આંતરિક શાંતિની શોધ – હરીશ થાનકી

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી હરીશભાઈનો (પોરબંદર) ખૂબ ખૂબ આભાર. તેઓ હાલમાં ઉદઘોષક હોવાની સાથે ‘જયહિન્દ’ અખબારમાં કટાર લેખક તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત તેમની વાર્તાઓ પ્રચલિત સામાયિકોમાં પ્રકાશિત થતી રહે છે. આપ તેમનો આ નંબર પર +91 9879931212 અથવા આ સરનામે hlthanki63@yahoo.in સંપર્ક કરી શકો છો.]

ૐ દ્યો: શાન્તિરન્તરિક્ષ શાન્તિ; પૃથિવી શાન્તિરાપ: શાન્તિરોષધય શાન્તિ:,
વનસ્પતય: શાન્તિર્વિશ્વે દેવા: શાન્તિર્બ્રહ્મ શાન્તિ:, સર્વ શાન્તિ: શાન્તિરેવ શાન્તિ:
સામા શાન્તિ રે ધિ ||

લગભગ દરેક શુભકાર્યની શરૂઆતમાં આપણે ત્યાં આ શાન્તિ મંત્રનો પાઠ પુરોહિત દ્વારા કરવામાં આવે છે. આ શાન્તિમંત્રમાં આપણી આસપાસની લગભગ તમામ ચીજો જેવી કે, પૃથ્વી, આકાશ, ઔષધ, વનસ્પતિ એ સર્વની શાન્તિને સાંકળી લેવામાં આવી છે. મનુષ્ય જીવનની શાન્તિ માટે આ સહુ સત્તાઓની શાંતિ અપેક્ષિત છે તેવી ધારણા છે. અશાન્તિનાં એક પ્રગાઢ ગાળામાંથી પસાર થયા વગર આંતરિક શાંતિનું મૂલ્ય સમજાય જ નહીં એ એક મોટી કરુણતા છે. સ્વાનુભવ વગર સમજણ આવતી નથી. ઘણી વખત તો તે પછી પણ આવતી નથી. મનુષ્યજીવનની આ પણ એક અદ્દભુત વિડંબણા છે.

વિનોબા ભાવે કહેતાં કે નિરપવાદરૂપે પ્રત્યેક વ્યક્તિ આંતરિક શાંતિ ઈચ્છે છે. પરંતુ તેમાંનાં મોટાભાગનાં લોકોની કાર્યશૈલી અશાંતિ તરફ લઈ જનારી જ હોય છે. આવું કેમ બની શકે ? લાગે છે કે લોકોને શાન્તિ તો જોઈએ છે પરંતુ તે માટે તેઓ કોઈ કિંમત ચુકવવા તૈયાર નથી હોતાં. શાંતિ માટે જે કિંમત ચુકવવી પડે છે, તે તેનાં મૂલ્ય કરતાં ઓછી હશે એ બાબતના સ્વીકાર વગર ભલા કોણ તે ચુકવવા રાજી થશે ? આંતરિક શાંતિનાં ઉદભવ માટે સૌથી આવશ્યક બાબત છે, ક્ષમા કરવાની ભાવના. આપણે જ્યારે કોઈને પણ માફ કરીએ છીએ ત્યારે બહુ જ ઉપર ઉપરથી માફ કરીએ છીએ. માફ કરવાની વાત એકદમ ખરા દિલથી હોવી જોઈએ. વળી, તે એટલી તો સઘન હોવી જોઈએ કે માફ કર્યાની વાત પણ તે જ ક્ષણથી ભૂલાઈ જાય. ખરેખર તો આપણે કોઈને ક્ષમા કરીએ તેમાં તેના ઉપર કરતાં તો વધારે આપણે આપણી જાત ઉપર ઉપકાર કરીએ છીએ. કારણ કે તે વ્યક્તિ સાથેનાં માનસિક યુદ્ધમાં આપણી મોટાભાગની જીવનઊર્જા વેડફાતી હતી તે હવે વેડફાતી બંધ થાય છે અને તે ઊર્જા સંગ્રહિત થાય છે. વળી, મનને શરીર સાથે સીધો જ સંબંધ છે. નકારાત્મક ભાવો શરીરનાં નાજૂક અવયવોને નુકશાન પહોંચાડે છે. ક્ષમાદાનની સાથે સાથે તે ભાવોને પણ વિદાય મળી જતાં શરીરનું સ્વસ્થ થવાનું શરૂ થાય છે. સ્વસ્થ દેહ નિરામય જીવન આપે છે.

આંતરિક શાંતિ માટે બીજી અનિવાર્ય શરત છે પ્રેમ. અહીં પ્રેમ એટલે નિ:સ્વાર્થ પ્રેમ. કાંઈક મેળવવા માટે નહીં. પરંતુ હંમેશા કશુંક આપવા માટે તૈયાર રહેતો પ્રેમ. જો પ્રેમમાં સ્વાર્થ હશે તો અશાંતિ ઊભી રહેશે જ. પ્રેમમાં સ્વાર્થ ઉમેરાતાં તે વાસના બને છે. ફક્ત શુદ્ધ પ્રેમ શાંતિ બક્ષે છે. કારણ કે, તે પ્રેમમાં ઝૂંટાઝૂંટ હોતી નથી. ગાંધીજી કહેતાં કે, ‘શુદ્ધ પ્રેમ આંતરજગતને પવિત્ર બનાવે છે.’

ત્રીજી અને અનિવાર્ય બાબત છે શ્રદ્ધા. આ શ્રદ્ધા એટલે જીવનપ્રક્રિયા પર શ્રદ્ધા. સ્વયં પર શ્રદ્ધા કે પછી ઈશ્વર પર શ્રદ્ધા – જે કાંઈ કહીએ તે, અંતે તો એક જ બાબત છે. માત્ર નામરૂપ જૂજવાં જેવું છે. પ્રત્યેક સંશય અશાંતિનો સર્જક છે જ્યારે ગહન શ્રદ્ધા ઓજપૂર્ણ શાંતિ આપે છે. જીવનમાં ઘણીવખત પહેલી નજરે ખરાબ દેખાતી ઘટના પણ લાંબા સમયે સારું જ ફળ આપશે તેવી શ્રદ્ધા શાંતિનાં માર્ગે લઈ જઈ શકે. ઓશો રજનીશ આ ત્રણેય બાબતોને ધ્યાન વડે સાંકળતા કહે છે કે ફક્ત ધ્યાન કરવાથી જ ક્ષમા, શ્રદ્ધા અને પ્રેમ સ્વયંભૂ ઘટિત થશે. કારણ કે ધ્યાન વ્યક્તિને તેનાં મૂળ સ્વરૂપમાં સ્થિર કરે છે. ધ્યાન એ મનની પારની ઘટના છે. આથી, જ્યારે મન શાંત થઈ જાય છે ત્યારે સ્વમાં સ્થિર થઈ ચૂકેલી વ્યક્તિ જ ખરા અર્થમાં શાંત બને છે; આ શાન્તિ એ બહારથી પકડી રાખેલી શાંતિ નથી હોતી. આ શાંતિ ધ્યાનનું ફળ છે.

આ બધું સમજાય તો છે પરંતુ ફરીથી મૂળ પ્રશ્ન તો એ જ રહે છે કે આપણા માટે જીવનમાં શાંતિનું મૂલ્ય કેટલું ? જો તેનું મૂલ્ય સમજાય તો જ બહારની દોડ બંધ થાય અને ધ્યાન વડે અંદરનાં જગતમાં પ્રવેશ થઈ શકે. બાકી, જ્યાં સુધી તેમ ન થઈ શકે ત્યાં સુધી શાંતિપાઠ કરતાં રહેવામાં કશું જ ગુમાવવાનું નથી.

ૐ શાંતિ…..શાંતિ…. શાંતિ….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચિંતનમાલા – કલ્પેશ ડી. સોની
વાનગી વૈવિધ્ય – સંકલિત Next »   

2 પ્રતિભાવો : આંતરિક શાંતિની શોધ – હરીશ થાનકી

 1. nayan panchal says:

  આંતરિક શાંતિ કદાચ દુનિયાની સૌથી મહામૂલી મિલકત હશે. આ એવી મિલકત છે જે દરેક વ્યક્તિ પોતાની સાથે લઈને જ જન્મયો છે. પરંતુ માયાદેવી એ એવી જાળ રચી છે કે તે પોતાની પાસેની, પોતાની માલિકીની અને આટલી મૂલ્યવાન ‘વસ્તુ’ની સતત અવગણના કરતો રહે છે.
  આવા લેખો સમયાંતરે આપણને યાદ અપાવતા રહે છે પરંતુ પાછા આપણે ત્યાં ના ત્યાં…

  હે પ્રભુ! સદબુધ્ધિ આપજો.

  નાનો પરંતુ ખૂબ જ સચોટ લેખ. આભાર,
  નયન

 2. Bipin Chauhan says:

  Nice to read but need to implement

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.