સંસ્કારનો ઈજારો કોનો ? – વનલતા મહેતા

[‘અખંડ આનંદ’ ડિસેમ્બર-09માંથી સાભાર.]

સમાજકલ્યાણનાં અનેક કાર્યોમાં હું કાર્યરત રહેતી તેમાં પછાત વર્ગની સ્ત્રીઓને થતા અન્યાયના અનેક પ્રશ્નો ઉકેલવા પડતા. મજૂર વર્ગના સાંસારિક ઝઘડા, મુસીબતોની ગૂંચ ઉકેલવાનો સામનો કરવો પડતો. તેથી જ મારા ઘરની સામે બંધાઈ રહેલા ‘ટાવર’ના બાંધકામમાં કામ કરતા મજૂરોનું હું અવલોકન કરતી. આજુબાજુની ફૂટપાથ પર કંતાનના ગાભાથી ઓપતા એમના વૈભવશાળી ફલૅટ, તેમની રહેણી-કરણી જોતી રહેતી, ઘણી વાર આવા નિરીક્ષણમાંથી જ મને એમના ઘણા પ્રશ્નોનો ઉકેલ જડતો. ભોંયતળિયે આવેલા મારા ઘરને લીધે મને આવાં નિરીક્ષણો સહેલાં થઈ પડતાં.

એક દિવસ હું મારા નાનકડા બગીચાને હીંચકે બેઠી હતી, ત્યાં એક મજૂરણ આવી, સુઘડ અને વિવેકી લાગી, નમસ્તે કરતાં બોલી, ‘બહેન, તમને રોજ છાપાં વાંચતાં જોઉં છું, એટલે મને થયું કે તમારી પાસે ઘડીક આવું તો નવાજૂની જાણવા મળે.’
‘આવ બેસ. શું નામ તારું ? ગુજરાતી છો ? ક્યાંથી આવો છો ?’
‘મારું નામ ગુલાબ, અમે વલસાડ બાજુના ખારવા છીએ. હું સુરતમાં જન્મી, ઊછરી અને ફાઈનલ સુધી ભણી છું. મારાં લગ્ન વલસાડ તાલુકાના ખારવા ફકીરા સાથે થતાં, હું સાસરે ગઈ. ત્યાંની વસ્તી બહુ પછાત, ગરીબ અને અજ્ઞાન ખૂબ. મારો વર ખેતમજૂરી કરી એના માબાપ સાથે રહેતો. આમ તો અમે સુખી હતાં. પણ માંડ ગુજરાન જેટલું કમાતાં. હું સુરત જેવા શહેરમાં રહી હતી તેથી આ પછાત ગામમાં ગૂંગળાતી. કારણ મારાં બન્ને બાળકોને ત્યાં ભણવાની કોઈ સગવડ હતી નહીં. ત્યાં ફકીરો ખબર લાવ્યો કે મુંબઈમાં આજકાલ ઊંચાં ઊંચાં મકાનો બહુ બંધાય છે અને મજૂરી પણ સારી મળે છે. તેથી ગામ છોડી એણે મુંબઈ જવાનું નક્કી કર્યું. મને પણ થયું કે બે પૈસા વધુ રળીએ ને શહેરમાં રહીએ તો મારાં છોકરાંઓને હું ભણાવી શકું. તેથી ગામનું ખોરડું વેચી ટિકિટના પૈસા ઊભા કરી, મુંબઈમાં આવી જ મજૂરી કરતા કોકની સલાહે અમે છ જણાં મુંબઈ ભેગાં થયાં. અહીં રહેવાનાં ફાંફાં હતાં. બીજાનું જોઈ અમે પણ ફૂટપાથ પર ઘર વસાવ્યું. ઠીકઠાક નભી જાય છે. પણ બાળકોને ભણાવવાનું મારું સપનું એમ જ રહ્યું. તેથી તમારા જેવાની સલાહ લેવા આવી છું.’

બસ ! મારો ને ગુલાબનો નાતો આમ બંધાયો. એમના રહેવાનું ઠેકાણું નહીં તેથી શાળામાં, તો ક્યાંથી દાખલ કરાય ? એટલે મેં જ એના ચાર વરસના ટેણિયાને તથા સાતેક વરસની મણિને રોજ ભણાવવાનું શરૂ કર્યું. ચીજવસ્તુ, ખાવાનું આપતી, ગુલાબ મારી પાસેથી છાપાં લઈ વાંચતી. હું એમનો સુખી સંસાર જોઈ રહેતી. ઈંટને ઓશિકે પડી રહેતો ફકીરાનો વૃદ્ધ અશક્ત બાપ, અને ઈંટના બનાવેલા ચૂલા પર કાળી ઠણક હાંડલીમાં ઊકળતા પ્રવાહીમાં, રોટલાન બટકાને બોળી પ્રેમથી ડોસાને ખવડાવતી ડોસી ખૂબ જ પ્રસન્ન લાગતાં. ગુલાબ તથા ફકીરો સવારથી મજૂરીએ લાગી જતાં, ડોશી પણ નાનુંમોટું કામ કરી કમાણીમાં ઉમેરો કરતી. બન્ને બાળકો મારી પાસે ભણતાં અને બાકીનો સમય રખડતાં. મજૂરીમાંથી વખત મળે, ત્યારે ‘લન્ચ’ ટાઈમે ફકીરો બજારમાંથી કોઈકનો સામાન ઊંચકી વધુ કમાણી કરવા મથતો. અને ગુલાબ પોતાના કંતાનના શયનખંડમાં મેં આપેલાં છાપાં વાંચતી.

એક દિવસ હું હીંચકે બેઠી હતી ત્યારે મારી નજર બાજુના બહુમાળી મકાનમાં રહેતા સન્નારી પર પડી. એ બહારથી આવી રહ્યાં હતાં. તડકાથી બચવા છત્રી ઓઢી હતી. આંગળીએ બાબો હતો. અને ટોપલામાં ભરચક સામાન ઊંચકી આવતો ફકીરો દેખાયો. એ બહેને વૉચમેનને બૂમ પાડી. પેલાએ દોડતા આવી ફકીરાને માથેથી ટોપલો ઉતરાવ્યો, અને અંદર લિફટ તરફ લઈ ગયો. છત્રી, બંધ કરી, કૅન્ડી ખાતા બાબાની આંગળી છોડાવી, એ સન્નારીએ પર્સ ખોલી મજૂરીના પૈસા ફકીરાના હાથમાં મૂક્યા.
‘બાઈસાહેબ ! એક જ રૂપિયો ? મજૂરીના બે રૂપિયા નક્કી થયા છે.’
‘હવે આપું છું તે લઈ લેને !’
‘આટલા ભારના પાંચ રૂપિયા પણ ઓછા કહેવાય. પણ તમે ખૂબ રકઝક કરી બે રૂપિયા નક્કી કર્યા. મારે આ મકાનની સામે જ ફૂટપાથ પર રહેવાનું હતું, અને ઘેર આવવાની ઉતાવળ હતી, એટલે હું આખરે બે રૂપિયામાં તૈયાર થયો. બાકી આટલો ભાર, કોઈ ઓછી મજૂરીએ નહીં ઉપાડે.’
‘આટલો ભાર વધારે લાગે છે ? શરીર તો ખાસ્સું છે.’
‘બાઈસાબ, મહેનત કરી કમાઉં છું. ભીખ નથી માગતો. ઠેરવેલી મજૂરી આપો, નહીં તો આ રૂપિયો પણ તમે જ રાખો.’
‘ઓહોહો ! ખાવાના તો સાંસા છે ને રોફ તો જુઓ !’

ત્યાં બાબાએ, મકાનની નીચે આવેલી દુકાનમાંથી ઠંડા પીણાની બાટલી લેવા જીદ કરી. બાટલી સાથે સ્ટીકરો મળે છે ને તે ભેગા કરવા. સન્નારીએ ના કહી, એટલે મિજાજમાં બાબાએ લગભગ આખી ચૉકલેટ કેન્ડી રસ્તા પર ફેંકી દીધી, અને માને મારવા લાગ્યો. બાબાને શાંત કરવા માએ દસ રૂપિયાનું પીણું અપાવ્યું. બાટલી પરથી પ્રાણીનું સ્ટીકર કાઢી, બાબાએ થોડુંક પીણું પીધું. અને બાટલી પાછી આપી. પસીનો લૂછતો ફકીરો બોલ્યો :
‘બાઈસાહેબ ! મજૂરી ?’
મોં મચકોડી, પરાણે રૂપિયો કાઢી ફેંકતાં સન્નારી બોલ્યાં : ‘લે ટળ. એક રૂપિયામાં મોટો બંગલો બંધાવી લેવાનો છે ? પૈસા ધૂતવાની ટેવ પડી હોય તે કેમ જાય ?’

પૈસા લઈ ફકીરો બજાર તરફ ગયો. મારી ખાલી પડેલી નજર, એ જ ફૂટપાથ પાસે આવેલા બસ સ્ટેન્ડ પર ગઈ. લાઈનમાં ઊભેલા લોકો પાસે, હાથ ફેલાવી ટેણિયો ભીખ માગતો હતો. એક જણ બોલ્યું : ‘નીકળ અહીંથી, ભીખ માગતાં શરમ નથી આવતી ?’ બીજાએ વેદવાક્ય ઉચ્ચાર્યું : ‘આવડા છોકરા ભીખ માંગી ખાય, નિશાળે જતાં તાવ આવે. દેશમાં, આવા આળસુ ભર્યા હોય, પછી દેશ ઊંચે ક્યાંથી આવે ?’ – એકાદ બે જણે ટેણિયાના હાથમાં સિક્કા મૂક્યા.
‘અરે ! ભીખ આપી, આમ બગાડો નહીં. આ હલકી વરણ દિવસે છોકરાં પાસે ભીખ મંગાવી ખાય. મા-બાપ મજૂરી કરે, રસ્તા પર જ ઘર વસાવી ગંદકી કરે, અને રાત્રે ચોરી કરે. આવાને જોઈ આપણાં છોકરાં પણ બગડે. પણ ફરિયાદ કોને કરવી ?’

મારી નજર ત્યાંથી ગુલાબના ઘરસંસાર પર પડી. ડોસો ઊંઘતો હતો. ડોસી છાપાના ટુકડા કરી ભાણા માટે ગોઠવતી હતી, ત્યાં ફકીરો હાથમાં કેળાં લઈને આવ્યો. ગુલાબ એને જોઈ બહાર આવી અને તરત ભાણા પીરસવા લાગી. ફકીરાએ કેળાં આપતાં ગુલાબને કહ્યું :
‘બધાના ભાણામાં વહેંચી દે. અને આ પૈસા ડબ્બામાંની સિલકમાં મૂકજે. કેટલા ભેગા થયા, ગણતરી રાખી છે ને ? મણિ, મને પાણી આપ, ટેણિયો ક્યાં ગયો ? એણે ખાધું ?’
‘તમારી જ રાહ જોતા હતા. કેળાં ખરીદવામાં, નાહકના પૈસા બગાડ્યા ને ? ઘટકો પડશે.’
‘મરવા દે, બાવડામાં જોર છે કમાઈ લઈશું. આજે તો અખાતીજ છે, તહેવાર કહેવાય ને ! કાંઈ ગળ્યું ખાવા જોઈએ ને ! જો પૈસા ગણીને કહેજે બાપા માટે દવા, બા માટે ગરમ બંડી, ટેણિયા માટે લાંબી પાટલૂન ને મણિ માટે પંજાબી ડ્રેસ લાવવો છે. સાંભળે છે ! સ્ટેશન પાસે ફેરિયો ઊભો રહે છે ને ! તારા અડવા કાન માટે મેં તેની લારીમાં કાનની બુટ્ટી જોઈ રાખી છે. તે લાવવાનો છું…. ચાલ હવે, ટેણિયાને પકડી લાવું. એને કોળિયો ભરાવીશ, ત્યારે મને ચેન પડશે.’

ફકીરો ઊઠ્યો. એની નજરે બસ સ્ટેન્ડ પર ભીખ માંગતો ટેણિયો દેખાયો. છલાંગ મારતો એ દોડ્યો. ટેણિયાને અદ્ધર ઊંચકી એણે પાછા આવી દાદી પાસે ફેંક્યો. સાથે ટેણિયાની મુઠ્ઠીમાંથી પેલા સિક્કા પણ પડ્યા.
‘નાલાયક ! હાથ ભાંગી ગયા છે તે ભીખ માંગે છે ? જો, તું ગુલાબ. શહેરમાં આવી આ ટેણિયો ભીખ માગતા શીખ્યો છે ? તમારે તો એને ભણાવવો હતો ને ? આજે આણે આપણી આબરૂના ધજાગરા કર્યા છે. ખબરદાર ! એને ખવડાવ્યું છે તો ! મારે પણ નથી ખાવું.’ ગુલાબે ભાણા પાસે બેઠેલા ટેણિયા સામે જોયું, ડોસીએ એને બાપના ગુસ્સાથી બચાવવા ખાવા બેસાડ્યો. પણ પતિની મક્કમતાએ પત્ની લાચાર બની. એણે ઈશારત કરી ટેણિયાને ઉઠાડ્યો. ટેણિયો દાદાની પાછળ ભરાઈ ગયો. ખાધા વિના ફકીરો કામ પર ચાલ્યો ગયો. ગુલાબે ડોસીને માંડ બે કોળિયા ભરાવ્યા. એણે તથા મણિએ ભાણાં ઊંચકી લીધાં. સાસુ-વહુ પાવડો તગારાં લઈ સામે બંધાતા મકાનમાં ખોવાઈ ગયાં. મણિ ચોપડી લઈ વાંચવા બેઠી. ધીમે રહી ટેણિયો છૂટાછવાયા પડેલા સિક્કા સામે તાકી રહ્યો. અને પછી ભેગા કરી, બસ-સ્ટૉપ પાસે ગયો. ત્યાં બેઠેલા આંધળા ભિખારીના વાટકામાં એણે એ સિક્કા નાંખી દીધા. ‘ભગવાન તુમારા ભલા કરે.’ આશિષની ભાષા સમજ્યા વગર, ટેણિયો પાછો આવી દાદાની સોડમાં સૂઈ ગયો.

અખાત્રીજનો તહેવાર, ભારતીય સંસ્કાર પ્રમાણે તે દિવસે ગળપણ થાય. હું ભૂલી ગઈ. પણ આવા ગરીબ મજૂરે એ સંસ્કાર જીવંત રાખી, ભારતીય સંસ્કૃતિના ટગમગતા દીવામાં તેલ પૂર્યું. વાજબી ઠરાવેલી મજૂરી માટે ઝઘડતો મજૂર ફકીરો, મોંઘી કેન્ડી ફેંકી દેતો ને સ્ટીકર માટે જીદ કરી પીણું પીધા વગર બાટલી પાછી આપતો બાબો – રકઝક કરી ગરજુને નમાવી ઠરાવેલી મજૂરીના પૈસા પણ કમને કાઢતાં, ‘બંગલો બંધાવજે’ એવું મહેણું દેતાં પેલાં સન્નારી – કેળાં લાવવામાં નાહકના પૈસા બગાડ્યા, એવો મીઠો ઠપકો દેતી મજૂરણ ગુલાબ – મારા માનસ પર ઊપસી આવ્યાં. પૈસા ક્યાં બગડ્યા ? શ્રીમંતાઈના શોખ પૂરા પડી શકે. ગરીબોની જરૂરિયાત એ પાપ ? – કોણ વધારે સંસ્કારી ? શ્રીમંત સન્નારીની ઢીલી ના ? એ સમજી જનાર અને ધાર્યું કરાવનાર ઉચ્ચ કોમનો બાબો ? કે મજૂર બાપની મક્કમ ના સાંભળી, ભૂખ્યો રહી, આંધળા ભિખારીને ભીખના પૈસા દઈ દેતો હલકી વરણનો ટેણિયો ? શ્રીમંત મા કે મજૂરણ મા, ઈશારે દીકરાને ભાણેથી ઉઠાડતી મા ? પોતાની ને પત્નીની પરસેવાની કમાણીમાંથી જેમતેમ પૈસા એકઠા કરી કુટુંબની જરૂરત પૂરી કરવા માંગતો ફકીરો. પત્નીના અડવા કાન માટે બુટ્ટી ખરીદવા ઈચ્છતો પતિ – કે પછી સામાન્ય વેદવાક્ય ઉચ્ચારી મહેનતુ પ્રામાણિક મજૂર કુટુંબને ચોરમાં ખપાવતા શિક્ષિત નાગરિકો વધુ સંસ્કારી ? અભિપ્રાય બાંધી દેવામાં કેટલી ઉતાવળ ? કોણ વધુ સંસ્કારી ? સંસ્કારના ઈજારા પર કોનો લાગો વધારે ?

ઓચિંતા મારે બહારગામ જવાનું થયું. સામાજિક કલ્યાણની એ કામગીરી દૂર હતી. બે મહિને નીચલા વર્ગના માનસનો અને એને કારણે એમના વર્તનનો અભ્યાસપૂર્ણ સર્વે કરી હું પાછી ફરી, ત્યારે મારા ઘરની સામેનું ટાવર બંધાઈ ચૂક્યું હતું. એના આલીશાન ફલૅટના માલિકો રહેવા આવી ગયા હતા. પોતાની જ કાળી મજૂરીએ ચણાયેલા એ મકાનમાં હવે પગ મૂકવાનો પણ પેલા મજૂરોને ક્યાં અધિકાર હતો ? એટલે પોતાની જાહોજલાલી ઉપાડી એ બધા બીજે ક્યાંક ઊપડી ગયા હતા. એમાં ગુલાબનું કુટુંબ પણ હતું જ ને ? – વખત જતાં ગુલાબ ભુલાઈ ગઈ. નીચલા વર્ગની હાલતનો અભ્યાસ કરી પાછી ફરેલી હું ! સંસ્કારી ગણાઉં ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઑલ ઈઝ વૅલ – મૃગેશ શાહ
શાલિનીનો હસબન્ડ અને હું – વિનોદ ગાંધી Next »   

22 પ્રતિભાવો : સંસ્કારનો ઈજારો કોનો ? – વનલતા મહેતા

 1. Manhar Sutaria says:

  ખુબ સરસ, ભાવનાઓ ને જાગ્રુત કરતી ખૂબ સુન્દર કથા.વનલતાબેન આભાર
  મનહર સુતરીયા

 2. Mukesh Pandya says:

  સમાજની કડવી વાસ્તવિકતાનો તાદ્રષ્ય ચિતાર આ વાર્તામાં છે. ગરીગોની પરિસ્થિતીનું અવલોકન ઘણા કરે છે, પરંતુ ગરીબો માટે સમય, પૈસા કે ફેંકી દેવા જેવી ઘરની વસ્તુઓ એમની પાસે છે?

 3. ” આશિષની ભાષા સમજ્યા વગર, ટેણિયો પાછો આવી દાદાની સોડમાં સૂઈ ગયો.”
  વાર્તા અહિઁ જ પૂરી કરી હોત તો ચોટદાર અસર ભાવકના મનપર રહી જાત. (આ ટીકા નથી)
  ખૂબ સરસ વાર્તા.

 4. ખુબ જ સુંદર… વાસ્તવિકતા છે કે જે કાળી મજુરી કરી ઘર બાંધે છે તેને રહેવા સારુ જ ઘર હોતા નથી…એ બંધાયેલા ઘરમાં આપણે ગેસ સળગાવીએ એ પહેલાં એમણે ચૂલો સળગાવી લેવો પડે છે….નહીંતર એ ગેસના બર્રનર ની મોટી જ્વાળામાં એમનો ચૂલો સળગી જાય છે.

 5. trupti says:

  બહુજ સરસ વર્તા. વાસ્ત્વિક્તા ની બહુજ નજીક. વનલતા બહેન ને વરસ ના આ છેલ્લા દિવસે આટલી સુન્દર વાર્તા આપવા બદલ ખુબજ આભાર, મ્રુગેસભાઈ નો પણ આભાર.

 6. hardik says:

  ખુબ જ સુંદર.

 7. Vasudha Vanol says:

  ખુબ જ સરસ વાર્તા છે, ગરીબી મા પણ ખુદારી થી જીવવુ એ મહ્તવ નુ છે. વનલતાબેન ને આભાર્.

  વસુધા વણોલ

 8. સુંદર વાર્તા . અત્યારે બંધાઈ રહેલ ઇમારતો કોના પસીનાની દેન છે એની ભાવનાત્મક સમજ આપી છે. સ્વમાન અને ખુદ્દારીનું સાચું ચિત્ર હંમેશા જેને આપણે ગરીબ કહીએ છીએ ,નીચી કોમના કહીએ એ લોકોમાં વધારે જોવા મળે છે. એજ એમની અમીરી છે . ( આપણે કોઈને ગરીબ કે નીચી કોમના કહેવું ભૂલ ભરેલુ છે. એ લોકો આપણાં કરતાં ક્યાં અને કેટલા અમીર હશે ખબર નથી )
  પાત્રોને બરાબર ભાવનાત્મક વાચા આપી છે. મજૂરી કરતાં કુટૂંબનુ સ્પર્શી જાય એવું આલેખન કર્યુ છે.
  વર્ષના અંતે રીડગુજરાતી દ્વારા વાચકને પસંદ પડે તેવી વાર્તા આપવા માટે મૃગેશભાઈનો આભાર.
  મ્રૂગેશભાઈ તથા રીડગુજરાતી ના સર્વે વાચકોને નવા વર્ષની હાર્દિક શુભકામના .
  ચાલો ત્યારે આવતાં વર્ષે મળીશું ?
  કીર્તિદા

 9. swati says:

  ખુબ જ સરસ વર્તા .

 10. જગત દવે says:

  ફરી એક ઊત્તમ પસંદગી મ્રુગેશભાઈની……ઊત્તમ કૃતિ બદલ વનલતાબહેન અભિનંદન ને પાત્ર.

  આવા જ દ્રશ્યો જોઈને કાર્લ માર્કસ એ Das Kapital લખી હશે……પણ સમાજવાદનું પણ આપણે વરવું સ્વરૂપ જોઈ લીધુ.

  હવે મુડીવાદનું પણ એવું જ સ્વરૂપ સામે આવી આવી રહ્યું છે. સંપતિનાં સમાન વિતરણની વ્યવસ્થા બહુ જ જરુરી છે. ગાંધીજી એ પણ તેમના વિચારો ‘ટ્રસ્ટીશીપ’ નાં સિધ્ધાંત તરીકે વહેતા કરેલા. મને કિશોરવય દરમ્યાન તે વિચારો એ બહુ જ પ્રભાવિત કરેલો….કારણ કે તેમાં ભારતીયપણું છે.

  શોષણનું આ ચક્ર સમગ્ર વિશ્વમાં ચાલ્યા જ કરે છે. ………. આજ વાર્તાને “રાજકીય રંગ” આપીને વિશાળ ફ્લક પર જોઈએ અને ઉપરની વાર્તાનાં ગરીબ કુટુંબનાં પાત્રો ને આફ્રિકા અને દક્ષિણ-અમેરીકાનાં દેશોનાં નામ આપીએ અને સમ્રુધ્ધ પાત્રોને જી-૮ દેશોનાં નામ આપી દઈએ અને લેખિકાને ‘અમેરીકા’ સમજીએ તો તેનો પૂરો ખ્યાલ આવી જશે.

  મારા મતે……આપણે આજે વિશ્વમાં જેને “પ્રગતિ” (Progress OR Growth) કહી ને પોરસાયા કરીએ છીએ તે વિશ્વ ને વિનાશ તરફ લઈ જતાં પગલાં વધારે લાગે છે. આપણે પૃથ્વીનું પણ જે રીતે શોષણ કરવાનું શરૂ કર્યુ છે તે જોતાં અને આવી જ પ્રગતિ (Progress OR Growth) ચાલતી રહી તો માનવ-જાતે તેમનાં અવતરણ પછી જેટલાં વર્ષો આ પૃથ્વી પર વિતાવ્યા છે તેટલાં વર્ષો હવે આવનારા ભવિષ્યમાં કદાચ નહી જોઈ શકે.

  વાર્તામાં “માનવતા” છલકે છે પણ આજનાં Progress OR Growth મગ્ન વિશ્વમાં આ બાબતો પર કોણ ધ્યાન આપે છે????

 11. ખુબ સરસ વાર્તા.

  પણ સવાલ તો હજી એમજ છે. સમાજ ને સેની જરુરત વધારે છે.
  સંસ્કારી ગરીબો ને સહારા ની કે પછી અસંસ્કારી અમીરો ને સસ્કાર ની ?

  “દુર્જનો ની સક્રીયતા કરતા સજ્જનોની નીસ્ક્રિયતા થી સમાજ વધારે પીડાય છે.”

  વાર્તા સરસ છે એવુ type કરી enter દબાવી એટલે પુરુ કે કંઇક બીજુ પણ કરવાનુ ?

 12. જય પટેલ says:

  સંસ્કારિતા કોઈ એક વર્ગની મોહતાજ નથી જેવા નિષ્કર્ષને રજૂ કરતી સામજિક વાર્તા.

  સંપત્તિના અસમાન વિતરણને સમાન કરવા આજ સુધી અનેક થિયરીઓ આવી છે અને મહદઅંશે
  બધી જ થિયરીઓ નિષ્ફળ ગઈ છે. તાંજેતરમાં જ વિશ્વએ મૂડિવાદનું બાષ્પીભવન પણ જોયું.
  જ્યાં સુધી નાનાં નાનાં પાયાના કાર્યોને યોગ્ય દરજ્જો અને વળતર આપવામાં નહિ આવે ત્યાં સુધી
  અમીરી અને ગરીબીની ખાઈ દૂર કરવી શક્ય નથી.

  આપણી સામાજિક વ્યવસ્થામાં સમાજની બુનિયાદ ગણાતાં કાર્યોને સન્માનની નજરે પણ જોવામાં આવતાં નથી.
  જેમ કે સફાઈ કામદાર…વાળંદ…ધોબી…મોચી વગેરે.

  સમાજે નાના કાર્યો પ્રતિ દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે.
  જો દ્રષ્ટિકોણ બદલાશે તો માનવતા આપોઆપ પ્રગટશે અને વળતર ઉચું જતા ગરીબી આપોઆપ હટશે.

 13. nayan panchal says:

  નવુ વર્ષ આપણા સૌના માટે મંગલદાયી નીવડે એવી પ્રભુપ્રાર્થના.

  સુધરેલા લોકોની કહેવાતી સામાજિકતા અને સંસ્કારિતા પર ચાબખા મારતી અસરકારક વાર્તા.

  લોકોની માનસિકતા સમાજના નીચલા વર્ગ માટે ક્યારે બદલાશે? મલ્ટિપ્લેક્સમાં જઈને ૧૫ રૂપિયાની બોટલના ૩૦ રૂપિયા ખુશીથી આપશે પરંતુ શાકભાજીવાળા સાથે ૧ રૂપિયા માટે રકઝક કરશે. એ વાત પણ એટલી જ સાચી કે દરેક ગરીબ ફકીરા-ગુલાબની જેમ સંસ્કારોથી અમીર નથી હોતા, પરંતુ આપણે તેમના પ્રત્યે સહાનુભૂતિ તો રાખવી જ જોઈએ.

  આટલી સરસ વાર્તા બદલ વનલતાજીનો અને મૃગેશભાઈનો ખૂબ આભાર.
  નયન

 14. Veena Dave. USA says:

  Happy New Year.

  ગરીબનુ અપમાન કદિ ના કરીયે. દરેક જીવમાત્રમા ઇશ્વર છે એવુ વિચારીને વતૅન કરીએ એવી સદબુધ્ધિ સવૅને મળે એવિ પ્રભુને પ્રાથૅના.

 15. Ramesh Patel says:

  સંસ્કારની અમીરીથી જે મોટા છે એ સાચે જ સૌથી શ્રીમંત છે.

  સુંદર ભાવના ભરેલું લેખન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 16. કલ્પેશ says:

  લેખ સરસ છે.

  મને લાગે છે કે એક બનાવ પરથી કોઇની સંસ્કારિતા ન જાણી શકાય.
  બધાના પોતાની રીતના માપ-તોલ છે.

  આપણામાના ઘણાએ આવી રીતે રકઝક કરી હશે. નહી?

  અને સહાનુભૂતિ ગરીબો પ્રત્યે કેમ?

  દરેક માણસ એટલા જ માનને પાત્ર છે. ગરીબ માણસ કદાચ જે મળે તે લઇ લે છે, પોતાનો અધિકાર સાચવતો નથી/સાચવી શકતો નથી એટલે ભાવતાલ કરવામા આવે છે. અને કદાચ એનો દેખાવ/વર્તન એવુ છે જેને કારણે લોકો એને દબાવવાનો પ્રયાસ કરે છે.

  કદાચ જરુર છે એવી કે લોકો પોતાના હકનુ રક્ષણ કરી શકે. દયા અને સહાનુભૂતિ, એક માણસ તરીકે અપમાન જેવુ ગણાશે.

  રાષ્ટ્ર તરીકે પણ આવુ રાજકારણ થાય છે. મોટા રાષ્ટ્રો નાના દેશોને દબાવે છે અને નાના દેશો જે મળે એ લઇ લે છે. અને પોતાના હક માટે લડી લેવા તૈયાર નથી.

  શુ લાગે છે? મારા વિચારોમા તર્ક છે? નહી?
  વાર્તા માટેઃ સંસ્કાર એ કહેવાય કે જે યોગ્ય વળતર હોય તે આપવુ. કોઇનો હક મારી ન લેવો.

 17. Dr.Ekta.U.S.A. says:

  વિચારવા જેવિ વાર્તા.

  નવા વરસ ના બધાને રામ રામ્ .

  નવુ વરસ બધાને માટે ખુશિઓ લઈ આવે એ જ પ્રાથ્ના.

  શ્રિ .મ્રુગેશ્ભાઈ નો ખુબ ખુબ આભાર આટલુ સરસ ગુજરતિ સહિત્ય આપણા બધા સુધિ પહોન્ચાડવા બદલ્.

 18. Pravin V. Patel [ Norristown, PA USA ] says:

  નરી વાસ્તવિકતા. કોઈ બનાવટ કે શબ્દોની રમત નહીં.
  આપણે સમજીએ એજ ઉપાય.
  અભિનંદન.
  આભાર.

 19. Kishor Kotecha says:

  વારતા (અથવા લેખ!) ઘણી જ સુંદર છે તેમાં બેમત નથી. પણ ભાઈ Bhajman Nanavaty ના વિચાર સાથે હું સહમત થાંઉ છું કે “…..વાર્તા અહિઁ જ પૂરી કરી હોત તો ચોટદાર અસર ભાવકના મનપર રહી જાત. (આ ટીકા નથી)”

  આ ઉપરાંત, ભાઇ Dhiraj Thakkar નો સવાલ છે કે “વાર્તા સરસ છે એવુ type કરી enter દબાવી એટલે પુરુ કે કંઇક બીજુ પણ કરવાનુ ?” તો આનો જવાબ શું છે? ધીરજભાઈ નો પોતાનો જવાબ શું છે?

 20. જીતેન્દ્ર તન્ના says:

  ખુબ સરસ વાર્તા. અહીં ડાર્વિનનો “SURVIVAL OF FITTEST” નો નિયમ યાદ આવે છે. આપણે શોપીંગ મોલમાં કે સારા રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે BARGAIN કરતા નથી. એ આપણને અસભ્ય લાગે છે પરંતુ કોઇ મજુર માણસ હોય, રીક્ષાવાળો કે કુલી કે એવા વ્યક્તિ સાથે આપણે પુરૂ BARGAIN કરતા હોઈએ છે.

 21. Ashish Dave says:

  Very well written and heart touching story.

  પ્રત્યેક જીવમા શિવને નહિ જોઇએ ત્યા સુધી બધી પુજા પાઠ / ભજન / ઊપવાસ / ધરમ ધ્યાન / જાત્રા બધુજ નકામુ છે.

  Ashish Dave
  Sunnyvale, California

 22. Hitesh Mehta says:

  બહુ જ સરસ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.