ડૂબકી (ભાગ-3) – વીનેશ અંતાણી

[ જાણીતા નિબંધસંગ્રહ ‘ડૂબકી’માંના કેટલાક લેખો આપણે ગતવર્ષે ભાગ-1 અને ભાગ-2માં માણ્યા હતા. આજે માણીએ આ સુંદર પુસ્તકમાંથી વધુ બે લેખો. આપ શ્રી વીનેશભાઈનો આ સરનામે vinesh_antani@hotmail.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] નવા પ્રકારની શોધનો આરંભ

પચાવવું અઘરું પડી જાય તેવું એક સત્ય એ પણ છે કે આપણે આપણાં નાની ઉંમરનાં સંતાનો વિશે જેટલું જાણીએ છીએ તેનાથી અનેક ઘણું વધારે એ બાળકો આપણા વિશે જાણતાં હોય છે. અહીં જાણવાનો અર્થ વિસ્તૃત સંદર્ભમાં નથી, પણ મા-બાપ એમનાં સંતાનોની જેટલી બાબતો નોંધે છે તેનાથી વધારે, નાનામાં નાની બાબતો સંતાનો મા-બાપ વિશે નોંધતા હોય છે. એવું નથી કે મા-બાપ સંતાનોને ચાહતાં હોતાં નથી. વયસ્ક ઉંમરની વ્યક્તિઓને એમનાં સંતાનો ઉપરાંત બીજી અનેક બાબતોમાં વ્યસ્ત રહેવું પડે છે તેથી કેટલીક વાર સંતાનને પ્રેમ કરવો તે પણ એક જાતનું રૂટિન જેવું બની જાય છે. જ્યારે અમુક વય સુધી બાળકોનાં કેન્દ્રમાં મા-બાપ જ રહે છે. એ કારણે બાળકો મા-બાપની ઝીણામાં ઝીણી વિગત, એમની નાનામાં નાની પ્રતિક્રિયા, વગેરેની નોંધ લેતાં રહે છે. માતાપિતાનું વહાલ, એમની નારાજગી, સંતાનો માટે એમણે લીધેલી કાળજી, એમનો ગુસ્સો, એમના તરફ બેધ્યાનપણું વગેરે બધું જ બાળકોની સ્મૃતિમાં દઢપણે જડાઈ જાય છે.

આ સંદર્ભમાં એક પિતાનો અનુભવ જાણવા જેવો છે. પિતા લખે છે : હું અને મારી નવ વર્ષની દીકરી ટિના અમારા ગામથી ત્રીસ-ચાલીસ કિલોમીટર દૂર રહેતાં મારાં પેરેન્ટ્સને મળવા જઈ રહ્યાં હતાં. એ નાનકડા ડ્રાઈવ દરમિયાન ટિના બેઠી બેઠી કંટાળી ન જાય તે માટે મેં સમય પસાર કરવા ચાલતી કારમાં રમી શકાય તેવી રમત રમવાનું વિચાર્યું. અંતાક્ષરી કે વાર્તા કહેવી કે એવું કશુંક ચીલાચાલુ કરવાના બદલે હું કશુંક જુદું કરવા માગતો હતો. તેથી મેં ટિનાને કહ્યું, ‘ટિના, આપણે એક નવી રમત રમીએ. આપણે એકબીજાની કઈ વાત ગમે છે તેના વિશે કહીએ. એક વાક્ય હું બોલું, બીજું વાક્ય તારે બોલવાનું…. ઓ.કે.?’ ટિનાએ કહ્યું : ‘ઓ.કે.’

શરૂઆત મેં કરી, ‘ટિના, તું સવારે રડ્યા વગર ઊઠી જાય છે તે સવારે રડ્યા વગર ઊઠી જાય છે તે મને ગમે છે.’ ટિનાએ કહ્યું, ‘તમે મને દરરોજ સૂતાં પહેલાં નવી વાર્તા કહો છો તે મને ગમે છે.’ મેં કહ્યું : ‘તું સ્કૂલનું હોમવર્ક ફટાફટ કરી લે છે તે મને ગમે છે.’ ટિનાએ કહ્યું : ‘તમે મને ઊંચકીને ઉછાળો છો તે મને ગમે છે.’ એ રીતે અમને એકબીજાની કઈ કઈ વાત ગમે છે તેના વિશે વાક્યો બોલવાનું ચાલુ રહ્યું. થોડી વાર પછી મને અચાનક લાગ્યું કે ટિના વિશે કોઈ નવી વાત યાદ કરીને કહેવાનું મારા માટે અઘરું બનતું જતું હતું. દસ-પંદર સારી વાતો કહ્યા પછી નવું વાક્ય કહેવા મારે લાંબો સમય વિચારવું પડતું હતું – જાણે મેં ટિના વિશે જે જે વિગતો જોઈ હતી તે ખૂટી પડી હતી. જ્યારે ટિના તો મારા વિશે જરા પણ અટક્યા વિના ફટાફટ નવાં ને નવાં વાક્યો બોલતી જતી હતી. એક વાત કહી દીધા પછી બીજી નવી વાત યાદ કરવા એને જરાસરખો પણ વિચાર કરવો પડતો નહોતો. એની અંદર મારા વિશે કહેવા જેવી સારી વાતોનો આખો ખજાનો ભરેલો હોય તેવું લાગતું હતું.

મને તરત જ સમજાયું કે ટિનાએ ખૂબ નિરાંતે મારા વિશે કેટલીય બાબતો એના ચિત્તમાં સાચવી રાખી છે. એણે મારા નાનામાં નાના વ્યવહાર-વર્તનની નોંધ લીધી છે. મારી નવ વર્ષની દીકરી જાણે મારી આરપાર જોઈ શકતી હતી અને હું તો થોડી જ વારમાં હાંફી ગયો હતો. મારી પાસે એને કહેવા જેવું વધારે કશું હતું જ નહીં. હું હાર માનવા તૈયાર નહોતો. આથી હું વધારે ધ્યાનપૂર્વક મારા મનમાં ઊંડો ઊતર્યો અને વિચારવા લાગ્યો. એ કારણે અત્યાર સુધી ટિનાની જે બાબતો તરફ મારું ધ્યાન ગયું જ નહોતું તે પણ મને યાદ આવવા લાગી. મને એક જુદી જ ટિના દેખાવા લાગી, જેને મેં જોઈ તો હતી, પણ તે બધું જ મારા માટે રૂટિન બની ગયું હતું. તેમાં ટિના કંઈ વિશિષ્ટ કરી રહી હોય તેવો અર્થ મારા સુધી પહોંચ્યો જ નહોતો. મારા હાથમાં જુદી જ ચાવી આવી ગઈ. હું એને વધારે સરળતાથી નવાં ને નવાં વાક્યો કહેવા લાગ્યો. એ કેવી રીતે મને ભેટીને સૂઈ જાય છે, એ સ્મિત કરે છે ત્યારે એના ગાલમાં કેવા સુંદર ખંજન પડે છે, એ કેટલી ઝડપથી નવાનવા શબ્દો શીખે છે – એ બધાથી માંડીને ટિના એની મમ્મીને ઘરના કામકાજમાં કેટલી બધી મદદ કરે છે તેવું બધું જ મેં એને કહ્યું.

અમે મારાં પેરેન્ટ્સના ઘેર પહોંચ્યાં ત્યારે ટિના દોડતી દોડતી દાદી પાસે ગઈ અને કહેવા લાગી : ‘દાદીમા, તમને ખબર છે – મારા પપ્પા મારા વિશે કેટલું બધું જાણે છે ?’ હું તો અવાક ઊભો હતો.

આ વાત જે પુસ્તકમાં વાંચી તેના સંપાદકની નોંધ પણ સમજવા જેવી છે. એમણે નોંધ્યું છે, ‘અંગ્રેજી શબ્દ ‘રિસ્પેક્ટ’ મૂળ લેટિન ભાષાના ‘સ્પેક્ટો’ શબ્દમાંથી બન્યો છે. ‘સ્પેકટો’ એટલે ‘જોવું’ – બીજાને જોવું. વધતી જતી ઉંમરની સાથે આપણે આપણી જાતમાં એટલા બધા ખૂંપી જઈએ છીએ કે બીજી વ્યક્તિઓ પણ મહત્વ ધરાવે છે તે વાત ભૂલવા લાગીએ છીએ. એ કારણે આપણે બીજા લોકોનાં વ્યક્તિત્વનાં ઊંડાં પડોને જોઈ શકતા નથી. જો આપણે આપણામાંથી બહાર નીકળીને બીજાને ‘જોઈ’ – ‘સાંભળી’ શકીએ તો નવા જ પ્રકારની શોધનો આરંભ શક્ય બને છે.’

[2] ઉતારી નાખવા જેવો થાક

જીવન વીમા નિગમમાં કામ કરતા એક ભાઈને નાનપણથી બે શોખ છે – વાંચવું અને સંગીત સાંભળવું. એમને ત્રીજો શોખ પણ છે – કોઈ જૂના મિત્રને મળવાની ઉત્ક્ટ ઈચ્છા જાગે ત્યારે તેઓ એ વિચારને ઠેલે નહીં, તરત જ અમલમાં મૂકે. એમનું એવું માનવું છે કે કોઈને મળવાની ઉત્કટ ઈચ્છા સહજ ભાવે થાય ત્યારે તેમાં સાચો ઉમળકો હોય છે. એ ઈચ્છાને જરા સરખી પણ મોકૂફ રાખો તો ઉમળકાનું સ્વપ્ન બુદ્ધિ લઈ લે છે અને તમે વ્યાવહારિક રીતે વિચારવા લાગો છો. એક વાર એમને કિશોરાવસ્થાનો એક દોસ્ત અચાનક યાદ આવી ગયો. ઘણાં વર્ષોથી એને મળાયું નહોતું. તેઓ તરત જ પોતાના ઘેર ગયા, થેલો ઉપાડ્યો, બસમાં બેસી ગયા. આખી રાતની મુસાફરી પછી સવારે મિત્ર પાસે પહોંચ્યા ત્યારે એ મિત્રે પૂછ્યું : ‘આ બાજુ કોઈ કામસર નીકળ્યો’તો ?’ એમણે કહ્યું : ‘ના…..ના… કોઈ કામ નથી….. તને મળવાની ઈચ્છા થઈ તેથી આવી ગયો !’ દોસ્ત એમની વાત સ્વીકારવા તૈયાર જ નહોતો. એ માની જ શકતો નહોતો કે કોઈ વ્યક્તિ બીજાને માત્ર મળવા માટે જ આટલે દૂર આવી ચઢે.

આજની અતિવ્યસ્ત, બીબાઢાળ જિંદગીમાં આ પ્રકારના ઉમળકાને અમલમાં મૂકે તેવા બહુ ઓછા લોકો જોવા મળે છે. આપણા ભાવજગત ઉપર વ્યવહારજગત હાવી થઈ ગયું છે. સંજોગો પણ એવા હોય છે. કોઈ જ કારણ વિના થેલો ઉપાડીને નીકળી પડવું, પ્રવાસ પણ એટલા માટે કરવો કે મુસાફરી દરમિયાન મનગમતાં પુસ્તકો નિરાંતે વાંચી શકાય અને ઈયરફોન લગાવીને સંગીત સાંભળી શકાય – એવા પ્રકારની માનસિક તૈયારી હવે રહી નથી. કદાચ હોય તોપણ ઘણાંબધાં બંધનો આડાં આવે છે.

એ ભાઈ માને છે કે સાહિત્ય અને સંગીત – એ અર્થમાં કોઈ પણ કળા – માણસને સંબંધોની બાબતમાં જીવંત રાખી શકે છે. એ ભાઈનો દીકરો કમ્પ્યૂટરના ક્ષેત્રમાં નોકરી કરવા બહારગામ જતો હતો ત્યારે એમણે એને નાનકડી શિખામણ આપી હતી : તું જે ક્ષેત્રમાં જાય છે તેમાં પૈસો છે – પણ માત્ર એ જ વાતમાં માણસ તરીકેના અવતારનો અર્થ આવી જતો નથી. તું વાંચવાનું બંધ કરીશ નહીં અને સંગીતમાંથી રુચિ ઓછી કરતો નહીં. જૂના મિત્રોને કદી પણ ભૂલતો નહીં.

જૂના મિત્રોને નહીં ભૂલવાની શિખામણ મહામૂલી છે. આપણે નાનપણમાં કે શાળાજીવનમાં જે દોસ્તોની સાથે રહ્યા હોઈએ, આખો દિવસ જેની ડોકમાં હાથ ભેરવીને રખડ્યા હોઈએ એમનાથી દૂર થઈ ગયા પછી મોટેભાગે એ લોકોને ભૂલી જઈએ છીએ. જીવનના આરંભિક તબક્કામાં સાથે રહેલા બધા જ દોસ્તો આગળ વધી શકતા નથી. કેટલાક તો પોતાનું ગામ પણ છોડી શકતા નથી. આપણે જેને વિકાસ માનીએ છીએ તે માટેની તકો બધાને મળતી નથી. આગળ નીકળી ગયેલી વ્યક્તિને એવું લાગે છે કે એના જૂના દોસ્તોમાંથી કેટલાક જીવનમાં સ્થગિત થઈ ગયા છે. એમને મળવા જવાની તો ઠીક, એમના વિશે કશું જાણવાની, એમને યાદ કરવાની ફુરસદ પણ હોતી નથી. ‘આગળ વધેલા’ લોકો એમના નવા સંપર્કોમાં એવા ખોવાઈ જાય છે કે એક સમયે જેના વિના એક ઘડી પણ ચાલતું નહીં તેવા જૂના દોસ્તોને સદંતર ભૂલી જાય છે.

મને મારા નાનપણનો એક દોસ્ત યાદ આવે છે. અમે સ્કૂલમાં દર વર્ષે હસ્તલિખિત અંક કાઢતા. મારો એ મિત્ર ચિત્રકાર હતો અને એના અક્ષરો મરોડદાર હતા. એ આખા અંકની બધી જ સામગ્રી એના હસ્તાક્ષરોમાં લખતો અને અંકનું સુશોભન કરતો. તે સમયે એ મિત્ર મારા માટે હીરો હતો. હાઈસ્કૂલના સમયે મેં લખેલી રચનાઓ એના હસ્તાક્ષરોમાં લખાઈ હતી અને ‘પ્રગટ’ થઈ હતી. એણે આખી જિંદગી એ જ નાનકડા ગામની દુકાનમાં વિતાવી. હું એને મળી શક્યો નથી. થોડા સમય પહેલાં એના મૃત્યુના સમાચાર મળ્યા. મન ખરાબ થઈ ગયું. પસ્તાવાની લાગણી કોરવા લાગી. મારે એને મળવું જોઈતું હતું. એવા મિત્રોને ભૂલી શકાય નહીં. એમની સાથે આપણા જીવનનાં આરંભનાં વર્ષોનાં મૂળિયાં જડાયેલાં હોય છે. એમની પાસેથી આપણે ઘણું પામ્યા હોઈએ છીએ. મને યાદ છે, અમે મિત્રો એ ગામની શેરીના ઓટલા ઉપર બેસીને વિચારતા – મોટા થઈને આપણે શું બનશું ?

મોટા થઈ જવું પડતું હોય છે – પ્રતિષ્ઠા કે મોભામાં નહીં, ઉંમરથી…. મોટા થઈ જવું એક લાચારી છે અને મોટા થતાં થતાં આપણે જે પામીએ છીએ તેની સમાંતરે ઘણુંબધું જૂનું ગુમાવતા જઈએ છીએ. સૌથી મોટો ભોગ લેવાય છે બાળપણની નિર્દોષતાનો અને કશી જ અપેક્ષા વિનાની સહજતાનો. એ કારણે જ કોઈ જૂનો મિત્ર વર્ષો પછી મળે છે ત્યારે એવી ખટક પણ જન્મે છે કે હવે પેલી જૂની દોસ્તી રહી નથી, એ બદલાઈ ગઈ છે – માત્ર ઔપચારિક ઓળખાણ જ બાકી રહી છે. જૂની દોસ્તી અને સાહિત્યનું વાંચન અને સંગીતનું શ્રવણ…. એવું બધું આપણને કશાકની સાથે અતૂટપણે જોડી રાખે છે, માણસને માણસ તરીકે ટકાવી રાખવામાં મદદ કરે છે. જૂની દોસ્તીમાં આપણા ભવિષ્યનાં મૂળિયાં પડેલાં હોય છે. સંગીત માણસને રણઝણતો રાખે છે. વાચન નવી દિશાઓ ખોલતું રહે છે – એ દિશાઓ માત્ર બાહ્ય જગતના રાજમાર્ગની હોતી નથી, પણ આપણી અંદર પડેલી ગલીકૂંચીઓની દિશા પણ હોય છે.

મોટા થતા જવાનો અને આગળ વધતા જવાનો અર્થ એ નથી થતો કે માણસ તરીકે ખતમ થતા જવું. જો માણસ તરીકે સચવાઈ રહેવું હોય તો ઈચ્છા થાય ત્યારે થેલામાં બે-ચાર પુસ્તકો, મનગમતા સંગીતની થોડી કૅસેટો નાખીને કોઈકને માત્ર મળવા જવા માટે આખી રાતના ઉજાગરાવાળો બસપ્રવાસ કરી નાખવો જોઈએ. એનાથી થાક નહીં લાગે, થાક ઊતરશે. મોટા થઈ જવાનો થાક પણ ક્યારેક ઉતારી નાખવા જેવો હોય છે.

[કુલ પાન : 134 (નાની સાઈઝ). કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠની કંપની, ‘દ્વારકેશ’, રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : +91 79 25506572.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શ્રદ્ધાને શરણે – ડૉ. શરદ ઠાકર
પંચામૃત – સં. દેવેન્દ્ર એલ. ત્રિવેદી Next »   

15 પ્રતિભાવો : ડૂબકી (ભાગ-3) – વીનેશ અંતાણી

 1. Prutha says:

  એકદમ સાચી વાત…માતા પિતાનુ દરેક પ્રકારનુ વર્તન બાળકોની સ્મ્રુતિમા જડાઇ જાય છે..ને જે ઘણો લાંબો સમય ટકે છે..

 2. trupti says:

  બહુ સરસ લેખ.આજની ભાગદોડ ભરેલી જીદગી મા આપણ ને જ્યારે આપણા સગાઓ ને ત્યા જવાનો વખત નથી મળતો ત્યા મિત્રને દુર સુધી મળવા જવુ, એ માનવ લાગણી ને પ્રદસીત કર છે. લેખક શ્રી.અતાણી અને મ્રુગેસભાઈ ને સુદર લેખ આપવા બદલ ખુબ આભાર.

 3. ૧/ બાળક મોટાભાગની વસ્તુઓ અનુકરણથી શીખે છે…અને બાળમાનસમાં કોઇ નાની સરખી વાત પણ ચોક્ક્સ આકાર લઇ લે છે…પછી એ આકાર ક્યારેય બદલાતો નથી….માટે જ બાળકો સામે વર્તન કરતાં પહેલાં ઘણું ખરું વિચારવું જોઇએ.

  કોઇ નવી વાત શિખવાડવા માટે માતા-પિતા તરીકે આપણે શું સારુ કરીએ છીએ તે વિચારવું જોઇએ.

  ૨/ થાક ઉતારવાની વાત સાવ સાચી છે…ક્યારેક મોટા થવાનો, વ્યવહારુ થવાનો કે ઔપચારિક થવાનો થાક લાગે છે….પણ સામાન્ય બનવાનો ક્યારેય થાક નથી લાગતો…. દા.ત… કોઇ મિત્રના લગ્નમાં હાજરી આપવી પડશે એ વ્યવહાર…અને ઉમળકાથી કહીએ કે કાલેતો મિત્રના લગ્ન છે તે ઉત્સાહ….સહજ બનવું કે જેવા છીએ તેવા પ્રદર્શિત થવામાં ક્યારેક નાનમ અનુભવીએ છીએ અને એટલે જ જે નથી એ બતાવવાના નાટકમાં આપણે થાકી જઇએ છીએ.

 4. Balkrishna A. Shah says:

  નવા પ્રકારની શોધનો આરંભ લેખ વાંચ્યો. બધા મા બાપોએ વાંચવા અને સમજવા જેવો લેખ.

 5. જગત દવે says:

  મારા desk calendar પર તા. ૧૨ જાન્યુ. નો સુવિચાર…..

  “Parents can only give good advice OR put children on the right paths, BUT the final forming of a person’s character lies in his/her own hands”

  લેખનાં વિષય અને મારા desk calendar પરના સુવિચાર ને શું સબંધ હશે? એક અજબનો યોગાનુયોગ !!!!

 6. જગત દવે says:

  [2] ઉતારી નાખવા જેવો થાક: ઊત્તમ સલાહ આપતો લેખ. મેં રીડ-ગુજરાતી પર હમણાં જ લખેલ એક અભિપ્રાય ફરી દોહરાવું છુ.

  માણસ તરીકે સચવાઈ રહેવું હોય તો……..(મને લેખકનો આ શબ્દ પ્રયોગ ખુબ ગમ્યો)

  ૧. સંગીત અથવા કોઈપણ કળા ને અપનાવો
  ૨. સારા પુસ્તકોનું વાંચન
  ૩. નિખાલસ હાસ્ય કેળવો (જે પોતાની ઉપર પણ હસી શકે……જોકસ વાંચીને તો બધાં જ હસે)
  ૪. નાના બાળકો સાથે રમત રમો
  ૫. કુદરત સાથે થોડો સમય ગાળો
  ૬. ફ્કત બે સાચા મિત્રો બનાવો અને જાળવો જેને મનની બધી જ વાત કરી શકાય.
  ૭. એકાંત અને મૌન પાળો (મન સાથે થોડો સંવાદ કરો)

  જો આમાંથી કોઈ ૩ આદત પણ જો કેળવી હશે તો તમારું અને તમારી આસપાસનાં લોકોનું જીવન પણ મહેંકશે અને નહી કેળવી હોય તો…….. ‘ઈશ્વર બચાવે’

  “મોટા થઈ જવું પડતું હોય છે – પ્રતિષ્ઠા કે મોભામાં નહીં”………વાત સાચી…….પણ મુશ્કેલી એ છે કે ઘણાં લોકોના “મોટા” થવા સાથે તેમનો અહમ પણ એટલો જ મોટો થતો જતો હોય છે. તેને લીધે જયારે જુનો મિત્ર મળે ત્યારે તે ‘ઔપચારીક’ લાગે છે. બંને મિત્રો જો તેમના વર્તમાનનાં ‘designation’ અથવાતો અહમને ઉતારી દે તો પછી જુઓ કે કેવી મજા આવે છે!!!!!!

 7. Chintan says:

  બાળકોના મનને સમજવું એ ખુબ અઘરુ કામ છે. ઘણીવાર બાળકો એવા વિસ્મયકારક પ્રશ્નો પુછી લેતા હોય છે કે સૌને અચરજ થઈ જાય એ વાત પ્રથમ વાતમા ખુબ સરસ રીતે વર્ણવી છે.
  “ઉતારી નાખવા જેવો થાક”..ખુબ સરસ છે.
  પ્રતિભાવો પણ ખુબ સુંદર છે.

  આભાર મૃગેશભાઈ.

 8. Rajendra Namjoshi,Surat says:

  ‘ નવા પ્રકારની શોધનો આરંભ’ અને ‘ઉતારી નાખવા જેવો થાક’ વાંચીને બિલકુલ થાક ન લાગ્યો.વીનેશભાઈની શૈલી અનોખી છે એટલે ખુબજ મઝા પડે છે.બંને લેખો વિચારપ્રેરક અને મનનિય છે.
  -રાજેન્દ્ર નામજોશી -વૈશાલી વકીલ ( સુરત )

 9. nayan panchal says:

  હું વધુ તો શું લખુ, જે પણ કહેવુ છે તે ઉપરના મંતવ્યોમાં આવી જ ગઈ છે.

  ખૂબ સરસ, આભાર.
  નયન

  મોટા થઈ જવાનો થાક પણ ક્યારેક ઉતારી નાખવા જેવો હોય છે.

 10. Veena Dave. USA says:

  ખુબ સરસ લેખ્.

 11. Preeti Dave says:

  સાચે જ ” જે સહજ હોય તે જ ખરો સબંધ “.

 12. Vraj Dave says:

  બાળકો ક્યારેક આપણને પણ વિચારતા કરી દે છે, અરે હરાવી દે છે.જગતભાઇએ પણ સારી ટીપ્સ આપી.
  વ્રજ દવે

 13. જય પટેલ says:

  કારીગર…કળાકાર…સર્જક અને સૌથી મોટો મોટાઈનો થાક ઉતારવા અલગ અલગ
  આયામ હોઈ શકે.

  મોટાઈનો થાક ઉતારવા સ્વની ખોજ કરવી પડે જે આપની અંદર જ છે.
  જેમ જેમ દંભ અંહકાર અજ્ઞાન મૂઢતાનાં પડ ખરતાં જાય તેમ તેમ સ્વ ઢુંકડું નજરે પડે..!!

  મિત્રને મળવા માટે વર્તમાનને ત્યજી ભૂતકાળને વાગોળો એટલે નિર્મળ મિત્રતા રોકડી હાથ લાગે.

 14. Jigna Bhavsar says:

  “નવા પ્રકારની શોધનો આરંભ ” ખુબ જ ગમ્યું.

 15. Naynesh Vora says:

  Yes. The articles are very good, especially about old friends and freiendship is superb. We have to grow old despite the fact that we really do not desire to. People make new friends and forget old ones, which is the reality every one should accept this. Though I am a regular reader of Dubaki, it is great feel to read in the form of Read Gujarati web pages. Keep the good work on!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.