નિવૃત્તિ – મોહનલાલ પટેલ

[‘મુંબઈ સમાચાર’ દીપોત્સવીમાંથી સાભાર.]

સવારે ટાવરમાં આઠના ટકોરા થવા લાગ્યા અને હરિલાલની નજર એના ડાયલ ઉપર મંડાઈ. આમ તો, હરિલાલ રોજ આ સમયે શાકભાજી ખરીદવા આવે ત્યારે રઘવાયા થયા હોય એવી ઉતાવળ કરતા. અને એમાંય જો ટાવરમાં આઠના ટકોરા પડી જાય તો તો, જે હાથે ચઢ્યું તે થેલીમાં નાખીને એ ભાગવા જ માંડતા. શાકભાજીવાળો હરિલાલની આ રીત બરાબર જાણતો હતો. આજે એમને શાંતિથી ઊભા રહેલા જોઈને એને નવાઈ લાગી. એણે પૂછ્યું :
‘કાકા, આજે રજા છે કે શું ?’
‘ના ભાઈ, રજા તો કંઈ નથી.’
‘તો આજે આટલી શાંતિ ક્યાંથી ?’
આ પ્રશ્નનો જવાબ હરિલાલ પાસે હતો જ, પણ શાકભાજીવાળાને એ કહેવામાં એમને રસ નહોતો. એમણે તો એને એટલું જ કહ્યું : ‘રોજ ઉતાવળ કરીએ છીએ, કો’ક દા’ડો તો શાંતિ હોયને, ભાઈ.’ રોજ વહેલી સવારથી તે મોડી રાત સુધી રઘવાટમાં જ દિવસ પૂરો કરનાર હરિલાલના ચિત્તમાં આજે ખરેખર શાંતિ હતી એટલું જ નહીં, મનમાં એક પ્રકારનો આનંદ પણ હતો.

શાકભાજી લઈને એ ઘર તરફ ચાલવા લાગ્યા. એમના મનમાં પેલા શાકભાજીવાળાનો પ્રશ્ન પડઘાયો. પોતાની આજની નિરાંત જોઈને શાકભાજીવાળાને નવાઈ લાગી હતી. પણ શાકભાજીવાળાને જ કેમ, કોઈને પણ નવાઈ લાગે એવી વાત હતી. જીવનભર એક પળવાર પણ પોતે શાંતિનો પોરો ખાધો હોય એવું એમને કોઈ સ્મરણ નહોતું. નાનપણમાં જ મા-બાપ ગુજરી ગયેલાં એટલે અભ્યાસ પડતો મૂકીને રોટલો રળવાનું માથે આવી પડ્યું. થોડાં વર્ષો સુધી જ્યાં ત્યાં નોકરી કર્યા પછી એક નાનકડા કારખાનામાં નોકરી મળી ગઈ, આ કારખાનાનો વિકાસ થતો ગયો અને હરિલાલને પણ એમની સૂઝ અને આવડતના કારણે ઉત્તરોત્તર સારાં માન અને સ્થાન મળતાં રહ્યાં. ભણતર અને અનુભવમાં હરિલાલ અને કારખાનાનો માલિક બંને સરખા હતા. એટલે એ બંનેનો મેળ સારો હતો. કારખાનાનો માલિક થોડો આળસુ ખરો એટલે હરિલાલ કારખાનાના વહીવટદાર અને ચોકીદાર જે ગણો તે, થઈને રહ્યા. પણ આના કારણે તો હરિલાલ ઉપર પોતે વફાદાર કામદાર હોવાથી કામનો બોજો ઘણો વધી ગયો હતો. સવારથી તે મોડી રાત સુધી એ કારખાનામાં જ રહેતા. શાકભાજી ઘરમાં આપીને એ સીધા કારખાને પહોંચી જતા. બપોરના ખાણાનું ટિફિન એ કારખાનામાં જ મંગાવી લેતા. એમની આ રીતના કારણે પત્ની સાથે ઘણી વાર કલહ થતો.

પત્ની જ્યારે એ ઘર અને બાળકો તરફ ધ્યાન આપતા નથી એવું કહેતી ત્યારે હરિલાલ કહેતા : ‘તું ગાંડી છે, શોભા. હું આટલી બધી વેઠ તારા અને છોકરાં માટે જ કરું છું એ કેમ સમજતી નથી ? બહેનોના વહેવાર સાચવવા અને બાળકોના ભણતર અને ગણતર વગેરેની જવાબદારી પાર પાડવી એ કંઈ નાનીસૂની વાત નથી.’
‘એની મારી ક્યાં ના છે ? પણ ઘર તરફેય જોવું તો પડેને ? આ છોકરાંની તો તમને કશી માયા જ નથી !’
‘એ બધું સમજું છું, શોભા. પણ એનો બીજો ઉપાય શો ?’
‘ઉપાય કેમ નહીં ? આપણને પોસાય તેટલા કલાકની નોકરી કરો તો બેય સચવાઈ રહે. નોકરી તમે એકલા જ થોડી કરો છો ?’
‘તારી વાત સાચી છે. પણ દિલ દઈને કામ કરીએ તો નોકરી સચવાઈ રહે. વળી માલિકે તો બધું મારા વિશ્વાસે જ છોડી દીધું છે.’
‘વિશ્વાસની વાત તો કરશો જ નહીં. સ્વાર્થી માણસનો વિશ્વાસ ઝાંઝવાનાં જળ જેવો….’

હરિલાલ અત્યારે વિચારોમાં ચાલી રહ્યા હતા. એમને શોભાના આ શબ્દો યાદ આવી ગયા. શોભા સાચું કહેતી હતી. જે કારખાનામાં જાત ઘસી નાખીને એને સદ્ધર કર્યું એનાં સૂત્રો છેલ્લાં કેટલાંક વર્ષોથી શેઠના યુવાન પુત્ર અજયના હાથમાં આવ્યાં હતાં. અજય યુરોપ, અમેરિકા ધંધાના સંદર્ભે ફરી આવ્યો હતો. એટલે હવે કારખાનામાં નવી હવા વહેતી થઈ હતી. હરિલાલ પોતાની આદત પ્રમાણે વહીવટમાં સૂચનો કરતા, પણ અજયને એ સલાહ રુચતી નહોતી. અને હરિલાલના બધા વિચારો પુરાણા છે એવા પૂર્વગ્રહથી એ હરિલાલની વાત તરફ લક્ષ આપતો નહીં અને છતાંય હરિલાલ આદતના જોરે સલાહ-સૂચન કર્યા વિના રહી શકતા નહોતા. પરિણામે વારંવાર એમનું અપમાન થતું. ધીરે ધીરે હરિલાલનું મન નોકરીમાંથી ઊઠવા લાગ્યું.

એક વખત તહેવાર નિમિત્તે કારીગરોને પગારમાંથી એડવાન્સરૂપે થોડી થોડી રકમ આપવાની સલાહ આપી ત્યારે તો અજયે એમનું વિચિત્ર રીતે અપમાન કરી નાખ્યું. એણે કહ્યું :
‘હરિલાલ, તમે આ કારખાનાના માલિક છો ?’
‘ના.’
‘મેનેજર છો ?’
‘ના.’
‘કેશિયર.’
‘નહીં.’
‘કારકુન.’
‘ના.’
‘કારીગર છો ?’
હરિલાલે આનો કશો જવાબ ન આપ્યો. એ કશાક ઊંડા વિચારમાં ઊતરતા હતા ત્યાં અજયે પૂછ્યું : ‘તો કહેશો, આ કારખાનામાં તમે શું છો ?’
‘કશું જ નહીં, કશું જ નહીં.’ એવો પ્રતિઘોષ હરિલાલના મનમાં તરત જ ઊઠ્યો. પણ એ કશું બોલ્યા નહીં. આમ તો, નિવૃત્ત થવાની ગળી લાગણી એ છેલ્લાં બે-ત્રણ વર્ષથી ચગળ્યા કરતા હતા પણ સંજોગોથી કચડાયેલા હરિલાલ નોકરીમાંથી છૂટી શકતા નહોતા, પણ ગઈ કાલે અજયે મન ઉપર કરેલા જનોઈવઢ ઘા પછી એમણે નોકરી છોડી દેવાનો પાકો નિર્ણય કરી લીધો હતો. હવે નિવૃત્ત થવામાં એમને બીજી કોઈ મુશ્કેલી દેખાતી નહોતી. એમનો મોટો પુત્ર સુરેશ ધંધે લાગી ગયો હતો એટલે એક વાતની એમની ચિંતા ટળી ગઈ હતી.

નિવૃત્તિનો નિર્ણય લીધા પછી મન ઉપરનો બોજ હળવો થઈ ગયો હતો. અને ચિત્ત પ્રસન્ન થઈ ઊઠ્યું હતું. મલકાતાં મલકાતાં એ આગળ વધ્યા. રસ્તે એક રેસ્ટોરાં આવ્યું. એની સામે એ આસક્તિપૂર્વક જોઈ રહ્યાં. પોતે જુવાન હતા ત્યારે આ રેસ્ટોરાંમાં કોઈક વાર ઘડીભર બેસતા. અત્યારે એમાં ઘૂસી જવાનું એમને મન થયું. પણ હવે રેસ્ટોરાંમાં જઈને બેસવાની ઉંમર નહોતી. એમને ઘડપણ થોડું ખટક્યું. પણ નિવૃત્તિનો વિચાર ફરી એક વાર મનમાં ઝબક્યો. વળી મુખ ઉપર મલકાટ પથરાઈ રહ્યો. જીવનભરના ઢસરડા પછી હવે આવનારી નિરાંતની પળો કાદાચ એ રેસ્ટોરાંમાં ગાળેલા પેલા સમય કરતાંય વધારે આરામદાયી હશે. નિવૃત્તિના પોતાના નિર્ણયની જાણ હરિલાલે હજુ પત્ની કે પુત્રને કરી નહોતી. આજે રાત્રે જમ્યા પછી એ વાત જાહેર કરવાનો એમણે મનસૂબો કર્યો હતો.

ઘેર પહોંચ્યા ત્યારે પત્ની રસોડામાં હતી. શાકભાજી એને સોંપીને એ કારખાના તરફ ચાલ્યા ગયા. રાત્રે જમ્યા પછી હરિલાલ હીંચકે બેઠા હતા. જીવનના એક ભારે કલેશમય તબક્કામાંથી મુક્ત થઈને જીવનના હળવાશભર્યા વિસ્તારમાં પ્રવેશવાના ખ્યાલથી એમનું મન મહોરી ઊઠેલું હતું. અત્યારે પત્ની અને પુત્રને પોતે એ વાત કરવાના હતા. સુરેશ બહાર જવાની તૈયારી કરી રહ્યો હતો. એને બૂટ પહેરતો જોઈ હરિલાલે કહ્યું :
‘સુરેશ, બહાર જાય છે ?’
‘હા.’
‘થોડી વાર રોકાઈ જા.’
સુરેશને જરા નવાઈ લાગી. પિતા આજ પહેલી વાર પોતાને આ રીતે રોકાઈ જવાનું કહેતા હતા. એ કોઈ ખાસ વાત કરવા માગતા હશે ? આમ તો, આ પિતાપુત્ર વચ્ચે બહુ ઓછી વાતચીત થતી. સુરેશે માતા સામે જોયું. માતાના મુખ ઉપર પણ એક કુતૂહલનો જ ભાવ હતો.
માતાએ કહ્યું : ‘સુરેશનું કંઈ ખાસ કામ છે ?’
‘હા.’
‘મહત્વનું છે ?’
‘મહત્વનું તો નહીં…..’ કહી હરિલાલ જરા થોથવાયા.
પત્નીએ કહ્યું : ‘તો પછી એ જ્યાં જતો હોય ત્યાં જવા દોને. જે વાત કરવી હોય એ પછીથી કરજો. આખા દિવસનો કંટાળ્યો હોય તો થોડો સમય બહાર ફરી આવે તો એને પણ ઠીક લાગે.’
હરિલાલે કહ્યું : ‘એક વાત કરવી છે.’
હરિલાલે આજ સુધી સુરેશને કોઈ વાતમાં આટલું મહત્વ આપ્યું હોય એવું બન્યું નહોતું. આજે હરિલાલને આમ બોલતાં જોઈ માતા અને પુત્ર બંનેને નવાઈ લાગી.

સુરેશે બહાર જવાનું માંડી વાળ્યું અને એ હરિલાલ સામે ખુરશી પર બેઠો. મા-દીકરો બંને જણ હજુય કુતૂહલથી એકીટશે હરિલાલ સામે જોઈ રહ્યાં હતાં. ઘરમાં એકીસાથે મળીને કોઈ ગંભીર વાત કરવાની રીત જ જાણે સૌને અપરિચિત હતી. તેથી ઘરનું વાતાવરણ થોડું કૃત્રિમ બની ગયું. હરિલાલે મૌનનો ભાર દૂર કરતાં કહ્યું :
‘વાત જાણે એમ છે કે હવે હું રિટાયર થવા ઈચ્છું છું.’
ભારે અચંબો પામતાં હોય એમ પ્રથમ તો કશો જ જવાબ આપ્યા વગર મા-દીકરો એકબીજા સામે જોઈ રહ્યાં. પછી વાતમાં કશું લક્ષ આપવા જેવું ન હોય એમ પત્નીએ કહ્યું : ‘તમે ક્યાં સરકારી નોકરીમાં છો તે રિટાયર થવાનું હોય ?’
‘સરકારી નોકરીમાં તો નથી, પણ હવે એમ થાય છે કે નિવૃત્તિ ભોગવું.’ આમ કરી એમણે ખાસ તો સુરેશનો પ્રતિભાવ જાણવા એના સામે જોયું. પિતા પોતાનો અભિપ્રાય જાણવા માગે છે એમ સમજી સુરેશે કહ્યું : ‘પણ આ નિવૃત્તિ થોડી વહેલી નહીં ગણાય, બાપુજી ?’
દીકરાના આ શબ્દોથી હરિલાલને થોડી નિરાશા થઈ. એમણે કહ્યું : ‘વહેલી-મોડીનું તો ઠીક છે, પણ માનસિક રીતે હું ખૂબ થાકી ગયો છું. હવે જરા આરામની જરૂર છે.’
‘એ થાક તો મહિના-બે મહિનામાં ઊતરી જશે, પછી ?’
‘પછીનું પણ વિચારી રાખ્યું છે.’
સુરેશે કહ્યું : ‘તમને નથી લાગતું કે આ કંઈક ઉતાવળિયો નિર્ણય થાય છે ? થોડા દિવસ તો ઠીક લાગશે પછી સમય ક્યાં પસાર કરવો એ એક મોટો પ્રશ્ન થઈને રહેશે અને દિવસો કંટાળાભર્યા બની જશે.’ હરિલાલ કહેવા માગતા હતા : ‘નોકરી ચાલુ રાખીશ તો દિવસો એથીય વધારે કંટાળાભર્યા બની રહેવાના છે.’ પણ એ એવું કંઈ બોલ્યા નહીં. પુત્રને આવી દલીલો કરતો જોઈ એમનું મન થોડું ઉદાસ થઈ ગયું. એ ચૂપ જ રહ્યાં.

બાપ-દીકરાને ચૂપ જોઈ પત્ની બોલી : ‘હજુ તો સુરેશના ધંધાની શરૂઆત જ ગણાય. એને મદદરૂપ થવાને બદલે તમે આમ બોજારૂપ થવાની વાત કરો એ સારું ન કહેવાય.’
‘મેં મારી ફરજ બજાવી છે. હવે સુરેશ પગભર થયો છે.’
અકળાઈ ઊઠી હોય એમ પત્ની બોલી : ‘ફરજની વાત તો તમે કરશો જ નહીં. છોકરા માટે તમે કાળજી રાખી હોત તો એ ઘણો આગળ આવી ગયો હોત. આટલે સુધી તો એ જાતે પહોંચ્યો છે. હવે છોકરા ઉપર બોજો બનવાની હોંશ રાખો એ કેમ ચાલે ?’
હરિલાલ સાંભળી રહ્યા. એમણે દીકરા સામે જોયું. એ બોલ્યા : ‘સુરેશ, તારે શું કહેવું છે ?’
‘આમાં મારે તો શું કહેવાનું હોય ? તમે નિવૃત્ત થવા ઈચ્છતા હો તો તમને કોણ રોકી શકે ? દીકરાને ધંધે વળગેલો જોઈ બાપની નિવૃત થવાની લાલચ આપણે ત્યાં જાણીતી છે. બાકી…..’
‘બાકી ? બાકી, શું ?’
‘બા સાચું જ કહે છે.’
‘શું સાચું કહે છે ?’
‘બાએ કહ્યું એ જ. હું તો શું કહી શકું ?’
હરિલાલ મૂંગા થઈ ગયા. થોડીવાર વિચારોમાં ખોવાઈ ગયા અને પછી એક નિ:શ્વાસ સાથે બોલ્યા : ‘સાચું છે, ક્યાંક ભૂલ થયેલી છે.’

અને એ જ વખતે અજયના પેલા શબ્દો એમના મનમાં પડઘાવા લાગ્યા : ‘હરિલાલ, તમે આ કારખાનામાં શું છો ?…… હરિલાલ તમે આ કારખાનામાં શું છો ? હરિલાલ તમે……’ અને પછી તો પ્રશ્ન બદલાઈને પડઘાયો : ‘હરિલાલ તમે આ ઘરમાં શું છો ?’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભરેલું ઘર – રવીન્દ્ર પારેખ
મન મહારાજા, શરીર સેવક – મોહમ્મદ માંકડ Next »   

25 પ્રતિભાવો : નિવૃત્તિ – મોહનલાલ પટેલ

 1. બિચારા હરિભાઈ!
  એમની હાલત ઘરમાં અને નોકરીમાં, બન્ને જગ્યાએ સરખી.
  जाये तो जाये कहां… समजेगा कोन यहां दर्द भरे दिलकी जुंबा….

  • Navin N Modi says:

   હરિભાઈની હાલત મને તો ઘરમાં વધુ દયનિય લાગી – નોકરીમાં તો પારકા સાથેનો સંબંધ હોય છે જેમાં બહુ અપેક્ષાઓ નથી હોતી પરંતુ પોતાના વિશે શું કહેવું?
   આપ ‘જાયે તો જાયે કહાં’ લખો છો તેનું સમાધાન સરળ છે. એ બહાર નથી.. જો હરિભાઈ ‘સ્વ’ની અંદર જઈ અપેક્ષાઓને ખંખેરી શકે તો પછી આનંદ જ આનંદ છે. જો કે કરવું કહેવા જેટલું સરળ તો નથી, પરંતુ અશક્ય પણ નથી.

 2. hardik says:

  થોડા સમય પહેલા એક વાર્તા આવી હતી જેમા પત્ની ને તેમના પતિ અને દિકરૉ સમજતા નહૉતા આજે
  પતિ ને તેમની પત્ની અને દિકરૉ સમજતા નથી. તે દિવસે અહીં યુધ્ધ થયુ હતુ સ્ત્રી-પુરુષ, પતી- પત્ની.
  આજે પણ એવુ કાંઈક થાય તો નવાઈ નહી..કૉની ભુલ? એ વિચાર કરતા શું ભુલ એ વધારે યૉગ્ય રહેશે..

 3. સુંદર હ્રદયસ્પર્શી વારતા.

  કદાચ સુરેશ એમ પણ વિચારી શક્યો હોત કે નિવૃતિ ભલે લઇ લો પછી તમારા અનુભવ અને જ્ઞાનનો લાભ આપણા ઘરના ધંધામાં આપજો.

  • dipti says:

   બાપ-દીકરાને ચૂપ જોઈ પત્ની બોલી : ‘હજુ તો સુરેશના ધંધાની શરૂઆત જ ગણાય. એને મદદરૂપ થવાને બદલે તમે આમ બોજારૂપ થવાની વાત કરો એ સારું ન કહેવાય.’

   after reading this lines i was thinking exactly same as you.

 4. Pravin V. Patel says:

  પિતાએ પરિસ્થિતિ વશ થઈ કરેલ કમાણી પુત્રના ધ્યાન બહાર રહી.
  લાગણીતંત્રને ઝંકૃત કરતી વાર્તા.
  અભિનંદન.

 5. Neha Shah says:

  પુત્ર ને પ્રેમ ની જરૂર હતી ત્યારે પિતા ને સમય ન હતો હવે જ્યારે પિતા ને હુંફ ની જરૂર છે ત્યારે પુત્ર ને પિતા બોજારૂપ લાગે છે. કામ કરો પૈસા કમાઓ તો વ્હાલા લાગો. શું ઘર અને શું બહાર ?
  દર બીજા – ત્રીજા ઘર ની વાત.
  સરસ.
  આભાર.

 6. tejal tithalia says:

  Nice story

 7. જય પટેલ says:

  સુરેશે કહ્યુઃ પણ આ નિવૃતિ થોડી વહેલી નહિ ગણાય બાપુજી ?

  સુરેશનું કથન તેના આત્મ-વિશ્વાસ વિષે ઘણું કહે છે.
  પિતાની ગઈ ગુજરીની માળા રટ્યા કરતાં તેના નવા સાહસ – ધંધામાં અનુભવનાં ભાથા વિષે
  વિચારવું જોઈએ. પરિવાર આધારિત ધંધા અપ્રિતમ પ્રગતિ કરતાં હોય છે.

  માતાનો આંધળો પુત્ર પ્રેમ પુત્રની પ્રગતિમાં બાધા બની શકે છે.
  પિતાનું છત્ર મળતાં સુરેશ ટૂંકા ગાળામાં આગળ વધી શકે તેમ છે અને
  જો સુરેશ ધંધામાં વહેલો ઠરી ઠામ થાય તો પિતા નિવૃતિનો ઉત્સવ માણી શકે…!!

  સુરેશનું ધંધાકીય દૂંરદેશીતા સવાલોના ઘેરામાં છે.

 8. Ketul says:

  આજના યુગના ૫૦ % યુવનોને દર્શાવતી વાર્તા. . . . . . .

 9. nayan panchal says:

  વધુ એક વાર્તા જે જીવનની પ્રાથમિકતાઓની ગોઠવણી પર ભાર આપે છે.

  હરિલાલે જીવનમાં નોકરીને પરિવાર કરતા વધુ પ્રાથમિકતા આપી, તો પછી પરિવારનુ આવુ વર્તન સ્વભાવિક જ છે !!!

  આભાર,
  નયન

 10. Vinod R. Patel says:

  Mohanlal Patel is known for Laghu Katha. He is the first writer who started the concept of Laghu Katha in GUJARATI SAHITYA.His short stories are also artistic and touching the heart of the reader.This STORY is the evidence of it.I had the fortune of being his student in my high school days at Sarva Vidyalaya Kadi where he served as a Principal for many years.He is still a active writer at the age of nearly 80 years of age.I salute him for his contribution to Gujarati literature.

 11. Gopal Shah says:

  ધોબિ કા કુત્તા – ન ઘર કા ના ઘાટ કા….

 12. Viren Shah says:

  આમાં વાંક પુરેપુરો હરીલાલ નો છે. હરિલાલે પોતાના કુટુંબની ફરજ જરા પણ નિભાવી નથી. અને ઉપરથી કારખાનામાં પણ કદર ના મળે તો પણ કામ કર્યે રાખ્યું છે.

 13. Chetan Tataria says:

  Harilal’s parents died at very early age and due to that he could not studied further and need to take up job immediately to earn money. After marriage, obviously responsibility got doubled so he has to work hard. Now since he do not have good qualification/degree, losing this job and getting new job will be more difficult for him. So Harilal’s aim was to work very hard and create a kind of dependency for his boss so that he can get a stability and protection in job. In this struggle, he has ignored his family life, which is not correct. But looking at the situations and circumstances, it was bound to happen.

  And He must have thought that if he do not spend extra time at job and earn more money, how he will able to give his son a better education/better life/comfort. If he earn less and do not give this to his son, the same son will question him in future, what you have done for me or what you have given to me? So Harilal in spite of doing this entire thing for his family, at end when he is getting humiliated at job, if he forced to decide for early retirement, his family should have supported him. And note that he was thinking of taking early retirement not to take rest and be burden for his son, but since he got insulted by boss’s son, he thought of that. In that situation to continue job will be difficult for anyone. No one will work on cost of the Dignity.

  Also when his son asked him that after 1 or w months, you will get bored, and then what you will do? Harilal replied that he has thought for that also. But Suresh is not asking what he has thought of. May be there is some plan, Harilal have thought of which is kind of ignored by Suresh. Harilal has done mistake for not taking care of his family life, TRUE but that doesn’t mean Suresh should also do the same thing to him. After all he is his father. You can not apply Tit for Tat rule with your parents.

  ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
  અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ
  કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા
  અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ

 14. Balkrishna A. Shah says:

  અત્ર તત્ર સર્વત્ર. આંખ અને કાન ખુલ્લા રાખીને સમાજનુ નિરીક્ષણ કરીએ તો સમાજમાં આવ ઘણા હરીલાલ જોવા મળે.

 15. જગત દવે says:

  ગમે તેટલી વ્યસ્તતા વચ્ચે પણ પરિવારનાં સભ્યો સાથે સંવાદ જાળવી રાખવો બહું જ જરૂરી છે……પાછળથી પસ્તાવું નકામુ છે.

  હરિલાલ પિતા તરીકેની જવાબદારીમાં થી છટકી શકે નહી. માતા તરીકે તેમનાં પત્નીએ પણ સંતાનો ને હરિલાલની તેમને સમય ન આપી શકવાની વ્યથા પહોંચાડવી જોઈએ જેથી સમય આવ્યે સંતાનો તેમનાં પિતાનો આદર કરે.

  સુરેશનું વર્તન તેનાં ઊછેરની ઊણપ દર્શાવે છે…..જેની જવાબદારી તેનાં માતા-પિતા બંનેની બને છે.

 16. hiral says:

  આ BICHARA HARILAL SU KARE KYAY SHANTI NATHI JIVAN MA
  NATHI GHAR NA SAMJTA NATHI OFFICE MA SU KARE

 17. Bhalchandra, USA says:

  Excellent short story which reflects reality of our society, congratulation to the author!!!

 18. nilam doshi says:

  જીવનનું કડવું સત્ય….

 19. nilam doshi says:

  આવતા મહિનામાં મારા પ્રકાશિત થનાર લઘુકથા સંગ્રહ ” પાનેતર ” ની પ્રસ્તાવના શ્રી મોહનભાઇ પટેલે જ લખેલી છે. લઘુકથાના આદ્યજનક તેઓ છે.

  લઘુકથાના સ્વરૂપ વિશે તેમણે સુંદર પુસ્તક લખેલું છે.

  લઘુકથાના સ્વરૂપ વિશે જેમને જાણવાની ઇચ્છા હોય તે મારા બ્લોગ પરમ સમીપેની મુલાકાત લઇ શકે છે. તેમાં લઘુકથાના સાચા સ્વરૂપ વિશે શ્રી મોહનભાઇના પુસ્તકમાંથી સમજાવવાનો મેં પ્રયાસ કર્યો છે. ઘણાં વાચકોની વિનતિને માન આપીને..

  http://paramujas.wordpress.com

 20. Shital Shah says:

  harilal javi halat gana vrudhoo ni che. aakhu jivan jemna mate kam kam kam kidha karu temna j potana mate potani nivruti ni vat kari na temna abhipryo sambdva pade che. aa ak kadvi vastvikta che. good story.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.