- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

ગુજરાતી ભાષાનું ભવિષ્ય – જ્યોતિલા ગ. ખારોડ

[‘અખંડ આનંદ’ ડિસેમ્બર-09માંથી સાભાર. આપ લેખિકાનો આ નંબર પર +91 79 32060605 પર સંપર્ક કરી શકો છો. ]

1968ની એટલે કે ચાળીસેક વર્ષ પહેલાંની વાત છે. વાત બિલકુલ અંગત છે, એટલે શરૂઆત આ વાતથી કરવી, ન કરવી તેની અવઢવ બહુ રહી, પણ વિષયને સ્પર્શતી હોવાથી આ વાત લખવી જ જોઈએ, એમ લાગ્યું.

લગભગ 1966માં અમદાવાદની સ્કૂલ ઑફ આર્ટિકેટમાં સિસ્ટર કૉન નામના વિઝિટીંગ પ્રોફેસર આવ્યા. 4-5 વર્ષનું રોકાણ હતું એટલે એમનાં પત્ની રૂથ કૉને અંગ્રેજી મીડિયમની નર્સરી, કે.જી. શરૂ કર્યાં. પાસે હોવાને કારણે, ચાલતા જ લેવા જવાનું સરળ પડે તેથી અમે અમારા નાના પુત્રને ત્યાં મૂક્યો. બે વર્ષ જોતજોતામાં પૂરાં થઈ ગયાં. રૂથ કૉને દરેક માબાપને પુછાવ્યું કે તેઓ તેમની શાળામાં તેમના બાળકને ચાલુ રાખવા માગે છે કે કેમ ? અમે ‘ના’ નો જવાબ લખી મોકલ્યો. એમણે અમને રૂબરૂ મળવા બોલાવ્યાં. અને અમને અમારા આ અભિપ્રાય અંગે પૂછ્યું. અમે અમારી વિચારસરણી રજૂ કરી. અમે માનતાં હતાં કે શાળાકીય શિક્ષણ જો માતૃભાષામાં બાળક લે તો તેને ઓછી મહેનતે વધુ મળે, સમજણ સ્પષ્ટ રહે, અને તે સહજપણે આગળ વધી શકે.

અમારા આશ્ચર્ય વચ્ચે એમણે અમને ખૂબ અભિનંદન આપ્યાં અને કહ્યું કે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં માબાપને પોતાના બાળકને માતૃભાષા છોડી બીજી ભાષામાં ભણાવવાની ઘેલછા છે. પોતે ઘણા દેશોમાં ફર્યાં છે, પણ આવી ઘેલછા તેમણે અહીં જ જોઈ. તેમણે ત્યારે જે કહ્યું તે બરોબર યાદ છે : ‘ગુજરાતી માધ્યમમાં ભણતું તમારું બાળક અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળક કરતાં જ્યારે અભ્યાસ પૂરો કરશે ત્યારે ક્યાંય આગળ હશે.’ અમે તો ખરેખર મીઠાં ફળ ચાખ્યાં. પણ દુ:ખદ વાત એ છે કે અંગ્રેજી માધ્યમમાં બાળકને શિક્ષણ દેવાની વાતે એટલું તો જોર પકડ્યું છે કે અંગ્રેજી ન જાણતાં માબાપ પણ બાળકને અંગ્રેજી માધ્યમમાં ધકેલે છે અને આપણે આપણી માતૃભાષાથી દૂર, વધુ ને વધુ દૂર જતા જઈએ છીએ. તેનાથી વિખૂટા પડવા માંડ્યા છીએ.

અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા છે. ભૌતિક અને બૌદ્ધિક વિકાસ માટે તેની જરૂર છે, એની ના જ નથી, પણ એ જેટલું જરૂરનું છે તેથીય વધુ તાતી જરૂર આપણા ‘ગુજરાતી’ને મહત્વ આપવાની છે. માને મૂકીને માસીને થોડી પૂજાય ? પણ આપણી માનસિકતા જ આ પ્રકારની થઈ ગઈ છે. માતૃભાષા, માતા અને માતૃભૂમિનું પ્રદાન વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વનું છે. ઊલટાક્રમમાં લઈએ તો માતૃભૂમિ દ્વારા આપણે આપણી ઓળખને જાળવી રાખીએ છીએ. માના ધાવણ અને માવજતથી કલેવર ઘડાય છે, મમતાના – સમજણના પાઠ મળે છે. અને માતૃભાષા (એટલે કે આપણે માટે તો ગુજરાતી જ ને !) આપણને આપણા ઘર અને આપણા સમાજ સાથે જોડાયેલા રાખે છે. માતૃભાષા એટલે કે ગુજરાતીને જો ઉવેખશું તો ઘરમાં પણ પરદેશી બની જઈશું. ગુજરાતી ભાષાને લીધે જે સંસ્કાર-આદર્શનાં બીજ બાળપણથી રોપાય અને પછી વૃક્ષ બનીને ફાલે અને મીઠાં ફળો આપણે ચાખીએ અને બીજાને, પછીની પેઢીને પણ આપીએ, તેનું વર્ણન શબ્દાતીત છે.

ગુજરાતી સાહિત્ય ખેડાયેલું સાહિત્ય છે. નરસિંહ-મીરાં-અખો-ભોજો-દયારામ-નર્મદ-ક.દ.ડા થી માંડીને ઝવેરચંદ મેઘાણી, ર. વ. દેસાઈ, ઈશ્વર પેટલીકર, ચુનીલાલ મડિયા, સ્નેહરશ્મિ, ઉમાશંકરભાઈ વગેરેએ ગુજરાતના મધુર ગૃહસંસાર, ધર્મ, આદર્શો, સંસ્કારની મોકળે મને લહાણી કરી છે, અને આપણને સંસ્કારસમૃદ્ધ બનાવ્યા છે. આ તો થોડાં જ નામો લખ્યાં છે. ગુજરાતી ભાષાએ આપણા મન અને હૃદયને વિશાળ બનાવ્યાં છે. તેથી જ આ ભાષાને વરેલા આપણે સૌએ જુદા જુદા પ્રાંતમાંથી, પરદેશથી આવેલા સૌને આપણા પોતીકા એટલી હદે બનાવ્યા છે કે તેઓ અહીં જ પોતાનું ઘર બનાવી વસી જાય છે. આવનારને ‘આવો’નો મીઠો આવકાર, અને જનારને ‘આવજો’ કહી વિદાય આપતા પાછા આવવાનું ઈજન ગુજરાતી ભાષા જ આપી શકે. એને બદલે ‘હાય’ અને ‘બાય’ આપણે અપનાવી લીધાં છે. પણ એ કોણ જાણે ‘આવો’ ‘આવજો’ જેવું સહજ નથી લાગતું.

આવું જ ચાલ્યા કરે તો ગુજરાતી ભાષાના ભવિષ્ય વિશે વિચારતાં થથરી જવાય. અંગ્રેજી ભાષા પ્રત્યે માબાપનું વળગણ એટલું વધી ગયું છે કે ઘરમાં પણ અંગ્રેજીમાં વાતચીત કરવાનો આગ્રહ રખાય છે. અધકચરું ગુજરાતી-અંગ્રેજી બોલતાં બાળકો આપણને ઊંચા લાગે છે. ગુજરાતી ભાષાના માધ્યમવાળી શાળામાં બાળક ભણે છે કહેતાં તો માબાપ જાણે કોચલું વળી જાય છે. એટલી બધી લઘુતાગ્રંથિથી આપણે પીડાતા થઈ ગયા છીએ. ‘वसुधैव कुटुम्बकम’ ને આપણે અંગ્રેજી ભાષામાં રૂપકડું નામ આપ્યું છે : ‘Globalization’. આપણા બૌદ્ધિક, ભૌતિક વિકાસ માટે આ ખૂબ જરૂરી પણ છે, પણ આપણે સૌ તો એ વિકાસની પાછળ એટલા ગાંડા બની ગયા છીએ કે ‘અંગ્રેજી…. માત્ર અંગ્રેજી’ની માળા જપતા થઈ ગયા છીએ. આમ જ થશે, અને ચાલતું રહેશે, તો ગુજરાતી પણ સંસ્કૃતની જેમ જ મૃત ભાષા બની જશે.

હમણાં જ શ્રી રમેશભાઈ સંઘવી સંપાદિત ‘અમી ઝરણાં’ નામનું પુસ્તક વાંચતી હતી. ગાગરમાં એમણે સાગર સમાવ્યો છે. તેમાં ઉદયન ઠક્કરની કાવ્યપંક્તિઓ ‘એક જાહેરાત’ વાંચી. મનમાં રમ્યા જ કરે છે. એ પંક્તિઓ ટાંકવાની લાલચ રોકી શકાતી નથી. એમની ક્ષમાયાચના સાથે એ ટાંકવાની તક લઉં છું :

‘ગુમાઈ છે, ગુમાઈ છે, ગુમાઈ છે,
કૉન્વેન્ટ સ્કૂલના કંપાઉન્ડમાંથી,
પલક મીંચવા-ઉઘાડવાની
કોઈ એક ક્ષણે ગુજરાતી,
લખતી વાંચતી એક પેઢી,
નિશાની છે, ‘કાનુડાએ કોની મટૂકી ફોડી ?’
એમ પૂછો
તો કહેશે, ‘જેક ઍન્ડ જીલની’
ગોતીને પાછી લાવનાર માટે
કોઈ ઈનામ નથી
કારણ કે એ હંમેશ માટે ગુમાઈ ચૂકી છે.’

ભાષાને સંસ્કૃતિ-સંસ્કાર-સમર્પણ-મમતાનું ભાથું બંધાવનાર, માતા માનનારા દરેક માટે આ આંખ ઉઘાડનાર છે. અત્યારે ગુજરાતી માટે જે પરિસ્થિતિ છે તેનું એમણે કરવું જોઈએ તેવું સચોટ વર્ણન કર્યું છે. ગુજરાતી ભાષા મૃત:પાય ન બની જાય તે માટે ભેખ લેનારાની સંખ્યા પણ ઓછી નથી. ફાધર વાલેસ અહીં રહ્યા ત્યાં સુધી ગુજરાતી ન હોવા છતાં પણ પૂરા ગુજરાતી બન્યા. ગુજરાતી ભાષામાં, ગુજરાતની સંસ્કૃતિ-સંસ્કારને પૂરેપૂરાં ઉતાર્યાં. ગુજરાતી ભાષાનું ભવિષ્ય ઊજળું રહે તે માટે શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી જે પ્રયાસો ‘અર્ધી સદીની વાચનયાત્રા’ દ્વારા કરે છે તે સરાહનીય અને વંદનીય છે. મહેન્દ્રભાઈ સાથે શ્રી રમેશભાઈ સંઘવી પણ જોડાયા છે. જો હાથમાં આવે અને નજર ફેરવવાની તસ્દી લઈએ તો ગુજરાતી સાહિત્યમાંથી મંથન કરીને તારવેલા નવનીત પર આપણે જરૂર ઓવારી જઈએ, એના મીઠા આસ્વાદને મન ભરીને મમળાવીએ. અને કહીએ કે આપણું ગુજરાત પણ કંઈ કમ નથી. પૂ. મોરારિબાપુ અને શ્રી રમેશભાઈ ઓઝા એવી વિરલ વ્યક્તિઓ છે કે જેમણે ધર્મને સરળ રીતે જનતા સુધી પહોંચાડવા ગુજરાતના સુપ્રસિદ્ધ કવિઓનાં કાવ્યો, શેર-શાયરીઓનો ઉપયોગ કર્યો છે, અને ગુજરાતીમાં રસ લેતા કરવા માટે પોતાનો અમૂલ્ય સમય ફાળવ્યો છે. આપણું સદભાગ્ય છે કે શ્રી નારાયણભાઈ દેસાઈ જેવા સમર્થ સાહિત્ય સ્વામી પણ આપણી ગુજરાતી ભવિષ્યમાં ખોવાઈ ન જાય તે માટે પુષ્કળ પ્રયાસો કરે છે. કોનાં નામ ગણાવીએ – કોનાં કોરાણે મૂકીએ ? એટલી સંખ્યામાં આપણા સાહિત્યકારો ગુજરાતી ભાષાની ગરિમાને ગુંજતી રાખવાના પ્રયાસોમાં છે.

પણ ગુજરાતી ભાષાનું ભવિષ્ય ઉજ્જવળ રાખવું હોય તો સહુથી સંનિષ્ઠ પ્રયાસો ઘર અને શાળામાંથી થવા જોઈએ. અંગ્રેજી માધ્યમમાં બાળક ભણે ભલે, પણ ગુજરાતી ભાષામાં સરસ મજાનાં જોડકણાં, સરસ વાર્તાઓ – બકોર પટેલની બાલવાર્તાઓ, ગીજુભાઈ બધેકાની બાળવાર્તાઓ, રમણલાલ સોનીની કલ્પનાસભર બાળવાર્તાઓ અને બાળગીતોથી માબાપ બંને થોડો સમય કાઢીને બાળકોને પણ પરિચિત કેમ ન કરાવે ? સ્નો-વ્હાઈટની વાર્તા માટે બરફના પ્રદેશમાં જવું પડે, જે આપણે માટે અપરિચિત માહોલ છે. ‘ગોળ કેરી ભીતલડી, શેરડી કેરા સાંઠા, ટોપરડે તો છાપરી છાઈ, બચ્ચાં બારણાં ઉઘાડો’ આપણો પરિચિત માહોલ, પરિચિત શબ્દો, બાળકોને જરૂર વધુ ગમે જ. આપણામાંથી જે મળતું હોય તેનાથી બાળકોને પરિચિત કરશું તો ગુજરાતી પણ તેમને ગમશે, એ માટેની તેમની વાંચનભૂખ પણ ઊઘડશે અને નવું શોધવાની અને વાંચવાની ઝંખના જાગશે. એક વાત આપણી ગુજરાતી પ્રજા માટે કહેવાય છે, ‘જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત.’ પ્રીતિ સેનગુપ્તા કે પન્નાનાયક અમેરિકન સિટિઝન હોવા છતાં ગુજરાતીને ભૂલ્યાં નથી અને પ્રવાસવર્ણનો દ્વારા અને કાવ્યો દ્વારા સમૃદ્ધ નજરાણાં ધરે જાય છે. એ ગુજરાતી ભાષા માટે ઓછા ગૌરવની વાત નથી.

ગુજરાતી ભાષાની સમૃદ્ધિનો, અસ્મિતાનો બાળકોને ખ્યાલ આવે એટલા માટે અંગ્રેજી માધ્યમ હોય કે ગુજરાતી માધ્યમ, બંનેમાં ઈતિહાસ-ભૂગોળ જેવા વિષયો ગુજરાતીમાં શીખવવા જોઈએ અને તે પણ સરળ અને રોચક રીતે, તો બાળકોને ઈતિહાસ, ભૂગોળમાં જરૂર રસ પડે જ, અને જે તે વિષયો વિશે તે વધુ વાંચવા પ્રેરાય અને ગુજરાતી ભાષાને તે વધુ આત્મસાત કરે. ભાષા જ વ્યક્તિનું ઘડતર કરે છે. હમણાં હમણાં આપણે ત્યાં I.Q. આઈ ક્યુ અને E.Q. બે શબ્દોની બોલબાલા છે. I.Q. એટલે બુદ્ધિ ક્ષમતા તો અંગ્રેજી કે ગુજરાતી કોઈની પણ તેની બુદ્ધિમત્તા પર આધાર રાખે છે. પણ E.Q. એટલે કે સંવેદનશીલતાનું શું ? મારા મતે સંવેદનશીલતા આપણે માટે જરૂરી છે, અને તે આપણી ગુજરાતી ભાષા દ્વારા જ મળે છે. બાળપણની વાત કરીએ તો બાળક જ્યારે ‘બા મને ચપટી વગાડતાં આવડી ગઈ’ કે ‘પેલાં પંખીને જોઈ મને થાય….’ ગાય તો મા સાથે કે પંખી સાથે તે પૂરું ઓતપ્રોત થઈ જાય છે, અને બાળપણનો આનંદ સહજ તેને મળી રહે છે. યૌવનનો ઉલ્લાસ, રોમાંચ ‘તારી આંખનો અફીણી’ કે ‘સાંવરિયો રે મારો સાંવરિયો, હું ખોબો માંગુ ને દઈ દે દરિયો’ જેવાં ગીતો વડે જ અનુભવાય. અને પ્રૌઢાવસ્થાની ધીરગંભીરતાને ‘હિમાલયનો પ્રવાસ’, ‘ધરતીની આરતી’ જેવા માહિતીસભર પુસ્તકો જ ધરવી શકે. વૃદ્ધાવસ્થાને ઉંબરે પગ મૂકેલી માતા અને રજાઓ દરમિયાન પુત્ર-પુત્રીઓ આવ્યાં, તેમને વળાવીને પગથિયે બેસી ગયેલી માતાનું હૃદયસ્પર્શી વર્ણન ‘વળાવી બા આવી’ જેવાં કાવ્યોમાં જ મળે. અંગ્રેજી સાહિત્યમાં આ બધું છે જ, પણ આપણી ભાષા સાથેની આપણી આત્મીયતાને કારણે આપણે જુદા જુદા વખતની સંવેદનશીલતાને વધુ સારી રીતે અનુભવી શકીએ છીએ.

માતૃભાષા જ સંબંધોને આગવાં નામ આપે છે. મામા-મામી-કાકા-ફોઈ-ફુવા-ભાણેજ-ભત્રીજા, નણંદ-ભોજાઈ અને બીજાં અનેક નામ સંબંધોને અપાયાં છે. અને આ નામકરણને કારણે જ સંબંધો વધુ વ્હાલપભર્યા બન્યા છે. સંબંધોની મીઠાશ કેમ ગુમાવાય ? સંસ્કૃત છોડીને ઘણું ગુમાવ્યું છે. એ ભાષાના સુભાષિતોએ આપણને ઘણું આપ્યું છે. આપણી ગુજરાતી પણ આપણને સતત આપ્યે જ રાખે છે. ગુજરાતનું વાતાવરણ, ગુજરાતનું ગૌરવ ગુજરાતીને લીધે છે. ગુજરાતી છે તો ગરબે ઘુમાય છે, ગીતો ગુંજાય છે, લોકસંગીત-લોકગીતોની-લોકવાર્તાઓની લહાણી થાય છે. ગરબામાં પણ હીંચ-હુડો-ઘોડો જેવા પ્રયોગો થાય છે. રવીન્દ્રનાથ ટાગોર આપણી ગરબે ઘૂમતી ગુજરાતણોને જોઈ ઘેલા બન્યા હતાં. ગુજરાતીઓનો સ્વભાવ ગાજવાનો નથી તેથી આપણે આપણી ભાષાને ગજવી નથી. ઘણી વખત ગુજરાતી કુટુંબોની વાતોને વર્ણવતી ટીવી સિરિયલ જોઉં છું ત્યારે આપણી ગુજરાતી જાત માટે ગુસ્સો આવે છે. ઝઘડાઓ-કાવાદાવા, પ્રેમની વિકૃત રજૂઆત, પંચાત એ જાણે ગુજરાતી પ્રજાની ખાસિયત હોય તેવી રજૂઆત ટી.વી. પર થતી હોય છતાં આપણા પેટનું પાણીયે ન હલે ? અમારી ભાષામાં કાકમંજરી છે, મુંજાલ-મીનળદેવી છે, કોકિલા છે, રુદ્રદત છે, રંજન છે, ચંદા છે, અમારી ગુજરાતી ખમીરવંતી છે, એનો અહેસાસ થોડે ઘણે અંશે પણ પ્રસાર માધ્યમો અને પ્રચાર માધ્યમોને આપણે કરાવી શકીએ તો આવી વાહિયાત સીરિયલો બંધ થાય. ગુજરાતી ભાષાનું ગૌરવ અને તેની નમણાશ સહુને જાણવા અને માણવા મળે. જે તે સમયના સાંપ્રત સમાજનું આબેહૂબ વર્ણન એ તો ભાષા અને સમાજદર્શન પરની લેખકની અજબ પકડ બતાવે છે.

આપણી ભાષા જો નબળી પડશે, તો આપણે જ ગુમાવવાનું રહેશે. આ માટે, નાનાં-મોટાં, યુવાન-વૃદ્ધ, સ્ત્રી-પુરુષ, ગરીબ-તવંગર સહુ કોઈએ આપણી ગુજરાતી માટે, તેના અસ્તિત્વ માટે ઝઝૂમવાનું રહેશે. અને નર્મદના શબ્દોમાં જ કહું તો ‘સહુ ચલો જીતવા જંગ, બ્યુગલો વાગે, યાહોમ કરીને પડો ફતેહ છે આગે’ – આપણી ગુજરાતીનું ભવિષ્ય ઊજળું જ રહેશે અને તેના થકી આપણે ઊજળા જ રહીશું. સમાપન કરું છું, ત્યારે ગાંધીજીએ બીજા સંદર્ભમાં કહેલાં વાક્યો યાદ આવે છે. કેટલું જોમ-કૌવત છે એ વાક્યોમાં ? ‘દેશ-વિદેશની સંસ્કૃતિના વાયરા શક્ય એટલી મુક્ત રીતે મારા ઘરમાં વહે એવી મારી પણ ઈચ્છા છે પણ તેના કારણે મારા પગ મારી ભૂમિમાંથી ઊંચકાઈ જાય અને હું દૂર ફંગોળાઈ જાઉં, એની સામે મારો સખત વિરોધ છે, એ હું હરગીજ સહન ન કરું.’

આપણી ગુજરાતીને સમૃદ્ધ-જીવંત રાખવા માટે આપણે પણ એવું જ કંઈક નક્કી કરીએ. બધી સંસ્કૃતિ બધી ભાષાઓ માટે ગુજરાતનાં બારણાં હંમેશાં ખુલ્લાં છે પણ અમારી ગુજરાતીને ભોગે તો હરગીજ નહીં.