- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

પંચામૃત – સં. દેવેન્દ્ર એલ. ત્રિવેદી

[તાજેતરમાં પ્રકાશિત થયેલા ‘પંચામૃત’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] પરસ્પરની આધીનતા – સ્વામી સચ્ચિદાનંદજી

લગ્નની પ્રક્રિયામાં પુરુષ આગળ હોય છે અને સ્ત્રી પાછળ હોય છે. બેઉના છેડા ગાંઠથી બાંધેલા હોય છે, એની પાછળ ઘણું જ સમજવાનું છે, એટલે સપ્તપદીમાં કહ્યું : ‘मनोवृत्तानुसारिणीम’ – મારી પાછળ પાછળ ચાલે એવી સ્ત્રી મને મળે. પાછળ શા માટે એનું કારણ….

પુરુષ અને સ્ત્રી આ બંનેની કોઈ આદર્શ ઉપમા હોય તો સાઈકલ છે. સાઈકલને બે પૈડાં છે. એક પૈડું આગળ ચાલે છે અને બીજું પાછળ. આગળનું પૈડું દિશાનો નિર્ણય કરે છે : ક્યાં જવું, ક્યાં વળવું એનો નિશ્ચય એ કરે છે અને પાછળનું પૈડું આગળના પૈડાને શક્તિ આપે છે. હવે આગળનું પૈડું દિશા નક્કી કરે પણ પાછળનું પૈડું એને શક્તિ ન આપે તો ? – તો, સાયકલ આગળ ગતિ કરી શકે નહિ. તેમ દિશા નક્કી કરવાનું કામ કે શક્તિ આપવાનું કામ બંને એક સાથે કરે તો પણ સાઈકલ ચાલી શકે નહિ. એ તો એકબીજાને આધીન રહી પોતપોતાનું કામ કરે તો જ આગળ મુસાફરી થઈ શકે.

દાંપત્યજીવનનું પણ આમ જ છે. જીવનયાત્રામાં પુરુષ દિશા નક્કી કરે છે અને સ્ત્રી એને શક્તિ આપે છે. બંનેને દિશાનિર્ધારણની છૂટ આપવામાં આવે તો દાંપત્યજીવન રહેશે ખરું ? બંનેનું જીવન પરસ્પરની આધીનતામાં છે.

[2] જીવન શું છે ? – ફાધર વાલેસ

જીવન એક ખેતર છે. તે જૂઠું નહીં બોલે. તમે એને જેટલું આપો તેનાથી સોગણું કરીને તે પાછું આપે, પણ તમે કશું નહીં આપો તો એની પાસેથી તમને કશું નહીં મળે. જીવન ખોટું લગાડતું નથી અને ખુશામત પણ કરતું નથી. ચોખ્ખો હિસાબ છે, જેવું આપો તેવું મળે. જીવનને તમે શું શું આપ્યું છે ? સાચું કહો. જીવન પ્રત્યે તમને અવિશ્વાસ છે, કંજુસાઈ છે, નફરત છે. ઓછામાં ઓછું આપો અને ન છૂટકે આપો પછી જીવનમાં સારા પાકની આશા કેમ રખાય ?

તમે ફરિયાદ કરો છો કે તમારું ભાગ્ય ઊઘડ્યું નહિ, જીવન ફળ્યું નહિ, તમે છેતરાયા છો, ભરમાયા છો, પણ તમારી ફરિયાદ સાચી નથી. ધરતી છેતરતી નથી. જીવન છેતરતું નથી. જીવન જૂઠું બોલતું નથી. જીવન તમને ફક્ત યાદ દેવરાવે છે કે તમે કશું આપ્યું જ નથી. ક્યાં પ્રેમ કર્યો છે, ક્યાં સાહસ કર્યું છે, ક્યાં ભોગ આપ્યો છે, ક્યાં શ્રદ્ધા રાખી છે ? તમે ઝંપલાવ્યું નથી, અજમાવ્યું નથી, જીવન હોડમાં મૂક્યું નથી. પછી બદલામાં શું મળે ? તમે તમારી નિરાશા બતાવો એમાં તમે તમારા જીવનનો ગૂનો કબૂલ કરો છો અને જાહેર કરો છો. કારણ કે તમે જીવનમાં ખરેખર સાચી મૂડી રોકી હોત તો એનું મબલક વ્યાજ તો તમને મળી ચૂક્યું હોત. જીવન જૂઠું બોલતું નથી.

[3] સાચું દર્શન – ડૉ. પ્રકાશ ગજ્જર

વાત છે કેનેડાની.
શિયાળો ગજબનો જામ્યો હતો. આખી રાત વરસાદ પડ્યો હતો. પરોઢના બરફની વર્ષા શરૂ થઈ. થોડા સમયમાં ચારે બાજુ બરફના ઢગલા થઈ ગયા. એક ભાઈ પોતાની ખુલ્લામાં પડેલી ગાડીની સ્થિતિ જોવા બહાર નીકળ્યા તો ગાડી દેખાય નહીં. ઉપર બરફનો મોટો ઢગલો જામી ગયો હતો. એ જ વખતે એમની નજર સામેના મકાન ઉપર ગઈ. એના છાપરા ઉપર બરફનાં પડ થઈ ગયાં હતાં. આ ભાઈએ ઘરમાં જઈ તરત જ સામેવાળા પાડોશીને ફોન કર્યો. સામેથી જવાબ આવ્યો કે ‘હું પોતે જ તમને ફોન કરવાની તૈયારીમાં હતો. તમારા મકાન ઉપરનો બરફ નહીં હટાવો તો થોડીવારમાં બધું તૂટી પડશે.’

બંને જણા પોતપોતાની સામેના મકાન ઉપરનો બરફ જોતા હતા. પણ એમને પોતાના છાપરા ઉપર થઈ ગયેલા બરફના ઢગલાનો અણસાર પણ નહોતો આવતો. આપણી બધાની આવી જ સ્થિતિ છે. સામાના ઘરમાં થયેલો ભડકો આપણને દેખાય છે. ને આપણે ત્યાં સળગેલી હોળી વિશે આપણને વહેમ સરખો નથી આવતો. સામાના એક દોષ વિષે આપણે કાગારોળ કરી મૂકીએ છીએ. પણ પોતાના ગંભીર દોષ તરફ આપણે સાવ આંખ મીચામણાં કરી જઈએ છીએ. શું આપણું ‘જ્ઞાન’ આપણે અન્યને સુધારવામાં જ પૂરું કરી નાખીશું ? આપણા પોતાના વિકાસ તરફ આપણી નજર જ નહીં જાય ?

[4] લગ્ન કરવા છતાં સુખી કેમ રહેવું ? – એફ. એલ. લુકાસ (અનુ. મોહમ્મદ માંકડ)

પૂર્વ અને પશ્ચિમ વચ્ચે એક પ્રશ્ન સરખું મહત્વ ધરાવે છે – લગ્ન કરવા છતાં સુખી કેમ રહેવું ? બહુ વિચિત્ર લાગે એવી આ વાત એક વાસ્તવિકતા છે. જ્યાંથી સુખ મેળવવાની માણસને વધારેમાં વધારે ઝંખના હોય છે ત્યાંથી જ તેને તે મળતું નથી. આ બાબતે ચીનના લોકોમાં એક કથા પ્રચલિત છે. ત્યાં એક કુટુંબ એવું હતું કે લગાતાર નવ નવ પેઢી સુધી, માત્ર પરિણીત પુત્રીઓ સિવાય, એનો કોઈ સભ્ય કુટુંબથી અલગ થયો નહોતો. આ સુખી કુટુંબના આવા સુમેળની વાત એક દિવસ ચીનના નામદાર શહેનશાહ પાસે પણ પહોંચી અને દેવ જેવા એ શહેનશાહે એનું રહસ્ય જાણવા માટે પોતાના દૂતને એ કુટુંબના વડા પાસે મોકલ્યો. કુટુંબના જ્ઞાનવૃદ્ધ વડાએ પોતાના હાથમાં પીંછી લઈને કાગળમાં એનો લાંબો જવાબ લખ્યો અને એ કાગળનો વીંટો મહારાજાના દૂતના હાથમાં મૂક્યો.

ચીનના દેવી શહેનશાહે એ કાગળનો વીંટો જ્યારે ખોલ્યો ત્યારે તેમાં એક જ શબ્દ સો વાર લખેલો હતો – ‘ધીરજ.’

[5] સત્ય એટલે શું ? – હરીન્દ્ર દવે

આપણે સૌ સત્ય કે પ્રેમનો ઉપદેશ કરીએ અને બુદ્ધ કે ગાંધી કરે એમાં ફરક પડી જાય છે. આચરણનું બળ ઉમેરાય ત્યારે વાણીનો પ્રભાવ વધી જાય છે. સત્ય શબ્દ પણ ઈશ્વર જેવો જ માયાવી છે : અકળ છે. સાંસારિક વ્યવહારના સત્ય અને અસત્યમાં અટવાયેલા આપણે પરમ સત્ય તરફ જવાને બદલે નાની નાની ભૂલભૂલામણીઓમાં જ અટવાઈ જઈએ છીએ. ‘સત્ય એટલે શું ?’ એ વિષે વિદ્વાનો કદી પૂર્ણ વ્યાખ્યા કરી શક્યા નથી. આ સંદર્ભે એક પ્રસંગકથા જોઈએ.

એક સાધુની કુટિરમાં પંખિણીની જેમ ફફડતી એક સ્ત્રી આવી અને ‘મારી પાછળ એક રાક્ષસ પડ્યો છે, મને છુપાઈ જવા દો.’ એવી વિનંતી કરે છે. સાધુએ સ્ત્રીને કહ્યું : ‘કુટિરમાં જ્યાં ફાવે ત્યાં બેસ : છુપાઈ જવાની જરૂર નથી.’ સ્ત્રીને નવાઈ લાગી, પણ સાધુના શબ્દોમાં આજ્ઞાનું બળ હતું. એ ખૂણામાં બેસી ગઈ. સાધુ કુટિરની બહાર જઈને બેઠા. થોડી વારે એક ક્રૂર દેખાતો માણસ આવ્યો : એણે સાધુને કુટિરના દરવાજા પાસે બેઠેલા જોઈને પૂછ્યું : ‘અહીં કોઈ સ્ત્રી આવી છે ?’
‘ના.’ સાધુને દઢતાથી કહ્યું.
‘જૂઠું બોલે છે ? એ સ્ત્રી આ તરફ જ આવી છે.’ પેલાએ કહ્યું.
‘જબાન સંભાળીને વાત કર. તારી ગંદી જબાનથી અહીંના વાતાવરણને અપવિત્ર ન કર. અહીં કોઈ સ્ત્રી નથી આવી.’ સાધુએ કહ્યું. એના અવાજમાં રહેલા બળથી પેલો ક્રૂર માણસ કંપી ગયો. દૂરથી પ્રણામ કરી બીજે રસ્તે ચાલ્યો ગયો.

પેલી સ્ત્રીએ સાધુને પ્રણામ કરી કહ્યું : ‘મહાત્મા, તમારે મારે કારણે અસત્ય બોલવું પડ્યું છે.’
સાધુએ હસીને કહ્યું : ‘બેટા, હું કદી અસત્ય બોલતો જ નથી. મારા સત્યના બળે તો એ માણસ ચાલ્યો ગયો.’
‘પણ હું અંદર હતી અને તમે કહ્યું કે અહીં કોઈ સ્ત્રી નથી આવી.’
‘બેટી, એ માણસની આંખોમાં જે સ્ત્રીનું રૂપ રમતું હતું એવી કોઈ સ્ત્રી મારી કુટિરમાં નહોતી. હા, મારી કુટિરમાં મારી એક પુત્રી હતી, પણ તેનો એને ખપ નહોતો. મેં પૂર્ણ સત્ય ઉચ્ચાર્યું છે.’

સત્ય અને અસત્યના ભેદ ભલભલાને ગૂંચવાડામાં નાખી દે છે : કૃષ્ણ સત્યને તથા ધર્મને જાણે છે, સત્ય અને ધર્મના અવતાર ગણાતા યુધિષ્ઠિર નથી જાણતા. ‘अश्वत्थामा हत:’ એટલા જ શબ્દો એ દઢ વિશ્વાસથી અને હાથી અશ્વત્થામાને જ દષ્ટિમાં રાખીને બોલ્યા હોત અને ‘નર વા કુંજર’ શબ્દો ધીમેથી બોલી પોતાની વાણી માટે સંદેહ ન કર્યો હોત તો કદાચ યુધિષ્ઠિરનો રથ નીચે ન ઊતર્યો હોત. સત્યપૂત વાણીનું સામર્થ્ય અમોઘ હોય છે.

[6] ગાંધીજીની સલાહ – પ્રેષક : રાજશ્રી ખન્ના

શ્રી જમનાલાલ બજાજના પુત્ર શ્રી કમલનયન બજાજ વિદેશ અભ્યાસ માટે ગયા ત્યારે ગાંધીજીએ જે સલાહ આપી તે આજે પણ સૌને ઉપયોગી થાય તેમ છે :

(1) થોડું બોલજે.
(2) સાંભળજે બધાનું, પણ ખરું લાગે તે જ કરજે.
(3) ક્ષણેક્ષણનો હિસાબ રાખજે, જે ક્ષણનું કામ હોય તે તે જ વખતે કરજે.
(4) ગરીબની જેમ રહેજે – ધનનું અભિમાન કરીશ નહીં.
(5) પાઈએ પાઈનો હિસાબ રાખજે.
(6) એકાગ્રતાથી અભ્યાસ કરજે.
(7) નિયમિત કસરત કરજે.
(8) મિતાહારી રહેજે.
(9) નિત્ય-નોંધ રાખજે
(10) બુદ્ધિની તીવ્રતા કરતાં હૃદયનું બળ અનેકગણું કિંમતી છે તેથી, તેનો વિકાસ કરજે. એ માટે ગીતાજી અને તુલસીકૃત રામાયણનું મનન આવશ્યક છે.
(11) પ્રાર્થના રોજ સવાર-સાંજ કરજે.

[કુલ પાન : 128. કિંમત રૂ. 80. પ્રાપ્તિસ્થાન : પુનિત પ્રકાશન પ્રતિષ્ઠાન. સંત ‘પુનિત’ માર્ગ, મણિનગર, અમદાવાદ-380008. ફોન : +91 79 25454545. ઈ-મેઈલ : jankalyan99@yahoo.co.in ]