ઓડકાર અમૃતનો – ડૉ. આઈ. કે. વીજળીવાળા
[ ડૉ.વીજળીવાળાસાહેબના જીવનપ્રસંગો પર આધારિત સુંદર પુસ્તક ‘સાયલન્સ પ્લીઝ !’ માંથી સાભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : drikv@yahoo.com પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
1987ની 31મી ડિસેમ્બરે વડોદરાની મેડિકલ કૉલેજને રામરામ કર્યા. M.D. પછી સિનિયર રજિસ્ટ્રાર તરીકેની એક વરસની કારકિર્દી પણ પૂર્ણ થઈ. ટૂંકમાં ભણતર પૂરું થયું હતું. હવે ઠોસ જિંદગીની કઠણ કેડીઓ પર કદમ માંડવાનાં હતાં. ભાવનગરની એક ટ્રસ્ટ હૉસ્પિટલમાં બાળરોગ નિષ્ણાત તરીકેની નિમણૂક મને મળી ગઈ હતી. હું ભાવનગર ત્રીજી જાન્યુઆરી, 1988ના રોજ પહોંચ્યો. ટ્રસ્ટ હૉસ્પિટલમાં પૂર્ણ સમયના બાળરોગ નિષ્ણાત તરીકે જોડાયો. પગાર અંગે મુખ્ય ટ્રસ્ટી સાથે બે-ચાર દિવસ પછી વાતચીત કરવાનું નક્કી થયું હતું.
સાત દિવસ પછી મુખ્ય ટ્રસ્ટી સાથે મિટિંગ થઈ. મને રૂપિયા 2,500 અને ઈન્ડોર ફીસમાંથી અમુક ટકા ઈન્સેન્ટિવ આપવાનું નક્કી કરાયું. મારો આગ્રહ મને પાંચ હજાર રૂપિયા વત્તા ઈન્સેન્ટિવ મળે તેવો હતો. મેં ટ્રસ્ટીશ્રીને મારો પગાર વધારવા માટે આગ્રહ કરી જોયો. પણ ટ્રસ્ટનો જ લાભ વિચારતા ટ્રસ્ટીશ્રી ટ્રસ્ટને જેનાથી લાભ થઈ શકે તેવા ડૉક્ટર્સને વધારે પૈસા આપવા તૈયાર ન લાગ્યા. અને એ વખતે મારા હાથમાં કલાસ વન ઑફિસરની બીજી 3-4 નોકરીના નિમણૂક પત્રો હતા. એટલે મને પણ આ નોકરી છોડવી પડે તો જરાય ચિંતા નહોતી. એ જ સમયગાળામાં મને મહુવાની એક હૉસ્પિટલમાં નોકરીનો પત્ર પણ મળ્યો હતો. એટલે હું છેલ્લા કેટલાક દિવસથી મહુવા જવાનો વિચાર કરતો હતો.
મન વારંવાર આ હૉસ્પિટલની નોકરી છોડી વધારે પૈસા મેળવવા માટે મહુવા જતા રહેવાની યોજના કરતું હતું. પણ નોકરી બદલવાની જફાઓનો વિચાર આવતાં જ પાછું પડતું હતું. અને નોકરી બદલવી એટલે ? – બધા લબાચા ફેરવવા, ઘરની ઘણી સામગ્રી નવેસરથી વસાવવી, નવા વાતાવરણમાં ગોઠવાવું, નવા પડોશીઓ સાથે સંબંધો બાંધવા, નવા સંબંધો વિકસાવવા, નવેસરથી તમારા કામનું પ્રમાણપત્ર આપવાનું વગેરે વગેરે અનેક માથાકૂટો ઊભી થઈ જાય. આ બધી ઉપાધિઓ મને અકળાવતી હતી. પરંતુ સામે ડબલ પગાર પણ દેખાતો હતો. આટલું ભણ્યા પછી વધારે પૈસા મળતા હોય તો એ શા માટે છોડવા જોઈએ ? આ બધા વિચારોના જાળામાં ગૂંચવાતો હું લોઢાવાળા હૉસ્પિટલની અગાસીની રૅલિંગ પકડીને ઊભો હતો. સાંજના પાંચ વાગી ગયા હતા.
‘અરે વીજળીવાળાસાહેબ ! ચાલો બહાર આંટો મારતા આવીએ.’ હૉસ્પિટલમાં મારી બાજુના કવાર્ટરમાં રહેતા ડૉ. મહાવીરસિંહ જાડેજાના અવાજે મને ચમકાવી દીધો, ‘કહું છું, કંઈ કામ તો બાકી નથી ને ? જો કોઈ દર્દી વેઈટિંગમાં ન હોય તો ચાલો ગામમાં આંટો મારતા આવીએ. અને શું ઊંડા વિચારમાં ખોવાયા છો ? કંઈ સિરિયસ મેટર તો નથી ને ?’ કાન, નાક, ગળાના નિષ્ણાત સર્જન ડૉ. મહાવીરસિંહ દિલના પણ એક ઉમદા વ્યક્તિ છે. મળતાવડા પણ ખૂબ જ. એમની સાથે વાત કરતા હોઈએ તો એવું જ લાગે કે જાણે દાયકાઓની આપણી કોઈ અતિપરિચિત વ્યક્તિને મળી રહ્યા છીએ. એમણે અમદાવાદથી એમ.એસ. કર્યું હતું. અને મેં વડોદરાથી એમ.ડી. બાકી અમારી બેચ એક જ. આ હૉસ્પિટલમાં પણ લગભગ એકસાથે જ અમે જોડાયા હતા. અમને હૉસ્પિટલમાં ઉપરના માળે રૂમ્સ ફાળવવામાં આવી હતી. ડૉ. જાડેજાસાહેબના અવાજથી હું તંદ્રામાંથી બહાર આવી ગયો.
‘ના ! ના ! કંઈ કામ બાકી નથી. આ તો વધારે પગારની નોકરી કરવા મહુવા જતા રહેવું કે પછી અહીંયા રહીને આ જ શહેરમાં કામ કરવું એ બે વિચારોની વચ્ચે અટવાતો હતો. ચાલો, હું પણ કંટાળ્યો છું. ક્યાં જવું છે ?’ મેં બહાર નીકળવાની તૈયારી બતાવતાં કહ્યું.
‘રૂપમ ટૉકીઝ (જે હાલ નથી) સુધી જતા આવીએ. મારે થોડીક ખરીદી પણ કરવી છે. બાકી તો નવું શહેર છે તે જોવાઈ પણ જશે.’
‘ચાલો ત્યારે ! હું તો તૈયાર જ ઊભો છું. મારે મારા બૂટને પૉલિશ કરાવવા છે.’ મેં એમની સાથે દાદરો ઊતરવાનું શરૂ કર્યું.
ભાવનગર શહેરમાં રાજાશાહી વખતનું ગંગાદેરી નામનું આરસનું એક સુંદર નાનકડું સ્થાપત્ય રૂપમ ટૉકીઝની પાછળના ભાગે આવેલું છે. અત્યારે તો રૂપમ ટૉકીઝની જગ્યાએ એક મોટું બહુમાળી મકાન બની રહ્યું છે. આ ગંગાદેરી સ્થાપત્યની આજુબાજુનો વિસ્તાર ગંગાજળિયા મહાદેવના નામ પરથી ગંગાજળિયા તળાવ તરીકે ઓળખાય છે. તળાવની બરાબર વચ્ચેથી મુખ્ય રસ્તો પસાર થાય છે. એ રસ્તાની બંને તરફ સરસ મજાની લાદીજડિત ફૂટપાથ છે. આ ફૂટપાથ પર મેં એક મોચીદાદાને બેઠેલા જોયા. હું બૂટપૉલિશ કરાવવા માટે જ નીકળ્યો હતો. આ દાદાને જોતાં જ હું તેમના તરફ વળ્યો. ડૉ. જાડેજાસાહેબ એમની થોડીક ખરીદી પતાવવા મુખ્ય માર્ગ તરફ ગયા.
મોચીદાદાની પાસે પહોંચીને હું બે મિનિટ એમની તરફ જોઈને ઊભો રહ્યો. એમને જોતાં જ એમનામાં રસ પડે તેવું અદ્દભુત વ્યક્તિત્વ લાગે. ખખડધજ શરીર, ક્યારે ઓળ્યા હશે તેનો અંદાજ ન લગાવી શકાય તેવા એકબીજા સાથે ચોંટી ગયેલા સફેદ વાળ, સેંકડો કરચલીઓથી લીંપાયેલો ચહેરો, ફૂટપાથની પાળીનો ટેકો લઈને બેઠેલું સાતેક દાયકા જૂનું એ શરીર વીતેલા સમયને હોકલી દ્વારા વારંવાર ધુમાડો બનાવીને બહાર ફેંકી રહ્યું હતું.
‘દાદા ! બૂટને પૉલિશ કરવાનું શું લેશો ?’ મેં પૂછ્યું.
એમણે મારી સામે જોયું. હોકલીનો એક ઊંડો કસ લઈને આંખો ઝીણી કરી. મોઢેથી ખેંચેલા ઊંડા શ્વાસની સાથે જાણે કે મને પણ આખેઆખો જ આંખો દ્વારા અંદર ઉતારી દીધો ! પછી કહ્યું, ‘આઠ આના ! આમ તો રૂપિયો લઉં છું. પણ આજે આઠ આના ! નવા લાગો છો આ શે’રમાં ?’
‘હા દાદા ! આ શહેરમાં નવો જ છું.’ એમની માણસ પારખી જવાની શક્તિને મનોમન દાદા દેતાં મેં જવાબ વાળ્યો, પણ જો રોજનો ભાવ એક રૂપિયો હોય તો આ અચાનક આઠ આનાનો મતલબ શો ? અહીંના ન હોય એ બધા પાસેથી ઓછા લો છો ?’
‘અરે ના સાહેબ ! એવું કાંઈ નથી. મોટા ભાગનું કમાવાનું તો બહારના લોકો પાસેથી જ હોય છે. પણ આ તો આજે મોજમાં છું ને એટલે !’
ઓત્તારી ! મોજમાં હોય એટલે ભાવઘટાડો ! એવી તો કેવી મોજ હશે આ દાદાની ? અરે ! કરોડપતિ વેપારીઓ પણ ભાવ પહેલાં ડબલ કરીને પછી ખોટો ભાવઘટાડો કરવાનું નાટક કરતા હોય છે. જ્યારે અહીંયાં તો તળિયાના ભાવમાં પણ અડધોઅડધ ઘટાડો કરવાની વાત હતી. મને આ દાદામાં ખૂબ જ રસ પડ્યો. વધારે તો એમની મોજ અંગે જાણવાની તાલાવેલી જાગી.
‘પણ દાદા ! એવી તો કેવી મોજમાં છો કે આ અડધોઅડધ ભાવઘટાડો કરી નાખ્યો છે ?’ મેં બૂટ કાઢી એમને આપ્યા અને બાજુની પાળી પર બેસતાં પૂછ્યું.
‘અરે બાપા ! એની તો વાત નો કરો !’ એમની આંખોમાં મોજ અને સુખની વાદળીઓ જાણે દોડાદોડી કરી રહી હતી ! જાણે કોઈ અદ્દભુત તાનમાં હોય તેમ એણે આગળ કહ્યું : ‘આજે તો સવારથી 25 રૂપિયાનો ધંધો થઈ ગયો છે. રોજ માંડ દસ રૂપિયા જ મળે છે. આજ તો બસ મારા નાથે રેલમછેલ કરી દીધી છે. આ તો તમે આવ્યા, નકર હું તો ઘરે જાવા ઊભો જ થતો હતો !’
લ્યો કરો વાત ! 25 રૂપિયા એટલે રેલમછેલ કહેવાય ?! ક્યાં હજારો રૂપિયા મળતા હોવા છતાં ઓછા પડતા હોવાનો અહેસાસ કરતો હું અને ક્યાં 25 રૂપિયાને રેલમછેલ ગણતા મોચીદાદા ! જિંદગીનું ગણિત કંઈ જુદી રીતથી પણ ગણી શકાય એવું મને હવે સમજાઈ રહ્યું હતું.
‘દાદા ! તમે ભાવનગર જ રહો છો ? મારો પૂછવાનો મતલબ છે કે ભાવનગરના જ રહેવાસી છો ?’ મેં પૂછ્યું.
‘ના બાપુ ! રહું છું તો બાજુના ગામડે. હું અને મારો દીકરો સવારે ઘરેથી બાપુગાડીમાં આવીએ (ત્યારે ભાવનગર અને મહુવા વચ્ચે નૅરોગેજ રેલવે ચાલતી. લોકો એને ‘બાપુગાડી’ તરીકે ઓળખતાં). ઈવડો ઈ દરબારગઢ બેંક પાસે બેસીને ધંધો કરે અને રેલવેસ્ટેશનથી હું અહીંયાં સુધી સાઈકલ લઈને આવું અને આહીં ફૂટપાથ પર બેસું. ભાતું લાવીએ એટલે પોતપોતાની મેળે નવરાશે ખાઈ લઈએ. સાંજે સાતની ગાડીમાં બાપ-દીકરો પાછા જાઈં.’ આટલું બોલીને એણે ચલમમાંથી ઊંડો દમ ખેંચવાની કોશિશ કરી. હોકલી ઠરી ગઈ હતી. દાદાએ જમીન પર ઠપકારીને હોકલી ખાલી કરી. નખથી બળેલી તમાકુ ખોતરીને કાઢી ફરીથી ભરવાનું શરૂ કર્યું.
‘દાદા ! તમે સ્ટેશન સુધી રોજ ચાલતા જાવ ?’ મેં પૂછ્યું.
‘ના બાપા ! હું આ સાઈકલ પર દરબારગઢ સુધી જાંવ. પછી દરબારગઢ બૅંકના દરવાજા પાંહે આ સાઈકલ મૂકી દઉં. ન્યાંથી અમે બાપદીકરો હાલતા ટેશન વયા જાઈં.’ મારી નજર દાદાની સાઈકલ પર પડી. ભરચક ચોકમાં તાળું માર્યા વગર મહિનાઓ રાખી મૂકીએ તોપણ કોઈ ન લઈ જાય તેવી ! સાવ ખખડધજ ! દાદાના પર્યાય જેવી. બંને પૈડાના પંખા તેમજ ચેનકવર ગાયબ હતાં. બ્રેક એક પણ નહોતી. સીટની જગ્યાએ સીટના આકારનું લાકડાનું પાટિયું લગાડેલું. અને કાટ તો એના અંગેઅંગનો જાણે શણગાર હતો.
‘તમારો દીકરો કેટલા રૂપિયા કમાય ?’ અટકી પડેલ વાતનો દોર મેં ફરીથી સાંધ્યો.
‘રોજ મારો દીકરોય દસ રૂપિયા કમાય. દસ હું કમાવ !’ એટલું કહી એમણે હોકલી ફરીથી પેટાવી. એક ઊંડો દમ ખેંચીને એણે મારી સામે ઝીણી આંખે જોઈને પૂછ્યું : ‘તમે તો આ શેરમાં નવા છો. તમે શું કરો છો ?’
‘નોકરી બદલવાનો વિચાર !’ એવા શબ્દો મારા હોઠ સુધી આવી ગયા છતાં કહ્યું કે બાળકોનો ડૉકટર છું.
‘હું…ઉં….ઉં….!’ એવો અવાજ મોઢેથી કાઢીને એમણે મારી સામે જોયું. મારી વાત કહ્યા વિના જ જાણી ગયા હોય તેમ ધીમે ધીમે ધુમાડો છોડીને એમણે મારા બૂટને પૉલિશ કરવાનું શરૂ રાખ્યું. પણ મારે તેમની સાથે વાતચીત શરૂ જ રાખવી હતી. એટલે મેં જ પૂછ્યું :
‘તો દાદા ! તમે દસ કમાવ, તમારો દીકરો દસ રૂપિયા કમાય. આ જમાનામાં વીસ રૂપિયામાં પૂરું થાય ખરું ?’
‘અરે વધી પડે !’ બૂટ પર બ્રશ ફેરવતાં એમણે કહ્યું. મને ખરેખર નવાઈ લાગતી હતી. મારાથી પુછાઈ ગયું, ‘શું વાત કરો છો દાદા ? તાણ ન પડે ? વીસ રૂપિયામાં તે કંઈ પૂરું થતું હશે ? પછી તકલીફ ન પડે ? કંઈક નવી ચીજવસ્તુ વસાવવી હોય તો ?’
‘કઈ ?’ દાદાનો આ જવાબી પ્રશ્ન ખૂબ વેધક લાગ્યો. ‘અરે મારા સાહેબ ! આ મારો દીકરો છે ને ? એના ઘરે પણ એક દીકરો છે. અમે ડોહો-ડોહી બે અને ઈ ત્રણ્ય એમ પાંચ જણાનું કુટુંબ છે. પરભુની દયાથી આવી સરસ લીલીવાડી છે અને ખાધેપીધે સુખી છું. પછી કઈ ચીજની જરૂર પડે ? અને માણહને બીજું જોયેય શું ?’ પોતાના હર્યા-ભર્યા કુટુંબના અતિસુખના સાગરને મનની આંખથી એ માણસ માણી રહ્યો હોય તેવું લાગતું હતું. દાદાના ‘માણહને બીજું જોયેય શું ?’ એ શબ્દો મને બૂટમાં ભરાયેલી કાંકરીની માફક ખૂંચતા લાગ્યા. મારે શું જોઈતું હતું એ પ્રશ્ન મારું મન મને પૂછવા લાગ્યું હતું. વાત કરતી વખતે એની ખોવાઈ જવાની આદત મને કોઈ યોગીની યાદ અપાવતી હતી.
‘લ્યો સાહેબ ! આજે તમારી હાર્યે વાતું કરવાની બઉ મજા આવી. મેં નો’તું કીધું કે આજ તો મોજ પડી ગઈ છે ? સાચે જ મારા નાથે આજે મોજ કરાવી દીધી.’ બૂટ અરીસાની માફક ચકચકિત કરી દીધા પછી એણે મારા હાથમાં મૂક્યા.
‘દાદા ! અત્યારે જઈને પછી શું કરશો ?’ મારાથી પુછાઈ ગયું.
‘એયને અટાણે ઘરે જઈને બાપદીકરો ચા-પાણી પીશું. એની બાએ ચા તૈયાર જ રાખી હશે. પછી હું ખાટલે બેઠો બેઠો હોકલી પીશ અને મારા દીકરાના દીકરાને રમાડીશ. અમે એક ગા (ગાય) રાખી છે. મારી ઘરવાળી એને દોઈ રેશે ન્યાં મારો દીકરો ગા સાટુ ચારો લઈ આવશે. દીકરાની વહુ રોટલા ઘડી નાખશે. પછી બધાં વાળુ-પાણી કરીને ઘડીક બેહશું. વાતું કરશું. અને એય મજાના સૂઈ જાહું ! હું તો ભગવાનને રોજ બે હાથ જોડીને કહું છું કે બહુ સુખ આપ્યું મારા નાથ. હવે મારે કાંઈ નથી જોતું. બસ આવી લીલી વાડી સાથે જ લઈ લેજે પરભુ !’ અમીનો ઓડકાર ખાઈ રહ્યો હોય તેમ આકાશ સામે જોઈ એણે છેલ્લું વાક્ય કહ્યું. પછી ઊભા થતાં કહ્યું કે, ‘લ્યો હાલો ! મારો દીકરો વાટ જોતો હશે.’ આટલું કહી એમણે પોતાનો સામાન ભરવા માંડ્યો.
હું અવાક થઈ ગયો હતો. બેચાર મિનિટ શું બોલવું એની સમજણ નહોતી પડતી. હમણાં થોડા વખત પહેલાં જ વાંચેલ એક જૈન મહારાજસાહેબની ચોપડી, જેનું શીર્ષક હતું – ફિનિશ લાઈન – યાદ આવી ગઈ. એમાં અમીરોને એમણે ખૂબ સુંદર સલાહ આપેલી છે કે ધંધામાં, પૈસાપ્રાપ્તિમાં કે ઈચ્છાઓમાં એક ફિનિશ લાઈન – અંતિમ રેખા જરૂરથી રાખવી. નહીંતર જિંદગી પૂરી થઈ જશે પણ એ માટેની દોડ પૂરી નહીં થાય. આવી ઊંચી વાત સમજવા માટે પણ ખૂબ તૈયારી કરવી પડતી હોય છે. જ્યારે અહીં તો મોચીદાદા જેવો આ અભણ, અંગૂઠાછાપ માણસ એ ચોપડીને વગર વાંચ્યે જ જાણે આખેઆખી પચાવી ગયો હતો !
મોચીદાદાએ સામાન સાઈકલ પર ખડકેલો જોઈ હું તરત વિચારોમાંથી બહાર આવી ગયો. મેં ખિસ્સામાંથી રૂપિયો કાઢીને એમના હાથમાં મૂકી દીધો.
‘દાદા ! આજે મને પણ તમારી સાથે વાતો કરવાની ખૂબ જ મજા આવી છે. તમે એક કામ કરો. આખો રૂપિયો રાખી જ લો !’ ફટ દઈને આઠ આના કાઢી મારા હાથમાં મૂકતાં એણે કહ્યું : ‘ના મારાસાહેબ ! ના ! વધારે લઉં તો અણહકનું કહેવાય. આઠ આના કીધા એટલે આઠ આના જ લેવાના. હવે રૂપિયો લઈ લઉં તો મારો રામ દુભાય !’ મને રામરામ કરી સાઈકલ દોરીને એમણે ચાલવા માંડ્યું. અમારા છેલ્લા સંવાદો ચાલતા હતા. તે વખતે ડૉ. જાડેજાસાહેબ પણ આવી ગયા હતા.
મોચીદાદા જતા રહ્યા. એમનું નામ પૂછવાનું પણ રહી ગયું. મારા મગજમાં તો એનું નામ હંમેશાં એક સુખી મોચી તરીકે કંડારાઈ ગયું હતું. એ તો ગયા પણ મારા મનમાં વિચારોનું એક વાવાઝોડું ઊભું કરતા ગયા હતા. રોજના ફક્ત 20 રૂપિયા કમાતો એ માણસ આખો દિવસ કાળા તડકામાં બેસીને કામ કરતો એ માણસ એમ કહેતો હતો કે…. બસ ભગવાન ! ખૂબ સુખ આપ્યું તેં, હવે બીજું કંઈ નથી જોતું મારા નાથ ! આનાથી વધારે એક માણહને જોઈએ પણ શું ?…… અને એની સામે એક હું હતો જે ઉનાળાનો તડકો જરાય ન સ્પર્શે એવી ઠંડી ચૅમ્બરમાં બેસીને હજારો રૂપિયા કમાવા છતાં થોડાક વધારે રૂપિયાની લાલચમાં ભાવનગર શહેર છોડીને મહુવા જવાની ભાંજગડમાં પડ્યો હતો. મારું મન મને પૂછતું હતું કે કદાચ થોડાક વધારે હજારો એ પછી લાખો પણ મળશે તોય આવી, આ મોચીદાદા જેવી ખુમારીથી હું કહી શકીશ ખરો કે…. બસ ભગવાન ! બહુ આપ્યું તેં ! હવે નહીં ખમાય મારા નાથ !…. મને એ અંગે મારા માટે પૂરી શંકા હતી. મારે તો હજુ બંગલો બનાવવો હતો, મોટર લેવી હતી, દુનિયા જોવી હતી, ટીવી, ફ્રીઝ, વૉશિંગમશીન વગેરે વિધવિધ સુવિધાઓના માલિક બનવું હતું. અરે ! એમ જ કહોને દુનિયાએ જેને સુખસાહ્યબી નામ આપ્યું છે તેવી દરેક વસ્તુ જોઈતી હતી. પણ આજે મારી જ અંદરથી ઊંડેથી કોઈ સવાલ કરતું હતું કે ….ધારો કે કાલે આ બધું જ મળી જાય તોપણ તું આવો, આ દાદા જેવો સુખનો અને અમૃતનો ઓડકાર ખાઈ શકીશ ખરો…..?
હું અને ડૉ. જાડેજાસાહેબ ચૂપચાપ સાંજની ભીડને વીંધતા અમારી હૉસ્પિટલ તરફ પાછા જઈ રહ્યા હતા. મારું મન રૅગિંગ કરતા કૉલેજના છોકરાઓની માફક વારંવાર મને સવાલ કરતું હતું કે બોલ ! આવો અમૃતનો ઓડકાર તું ખાઈ શકીશ ખરો ? અને વારંવાર અંદરથી કોઈ જવાબ આપતું હતું કે, ‘નહીં ! કદાચ ક્યારેય નહીં !’
[કુલ પાન : 113. કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થાન : http://gujaratibestseller.com/ અથવા ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ. 1-2, અપર લેવલ, સેન્ચૂરી બજાર, આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-380006. ફોન : +91 79 26560504.]
Print This Article
·
Save this article As PDF
શ્રી વીજળીવાળા સાહેબ
આપની વાતો વાચીને ખૂબ ગમ્યું .આપને અમે વર્ષોથી જાણી છીએ. આપના અનૂભવો અમે ખૂબ નજીકથી માણેલા છે. આપની વાત બીલકુલ સાચી છે. સંતોષની ભેદરેખા આપણે પોતેજ બાંધવી પડે. અમુલ્ય માનવ અવતારનું ધ્યેય આધ્યાત્મિક ઉત્થાન જે ગણાયુ છે ,તેનુ કોઈ મોબારું હોયતો તે સંતોષ છે. આ સંતોષ એવો ગજબનો ઉમદા માનવીય ગુણ છે એવું તારણ આજ સુધી મળ્યું છે.
આજે તમારી વાતોથી બોટાદ અને બારડોલી યાદ આવી ગયા. ૧૯૮૭ની આ જ સમયે બોટાદની હોસ્પિટલમાં સુધીરને પગાર સાથે નાનકડું કમિશન મળતુ હતુ . કંઈક વધારે મેળવવુ હોય તો આપણી વ્રુત્તિ બગડ્યા વીના ન રહે. જે અમને મંજુર ન હતું ,તેથી બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલમાં નોકરી લીધેલી . એ વખતે બોટાદમા જે લગભગ ૫૦૦૦ મળતા હતા તે છોડી અમે સરદારમાં ફિક્સ ૪૦૫૦ માં જોડાયેલા . માત્ર સંતોષ માટે. આજ જીવનનું સાચું ભાથું છે. જે આજ સુધી આનંદ આપે છે. આપની વાતો સાથે અમારી જુની યાદો તાજી કરાવવા બદલ આપનો આભાર .
સાદો છતાં સારો લેખ. દરેકના જીવનમાં આવા સંઘર્ષો સર્જાતા હોય છે. અને દરેક જણ અલગ અલગ નિર્ણય લેતા હોય છે.
કોઈ મોચી દાદાને મૂર્ખા પણ ગણે. બહુ રત્નાહી વસુંધરા. આવા પ્રસંગે માંહ્યલો બહારના સાથે એકાકાર થાય ત્યારે યોગ્ય
નિર્ણય લેવાય.
ખુબજ સરસ…
જો તમરે બિજિ પુસ્તકો જોઇતિ હોઇ તો મને buntee81@hotmail.com પર સમ્પર્ક કરો.
i have all the books of Dr.i.k.vijliwala. they all are gerat….
any other who loves to read gujarati books can also contact me….
ખુબ જ હ્રદયસ્પરશી. “માણહને બીજું જોયેય શું ?” બસ આ પ્રશ્ન સતત આપણે આપણી જાતને પુછતા રહીએ તો …..
સંતોષ અને મહત્વકાંક્ષા વચ્ચેની કશ્મકશ રજૂ કરતો પ્રેરણાત્મક પ્રસંગ.
ખુબ સરસ.
પછી શુ કર્યુ ?
ભાવનગર છોડયુ કે નહી?
Doctor is still in Bhavnagar. At Doctor House near Kala Nala.
સંતોષ એ જ સાચુ સુખ છે.
દરેક વ્યક્તિએ “ફિનિશ લાઈન ” રાખવી ઘટે.
પ્રેરણા આપતો પ્રસંગ.
સન્તોશિ જિવ સદા સુખિ તેઆનુ નામ……..
ખુબ જ સરસ……
એક mindboggling લેખ.
ગાંધીજી જનતાની સેવા કરતા એક પૈસો પણ નો’તા લેતા, એટ્લે એ મહાત્મા.
મોચીદાદા સંતુષ્ટાત્મા.
અને જે પૈસાની પાછળ ગાંડા થાય છે – Many atrocities have happened in the country but the incident of corruption has reached a new high level. While several crores of rupees of scandal indulged in by Madhu Koda who was Chief Minister of a state was very disturbing, the widely reported spectrum scandal created deep doubts in the country about the honesty and credibility of the politicians who are in charge of the nation. The allegation that the Chief Justice of Karnataka High Court acquired thousands of acres of land by illegal methods cast serious doubts about the judiciary itself, which the citizens until now view as the best protector of the defenceless people and the democratic values. – એ બધાને બુદ્ધિશાળી મુઢાત્મા સમજવા?
સંતોષી નર સદા સુખી.
આવી વાર્તાઓથી પ્રગતિ અને સંતોષના ફાયદા-નુકસાન વિશે મન વિચારમાં પડી જાય છે. પેલી જાણીતી વાર્તા છે ને,
એક ધનવાન માણસ એક ગામમાં જઈને એક વ્યક્તિને શહેરમાં આવી વધુ પૈસા કમાવવા માટે આમંત્રણ આપે છે. પેલી વ્યક્તિ પૂછે છે કે વધુ પૈસા કમાઈને શું કરીશ. શહેરી કહે છે કે મોટું ઘર વસાવજો, આધુનિક રાચરચીલુ, ગાડી, મોંઘા કપડા, ઘરેણાં વગેરે ખરીદજો. ગામડિયો પૂછે છે, તેનાથી શું થશે. શહેરી બાબુ કહે છે કે તેનાથી તમે સુખેથી જીવન પસાર કરી શકશો. ગામડિયો કહે છે કે આટલુ બધુ કર્યા પછી જો સુખેથી જ રહેવાનુ હોય તો અત્યારે હું જે સુખેથી રહુ છું તેમા શું વાંધો છે??
જયવતીજીએ તેમના અગાઉના લેખમાં કહ્યુ હતુ તેમ સુખ સાધનોમાં નથી હોતુ, પરંતુ આપણી તે સાધનોમાંથી આનંદ નીપજાવવાની ક્ષમતામાં હોય છે.
વીજળીવાળા સાહેબનો આભાર,
નયન
ખૂબ સરસ. જિન્દગી ન પ્રત્યેક પળે બસ ચેક કરતા રહેવુ કે આપણે કમાયેલા કોળિયા નો અમૃતનો ઓડકાર આપણે માણી શકીએ છીએ કે નહિ.
ખૂબ સરસ
વીજળીવાળા સાહેબનો આભાર
વાહ, કાઠિયાવાડી ખમીર.
સવારમા મારા વતન અને વતનીઓની વાત વાચવા મળી. મન અને દિલ ગાડૅન ગાડૅન થઈ ગયા.
એ ગંગાદેરી સ્થાપત્યનો સુંદર નમુનો છે અને રુપમના મેટિની શો મા અવ્વ્લ નંબરના મુવિ આવતા. જે વેકેશનમા જોવા જતા.
સરસ વાતો લખવાનુ મન રોકી શકતી નથી કે મારા દૂરના માસી. ખુબ સામાન્ય સ્થિતિ પણ લાગણી ખુબ એટ્લે વેકેશનમા ભાવનગર જાઈએ ત્યારે તેમને મળવા જઈએ. ભાણિયા આવ્યા છે એમ કરીને ચા કે છાશ અને ભાખરી ખવડાવે અને અમના સાડલાના છેડાની ગાંઠમાથી ૪ આના કાઢીને પરાણે આપે. કેટલુ મોટુ મન. તેમને બેન, દિકરી કે ભાણેજનુ કાંઈ નો ખપે.
૮૦ની સાલમા ભાવનગરના આતાભાઈ ચોકની બેન્ક્મા નોકરી મળી ત્યારે એક પેન્શનર દાદા મારા માટે મોગરાના ફુલ લઈ આવ્યા હુ તો આભિ જ બની ગઈ.
૮૨ની સાલમા રાત્રે મને ગાયનેક પ્રોબ્લેમ થયેલો ત્યારે હીલડ્રાઈવ પર રહેતા એક લેડી ડોક્ટરે રાતે બે વાગે અમને મદદ કરેલી.
ખુબ ઉમદા નગરી.
આ વ્યક્તિઓને મારા શત શત વંદન.
મારો જન્મ વેરાવળ ખાતે અને મારુ ભણતર ભાવનગર ખાતે, ૪ વર્ષ ભાવનગર રહ્યો ,ભણ્યો અને ગણ્યો પણ.
લેખ વાચીને ભાવનગર ની ખમીરી અને ત્યા ના સામાન્ય માણસ ની ઉદારતા યાદ આવી ગયી.
શ્રી વીજળીવાળા સાહેબ નો ખુબ ખુબ આભાર, કે મને વેરાવળ અને ભાવનગર ની યાદો જીવત કરી દીધી.
-મીતલ
અમે નાના હતાં ત્યારે…..આવા જ એક મોચીદાદા અમારા ઘરે પણ આવતા. વાર્તા વાંચીને શંકા જાય કે ક્યાંક એ જ મોચીદાદા ન હોય. ખુબ વાતો કરતાં…..તેમનાં દિકરાં ખાધે પીધે સુખી પણ તેમને તેમનાં કામનો આનંદ અને લોકો તરફથી મળતો ઊમળકો કદાચ તેમને આ કામ તરફ ખેંચી રાખતો હશે. મારા મમ્મી હંમેશા તેમને હંમેશા જમાડતાં અને મોચીદાદા તેમના અને તેમની આસપાસ નાં જીવનની વાતો કરતાં (સૌરાષ્ટ્રની સંસ્ક્રુતિનો એ જ આનંદ છે.) તેમને આમ જ “અમૃતનો ઓડકાર” ખાતાં જોયા છે. તેમનાં ચહેરા પર પરની કરચલીઓ પણ તેમનાં અંતરનાં આનંદને પ્રતિબિંબિત કરતી. આ અને આવી અનેક છબીઓ મનનાં પટલ પર ઊંડી છાપ છોડી ગઈ છે અને અવારનવાર જીવનનાં અમુક તબ્બકે ઊભરી આવે છે અને જીવન જીવવાનુ બળ પ્રદાન કરતી રહે છે.
તેમનો આભાર કેવી રીતે માનવો? લેખકની જેમ જ તેમને અંજલી આપવાનું મન થાય છે.
Hats off to Dr Vijaliwala. His articles are always thought provoking. Today one doesnt know what he wants from life. Its a ratrace and we all running after morden lifestyles. Thank you Mrugeshbhai for this article.
ખુબ જૂ સરસ વાત ….. એક વાર તો મોચી દાદાને સલામ કરવાનુ મન થાય છે. આજ સુધી એમ થતુ હતુ કે હજી તો ઘણુ કમાવાનુ છે પણ હવે એમ થાય છે કે આટલુ બધુ છે મારી પાસે . . . . . . . . .
ખૂબ સરસ. મને પણ અમરતનો ઓઙકાર આવી જાય તો કેવુ સારુ? પ્રાથના!!!!!!!! આભાર
અને માણહને બીજું જોયેય શું ? આ સમજણ દુનિયા ના માણ્ સો નેઆવે તો ધરતિ ઉપર કોઇ દુખ ન રહે .
ખૂબ સરસ. લેખક ને અભિનન્દન !!
બાવિસ વર્ષ પહેલાનો આ પ્રસંગ વાંચી, મોચીદાદા નુ જીવન બધાને ખુબજ શિખામણ આપી જાય છે.
સંતોષી નર સદા સુખી.
નટુ શાહ.
વીજળીવાળા સાહેબને વાચવા એ તો લહાવો છે. રૂપમમાં મેં પણ ઘણા pictures જોયા છે અને ગધેડ્યા field માં cricket પણ રમ્યો છુ. સાથે સાથે તકનતેશ્વરની સાંજની આરતીઓં પણ માણી છે. ડીલાઈટનો icecream પણ ખાધેલો છે.
Thanks Mrugeshbhai for sharing such a lovely article.
Ashish Dave
Sunnyvale, California
ખુબ જ સરસ .
એક્સિલન્ત્
મન્થન શાહ
બહુ જ સુન્દર
thank you sir,
this is aheart touching incident i like it once again thank you very much
by the way i am also gajarati
i have no words to say,
i just say THANK YOU VERY MUCH
આ લેખ વાચવા થી ખુબજ સારુ જાણવા મળયુ સતોષ શુ ચિજછે
ડૉ.વીજળીવાળાસાહેબના આ લેખે તો મારા જીવન જોયેલી સત્ય ઘટના ને યાદ કરાવી દીધી. જેની વાતો હુ ઘણી વાર કરતી હતી. પરંતુ સમય ના પ્રવાહ મા ક્યાક ભુલાઈ ગઈ હતી.કેનેડા ના ચાર વષૉ એ ઘણુ બધુ ભુલવી દીધુ. એ પણ એક મોચી જછે જેઓ બારડોલી ના રહેવાશી છે એઓ આ સ્ટેશન રોડ પર રહેતા બહેરા(કાને નહી સાભડી શક્તા) મોચી ને જાણતા જ હશો.એક કર્મ નિષ્ટ મોચી .બધા મોચી ઓ મા સૌથી સસ્તો.અને સ્વમાની એટ્લો કે અગર તમે દયા કરી એકાદ રુપીયો વધારે આપો તો એવી રીતે પાછો આપશે કે જાણે તમે એના સ્વમાન ને ઠેસ પહોચાડો છો.લાલચી દુનિયામા અગર કોઈ મહત્મા હોઈ તો મારા મતે એજ હોઈ શકે.મારા જીવન નુ એ આદશૅ પાત્ર હતુ પરંતુ સમય અને સંજોગો ની ધૂળ ની પરતોએ એને ઝાખી કરી દીધી હતી. આ લેખ વાચ્યા પછી બારડોલી ની એ બડ બડતી બપોર મા માથે છત્રી ઓઢી બેઠેલો બહેરો મોચી નજર સમક્ષ તાદ્રુશ થયો. ભુલાઈ ગયેલી સવેદના ને જગાડવા બદલ આ લેખ ની ખુબ ખુબ આભારી છુ. આ સાથે હુ રીડ ગુજરાતી ડોટ કોમ નો પણ આભાર માનુ છુ.
રક્ષા પટેલ
કેનેડા
વિજળીવાળા સાહેબ ની બુક વાંચીને આંખોમા પાણી આવી જાય છે. ખુબ જ લાગણી સભર લેખો હોય છે..અદભુત અવણનીય ખુબ જ અભિન*દન ……
હચમચી જવાય તેવો લેખ.
બાળપણની પ્રથમ યાદથી અત્યાર સુધીનો વિચાર કરતાં સમજાય છે કે જિંદગીમાં આટલી પ્રગતિ થવાં છતાં મન શાંત રાખીને જીવી શકાય છે ખરું!
‘થ્રી ઇડિયટ્સ’ મા એક ડાયલોગ છે કે બાળકોને જન્મતાંની સાથે જ શીખવાડવામાં આવે છે કે તેણે એક રેસની જેમ જિંદગી જીવવાની છે. તેમાં જે વાત વિદ્યાર્થીઓ માટે કહી છે, તે બધા માટે લાગુ પડે છે.
ફોર્મ્યુલા વનની રેસ કરતાં ફાસ્ટ દોડવામાં બે ઘડી થોભીને પોતાની સાથે વાત કરવાનો સમય કોઇને નથી.
ડોક્ટર સાહેબનો આભાર.
It is a wonderful article. I really enjoyed.
Well done sir .
આજે ફરીથી વાંચી ગઈ, એમ લાગે છે કે આ સમયાંતરે વાંચ્યા કરવો પડે એવો લેખ છે, રોગ પ્રતિકાર માટે રસી હોય એમ આ લેખ અસંતોષ સામે પ્રતિકારક રસી જેવો છે. જીવનની નાની નાની ઘટનાઓનો સંદર્ભ ડો . વીજળીવાળા ખૂબ જ સરળ છતાં અસરકારક રીતે રજૂ કરી જાય છે. માણસ ઘણી વાર મહત્વાકાંક્ષા અને અસંતોષ વચ્ચેની ભેદરેખા ચૂકી જાય છે.
સાચે જ ફરી ફરી ને વાંચવો ગમે તેવો લેખ છે. પૈસાદાર કરતા રોજેરોજનું રળીને જીવન જિવતા શ્રમજીવીઓ વધારે સંતોષી અને પ્રામાણિક હોય છે.
ધન્ય છે સૌરાષ્ટ્ર્ની ધરા અને તેના માણસો પણ.
I was not aware of ‘ FINISH LINE’ . Dreat Dr. I have few books of this author. We should draw this ‘ FINISH LINE’ line at any span of our life. I have also done my MSW at SSCCM at Bhavnagar from 2005 to 2007. I like Bhavnagr and the people of Bhavnagar. SALLAM DOCTOR!
Sir,,really,,this is very nice,,i also want to convey thanks from my frands,,they are also appriciate this,,,i would like to thanks once agin for this wonder full article,,salute your writing.