – ડૉ. વિક્રમ પટેલ

 1. ખુબ જ સુંદર.

  ૧/ “પ્રેમની સાથે લાગણી ઉમેરવાથી સ્નેહ બને છે. એ સ્નેહમાં જ્યારે નિસ્વાર્થ ભાવના ઉમેરાય તો વાત્સલ્ય બને છે.” વાત્સલ્યની સુંદર વ્યાખ્યા.

  ૨/ “યહ દીન ભી ન રહેગા” ને લગભગ મળતું આવતું વાક્ય “ચિંતા શા માટે કરવી કદાચ એવું ક્યારેય નહિ બને” …. જીવન એક ખેલ – કુન્દનિકા કાપડિયા.

 2. જય પટેલ says:

  સુંદર ચિંતનાત્મક વિચારો.

  જેનું અભિમાન….રૂપ…શક્તિ…ધન…સત્તા કરીએ છીએ તે કાયમી નથી….જાણવા છતાં એ જ ઘરેડમાં જીવીએ છીએ.
  જ્ઞાન અને ઘરેડ સમાંતરે ચાલ્યા કરે છે…!!

 3. Balkrishna A. Shah says:

  ડો. વિક્રમ પટેલના બંને લેખો “વાત્સલ્ય ” અને ” યહ દીન ભી ન રહેગા ” વાંચ્યા.
  લખી વાંચી શકનાર દરેક માણસ બંને લેખોની ફીલોસોફીને થોડા ઘણા અંશે પણ જાણતો જ હોય છે. પરંતુ ઍ સમજણનું
  ઘડતર ન થાયતો તે જાણવા અને સમજવાનો અર્થ નથી. આવા લેખો માણસના વિચારોનું ઘડતર કરે છે.
  ડો. વિક્રમ પટેલને અભિનંદન.

 4. જગત દવે says:

  ડૉ. વિક્રમ પટેલની સંવેદનશીલતા ને સલામ….

  [2] યહ દિન ભી ન રહેગા વાંચીને વ્હી. શાંતારામનાં “નવરંગ” નું એક ગીત યાદ આવી ગયું

  ‘યે માટી સભી કી કહાની કહેગી…..ન રાજા રહેગા ન રાની રહેગી’

  આવારા બનાવતી વખતે રાજકપૂરે તેની સઘળી સંપતિ દાવ પર લગાવી દીધી હતી અને જયારે તેના પત્નીએ એ બાબત પર ટકોર કરી ત્યારે તેણે જવાબ આપેલો……કે ‘યહ દિનભી ચલે જાયેંગે’

 5. kantibhai kallaiwalla says:

  I liked article: Yeh Din Bhi Na Rahega:. Not only I liked, but I enjoyed and have seen many experienced persons living this type of life. I am learning from this article and from these persons

 6. ami says:

  અભિનંદન ડૉ. વિક્રમ.. ઘરનાં હિંચકે બેસીને હજુ વધારે સમય કાઢો નવા લેખો લખવા માટે 🙂

  આભાર મૃગેશ – ઉગતા લેખકના લેખો રીડગુજરાતી પર મુકી બધા સાથે વહેંચવા અને લેખક ને પ્રોત્સાહન આપવા બદલ.

 7. Veena Dave. USA says:

  સરસ લેખ.

 8. Pravin V. Patel [ Norristown, PA USA ] says:

  ડૉ. વિક્રમ,
  આપે આપના તબીબી જ્ઞાન સાથે અધ્યાત્મ અને લાગણીઓ જતનથી જાળવી છે.
  એને પીરસી સુંદર મજાની કેડી ચીંધી છે.
  બન્ને લેખો ઉમદા છે.
  હાર્દિક અભિનંદન.
  આપના દર્શન થતાં રહે એવી અભ્યર્થના.
  આભાર.

 9. tejal tithalia says:

  ખુબ જ સરસ લેખો…..જીવન ની સાચી હકિકતો રજુ થયેલ છે. ખરેખર ચિન્તન કરવા જેવુ તમે અમ્રુત આપ્યુ છે. we are eagerly waiting for your new artical sir…..

 10. Karuna Shah says:

  રાધા સ્વામિ…..
  ખુબ જ મજાના લેખો સુન્દર હ્દય ને સ્પર્શિ જાય એવિ રજુઆત… ખરેખર, મને ખુબ જ ગમ્યા. અમારા જેવા youngsters માટૅ માર્ગદર્શન બનશે. આવા જ સુન્દર લેખો અમને મળૅ એવિ શુભ કામના…. જય શ્રિ ક્રિશ્ના….

 11. Ashish Dave says:

  Heart touching…

  Ashish Dave
  Sunnyvale, California

 12. hetvi parmar says:

  i have read your article and feell what is mothers love .

 13. dipti parmar says:

  I liked article: Yeh Din Bhi Na Rahega

 14. Ruchita says:

  Very Good Sir;
  please tell me if any volume written by u. I am dam sure that u had written a good novel.
  any way i can say that this is the best artical in this readgujarati site.
  thanks again to Dr.Vikram .

 15. Ketan Parekh says:

  Dr. Vikarambhai….

  રાજા વિક્રમ નુ સિહાસન ભોજ ને મળયુ;
  તેમા પુતળીઓ છુપાયેલુ હતી.
  ડો.વિક્રમ નો લેખ અમને મળીયો;
  લાગે છે એક મહાન લેખક છુપાયેલ છે.

  Please keep it continue…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.