મન મહારાજા, શરીર સેવક – મોહમ્મદ માંકડ

[‘પ્રકીર્ણ’ પુસ્તકમાંથી સાભાર.]

આપણે જાણીએ છીએ કે માણસનું મન અને શરીર કોઈક અગમ્ય રીતે સંકળાયેલાં છે. શરીર નક્કર છે. મન નક્કર નથી. શરીરને જોઈ શકાય છે, સ્પર્શી શકાય છે જ્યારે મન અદશ્ય છે, પણ શરીર મનને વશ છે. જેનું મન ફફડે છે એનું શરીર ધ્રૂજે છે. જેનું મન અડગ રહે છે એનું શરીર પણ અડગ રહે છે. જેનું મન વ્યાકુળ હોય છે, એનું શરીર અકળાય છે. જેનું મન પ્રસન્ન હોય છે એનું શરીર પણ પ્રફુલ્લ હોય છે. મનને કેળવીને માણસ પોતાના શરીર પાસેથી અસાધારણ કામો લઈ શકે છે. એ માટે, શરીર અને મન કઈ રીતે સંકળાયેલાં છે અને શરીર અમુક વર્તન કઈ રીતે કરે છે તેના વિશે થોડું જાણી લઈએ.

બાહ્ય જગતને સમજવા માટે શરીર પોતાની જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ કરે છે. ત્વચા, નાક, આંખ અને કાન આવી ઈન્દ્રિયો છે. બાહ્ય જગતનું જ્ઞાન અથવા તો બાહ્ય જગતમાં જે કાંઈ હોય કે બનતું હોય એનું જ્ઞાન ગ્રહણ કરીને આ ઈન્દ્રિયો શરીરના જ્ઞાનતંતુઓ દ્વારા મગજને પહોંચાડે છે. મગજ એ જ્ઞાનને ટપાલમાં આવતા કાગળોની જેમ અલગ અલગ કરીને મન સામે રજૂ કરે છે. મન એની પોતાની પાસે રહેલી ફાઈલો (કેટલીક તો એના પૂર્વજોનાય પૂર્વજોના સમયની સંઘરાયેલી હોય છે, હજારો-લાખો વર્ષ જૂની એના જિન્સ – Genes – માં સંઘરાયેલી ફાઈલો) એ ફાઈલો જોઈને શું કરવું, કેમ વર્તવું તેનો નિર્ણય લે છે. અને એ નિર્ણય મગજને જણાવે છે. મગજ તત્ક્ષણ એ પ્રમાણે ગોઠવણ કરીને શરીરને એ રીતે વર્તન કરવાની આજ્ઞા કરે છે. આ આખી ક્રિયા એટલા ઓછા સમયમાં થાય છે કે, એમાં વપરાતા સમયનો આપણને ખ્યાલ પણ આવતો નથી. આમાંની કેટલીક શારીરિક ક્રિયાઓ તો સતત ચાલ્યા જ કરતી હોય છે. જેમ કે શ્વાસોશ્વાસ કે આંખની મટકું મારવાની ક્રિયા જેની આપણને ખબર પણ પડતી નથી. આવી આપોઆપ થતી ક્રિયાઓને આપણે રિલેક્સથી થતી ક્રિયાઓ કહીએ છીએ. પરંતુ ખોરાક કે પાણી ગળા નીચે ઉતરે એની ખબર આપણને પડે છે. (કારણ કે બહારથી શરીરમાં જતી વસ્તુ કઈ છે, કેવી છે, એની જાણકારી જરૂરી હોય છે) પરંતુ હોજરીમાં પહોંચી ગયા પછી તેની પાચનક્રિયા કઈ રીતે થાય છે તેની ખબર આપણને પડતી નથી. શ્વાસ લેવાની ક્રિયા આપણી જાણ બહાર ચાલ્યા કરે છે, પરંતુ જો ખરાબ, હાનિકારક હવા શ્વાસમાં આવે તો એની દુર્ગંધ દ્વારા કે વિશિષ્ટ પ્રકારની ગંધ દ્વારા મગજને એની માહિતી પહોંચતાં જ તે આપણને નાક બંધ કરી દેવાની કે એ સ્થળેથી દૂર ચાલ્યા જવાની સૂચના આપે છે.

આ ઉપરાંત દરરોજ સેંકડો નવી નવી ક્રિયાઓ આપણે કરીએ છીએ – આપણે કરવી પડે છે. જેમ કે આ લેખ તમે વાંચો છો એ ક્રિયા નવી છે. એ કરતી વખતે તમારે તમારી ઈચ્છાને જાગૃત કરી કામે લગાડવી પડે છે. તમે સાઈકલ કે સ્કૂટર-મોટરસાઈકલ અથવા કાર શીખો છો ત્યારે પણ તમારે ઈચ્છાપૂર્વક કેટલુંક કરવું પડે છે. ખરેખર તો ઈચ્છા-નિરપેક્ષ, રિલેક્સથી થતા વર્તન અને ઈચ્છાપૂર્વક થતા વર્તન વચ્ચે તાત્વિક રીતે કોઈ તફાવત નથી, પરંતુ એની ચર્ચા અહીં જરૂરી નથી. અહીં તો આપણે એટલું જ જાણવું જરૂરી છે કે શરીરના દરેક પ્રકારના વર્તન ઉપર મનનો કાબૂ હોય છે. શરીર પોતે સ્વતંત્ર રીતે કોઈ વર્તન કરવાની ક્ષમતા ધરાવતું નથી.

એનું યોગ્ય ઉદાહરણ ઑપરેશન વખતે થતું શરીરનું વર્તન છે. અમુક ઑપરેશનમાં શરીરના અમુક ખાસ અંગને જ માત્ર ખોટું પાડી દેવામાં આવે છે. એ વખતે માણસ સંપૂર્ણ ભાનમાં હોવા છતાં, અને એ અંગ પર થતી કાપકૂપ જોતો હોવા છતાં, પીડાથી ચીસ પાડતો નથી કે એ અંગને પાછું ખેંચી લેતો નથી. એનું કારણ એ હોય છે કે, શરીરનો એ ભાગ ખોટો પડી ગયો હોવાથી એના પર થતી કાપકૂપનો સંદેશો જ્ઞાનતંતુઓ દ્વારા મગજને પહોંચતો જ નથી હોતો અને જે સંદેશો મગજને પહોંચતો જ નથી એની રજૂઆત, મગજ પોતે સંપૂર્ણપણે જાગૃત હોવા છતાં, મનને કરી શકતું નથી. એટલે મન તરફથી કોઈ આદેશ એને મળતો નથી અને એના તરફથી કોઈ આજ્ઞા શરીરને પણ મળતી નથી.

આમ, શરીર એક સાધન છે. એક યંત્ર છે અને મગજ પણ એ વિશાળ યંત્રનો એક ભાગ છે કમ્પ્યુટર જેવો. એ યંત્ર પોતાની મેળે ચાલતું નથી. ચાલવાની કોઈ ક્ષમતા ધરાવતું નથી. મનના આદેશને વશ થઈને જ એ વર્તે છે. પરંતુ આ યંત્ર બીજા કોઈ નિર્જીવ યંત્ર જેવું નથી. એ જીવંત યંત્ર છે. મનનું એ તાબેદાર છે પરંતુ જે રીતે મન સાથે એ સંકળાયેલું છે એ જ રીતે મન પણ એનું ઓશિયાળું છે. જેમ મનના આદેશ વિના એ વર્તી શકતું નથી, એમ મનને જો એના તરફથી કોઈ સંદેશો ન મળે તો મન પણ કોઈ ‘નવો’ આદેશ આપી શકતું નથી. મન એ કેન્દ્રમાં બેઠેલ સત્તાધારી જેવું છે. એની સત્તા સમગ્ર રાજ્યમાં ચાલે છે, પરંતુ રાજ્યમાં ચાલતા બનાવો વિશે જો એ સત્તાધારી હાકેમને ખબર જ ન પડે, તો એના તરફથી એ બાબતમાં આદેશ કેવી રીતે મળી શકે ?

આ આખીયે વાતને બરાબર સમજી લેવામાં આવે તો, અમુક કામ માટે શરીરને કઈ રીતે તૈયાર કરી શકાય એનો ખ્યાલ આવી શકે છે. શરીર અને મનના સંયુક્ત પ્રયત્નોથી જ માણસ પ્રાણીમાંથી આજનો આધુનિક માનવી બની શક્યો છે અને આજની દુનિયાનું સર્જન કરી શક્યો છે. એની આવી શક્તિને કારણે જ તે સતત નવું નવું શીખી શકે છે અને તે સતત નવું નવું સર્જી શકે છે. સાવ સાદી લાગતી આ વાત આપણા સમગ્ર જીવનનું ઘડતર કરે છે. નકારાત્મક સંદેશાઓ ભલે ને તે પછી સાચા ન હોય, ભલે ને માત્ર અફવા કે જૂઠ હોય છતાં ઊથલપાથલ સર્જે છે અને ખંડન કરે છે; એ જ રીતે હકારાત્મક સંદેશાઓ, ભલેને તે સાચા ન હોય, ભલેને માત્ર માન્યતા કે કલ્પના જ હોય છતાં, અમુક પ્રકારની વ્યવસ્થા ઊભી કરીને નવસર્જન કરે છે. આમ તો બહુ પુરાણકાળથી માનવી આ વાત જાણતો આવ્યો છે. એના પરિણામે જ યોગ, પ્રાર્થના, ધ્યાન વગેરે અસ્તિત્વમાં આવ્યાં છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ દિશામાં ઘણું મહત્વનું સંશોધન થયું છે, અને દિનપ્રતિદિન થઈ રહ્યું છે. અનેક વિજ્ઞાનીઓ અને સંશોધકો એમાં પ્રગતિ કરી રહ્યા છે. આવા લોકોમાં નોર્મન કઝીન્સનું નામ ઘણું મહત્વનું છે. નોર્મન કઝીન્સના પુસ્તક ‘ધી હિલિંગ હાર્ટ’ (1984)ની પ્રસ્તાવના લખનાર ડૉ. બર્નાર્ડ લોન એમ.ડી. એ પોતાની એ પ્રસ્તાવનામાં નકારાત્મક અને હકારાત્મક સૂચનો કે માન્યતાઓ કેવાં પરિણામો સર્જે છે એના બે સચોટ બનાવો નોંધ્યા છે.

હાર્વર્ડ મેડિકલ સ્કૂલ અને પીટર બેન્ટ બ્રિહામ હૉસ્પિટલમાં હૃદયરોગના નિષ્ણાત, સુખ્યાત ડૉક્ટર એસ.એ. લેવિન દર અઠવાડિયે, કાર્ડિયાક ક્લિનિકમાં રાઉન્ડ લેતા. એ વખતે એમના હાથ નીચે પોસ્ટ – ડૉક્ટરેટ માટે અભ્યાસ કરતા ડૉક્ટરો પણ એમની સાથે જ રહેતા. હૉસ્પિટલમાં મિસિસ એસ. નામની લાઈબ્રેરિયન તરીકે નોકરી કરતી એક પ્રૌઢ વયની સ્ત્રીને દાખલ કરવામાં આવી હતી. મિસિસ એસ.ને હૃદયની જમણી બાજુના વાલ્વમાં તકલીફ હતી. એને કારણે એનું હૃદય ધીમે ધીમે નબળું પડી રહ્યું હતું. (લો ગ્રેડ કન્જેસ્ટીવ હાર્ટ ફેલ્યોર) એની ઘૂંટી પાસે સોજા આવી જતા હતા. શ્વાસની તકલીફ પણ રહેતી હતી. એવી સ્થિતિમાં છેલ્લાં દસેક વર્ષથી રહેતી હતી પરંતુ તકલીફ વધે ત્યારે દવાખાનામાં દાખલ થઈને સારવાર લેતી હતી અને ફરી કામ પર ચડી જતી હતી. ડૉ. લેવિન એને સારી રીતે ઓળખતા હતા એટલે રાઉન્ડમાં નીકળે ત્યારે સ્વાભાવિક જ તેની સાથે થોડા મીઠા શબ્દોની આપ-લે કરી લેતા હતા. દર્દીઓ માટે ડૉ. લેવિનનો શબ્દ ‘આખરી’ ગણાતો. મિસિસ. એસ.ને પણ લેવિનના શબ્દોમાં એવી જ શ્રદ્ધા હતી. ડૉ. લેવિન એક વાર તેમના અઠવાડિક રાઉન્ડમાં નીકળ્યા. મિસિસ એસ. સામે જોઈને હસ્યા. એના હૃદયની તપાસ કરી અને સાથેના ડૉક્ટરને કહ્યું, ‘મિસિસ એસ.ને ટી.એસ. છે.’

એટલું કહીને એ ચાલ્યા ગયા પણ મિસિસ એસ.ની સ્થિતિ એ સાંભળીને એકદમ ગંભીર થઈ ગઈ. એના શ્વાસોશ્વાસ વધી ગયા. નાડીના ધબકારા દોઢ સો જેટલા થઈ ગયા અને પરસેવે રેબઝેબ થઈ ગઈ. એની પાસે ઊભેલા પોસ્ટ-ડૉક્ટરેટ માટે અભ્યાસ કરતા ડૉક્ટર બર્નાર્ડ લોનને મૂંઝવણ થઈ એટલે એમણે મિસિસ એસ.ને પૂછ્યું, તો હાંફતાં હાંફતાં એ બોલી, ‘ડૉક્ટર લેવિને ‘ટી.એસ.’ કહ્યું એ તમે સાંભળ્યું નહીં ?’ – એ ભલી, પણ અર્ધજ્ઞાન ધરાવતી સ્ત્રી ટી.એસ.નો અર્થ ‘ટર્મિનલ સિચ્યુએશન’ દર્દનો આખરી તબક્કો છે એમ સમજતી હતી. ટી.એસ.નો અર્થ ‘ટ્રાઈકસ્પિડ સ્ટેનોસિસ’ થાય. જમણી બાજુનો વાલ્વ સાંકડો થવાને કારણે એમ થતું હતું. પણ પેલી તો લાઈબ્રેરિયન હતી અને પોતે કરેલો અર્થ એના મનમાં બેસી ગયો હતો. ડૉ. બર્નાર્ડ લોને ટી.એસ.નો સાચો અર્થ શું છે એ એને કહ્યું. અને ડૉ. લેવિને સાથેના ડૉકટરોને શું કહ્યું હતું તે સમજાવ્યું, પરંતુ ડૉ. લોન માત્ર એને હિંમત આપવા માટે જુદો અર્થ કહેતા હતા એમ એ માનતી હતી. એ સ્ત્રી સારવાર કરવા છતાં થોડા દિવસમાં મૃત્યુ પામી. એના દર્દ ઉપર કોઈ સારવાર કામયાબ ન નીવડી.

બીજો એનાથી તદ્દન ઊલટો કિસ્સો છે.
આ વાતને મહિનાઓ વીતી ગયા.
હૃદયરોગના ભારે હુમલાથી પીડાતા એક દર્દીની ગંભીર સ્થિતિ જોઈને હવે મુખ્ય ડૉક્ટર બનેલા બર્નાર્ડ લોને સાથેના ડૉક્ટરોને કહ્યું કે, મિ. બી.ને ‘હોલસમ વેરી લાઉડ થર્ડ-સાઉન્ડ ગેલપ’ છે. એ સાંભળીને સાથેના ડૉક્ટરોએ હકારમાં માથાં હલાવ્યાં. એ દર્દીના હૃદયના ધબકારા ખૂબ જ ઝડપી અને બેકાબૂ હતા, રિધમ અસ્તવ્યસ્ત હતું, ફેફસાં ભરેલાં હતાં, શ્વાસોશ્વાસની એટલી તકલીફ હતી કે ઑક્સિજન આપવો પડતો હતો. સ્થિતિ ખરેખર ગંભીર હતી. દર્દી ઑક્સિજન નીચે હતો એટલે ડૉક્ટરની વાત બરાબર સાંભળી શકતો નહોતો, છતાં એ સાંભળ્યા પછી એની સ્થિતિ આશ્ચર્યજનક રીતે સુધરવા લાગી અને થોડા સમય પછી સાજો થઈ જતાં એને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી. આટલા જલદી સાજા થઈ જવા પાછળનું રહસ્ય ડૉક્ટર બર્નાર્ડ લોને જ્યારે દર્દીને પૂછ્યું ત્યારે એણે કહ્યું, ‘બીજી તો મને ખબર પડતી નથી, પરંતુ તમે જ્યારે સાથેના ડૉક્ટરોને કહ્યું કે મારું હૃદય ‘હોલસમ-ગેલપ’થી ધડકે છે ત્યારે તરત જ મને હિંમત આવી ગઈ. મારું હૃદય કૂદકા મારે એટલું મજબૂત થઈ ગયું હતું, એ મને સમજાઈ ગયું હતું. મને થયું, ડૉક્ટર દર્દી સાથે વાત કરે ત્યારે ખોટું આશ્વાસન આપે, પણ અંદરોઅંદર વાત કરે ત્યારે સાચું જ બોલે.’

ઉપરનાં બંને ઉદાહરણો માનવીના મનની શરીર ઉપર થતી અસરનાં જીવંત ઉદાહરણો છે. આવા જ બીજા પણ અનેક બનાવો નોંધાયા છે પરંતુ, અહીં તેનો સમાવેશ કરી શકાય તેમ નથી. આમ છતાં, છેલ્લે ગાંધીજી વિશે થોડી વાત કરી લઈએ. એમણે એમના શરીર પાસેથી કેવું અદ્દભુત કામ લીધું હતું ? અવસ્થા થયા પછી પણ ટાઢ-તડકો જોયા વિના પ્રસંગ આવ્યે, તેજ ગતિથી માઈલો સુધી તેઓ ચાલતા. રેલવેમાં ત્રીજા વર્ગના ડબ્બામાં મુસાફરી કરતા. ગરમીથી બચવા માથા ઉપર ક્યારેક ભીનું પોતું રાખતા, પણ પોતાના કાર્યક્રમોમાં અડગ રહેતા. એમના શરીરને અનેક પ્રકારના કષ્ટ હતાં પણ, કૃશ લાગતા એ શરીર સાથે એમનું મજબૂત, લોખંડી અને અચલ મન જોડાયેલું હતું. એ એમના શરીરને સાબૂત રાખતું હતું.

મનથી તંદુરસ્ત માનવી જ તનથી તંદુરસ્ત રહી શકે છે. અને આખરે માનવીએ જે કાંઈ મેળવવાનું છે એ મેળવવા માટેનું સાધન તો એકમાત્ર એનું શરીર જ છે ને ? મનના આદેશ ઉપર યોગ્ય અમલ કરીને અશક્ય લાગતાં કામો પણ માનવી પાર પાડી શકે છે. એ માટે મન અને શરીરનો સંબંધ સમજનાર વધુ સારી રીતે વર્તી શકે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નિવૃત્તિ – મોહનલાલ પટેલ
સ્મરણયાત્રા – કાકા કાલેલકર Next »   

9 પ્રતિભાવો : મન મહારાજા, શરીર સેવક – મોહમ્મદ માંકડ

 1. સાવ સાચી વાત.

  એનું મન તંદુરસ્ત એનું શરીર આપોઆપ તંદુરસ્ત રહે…કારણકે મોટાભાગની વાતો માનસિક હોય છે…ને પછી શરીર પર હાવી થઇ જાય છે.

 2. Afzal Siddiq says:

  I LIKE THIS TOPIC & ALWAYS LIKE MOHD.MANKAD ALL WRITING , I LIKE ALL STORIES & ALL.

  HE IS PERFECT WRITER FOR ALL AGES READER & SPECIALY THANKS TO READGUJARATI FOR

  PUBLISHING SUCH A NICE ARTICLE.

  ONE REQUIST TO YOUR MANAGEMENT FOR SUCH A GREAT WRITER’S BOOKS -CONVERT IN PDF FILE

  & PUBLISH IT FOR GREAT GUJARATI READERS ALL THE WORLD

 3. Chirag says:

  Mind – Body and Soul

 4. Dr.Ekta.U.S.A. says:

  મન અને શરિર ના સંબંધ ને રજુ કરતો સુંદર લેખ્.

 5. Bhalchandra, USA says:

  Mind and body connection articles are so good to read again and again. They remind me the fact there is nothing in the world worth to worry and get physically sick. Good mental health leads to strong physical health. Please publish more of such articles!! Thank you.

 6. જગત દવે says:

  મનને તંદુરસ્ત રાખવા નાં ઉપાયોઃ

  ૧. સંગીત અથવા કોઈપણ કળા
  ૨. સારા પુસ્તકોનું વાંચન
  ૩. હાસ્ય (જે પોતાની ઉપર પણ હસી શકે)
  ૪. નાના બાળકો સાથેની રમત
  ૫. કુદરત સાથે થોડો સમય
  ૬. ફ્કત બે સાચા મિત્રો જેને મનની બધી જ વાત કરી શકાય.
  ૭. એકાંત અને મૌન. (મન સાથે થોડો સંવાદ)

 7. preeti says:

  જગત દવે ભાઇ ખુબ સરસ કિધુ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.