શાલિનીનો હસબન્ડ અને હું – વિનોદ ગાંધી

[સાવ અનોખી શૈલીમાં સુંદર ગૂંથણીપૂર્વક લખાયેલી અને અંત સુધી જકડી રાખે એવી આ વાર્તા, જલારામદીપ સામાયિક (દીપોત્સવી અંક)માંથી સાભાર લેવામાં આવી છે.]

પ્રિય શ્રોતા,
સાંભળ. મારે તને મારા જીવનની કેટલીક વાતો કહેવી છે. તને એમ થતું હશે કે મારે તને જ એ વાતો કેમ કહેવી છે, તો સાંભળ, તું સામે બેઠો છે એટલે મારે તને એ વાતો કહેવી છે. જો તારે બદલે બીજું કોઈ બેઠું હોત તો હું તેને એ વાતો કહેત. મારે મન તો પ્રત્યેક જણ મારો શ્રોતા છે. શ્રોતા બદલાય તેથી મને કશો ફરક પડતો નથી કારણ કે મારે માટે તો મારી વાતો મારે જે કહેવી છે તે એની એ જ છે. જો ભાઈ શ્રોતા, કમ્ફર્ટેબલ બેઠો છે ને ? કંઈ અગવડ ? ઠીક છે, ઍન્જોય ધ સ્ટોરી. મને તો કોઈ સાંભળે એમાં જ રસ છે. તારે સાંભળતા પહેલાં મને કોઈ પ્રશ્ન કરવો છે ? પૂછવું છે ? દાખલા તરીકે તું આવું તેવું પૂછી શકે :

પ્રશ્ન 1 : આ વાતોમાં એવું તે શું છે કે તમે મને સંભળાવવા માંગો છો ?
પ્રશ્ન 2 : આ વાતો સંભળાવવાથી તમને કશો લાભ થાય એમ છે ખરો ?
પ્રશ્ન 3 : આ વાતો સાંભળવાથી અમને શ્રોતા તરીકે કશો લાભ થાય એમ છે ખરો ?
પ્રશ્ન 4 : આ વાતો તમે, આ પૂર્વે કોઈને સંભળાવી હતી ખરી ? વગેરે વગેરે.

પણ સાચું કહું તો તું મને આમાંનો કોઈ પ્રશ્ન પૂછે તો મને એનો જવાબ આપવામાં કશો જ રસ નથી. મને તો વાતો સંભળાવવામાં જ રસ છે. બાય ધ વે, એકાદ પફ, ટી કે કૉફી એવું તેવું કશુંક થઈ જાય… નહીં ને ? હેં ને જો પાછો પછી કહેતો નહીં કે મેં તારો ભાવેય ન પૂછ્યો. તો હું આટલી વાત, કોઈ પણ શ્રોતાને વાતો સંભળાવતા પૂર્વે કરી લઉં છું. તને એમ થશે કે આ આટલી વાત હું કોઈ પણ શ્રોતાને સંભળાવતાં પહેલાં કરી લેતો હોઉં તો, એનો મતલબ તો એ થયો કે આ વાતો અગાઉ કોઈને સંભળાવી હોવી જોઈએ. તો કહી દઉં કે હા, આ વાતો મેં અગાઉ ઘણાં બધાંને સંભળાવી છે. તે એમાં શું ?

તને એમ થશે કે હું આવું બધું કહ્યા કરું છું. તો વાતો ક્યારે કહીશ ? તો તને કહું કે માણસે દરેક બાબતમાં ધીરજ ધરવી જોઈએ. વાતો કહેનાર વાતો તો કહેવાનો જ છે. વાતો કહેનારને વાતો કહેવાની ગરજ છે. સાંભળનારને શી ગરજ ? જો કે પહેલાના વખતમાં આનાથી ઊલટું હતું, સાંભળનારને ગરજ રહેતી હતી, કહેનારને નહીં. પણ લાવ ત્યારે, હું તને જે વાતો કહેવાનો છું તે કહી જ દઉં. કારણ કે જો હવે હું નહીં કહું તો સંભવ છે કે તું સાંભળ્યા વગર જ જતો રહે અને એ વાત હવે મને પોષાય એમ નથી. જો કે વાતોમાં કંઈ કહેતાં કંઈ કશો દમ જ નથી. વાતો કહેવામાં જો એ આડીઅવળી થઈ જાય તો, દોસ્ત, મને માફ કરજે. એકવાર કોઈને એક વાત પહેલી કહી હોય, એ જ વાત પહેલા કહી હતીને કઈ વાત છેલ્લે કહી હતી એ તને ક્યાંથી ધ્યાનમાં આવવાનું છે ? સાચું કહું તો છેલ્લે મેં ક્યા શ્રોતાને કઈ વાત પહેલાં કરી હતી ને કઈ વાત છેલ્લે કહી હતી એની મને કશી ખબર નથી, સમજ્યો ? એવું પણ બને કે છેલ્લીવાર મેં જે શ્રોતાને જે ક્રમમાં વાતો કરી હતી તે જ ક્રમમાં અનાયાસે પણ હું એ વાતો તને કહું એમ બને. જો કે મારી વાતોમાં તો બધું ચિઠ્ઠી ઉપાડવા જેવું છે.

એકવાર એવું બન્યું કે ભૂતકાળમાં કૉલેજમાં હું જેને પ્રેમ કરતો હતો એ મને રસ્તામાં મળી ગઈ. કૉલેજમાં અમે મળ્યા હોઈશું એ પછી બરાબર પંદર વર્ષે. મેં જોયું તો એનો ચહેરો કૉલેજમાં એ હતી ત્યારે જેવો હતો, તેવો જ રૂપાળો આજેય હતો. મને ખબર છે એ દિવસોમાં એને કાનમાં બુટ્ટીઓને બદલે કડીઓ પહેરવાનો બહુ શોખ હતો. તે એ દિવસે મળી ત્યારેય એણે કડીઓ જ પહેરી હતી. જો કે એ થોડી જાડી થઈ ગઈ હોય એવું મને લાગ્યું. જાડી એટલે એનો કમરનો ભાગ જાડો થઈ ગયેલો. એના હાથના બાવડા પણ વધુ પડતા જાડા લાગતા હતા. આવું બધું સાલું બદલાયેલું, પણ એનું સ્મિત તો પહેલાં હતું એવું જ હતું. એ મને જોઈને ઊભી રહી. આમ અચાનક એ મળી ગઈ એટલે હું ખૂબ રાજી થઈ ગયેલો. એ ઊભી રહી, બોલી, ‘હલો, કેમ છો ?’
‘મજામાં’ મેં કહ્યું. પૂછ્યું, ‘તું કેમ છે ?’
‘મજામાં.’ એણે કહ્યું.
મેં કહ્યું : ‘આપણે રસ્તાની એક બાજુ ઊભા રહીએ.’
‘હા…હા….’
મેં પૂછ્યું : ‘તારો બાબો શું કરે છે ? ક્યા સ્ટાન્ડર્ડમાં આવ્યો ?’
એણે પૂછ્યું કે : ‘તમને કઈ રીતે ખબર પડી કે મારે બાબો છે ?’
મેં કહ્યું : ‘લે કર વાત. જૂનવાણી ટીપીકલી ગુજરાતી પરંપરામાં જીવતાં, ભણેલાં પણ ગણેલાં નહીં એવાં બુડથલ પતિ-પત્ની પહેલા ખોળે બાબો જ માગે, માગે નહીં પહેલે ખોળે બાબો હોય તો જ અવતરવા દે. એ પહેલાના બધા જ માદા ગર્ભને એ પડાવી નાખે…. સાચી વાત કે નહીં ?’
એણે સ્મિત કર્યું, ‘તું તો એવો ને એવો રહ્યો.’ પછી ઉમેર્યું, ‘બાબો થઈ ગયા પછી બીજું રિસ્ક લેવાનું જ નહીં.’
મેં પણ કહ્યું : ‘મારે પણ બાબો જ છે. એકનો એક પાટવી પુત્ર અને એ દસમામાં ભણે છે. તારો છોકરો બહુ બહુ તો અગિયારમામાં હશે. મને યાદ છે, તું મારા કરતાં એક વર્ષ વહેલી પરણી હતી, બરાબર ?’
‘પણ હું બીજે પરણી એમાં તો તારો જ વાંક છે.’
‘વાંક જવા દે. તારો ટાલવાળો પપ્પો મારા જેવાને ત્યાં તને પરણાવત જ નહીં. અને સાચું કહું તો હિન્દી ફિલ્મના કોઈ હીરોની જેમ ઢીસુમ ઢીસુમ કરીને હું તને તારા બાપાને ત્યાંથી ઉઠાવી જઉં એવી તાકાત મારામાં તે વખતે નહોતી અને આજેય નથી. તે ઠીક થયું તું તારી રીતે પરણી અને હું મારી રીતે પરણ્યો. અને કહું…. મારી વાઈફ તારા કરતાં રૂપાળી છે. આજેય એ હીરોઈન જેવી લાગે છે. જોવી છે તારે ?’ એ ગુસ્સે થતી ત્યારે ‘લુચ્ચા’ એમ કહેતી. એવું એણે એ દિવસેય કહ્યું. હું રાજી થયો હતો કેમ કે મારી પત્ની તો મને ક્યારેય આ રીતે લુચ્ચો કહેતી જ નથી. અમે છૂટા પડ્યા ત્યારે એકબીજાના ફોન નંબર અમે લઈ લીધા. એનું શહેર અહીંથી બહુ દૂર નહોતું. એણે મને આગ્રહ કરીને કહ્યું હતું, મારે એને ઘેર જવું જવું ને જવું જ.

પ્રિય શ્રોતા,
સાંભળ્યું ? મારી વાતમાંની એક વાત છે આ. બોલ, છે દમ ? આવું તો સોમાંથી એંસી ટકા કિસ્સાઓમાં બનતું હોય છે. કૉલેજમાં ભણતી વખતે લફરાલફરી કરે. બધી જાતની મજા કરે ને પછી થોડો વખત છાનાછપના ફોન કરે. પરણે. બીજાને પરણે. થોડી આંખ ભીંજવે. થોડું થોડું યાદ કરે ને પછી ભૂલી જાય અને પહેલા ખોળાના બાબાને ત્રિગુણી રસી, પોલિયો, બીસીજીની રસી, આ રસી, તે રસીમાં ગૂમ થઈ જાય. કૉલેજકાળના પ્રેમની જેમ જ તે સાલું, મારા કિસ્સામાંય આમ જ બન્યું.

તને થશે કે પેલીએ મને એને ઘેર આવવાનું આમંત્રણ આપ્યું હતું તે હું પછી એને ઘેર ગયો કે નહીં ? હું જાણું છું આ બાબતની તારી જિજ્ઞાસા. પણ હું જાણું છું તે તને જણાવી દઉં. માનો કે હું એને ઘેર જાઉં તો બહુ બહુ તો શું બનવાનું હતું ? એ મને એના ઘરના જૂના સોફા પર નવા ચડાવેલા કવરવાળી ગાદી પર બેસાડે. એ ખૂબ રાજી થઈ છે એવું મને બતાડે. બીજો કોઈ મહેમાન આવે તો પાણીવાળી ચા પીવડાવે, મને આખા દૂધની ચા પીવડાવે. આવું બધું બને. પછી એ એના વરની વાત કરે. ‘ચિન્ટુના પપ્પા ખાનગી કંપનીમાં છે. ઊંચી પોસ્ટ પર છે. ઊંચો પગાર છે. મળતાવડા છે. એ ઘેર ન હોય અને ઘેર કોઈ આવી ચડે સાંજે આપણે કહી દઈએ તોય શંકા ન કરે. વારેતહેવારે, એના પપ્પા મારા માટે ગિફટ લાવે, સિલ્કની સાડી લાવે, બર્થ ડે યાદ રાખીને વીશ કરે…..’ એવું બધું સંભળાવે. બોલ, શ્રોતાજી, આવું જ કે બીજું કંઈ ?

પણ તને કહું, મારા કિસ્સામાં સાલું જુદું જ બન્યું. એક દિવસે સાચ્ચે જ બપોરે હું એના ઘરે ગયો. એ જે શહેરમાં રહેતી હતી ત્યાં. મેં અગાઉથી ફોન કરેલો નહીં, સરપ્રાઈઝ આપવા. મને એમ કે વર્કિંગ ડે માં એનો પતિ ઘેર નહીં હોય. ને શ્રોતાજી, મને ખબર છે કે તને જિજ્ઞાસા થતી હશે કે હું એને ઘેર ગયો ત્યારે તે એકલી હતી કે એ હતી જ નહીં ? હું એને ઘેર ગયો ત્યારે એક પુરુષ હાજર હતો. એણે પૂછ્યું : ‘કોનું કામ છે ?’ મને થયું કે હું ખોટે ઘેર તો નથી જઈ ચડ્યો ને ? મેં ખચકાતાં ખચકાતાં કહ્યું : ‘આ મિસિસ શાલિનીનું જ ઘર કે……?’
‘હા, હા આ જ શાલિનીનું ઘર છે, અને બાય ધ વે હું એનો હસબન્ડ છું. માય નેમ ઈઝ શરદ….’ એણે હાથ લંબાવ્યો. મેં પણ હાથ લંબાવ્યો. અમે બંનેએ હસ્તધૂનન કર્યું. એણે બેસવાનો ઈશારો કરી પૂછ્યું : ‘આપ, આપ કોણ ? પહેલાં તો મેં આપને ક્યારેય જોયા નથી…. આપ પહેલા અહીં આવ્યા હતા કે આજે પહેલી જ વાર આવો છો ?’
સાલું, સાચું પૂછો તો હું તો આટઆટલા પ્રશ્નોથી ગૂંચવાઈ પણ ગયો. છતાં મેં સ્વસ્થ થતાં કહ્યું, ‘આઈ માય સેલ્ફ મિ. પરિમલ, પરિમલ ત્રિવેદી. હું વડોદરાથી આવું છું. હું શાલિનીનો, સૉરી મિસિસ શાલિનીનો કો-સ્ટુડન્ટ હતો. અમે સાથે ભણતા હતા…..’

કોણ જાણે કેમ પણ મારામાં આછો ડર પેસી ગયો હતો.
‘ઓહ, એમ છે. આપ જ મિ. પરિમલ છો, એમ જ ને ? શાલિની ઘણીવાર તમારી વાતો કરતી હતી, અરે, કરતી હતી કેમ ? આજેય એ ઘણીવાર તમારી વાતો કરે જ છે….’ શરદે આટલું કહ્યું, પછી ઉમેર્યું, ‘આઈ એમ વેરી ગ્લેડ ટુ મીટ યુ… જેને વિશે આપણે વારંવાર સાંભળ્યું હોય, એ આમ અચાનક મળી જાય તો ખરેખર આનંદ જ થાય…. ખરેખર મજા પડી….’
મારે શું બોલવું એની મૂંઝવણ થઈ.
શ્રોતાજી, કહું, પાંચેક મિનિટ હું અને શરદ શાંતિથી મૌન જ બેસી રહ્યા.
મેં કહ્યું, ‘ચાલો, હું જાઉં. આ તો આ બાજુ આવ્યો હતો એટલે મને થયું કે લાવો, શાલિનીને મળીને જાઉં. એટલે આવ્યો હતો… કહેજો કે પરિમલ આવ્યો હતો.’
‘ના, ના, મિ…. બેસો, એમ તો કંઈ ચાલે ? ઊભા રહો. હું તમારા માટે એક કપ ચા બનાવી લાવું – ચા જ ચાલશે કે પછી કૉફી કે પછી કશું ઠંડુબંડું ?’
‘ના, ના, શરદજી. રહેવા દો. મને કંઈ એવી ટેવ નથી. પ્લીઝ, રહેવા દો.’
હું ચા પીને નીકળ્યો.
‘ફરી વાર આવજો…. મિ. પરિમલ. શાલિની હોય ત્યારે…..’
‘હા….હા…આ….’

એ ઘરના હું પગથિયાં ઊતર્યો જ હતો કે મને એ ઘરમાંથી કોઈ સ્ત્રીના ખાંસવાનો અવાજ આવ્યો. કોઈ સ્ત્રીનો, કોઈ સ્ત્રીનો કેમ ? શાલિનીનો જ ખાંસવાનો અવાજ હતો એ. અને એ પછી ઝીણી દબાયેલી ચીસ સંભળાઈ. કદાચ એમાં ડૂસકાંનો દબાયેલો અવાજ પણ ભળેલો લાગતો હતો.
જોયું, શ્રોતાજી ?
આ કેવું થયું ? શાલિની ઘરમાં હતી તો યે બિચારી બહાર આવી શકી નહીં. મને રહીરહીને ખાતરી થવા લાગી હતી કે એના વેલલર્નેડ હાઈફાઈ હસબન્ડે એને સો ટકા ફટકારી હશે જ. એ રાતે આઠ વાગ્યે હું ઘેર પહોંચ્યો ત્યારે એનો ફોન આવ્યો હતો. એણે એના હસબન્ડે એના પર જે ત્રાસ ગુજાર્યો હતો તેની રજેરજ વાત મને કરી હતી. એનો ફોન ચાલતો હતો ત્યારે મારી પત્નીએ મને પૂછ્યું હતું કે કોનો ફોન હતો ? મેં જૂઠો જવાબ આપી વાત ટાળી હતી.

પ્રિય શ્રોતાજી,
આ એક વાત હું આટલેથી અટકાવી દઈશ તો તને થશે કે મેં તને ભોજન તો પિરસ્યું પણ છેલ્લે દાળ-ભાત ખવડાવવા જોઈએ તે તને ન ખવડાવ્યા. અને જેને પૂરા ભોજનની ટેવ હોય એવા ટીપીકલ માણસને તો દાળ-ભાત વગર ચાલે જ નહીં. હું જાણું છું. પણ મને થાય છે કે આટલી વાત કહી હું અટકી જાઉં તો તું અનુમાનથી આ વાતનો બીજો ભાગ કલ્પી શકે અને આ વાતની અનુક્રમે આવી શકતી ઘટનાની તું પૂર્તિ કરી શકે. આમાં સરવાળે તો તને જ ફાયદો છે. આમાં તારી અનુમાન કરવાની અને કલ્પના કરવાની શક્તિ ખીલશે. પણ હું જાણું છું કે કલ્પનાથી ઘટનાની પૂર્તિ કરવામાં તને કશો રસ પડવાનો નથી. તને તો એ આખી વાતમાં વાસ્તવિક રીતે શું બન્યું એ જાણવાનો જ રસ હશે. એટલે હવે જે વાત હું કહેવા જવાનો છું એને મારે જે કહેવાની વાતો છે એમાંની બીજી વાત તરીકે તું લેજે.

પછી મને એમ થયું કે સાલો કોઈ એક માણસ કોઈ સ્ત્રીનો હસબન્ડ થાય અર્થાત હોય તેથી શું એણે ધાડ મારી કહેવાય કે એ એની સ્ત્રી પર હાથ ઉગામે ? પાછો એ ઑફિસે જવા નીકળે એટલે એ ગળામાં ટાઈ પહેરે, સુટેડબુટેડ, અપ ટુ ડેટ થઈને જાય. હાથમાં એટેચી-બેટેચી લટકાવે. ભલું હોય તો પાછો આંખો પર મોંઘી ફ્રેમવાળાં ગોગલ્સ પણ પહેરે. એક એ પુરુષ એક સ્ત્રી સાથે પાછો આમ વર્તે ? શ્રોતા, જો જે હો…. તું પાછો એમ ના સમજતો કે હું આવું બધું કહીને તને ઈમોશનલ બનાવી દેવાનો પ્રયત્ન કરું છું. પછી… તારી ફીલિંગ્સ શાલિની પર ઢળે, તું શાલિની પ્રત્યે સહાનુભૂતિ દાખવતો થાય અને એવું બધું….. મારે કંઈ એવું કરવું નથી. આમાં સાલું, એવું છે ને કે આપણે વાત કહેવા જઈએ ત્યારે વાત કહેનાર તરીકેની આપણી ફીલોસૉફી જાણે અજાણે આપણાથી ડહોળાઈ જ જાય. આપણે વાત કહેનાર હોઈએ એટલે જાણે કે આપણે ડ્રાઈવિંગ સીટ પર હોઈએ એમ વર્તીએ. અરે ! જાણે કે ચૅર ઑફ પાવર પર બેઠા હોઈએ એવું આપણને લાગવા માંડે. અને શ્રોતા આખા સિનરીયોમાં ગૌણ બની જાય એવું બધું…… સાંભળનારને આપણે સંભળાવીએ અને એનો જિજ્ઞાસારસ સંતોષીને એની ઉપર ઉપકાર કરતા હોઈએ એવું લાગે, કહેનાર તરીકે આપણે પાછા રાહ જોઈએ કે કોઈ આપણને પૂછે છે કે હવે આગળ શું થયું તે કહોને.

પણ શ્રોતાજી, હું કહેવા જ બેઠો છું ત્યારે મારે તો તને બધી જ વાત કહી દેવી છે. શાલિનીની, શાલિનીના હસબન્ડની ને મારી ને મારી વાઈફની…. જોયું, કેવી મજા આવી ? તને તો એમ હતું કે હું તને કેવળ શાલિનીની જ અને બહુ બહુ તો એના હસબન્ડની જ વાત કરીશ. પણ હું તો તને છોગામાં મારી વાત પણ કહેવાનો છું. અમારી વાત પણ કહેવાનો છું. આવીને મજા ? તું બોલી ઉઠીશ, ‘શેની, તગારાની મજા ? વાત તો આગળ ચલાવતો નથી અને પાછો પૂછે છે… આવી મજા ?’ લે ત્યારે, કહી જ દઉં. એક દિવસ ફરીથી હું શાલિનીને ઘેર ગયો. બધું ગોઠવીને જ ગયો. શાલિનીને ફોન કરીને. એ દિવસે એનો હસબન્ડ નહોતો. એ કંપનીને કામે બે દિવસ માટે બહાર ગયો હતો. એનો પુત્ર ટ્યૂશન કલાસવાળાએ સ્ટુડન્ટસ માટે ગોઠવેલી બે દિવસની ટૂરમાં ગયો હતો.

શ્રોતા, તને થશે કે મારું કામ થઈ ગયું. ના ભૈ ના, મારે તો શાલિનીની આપવીતી સાંભળવી હતી અને એનો શક્ય એવો ઉકેલ શોધવો હતો. શાલિનીના ચહેરા ઉપર તે દિવસે જાણે કે મુક્તિની ખુશી હતી. એ હળવીફૂલ લાગતી હતી. હું જે સોફાના એક કૉર્નર પર બેઠો હતો તેના બીજા કૉર્નર પર તે બેઠી. અમે વાતો કરી. હું જમ્યો પણ ત્યાં જ. મને ભાવતી વાનગી વેઢમી એણે તૈયાર કરી રાખી હતી. તે મેં ખાધી. ટૂંકમાં, શ્રોતાજી, આખી વાતનો સાર એ હતો કે શાલિનીએ ભૂલભૂલથી પરણ્યાના શરૂઆતના વર્ષોમાં, પોતાના કૉલેજજીવનની રમતિયાળ, નિર્દોષ વાતો એના હસબન્ડને સ્વાભાવિકપણે જ કરી હતી. કૉલેજ જીવનમાં પોતાની પત્નીને કોઈ લફરું તો નહોતું ને એ જાણવા એના હસબન્ડે આઈડિયાથી બધી વાતો શાલિની પાસે કઢાવી હતી અને પેલીએ ભૂલભૂલથી, અરે, ભોળપણથી બધી વાતો કરી દીધી. એટલે મૂળથી જ છાસ પાતળી, એમાં પાછું પાણી ઉમેરાયું. એના જેવી વાત થઈ. પહેલેથી જ શંકાશીલ હતો એનો હસબન્ડ, અને એમાં આ બધી વાતોએ એને ઑર શંકાશીલ બનાવ્યો… ત્યારથી સમયાંતરે એ એને ટીપ્યા કરતો હતો. શાલિનીએ કારણ શોધી કાઢ્યું કે એનો હસબન્ડ પણ એની કોઈ જૂની પ્રેમિકા સાથે આજેય સંબંધ રાખતો હતો. એટલે એ પોતાના જીવનના અનુભવને આધારે શાલિનીના સંદર્ભમાં આવું વિચારતો હતો કે જો પોતે પોતાની જૂની મિત્ર સાથે આજેય, પરણ્યા પછીના આટલા વર્ષોમાં સંબંધ રાખતો હોય તો એની પત્ની શાલિની પણ એના જૂના મિત્ર સાથે સંબંધ રાખતી જ હોય. જોયું, સાલું, આવું બધું…..

તને એવું થતું હશે કે આ વાતમાં હવે મજા આવશે. હું શાલિનીને ઘેર બેઠો હોઈશ, ત્યારે એ જ ઘડીએ એનો હસબન્ડ આવી ચડશે અને અમને રંગેહાથે પકડી લેશે. એટલે કે શાલિનીનો પતિ બૅંગલોર ગયો જ નહીં હોય. એ જ શહેરમાં ક્યાંક કંપનીના ગેસ્ટ હાઉસમાં રહ્યો હશે ને જોવા માગતો હશે કે એની ગેરહાજરીમાં શાલિની શું કરે છે, કોઈને મળે છે કે કેમ… અને જેવો હું એને ઘેર ગયો હોઈશ કે એ અમને પકડી લેશે. પણ, કહું… આવું કશું જ બન્યું નહીં. મને રેલવે સ્ટેશન મૂકવા આવવાને બહાને શાલિની મારી સાથે થઈ. રેલવે સ્ટેશન પહોંચતાં પહેલાં આઈસ્ક્રીમ સર્વ થતો હોય એવી મોંઘી એરકંન્ડીશન્ડ હૉટલમાં, આછા અંધારામાં સાથે સાથે બેઠા. સાલું, સાચું કહું મને આ ક્ષણોમાં પહેલી વાર થયું કે જાણે કે હું આજે જ પહેલવહેલી વાર શાલિનીના પ્રેમમાં પડ્યો છું. મેં એનો હાથ મારા હાથમાં લીધો અને અમે બંને થોડીવાર સુધી એકમેકને તાકી રહ્યા. વેદનાની ઝાંયથી તગતગતાં એનાં સજળ નેત્રો પર હું વારી ગયો.

શ્રોતાજી, હવે હું આને અનુસરતી ત્રીજી વાત, અર્થાત ત્રીજી ઘટના તને કહી દેવાની ઉતાવળમાં જ છું. મનેય થાય છે કે હું આ વાત તને કરી જ દઉં. મને એ ખબર નથી કે આ બે વાતો પછી હજુય તારું કુતૂહલ ટક્યું છે કે કેમ ? તને એમ થતું હશે કે હું ફાવી ગયો. તને એવુંય થતું હશે કે મેં અને શાલિનીએ ભેગા મળીને એના હસબન્ડને ઉલ્લુ બનાવ્યો, અથવા તું બહું લાંબુ વિચારે તો તું એમ પણ ધારતો હો કે હું અને શાલિની આવા કારસ્તાનો કરતાં જ આવ્યા હોઈશું. હું એને એના હસબન્ડની ગેરહાજરીમાં કાયમ મળતો જ રહેતો હોઈશ. પણ ના, પ્રામાણિકપણે કહી દઉં, મારી વાતો એંસી ટકા લોકોની હોય છે એવી છે પણ હું આવી બાબતોમાં એંસી ટકા લોકો જેવા હોય છે તેવો નથી. છાનુંમાનું ખાઈ પી લેવું…. એવું હરગીજ નહીં, ભાઈ. સત્યનારાયણની કથાને તો પાંચ અધ્યાયો હતા. હું તો આ ત્રીજા અધ્યાયમાં જ મારી વાત પૂરી કરી દઉં છું. કથા પાંચ અધ્યાયની હોય કે પચીસ અધ્યાયની હોય, તેથી શો ફરક પડે છે ? કથા કથા હોવી જોઈએ… ખરું ને, શ્રોતાજી ? એક વાત કહું ? તેં આખી આ વાતમાં ક્યારેય હોંકારો તો એકેય વાર ભણ્યો જ નહીં, તું ખરો શ્રોતા, મારા બાપ, ને હું ય કેવો મૂર્ખ, તે તને કહેતો જ રહ્યો, તું સાંભળે છે કે નહીં એની દરકાર કર્યા વગર અને તમા રાખ્યા વગર….

ભાઈ હવે ઉતાવળો ન થા. વાત પૂરી જ કરું છું.
મને ખબર હતી કે હું આઠેક વાગ્યે ઘેર પહોંચીશ ત્યારે મારો પાટવી પુત્ર ટ્યૂશનમાં ગયો હશે. એની ટેવ એવી હતી કે હું બહારગામ ગયો હોઉં ને આવું તો વળગી જ પડે, ‘પપ્પા, શું લાવ્યા ? પપ્પા, શું લાવ્યા ?’ એટલે મેં એને માટે ગળ્યાં ખાજાં અને એને ભાવતી ભાખરવડી લઈ જ લીધેલાં. હું જાળી ખોલી મારા ઘરમાં દાખલ થયો ત્યારે મેં જોયું, કોઈ પુરુષ, ના, શાલિનીનો હસબન્ડ મારા ઘરના દીવાનખંડના સોફા પર એક કૉર્નર પર બેસી નિરાંતે ચાની ચુસકીઓ લઈ રહ્યો હતો. અને એ જ સોફાના બીજા કૉર્નર પર બેસી મારી પત્ની પણ ચા પી રહી હતી. એ ઊભી થતાં બોલી :
‘આવી ગયા ?’
પેલાએ મારી સામે જોયું.
મેં એને, ‘હલો, આવો’ કહ્યું. મને થયું, આ ક્યાંથી ?
મારી વાઈફે કહ્યું : ‘આ…. અમે કૉલેજમાં સાથે ભણતા હતા. અમારા ગ્રૂપના એ લીડિંગ સ્ટુડન્ટ હતા.’ પેલાએ પણ સૂર પુરાવ્યો : ‘અમે બંને સારા એવા દોસ્ત હતા. અમે બંને તો એક થઈને ગૃપના બધા ફ્રેન્ડસને ઉલ્લુ બનાવતા હતા…..’ એમ કહી એણે મારી પત્નીનો હોંકારો માંગ્યો, ‘કેમ ખરું…ને ?’ મારી પત્નીએ ઝંખવાણા પડતાં, તૂટતા અવાજે કહ્યું : ‘હા, હા, વળી…. મજા આવતી હતી…..’ અને શાલિનીનો હસબન્ડ માંગીને મુખવાસમાં ઈલાયચી મમળાવતો ગયો.

શ્રોતા,
તને થશે કે મારા ઘરમાંથી બહાર નીકળતા શાલિનીના હસબન્ડને મારા ઘરમાંથી સ્ત્રીની કોઈ ચીસ સંભળાઈ હતી કે નહીં……

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સંસ્કારનો ઈજારો કોનો ? – વનલતા મહેતા
શ્રેષ્ઠ ન્હાનાલાલ – સંપાદન Next »   

16 પ્રતિભાવો : શાલિનીનો હસબન્ડ અને હું – વિનોદ ગાંધી

 1. સાવ જુદી જ રીતે વાર્તા ની રજુવાત ગમી. સુંદર વાર્તા.

 2. Bindiya says:

  નવીન અને રસપ્રદ લેખન શૈલી.. મજા આવી..

 3. Balkrishna A. Shah says:

  શાલીનીનો હસબન્ડ અને હું વાર્તા વાંચી. લાંબુ વાંચવાના કંટાળાને લીધે મનને મનાવવું પડ્યું પરંતુ વાર્તાના મધ્યવર્તી
  વિચાર કરતાં તેની રજુઆતની શેલી સ્પર્શી ગઈ. આ વાર્તામા મેટર કરતાં આર્ટનું મહત્વ જ વિશેષ છે એમ મારું માનવું છે.
  બહુ સરસ અને લેખકને અભિનંદન.

 4. dhaval mewada says:

  gujrati type karta nathi avdtu atle eng ma gujrati lakhu chu.

  varta bhauj sari hati. ane varta khavne style ek anokhi hati.

 5. preeti says:

  saras story che…n kaik alag che…nice..

 6. વાર્તા ઠીક છે.

  લાંબી વાર્તા મા વાચકો નો સમય વધારે વપરાય છે. ઓછા સમય માં સારી વાર્તા વાંચવા મલે તો વાચક ચોકકસ ખુશ થાય.

 7. Rajendra Namjoshi,Surat says:

  ખુબ સરસ વાર્તા,સુન્દર શૈલી,વાચકને છેલ્લે સુધી જકડી રાખવાની હથોટી.અભિનન્દન.

  -રાજેન્દ્ર નામજોશી -વૈશાલી વકિલ (સુરત )

 8. nayan panchal says:

  વાર્તાની રજૂઆતની શૈલી ઘણી પસંદ આવી. આ જ વાર્તા જો ચીલાચાલુ રીતે લખાઈ હોત તો કદાચ મજા ન આવત.

  આ વાર્તાના ચારેચાર પાત્રો forbidden fruit ખાવાની વાત કરે છે અને પાછી લખાણની શૈલી પણ આગળ શું થશે એ જાણવાની તાલાવેલી જગાવે છે.

  મૃગેશભાઈ અને વિનોદભાઈનો ખૂબ આભાર,
  નયન

 9. Veena Dave. USA says:

  લખાણની અલગ રીત ગમી.

 10. Jitendra modha says:

  Khubaj Maja Aavi, navinay mathur, jignash jagvnar rajuvat hati…… have eno ant kaho to or maja aave..
  JITENDRA MODHA
  RIMAH COMPUTER
  SHARJAH
  U.A.E

 11. Pravin V. Patel [ Norristown, PA USA ] says:

  અનોખી શૈલી, અનોખો અંત.
  જિજ્ઞાસા જગાડતી અને ઉત્કંઠા વધારતી નવી ભાત પાડતી નવેલી..
  સુંદર રજુઆત.
  અભિનંદન.

 12. keval says:

  વાહ,
  ખરેખર, તમે કરેલ વારતા મે , શ્રોતાએ વાચી અથવા સાભળી.
  ખુબ મજા આવી

 13. Ashish Dave says:

  Story is wrapped into a nice package. Many interesting layers were developed throught the story. Well written…

  Ashish Dave
  Sunnyvale, California

 14. sejal k dave says:

  બૌ સરસ વર્ત લખૈ ૬ હો.. બૌ ગમિ મને..

 15. Madhavi says:

  The story was very nice. It shows when we cannot change then how we expect others to change . Shalini’s husband himself was in touch with his old friend but expect his wife to be loyal to her

 16. MARDAV VAIYATA says:

  ખુબ સરસ વાર્તા.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.