પરાણે સંગીતનો શોખ અપનાવનાર…. – ગિરીશ ગણાત્રા

[‘હલચલ’ સામાયિક (કોલકતા)માંથી સાભાર.]

આપણે કોઈ વર્તમાનપત્ર કે સામયિકમાં નિયમિત રીતે કશુંક લખતા હોઈએ તો ઘણા એમ માની બેસે છે કે આ લેખક સર્વજ્ઞ હશે, એને ઘણા ઘણા વિષયોની જાણકારી હશે. સાહિત્ય-સંગીતકલાનો ત્રિવેણીસંગમ લેખકમાં વહેતો હશે ! અને એટલે જ શહેરની એક સંસ્થાના મંત્રી જ્યારે સંસ્થા દ્વારા આયોજિત સંગીત-સ્પર્ધાના નિર્ણાયક થવા વિનંતી કરવા આવ્યા ત્યારે એ વિષયનું કોઈ વિશેષ જ્ઞાન ન હોવાથી મેં ના પાડી દીધી, પરંતુ એમને મારા જ્ઞાન સાથે કોઈ નિસબત નહિ હોય કે પછી એક ‘છાપેલા કાટલા’નો મોહ હશે એટલે ‘નિર્ણાયક તરીકે તમે થોડા એકલા છો ? બીજા બે જણ પણ તમારી સાથે હશે ને !’ એવી હૈયાધારણ આપી મને પરાણે ખેંચી ગયા. સ્પર્ધાના દિવસે જ્યારે હોલમાં પહોંચ્યો ત્યારે નિર્ણાયકગણમાંના પેલા બીજા બે જણાની મને ઓળખાણ થઈ. વર્ષોથી આકાશવાણી પર સંગીતના કાર્યક્રમો આપતાં એક કલાકાર બહેન અને બીજા એક ડૉક્ટર પણ આ પરીક્ષણ ત્રિપુટીમાં સામેલ હતાં.

શહેરમાં વર્ષોથી તબીબી વ્યવસાય કરતા ડૉક્ટર અરવિંદભાઈ સાથે જ્યારે સંસ્થાના મંત્રીએ મારી ઓળખાણ કરાવી, ત્યારે ‘ડૉક્ટરને બિચારાને સંગીતમાં શી સમજણ પડે ? એ પણ શરમે-ધરમે મારી જેમ અહીં આવી ગયા હશે.’ એવું મેં ધારી લીધું. પણ, મારી આ માન્યતાને ત્યારે ધક્કો પહોંચ્યો કે જ્યારે એક સ્પર્ધક બહેને બહુ જ ઊંચા સ્વરથી ગીતનો ઉપાડ કર્યો કે મારી બાજુમાં બેઠેલા ડૉક્ટર અરવિંદભાઈએ ધીમેથી મારા કાનમાં કહ્યું, ‘ગીતનો ઉપાડ ખોટી રીતે થયો છે. કાળી પાંચમાં ગાનારે પોતાના સ્વરને તાર-સપ્તક સુધી લંબાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. સૂર તૂટવાનો પૂરેપૂરો સંભવ છે….’

એ પછી તો સ્પર્ધામાં રજૂ થતાં ગીતો સાંભળતાં સાંભળતાં, ડૉક્ટર તાનપલટાની, ફિરતની અને મુરકીની લઢણ સુધી જે જે વાતો મને કહી, એમ એમ એમના શાસ્ત્રીય સંગીતના ઊંડા જ્ઞાનની ઝાંખી થવા લાગી. ઈન્ટરવલમાં ચા પીતાં પીતાં એમણે મારી સાથે ઓડવ જાતિના રાગોની ચર્ચા માંડી, ત્યારે થયું કે સંગીત જેવા વિષયમાં આપણા અધકચરા જ્ઞાનની બાંધેલી મુઠ્ઠી ખોલવા જેવી નથી. એટલે પછી, રાગોની ચર્ચા પરથી હળવેક રહીને હું વાતનો દોર એમની સંગીતસાધના પર લઈ ગયો અને ઈન્ટરવલનો સમય પૂરો કરી નાખ્યો. પણ, એ વખતે મનમાં એક ગાંઠ બાંધી લીધેલી કે આ સંગીતકાર ડૉકટરનો વધુ પરિચય કરવા જેવો ખરો ! સ્પર્ધાના પરીક્ષકગણથી આરંભાયેલો પરિચયનો દોર પછી તો લંબાયો અને અવાર-નવાર ડૉક્ટર અરવિંદભાઈની મુલાકાતો થઈ અને એમને ઘેર જવાનું પણ થયું.

એમના મોટા સંયુક્ત કુટુંબના હવેલી જેવા ઘરમાં ડૉકટરનો ઉપલા માળે એક અલાયદો જ ખંડ હતો. અહીં સંગીતનાં વિવિધ વાજિંત્રો ઉપરાંત લોગ-પ્લેઈંગ રેકોર્ડઝ, સ્ટીરિયો રેકોર્ટ-પ્લેયર, ચારસોથી પાંચસો કેસેટ્સ, મોંઘાં ટેપરેકોર્ડર્સ વગેરે જોઈને એમના સંગીત-શોખની ઝાંખી થઈ ગઈ. વાતવાતમાં પૂછી પણ લીધું કે ડૉક્ટર, તમને સંગીતનો આટલો બધો શોખ છે તો તમારાં પત્નીને પણ….
‘માફ કરજો, હું હજુ અપરિણીત છું.’ ડૉક્ટરે કહ્યું.
લગભગ બેંતાલીસ વર્ષની આયુ ધરાવતા ડૉક્ટરે જ્યારે ‘પરણ્યો નથી’ એવું કહ્યું, ત્યારે માની લીધું કે સંગીતની ધૂનમાં અને યોગ્ય પાત્રના અભાવે કદાચ એ પરણ્યા નહિ હોય. એમના અંગત જીવનમાં વધુ પડતું ડોકિયું કરવું એ શિષ્ટાચારની વિરુદ્ધ હોઈ મેં અરવિંદભાઈને બીજો પ્રશ્ન પૂછ્યો :
‘ડૉક્ટર, સંગીતનો શોખ કેવી રીતે લાગ્યો ? બહુ નાનપણથી જ લગની લાગી હતી કે શું ?’
‘સંગીત એ જરૂરિયાતમાંથી ઊભો થયેલો શોખ છે. નાનપણમાં મિત્રના વાદે વાદે એકાદ-બે સંગીતની પરીક્ષાઓ પસાર કરી હશે, પણ એને શોખ ન કહેવાય. પણ ડૉક્ટર થયા પછી પરાણે પરાણે અપનાવી લીધેલો આ શોખ છે. સંગીતે મને કદી આકર્ષ્યો નથી. એક સાધન તરીકે સંગીત તરફ મારે વળવું પડ્યું…..’

ડૉક્ટરના આ વિધાનમાં મને રસ પડ્યો, એટલે બીજો પ્રશ્ન પૂછી બેઠો.
‘એ કઈ રીતે ?’
ડોક્ટર આ પ્રશ્નથી મૂંઝાયા. એમણે પ્રશ્નને હસી કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ હું વાતનો તંત છોડવા માટે તૈયાર ન હતો, એટલે થોડું થોડું અચકાતાં એ બોલ્યા :
‘તમને એ વાત કહું કે ન કહું એની મને દ્વિધા થઈ છે, એટલે જવાબ આપતાં ડરું છું.’
‘કેમ, કોઈ ખાસ વાત છે ?’
‘છે તો ખાસ-વાત કંઈક અંગત કહેવાય એવી વાત….. તમે છાપાંઓમાં લખો છો એટલે વાત કહેતાં ડર લાગે છે….’
‘ડર રાખવાનું કારણ નથી, ડૉકટર,’ મેં એમને હૈયાધારણ આપતાં કહ્યું, ‘લખનારને પોતાની પણ એક અલગ આચારસંહિતા હોય છે. લખવામાં એક જાતનો વિવેક રાખવો પડતો હોય છે. કોઈને પણ મનદુ:ખ પહોંચે એ રીતે લખવાનો અર્થ શો ? એટલે….’
‘થેંક્યું.’ ડૉક્ટરે નિરાંત અનુભવતાં કહ્યું, ‘જોકે આ વાતને વર્ષો થઈ ગયાં છે એટલે મારે પણ કશી ચિંતા કરવા જેવું નથી….. છતાંયે…..’ વાક્યને અધૂરૂં મૂકી એ એમના ખંડને જોડતી ઓપન-ટેરેસમાં મને લઈ ગયા. અહીં સુંદર મજાનો હીંચકો હતો અને સામે બે-ત્રણ ફોલ્ડિંગ ખુરશીઓ પડી હતી. હીંચકા પર બેઠક જમાવી ડૉક્ટરે કહ્યું :
‘અહીં આવો. અહીં વાત કહેતાં ફાવશે.’
જવલ્લે જ ધૂમ્રપાન કરતા ડૉક્ટરે સિગરેટ સળગાવી વાતનો આરંભ કર્યો.

‘એ વખતે હું પંદર-સોળ વર્ષનો હોઈશ. એ વર્ષોમાં હું એસ.એસ.સી.ની પરીક્ષાઓની તૈયારીમાં પડ્યો હતો…. બાય ધ વે, પહેલાં હું તમને અમારા કુટુંબ વિશે કહી દઉં…. અમારું સંયુક્ત કુટુંબ છે. સંયુક્ત રીતે જ રહેતાં આવ્યાં છીએ અને ટેવાયેલાં છીએ. આજે પણ સૌ ભાઈઓ સાથે જ રહીએ છીએ. ભણતરના અભાવે અમારું કુટુંબ રૂઢિચુસ્ત ગણાય છે….’
‘પણ તમે તો એમ.બી.બી.એસ. થયા છો…….’
‘એક મારા સિવાય’ અને પછી હસીને ડૉક્ટર બોલ્યા, ‘પણ વ્યવહારની બાબતમાં મારી ગણના ન થાય, કારણ કે હું પરણ્યો નથી. અમારા સમાજમાં મારી ખાસ ગણતરી થતી નથી.’
અમે બંને ખડખડાટ હસી પડ્યા.
‘…..હાં, તો હું શું કહેતો હતો ?….. અમારી જ્ઞાતિમાં અમારું કુટુંબ જુનવાણીમાં ગણાય છે….. હું એસ.એસ.સી.માં આવ્યો ત્યારે મોટાભાઈનાં લગ્ન લેવાયાં. ભાભી સરસ મજાની હતી. ગોરી ગોરી અને ગરીબડા સ્વભાવની. ભાભીનું કુટુંબ આર્થિક રીતે અમારા કરતાં ઘણું ઊતરતું એટલે ભાભી કોઈ મોટો કરિયાવર લઈને નહિ આવેલાં. આ કરિયાવરની બાબતમાં મારી બા એમને બહુ જ મે’ણાંટોણા મારતી. પિયરથી કશુંક વધુ લાવવાની ઉઘરાણી કરતી. એના પિતા પાસે આડકતરી રીતે ભાભીની વગોવણી કરી કશુંક આપતા ઉશ્કેરતા, પણ ગરીબ પિતા, મારી મા માગે એટલું થોડું તરભાણું ભરી શકવાના હતા ? છેવટે, એક દિવસ લાગ જોઈ મારી બાએ મારી ભાભીને સળગાવી દીધી…..’

ડૉક્ટર બહુ જ સ્વાભાવિક રીતે વાત કહીને મને એક જબરજસ્ત આંચકો આપી દીધો !
‘ડૉક્ટર, તમે શું કહો છો ?’ ડોક્ટરે કહેલી વાત મનાય એવી ન હતી, ‘તમારી બા….. તમારા ઘરમાં દાખલ થતી વખતે પૂજાની ઓરડી આગળ મારો જેમને તમે પરિચય કરાવેલો…. પ્રસાદનો પડિયો અપાવેલો….?’
‘હા. એ જ મારી બા. એણે મારી ભાભીને સળગાવી દીધી હતી….. હું તમને મારા સંગીતના શોખની વાત કહેતાં જે ડરતો હતો તે આ વાત છે…..’
‘તમને ચોક્કસ ખબર છે, ડૉક્ટર, કે તમારી માએ જ…..’
‘મારી સગી આંખે નિહાળેલી આ ઘટના છે…. એ વખતે હું મેટ્રિકની પરીક્ષાની તૈયારી કરતો હતો. રિસેસ પછી પ્રેક્ટીકલ્સ હતો અને પ્રેક્ટીકલ્સની બુક ઘેર ભૂલી ગયો હતો એટલે એ લેવા ઘેર આવ્યો. એ વખતે ડેલી ખુલ્લી હતી. હું અંદર આવ્યો ત્યારે મેં બાને ભાભીની સાડીમાં દીવાસળી ચાંપતાં જોયેલાં….’

ડૉક્ટરે એક બીજી સિગારેટ સળગાવી.
‘પછી ?’
‘પછી શું ? ભાભી બિચારી ગઈ ! અમારું મોટું સમૃદ્ધ કુટુંબ. વાત દબાઈ ગઈ. એકાદ વરસ પછી મોટાભાઈ ફરી પરણ્યા, એ પછી બીજો ભાઈ અને ત્રીજો ભાઈ પણ પરણ્યો. પરંતુ, ઘરમાં બાનું એકચક્રી રાજ ચાલે. બાની કાતર જેવી જીભ, કટુતાભર્યા વાક્યો અને જોહુકમીના જોર સામે ત્રણેય કુળવધૂઓ દબાયેલી જ રહી. ત્રણેય ભાભીઓ બિચારી આછીપાતળી છાશ જેવી જ થઈને, નિમાણી જેવી બાની ઓશિયાળી બનીને ઘરમાં રહેતી. બાની ધાક ને ત્રાસ જબરજસ્ત હતો……’
ડૉક્ટર અહીં અટક્યા. વીતેલાં વર્ષોનાં દશ્યો કદાચ એમની નજર સામે તરવરતાં હશે.
‘પછી ?’
‘બસ, એ જ વખતે મેં નક્કી કરી લીધું કે મારે પરણવું જ નહિ. આ ઘરમાં આવનારી એક સ્ત્રીને જો એનું શેષ જીવન બાની ત્રાસરૂપી ભઠ્ઠીમાં શેકાઈ શેકાઈને જ વિતાવવાનું હોય, તો બહેતર છે કે પરણવાનું પાપ ન કરવું.’
‘પણ તમે બધા ભાઈઓ આ ઘરથી છૂટા થઈ શક્યા હોત….’
‘એ શક્ય નહોતું.’ ડૉક્ટરે કહ્યું, ‘પિતાજી સદાય અમને ચારેય ભાઈઓને રામ-લક્ષ્મણ-ભરત-શત્રુઘ્ન જેવા ગણતા. એમણે પવિત્ર ગંગાજળ અમારા હાથમાં મૂકી પ્રતિજ્ઞા લેવરાવી હતી કે અમે ચારેય ભાઈઓ ક્યારેય છૂટા નહિ પડીએ. બબ્બે માળવાળી, બાર-બાર ખંડો ધરાવતી આ હવેલી ત્રીજી પેઢી સુધી અમને ટૂંકી પડે એમ નહોતી. એટલે તો આજ દિવસ સુધી સૌ સાથે જ રહીએ છીએ ને !’
‘તમારો આ સંગીતનો શોખ…..’
‘અકસ્માતે જ. હું ડૉક્ટર થયો. મેં મારી ડિસ્પેન્સરી શરૂ કરી. મારો વધુ વખત તો દવાખાનામાં જ પસાર થતો.

એક વખત અમારા સગામાં કોઈનું મરણ થયું. મરનાર વ્યક્તિ પાછળ એમના કુટુંબીજને ભજનમંડળી બેસાડેલી. દરરોજ રાત્રે બાને હું આ ભજનમંડળીમાં લઈ જતો. એક દિવસ કોઈ ભજનિકે માલકૌંસમાં એવી હલકથી ભજન ચગાવેલું કે બા પૂરેપૂરી એ ભજનના લયમાં લીન થઈ ગઈ. એ વખતે મેં બાની આંખના ખૂણામાં અશ્રુબિંદુઓ જોયાં. ભજનની પંક્તિઓ સાથે એકતાન થઈ ગયેલી અશ્રુભીની બાને જોઈ મારા મગજમાં એક વિચાર આવ્યો. બાને કોઈ રીતે વાળવાં હોય તો કદાચ, સંગીત જ એ કરી શકશે. આ વિચાર મનમાં ઘૂંટાઈ ઘૂંટાઈને દ્રઢ થવા લાગ્યો. હવે, હું તો કોઈ સંગીતનો જાણકાર નહોતો. નાનપણમાં સંગીતની એકાદ-બે પરીક્ષાઓ પાસ કરેલી તે જ. કોલેજકાળમાં પણ સિનેમાનાં ગીતો ગાઈને હું ઓડિયન્સને રીઝવી શકતો એટલું જ. આટલી આ નાનકડી મૂડી પર બાના સ્વભાવનું પરિવર્તન કરવાનું મેં નક્કી કર્યું. પેલા ભજનિકે ગાયેલા ભજનની પંક્તિઓ અને હલક મેં તાજી કરી લીધી. બીજે દિવસે વહેલી સવારે મેં હાર્મોનિયમ પરની ધૂળ સાફ કરી એના સૂરોને બેસાડ્યા અને પછી પેલા ભજનનો ઉપાડ કર્યો, અલબત્ત, ધીરા સાદે. નીચે કામ કરતાં બા એ સાંભળી ગયાં હશે તે ઉપર આવ્યાં. થોડું બેઠાં અને પછી મારી સામે હસી, કશું બોલ્યા વિના નીચે ઊતરી ગયાં.

બીજા દિવસે રાત્રે, કેદારમાં મેં એક જે બીજું ભજન બેસાડ્યું હતું તે ગાયું. હું ગાતો હતો ત્યારે બા છાનાંમાનાં ઉપર આવ્યાં અને ઓરડાના ઉંબરે જ બેસીને એ સાંભળવા લાગ્યાં. જ્યારે મેં ભજન પૂરું કર્યું, ત્યારે બા બોલ્યાં, ‘રોયા આવું સરસ દરરોજ ગાતો હો તો ?’ – બસ એ દિવસથી મારો અને બાનો સંગીતનો નાદ વધવા લાગ્યો. મેડિકલ પ્રેક્ટિસની સાથે સાથે સંગીતની પણ પ્રેક્ટિસ કરવા માંડી. દરરોજ રાત્રે મારા મુખેથી બે-પાંચ ભજનો ન સાંભળે ત્યાં સુધી બાને ઊંઘ જ ન આવે. તમે નહિ માનો, એક અભણ, અજ્ઞાન, પ્રૌઢ સ્ત્રી પર સંગીતે કેવી અસર કરી તે ! સંગીતના સ્વરોએ બાના મગજમાં બંધાઈ ગયેલી ગ્રંથીઓને વીણીવીણીને છૂટી પાડી દીધી. સીધીસાદી વાતને જો સંગીતના અમુક સ્વરોમાં વહેતી મૂકીએ તો એ ખૂબ જ અસર કરી જાય છે. મારી બાના હૃદયપલટાની તો એક લાંબી કથા છે, એ તમને અહીં ક્યાં કહેવા બેસું ? પણ, જે ઘરમાં બા એકચક્રી રાજ્ય કરતાં હતાં, એ જ ઘરમાં બા શૂન્યવત બનીને રહે છે. અલબત્ત, ઘરની દરેક વાતમાં બાને બધું પૂછીને જ થાય છે, પણ ધાકથી નહિ, લાડથી. બાનો જ્યારે કોઈ વ્યવહારની બાબતમાં અભિપ્રાય લેવામાં આવે, તો ખુદ બા જ બોલે છે. અલી વહુઓ, ઘરનો ચાવીનો ઝૂડો સોંપી દીધા પછી શાની પૂછપરછ કરો છો ? શીખશો ક્યારે ? આ ઘરની આબરૂ હવે તમારે સાચવવાની છે. હું તો આ ઘરમાં નથી જેવી છું. હું ભલી ને મારી ઓરડી ભલી….’

‘બા હવે ઘરમાં જરાયે માથું નથી મારતાં ?’
‘જરા પણ નહિ ! સવારે વહેલાં ઊઠી સેવાપૂજામાં લાગી જાય તે ત્રણ કલાક થઈ જાય. પછી પ્રસાદ લઈ ઓશરીના હીંચકે બેસે. વારાફરતી સૌ ભાભીઓને પ્રસાદ અને ફૂલ આપી અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપે…. બાને પાણી પીવું હશે તો કોની પાસે માગશે નહિ, જાતે જ પણિયારે જશે. નાહવા જાય ત્યારે પોતાનાં કપડાં જાતે જ ધોઈ નાખે. ભાભીઓ જ્યારે બાને આવું બધું કરવાની ના પાડે, ત્યારે ક્યારેક બા હસીને કહે પણ ખરાં કે મેં તમારાં બધાં પર બહુ જુલમ ગુજાર્યો છે, હવે વધુ પાપનો સંગ્રહ નથી કરવો….. કદાચ, ભૂતકાળમાં કરેલા પાપનો એક ડંખ રહી ગયો હશે તે બા….. સળગાવી મૂકેલી ભાભીના મૃત્યુ દિનને મનમાં યાદ રાખી ઉપવાસ કરી, દાનપુણ્ય કરે છે, અને…..

અને અચાનક વાતને કાપી નાખી ડૉક્ટર હીંચકા પરથી ઊભા થઈ ગયા. ’કેમ શું થયું, ડૉક્ટર ? વાત કેમ કાપી નાખી ?’
‘તમે….. તમે આ બધું લખશો ?’
‘કદાચ લખું.’ મેં હસતાં હસતાં કહ્યું, ‘પણ મારી રીતે…..’ અને મેં ડૉક્ટરની રજા લીધી ને સંગીતકલાનું મનમાં સ્મરણ કરતો ઘરે પહોંચ્યો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચિંતનામૃત – ડૉ. વિક્રમ પટેલ
કવિતાનો સૂર્ય (રવીન્દ્રચરિત) – મહેશ દવે Next »   

22 પ્રતિભાવો : પરાણે સંગીતનો શોખ અપનાવનાર…. – ગિરીશ ગણાત્રા

 1. hardik says:

  ખુબ સરસ લેખ..

  એકદમ અલગ, સત્ય અને જકડી ને બાંધી રાખે અંત સુધી તેવૉ છે ગિરીશભાઈ ની કલમ નૉ કમાલ.

  આભાર,
  હાર્દિક

 2. જય પટેલ says:

  સંગીતના સૂરોનો પ્રભાવ નિષ્ઠુર કાળજાઓને પણ પીગળાવી શકે છે.

  કાશ…..ભારતવર્ષમાં મુગલકાળમાં ઔરંગજેબને પીગળાવનાર કોઈ ડો.અરવિંદ થયો હોત તો
  કેટકેટલી નિંદનીય….અમાનવીય ઘટનાઓ ટાળી શકાઈ હોત…!!

  સંગીત અને વાંચનનો શોખ ના હોય તેવી વ્યક્તિને ટાળવી હિતાવહ છે.

  • Ashish Dave says:

   સંગીત અને વાંચનનો શોખ ના હોય તેવી વ્યક્તિને ટાળવી હિતાવહ છે.

   Well said Jaybhai…

   Ashish Dave
   Sunnyvale, California

 3. ખુબ જ સુંદર.

  કોઇ કળા માણસના જીવનને સારી દિશામાં જ વાળી શકે છે…કાશ દરેક વ્યક્તિ આવી કોઇ ને કોઇ કળા અપનાવે તો ખોટી ઘટનાઓ આપોઆપ બંધ થઇ જાય.

 4. shruti says:

  too good story…. as always… congratulations girish bhai… for giving such a wonderful story… n to mrugesh bhai too…..

 5. જીતેન્દ્ર તન્ના says:

  ખુબ સરસ. ગીરીશભાઈ એટલે ગીરીશભાઈ.

 6. જગત દવે says:

  સંગીતનાં શોખનું કારણ ઘણું જ દર્દનાક પણ અંત દર્દશામક. છતાંએ દિલમાં ઊંડે ઊંડે ડો. અરવિંદના ભાભી માટે એક ટીસ રહી જાય છે અને ડોક્ટર સાહેબ ના બા ને મારું દિલ માફી નથી આપી શકતું.

  ગિરીશભાઈ એ હળવી શૈલીમાં એક બહુ જ ગંભીર પ્રસંગની અંત સુધી જકડી રાખતી રજુઆત કરી છે તે તેમની કલમનો કમાલ છે.

  આભાર મૃગેશભાઈ….સરસ કૃતિ પસંદ કરી છે.

 7. Pankita Bhavsar says:

  Awesome!! Girishbhai is always amazing.

 8. Namrata says:

  Great story from great author. Thank you Mrugeshbhai.

 9. Sweta Patel says:

  શરુઆત મા લાગતુ હતુ કે હાસ્યલેખ છે પણ જ્યારે લેખ વાન્ચિ લિધો ત્યારે હ્યદય ભરાઈ આવ્યુ.

  એકદમ અલગ પરન્તુ હકિકત, પણ આશા સાથે કે આજ ના જમાના મા આવિ સાસુઓ ના હોય.

  મને લાગે છે ત્યા સુધિ હવે તો ” સાસ ભિ કભિ બહુ થિ” સમજિ ને તે પેહલા જેવિ સાસુ નુ વલણ નથિ રાખતિ, વહુ ને સાસરિ મા દિકરિ નુ સ્થાન મળે છે. અને જો વધારે રુઢિચુશ્ત સાસરિ હોય તો પણ વહુ તરિકે તો સ્ત્રિ ને સ્થાન મળે જ છે.

  લોકો વધુ સારા બનતા જાય છે. દરેક ને સયુક્ત પરિવાર નુ મહત્વ સમજાયુ છે.
  ડોક્ટર ને અભિનન્દન તેમના ઉમદા વિચારો માટે.

  લેખક ને આભાર , અને આભાર મૃગેશભાઈ….

 10. Veena Dave. USA says:

  ખુબ સરસ.
  આભાર, શ્રી ગિરીશભાઈ.

 11. Ramesh Desai. USA says:

  ખુબ સરસ. આ વારતા વાંચી ધણી બધી બા સુધરે તેવી પ્રાથના અભિન્ંદન.

 12. Pravin V. Patel [ Norristown, PA USA ] says:

  સંગીતના સુર અસુરને પણ સુર બનાવે, એવો એનો જાદુ છે.
  ડૉક્ટરની સાધનાને ધન્યવાદ.
  કુટુંબનું બેસુરુ વાજિંત્ર સુરીલું બન્યું.
  ગિરીશભાઈને હાર્દિક ધન્યવાદ.

 13. સરસ વાર્તા
  પણ ડોક્ટરે જ્યારે માને વહુને સળગાવતા જોયા ત્યારે જ કંઈ કરવું જોયતું હતું એમ નથી લાગતું?
  માના વર્તનને કારણે પોતે લગ્ન ન કરવા એ કંઈ રસ્તો ન્હોતો.

  વળી જે (જાલિમ)મા સંગિતથી પીગળી ગઈ એને એના ગેરવર્તનની યોગ્ય રજુઆત, યોગ્ય સમયે, યોગ્ય સંતાન દ્વારા કરાત તો પીગળી જાત. સુધરી જાત.

  આખી જિંદગી કુંવારા રહી સંગિત સાધના (મજબુરીથી) કરી એને બદલે એક સીધી વાત માને ન કરી શકે એ સંતાન/પુત્રની વાત મને તો ગળે ન ઉતરી…

  • જય પટેલ says:

   શ્રી નટવરભાઈ

   આપના મત સાથે અંશતઃ સંમત છું.
   આપે જો અને તો ની રજુઆત કરી છે અને તેનો તોડ નથી.

   જીવનમાં જડ માણસોનું માનસ પરિવર્તન કરવું ઘણીવાર અઘરૂં અને અશક્ય હોય છે.
   ડોકટર સાહેબે સંગીતના સૂરોના પ્રભાવથી જડને ચેતનમાં પરિવર્તિત કર્યું એ સિધ્ધિ જ કહેવાય.
   પશ્વિમના દેશોમાં કોમામાં સરી ગયેલા દર્દીઓને સંગીતના સૂરોથી સાજા કર્યાના અનેક દાખલા છે.

   હા…માતાએ જ્યારે ભાભીને અગ્નિને સ્વાહા કર્યા ત્યારે ડોકટર સાહેબ મૂક દર્શક બન્યા તે માફ કરી શકાય તેમ નથી.
   સંગીત સાધના માટે અપરણિત રહેવું પણ જરૂરી નથી.

   • Veena Dave. USA says:

    શ્રી નટવરભાઈ અને શ્રી જયભાઈના વ્યુ સાથે સંમત.
    ડોક્ટર પરણીને કોઇનુ જીવન આબાદ કરી શક્યા હોત્…
    સાસુનુ સ્ત્રીરુપ કેટલુ ભંયકર છે મન ડોક્ટરની માતાને માફ કરવા તૈયાર નથી.

  • Jayesh says:

   નતવરભાઈ, તમારી જૅમ મનૅ પણ આ વાત ગળૅ ન ઊતરી. માણસ નૅ જીવતા સળગાવી દૅનાર વ્યકિત ના સંગીતના સુરોથી થતા ર્હદયપલટામાં વાસ્તવિકતા કરતા કલ્પનાના રંગૉ વધારૅ લાગૅ છે. It is more dramatic than real.

 14. nayan panchal says:

  ગિરીશભાઈની કલમની ધાર રજૂ કરતી વધુ એક વાર્તા.

  જીવનમાં કેટલીક પળો એવી આવે છે કે જે આખા જીવનની દિશા બદલી નાખે છે. અહીં તો વાલિયામાંથી વાલ્મિકી થવાની વાત છે. ડોક્ટરના માતાજીનુ કાર્ય અત્યંત ક્રૂર, અધમ શ્રેણીમાં આવે છે પરંતુ આપણે કોણ તેને તોલવાવાળા…

  કર્મના સિધ્ધાંત પ્રમાણે તે કાર્યનુ ફળ તો તેમને મળશે જ, હવે તેઓ પુણ્ય જમા કરે છે તે આવકારવા લાયક વાત છે.

  સંગીતની મહિમાને રજૂ કરતી સુંદર વાત.

  આભાર,
  નયન

 15. Nishant Desai says:

  ખુબ સરસ વાર્તા ગિરિશ ભાઈ. હુ તમારેી વાર્તા હમેશા વાચુ છું અને વાચતો રહિશ.

  શ્રી નટવરકાકા, આમ તો હુ તમારા થિ ઘનો નાનો છું પણ મે એવા ઘણ પરિવાર જોયા છે જયા આજે પણ ફક્ત સાસુ નુ જ રાજ ચાલે છે.

 16. keval says:

  સરસ વાર્તા છે ગિરિશ ભાઈ.

 17. Vraj Dave says:

  શ્રી ગિરીશભાઇની વાર્તા નો મર્મ શુંદર છે.માં જ્યારે સાસુ બને છે ત્યારે તેનું સ્વરુપ અલગ જ હોય છે,અપવાદ હસે ના નથી,પણ મોટાભાગે રીબામણી વહુની કરે જ છે. કેટલા પતિ અગર ઘરના મોભી પ્રતિકાર કરે છે તે દિલને પુછવું પડે.અને એસ.એસ.સી નો છોકરો તેનું ગજું કેટલું?
  આનો અંત નથી.
  સહુ નો આભાર.
  વ્રજ દવે

 18. Ashish Dave says:

  Late Shri Girishbhai is always fun to read. Nicely written story.

  Ashish Dave
  Sunnyvale, California

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.