શ્રેષ્ઠ ન્હાનાલાલ – સંપાદન

[કવિવર શ્રી ન્હાનાલાલના સમગ્ર સાહિત્યમાંથી ચયન કરીને તેમના સુંદર વક્તવ્યો, કાવ્યો, પત્રસાહિત્ય તેમજ અનેક પ્રકારના લેખોનું સંપાદન શ્રી નિરંજન ભગત, શ્રી ચિમનલાલ ત્રિવેદી અને શ્રી ભોળાભાઈ પટેલે તાજેતરમાં ‘શ્રેષ્ઠ ન્હાનાલાલ’ રૂપે કર્યું છે. 600પાનના આ દળદાર પુસ્તકમાંથી પ્રકરણ નહીં, પરંતુ કેટલાક ચૂંટેલા વિચારમોતીઓ અહીં એક લેખ રૂપે પ્રકાશિત કરાયા છે. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 045[1] પ્રજાશરીરનો ઘસારો કે નવપલ્લવતા ?

શરીર જેમ ઊભું રાખનાર હાડપિંજર છે અને તે હાડપિંજરને ઘોરી નાડીઓ ને ઝીણી શિરાઓની વેલમાળા છવાયેલી છે તેમ જ તે સર્વની સાથે રહી સર્વમાં સમાયેલા જ્ઞાનતંતુના વેલવિસ્તારનાં ડાળીપાંદડાં પણ છે. એ જ્ઞાનતંતુઓ આરોગ્ય ને ઊઘડતાં હોય તો રોગની ટક્કર ઝીલવાનું તેમ જ સમસ્ત દેહવૃક્ષના ખિલાવનું ચેતન ઉલ્લાસવંતું રહે છે. આ નિયમો વ્યક્તિઓના તેમ જ પ્રજાઓના શરીરબંધારણનાયે છે. તો સંસારશાસ્ત્રનો એક મહત્વનો પ્રશ્ન એ ઊઠે છે કે પ્રજાશરીરના જ્ઞાનતંતુઓ આજ આરોગ્ય છે કે અનારોગ્ય ?

આ પ્રશ્ન અધ્યાત્મજ્ઞાનનો નથી તેમ જ સ્થૂલ દેહનો નથી; પણ જડચેતનના સીમાડા જ્યાં મળે છે ત્યાંનો છે. નથી આત્મજ્ઞાનની ફિલસૂફીનો આ સવાલ કે નથી દેહના રોગોનો, પણ સર્વ જ્ઞાનને શક્ય કરનાર તે સર્વ દેહને વ્યાધિ વિરુદ્ધ થવાનું બળ આપી ટકાવી રાખનાર જ્ઞાનશિરાઓનો છે. મર્મરેખાઓની આ વિચારણા પ્રજાશરીરના મર્મજ્ઞોના ચિંતનને કાજે છે.

વિજ્ઞાનવાદીઓ કહે છે કે પ્રત્યેક શરીરમાં નિરંતર બે ક્રિયાઓ ચાલે છે : ભાંગવાની ને ફરીથી બંધાવાની. વિજ્ઞાનની શાસ્ત્રીય ભાષા અળગી રાખતાં પહેલી ક્રિયા એવી રીતે સમજાવી શકાય કે ચિંતા, સ્પર્ધા, વિચારભાર, ત્રિવિધ તાપ, જીવન નિભાવવા ને દરરોજનું કુટુંબપોષણ કરવા કાજેના ચાલુ પ્રયત્નો : એ અને એવાં કારણોને લીધે જ્ઞાનતંતુઓ ઘસાય છે ને નબળા પડે છે. ફરીથી બંધાવાની વાત એમ સમજાવી શકાય કે રમતો, વિનોદો, મેળા, ઉજાણીઓ, ઘડીક વિચારપાઘડીઓ વેગળી મૂકી આનંદનાં મારેલાં ગપ્પાં, એકાંતમાં કે મિત્રમંડળમાં મન મોકળું મૂકી ગાયેલું ગીત. ખડખડાટ હસવું એ અને એવાં કારણોથી હૈયાના ભાર હળવા થાય, ઉરમાં ઉમળકા આવે, નાડીઓમાં લોહી ધડાકાબંધ દોડે, સ્ફૂર્તિ વધે ને સુકાતા વૃક્ષની ડાળીઓમાં રસ વહી રહેતાં જેમ તે નવપલ્લવે, કોળે, તેમ ઉપર કહેલો ઘસારો મટી જઈ સુકાતાં શરીર તેમ જ મંદ પડતાં ચેતન નવપલ્લવે પલ્લવી રહે છે. ઘસારાની ને નવપલ્લવની આ બન્ને ક્રિયાઓ પ્રત્યેક શરીરમાં નિરંતર ચાલુ છે. સ્ત્રી, બાળક અને પુરુષ : પ્રત્યેક વ્યક્તિને મારો એ પ્રશ્ન છે કે તમારા જીવનમાં એ ઘસારો વધારે છે કે એ નવપલ્લવતા ?

ઘસારાની ક્રિયા તે શરીરસંપત્તિના ચોપડાનું ઉધારપાસું છે. ઉલ્લાસની નવપલ્લવતાની ક્રિયા તે શરીરસંપત્તિના ચોપડાનું જમાપાસું છે. પ્રત્યેક રાત્રે દુકાન વધાવતાં પહેલાં જેમ વાણોતર બન્ને બાજુનું નામું પૂરું લખીને ઊઠે છે તેમ શરીરનું પણ આ બન્ને બાજુનું નામું રોજેરોજ મંડાય છે ને બાર માસે બાકી નીકળે છે. સમજુ વ્યાપારીઓ તે હિસાબનું ધ્યાન રાખે છે, અણસમજુ લાંબા કાળ સુધી તે જોતા કે વિચારતા નથી. વ્યક્તિઓના તેમજ પ્રજાઓના કલેવરના નવપલ્લવતાના ને ઘસારાના જમાઉધારના આવા હિસાબ મંડાય છે અને સમજુ વ્યક્તિઓની પેઠે સમજુ પ્રજાઓ એ હિસાબ વાંચે ને વિચારે છે. દરરોજના ધમાલભરેલા વકરાની છૂટીછૂટી મંડાયેલી રકમોમાં નજર રાખતાંયે પ્રત્યેક પ્રજાના દૂરઅંદેશ પ્રજાનાયકો કલેવરની નવપલ્લવતા ને ઘસારાના જમાઉધારના સરવાળા ઉપર પણ સાથેસાથે દષ્ટિ ઠરાવે છે.

સંસારના આરોગ્યનો, સંસારસુધારણાનો વિશાળ અર્થ લેતાં તે દિશાનો એક મહાપ્રશ્ન એ જણાય છે કે – પ્રજાશરીર ઘસાતું જાય છે કે ઉલ્લાસતું જાય છે ?

[2] કવિતાનાં ઝરણ

કવિતાનાં ઝરણ ક્યાં ફૂટશે ? ક્યારે ફૂટશે ? એ અનુત્તર પ્રશ્નો છે. ઝરણ ફૂટતાં જ વાર લાગે છે : એક વાર ફૂટેલાં ઝરણ પછી વહ્યાં જ કરે છે. કવચિત જ સુકાઈ અટકે છે. સુન્દરીહૈયાનાં અને પુરુષહૈયાનાં બે ઝરણ ફૂટી ગુજરાતી કાવ્યસરિતા વ્હેવા લાગી. પછી તેની રમણીય રેલે અસ્ખલિત વહ્યાં જ કર્યું છે. ભાલણ, ભીમ, રત્નો, અખો, શામળ, પ્રેમાનંદ અને તેનો સુવિશાળ પરિવાર, દયારામભાઈ અને વૈષ્ણવ-સ્વામીનારાયણ સંપ્રદાયના ભક્તો; એવા અનેક કાવ્યઋષિવરોએ એ સરિતાને તીરે આશ્રમ સ્થાપ્યા. એનાં નીરથી હૈયાં પોષ્યાં અને પાછાં એ નીરમાં નયનપ્રાણનાં નીર ઠાલવ્યાં છે. એમ એ સરિતા આજ સુધી વહી છે અને વહ્યાં કરશે.

[3] મંથન

એક માનવી પોતાનું શું લઈને આવ્યો છે કે વળતર માંગે છે ? જગતનો ઘાટ સંતોના સંઘથી ઊભરાય છે. તુલસીદાસજી ત્યાં ચંદન ઘસે છે ને તિલક તો શ્રી હરિ કરે છે. કવિઓ મંથન માંડે છે, શ્રી હરિ નવનીત ઉતારે છે. જરાક ઝીણી નજરે જોશો ? વાંસળી બોલે છે, કે વાંસળીમાં પ્રાણ પૂરનાર ? વાંસલી વેંતભરનો વાંસનો કટકો છે, વાંસળીમાં કૃષ્ણચન્દ્ર બોલે છે. કવિઓયે વાંસળી જેવા છે. શ્રી હરિ મહીં પ્રેરણા પૂરે છે ત્યારે કવિબંસરી બોલે છે, કવિતાના ટહુકાર પ્રકટે છે, બંસીના નહિ, બંસી વાનારનાં યશોગાન ગાજો.

[4] ભાષા

આજે ગુજરાતમાં અને ભારતમાં બહુ ચર્ચાતી એક વાત વિષે મ્હારો અનુભવ કહી લઉં તો અસ્થાને ન ગણશો. અંગ્રેજી ભાષા ભણવી કે ન ભણવી ? કેટલાક કહે છે કે રાજભાષા છે, માટે ભણો : મારે મન એ શૂદ્ર દષ્ટિ છે. કેટલાક કહે છે કે જગતવ્યાપારની ભાષા છે, માટે ભણો : મારે મન એ વૈશ્ય દ્રષ્ટિ છે. જર્મનો કહેતા કે જગતભરમાં અંગ્રેજો સંગાથે સ્પર્ધા ખેડવી છે, માટે અંગ્રેજી ભણો : મારે મન એ ક્ષત્રિય દ્રષ્ટિ છે. મારી બ્રાહ્મણદ્રષ્ટિ તો એમ ઉચ્ચરે છે કે અંગ્રેજી ભાષા એટલે આપણે કાજે તો આજ જગતસાહિત્યનું પ્રવેશદ્વાર; માટે તે ભણો. હું એ ભાષા ન ભણ્યો હોત તો જગતની કંઈ-કંઈ સાહિત્યવાડીઓ મારે વણપરિમળસૂંધી જ રહેત. The English Language is to us today the master-key of the palace of the World Literature. ગુજરાતી ભાષા માનું ધાવણ પાય છે : અંગ્રેજી ભાષા જગતસાહિત્યમાં લઈ જઈ મૂકે છે. સંસ્કૃતભાષા સર્વેનો અદ્દભુત સમન્વય, ગગનમંડળ સમો, સર્જે છે. એ ત્રણ ભાષાઓનાં ભાષાજ્ઞાન વિના ગુજરાતી બાળક પંગુ જ રહે.

[5] મૂલવંતું સ્થાન

જે દેશે દુનિયાને ગીતા દીધી છે, હેમચંદ્રાચાર્યની અષ્ટાધ્યાયિની આપી છે, નરસિંહ-મીરાં-દયારામની-ચાંદનીના જાણે તારરણકતા હોય તેવી જગત-અનુપમ ગરબીઓની રમઝટ સંભળાવી છે, સરસ્વતીચંદ્ર સમર્પ્યો છે, અને વીસમી સદીમાંયે કલાપીના વિરહ સમું મહાકાવ્ય બક્ષ્યું છે, એ દેશનો કવિવંશ અમર જ છે. જગતની શારદાપીઠોમાં ગુર્જરસાહિત્ય અતિમૂલું નહિ, બહુમૂલું નહિ, તોયે મૂલવંતું છે. ગુજરાતનો એ ચિરંજીવ સર્વવંદનીય જગતમહિમા.

[6] મહાકાવ્યોનો ગદ્યાવતાર

યુરોપનું ઈલિયડ, ઈરાનનું શાહનામું, ભારતવર્ષનાં મહાભારત રામાયણ ને ભાગવત : મારે મન જગતનાં એ પંચમહાકાવ્યો છે. ધવલગિરિ ને કંચનજંઘા સમાં રસહિમાદ્રિનાં એ પંચ પરમ જગતશિખરો. આટલાન્ટિક પાસિફિક કે હિન્દી મહાસાગર તરનારા તારા જન્મશે ત્યારે એ રસસાગરોના પણ તાગ લેવાઈ રહેશે. રસશાસ્ત્રની સીમાબદ્ધ વ્યાખ્યાઓમાં એ નહિ સમાય. પૃથ્વીની દષ્ટિમર્યાદાયે એમને સાંકડી પડશે. માનવહૈયાં માપશે ત્યારે એ પંચ મહાકાવ્યોયે પૂરાં માપશે. દર્શન કરવાનું, વંદી રહેવાનું, આપણી કાચલીઓ ભરી ભરી પીવાય એટલાં એમનાં રસામૃત પીવાનું આપણે કાજે તો સૌભાગ્યનિર્માણ છે. એમનમાંથી ચોમેર ઝરણાં વહે છે તે પૃથ્વીને રસવતી ને ફળદ્રુપ કરે છે. એ મહાકાવ્યોનો સરસ્વતીચન્દ્ર અર્વાચીન ગદ્યાવતાર છે.

[7] ઈતિહાસ અને કવિતા

મારા તો અર્ધી સદીના જીવનશ્રમ ભારતનો ઈતિહાસ ને ભારતની કવિતા જીવવાના હતા. ભારતીય સંસ્કૃતિનો દલપતદીધો વારસો ને ભારતીય સંસ્કૃતિની કવિતાદીધી આશાજ્યોત : ભૂત ને ભવિષ્યના સમન્વય વર્તમાનની જીવનવાડીઓમાં ઉતારવા પચ્ચાસ વર્ષના મારા જીવનપ્રયાસ તો હતા. ગંગા પેઠે ધૂળરોળાયેલી મારી અર્ધી સદીનો જીવનસંદેશ આ છે : ભારતજનતા ! ભારતીય ઈતિહાસ ને ભારતીય કવિતા જીવી જાણ. ભૂતકાળના ભારતસંસ્કારની વારસ થા : સુખદુ:ખ ને સાહસલીલાની વર્તમાનની ભારતજીવનલ્હાણ માણી જો; ભવિષ્યની ભારતીય આશા, આસ્થા અને આદર્શની કવિતભાવનાઓનું જ્યોતિષપંખેરું થા.

[8] જીવનનું આંગણું

કૌમાર એટલે જીવનનું આંગણું, ઓરડો નહીં. ખુલ્લા ને નિખાલસ દિલથી જે ખેલી ન શકે તે કૌમારને આંગણે નથી, પણ જિંદગીની પરસાળોમાં છે. કેટલીક બાલાઓ બાળક હોતી જ નથી, જન્મપ્રૌઢાઓ હોય છે. જગતમાં કેટલીક એવી કૌમારની ક્યારીઓમાં વેલ કે છોડ નહીં, પણ વૃક્ષ જ ઊગેલાં હોય છે.

[9] ઊગે છે પ્રભાત આજ

ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે;
ઊગે છે ઉષાનું રાજ ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે.

રજનીની ચૂંદડીના
છેડાના હીરલા શા
ડૂબે છે તારલા આજ ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે.

પરમ પ્રકાશ ખીલે,
અરુણનાં અંગ ઝીલે;
જાગે પ્રભુ વિશ્વમાં આજ ધીમે ધીમે;
જાગે પ્રભુ જીવમાં આજ ધીમે ધીમે.
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે.

[કુલ પાન : 632. કિંમત રૂ. 400. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-1 ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શાલિનીનો હસબન્ડ અને હું – વિનોદ ગાંધી
સમયપત્રક – રતિલાલ બોરીસાગર Next »   

2 પ્રતિભાવો : શ્રેષ્ઠ ન્હાનાલાલ – સંપાદન

 1. જય પટેલ says:

  ભાષાની વ્યાખ્યા…..અર્થઘટન ખુબ સુંદર કર્યું.

  ગુજરાતી ભાષા માનું ધાવણ પાય છે.
  અંગ્રેજી ભાષા જગત સાહિત્યમાં લઈ જઈ મૂકે છે.

  પુસ્તક વસાવવા યોગ્ય પણ કિંમત ખૂબ જ ઉંચી છે…..મધ્યમ વર્ગની મર્યાદા ( બજેટ ) બહાર.
  પુસ્તકોને જન સામાન્ય સુધી પહોંચાડવા સ્પોંસર અથવા જાહેરાતનો સહારો લઈ શકાય.
  સારાં પુસ્તકોની કિંમત ઘટવાથી વિચારોની વ્યાપકતા વધશે.

  પુસ્તકો ફકત પુસ્તકાલય કેન્દ્રી ના હોવા જોઈએ.

 2. Rajni Gohil says:

  કવિવર શ્રી ન્હાનાલાલનું ઉત્તમ સાહિત્ય મર્મભેદક રીતે જીવન જીવવાની વાત સમજાવી જાય છે.
  પ્રજાશરીર ઘસાતું જાય છે કે ઉલ્લાસતું જાય છે ? આજથી આ વિચારને અમલમાં મૂકીએ જીવનને ઉલ્લસમય જરૂર બનાવી શકાય.
  એક વાર ફૂટેલાં ઝરણ પછી વહ્યાં જ કરે છે. કવચિત જ સુકાઈ અટકે છે. આપણે આપણુ જીવન પણ કવિતાની માફક શા માટે વહેતું ન રાખી શકીએ?
  બંસીના નહિ, બંસી વાનારનાં યશોગાન ગાજો. આપણે પથ્થરની મૂર્તિને પૂજીએ છીએ કે તેમાં વસેલા ભગવાનને? પ્રાણીમાત્રમાં વસેલા ભગવાનને શું મૂર્તિ પુરતાં સીમીત રાખીશું?

  ખુલ્લા ને નિખાલસ દિલથી જે ખેલી ન શકે તે કૌમારને આંગણે નથી, સદા યુવાન રહેવાનો કેટલો સુંદર ઉપાય બતાવ્યો છે.
  અ સુંદર કૃતિનું રસપાન કરાવનાર સહુને અભિનંદન. સહુમાં – કવિવર શ્રી ન્હાનાલાલ, સંપાદકો, અને મ્રુગેશભઇ પણ આવી જાય.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.