વિનોબાના જીવનપ્રસંગો – મીરા ભટ્ટ

[તાજેતરમાં જેની દ્વિતિય આવૃત્તિ પ્રકાશિત થઈ છે તેવા પુસ્તક ‘વિનોબાના જીવનપ્રસંગો’ માંથી કેટલાક પ્રસંગો સાભાર. મીરાબેનનો (વડોદરા) આપ આ નંબર પર +91 265 2432497 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] કારેલાનું શાક

Picture 046નાનકડો વિનાયક છેક નાનપણથી સંન્યાસ અને વૈરાગ્યની વાતો કરે. મા સૂવા માટે પથારી કરી આપે તો સૂવા ટાણે એ પથારીને હટાવી વિન્યો શેતરંજી પાથરીને સૂઈ જાય. ફરવા જાય, માઈલો ચાલે પણ પગમાં ચંપલ ન નાખે. ભરબપોરે ધૂમ તડકામાં ઉઘાડા પગે ચાલી ચાલીને આંખે આઠ નંબરનાં ચશ્માં પહેર્યાં પણ બ્રહ્મચારી માટે ધર્મગ્રંથો દ્વારા સૂચવાયેલા નિયમોનું પાલન અચૂક થવું જોઈએ. નિશાળે જતાં પહેલાં, મા જમવા માટે બેસાડે, ભાણામાં જે જેટલું પીરસાય તેટલું ખાઈને ઊઠી જાય. મોડેથી પિતાજી કે મા જમવા બેસે ત્યારે ખબર પડે કે આજે તો શાકમાં કે દાળમાં મીઠું જ નહોતું પણ વિન્યો તો જરાય મોં કટાણું કર્યા વગર ખાઈને જતો રહ્યો…. આમ નાનપણથી જ વિનાયકને અસ્વાદવ્રત કોઠે પડી ગયેલું, પણ એક કારેલાનું શાક એને ન ભાવે. મા ઘણીવાર ટોકતી કે, ‘વિન્યા, તું અસ્વાદવ્રતની વાતો ઘણી કરે છે પણ કારેલાનું શાક તો તું ખાઈ નથી શકતો. આ તે તારો કેવો વૈરાગ્ય ? ત્યારે વિન્યો જવાબ આપતો કે : ‘મા, બધા જ સ્વાદ જીતવાનો મેં ઈજારો થોડો જ લીધો છે ?’ આમ વિનોબા ક્યારેય કારેલાના શાકને અડકતા નહીં.

પરંતુ આશ્રમમાં તો બધાં જ શાક બનતાં. એક દિવસે સૌ આશ્રમવાસીઓ જમવા બેઠા હતા. આજે પીરસવાનો વારો બાપુનો હતો. વિનોબા પણ પંગતમાં થાળી લઈને બેસી ગયા હતા. દાળ, ભાત અને રોટલી પીરસાયાં અને છેવટે બાપુ શાક લઈને આવ્યા. દૂરથી વિનોબાએ જોયું કે શાક તો કારેલાનું છે, પણ બાપુ પીરસે છે તે ના કેમ કહેવાય ? ચૂપચાપ થાળીમાં શાક લઈ લીધું. ન ભાવતું શાક સૌથી પહેલાં પતાવી દેવાના ઈરાદાથી વિનોબા પહેલાં શાક ખાઈ ગયા. ત્યાં તો ગાંધી બાપુની નજર પડી વિનોબાની થાળી પર. શાક ખલાસ થઈ ગયું હતું. બાપુને થયું કે વિનોબાને કારેલાનું શાક ખૂબ ભાવે છે. જઈને ફરી પીરસવા માંડ્યું. બાપુનો હાથ પાછો કેમ ઠેલાય ? ફરી પાછું લઈ લીધું અને આમ વિનોબા ખાતા ગયા અને બાપુ પીરસતા ગયા. ત્યારથી કારેલાના શાકની આભડછેટ મટી ગઈ અને અસ્વાદી વિનોબાની યાદીમાં કોઈ વસ્તુ બાકાત રહી નહીં.

[2] જે ગામ જવું નહીં, તેનું નામ નહીં !

ઈન્ટરની પરીક્ષાના દિવસો નજીક આવી રહ્યા હતા. વિનુની તૈયારીઓ પણ થઈ ગઈ હતી. નાપાસ થવાનો કોઈ સંભવ ન હતો. પરંતુ વિચારચક્ર બીજી જ એક ધરી પર ફરવા માંડ્યું હતું. એક દિવસે મા રસોઈ બનાવતી હતી અને વિન્યો ચૂલા પાસે આવીને બેઠો. એના હાથમાં કંઈ કાગળિયાં હતાં. એકદમ કાગળિયાંને ગોળ વાળીને ચૂલામાં સળગાવવા માંડ્યાં.
માએ પૂછ્યું : ‘અરે, આ શું કરે છે ?’
‘મેટ્રિક વગેરે પરીક્ષાઓનાં સર્ટિફિકેટ બાળું છું.’ વિન્યાએ કહ્યું.
માએ આશ્ચર્યથી પૂછ્યું : ‘કેમ ?’
વિનોબાએ કહ્યું : ‘મારે હવે જરૂર નથી. મારે કાંઈ નોકરી નથી કરવી.’
‘પણ ભલા માણસ. આજે જરૂર ન હોય તોય ભલે ને પડ્યા રહે. તને શું વાંધો છે ?’ માએ ભવિષ્યની ચિંતાથી કહ્યું. આગળ ઉપર ક્યારેક ઉપયોગમાં આવે, એમ માનો આશય હતો.

પરંતુ વિનોબાની નીતિ मूले कुठाराघात: ની હતી. તેઓ માને છે કે કેટલાંક કામ ધીરે ધીરે કરવાનાં હોય છે, પરંતુ કેટલાંક કામ એવાં હોય છે, જેમાં ધીરે ધીરે ન ચાલે. એમાં તો એક ઘા ને બે કટકા જ કામ લાગે. એવાં કામમાં એકદમ દોરડું કાપી જ નાખવું જોઈએ. ત્વરિત નિર્ણય લેવો જોઈએ. જેમ સિંહગઢની લડાઈમાં તાનાજીની નેતાગીરી હેઠળ બધા મરાઠા સૈનિકો વીરતાપૂર્વક લડ્યા, પરંતુ જ્યારે તાનાજી મરાયો ત્યારે બધા હિંમત હારી ગયા અને સૌ કોઈ નાસવાની તૈયારી કરવા લાગ્યા. ત્યારે તાનાજીના ભાઈ સૂર્યાજીએ બધા સૈનિકોને કહ્યું : ‘અરે, ભાગો છો ક્યાં ? કિલ્લા પરથી નીચે કૂદવાનું દોરડું મેં ક્યારનુંય કાપી નાખ્યું છે. હવે તમારા માટે ભાગી છૂટવાની કોઈ તક જ રાખી નથી.

પછી તો બધા સૈનિકો માથું મૂકીને લડ્યા અને અંતે જીત્યા. વિનોબાજી પણ એમ જ માને છે કે કેટલીક વાતોમાં ધીરે ધીરે કામ થાય, જ્યારે કેટલીક વાતોમાં એકદમ દોરડું કાપી નાખવાનું. પોતાનું ભવિષ્ય નક્કી કરતી વખતે પણ નોકરીએ નહીં લાગવાનો નિર્ણય કરી તે દિશા તરફના બધા દરવાજા જ તેમણે બંધ કરી દીધા.

[3] સૌથી મોટું દુ:ખ

સિવની જેલમાં વિનોબા-વાસ. સગાંવહાલાંને પત્રો લખવાની છૂટ હતી. પરંતુ વિનોબાને તેવો ભેદ મંજૂર નહોતો એટલે તેઓ કોઈને પત્ર નહોતા લખતા. ત્રણ વર્ષથી કોઈને પત્ર નહોતો લખ્યો. દિવસો આનંદથી વીતતા હતા. એક દિવસે જેલરને શું થયું કોણ જાણે પણ તે ઠીક ઠીક સમય સુધી વિનોબા પાસે બેસી રહ્યો અને છેવટે બોલ્યો, ‘તમારા જીવનમાં દુ:ખ જેવું કંઈ નથી ?’
વિનોબા કહે છે : ‘છે, પણ તે કયું તે તમે જ શોધો. હું તમને સાત દિવસની મુદત આપું છું.’ અઠવાડિયા પછી તે આવીને બોલ્યો : ‘મને તો કંઈ જડતું નથી. તમે જ કહો.’
વિનોબા કહે : ‘આ જેલમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત દેખાતા નથી, એ મારું મોટું દુ:ખ છે. સુખ એટલે જ્યાં આકાશ સુલભ છે તે, અને દુ:ખ એટલે આકાશ દુર્લભ છે તે સ્થાન. હવે સમજાયાં મારાં સુખદુ:ખ ?’

આકાશના આ મહાભોગીને ઠંડીના દિવસોમાં ક્યારેક યાત્રામાં ખુલ્લી જગ્યાના અભાવે ગોંધાવું પડે છે, ત્યારે ભારે મોટી સજા થઈ જાય છે. તેઓ ઘણીવાર કહે છે : ‘વ્યાપક અને નિર્બંધ ચિંતન કરવું હોય તો તે ગુફામાં નહીં, ખુલ્લા આકાશ હેઠળ જ થઈ શકે.’

[4] ઊંધું સરકસ !

જેલવાસ દરમિયાન એકવાર એક મિત્ર વિનોબાને મળવા આવ્યા. પૂછ્યું : ‘કેમ, જેલ કેવી લાગે છે ?’
વિનોબાએ એમની લાક્ષણિકતાથી જવાબ વાળ્યો, ‘તમે સરકસ જોયું છે ને ? સરકસમાં માણસ પશુ પર જુલમ ગુજારે છે. અહીં જેલમાં ઊલટું થાય છે, અહીં પશુ માણસ પર જુલમ ગુજારે છે.’

જેલના કોઈ અધિકારીએ આ સાંભળી લીધું હોત તો ? પરંતુ જેલજીવનનું જમા પાસું પણ એમણે માણ્યું છે : ‘સાચા આશ્રમી જીવનનો અનુભવ તો જેલમાં જ થયો. ગણતરીનાં કપડાં, પાણીનો લોટો અને કાંજી માટે વાટકી. આટલાં વાસણ. આનાથી વધારે અસંગ્રહના વ્રતનું પાલન બીજે ક્યાં થાય ? નિયમસર નહાવું, ખાવું, કામ કરવું અને ઘંટના ટકોરે સૂવું અને ઊઠવું. ક્રમબદ્ધ જીવન અને માંદા પડવાનીય છૂટ નહીં. ભોજનમાંય રોજ અસ્વાદવ્રત. આનાથી વધારે અસ્વાદવ્રત આપણે આશ્રમમાં પણ ક્યાં પાળીએ છીએ ? આપણા આશ્રમોમાં પણ જેલની સારી વસ્તુઓ અપનાવીને સુધારા કરવા પડશે.’ જેલને પણ આશ્રમ બનાવનારો આ કીમિયાગર હતો !

[5] ઘડિયાળને કાંટે

એક વખતે વિનોબા એમના રૂમમાં બેઠા હતા. પાસે એક કાર્યકર્તા બેઠા હતા. એકદમ તેને બોલાવીને પોતાનું ઘડિયાળ બતાવવા લાગ્યા. કહે : ‘જો ઘડિયાળનો આ જે સતત ફરતો રહેનારો સેકન્ડ-કાંટો છે, તે છે મારો ગ્રામદાન કાર્યકર્તા. સાતત્યથી એ બસ ફર્યા જ કરે છે. પળવાર થોભતો નથી. હું જ્યારે ઊંઘી જાઉં છું ત્યારે પણ એ નથી ઊંઘતો.’
‘પછી આ જે મિનિટ-કાંટો છે, તે છે જનતા. એ આળસુ છે. જ્યારે પેલો કાર્યકર્તા-કાંટો એક આખું ચક્કર પૂરું કરે ત્યારે આ જનતા-કાંટો જરાક આગળ ખસે છે.’
‘અને આ જે ત્રીજો કલાક-કાંટો છે, તે છે સરકાર. જ્યારે આ જનતા એક આખું ચક્કર પૂરું કરે છે ત્યારે સરકાર થોડીક આગળ ચાલે છે – આ ઘડિયાળ તરફ જ્યારે ધ્યાન જાય છે ત્યારે આજની પરિસ્થિતિનું સમગ્ર ચિત્ર ખ્યાલમાં આવે છે.’

[6] જંગલી વિનોબા

પરમધામ આશ્રમનું વિનોબાજીનું સ્વરૂપ બેપરવા ફકીર જેવું હતું. આશ્રમમાં કોણ આવે છે ને કોણ જાય છે તેની તેમને જરાય દરકાર નહોતી. પોતાના અધ્યયનમાં મસ્ત રહે. કોઈ આશ્રમમાં રહેવા માંગતું હોય તો તેને રહેવા કહી દે. પછી છ મહિના સુધી તેનું નામ જ નહીં લેવાનું. છ મહિના પછી એનાં ખબરઅંતર નામઠામ પુછાય. છ-છ મહિના સુધી આવા વાતાવરણમાં જે ટકી શકે તેની આશ્રમમાં રહેવાની યોગ્યતા ગણાય. જંગલમાં જાનવરની જેમ વિનોબા એકાંતમાં રાચ્યા કરે. કેટલાક લોકો તો તેમના આવા બાહ્ય વર્તનને કારણે તેમને ભારે અભિમાની અને ઉદ્ધત લેખતા. આશ્રમના સાથીઓ પણ તેમનાથી ડરતા રહે. પણ તેમને વિનોબા કહેતા, ‘અરે સિંહથી બીજાં બધાં ડરે, પણ સિંહનાં બચ્ચાં કંઈ ડરે ! તે તો સિંહના શરીર પર કૂદકા મારે.’ છતાંય વિનોબાના મૃદુ, માખણ જેવા અંત:સ્થલ સુધી પહોંચવા માટે કિંમત પણ ભારે ચૂકવવી પડતી.

ગાંધીબાપુનો રિવાજ હતો કે કોઈ પણ વિશિષ્ટ વ્યક્તિ આવે તો તેને વિનોબા પાસે મોકલવી. બાપુ જેની પાસે ખાસ મોકલે છે તે વ્યક્તિમાં કંઈક હોવું જોઈએ તેમ સૌને લાગતું, પરંતુ ત્યાં જઈને સૌને અવનવા અનુભવો થતા. દક્ષિણની યાત્રા વખતે કુમારપ્પા ને વિનોબાનું મિલન થયું. કુમારપ્પાજીએ વિનોબાજીને ખૂબ હસાવ્યા. તેમનું વિનોબા સાથે પહેલું મિલન તેવું થયું હતું તે યાદ કરાવ્યું. કહે, ‘હું સેવાગ્રામ ગયો અને પાછાં વળતાં પહેલાં બાપુની વિદાય લેવા ગયો તો બાપુએ પવનારમાં વિનોબાને મળીને જવાનું કહ્યું. મારે કંઈ વિનોબાનું કામ નહોતું, પણ બાપુએ ખાસ મળવાનું કહ્યું એટલે કોઈ વિશેષ વ્યક્તિ હશે, તેમ માનીને પવનાર મળવા ગયો. આશ્રમવાસીઓએ મને વિનોબાની ઓરડીમાં પહોંચાડ્યો. તે વખતે વિનોબા વાંચતાં બેઠા હતા. હું તો તેમની સામે જઈને બેઠો. પાંચ મિનિટ, દસ મિનિટ, અર્ધો કલાક ! થયું કે હમણાં મોં ઊંચું કરશે, હમણાં વાત કરશે પણ વિનોબા તો એમની ચોપડીમાં મોઢું ઘાલીને બેઠેલા તે બેઠા જ રહ્યા. આખરે પોણો કલાક બેસીને ધૂંધવાઈને હું તો બાપુ પાસે પહોંચી ગયો. ‘કેવો જંગલી માણસ, એવા માણસ પાસે તમે મને મોકલ્યો હતો ? બાપુ, વાત કરવાનીય સભ્યતા ન દેખાડી.’ બાપુ તે વખતે શાંત રહ્યા. પાછળથી વિનોબાને મળતાં પૂછ્યું તો વિનોબાએ કહ્યું કે મારું ધ્યાન હતું કે કોઈ આવીને બેઠું છે, પણ તેમણે મને કંઈ પૂછ્યું નહીં એટલે મેં મારો સમય ન બગાડતાં મારું વાંચવાનું ચાલુ રાખ્યું. કારણ કે, મારે તેમને કંઈ સામે ચાલીને પૂછવાનું કે કહેવાનું ન હતું.

આવા હતા આશ્રમી વિનોબા. તેઓ પોતે જ કહે છે કે : ‘હું તો પહેલો જંગલી હતો, બાપુએ મને સભ્ય બનાવ્યો.’

[7] વેસ્ટ ઑફ ટાઈમ

આશ્રમવાસ. વિનોબાના મોઢામાં સાચા દાંતની જગ્યાએ બનાવટી દાંતનું ચોકઠું ચડી ગયું હતું. રોજ પોતાની જાતે તે ચોકઠું ધૂએ. પંદર મિનિટ તેમાં જતી. એક વખત જાનકીદેવીએ વિનોબાને કહ્યું : ‘બાબા, તમારો પંદર મિનિટ જેટલો કિંમતી સમય આ દાંત ધોવા પાછળ વેડફાય છે તે ઠીક નથી થતું. તમે કોઈ બીજાને એ કામ સોંપી દેતા હો તો ?’
વિનોબાએ જવાબ આપ્યો : ‘હાથ-પગ વડે કોઈ કામ કરવું તેમાં કોઈ waste of time નથી. સમય તો ત્યારે વેડફાય છે કે જ્યારે આપણા મનમાં કામ, ક્રોધ વગેરે વિકાર પેદા થાય. જે ક્ષણોમાં મનમાં આ બધા વિકાર પેદા થાય ત્યારે સમજી લો કે તેટલો તમારો સમય વેડફાયો. બાકી શુદ્ધ મનથી કોઈ પણ કામ કરવામાં સમય વેડફાતો નથી.’
ક્ષણેક્ષણનો હિસાબ રાખનાર હિસાબનીશની સમય વેડફવા અંગેની કેટલી સ્પષ્ટ, સૂચક અને સચોટ સમજ !

[8] પગમાં ચક્ર

પરમધામ પવનારની વિનોબાની નાનકડી ઝૂંપડી. એ ઓરડીમાં વિનોબા આંટા મારે. બીમારીને કારણે ગમે ત્યારે ચક્કર આવે, એટલે બહાર ફરવાનું વિનોબાએ છોડી દીધેલું. પણ જન્મનો રખડતો જીવ, પગ વાળીને બેસી રહેવું કેમ પાલવે ? તો તેઓ નાનકડી ઓરડીમાં એક ખૂણેથી બીજે ખૂણે આંટા માર્યા કરે. એક વખતે આંટા મારતાં મારતાં કહે : ‘એક સમયે જેલમાં હતો ત્યારે મને આનાથી પણ નાની ઓરડી મળેલી. તે વખતે રાજકીય કેદીઓને કંઈ શારીરિક કામ પણ અપાતું નહીં. પુસ્તકો, પેન-પેન્સિલ, કાગળ પણ સાથે ન રાખવા દેતાં. વાંચવાની પણ મનાઈ. આખો દિવસ નિષ્ક્રિય રહેવાનું, બહાર જવાની પણ છૂટ નહીં. રીતસરનો ગાંડા બનાવવાનો કાર્યક્રમ હતો. મેં તો તેમાં પણ મારો કાર્યક્રમ ગોઠવી દીધેલો. કુલ દસ કલાક ઊંઘતો. બે કલાક ધ્યાન કરતો, ચાર કલાક ખાવું-પીવું-નહાવું-ધોવું વગેરે. ઈતર કાર્યોમાં અને આઠ કલાક એ ઓરડીમાં એ ખૂણેથી બીજે ખૂણે ત્રાંસો hypoteneously ફરતો. કલાકનો હું દોઢ માઈલ ગણતો. એ હિસાબે જેલની એ નાનકડી ઓરડીમાં પણ હું રોજ બાર માઈલ ફરી લેતો.’

જેલની એ નાનકડી ઓરડીમાં ખુલ્લું આકાશ તો ક્યાંથી મળે ? આ જીવડો તો ખુલ્લા આકાશનો સંગી ! પણ જે સમયે જે પરિસ્થિતિ, તેને સર્વોત્તમ ભાગ્યમાં પલટાવવાની કળા વિનોબાને હસ્તગત છે. સ્થૂળાકાશ ન સહી, ચિદાકાશની અસીમતાનો આનંદ એ લૂંટતા રહ્યા. આગળ કહે : ‘એક વાર રાત્રે એક વાગે એ રીતે આંટા મારતો હતો. ચિંતન ચાલતું હતું. ત્યાં વૉર્ડર આવ્યો. એણે મને આંટા મારતો જોયો હશે, એટલે તેણે બારણું ખખડાવ્યું. પણ હું તો ચિંતનમાં ડૂબેલો હતો. એટલે જવાબ કોણ આપે ? એ ગભરાયો. પાસે આવીને મને હલાવ્યો ને પૂછ્યું કે શું થયું છે ? પછી મેં એને ચિંતન એટલે શું ? ચિંતનનાં શાં પરિણામો છે ? વગેરે સમજાવ્યું. એ તો ખુશ થઈ ગયો અને વળતે દિવસે પ્રસાદીરૂપે ખુલ્લામાં ફરી શકાય એવી જગ્યા અપાવી. અને પુસ્તકો વાંચવાની પણ છૂટ મળી. પણ તેય કેવી રીતે મળી, ખબર છે ? એણે કહ્યું : ‘આ તો આવી એકાંત જગ્યામાં પણ તદ્દન આનંદિત રહે છે, એને દુ:ખ નથી થતું. સજા નથી થતી, માટે બીજે મોકલો.’

[કુલ પાન : 112. કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર, દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22139253. ઈ-મેઈલ : info@navbharatonline.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આભાર – તંત્રી
ગુજરાતી ભાષાનું ભવિષ્ય – જ્યોતિલા ગ. ખારોડ Next »   

6 પ્રતિભાવો : વિનોબાના જીવનપ્રસંગો – મીરા ભટ્ટ

 1. ખૂબ પ્રેરક પ્રસંગો. જેલવાસમાંથી આશ્રમ જીવનનો પાઠ લીધો ! “અહીં પશુ માણસ પર જુલમ ગુજારે છે” સચોટ કટાક્ષ

 2. trupti says:

  બધાજ પ્રસ્ન્ગો સુન્દર પણ ૪ અને ૫ અતિ ઉત્તમ.

 3. Veena Dave. USA says:

  સરસ લેખ્.

 4. Yatrik says:

  ખુબ સરસ લે ખ

 5. જોરદાર

  કેવા કેવા પુરુષો થઈ ગયા આ દેશમાં!!!!

  અને પાછા બધા બાપુ ને હાથ જોડી ને ઉભા રહે તો બાપુ કેવા?

 6. Ashish Dave says:

  Really inspirational…

  Ashish Dave
  Sunnyvale, California

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.