સત્ય હતું કે દુ:સ્વપ્ન….. – જયવતી કાજી

[‘કપોળ સમાજ દર્પણ’ સામાયિક (દીપોત્સવી)માંથી સાભાર.]

ફફડતે હૈયે ઊર્મિએ ઘરમાં પ્રવેશ કર્યો. ઝડપથી ચાલવાને લીધે એને શ્વાસ ભરાઈ ગયો હતો. ઉદયનો ઑફિસેથી ઘરે આવવાનો સમય થઈ ગયો હતો પણ એને સદભાગ્યે એ ઘેર પહોંચ્યો ન હતો ! ‘હાશ, હજી આવ્યા નથી.’ કહી એ રસોડામાં ગઈ. હાથ-મોં ધોઈ, કપડાં બદલી ધીમા ગેસ પર ચાનું પાણી મૂકી એ બાલ્કનીમાં આવી ઊભી રહી. રસ્તા પર ઝડપથી દોડતી મોટર, ટેકસી અને બસ વચ્ચેથી અનેક માનવીઓ પોતાનો રસ્તો કાપી રહ્યા હતા.

વર્ષાની મેઘલી સંધ્યાએ આકાશને અવનવા રંગોથી સજાવી દીધું હતું. સામેના ગુલમહોરના ઝાડ પરથી એક પંખી ઊડ્યું અને ઊંચે ઊડી પંખીઓની ઊડતી કતારમાં ભળી ગયું…. આકાશમાં ઊડતા મુક્ત પંખીઓને એ જોઈ રહી. પંખીઓને પાંખ હતી એટલે તેઓ અસીમ અને અનંત અવકાશમાં સ્વેચ્છાએ મુક્તપણે વિહરી શકતાં હતાં. એમાં માદાઓ પણ હશે જ ને ? એના મનમાં પ્રશ્ન થયો અને એના મોં પર સ્મિત પથરાયું. ‘અરે ગાંડી ! એ તો પક્ષી કહેવાય. એમાં નર શું અને માદા શું ? પોતે તો મનુષ્ય છે. એક સ્ત્રી છે.’

બધા અવતારોમાં શ્રેષ્ઠ ગણાતો માનવ અવતાર એને સાંપડ્યો હતો. વિચાર કરવા માટે પ્રભુએ એને બુદ્ધિ આપી હતી. સુખ-દુ:ખ, સ્નેહ, માયા, મમતા અનુભવવા માટેનું દીલ હતું. મુલાયમ સંવેદનશીલ હૃદય હતું. સશક્ત કમનીય કાયા હતી, અને એ બધાં ઉપરાંત આત્મા હતો, પણ પ્રભુએ એની કેવી વિડંબના કરી હતી ! મનુષ્ય કોટિમાં જન્મ આપ્યો પણ દેહ નારીનો આપ્યો ! એ નારી હતી માટે તો આટઆટલાં બંધનોમાં હતી ! એના મનની પાંખોને જન્મથી જ કાપી લેવામાં આવી હતી કે જેથી એ ઈચ્છાનુસાર ઊંચે ઊડે નહીં. એની બુદ્ધિને જ એવી રીતે ઘડી કાઢવામાં આવી હતી કે એ સ્વતંત્ર રીતે વિચારી જ ન શકે. એના મનને એવી રીતે મચડીને વાળવામાં આવ્યું હતું કે સદાયે બીજાને આધીન રહે, પરવશ રહે, એમાં જ એનું શ્રેય હતું. એ જ એનો ધર્મ અને કર્તવ્ય હતું. એમાં જ એનું સુખ અને સલામતી હતા.

આયુષ્યની લગભગ અર્ધી સદીએ પહોંચવા છતાં અને ત્રણ ત્રણ દાયકાનું પરિણીત જીવન હોવા છતાં એના હૈયામાં ફફડાટ હતો. મનમાં ડર હતો. આમ જોઈએ તો એ તો સદાય હરિણીની માફક કંપતી ફફડતી જ રહી હતી. ઉદય ઑફિસથી ઘેર આવી ગયો હશે તો ? તો એનો ગુસ્સાભર્યો ચહેરો એને જોવો પડશે. એના આકરા શબ્દો સાંભળવા પડશે. ‘હું સાંજે ઘેર આવું ત્યારે મારી પત્નીએ ઘરમાં હાજર રહેવું જ જોઈએ. આટલે વર્ષે પણ તને ખબર નથી પડતી ? તારે એવું તે શું કામ હોય છે કે વહેલા ઘેર નથી આવી જવાતું !’ આ જાતના શબ્દો એણે પહેલાં પણ સાંભળ્યા છે….. ‘ક્યારેક બહાર ગઈ હોઉં, કોઈક બહેનપણી કે સગાસંબંધીમાં ગઈ હોઉં કે ઘરના કામ માટે બહાર ગઈ હોઉં તો ક્યારેક મોડું પણ થાય એમાં શું થયું ?’ એને ઉદયને તડને ફડ સંભળાવી દેવાનું મન થતું, શબ્દો હોઠ પર આવતા પણ એનો મિજાશ અને ગુસ્સાભર્યો ચહેરો જોતાં શબ્દો ઊર્મિના ગળામાં જ રહી જતા અને બને ત્યાં સુધી એ ઘરમાં જ રહેતી….

એક સમયે એને પણ સંગીતનો શોખ હતો. મધુર કંઠ હતો અને હલક પણ સારી હતી. લગ્ન પછી સંગીતનો અભ્યાસ આગળ ચાલુ રાખવાની એની ઈચ્છા હતી. ઘરમાં કામકાજ કરતી વખતે મંદ અવાજે કંઈક ગણગણવાની એને ટેવ હતી તે પણ એને છોડી દેવી પડી, કારણ કે, એની સાસુને એ પસંદ નહોતું. સારા ઘરની વહુવારુઓ માટે એ શોભાસ્પદ એમને નહોતું લાગતું અને પછી તો એક પછી એક ત્રણ બાળકોને ઉછેરવામાં મોટા કરવામાં એક મોટા કુટુંબમાં ઘરના અને કુટુંબના અનેકવિધ કામ વચ્ચે દિવસો વીતવા લાગ્યાં. કંઈ કેટલીયે વર્ષા અને વસંતઋતુ આવી અને ગઈ અને ઊર્મિનું જીવન એ ઘરેડમાં વીતતું ગયું. તારે આમ કરવાનું છે, ઊર્મિ આ નથી કરવાનું. ઊર્મિ લગ્નમાં જવાનું છે, તૈયાર થઈ રહેજે. તારા બાપુજી માંદા છે તે ચાર દિવસ એમને મળી આવ. પાંચમે દહાડે પાછી આવી જજે. બહુ રોકાઈ ન જતી સમજી. ઘેર મહેમાન આવ્યા હોય અથવા કોઈ પ્રસંગે કે વાર-તહેવારે શું રસોઈ કરવી એ એને કહી દેવામાં આવે છે. કોઈ સતત એને શું કરવાનું છે તે કહે છે અને ઝાઝો વિચાર કર્યા વગર નિશ્ચલ ભાવે એ કરતી રહે છે. સાસરિયાઓ એના વખાણ કરે છે. સાસુ-સસરા કહેતા, ‘વહુ બહુ ડાહી છે. ઘરની લક્ષ્મી છે. ગૃહલક્ષ્મી છે.’ પતિને પણ એનો શાંત, કહ્યાગરો, બીનઉપદ્રવી સ્વભાવ અનુકૂળ આવતો. પતિ ખુશ થઈ વાર-તહેવારે નવાં કપડાં ઘરેણાં એને ખરીદી આપતો. ઊર્મિનો સંસાર આમ વર્ષો સુધી ચાલ્યો હતો.

સામો પ્રશ્ન કરવાની, ધડ દઈને ના કહી દેવાની એને આદત જ નહોતી પડી. ઉદયના ગુસ્સાથી એ અંતરમાં ડરતી. એને સહેજ પણ નાખુશ કરવાની એનામાં હિંમત ન હતી. દીકરા-દીકરી હવે તો મોટાં થઈ ગયાં હતાં પણ તેઓને મન માની ઈચ્છાની, એના અભિપ્રાયની, એના ગમા-અણગમાની કોઈ કિંમત નહોતી. એટલે જ જ્યારે રોજ સાંજે એણે ગાર્ડનમાં, પાડોશમાં, બહેનપણીને ઘેર અને વનિતાસમાજમાં જવા માંડ્યું ત્યારે ઉદયને જ નહિ એની દીકરીઓને અને દીકરાની વહુને પણ નવાઈ લાગી.
‘મમ્મી, તમે હવે સાંજે બહુ મોડા આવો છો ! તમે હવે ખરેખર મોર્ડન થઈ ગયાં છો.’ દીકરાએ જમતી વખતે ટકોર કરી.
‘મમ્મી, આજે તમે વનિતા સમાજ પર નહીં જતાં. અમારે બહાર જવાનું છે. બાબાને તમારી પાસે મૂકીને જવાના છીએ.’ પુત્રવધૂ અંકિતાએ કહ્યું.
‘તમારે પહેલાં મને પૂછવું તો જોઈએ ને ? આજે મારે ગયા વગર ચાલે તેમ નથી.’ જેમ તેમ હિંમત પકડી ઊર્મિએ વહુને કહી દીધું.
‘અમને શું ખબર કે હવે તમે પણ રોજ બહાર જવાના છો !’ વહુએ છણકો કરતાં કહ્યું. ગયા વગર ન જ ચાલે એવું અગત્યનું કામ તો એને હતું જ નહિ પણ આજે એણે મનોમન નક્કી કર્યું હતું – પોતાને માટે પણ પોતાનો સમય છે. એને પણ પોતાનું કામ પોતાની ઈચ્છા હોઈ શકે અને સતત બીજાં પોતાનું ધાર્યું એની પાસે નહિ કરાવી શકે. Others cannot take her for granted ! એને પણ પોતાની મરજી-નામરજી હોઈ શકે. બીજાનાં દોરીસંચારથી ચાલતી એ કઠપૂતળી નહીં બની રહે.

એટલે જ જ્યારે બીજે દિવસે સૂતી વખતે ઉદયે કહ્યું : ‘ઊર્મિ ! તૈયારી કરજે. ટિકિટ આવી ગઈ છે. આ શનિવારે હું દિલ્હી જાઉં છું, તારે સાથે આવવાનું છે. દિલ્હીથી હરિદ્વાર-ઋષિકેશ થઈ પાછા આવીશું.’ ત્યારે એણે મક્કમતાથી કહી દીધું, ‘મને ફાવે તેમ નથી. મારી બહેન સુમિતા માંદી છે. હું એને મળવા વડોદરા જવા માગું છું. તમે દિલ્હી જઈ આવો.’
‘પણ મારે જવું છે તેનું શું ?’ ઉદયે મોટેથી ઘાંટો પાડ્યો.
‘એ તમારી મરજી. તમને જવાની હું ક્યાં ના પાડું છું !’
‘આજે તને થયું છે શું ? મારી સામે બોલે છે ! આટલી તારામાં હિંમત ક્યાંથી આવી ? હું એ નહિ ચલાવી લઉં. દિલ્હી તારે આવવું જ પડશે.’ ઉદયે ત્રાડ પાડતાં કહ્યું. ગુસ્સાથી એનું મોં લાલચોળ થઈ ગયું. ઊર્મિ તો આ સાંભળતી જ ન હોય તેમ નિર્વિકારભાવે બેસી રહી. થોડીવારે ઉદય કંઈક શાંત થયો. ઊર્મિનું આવું મક્કમ નિશ્ચય દઢસ્વરૂપ એણે ક્યારે જોયું નહોતું. સદાય અનુકૂળ, શાંત, ગંભીર, આજ્ઞાંકિત એનો પડ્યો બોલ ઝીલતી ઊર્મિને આજે અચાનક શું થઈ ગયું ? એનું આ નવું સ્વરૂપ જોઈ એ હેબતાઈ જ ગયો.
‘ઊર્મિ !’ સ્વરમાં બને તેટલી નરમાશ અને મૃદુતા લાવતા એણે કહ્યું, ‘તને શું જોઈએ છે ? તને થયું છે શું ? મારી કંઈ ભૂલ ? તું જ કહે.’ એણે ઊર્મિને મનાવતાં પૂછ્યું.
‘ભૂલ તમારી નથી. મારી છે. મેં જ આટલા વર્ષો ભૂલ કરી હતી. મારે એ સુધારવી છે. બીજાની મુઠ્ઠીમાં મારું સમગ્ર અસ્તિત્વ બંધ રહ્યું છે. મારે એમાંથી છૂટી જવું છે. મને મોકળાશ જોઈએ છે. મારે મુક્ત હવાનો શ્વાસ લેવો છે. હું ગુંગળાઈ ગઈ છું !’
‘હું કંઈ સમજ્યો નહિ. તને દુ:ખ શું છે ? ઘર છે, છોકરાં છે, સારો પૈસો છે. હું છું.’ ઊર્મિની નજીક બેસતાં ઉદયે પૂછ્યું.

‘નાની હતી ત્યારે માબાપની મુઠ્ઠીમાં રહેવું પડ્યું. એમણે કહ્યું તેમ કર્યું. ખવડાવ્યું તે ખાધું અને આપ્યાં તે કપડાં પહેર્યાં. આમ નથી કરવાનું અને તેમ નથી કરવાનું એમ જ સતત સાંભળ્યું છે. શબ્દો અને ભાવ એક જ રહ્યો છે. માત્ર બોલનારાં બદલાયાં છે. કપડાં સીવવા આપતી વખતે બા કહેતી, ‘જરા લંબાઈ વધારે રખાવજે. બહુ ખુલ્લું ગળું ન રખાવતી…’ બહેનપણીને ઘરેથી આવતાં મોડું થતું તો બા-બાપુજી ગુસ્સે થઈ જતાં ‘દીકરીની જાત… અમને કેટલી ફિકર થાય ?’ મેટ્રિક પાસ થઈ, કૉલેજ ગઈ. કૉલેજમાં એક વર્ષ પૂરું થયું ત્યાં તો એમને મારાં લગ્નની ચિંતા થવા લાગી. અમારી પાડોશમાં રહેતો અને મારી કૉલેજમાં અભ્યાસ કરતો રવિ અમારા ઘર પાસેથી જતો હતો. મેં એને ઘરમાં બોલાવ્યો. થોડી એની સાથે વાતો કરી. ફોઈએ એ જોઈને બાને કહ્યું, ‘ઊર્મિ મોટી થઈ ગઈ છે. એને માટે કોઈ સારું ઘર શોધી કાઢો અને પછી તો તમે જ ક્યાં નથી જાણતા ? એમણે મારે માટે વર અને ઘર શોધી કાઢ્યાં. એમના મત પ્રમાણે એ જ મારે માટે શ્રેષ્ઠ હતું. ‘બાપુજી, મારે મારો અભ્યાસ પૂરો કરવો છે.’ મેં નમ્રતાપૂર્વક કહ્યું હતું. ‘બહેન, તારે ક્યાં નોકરી કરવા જવું છે ? આટલું ભણ્યાં હોઈએ તો સારો છોકરો મળે. અમે જે કંઈ કરીશું તે તારા હિતમાં જ કરીશું ને ?’ મુગ્ધ હૈયામાં સહેજ પાંગરવા માંડેલું પ્રીતનું અંકુર ત્યાં જ મૂરઝાઈ ગયું.’

‘અઢાર વર્ષે આ ઘરમાં આવી ત્યારથી એનું એ જ સાંભળું છું. ઊર્મિ ! આમ કર અને તેમ કર ! તમે જ નહિ પણ છોકરાંઓ સુદ્ધાં એમ માને છે કે મારે એમની મરજી પ્રમાણે જીવવાનું છે. હવે હું મારું જીવન-મારું મન-મારો આત્મા અને મારું અસ્તિત્વ કોઈની મુઠ્ઠીમાં રહેવા દેવા માંગતી નથી. મારે મુક્તિ જોઈએ છે. મારે મારી રીતે પણ જીવવું છે. મારું પોતાનું અસ્તિત્વ મારે જોઈએ છે.’
‘ઊર્મિ ! મેં તને પ્રેમ કર્યો છે. તારા સુખ-સગવડનો મેં હંમેશાં વિચાર કર્યો છે.’
‘હા, ઉદય ! તમે કર્યો છે, પણ તમારી દષ્ટિએ. તમે સારા વસ્ત્રો આપ્યાં, ઘરેણાં આપ્યાં પણ એ બધું તમારી પસંદગીનું હતું. મારે શું જોઈએ છે, મને શું ગમે છે એનો વિચાર તમે ભાગ્યે જ કર્યો છે ! તમને એની જરૂર પણ નથી લાગી.’
‘તને શું દુ:ખ છે આ ઘરમાં ?’ ઉદયે અકળાઈને પૂછ્યું, ‘તું આ શું કહે છે ? મને તો સમજાતું નથી.’
‘દુ:ખ તમને નહિ સમજાય.’ ઊર્મિ મક્કમતાથી બોલી, ‘ઘરના સોનેરી પિંજરામાં મારો જીવ ગભરાય છે. મારા પ્રાણ-મારી સમગ્ર ચેતના રૂંધાય છે. તમારા બધાંની મુઠ્ઠી ખોલી હું ઊડી જવા માગું છું….. મારું મન, મારું શરીર, મારો આત્મા મારે પાછો જોઈએ છે.’ આજે પરણ્યાં પછી પહેલી જ વખત ઊર્મિ આટલું બોલી હતી, ‘સેંકડો વર્ષો પહેલાં અયોધ્યાના રાજમહેલમાં વસતી ઊર્મિલાને એના પતિ લક્ષ્મણે કે બીજા કોઈએ વનવાસમાં જતી વખતે પૂછ્યું ન હતું. એની અનુમતિ કે અનુજ્ઞા લેવાની કોઈને કશી જરૂર લાગી નહોતી. એ અબોલ ઊર્મિલાએ ચૌદ ચૌદ વર્ષ કેમ વીતાવ્યાં હશે ? કોઈને એ ખબર નથી ! મારું પણ એવું જ થયું છે. મારે માત્ર પત્ની કે મા તરીકે નહિ પણ જીવતા, જાગતા ધબકતાં માનવી તરીકે જીવવું છે. ક્યારેય કોઈની મુઠ્ઠીમાં નહિ.’

ઉદય ઊર્મિને સાંભળી રહ્યો. એને સમજ ન પડી કે આ બોલતી હતી તે જ સ્ત્રી એની પત્ની ઊર્મિ હતી ? આ સત્ય હતું કે દુ:સ્વપ્ન !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કવિવર શ્રી રાજેન્દ્ર શાહનું મહાપ્રયાણ
ઓડકાર અમૃતનો – ડૉ. આઈ. કે. વીજળીવાળા Next »   

13 પ્રતિભાવો : સત્ય હતું કે દુ:સ્વપ્ન….. – જયવતી કાજી

 1. Balkrishna A. Shah says:

  ચિલા ચાલું વાર્તા. આવી જ અસ્તીત્વની અવગણના ને લગતી વાર્તા આગળ વાંચી છે.ઊર્મીની પરિશ્થિતિમાં મુકાયેલી
  બહેનોને સધીયારા રૂપ

 2. trupti says:

  બહુજ સરસ વર્તા. આવી જ કોઈ વાર્તા આ સાઈટ પર થોડા વખત પહેલા વાચી હતી. ફર્ક માત્ર એટલો કે, નાયીકાની પુત્રવધુ નો તેમને સાથ હતો અને તેજ તેની સાસુ ને સગિત સીખવા મોકલાવે છે. જયવતી બહેનની કલમ મા જાદુ છે કે તેમને છેલ્લે સુધી જકડી રાખ્યા.

 3. જય પટેલ says:

  લગ્નજીવનને દૂષિત કરતા એકાધિકારપણાને વિસર્જીત કરવાની ભાવના વ્યક્ત કરતી વાર્તા.

  મારૂ મન…મારૂ શરીર…મારો આત્મા મારે પાછો જોઈએ છે જેવી સમજણ લગ્નજીવનનાં શરૂઆતનાં
  વર્ષોમાં આવી હોત તો સન્માન સાથે જીવન વ્યતિત થયું હોત.
  શિક્ષણનો વ્યાપ વધતાં આજે માનસિક ત્રાસ પરિવારોમાંથી ધીરે ધીરે અદ્રક્ષ્ય થતો જાય છે.

  જે ગુજરાતમાં દિકરીઓને દૂધ પીતી કરવાનો સહર્ષ સ્વીકારાયેલો સામાજિક રિવાજ હતો તે જ
  ગુજરાતે આજે કન્યા કેળવણી માટે આહલેક જગાવી છે…..સમાજના બદલાતા આ આયામો
  આવનારી પેઢી માટે શુભ છે.

  જય જય ગરવી ગુજરાત.

 4. Krina Shah says:

  Hello,
  Its nice story. I really like that. & thank you so much giving us to this type of story……..

 5. Kaushalendra says:

  TYPICAL STORY ….

 6. nayan panchal says:

  મારા મતે સ્રીઓ કરતા તેમના માતા-પિતાને આ વાર્તા વાંચવાની વધુ જરૂર છે. તેઓ એવુ માને છે કે સ્ત્રીનુ જીવન લગ્ન પછી પતિ-કેન્દ્રિત હોવુ જોઇએ. જો તેવું સ્વેચ્છાનુસાર થાય તો ખોટું નથી પરંતુ સ્ત્રી જો મન મારીને એવી રીતે રહેતી હોય તો ખોટું છે.

  અંગ્રેજીમાં એક સરસ શબ્દ છે – free will. દરેકને તેમની free will પ્રમાણે વર્તવાની છૂટ હોવી જોઇએ, આપણે માત્ર દિશાસૂચન કરી શકીએ, કઈ દિશા લેવી તેનો આખરી નિર્ણય તેમનો હોવો જોઈએ.

  સુંદર વાર્તા,
  નયન

 7. સુભાષ પટેલ says:

  સત્ય હતું કે દુ:સ્વપ્ન? બન્ને અશક્ય. આવું બની ન શકે અને ન સ્વપ્ન પણ આવે. મનમાં fantasy કે hallucination જેવું થઇ શકે.

 8. Chirag says:

  An average story…. Nothing really much happening!

 9. Veena Dave. USA says:

  સરસ.
  આ વાત જેને ગમી હોય તેમને ગયા રવિવારના ગુજરાત સમાચારની ‘ઋણાનુબંધ્ ‘ વાત વાચવા વિનંતિ.

 10. Bhavesh says:

  બા રિટાયર થાય છે નાટક નુ સાબ્દિક રૂપાતર.

 11. Rajni Gohil says:

  મને લાગે છે કે સ્ત્રી અને પુરોષોને એક જ પ્રકારનું શિક્ષણ અપાય છે તેમાં સ્ત્રીઓને અન્યાય થાય છે. Male dominated સમાજ પણ સ્ત્રીઓની ઉપહાસના કરતું રહ્યું છે તેને લીધે સ્ત્રીઓમા પેદા થતી લઘુતાગ્રંથી પણ આમાં ભાગ ભજવે છે. Negative Thinking ને લીધે તેમનું વિશ્વ તેવું જ ઘડાય છે. Positive thinking થી આ લેખ જેવા પ્રશ્નો ઉદભવવાની શક્યતા જ ન રહે.

  લેખકે સુંદર પ્રશ્નની છણાવટ કરી છે. આવું આપણા જીવનમા ન બને તે માટે લાલ બત્તી પણ ધરી દીધી છે. લેખકને અભિનંદન.

 12. dipak says:

  લેખકે સુંદર પ્રશ્નની છણાવટ કરી છે. આવું આપણા જીવનમા ન બને તે માટે લાલ બત્તી પણ ધરી દીધી છે. લેખકને અભિનંદન.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.