કવિતાનો સૂર્ય (રવીન્દ્રચરિત) – મહેશ દવે

[ કવિવર શ્રી રવીન્દ્રનાથ ટાગોરના સમગ્ર જીવનપ્રવાહને આવરી લેતું જીવનચરિત્રાત્મક પુસ્તક ‘કવિતાનો સૂર્યમાંથી’ એક પ્રકરણનો કેટલોક અંશ સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે આદરણીય શ્રી મહેશભાઈ દવેનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9427606956. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 044રવીન્દ્રનાથ હવે બાવીસ વર્ષના થવા આવ્યા હતા. ટાગોરકુટુંબની પરંપરા મુજબ તો તેમનાં લગ્ન ક્યારનાં થઈ ગયાં હોત, પણ વિવિધ કારણોને લઈને એમનું લગ્ન લંબાયું હતું. પિતા મહર્ષિ દેવેન્દ્રનાથ મોટે ભાગે હિમાલયમાં ધર્મ-ધ્યાનમાં મગ્ન રહેતા. સૌથી મોટાભાઈ દ્વિજેન્દ્રનાથ ધૂની હતા, સંસાર-વ્યવહારની બાબતમાં એમને જરાય રસ નહીં. સત્યેન્દ્રનાથ સરકારી નોકરીમાં ગામ-પરગામ ફરતા રહેતા અને જ્યોતિરીન્દ્રનાથ અનેક કામોમાં વ્યસ્ત. વચ્ચે દોઢ-બે વર્ષનો રવીન્દ્રનાથનો સમય અભ્યાસ માટે પરદેશ-ગમનમાં ગયો, પણ હવે કુટુંબમાં એમના લગ્ન માટેનો આગ્રહ વધી પડ્યો હતો.

આમ તો રવીન્દ્રનાથ રોમેન્ટિક યુવાન હતા. પ્રેરણા આપી શકે તેવો નાજુક, મુલાયમ અને રસિક સંબંધ એમને ગમે, પણ કુટુંબનાં રીત-રિવાજોથી તે અજાણ નહોતા. સંકુચિત-મર્યાદિત બ્રાહ્મણ-ગોળમાં જ પરણવાનું, અત્યંત નાની વયની અબુધ કન્યાને વરવાનું. ભણેલી કે સાહિત્ય-સંગીત-રસિક પત્ની મળે એવો અવકાશ સાવ નહીંવત હતો, એટલે જ કદાચ રવીન્દ્રનાથ લગ્ન માટે ઉત્સુક નહોતા. અવનીન્દ્રનાથે ‘ઘરોયા’માં લખ્યું છે : ‘રબીકાકા પરણતા નહોતા. બધાં જ કહેતાં કે લગ્ન કર… હવે લગ્ન કરી નાખ…., પણ રબીકાકા માનતા નહોતા. નીચું જોઈ મૂંગા-મૂંગા બેસી રહેતા.’

રવીન્દ્રનાથ ઈંગ્લૅન્ડ હતા ત્યારે મુંબઈના આત્મારામ તરખુડ કલકત્તા આવ્યા હતા. સાથે તેમની પુત્રી ઍના હતી. આત્મારામ ખાસ્સા સુધારાવાદી હતા. તેમણે ઍનાને ભણાવી હતી, એટલું જ નહીં, પરદેશમાં પલોટી હતી. તેમને નાત-જાતના ભેદ નડતા નહોતા. ઍના શિક્ષિત સંસ્કારી યુવતી હતી. સાહિત્ય અને સંગીતમાં તેને સાચુકલો રસ હતો. પશ્ચિમના દેશોની રીતભાત શીખવાનો અવસર આ આધુનિક સુંદર યુવતીને મળ્યો હતો. રવીન્દ્રનાથ તરફની ઍનાની લાગણી સ્પષ્ટ હતી. રવીન્દ્રનાથે આપેલું સાહિત્યિક નામાભિધાન ‘નલિની’ એણે કેટલાંય વર્ષો સુધી જાળવેલું. તેના એક ભત્રીજાનું નામ તેણે ‘રવીન્દ્ર’ પાડેલું. આત્મારામ કલકત્તા આવ્યા ત્યારે તેમણે દેવેન્દ્રનાથની મુલાકાત લીધી હતી. આત્મારામે ઍના માટે રવીન્દ્રનાથની વાત છેડી હોવાની અટકળ છે, પણ દેવેન્દ્રનાથ ધર્મની બાબતમાં ભલે ગમે તેટલા સુધારક હોય, સામાજિક વ્યવહાર અને રીતરિવાજ બાબતમાં રૂઢિચુસ્ત હતા. પરપ્રાંતની કન્યા પુત્રવધૂ તરીકે સ્વીકારવાનું દેવેન્દ્રનાથના લોહીમાં નહોતું. ઍના જેવી પત્નીએ રવીન્દ્રનાથના જીવનને કેવો વળાંક આપ્યો હોત તેવી કલ્પના કરવી નિરર્થક છે. દરેક નવો ઉકેલ તેની પોતાની નવી સમસ્યા પણ લાવી શકે છે. જે હોય તે, પણ હવે રવીન્દ્રનાથને પોતાના કુટુંબના રિવાજ મુજબ ઝટ પરણાવી દેવાની દેવેન્દ્રનાથને ઉતાવળ હતી.

સપ્ટેમ્બર 1883માં દેવેન્દ્રનાથે ખાસ પત્ર લખી રવીન્દ્રનાથને પોતાની પાસે પર્વતમાળામાં બોલાવ્યા. દેવેન્દ્રનાથે રૂબરૂમાં શું કહ્યું હશે તેનો કોઈ આધાર નથી, પણ તે પછી ત્રણ જ અઠવાડિયાંમાં રવીન્દ્રનાથ માટે વધૂની પસંદગી થઈ ગઈ અને લગ્ન લેવાયાં. દેવેન્દ્રનાથનાં સ્વર્ગસ્થ પત્નીનાં મોટાં કાકીએ જેસોરના પીરાલી બ્રાહ્મણ વેણીમાધવ ચૌધરીનું ઘર બતાવ્યું હતું. વેણીમાધવ ટાગોરકુટુંબના જેસોર એસ્ટેટમાં કર્મચારી હતા. તેમની દસ વર્ષની, દૂબળી-પાતળી, દેખાવે સામાન્ય અને લગભગ નિરક્ષર એવી પુત્રી ભવતારિણીને રવીન્દ્રનાથનાં ભાભીઓએ પસંદ કરી. રવીન્દ્રનાથ ભાવિ વધૂ જોવા પણ નહોતા ગયા. એમણે ભાભીઓને કહી દીધું હતું, ‘તમારે જે કરવું હોય તે કરો, મારે એમાં કશું કહેવાનું નથી.’ રવીન્દ્રનાથ નવા વિચારોના પુરસ્કર્તા હતા. તેમણે અને ટાગોરકુટુંબે ઘણા ધાર્મિક અને સામાજિક સુધારા અપનાવેલા. સાહિત્યના ક્ષેત્રે રવીન્દ્રનાથે હિંમતભેર નવા પ્રયોગો કર્યા હતા. તેમના લેખો અને નિબંધોમાં તેમણે નીડર આધુનિક વિચારો મૂકેલા, પણ પોતાનાં લગ્નના વિષયમાં તેમનું વલણ સાવ મોળું રહ્યું. તેમનાથી બાર-તેર વર્ષ નાની, કાચી વયની, સીધી-સાદી ગ્રામ-બાલિકા તેમણે જરાય આનાકાની વગર સ્વીકારી લીધી. તેની પાછળ કદાચ પિતા દેવેન્દ્રનાથનું વજન કામ કરી ગયું લાગે છે. રવીન્દ્રનાથને મહર્ષિ પિતા પ્રત્યે અપાર આદર હતો. તેમને તે અહોભાવથી જોતા. તેમની આમાન્યા રવીન્દ્રનાથ ઉથાપે નહીં.

લગ્ન ઝડપથી લેવાયાં અને સાદાઈથી ઊજવાઈ ગયાં. સામાન્ય રીતે લગ્નવિધિ છોકરીવાળાને ત્યાં થાય, તેને બદલે ખાસ કશી મોટી ધામધૂમ વગર લગ્ન જોડાસાંકોના ઘરે ઉકેલાયું. કન્યાનું પિયરનું નામ હતું ‘ભવતારિણી’. મોટાભાઈ દ્વિજેન્દ્રનાથે સાસરવાસનું નવું નામ આપ્યું ‘મૃણાલિની’. રવીન્દ્રનાથે ‘જીવનસ્મૃતિ’માં ઘણીઘણી બાબતો વિષે વિસ્તારથી લખ્યું છે, પણ તેમનાં લગ્ન વિષે ફક્ત એક જ વાક્ય લખ્યું છે : ‘કારાવારથી આવ્યા પછી થોડા જ સમયમાં 9-12-1883ના દિવસે મારાં લગ્ન થયાં, ત્યારે મારે ઉંમર બાવીસ વર્ષની હતી.’ એ સિવાય લગ્ન કે મૃણાલિનીદેવી વિષે ક્યાંય કશો ઉલ્લેખ નથી. લગ્ન પછી મૃણાલિનીદેવી એકાદ મહિનો જોડાસાંકોના ઘરે રહ્યાં. તે પછી ચૌરંગી નજીકના બીરજી તળાવના પોતાના ઘરે જ્ઞાનનંદિનીદેવી તેમને લઈ ગયાં. રવીન્દ્રનાથને પણ સાથે લીધા. મૃણાલિની લૉરેટો ઈંગ્લિશ સ્કૂલમાં અભ્યાસ કરે તેવું જ્ઞાનદાનંદિનીએ ગોઠવ્યું હતું. જ્ઞાનદાનાં પુત્રી ઈન્દિરા પણ તે જ શાળામાં હતાં. મૃણાલિની ઈન્દિરાની જેમ આધુનિક કેળવણી મેળવે તથા સાહિત્ય, સંગીત, કળા વગેરેમાં રસ કેળવે, તેવું જ્ઞાનદાનંદિની ઈચ્છતાં હતાં. રવીન્દ્રનાથે પણ મૃણાલિનીને સાહિત્ય-સંગીતમાં રસ લેતાં કરવા પ્રયત્નો કરેલા, પણ જ્ઞાનનંદિની તેમજ રવીન્દ્રનાથ સફળ ન થયાં. મૃણાલિની ઝાઝું ભણ્યાં નહીં, સાહિત્ય અને કળા જેવા ઈતર રસ કેળવી શક્યાં નહીં. જોકે મૃણાલિની સારાં ઘરરખ્ખુ પત્ની બની રહ્યાં. કુટુંબમાં તે સારી રીતે ભળી ગયાં. કુટુંબમાં બધાં તેમનાથી પ્રસન્ન હતાં. તેમણે રવીન્દ્રનાથને સંભાળ સારી રીતે રાખી, પાંચ સંતાનો આપ્યાં. શાંતિનિકેતન માટે રવીન્દ્રનાથને નાણાભીડ હતી ત્યારે તેમણે તેમના સર્વ ઘરેણાં વિના સંકોચે કાઢી આપ્યાં હતાં. જીવ્યાં ત્યાં સુધી મૃણાલિની પતિની પડખે રહ્યાં.

લગ્ન પછી ત્રણેક મહિના બાદ રવીન્દ્રનાથનો નવો કાવ્યસંગ્રહ ‘છબિ ઓ ગાન’ (ચિત્રો અને ગીતો) પ્રગટ થયો. કારવારથી આવ્યા પછી રવીન્દ્રનાથ જ્ઞાનદાનંદિનીના ચૌરંગી નજીકના ઘરે રહ્યા હતા. તે ઘરની દક્ષિણે મોટી ‘બસ્તી’ (ઝૂંપડપટ્ટી) હતી. તે વાસમાં ગરીબ-ગુરબાં, મજૂરો, કારીગરો અને નબળા વર્ગના લોકો રહેતા. ઘરની બારીએથી રવીન્દ્રનાથ તે દિશામાં નિહાળી રહેતા – બિસમાર આવાસો, સાંકડા રસ્તા, ગીચ વસ્તી અને કંગાળ લોકો નજરે પડતા. જનજીવનનાં એ ચિત્રો રવીન્દ્રનાથના દષ્ટિ-કેમેરામાં ખેંચાતાં રહ્યાં. ‘પીંછી વડે ચીતરી શકતો હોત તો રેખા અને રંગ વડે આકુળ મનની દષ્ટિ-સૃષ્ટિ ચિત્રોમાં બાંધી રાખવા પ્રયત્ન કરત, પણ એ ઉપાય હાથમાં નહોતો.’ એટલે રવીન્દ્રનાથે એ ચિત્રો ગીતોમાં ઉતાર્યાં, તેથી જ સંગ્રહનું નામ: ‘છબિ ઓ ગાન’. સ્નિગ્ધ માધુર્યથી રવીન્દ્રનાથે વિગતપૂર્ણ અને ઉઠાવદાર શબ્દચિત્રો દોર્યાં છે. ‘છબિ ઓ ગાન’માં મોટે ભાગે જનસાધારણનાં સુરેખ શબ્દચિત્રો છે. તે ઉપરાંત થોડાંક બીજા પ્રકારનાં કાવ્યો પણ છે. તેમાં ‘રાહુર પ્રેમ’નામનું કાવ્ય ઉલ્લેખનીય છે. તે કાવ્યમાં ઉત્ક્ટ પ્રેમનો બળવાન સ્વામી-ભાવ (possessiveness) તારસ્વરે વ્યક્ત થયો છે. પુરાણસાહિત્યમાં રાહુ અસુર તરીકે ચીતરાયો છે. શરીર વિનાનો આ ગ્રહ ચંદ્રને એટલી ઉત્કટતાથી ચાહે છે કે ક્યારેક તેને ગળી જાય છે ને ગ્રહણ થાય છે. રાહુ ચંદ્રને ઉદ્દેશીને કહે છે :

કાળના પ્રારંભથી હું જ છું તારો કાયમનો સાથી
કારણ કે હું છું તારો જ પડછાયો.
તારા હાસ્યમાં કે તારાં અશ્રુઓમાં,
ક્યારેક આગળ, ક્યારેક પાછળ,
નિહાળશે તું તારી આસપાસ ઘૂમરાતી
મારી જ કાળી છાયા.
ઘોર અંધારી મધરાતે
બેઠી હશે તું એકાકી ને દુ:ખી જીવે
તારા મોં સામે તાકી, ત્યારે બેઠો હોઈશ હું
એટલો નજીક કે ચમકી ઊઠશે તું.

ફરે ભલે તું ગમે તે દિશામાં
તારી સામે ને સામે જ હોઈશ હું
છવાયેલી આકાશમાં ને પથરાયેલી છે પૃથ્વી પર મારી છાયા,
પડઘા સંભળાશે મારી કરુણ ચીસો ને ક્રૂર અટ્ટહાસ્યના સર્વત્ર
કારણ કે હું છું અતૃપ્ત બુભુક્ષા ને વણછીપી તૃષા.
તારા વક્ષમાં છરીની જેમ, ચિત્તમાં વિષની માફક
ને તારા અંગમાં વ્યાધિરૂપે
સદાસર્વદા હાજરાહજૂર છું હું.

આતંકની જેમ દિવસે ને દુ:સ્વપ્ન માફક રાત્રીએ
હું કરીશ તારો પીછો.
દુષ્કાળમાં જીવતા હાડપિંજર જેવો હું
હાથ લંબાવી-લંબાવી યાચના કરીશ, ‘મને આપ’, ‘મને આપ’
શૂળની જેમ ભોંકાઈ રહીશ તારામાં દિવસ ને રાત,
અભિશાપની જેમ તને પજવતો રહીશ.
રાતની પાછળ દિવસ અને ભીતિની પાછળ આશા
તેમ નિયતિની માફક પાછળ પડીશ તારી.

રવીન્દ્રનાથે ‘છબિ ઓ ગાન’ સંગ્રહ કાદમ્બરીદેવીને અર્પણ કર્યો હતો. તે સંગ્રહ ફેબ્રુઆરી, 1884માં પ્રગટ થયો. તેના બે જ મહિનામાં, રવીન્દ્રનાથનાં લગ્ન પછી ચાર જ મહિનામાં, 19-04-1884ના દિવસે આઘાતજનક દુર્ઘટના સર્જાઈ. કાદમ્બરીદેવીએ અફીણ ઘોળ્યું હતું. ઉત્તમ દાકતરોએ સારવાર કરી, પણ 21-04-1884ના દિવસે કાદમ્બરીદેવીનું કરુણ મૃત્યુ થયું. દેવેન્દ્રનાથે તેમની તમામ શક્તિ કામે લગાડી. કોરનેર કોર્ટ બેઠી, મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાંથી બચાવી શકાયો, છાપામાં ચકચાર થતી રોકી શકાઈ. કુટુંબના હિસાબી ચોપડામાં નોંધ જોવા મળે છે : ‘રૂ. 52/- મૃત્યુના સમાચાર છાપામાં આવતા દબાવી દેવા માટે થયેલો ખર્ચ !’ જૂન 1883થી કાદમ્બરીદેવી શરીરે અસ્વસ્થ હતાં. કદાચ તેઓ મનોદબાણ ને વિષાદથી પીડાતાં હતાં. રવીન્દ્રનાથનાં લગ્ન માટે કન્યા જોવાનું પુરજોશથી ચાલતું હતું. જ્યોતિરીન્દ્રનાથ નાટકો લખવા ને ભજવવામાં ગરકાવ હતા. નટીઓ સાથે તેમને મીઠા સંબંધો હતા. એ ઉપરાંત જ્યોતિરીન્દ્રનાથે ‘સ્ટીમશિપ’ કંપની શરૂ કરવા ધાર્યું હતું. જ્ઞાનદાનંદિની તેમના સહકારમાં હતાં. તેમને ત્યાં જ્યોતિરીન્દ્રની અવરજવર વધી હતી. રવીન્દ્રનાથ પણ હમણાં જ્ઞાનદાનંદિનીને ત્યાં રહેતા હતા. કાદમ્બરીદેવી ઘરનાં બીજા સાથે અતડાં રહેતાં. તેમના સાહિત્ય અને સંગીતના શોખનો બીજાઓ સાથે મેળ નહોતો. લગ્નને પંદર વર્ષ થયાં, પણ કાદમ્બરીદેવી હજી વંધ્યા હતાં. તેમની એકલતા વધતી જતી હતી. કુટુંબના સામાયિક ‘ભારતી’નો વહીવટ હવે સ્વર્ણકુમારીદેવીના હાથમાં હતો. તેમાં હવે કાદમ્બરીને કોઈ ગણતું નહોતું. ઉપેક્ષિતા હોવાનો તીવ્ર ભાવ કાદમ્બરીદેવીમાં વધતો જતો હતો. રવીન્દ્રનાથનાં લગ્ન થયાં ત્યારે પણ તે માંદાં હતાં. લગ્ન પછી રવીન્દ્રનાથ અને મૃણાલિની જ્ઞાનદાનંદિનીને ત્યાં રહેવા ચાલ્યાં ગયાં. દરમ્યાન કાદમ્બરીદેવીએ પોતાની કરીને ઉછેરેલી સ્વર્ણકુમારીની પાંચ વર્ષની બાલિકા ઊર્મિલા તેમના ખંડમાંથી નીચે ઊતરતાં દાદર પરથી ગબડી અવસાન પામી. કારુણ્યનો પ્યાલો છલોછલ થઈ ગયો. જ્યોતિરીન્દ્રનાથની નવી સ્ટીમર બંધાઈ ગઈ હતી. સ્ટીમર પર જ તે માટે મિજબાની હતી. જ્યોતિરીન્દ્રનાથ લેવા આવવાના હતા, પણ આવી શક્યા નહીં. તે જ રાતે કાદમ્બરીદેવીએ આપઘાત કરવા અફીણ પી લીધું.

કાદમ્બરીદેવીના અચાનક મૃત્યુથી રવીન્દ્રનાથ ઉપર વજ્રઘાત થયો. આ પહેલાં તેમણે માતાનું મૃત્યું જોયું હતું, પણ ત્યારે તે બાળક હતા. માતા સાથે આત્મીયતા ઓછી હતી અને મૃત્યુ વિષે ઝાઝી સમજણ નહોતી. ‘ચોવીસ વર્ષની વયે મૃત્યુ સાથે જે સામનો થયો તે કાયમનો રહ્યો. તેની સ્મૃતિ ત્યાર પછીના પ્રત્યેક મૃત્યુશોક સાથે લાંબી અશ્રુમાળા રચતી રહી.’ કાદમ્બરીદેવી રવીન્દ્રનાથ કરતાં ત્રણેક વર્ષ મોટાં હતાં. માતાના મૃત્યુ પછી તેમણે જ વાત્સલ્યપ્રેમ આપ્યો હતો. હેત અને જતનથી તેમણે જ રવીન્દ્રનાથને ઉછેર્યાં હતા. કિશોરવયમાં તેમણે સખ્ય પૂરું પાડ્યું હતું. રવીન્દ્રનાથમાં સાહિત્ય અને સંગીતપ્રીતિ ખીલવવામાં તેમનો ફાળો મોટો હતો. તેમને પ્રોત્સાહન અને પ્રેરણા પૂરાં પાડ્યાં હતાં. કાદમ્બરીદેવી વિષે ‘છૅલેબૅલા’ અને ‘જીવનસ્મૃતિ’માં રવીન્દ્રનાથે ઘણી વાતો આલેખી છે. તેમના મૃત્યુ વિષે લખ્યું :

‘મોટા-મોટા મૃત્યુને એક બાજુ મૂકી બાળવય સહજપણે આગળ ને આગળ દોડી જાય છે, પણ મોટી વયે મૃત્યુને એ રીતે બાજુએ રાખી સહેલાઈથી ચાલ્યા જવાતું નથી…. હાસ્ય અને રુદનના પરિચિત તાણાવાણાથી જીવન સર્જાયું છે. તેને વળગીને હું ચાલી રહ્યો હતો. તેમાં ગાબડું પડી શકે તેનો ખ્યાલ જ નહોતો. જીવનની પાર કશું દેખાતું નહોતું. જીવનને જ મેં અંતિમ માની લીધું હતું. એકાએક મૃત્યુએ આવી મોટું બાકોરું પાડ્યું. હું દિગ્મૂઢ થઈ ગયો. બીજું બધું જેમનું તેમ રહ્યું – વૃક્ષો, ધરતી, જળ, સૂર્ય અને તારા નિશ્ચિત સત્ય જેવા પહેલાંની જેવાં જ કાયમ હતાં; પણ તેમના જેવી જ, અરે, તેમનાથીય વિશેષ સત્ય હતી જે, મારા અસ્તિત્વના કણકણમાં જેનો સ્પર્શ હતો – ફક્ત તે જ વ્યક્તિ હવે નહોતી. એક સ્વપ્નની જેમ તે અદશ્ય થઈ. આ વિકારાળ વિરોધાભાસે મને મૂંઝવણથી સ્તબ્ધ કરી મૂક્યો.’

જીવનસંગાથી તરીકે મૃત્યુની ઘટના રવીન્દ્રનાથ સાથે સદાસર્વદા ચાલતી રહી. એક પછી એક અનેક સ્વજનોનાં મૃત્યુના આઘાત તે સહેતા રહ્યા. મૃત્યુ વિષે મનનીય ગ્રંથ લખનાર એલિઝાબેથ કુબેર-રોસ માને છે કે મૃત્યુના વિષયમાં રવીન્દ્રનાથ જેટલું ઊંડું મનન કોઈએ કર્યું નથી, પણ કાદમ્બરીદેવીના મૃત્યુનો શોક રવીન્દ્રનાથને જીવનના અંત સુધી સતાવતો રહ્યો. રવીન્દ્રનાથે કાદમ્બરીદેવીને મૃત્યુ પહેલાં પોતાના ચાર અને મૃત્યુ પછી બે ગ્રંથ અર્પણ કર્યા છે. બીજા કોઈને તેમણે આટલા ગ્રંથ અર્પણ કર્યા નથી. પાંસઠ વર્ષની ઉંમરે રવીન્દ્રનાથે ચિત્રો દોરવાનું શરૂ કરેલું. તેમનાં ચિત્રોમાં વારંવાર એક રહસ્યમય સ્ત્રીની મુખાકૃતિ દેખાતી રહે છે. એક મિત્ર-ચિત્રકાર સમક્ષ રવીન્દ્રનાથે કબૂલ્યું હતું. ‘એ રહસ્યમય મુખાકૃતિ કાદમ્બરીદેવીની હોવાનો સંભવ છે. કાદમ્બરીદેવીની તેજસ્વી આંખો સદાય અને ખાસ કરીને ચિત્રો કરતી વખતે મારી સામે હોય છે.’

‘જે પાછું આવી શકતું નથી તેને વીસરી જવાની શક્તિ મનુષ્યને મળેલો મોટામાં મોટો આશીર્વાદ છે.’ શોકની વિષાદગર્તમાં લાંબો સમય સબડ્યા કરે એવું રવીન્દ્રનાથનું વ્યક્તિત્વ નહોતું. શોક શમતો ચાલ્યો. તેમણે લખ્યું :
મિથ્યા છે શોક ને મિથ્યા છે કાતર વિલાપ,
સામે પડ્યો છે યુગયુગાંતરનો વ્યાપ.

અતીતને વિદાય આપતાં તેમણે કહ્યું :

ચાલતો થા, અહીંથી જૂના-પુરાણા સમય !
કેમકે, આરંભી છે નૂતને અવનવી રમત.
ફરી વાગવા માંડી છે વાંસળી
ફરી ગાજવા માંડ્યું છે હાસ્ય
ને વાય છે વાયુ વસંતનો…..

અંધારા બોગદાને અંતે પ્રકાશનો તેજલિસોટો દેખાતો હોય છે. ચારેબાજુના અંધકાર વચ્ચે ક્યારેક-ક્યારેક રવીન્દ્રનાથના હૃદયને આનંદની લહેર સ્પર્શી જતી. તેમને ખૂબ આશ્ચર્ય થતું, પણ પછી તેમને સમજાયું કે જીવન શાશ્વત નથી, તે મોટું આશ્વાસન છે. આપણે જીવનની વાસ્તવિકતા વચ્ચે સદાય બંદીવાન બનીને નથી રહેવાનું, તે દુ:ખની વાત નથી, પણ આનંદના શુભ-સમાચાર છે. મૃત્યુથી જીવન મુક્તિ પામે છે. ‘કાદમ્બરીદેવીના મૃત્યુએ જીવનને દૂરથી અને નિરપેક્ષભાવે જોવાનું શીખવ્યું. જીવનને હું તેની સંપૂર્ણતામાં નિહાળી શક્યો. મૃત્યુના વિશાળ કૅન્વાસ પર જીવનનું ચિત્ર જોયું ત્યારે તે અદ્દભુત સૌંદર્યવાળું લાગ્યું.’ આ સૌંદર્યનું રૂપ કવિના સાહિત્યમાં છલકાતું રહ્યું.

[કુલ પાન : 194. કિંમત રૂ. 130. પ્રાપ્તિસ્થાન : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ. 1-2, અપર લેવલ, સેન્ચૂરી બજાર, આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-380006. ફોન : +91 79 26560504.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પરાણે સંગીતનો શોખ અપનાવનાર…. – ગિરીશ ગણાત્રા
ઑલ ઈઝ વૅલ – મૃગેશ શાહ Next »   

5 પ્રતિભાવો : કવિતાનો સૂર્ય (રવીન્દ્રચરિત) – મહેશ દવે

 1. સુંદર લેખ….રવીન્દ્રનાથ ટાગોર વિશે ઘણુ જાણવા મળ્યુ.

 2. કેતન રૈયાણી says:

  મૃગેશભાઈ,

  આપની રોજિંદા બે લેખોની પસંદગી ખરેખર કાબિલે-દાદ છે. ખૂબ ખૂબ આભાર.

 3. Ashish Dave says:

  Thanks for sharing such a nice article. Gave me more insight into Shri Thakurji…

  Ashish Dave
  Sunnyvale, California

 4. gopi bhatt says:

  Robindronath is my best no 1. favourite author. Thanks for this nice article.

 5. gopi bhatt says:

  please provide more articles of “sri.thahur ”
  gopi bhatt
  auckland
  New Zealand

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.