- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

સ્મરણયાત્રા – કાકા કાલેલકર

[કાકાસાહેબ કાલેલકરના નાનપણનાં કેટલાંક સંસ્મરણો પર આધારિત પુસ્તક ‘સ્મરણયાત્રા’ માંથી સાભાર.]

[1] પૈસા ખોયા

ખરાબ છોકરાઓ પાસેથી અમે ગંદી ભાષા શીખી લઈશું એ બીકથી જેમ અમને કોઈ કાળે ઘરમાંથી રસ્તા પર જવા દેતાં નહીં તેમ કોઈ પણ વખતે કોઈ પણ કારણે અમારા હાથને પૈસાનો સ્પર્શ થવા દેતા નહીં. સારા ઘરના છોકરાઓને જેમ હાડકાને કે બીડીને અડવા ન દે તેટલી જ ચોકસાઈથી અમને પૈસાની આભડછેટ રાખેલી. પૈસા કે રૂપિયાને આપણાથી અડાય નહીં એ વાત અમારી રગેરગમાં ઊતરી ગઈ હતી. છતાં એ જ કારણે ઘણી વાર ગોળ ગોળ સિક્કા હાથમાં લઈને રમવાનું મન થઈ આવતું ખરું.

એક વાર શાહપુરમાં નારાયણમામા સાથે ગાડીમાં બેસી દાકતરને ત્યાં ગયો હતો. પાછા આવતાં મેં મામાને કહ્યું : ‘નારાયણમામા, નારાયણમામા, તમારી પાસે પૈસા છે તે મને જરા હાથમાં લઈને જોવા દો ને.’ માગવાની હિંમત તો મેં કરી. પણ મનમાં લગભગ ખાતરી જ હતી કે, નાના છોકરાઓથી પૈસાને અડાય જ નહીં એ ચિરપરિચિત સ્મૃતિવાક્ય નારાયણમામા મારા માથામાં મારશે. પણ એવું કશું ન બન્યું. ઊલટું, તેમણે ત્રણેક આનાના પૈસા મારા હાથમાં આપી દીધા. મારા આનંદનો તો પાર ન રહ્યો. મૂઠી ભરાય એટલા પૈસા હાથમાં આવ્યા એ કંઈ નાનીસૂની વાત હતી ? એક એક પૈસો હાથમાં લઈને મેં ગોળ ગોળ ફેરવ્યો. બધા પૈસા ફરી ફરી ગણી જોયા. (તે વખતે મને સો સુધી ગણતાં આવડતું હતું.) પછી પૈસા જોવાનો રસ ઊતરી ગયો. છતાં પૈસા મૂઠીમાં જ રાખી, ગાડી પાછળ પગથિયાં પર કોઈ ભિખારી છોકરો બેસે નહીં એટલા માટે, પાછો વળીને હાથ ગાડીમાંથી બહાર લટકાવીને હું જોવા લાગ્યો.

મારુતિના મંદિર સુધી આવ્યા હોઈશું; ત્યાં કેટલાક છોકરા મોઈદંડા રમતા હતા. તે તરફ ધ્યાન ગયું; અને મૂઠી તરફનું ધ્યાન ઓછું થયું, મૂઠી ઢીલી પડી. હાથમાંના પૈસા ઢીલા પડી ગયા ! આ ભયંકર અકસ્માતથી હું એવો તો દિગ્મૂઢ બની ગયો કે, શું કરવું એ મને સૂઝ્યું નહીં. આપણે કહ્યે ગાડી રોકાય એ તો ધ્યાનમાં આવે એવું હતું જ નહીં. નાના છોકરાઓની ઈચ્છાને માન અપાતું હોય એવું મેં કોઈ કાળે જોયેલું નહીં. મામાને કહું તો તે વઢશે એની પણ મનમાં ખાતરી. એટલે ચૂપચાપ બેસી રહેવું એ બીકણ બાળકોની સાર્વભૌમ નીતિ મેં અખત્યાર કરી ! મોઈદંડા રમનાર છોકરાઓમાંથી એક જણે પૈસા પડ્યા જોયા. એ ધીમે ધીમે ચાલતો રસ્તા પર આવ્યો, એણે પૈસા ઉપાડ્યા. મારા તરફ જોયું. ને પૈસા ગજવામાં નાખ્યા. મેં શૂન્ય નજરે એના તરફ જોયું. એણે એક પળ વાર નજર મારા તરફ નાખી, અને પછી જાણે કશું બન્યું જ ન હોય એમ, ઠાવકું મોઢું કરીને ધીમે ધીમે ચાલતો ચાલતો પાછો રમતમાં ભળી ગયો. આસપાસના છોકરાઓએ એના તરફ જોઈને મોં મલકાવ્યાં. એ હાસ્યમાં, પોતાના દોસ્તને ઓચિંતો લાભ થયો એનું અભિનંદન અને પોતાને એ લાભ ન મળ્યો એની અદેખાઈ, બંને સ્પષ્ટ દેખાતાં હતાં. મોઢા પરથી માણસનો આટલો સુક્ષ્મ ભાવ કળી જવા જેટલી અક્કલ મારામાં હતી. છતાં આવે પ્રસંગે કંઈક પગલું ભરવાનું હોય છે એટલું ન સમજવા જેટલી બાઘાઈ પણ સાથે સાથે જ હતી.

નાના છોકરા વર્ગમાં ધ્યાન ન દે, ઝટ જવાબ ન આપે, અથવા સાનમાં સમજી કહ્યું ન કરે, ત્યારે ઊકળી પડનાર શિક્ષકો અને માણસોએ મારો આ કિસ્સો ધ્યાનમાં રાખવા જેવો છે. બાલમાનસનો વિકાસ અમુક ચોક્કસ ક્રમમાં થતો નથી. એમાં અનેક સંસ્કારોને લીધે મોટેરાના કળ્યામાં ન આવે એવી વિવિધતા હોય છે. આટલું પણ જો તેઓ ધ્યાનમાં રાખે તો તેઓ પૂરતી ધીરજ કેળવી શકશે અને બાળદ્રોહમાંથી બચી જશે.

ગાડી ઘરને બારણે આવીને ઊભી. મામા કહે :
‘દત્તુ, લાવ પૈસા જોઉં.’ દત્તુ પૈસા ક્યાંથી લાવે ? એ તો ટગર ટગર જોઈ જ રહ્યો. પણ કંઈક જવાબ તો આપ્યે જ છૂટકો. મેં કહ્યું : ‘પૈસા હાથમાંથી પડી ગયા !’
‘ક્યાં પડી ગયા ? કેવી રીતે પડી ગયા ?’
‘મારુતિના મંદિર આગળ. પેલા છોકરા હતા ત્યાં.’
‘ત્યારે બાઘા, મને તે જ વખતે કેમ નહીં કહ્યું ?’
મામા તિરસ્કારથી હસ્યા. જવાબમાં મેં શરમાળ અને દીનમુદ્રા તેમને બતાવી. મામા મને વઢ્યા નહીં અને મારા દેખતાં ઘરમાં બીજા કોઈને તેઓ કહેવા પણ ન બેઠા, એ આનંદમાં મારી શરમ તો હું ભૂલી જ ગયો. પોતાની માનીતી બહેનનો સૌથી નાનો ભાણો ઘેર આવ્યો છે, એને કેમ વઢાય, એવો ઉદાર વિચાર કરી મામાએ મનની વાત મનમાં રાખી હશે. છોકરો સાવ બેવકૂફ છે એમ એમણે તોલ બાંધ્યો હશે, અને આખરે તેઓ એ વાત ભૂલી પણ ગયા હશે. પણ મારી નજર આગળ તો તે દિવસનો એ બધો દેખાવ તે દિવસના જેટલો જ આજે તાજો છે. કહો તો મારુતિના મંદિર આગળની એ જગ્યા આજે પણ બરાબર બતાવું.
.

[2] વાઘની માશી

સામાન્ય છોકરાંઓ કરતાં મારામાં પશુપક્ષીઓ તરફ કંઈક વધારે હેત હતું. પણ મને અત્યંત પ્રિય જનાવર તો બિલાડી. બિલાડી ખુશામત કરે, પણ કોઈ કાળે સ્વમાન ખુએ નહીં. કૂતરાંને અનાર્ય થયેલાં તમે જોશો, પણ બિલાડી તો હંમેશાં પોતાની સંસ્કૃતિ ને પોતાનો મોભો જાળવીને જ રહેવાની. એકાદ દિવસ પીવાનું દૂધ ઓછું હોય તોપણ તેમાંથી થોડું બિલાડીને પાયા વગર પીવું આપણને ભાવે નહીં. નાનપણમાં મેં ખૂબ મુસાફરી કરેલી. જ્યાં ગયા ત્યાં આઠદસ દિવસની અંદર આસપાસ કેટલી બિલાડીઓ છે અને કોની કોની છે, એની આપણને તરત ખબર પડે. બિલાડી પ્રત્યેનો મારો પક્ષપાત એકાંકિત ન હતો. જ્યાં જઈને રહું ત્યાંની બિલાડીઓને મારા રાગદ્વેષ ઉભયનો અનુભવ ચાખવો પડતો. બિલાડીને ઘેરો કેમ ઘાલવો, એને માર કેમ મારવો, ખાડામાં ખૂબ કાંટા વાળી ઉપર કાગળ કે લૂગડું પાથરી બિલાડીને ખાડામાં કેમ પાડવી, એ બધી કળામાં હું પારંગત હતો. બિલાડીને ઠાર મારવાથી બાર બ્રાહ્મણ માર્યાનું પાપ લાગે છે, કેમ કે બિલાડીની પૂંછડીમાં બાર ચટપટા હોય છે, એ વાત હું જાણતો ન હોત તો મારે હાથે બિલાડીઓની હત્યા પણ થાત.

હું કારવારમાં હતો ત્યારે મેં એક બિલાડો પાળેલો. બહુ રૂપાળો હતો. મેં એનું નામ ‘વ્યંકટેશ’ પાડ્યું હતું. એકાદ વરસ સુધી એ મારી સાથે રહ્યો હશે. આખરે એક કોળે એને મારી નાખ્યો. પછી તો મને બિલાડી વિના ચેન ન પડે, એટલે આખું કારવાર ફરી જ્યાં સરસ બિલાડી જોવામાં આવે ત્યાં એનું માગું કરતો. પણ બધા જ કંઈ આવી રીતે માગું સ્વીકારે ? કેટલાક તો તિરસ્કારથી મને કાઢી મૂકતા. એટલે અમે એક ઘરની આસપાસ ત્રણ દિવસ પહેરો ભરતા બેસતા. અને લાગ મળે કે પિશાચપદ્ધતિએ બિલાડીનું હરણ કરતા.

બિલાડી પકડવી એ કંઈ જેવી તેવી વાત નથી. એના નખ અને દાંત સામે હજુ હથિયારબંધીનો કાયદો પસાર થયો નથી. પહેલું તો બિલાડી હાથમાં આવવી જ મુશ્કેલ છે. તમે એને પકડો કે તરત જ ‘ઘુરરર-મ્યાઉં’ કરીને તે તમને કરડવાની અથવા નહોર વતી ઘા કરવાની. અમે સાથે એક કોથળો રાખતા. બે-ત્રણ જણા બે-ત્રણ ઠેકાણે ઊભા રહેતા. બિલાડી લાગમાં આવે કે એના પર તરાપ મારી એની ડોક પકડતા. બિલાડીને ડોક વતી પકડીએ તો એને દુ:ખ નથી થતું, અને છતાં એ પૂરેપૂરી કબજે થાય છે. ડોકની ચામડી આપણા હાથમાં હોય એટલે આપણે સુરક્ષિત. ત્યાં ન પહોંચે એના દાંત કે ન પહોંચે એના નહોર. પાછલા પગ ઉપાડીને નહોર મારવાનો એ પ્રયત્ન તો કરે. આખા શરીરને બધી દિશાએ આમળી જુએ. નવો માણસ હોય તો એને થાય કે હમણાં નહોર મારશે, અને પછી બીને એ બિલાડીને છોડી દે. એક વાર છૂટી એટલે ફરી બિલ્લીબાઈ હાથમાં ન આવે.

અમે બિલાડીને પકડીએ તે એક હાથ વતી એની ડોક અને બીજા હાથ વતી એના પાછળના પગ બરાબર ઝાલી રાખીએ, અને એને કોથળામાં નાખી ઝટ કોથળાનું મોઢું બંધ કરી દઈએ. બિલાડી અંદર પુરાઈ કે તરત બંગાળી ઈલાજ અખત્યાર કરવાની. ખૂબ અવાજ કરે અને જાણે કોથળો ફાડી નાખતી હોય એટલી હિલચાલ કરી મૂકે. બિલાડીને પકડતાં કેટલીયે વાર મારા હાથપગ લોહીલોહાણ થયા છે. પણ જે બિલાડીને પકડવાનો નિશ્ચય કર્યો તેને કોઈ કાળે છટકવા દીધી નથી. બિલાડીને ઘેર લઈ જઈએ એટલે અમારું પહેલું કામ એ કે, એનાં નાકકાન ચૂલા પર ઘસી કાઢવાં. માન્યતા એવી છે કે, આમ કરવાથી બિલાડી એ ચૂલાને છોડીને જાય નહીં; ત્યાં જ રહે અને ચૂલામાં જ સૂએ. કારણ ગમે તે હો, પણ અમારી બિલાડીઓ અમારા ચૂલામાં સૂઈ જતી.

એક દિવસ એક સાવ ધોળી બિલાડી મેં જોઈ લીધી. એને પૂંછડે પણ ચટપટા ન હતા. એ જે બાઈની હતી તે બાઈ પાસે માગવા જવાય એમ ન હતું. એટલે અમે ત્રણ-ચાર દિવસની તપશ્ચર્યાથી એ બિલાડીનો કબજો લીધો. એને ઘેર આણ્યા પછી, એને રહેવા માટે એક લાકડાની મોટી પેટીનું ઘર બનાવ્યું. એને સૂવા માટે ગાદી બનાવી. સુથાર પાસે જઈને એ પેટીને નાનાં નાનાં બારણાં બનાવડાવ્યાં. એમાં લાલ, લીલા અને પીળા કાચના કકડા બેસાડ્યા. બિલાડીને પણ પોતાનું ઘર ખૂબ પસંદ પડ્યું. પણ બિલ્લીબાઈ દહાડે દહાડે સુકાવા લાગ્યાં. એટલે આઈએ કહ્યું : ‘બેવકૂફો ! આ બિલાડીને જ્યાંથી આણી હોય ત્યાં પાછી મૂકી આવો, નહીં તો તેની હત્યા તમને ચોંટશે. એ તો માછલીના આહારને ટેવાયેલી છે. એને આપણાં દૂધભાત કામનાં નથી.’

આટલી સુંદર બિલાડી છોડી દેતાં અમારો જીવ ચાલ્યો નહીં. એટલે અમારા ઘરનાં વાસણ માંજનાર એક ચાકરડી હતી એને અમે કહ્યું, ‘અમે તને રોજ એક પૈસો આપીશું. તારે તારે ઘરેથી લાવીને રોજ આ બિલાડીને માછલીનો ખોરાક ખવડાવવો.’ બસ. માછલીનો ખોરાક મળ્યો કે ગોરી પહેલાં જેવી હૃષ્ટપુષ્ટ થઈ ગઈ. અમે પણ રાજી થયા. પણ થોડા દિવસમાં એ વાત પિતાશ્રીને કાને ગઈ. તેઓ ચિડાયા : ‘આ છોકરાઓને શું કહેવું ? બિલાડી પાછળ ગાંડા થયા છે ને બ્રાહ્મણના ઘરમાં બિલાડીને માછલી ખવડાવે છે !’ પિતાશ્રી આગળ અમારું કંઈ ચાલે એમ ન હતું. એટલે તે જ દિવસે અમે એ બિલાડીને તેના મૂળ રહેઠાણ આગળ મૂકી આવ્યા. પછી તો એનું સૂનું સૂનું લાકડાનું ઘર જોઈ અમને ખૂબ માઠું લાગતું. એ બિલાડી ગઈ એટલે અમે બીજી લઈ આવ્યા. એ તો સરગવાની શીંગના કૂચા થાળી પાસે નાખ્યા હોય એ જ આવી આવીને ખાતી. આઈએ કહ્યું : ‘આ પણ એના માંસાહારનું જ લક્ષણ છે.’ પણ અમે આઈને સાફ કહી દીધું, ‘ગમે તે હોય, આ બિલાડીને અમે રાખવાના જ. જુઓ તો, કેવી રૂપાળી છે !’ આઈએ પરવાનગી આપી. પણ એ બિલાડીનું અન્નજળ અમારા ઘરમાં ન હતું. થોડા જ દિવસમાં એ માંદી પડી અને મરી ગઈ. એની અંતકાળની વેદનાઓ જોઈને મારા મન પર ભારે અસર થઈ. એના પહેલાં મેં મડદાં જોયાં હતાં, પણ કોઈ પણ પ્રાણીનો અંતકાળ જોયો ન હતો.

કારવારથી અમે થોડા દિવસને માટે સાવંતવાડી ગયા. ત્યાં એક બિલાડી અમારે ત્યાં આવતી. અમે મોડા જમીએ કે વહેલા, જમવાને ટાણે એ હાજર. હું એને ધરાય એટલાં દૂધભાત આપતો. ઘરના લોકોને થયું કે દત્તુનો (મારું બાળપણનું નામ) આ બિલાડીને શોખ બહુ વધી પડ્યો છે; એનો કંઈક ઈલાજ કરવો જોઈએ. એટલે વિષ્ણુએ કે અણ્ણાએ એ બિલાડીનું નામ પાડ્યું, ‘દત્તુચી બાયકો’ (દત્તુની વહુ). એ ઘરમાં આવે એટલે બધાં કહે, ‘જુઓ, દત્તુની વહુ આવી.’ હું એને ખવડાવું એટલે કહે, ‘જુઓ, વહુને કેટલા હેતથી ખવડાવે છે.’ હું શરમાવા લાગ્યો. સીધી નજરે બિલાડી તરફ જોઉં નહીં. જોઉં તો કતરાતી નજરે જ. બિલાડીને બિચારીને શી ખબર ? એ તો જમવા ટાણે મારી જોડે આવીને બેસે – સામે પણ નહીં. હું જો વખતસર એને ભાત ન આપું, તો મારા મોઢા તરફ જોઈને માથું હલાવીને મ્યાઉં મ્યાઉં કરે. લોકો એની પણ મશ્કરી કરે. એટલે બિલાડી તરફ જોયા વગર જ એક કોળિયો એના તરફ હું નાખી દઉં. લોકો એની મશ્કરી કરે. હું ન આપું તો બિલાડી હેરાન કરે એની પણ ચેષ્ટા થાય. બિલાડીને હાંકી કાઢવાનો પ્રયત્ન કરી જોયો, પણ એમાંયે હું ફાવ્યો નહીં. સાચું પૂછો તો તેમ કરવાની મારી હિંમત પણ ચાલતી નહીં.

ઘણા દિવસ સુધી આવી પજવણી સહન કર્યા પછી મેં મન સાથે નક્કી કર્યું કે, લોકો ગમે તે કહે, શરણ આવેલાને મરણ અપાય નહીં. અને બિલાડીનો શો ગુનો ? પછી તો મેં બધી શરમ કાઢી નાખી. એક દિવસ બધાંના સાંભળતાં કહ્યું : ‘હા, હા, બિલાડી અમારી વહુ છે. અમે એને ખવડાવવાના, રોજ ખવડાવવાના, હેતથી ખવડાવવાના; હવે કંઈ રહ્યું છે ? હવે કોઈને કંઈ કહેવું છે ? આવ બિલાડી, આવ; બેસ મારી પાસે.’ માણસ વીફર્યો એટલે બધા જ એનાથી બીએ. તે દિવસથી કોઈએ મારું કે બિલાડીનું નામ ન લીધું.